સાફલ્યટાણું/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘ગુજરાતી સાહિત્ય પરિષદ: શતાબ્દી ગ્રંથશ્રેણી પુસ્તક: ૭’

સાફલ્યટાણું





સંપાદક
ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ)




Ekatra-emblem.png

એકત્ર ફાઉન્ડેશન





SAFALYATANU, Autobiography
Desai Jhinabhai ‘Sneharashmi'
2003

© ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ (૧૯૦૩)
આવૃત્તિઃ તૃતીય આવૃત્તિ-૨૦૦૩
પ્રતઃ ૫૦૦
આવરણઃ રાજુ ભાવસાર

પ્રકાશકઃ
હર્ષદ ત્રિવેદી
મંત્રી, ગુજરાત સાહિત્ય પરિષદ,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ,
નદિકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯

મૂલ્યઃ રૂ. ૧૪૫.૦૦

કોમ્પ્યુટર ટાઈપસેટિંગ
શ્રીજી ગ્રાફિક્સ, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત,
ગોવર્ધનભવન, ટાઈમ્સની પાછળ, નદીકિનારે,
આશ્રમમાર્ગ, અમદાવાદ-૯


મુદ્રક
ભગવતી ઓફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪.




કુ. ચિ. સંગીતાને
અખૂટ વાત્સલ્ય ને આદર સાથે.




કેટલુંક અંગત

માર્ચ ૧૯૮૨, ચોથું અઠવાડિયું. એક દિવસ મારી એક ભૂતપૂર્વ વિદ્યાર્થિની અ. સૌ. ચિ. સૌદામિની ચંદ્રવદન પરીખ મને મળવા આવી. બત્રીસ વર્ષ પહેલાં ૧૬ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પછી વિદ્યાવિહારમાંથી ઉચ્ચ અભ્યાસ માટે એ ગઈ ને યુનિવર્સિટીની બી.એ. સહિતની બધી પરીક્ષાઓમાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ ત્યાં સુધી, અને ત્યાર પછી પણ, સંબંધ ચાલુ રહ્યો હતો. ત્યારે વિદ્યાવિહારમાં એ સૌદામિની તકતાવાલા નામે એના એક ભૂતપૂર્વ તેજસ્વી મહામંત્રી તરીકે ખૂબ જાણીતી હતી. મારી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં એ અવારનવાર રસ લેતી. વાતવાતમાં એણે મને પૂછ્યું, ‘ “મારી દુનિયા” પછીની તમારી આત્મકથા કેમ આગળ નથી ચલાવતા?’ ‘મને હાથે લખવાનું બહુ ફાવતું નથી.' મેં કહ્યું. ‘તમારા અસંખ્ય વિદ્યાર્થીઓ શા કામના? તમે ડિકટેશન આપો તો હું લખવા આવીશ,' તેણે કહ્યું. હું હસ્યો, ‘કૌટુંબિક જવાબદારીમાંથી તું ક્યાં હળવી થયેલી છો? તને એ નહિ ફાવે.’ ‘તમને અપમાન કરતાં ઠીક આવડે છે,' તે સસ્મિત બોલી. ‘કાલે સવારે દસ વાગે હું આવીશ, આત્મકથાના બીજા ભાગની શરૂઆત કરવાની છે.' મારી હા-નાની પરવા કર્યા વિના બીજે દિવસે સવારે ૧૦ વાગે તે આવી પહોંચી. તેના પતિ ભાઈ ચંદ્રવદન તેને તેમની મોટરમાં મૂકી ગયા. આ રીતે ‘વિશ્વામાનવ'માં ૧૯૭૦-૭૧માં કટકે-કટકે શરૂ થઈ, અટકી ગયેલી મારી આત્મકથાનો બીજો ભાગ ‘નવી કેડી'નું કામ આગળ વધતું થયું. અ. સૌ. સૌદામિનીનું રહેઠાણ મારા ઘરથી ખાસ્સું બે-અઢી કિલોમીટર જેટલું દૂર છે. માર્ચ-એપ્રિલના આકરા તાપમાં રિક્ષામાં એ પાછી જતી. દશ વાગે ડિક્ટેશન માટે ભાઈ ચંદ્રવદન મૂકી જાય તે પહેલાં એ રસોઈ કરી લેતી. આત્મકથા લખાતી થઈ એનો આનંદ મને ઘણો હતો; પણ એથી વધુ મોટી ધન્યતા તો બહેન સૌદામિનીના નિઃસ્વાર્થ પ્રેમભર્યા ત્યાગથી હું દિનપ્રતિદિન અનુભવવા માંડ્યો. પરિણામે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિના આત્મકથાનાં પાનાં ત્વરિત ગતિથી લખાતાં થયાં. માત્ર પૅરેગ્રાફ બદલવાના સૂચન ઉપરાંત વિરામચિહ્નો અંગે કશાં સૂચન કરવાનાં રહેતાં નહિ, અને બીજે દિવસે લખવાનું આગળ વધે ત્યાં સુધી કોઈ કોઈ વખત આગલા દિવસે લખાયેલું જોઈ જવા જેટલો સમય મને મળી શકતો નહિ. આ રીતે લગભગ દોઢ મહિના સુધી દરરોજ બે કલાક જેટલો સમય એક પણ દિવસ પાડ્યા વિના આ કામને આપી ચિ. સૌદામિનીને અમેરિકા જવાનું થયું. દરમિયાન મારી બીજી એક ભૂતપૂર્વ વિદ્યાર્થિની અ. સૌ. ચિ. ભદ્રિકા અરવિંદભાઈ શાહે (ઉ. વર્ષ ૩૩) આ કામ આગળ ધપાવવાની જવાબદારી ઉમળકાભેર ઉપાડી લીધી. એ પણ મારા અતિ તેજસ્વી વિદ્યાર્થિઓ પૈકીની એક એમ. એ. અને બી. એડ. સુધીની બધી પરીક્ષામાં એણે પ્રથમ વર્ગ મેળવ્યો હતો. તેણે પણ દરરોજ બે કલાક એકધારી રીતે લગભગ સવા મહિનો મને સાથ આપ્યો. એની જોડણી, વિરામચિહ્નો વગેરે પણ કોઈ જાતની ક્ષતિ વિનાનાં હતાં. વૅકેશન પૂરું થતાં અ. સૌ. ચિ. ભદ્રિકાને સમય મળવો મુશ્કેલ હતો, એટલે અ. સૌ. ચિ. સૌદામિની થોડા વખતમાં અમેરિકાથી પાછી આવવાની હતી તેની રાહ જોવાનું હું વિચારતો હતો ત્યાં દસમીમાંથી એસ. એસ. સી.ની પરીક્ષા આપી પરિણામની રાહ જોતી મારી એક વિદ્યાર્થિની ચિ. સંગીતા ત્રિવેદી (ઉ. વર્ષ. ૧૫) એ રોજ ડિકટેશન લેવા આવવાની ઇચ્છા જણાવી. એ કામ એ ઉપાડી શકશે? એવી મારી શંકા જોતાં તેણે હસીને કહ્યું: ‘એક દિવસ અજમાયશ કરવામાં કશું બગડે એમ છે?’ તેના આ પ્રશ્નથી હું રાજી થયો, અને ખરેખર ભારે ચિલ્વટાઈ ને દક્ષતાથી તેણે પણ રોજ બે કલાક કામ કરી આત્મકથાના બીજા ભાગના અંતિમ શબ્દ સુધીનું ડિકટેશન સુંદર અક્ષરે ને અણીશુદ્ધ રીતે લઈ આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાની તક મને મેળવી આપી. ચિ. સંગીતા એના નામને સાર્થક કરે એ રીતે એસ. એસ. સી.ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં, સંગીતના વિષયમાં ૧૦૦ માંથી ૯૭ ગુણ મેળવી એ વિષયમાં પ્રથમ આવી ઉત્તીર્ણ થઈ. આ લખાય છે ત્યારે અમારે ત્યાં ૧૧ મી શ્રેણીમાં એ અભ્યાસ કરે છે. આ હકીકત મેં આટલી બધી વિગતે એથી લખી છે કે હવે પછીનો ત્રીજો ભાગ વિદ્યાર્થીઓ સાથેનાં પચાસ કરતાં પણ વધુ વર્ષના મારા સંબંધ અને અનુભવોથી ભરેલો હોઈ તેના સંદર્ભમાં મારી એ આત્મકથાનાં પ્રેરક બળનો કંઈક અણસાર અત્યારથી જ મળે. એક રીતે કહેતાં આ ત્રણ બહેનોની ૪૮, ૩૩, અને ૧૫ ની વય આપણી ત્રણ પેઢીની સૂચક છે. આજના આપણા જીવનમાં આવી રહેલા ક્રાંતિકારી ફેરફારોમાં, મૂળમાંથી હચમચી રહેલી આપણી કુટુંબસંસ્થાના સંદર્ભમાં, શાળાજીવનના સંબંધો આપણી લાગણીઓના તંતુને કેવા તાજા અને પ્રાણવાન રાખી શકે છે તેનું એ સૂચક નથી? આ અંગેની સભાનતા કેળવાતાં આપણા જીવનને સમૃદ્ધ કરવાનું કેટલું બધું ભાથું આપણને મળી શકે એમ છે! આત્મકથાનો પહેલો ભાગ ‘મારી દુનિયા’ સ્વ. ભાઈ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભાઈ ભોગીલાલ ગાંધીની પ્રેરણાને આભારી હતો. ૧૯૨૦ થી ૧૯૩૩ સુધીના તેર વર્ષના ગાળાને આવરી લેતો આ બીજે ભાગ લખાવતાં મેં અખૂટ આનંદ અનુભવ્યો છે. માત્ર મારા એકલાના જ નહિ, આપણા આખા રાષ્ટ્રના જીવનના એ સુવર્ણયુગમાં ફરીથી સરી જવાની તક મળી હોય એવી સંવેદના એ લખાવતાં મેં સતત અનુભવી છે. એ સાથે એક મોટો અસંતોષ પણ રહ્યો છે,-કેટલું બધું કહેવા જેવું કહેવાયા વિનાનું રહ્યું છે! વિદ્યાપીઠની જ વાત કરીએ તો એના પરિચયના આલેખનમાં હું જે વિષયનો વિદ્યાર્થી હતો તે સમાજશાસ્ત્ર પૂરતો જ થોડો ઉલ્લેખ થઈ શક્યો છે. બીજા વિષયો-ભાષા, વાણિજ્ય, પુરાતત્ત્વ આદિને તો સ્પર્શી પણ નથી શકાયું. એ જ પ્રમાણે મનીષી જેવા અમારા ગુરુજનો ધર્માનંન્દ કૌસામ્બી, પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, પં. બેચરદાસજી વગેરેના નામ-નિર્દેશ ઉપરાંત વિશેષ થઈ શક્યું નથી. પરિણામે કોઈ પણ જાતની નોંધની મદદ વિના કેવળ સ્મૃતિને આધારે લખાયેલી આ કથામાં કેટલીક હકીકત અધૂરી રહી ગયાનો સંભવ સ્વાભાવિક રીતે જ રહ્યો છે. ભાઈ નગીનદાસ અને અન્ય મિત્રોએ એ અંગે મારું ધ્યાન દોર્યું પણ છે. ઉ. ત. ‘સાબરમતી'માંના ઉત્તમ લેખોનો સંચય કેમ થયો નથી, એ મારા પ્રશ્નના (જુઓ પૃ. ૧૭) સંદર્ભમાં નગીનદાસે મને જણાવ્યું કે એમને જ હાથે કાકાસાહેબની પ્રસ્તાવના સાથે એક સંગ્રહ તૈયાર થઈ પ્રસિદ્ધ થયેલો છે જ અને બીજો થઈ શકે એટલું સાહિત્ય હજુ પણ એ લખાયું તે વખતે જેવું આસ્વાદ્ય હતું તેવું રહ્યું છે. એવું જ ચરોતરી ને સુરતી બોલીને લાગતા રસિક પ્રસંગ (પૃ. ૧૬૩) અંગે પણ થયું છે. એ પ્રસંગ ત્યાં પૂરો નહીં થતાં આગળ વધ્યો હતો, એ ઘટના હું ચૂકી ગયો છું. એ જો આ કથામાં આલેખાઈ હોત તો તે પ્રસંગ કેવળ વિનોદ ને કુતૂહલનો નહિ રહેતાં સાહિત્યિક દૃષ્ટિએ વધુ મહત્ત્વનો બનત. હકીકત એમ છે કે હાસ્યવિનોદની એ ઘટના પછી નગીનદાસે મહાવિદ્યાલયની ચર્ચાસભામાં પાઠકસાહેબના પ્રમુખપદ હેઠળ ‘તળપદી સુરતી' નામે એક લેખ વાંચ્યો હતો જે ‘સાબરમતી’માં પ્રસિદ્ધ થયો. ‘સાબરમતી'માં પ્રસિદ્ધ થતા શ્રેષ્ઠ લેખને અપાતો ‘તારાગૌરી ચંદ્રક’ એ લેખને અપાયો હતો, એ આ વિષયમાં રહેલી હળવી બાજુના સાહિત્યિક પાસાને સરસ રીતે વ્યક્ત કરે છે; પણ એથી વિશેષ નોંધપાત્ર ઘટના તો એ છે કે કલકત્તા યુનિવર્સિટીના અધ્યાપક પ્રો. તારપોળવાળા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યા ત્યારે એ લેખની પ્રશંસા કરી તેમણે કહ્યું હતું કે ‘આપણી બોલીઓનો આ રીતે અભ્યાસ થવાની ઘણી જરૂર છે.’ આમ વિદ્યાપીઠના રોજબરોજના વ્યવહારમાં આચરાતું ને અનુભવાતું ઘણું બધું નોંધી શકાય એવું છે. ઉ. ત. ગાંધીજીનાં બાયબલ પરનાં પ્રવચનોની જો કોઈ પાસે નોંધ હોય તો આ કથાનું એક સુન્દર પ્રકરણ બની શકે. ધર્માનંદ કૌસામ્બી થોડો વખત અમારી સાથે છાત્રાલયમાં રહ્યા હતા. તે વખતની એમની વાતો ને હળવા વિનોદો જો કોઈને યાદ હોય તો ઘણું કીમતી સાહિત્ય મળે. ટૂંકમાં વિદ્યાપીઠમાંના મારા દિવસોની આ કથા અધૂરી છે. એના એ વખતના અંતેવાસીઓની હાર ખંડિત થઈ રહી છે. આમ છતાં જે થોડાક હજુ પોતાનાં એક-બે સંસ્મરણો પણ આલેખી શકે એમ છે, તેઓ જો લખે તો એ યુગની કથામાં વધુ કીમતી ઉમેરો થાય. આવી તક મળે તો આ પુસ્તકની બીજી આવૃત્તિઓનો મોકો મળતાં એનો પૂરતો લાભ હું લઈશ. આ કથાનું મેં રાખવા ધારેલું શીર્ષક ‘નવી કેડી'ની જગ્યાએ ચિ. ભાઈ વાડીલાલ ડગલીએ ‘સાફલ્યટાણું' સૂચવ્યું. એ યુગને સુંદર રીતે આકાર આપતા શ્રી સુંદરમ્‌ના એક ઘણા જાણીતા કાવ્યનું એ શીર્ષક મને તરત જ ગમી ગયું અને એ અપનાવતાં મને આનંદ થયો. ભાઈ વાડીલાલે પણ મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ ગ્રંથના આયોજનમાં આપેલા આ ફાળાનો મારે મન ઘણો મહિમા છે. આર. આર. શેઠના વતી પ્રકાશક તરીકે શ્રી ભગતભાઈએ આની જવાબદારી લીધી હોવાની ઘટનાથી લગભગ પચાસ વર્ષ પર ‘અર્થ'નું પ્રકાશન સ્વ. શ્રી ભુરાલાલ શેઠે આર. આર. શેઠ વતી હાથ ધર્યું હતું તે સ્મૃતિઓ તાજી થાય છે. ભાઈ ભગતભાઈ એ સંસ્થાની સુંદર પરંપરાને સફળતાપૂર્વક વધુ ઉજ્જવલ બનાવી રહ્યા છે એ નોંધવું ગમે છે. ભાઈ નગીનદાસે આ આત્મકથાનો પરિચય કરાવતો જે પ્રવેશક આપ્યો તે માટે અને સર્વશ્રી કીકુભાઈ દેસાઈ, પાંડુરંગ દેશપાંડે, જેઠાલાલ ગાંધી અને રમણલાલ સોનીએ આની હસ્તપ્રત કે છપાયેલા ફર્યા જોઈ જે પ્રતિભાવ દાખવ્યા તે માટે તે સૌનો આભારી છું. અંતમાં.આજના આપણા રાષ્ટ્રજીવન ઉપર નજર કરતાં વેદનાપૂર્વક ઉદ્ગાર નીકળી જાય છે કે- ते हि नो दिवसा गता: શેઠ ચી. ન. વિદ્યાવિહાર,
સ્નેહરશ્મિ
, અમદાવાદ, ૩૮૦૦૦૬ 
૩૦-૩-૮૩




પુનર્મુદ્રણ વખતે

બે વર્ષમાં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખપી જતાં એમાં કોઈપણ જાતના સુધારા વધારા કર્યા સિવાય એનું પુનર્મુદ્રણ કરતાં મને આનંદ થાય છે. જે ઉમળકા ને ભાવથી ‘સાફલ્યટાણું'ને ગુજરાતે આવકાર્યું છે તેણે મારા આત્મવિશ્વાસને સુદૃઢ કર્યો છે. કોઈ મહાકાવ્યમાં પૂરી સમાઈ ન શકે એવી આપણા એક ગૌરવવન્તા યુગની કથા તરીકે એને મળેલો ઉષ્માસભર, આવકાર, એને અપાયેલો નર્મદચંદ્રક વગેરેનો ઉલ્લેખ કરતાં એકથી વધુ સમાનધર્મા મળતાં સર્જક જે ધન્યતા અનુભવે તેવી ધન્યતા હું અનુભવતો રહ્યો છું એ કૃતજ્ઞભાવે નોંધતાં જે દિવસોની આ કથા છે તેના કરતાં પણ વધુ સારા દિવસ સત્વરે આવશે જ એવી શ્રદ્ધા વ્યક્ત કરી નર્મદ સાથે ગાઉં છું કે, ‘તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!’ અમદાવાદ, સ્નેહરશ્મિ
૨૫-૭-૮૬