સાત પગલાં આકાશમાં/૯
હર્ષ અને અશેષ સૂતા હતા, તે રૂમમાં વસુધાને સુમિત્રા માટે સૂવાની વ્યવસ્થા કરી. સુમિત્રાના મનમાંથી ઘણી બધી વાતો બહાર આવવા ઊછળતી હતી, પણ વસુધાએ ‘બહુ મોડું થયું છે સવારે વાત!’ કહીને એને સૂઈ જવાનું કહ્યું — ‘આપણે ધીમા અવાજે વાતો કરીશું. કોઈ જાગી નહિ જાય’ — સુમિત્રાએ આગ્રહ રાખ્યો. ‘ચાલોને તમારી અગાસીમાં બેસીને વાતો કરીએ, મારે તમને ઘણું ઘણું કહેવાનું છે. તમે બહુ થાકી ગયાં છો?’ વસુધા મનમાં પીડાઈ રહી. થાકની વાત નથી. પણ વ્યોમેશ કદાચ જાગતો હશે. પૂછશે તમારા વિશે, ત્યારે હું શું કહીશ? વસુધાએ સુમિત્રા વિશે સાધારણ વાત વ્યોમેશને કરી હતી. બાગમાં ફરવા જાઉં ત્યારે મળે છે, એમ.એ. કરે છે — વગેરે. પણ એના સંઘર્ષની વાત નહોતી કરી. અત્યારે વ્યોમેશ જાગતો હશે તો પૂછશે — આ રાતવેળાએ કેમ આવી છે તારી બહેનપણી? ભાગીને આવી છે — એમ પોતે કહે તો વ્યોમેશનો પ્રતિભાવ કેવો હશે? એને ઘ૨માં ૨હેવા દેશે? જડતા અને રૂક્ષતાથી કહી દેશે કે : એવું લફરું મને મારા ઘરમાં ન જોઈએ! દિવસે આવી હોત તો મળવા આવી છે એમ કહી શકાત. પણ રાતે સૂવાટાણે આવી છે. ગામમાં ઘર હોવા છતાં બૅગ લઈને આવી છે. એને માટે શો જવાબ આપી શકાય? વ્યોમેશને થોડી વાર સમજાવી દઈ શકાય એવો કોઈ જવાબ તેને સૂઝ્યો નહિ એટલે, કે પછી સ્વમાન જાગ્રત થયું અને ‘એમાં શું? જે છે તે કહીશ’ — એમ વિચાર્યું એટલે, મનમાંથી દ્વિધા ખંખેરી નાખીને તે ધીમા પગલે રૂમમાં ગઈ. જોઉં શું કહે છે તે. સદ્ભાગ્યે વ્યોમેશ ઊંઘી ગયો હતો. રાતે તેને જલદી ઊંઘ આવી જતી. એ વસુધાને ક્યારેક ખટકતું, પણ આજે વરદાન જેવું લાગ્યું. બીજે દિવસે વસુધા વહેલી ઊઠી ગઈ. સુમિત્રા જાગતી જ હતી. તરત જ તે ઊઠીને રસોડામાં આવી અને વસુધાને મદદ કરાવવા લાગી. વસુધાને એક એક પળ પસાર થતી હતી તે બિવડાવતી જતી હતી. હવે તો વ્યોમેશ પૂછશે જ. બીજાની મુશ્કેલી તે સમભાવ અને સહાનુભૂતિથી સમજે એવી તેની પ્રકૃતિ નથી. માબાપને ઘે૨થી રાતે ભાગી આવેલી જુવાન છોકરી પ્રત્યે તેનો ભાવ કેવો હશે તે કલ્પવાનું અઘરું નથી. ચા પીને, છાપું વાંચ્યા પછી વ્યોમેશ નાહવા માટે ઊઠ્યો, ત્યારે તેણે રસોડામાં સુમિત્રાને જોઈ. આશ્ચર્ય પામી તેણે હાક મારી : ‘વસુધા!’ વસુધા કટોકટીની પળ માટે હિંમત એકઠી કરતી જરા વાર ઊભી રહી, પછી ધીમે ચાલતી ગઈ. સુમિત્રા રસોડામાં શાક સમારતી હતી. વ્યોમેશે પૂછ્યું : ‘કોણ આવ્યું છે?’ પણ વસુધા કાંઈ જવાબ આપે તે પહેલાં દીપંકરનો રડવાનો અવાજ આવ્યો. વસુધાના હૃદયમાં ખુશીની એક લહ૨ દોડી ગઈ. ભલે બે પળ માટે, પણ ચુકાદાની ઘડી દૂર ઠેલાઈ હતી. ‘એ તો સુમિત્રા છે — ’ બોલતી તે અંદર દોડી. ‘હમણાં આવું હોં — ’ વ્યોમેશે ફરી રસોડા નજીક આવીને ડોકિયું કર્યું. સુમિત્રા તેના તરફ જ જોઈ રહી હતી. વ્યોમેશ નજીક આવતાં તે ઊભી થઈ. ‘કેમ છો વ્યોમેશભાઈ? હું સુમિત્રા. મારા વિશે વસુધાબહેને તમને વાત તો કરી હશે.’ તે સવા૨નાં કિરણો જેવું ઝગમગતું હસી. ‘આપને મને અહીં જોઈને નવાઈ લાગી ને? મારા શિક્ષક મને કહેતા કે તું લોકોને બીજું કાંઈ ન આપી શકે પણ આશ્ચર્ય અને આંચકા તો આપી જ શકે છે.’ તે ફરીથી હસી. ‘પણ હું તમને બધી નિરાંતે વાત કરીશ. થોડા દિવસ તો હું અહીં રહેવાની છું.’ આનંદ અને ઉત્સાહથી ચમકતા એ સુંદર તાજા ચહેરાને જોઈને, એની ખળખળતી વાત સાંભળી વ્યોમેશ સહેજ વિસ્તરી ગયો. ‘હા હા, આવ્યાં તો બહુ જ આનંદ થયો. વસુધાએ મને તમારા વિશે કહ્યું તો હતું જ. આપણે પછી નિરાંતે વાત કરીશું.’ અને ઉત્સુકતાને જરા વા૨ સંકેલી લઈ તે નાહવા ચાલ્યો ગયો. જમતી વખતે પછી પૂછ્યું. ‘વસુધા, તેં તો મને કાંઈ વાત નથી કરી. કોણ છે આ છોકરી?’ વસુધા બોલી : ‘વાત કેમ નથી કરી? બાગમાં હું છોકરાઓને લઈને જાઉં ત્યારે ઘણી વા૨ મળે છે, બી.એ. પાસ થઈ છે — બધું કહ્યું તો હતું!’ ‘હા, પણ આમ આપણે ત્યાં કેમ આવી છે?’ અચાનક જ વસુધાને જવાબ સૂઝી ગયો. ખુશ થતી તે બોલી : ‘મેં એને કહ્યું હતું, થોડા દિવસ આવીને રહેવાનું. મારે એની પાસેથી થોડી વાનગીઓ શીખવી છે. કેવી ખુશમિજાજ છોકરી છે, નહિ?’ તે વ્યોમેશ સામે હસીને જોઈ રહી. મનમાં ભય પામી રહી કે હવે કયો સવાલ આવશે. એટલામાં કોઈએ બારણું ખટખટાવ્યું. તે ઉઘાડવા ગઈ. ત્યાં હર્ષ અને અશેષ લડી પડ્યા, અને તે એમનામાં રોકાઈ ગઈ. વ્યોમેશે પછી ઝાઝું કાંઈ પૂછ્યું નહિ, તૈયા૨ થઈને તે કામ ૫૨ ચાલ્યો ગયો. તેના જતાં વસુધાનો સવા૨થી અધ્ધર રહેલો શ્વાસ નીચે આવ્યો. હાશ, ભય અને આશંકાનો એક પટ તો ઓળંગાઈ ગયો. હવે સાંજે જે થાય તે. તે દિવસે પછી સુમિત્રાએ વસુધાને રસોડાનું બાકીનું કામ કરવા ન દીધું. આજે બધું હું જ કરીશ. તમે બીજું જે કરવું હોય તે કરો; ન કરવું હોય તો ન કરો, આજે તમને છુટ્ટી.’ વસુધાએ આનાકાની કરી, તો પ્રેમ ને ઉપાલંભથી કહે : ‘રોજેરોજ તો તમારે આ કરવું જ પડતું હશે ને? અઠવાડિયાના સાતે દિવસ ને વ૨સના બારે મહિના. પુરુષોને ઑફિસમાંથી રવિવારે ૨જા મળે, શનિવારે અડધી ૨જા, બીજી જાહેર રજાઓ, કેઝ્યુઅલ લીવ, ઉપરાંત વરસે એક મહિનાની પેઈડ લીવ. સ્ત્રીઓને તો બારે મહિના ને આખી જિંદગી આ જ કામ ક૨વાનું ને! કંટાળો આવે, નહિ? પણ હું તમને કહી દઉં છું, આ થોડા દિવસ તો બધું હું જ કરવાની છું. તમે તમને ગમતું બીજું કાંઈ કરો અથવા આરામ કરો. તમારી આંખો થાકથી કેટલી ઝાંખી થઈ ગઈ છે!’ સાત વર્ષના લગ્નજીવનમાં આ પહેલી વાર કોઈએ પોતાને વિશે પોતાની દૃષ્ટિથી વિચાર કર્યો હતો. વસુધા દ્રવી ગઈ. તેણે સુમિત્રાને ના ન પાડી. ‘થોભો, હું તમને અહીં જ ખુરશી લાવી આપું. હું કામ કરીશ, તમે બેઠાં બેઠાં મને બતાવજો.’ સુમિત્રા ઝડપથી જઈને વ્યોમેશની આરામખુરશી રસોડામાં લઈ આવી. અહા સવારના સાડાદસ વાગ્યે આમ આરામખુરશીમાં બેસી પગ ઝુલાવતાં ઝુલાવતાં કાંઈ પણ કામ કે કામની ચિંતા ન કરવાની સ્થિતિમાં પોતે મુકાઈ શકે એવી વસુધાએ કદી કલ્પના નહોતી કરી. થોડી વાર તે આ અલભ્ય, અશક્યવત્ પળોનો આનંદ માણી રહી. સુમિત્રાએ ફટાફટ કાચનાં વાસણ ધોઈ નાખ્યાં, આડીઅવડી પડેલી વસ્તુઓ ઠેકાણે મૂકી દીધી, તપેલાં એકબીજા પર ચડાવી દીધાં અને પછી રોટલી કરવા બેઠી. રોટલી વણતાં લોટ જરા પણ આજુબાજુ વેરાતો ન હતો. કાર્યમાં ઝડપ, ચોખ્ખાઈ અને ચોક્કસતા હતાં. વસુધાની આંખો પ્રશંસાથી નીતરી રહી. એનો એ ભાવ પારખીને સુમિત્રા બોલી : ‘તમને થતું હશે કે મારી મા કાંઈ નહિ તો મારા આ કામ પર ખુશ હશે, નહિ? પણ હું કાંઈ ઘેર આવું બધું કામ માને કરાવતી નથી.’ વસુધા નવાઈ પામીને બોલી : ‘કેમ? માને મદદ તો કરવી જોઈએ ને! તમારા હાથમાં તો કેટલી કુશળતા છે! આ આંગળીઓ જાણે કામને ઓળખે છે. તમારી નજર મારી તરફ હોય તોય કામમાં તમારી ભૂલ થતી નથી. કામ કરવાનું જેને ન ગમતું હોય એની આંગળીઓમાં આવી સૂઝ હોય જ નહિ.’ મેં ક્યાં કહ્યું કે મને કામ કરવાનું ગમતું નથી?’ ‘વાહ, તો પછી માને મદદ કેમ કરતાં નથી?’ એ સિદ્ધાંતનો પ્રશ્ન છે.’ વસુધા હસી પડી. ‘તમે પણ કમાલ છો. માને મદદ કરવામાં સિદ્ધાંતનો પ્રશ્ન વળી શાનો?’ ‘સાચી વાત કહું?’ અને આખી વાત કહો.’ ‘તો સાંભળો. આમ કામ ન કરાવવા દ્વારા હું મારો વિરોધ નોંધાવું છું. એમ સમજોને કે આ મારી ‘પ્રોટેસ્ટ નોટ’ છે. એનું કારણ કહ્યું : મારે બે ભાઈઓ છે. મારાથી થોડા મોટા. પણ હું નાની હતી ત્યારથી મારી મા કામ તો મને જ ચીંધે. ઘરમાં કાંઈ પણ મુશ્કેલી હોય, મહેમાન આવ્યા હોય, કામ કરનાર નોકર ન હોય તો ફટ દઈને મને જ મા કહે : આ કરી નાખ, તે કરી નાખ. ભાઈઓને તો કોઈ દિવસ ઘરનું કામ કરવાનું ન કહે. તો એ લોકો કંઈ દેવના દીધેલ છે? અને હું અણમાગી આવેલ છું? સ્કૂલમાં ભણતી ત્યારે મા માંદી હોય તો મારે સ્કૂલે નહિ જવાનું. મારા બાપુજીને આગળથી જણાવ્યા વગર અચાનક જ મિત્રોને જમવા માટે અવારનવાર લઈ આવવાનો શોખ છે. માની અનુકૂળતાનો તો વિચાર કરે જ નહિ. અણધાર્યા જ ચાર-પાંચ મિત્રોને લઈને આવે ને માને બસ, કહી દે — આજે બધા અહીં જમશે. એટલે પછી હું ભણવા બેઠી હોઉં તોયે મા મને જ ઉઠાડે. ભાઈઓ તો ક્રિકેટ ૨મવા જાય કે અખાડામાં જાય. તે જાય જ. પણ મેં કાંઈ પણ બીજું નક્કી કર્યું હોય તે રદ કરવું પડે. મારી મા ઘણી વા૨ મારા બાપુજીને કહે — આગળથી જરા જણાવતાં હો તો! ‘તો બાપુજી હસીને કહે : મને જરા હોંશ થઈ આવી. તેમના મિત્રો તેમને બહુ હોંશીલા, ઉદાર, મિત્રો માટે ઘસારો વેઠનારા માને છે. પણ એમની એ ઉદારતા અને હોંશની અમારે — માએ અને મારે — કેટલી કિંમત ચૂકવવી પડે છે એ તેમના મિત્રો નથી જાણતા. માને રંગોળી પૂરતાં બહુ સરસ આવડે છે. પડોશની છોકરીઓ ઘણી વાર શીખવા ઇચ્છે. મા કહે : બુધવારે સાંજે નિશાળેથી ઘેર આવો પછી મારી પાસે આવજો, હું શીખવીશ ત્યારે. પણ તે દિવસે સાંજે અચાનક ઘણી વધારે ૨સોઈ કરવાનું બને એટલે બધાંને પાછાં મોકલી દેવાં પડે. હવે આ કેવી વાત કે બાપુજીને ગમે ત્યારે ગમે તેટલા મિત્રો લઈ આવવાની છૂટ અને માને પોતાના નાના નાના શબ્દો જાળવવાનીયે છૂટ નહિ? તમને ખબર છે — હવે મા કોઈને કહે કે હું તમને અમુક દિવસે મળવા આવીશ કે અમુક કામ કરાવવામાં મદદ કરીશ, તો બધાંને એમ જ થાય કે એ તો ખાલી બોલે છે, એ કાંઈ આવશે ક૨શે નહિ.’ ‘પણ તો તો તમારે માને વધારે સાથ આપવો જોઈએ ને?” હા, તે આપવો જ પડતો ને! મારે જ પૂરી વણાવવાની. મારે જ પીરસવાનું. નોકર ન હોય તો મારે જ વાસણ માંજવાનાં. હું કહું : મને કામ ક૨વાનો જરા પણ વાંધો નથી, પણ ભાઈઓને વાસણ માંજવાનું તું કેમ કહેતી નથી કોઈ દિવસ? એમના હાથ કાંઈ સોનાના છે? આમ હું કહું એટલે મા ચિડાય : એ તો છોકરાઓ છે, એ વળી કાંઈ રસોડામાં કામ કરાવતા હશે? ‘પણ હું કાંઈ સહેજમાં નમતું આપું એવી નથી, હોં! હું કહું કે કેમ, આપણે ત્યાં વાસણ માંજવા આવે છે એ છોકરો નથી? રસોઇયાઓ પુરુષો નથી હોતા? આ તું હંમેશાં આ લોકોનાં ફાટેલાં કપડાં સાંધી આપે છે, બટન ટાંકી આપે છે, અને કહે છે કે એ લોકોને એવાં કામ ન ફાવે. તો શું દરજીઓ પુરુષો નથી હોતા? એમને કેમ બધું ફાવે છે? એ લોકો મંગળના ગ્રહમાંથી આવેલા છે? હું આવું આવું કહું એટલે મા ગુસ્સે થાય : તને તો દલીલો કરતાં બહુ આવડે છે. તને આ ભણાવીએ છીએ એ જ મોટી ભૂલ છે. બોલો, આ બધાની સામે સૈદ્ધાંતિક વિરોધ હોય તો મારે શું કરવું? ભગવાને એની ભૂલની પળોમાં મને ઘડી હોય તો મારે શું કરવું?’ તે વળી હસી, તેને વાતે વાતે હસવાની ટેવ હતી. ‘પણ આવું તો બધાં જ ઘરોમાં હોય છે.’ ‘હા પણ બીજા કોઈને કંઈ લાગતું નથી અને મને લાગે છે — એટલો ફરક. મારી મા કહે છે — તારા મગજમાં બહુ ભૂસું ભર્યું છે.’ તે ફરી હસી. ‘પણ એ ભૂસાની ભીતર એક તણખો છે.’ તેના અવાજમાં એક રણકાર આવ્યો. ‘તમે મારી આંગળીઓનાં વખાણ કરતાં હતાં ને?’ તેણે પોતાની લાંબી, પાતળી ગુલાબી આંગળીઓ ફેલાવી. ‘મારી બહેનપણીઓ ને નાની બહેનો કહે છે — લાવ તારા હાથમાં મેંદી મૂકીએ. હું કહું છું તેમને કે આ હાથ મેંદી મૂકવા માટે નથી, મશાલ પેટાવવા માટે છે.’ તેણે ગર્વ અને તેજથી ચમકતી નજરે વસુધા સામે જોયું. ‘તમને લાગે છે, હું એ પેટાવી શકીશ? આ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે જે રીતે વ્યવહાર થાય છે. એમાં નખશિખ પરિવર્તનની જરૂર છે. પણ હું એવું કામ ઉપાડું તો એમાં મને બીજાઓનો સાથ મળશે? સ્ત્રીઓ મને સાથ આપશે? વસુધા હલી ગઈ. ‘હું તો તમને જરૂ૨ સાથ આપીશ. મને પણ એવી કેટલીયે બાબતો વિશે લાગી આવે છે, જેને બીજી સ્ત્રીઓએ સ્વાભાવિક ગણીને સ્વીકારી લીધી હોય. પણ મારામાં હિંમત નથી. મને એમ જ લાગે કે હું તેમની માન્યતા વિરુદ્ધનું કાંઈ પણ કહેવા જઈશ તો ઝઘડો થશે…’ ‘હું પણ એનાથી જ ડરું છું ને? માબાપને નારાજ કરવાનું મને પણ જરીકે ગમતું નથી. એમ છતાં જુઓ, હું કેવી ચાલી આવી છું! અત્યારે એ લોકોની તો ચિંતાનો પાર નહિ હોય!’ ‘અરે હા, એ વાત તો રહી જ ગઈ. ગઈ કાલે શું થયું હતું ઘરમાં? તમે કેમ આમ રાતે ઘર છોડીને ચાલ્યાં આવ્યાં?’ ‘એમાં તો એમ થયું કે — ’ ‘બાપ રે!’ વસુધા સફાળી ઊભી થઈ ગઈ ને ઝટપટ ખુરશી બહાર લઈ જઈ, હતી ત્યાં મૂકી દીધી. બારણે અવાજ થયો હતો. કદાચ દર્શન કરીને ફૈબા જ પાછાં આવ્યાં હશે… પાછળથી સુમિત્રાએ પૂછેલું : ‘તમે કેમ આમ ગભરાઈને ઝડપથી ઊભાં થઈ ગયાં? આરામખુરશીમાં થોડી વાર ઝૂલવું એ કાંઈ ગુનો છે?’ — હું પચાસ વર્ષની થઈશ ત્યારે કદાચ ગુનો નહિ રહે, પણ અત્યારે એ ગુનો જ છે, સુમિત્રા! ચોપડી વાંચવી એ ગુનો છે, પાયાના સવાલ પૂછવા એ ગુનો છે, સૈકાઓથી જે માન્યતા, જે પરંપરા ચાલી આવી હોય તેનાથી જુદું વિચારવું તે ગુનો છે, સાસુ ને પતિ જેનાથી નારાજ થાય તેવું કાંઈ પણ કરવું એ ગુનો જ છે. પરણ્યા પહેલાં કદાચ આ વાત નહિ સમજાય, પણ કોઈ નાની ઉંમરની વહુને પૂછી જોજો…
ફૈબાએ સુમિત્રાને જોઈને પૂછેલું : કોણ છે, શું કરે છે? માબાપ કોણ છે? કેમ આવી છે? વસુધાએ ફૈબાને સાધારણ વાત કરી, માત્ર ભાગી આવવાની વાત કરી નહિ. પણ સુમિત્રાએ ફૈબાને ખુશ કરી દીધાં : ‘ફૈબા, તમને જોઈને મને મારાં ફૈબા યાદ આવે છે. તમારાં જેવાં જ સાદાં અને ધર્મિષ્ઠ… ફૈબા, તમે જમવા બેસો. રોજ તો વસુધાબહેન તમને જમાડે છે. આજે હું ગરમ ગરમ રોટલી જમાડું. જુઓ તો, મને કેવી આવડે છે… ફૈબા, માથામાં તેલ ઘસી આપું? ફૈબા, તમે રહેવા દો, હું બધાં કપડાંની ગડી વાળી લઉં છું હમણાં…’ સુમિત્રાના શબ્દો ફૈબાની જાણે આરતી ઉતારી રહ્યા. ફૈબા પીગળી ગયાં. અહા, બોલે છે તો જાણે ફૂલ ઝરે છે! જેવું મોં મીઠું છે તેવી જ વાણીયે મીઠી છે…
બપોરે ફૈબા સૂઈ ગયાં, પછી સુમિત્રાએ વાત કરી. લગ્નની જ વાત હતી. બીજા એક છોકરા સાથે લગભગ નક્કી થયું હતું. છોકરો હમણાં જ ડૉક્ટર થયો હતો. દેખાવે પણ ખરાબ નહોતો. વાતચીતમાં આનંદી લાગ્યો. ઘરનાં લોકો પણ સારાં છે. સુમિત્રાનાં માબાપને તો ખૂબ ગમી ગયો હતો. સુમિત્રાને હા પાડવા માટે આગ્રહ કરેલો. હાશ, ચાલો, એક છોકરીનું નક્કી થયું. હવે બેની જ ચિંતા રહી. પણ ત્રીજી મુલાકાત વખતે એણે દહેજની વાત કરી. દહેજ એમ નામ ન આપ્યું, પણ કહ્યું કે મને મદદ કરવી પડશે. મારે નવું દવાખાનું શરૂ કરવાનું છે. મારાં માબાપે મને ડૉક્ટર બનાવવા પાછળ ઘણા પૈસા ખર્ચ્યા છે. શક્તિ નહોતી છતાં ખર્ચ્યા છે… સુમિત્રાના બાપે તો લગભગ સ્વીકારી લીધું. પણ સુમિત્રા ગુસ્સાથી ચિત્કારી ઊઠી : ‘તમારાં માબાપે તમારા પાછળ ખર્ચ કર્યો હોય, તેનો બદલો તમે મારાં માબાપ પાસેથી લેવા માંગો છો? તો શું મારાં માબાપે મારે માટે કાંઈ ખર્ચ નથી કર્યો? એના પૈસા તમારાં માબાપ મને આપશે? તમારાં માબાપે ખર્ચ કર્યો તો તમે કમાઈને એમને ભરપાઈ કરી આપજો, એમાં મારાં માબાપને વચ્ચે શા માટે લાવવાં જોઈએ?’ છોકરો ને એની મા તો ડઘાઈ જ ગયાં. સુમિત્રાની માએ એને બહુ વારી પણ સુમિત્રા તો ઝનૂન ચડ્યું હોય એમ બોલ્યે જ ગઈ : ‘તમે એક જીવંત વ્યક્તિને તમારે ત્યાં લઈ જાઓ છો, એ શું ઓછી કીમતી બાબત છે? હું મારું જીવન, મારી આવડત, મા૨ી જે કાંઈ દક્ષતા હોય તે બધું લઈને તમારે ત્યાં આવું છું, એનો ઉપયોગ કોને માટે થવાનો છે? પૈસા માગતાં તમને શ૨મ નથી આવતી?’ તેણે છોકરાની મા તરફ હાથ લાંબો કર્યો : ‘તમે — તમે સ્ત્રી છો. તમે મા છો. તમે એક સંતાનને વેચો છો, એક સંતાનને ખરીદો છો. તમારી જાતને મા કહેવડાવતાં તમારે લાજી મરવું જોઈએ.’ છોકરો ને તેની મા ગુસ્સાથી ફફડતાં ઊભાં થઈ ચાલ્યાં ગયાં. માબાપનો ગુસ્સો શબ્દોમાં સમાતો નહોતો. ‘અમને પૈસા આપવામાં વાંધો નહોતો, પછી તારું શું આકાશ તૂટી પડતું હતું? આવો સરસ છોકરો હાથથી ગયો અને હવે તો કોઈ મળશે જ નહિ. નાની બહેનોયે રખડી પડશે…’ વાતાવરણ ખૂબ ડહોળાઈ ગયું. તૈયાર કરેલો નાસ્તો એમ ને એમ પડી રહ્યો. તે રાતે ચુપચાપ સુમિત્રાએ ઘર છોડ્યું. સ્થિર ચિત્તે સાંભળી રહેલી વસુધાએ વાત પૂરી થતાં સુમિત્રાની આંખોને આંખો વડે ફંફોસી પૂછ્યું : ‘હવે?’ સુમિત્રાએ મૂંગા મૂંગા ઉ૫૨ ભણી આંગળી ચીંધી.
તે રાતે વસુધા બધું કામ પતાવીને તેના રૂમમાં ગઈ, ત્યારે વ્યોમેશ પલંગ પર સૂતો હતો. વસુધા પાસે બેસી મૃદુતાથી બોલી : ‘સૂઈ ગયા છો?’ વ્યોમેશ જાગતો હતો. બોલ્યો : ‘ના, જાગું છું. કેમ?’ ‘થોડીક વાત કરવી હતી.’ ‘શાના વિશે?’ ‘સુમિત્રા વિશે.’ વ્યોમેશ બેઠો થઈ ગયો. ‘કેમ, કાંઈ ખાસ વાત છે?’ વસુધાએ સુમિત્રાની આખી વાત, તેમાંથી આક્રોશનું તત્ત્વ બાદ કરીને બને તેટલી હળવી રીતે કહી. છેલ્લે કહ્યું : ‘મેં એમને કહ્યું કે થોડા દિવસ અમારે ત્યાં રહેજો, કોઈ વાંધો નથી. પછી કંઈક રસ્તો નીકળી આવશે.’ વ્યોમેશ ધ્યાનથી વાત સાંભળતો હતો. વસુધાનાં છેલ્લાં વાક્યો સાંભળી નારાજ થઈને બોલ્યો : ‘આપણે ત્યાં રહેવામાં વાંધો કેમ નથી? વાંધો છે જ વળી. મને શી ખબર, સુમિત્રા ઘેરથી ભાગી આવી છે? તેં તો સવારે કહેલું કે તારે એની પાસેથી કંઈ શીખવું છે એટલે તેં થોડા દિવસ એને રહેવા બોલાવી છે!’ ઘૂંટડો ગળી જઈને વસુધા બોલી : ‘હા, થોડા દિવસની જ વાત છે તો! કાયમ કાંઈ થોડાં રહેવાનાં છે?’ ‘પણ તે ઘેરથી છાનીમાની કોઈને કહ્યા વગર ભાગી આવી છે, તેનો તો ખ્યાલ કર!’ પોતાને માટે આજ સુધી વસુધા ક્યારેય બોલી નહોતી. નાનામાં નાની બાબતમાં પણ, વ્યોમેશથી જુદો હોય તો પોતાનો મત આગ્રહપૂર્વક પ્રગટ કર્યો નહોતો. પણ આજે સુમિત્રાને ખાતર તે બોલી : ‘ભાગી જવું — એ હંમેશા બદનામીની વાત થોડી હોય છે? સુભાષ બોઝ પણ મધરાતે ઘરમાંથી ભાગી જ ગયા હતા ને!’ વ્યોમેશ સહેજ ઊંચા સૂરે બોલ્યો : ‘તું આ બેની સરખામણી કરે છે? ક્યાં સુભાષ બોઝ અને ક્યાં…’ સુમિત્રાના નામ આગળ તે કોઈ અણછાજતું વિશેષણ મૂકી દે એ પહેલાં જ વસુધા બોલી પડી : ‘વ્યક્તિની સરખામણી નથી કરતી. હું માત્ર એટલું કહું છું કે ભાગી જવું હંમેશાં નાલેશીભર્યું ન પણ હોય. સુમિત્રાએ પણ સિદ્ધાંત ખાતર ઘર છોડ્યું છે, એક ભયંકર રિવાજ સામે લડવા માટે ઘર છોડ્યું છે.’ ‘અને એનાં માબાપની અત્યારે શી સ્થિતિ હશે, તેનો વિચાર કર્યો છે? અને દહેજમાં એવું ભયંકર શું છે વળી? આખી જિંદગી બીજાની દીકરીનું ભરણપોષણ કરે એના બદલામાં થોડા પૈસા માંગે તો ખોટું શું છે? છોકરો ડૉક્ટર છે. એ કમાશે, પ્રતિષ્ઠા મેળવશે, ત્યારે બધામાં એની પત્ની ભાગીદાર નહિ બને?’ વસુધા આભી બની ગઈ. તમે આવું માનો છો? અને ટેવ મુજબ મનમાં પૂછી રહી તો પછી સ્ત્રી આખી જિંદગી ‘બીજાની દીકરી’ જ બની રહે છે? અને એના ભરણપોષણ માટે એનાં માબાપ પાસેથી પૈસા લેવાતા હોય તો પછી એને પતિને ઘેર કામનો ઢસરડો કરવા માટે પણ પૈસા મળવા ન જોઈએ? મનના વિચારો વ્યોમેશ સુધી પહોંચે એમ નહોતા. તે વસુધાના અપ્રગટ પ્રશ્નને અનુલક્ષીને બોલ્યો : ‘તો પછી તારાં માબાપ પાસે મેં પૈસા કેમ ન માગ્યા, એમ તને થતું હશે. પણ એક તો તું ગરીબ માબાપની દીકરી હતી અને બીજું મને કોઈની મદદની જરૂ૨ નહોતી. કોઈને જરૂ૨ હોય તો માગે પણ ખરા. સુમિત્રાને સમજાવ કે ચુપચાપ પાછી જઈને છોકરાની ને એની માની માફી માગે ને એની સાથે નહિ તો બીજા કોઈની સાથે પરણી જાય. કાલે ને કાલે એને પાછાં જવાનું કહી દે…’ પછી આછુંપાતળું હસીને બોલ્યો : ‘એ તો પરણે એટલે બધું ઠીક થઈ જાય, અને સાથે રહેવા માંડે એટલે પ્રેમ પણ જન્મે. જોને, આપણે ક્યાં એકબીજાને ઓળખતાં હતાં? છતાં આપણે પ્રેમથી સાથે જીવીએ જ છીએ ને?’ તેણે મોટું બગાસું ખાધું. ‘મને તો એમ કે સારી વાનગીઓ ખાવા મળશે. આ તો સાવ નકામા ઉધામા નીકળ્યા. તેં તો મને કહેલું કે…’ પગ લાંબા કરી તેણે શરીર પર ચાદર ખેંચી.
ભાલાની તીક્ષ્ણ અણીએ વીંધાયેલા હૃદયમાંથી આખી રાત રક્ત વહ્યા કર્યું. સવારે ઊઠી ત્યારે લાગ્યું, શરીરમાંથી બધું લોહી નિચોવાઈ ગયું છે. પણ રક્તહીન ચહેરાની ફીકાશ ફૈબાની ચકોર નજરે ચડી નહિ. વસુધાને એક તરફ બોલાવીને કહ્યું : ‘આ કેટલા દિવસ રહેવાની છે?’ ‘કેમ?’ મહેરબાની કરીને એને જલદી ૨વાના કરી દેજે. કેવી રૂમઝૂમતા ઝાંઝર જેવી છોકરી છે! આવી જુવાન છોકરીને ઘરમાં રાખી તારા પોતાના પગ પર કુહાડો શું કામ મારે છે? તને તારા હિતનીયે સમજ નથી પડતી? બહુ દિવસ એને રાખવામાં સાર નથી. મારું માન તો કંઈક બહાનું કાઢી આજે ને આજે જ એને જવાનું કહી દે…’ ફૈબાનો ઇશારો વસુધા સમજી. તેણે એવડો મોટો નિસાસો મૂક્યો કે કોઈ સાંભળે તો કંપી ઊઠે. પણ ફૈબા પાસે વસુધા માટે કાન ક્યાં હતા?
વ્યોમેશ કામ પર અને ફૈબા દર્શને ગયાં, પછી સુમિત્રા ધીમે પગલે વસુધા પાસે આવી. રસોડામાં જરા અંધારું હતું. વસુધાની નજર નીચી ઢળેલી હતી. સુમિત્રાએ કોમળતાથી એનું મોં ઊંચું કર્યું. સ્નેહથી પીઠ પર હાથ ફેરવ્યો. ‘કાંઈ બોલવાની જરૂર નથી. તમારા મોં પરથી હું બધું જ સમજી છું. હું હમણાં જ ચાલી જઈશ. પણ કોઈક દિવસ, એવા સ્થળે આપણે ફરી મળીશું, જ્યાં મશાલનું અજવાળું પથરાયું હશે.’ ફૈબા પાછાં આવે તે પહેલાં સુમિત્રા ચાલી ગઈ. વસુધા એના અંધારઘરમાં, એના આંસુઘરમાં એકલી બની રહી.