સાફલ્યટાણું/૧૬. ગુજરાત મહાવિદ્યાલય
આશ્રમ છોડ્યા પછી લગભગ સવા વર્ષ બાદ મુંબઈમાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાંથી પ્રથમા (F.Y.A.) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હું અમદાવાદ આવ્યો એની થોડીક વાત આ પહેલાં મેં કરી લીધી છે. મુંબઈમાં મને જે અનુભવ થયા તેમાં ખાદી, સ્વદેશી આદિ બળજબરી લદાયાં હોય એવું મને લાગતું નહિ. બલકે એમાં આનંદ આવતો અને ગૌરવ પણ લાગતું. અસહકારીઓ માટેની બીજી આચારસંહિતાઓ પણ હું સહજ રીતે જાળવી શકતો. અમદાવાદ આવ્યા પછી એમાં ફેર પડ્યાનું મને લાગ્યું નહિ. બલકે મહાવિદ્યાલયના છાત્રવાસને પરિણામે અને રોજબરોજના વ્યવહારમાં ઘણી મોકળાશ અનુભવી.
અમારા અધ્યાપકોમાંના કૃપાલાની, ગિદવાણી, મલકાની, સિપાહીમલાની આદિ બિનગુજરાતીઓના અમારી સાથેના વ્યવહારમાં આનંદની લહાણી થતી લાગતી. એ સૌનો પહેરવેશ ખાદીની સાદગીમાં પણ કલાની ચારુતાની અનુભૂતિ કરાવતો. ગુજરાતી અધ્યાપકો સાથે હતી તેવી જ આત્મીયતા એ અને એમના જેવા સૌ સાથે બંધાઈ.
મહાવિદ્યાલયમાં તેમ જ અમારા છાત્રવાસમાં જે મુક્ત વાતાવરણ હતું તેમાં મનુષ્યના શિવતત્ત્વમાં વિશ્વાસ હોય એવો વ્યવહાર નજરે પડતો. એમાં એક પ્રકારનું કૌટુંબિક વાતાવરણ વ્યાપક બન્યું હતું. આ મુક્ત હવામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કૃત્રિમ અવરોધ રહ્યા નહિ અને લગભગ સમોવડિયાના જેવો વર્તાવ થતો. આનાં પ્રતિબિંબ વિદ્યાલયમાં દર અઠવાડિયે વિદ્યાર્થીઓ પ્રસિદ્ધ કરતા તે સાપ્તાહિક સમાચારપત્ર ‘પંચતંત્ર’માં પડતાં. અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી એની રાહ જોતા.
‘પંચતંત્ર'માં વિદ્યાલયમાં બનતા નાના મોટા બનાવોની નોંધ અને સમાલોચના ઉપરાંત કેટલાંક હળવાં રેખાચિત્રો ગદ્યમાં તેમ જ પદ્યમાં આવતાં. ઉદાહરણ તરીકે નગીનદાસ પારેખે અમારા કેટલાક અધ્યાપકોનાં જે ઠઠ્ઠાચિત્રો પદ્યમાં આલેખ્યાં હતાં તેમાંનું એક રામનારાયણ પાઠકને લાગતું હતું. એ આ પ્રકારે હતું:
‘લાંબી લાંબી નાસિક ને
દાઢી બહાર નીકળે-
હો દાઢી બહાર નીક્ળ!
બદલાતા જેડાની જોડ!
પાઠને દીઠો'તો પોર.
પાઠકસાહેબની દાઢી અને નાક એમના મુખની ખાસ લાક્ષણિકતા જેવાં હતાં. એ જ પ્રમાણે એમના જોડામાં પણ ઘણી વખત ડાબાજમણાનો ફેર જળવાતો નહીં અને એ વિનોદની વસ્તુ બની જતી. એ જ પ્રમાણે ગિદવાણીજીનું રેખાચિત્ર દોરતાં ‘ફડફડતા મગર શા હોઠ’ એવો ઉલ્લેખ કર્યો હતો. આવા નિર્દોષ વિનોદ કોઈને પણ દઝાડ્યા વિના આનંદની સરવાણી વહેવડાવતા. આમાં વિદ્યાર્થીઓ પણ સપાટામાં આવી જતા. મારે અંગે નગીનદાસે લખ્યું હતું:
‘અદ્રિ કેરું શિખર ભૂમિ પે, ચાલતું જાય ધારી,
જોતી જેને વ્યક્તિ નયને મુગ્ધ પૌરાંગનાઓ;
મૂછો બોડે દિન ૫ ગયે, લાલ છે ગાલ જેના,
ઝીણો જેને ભૂલથી વદતા તે જ આ સ્નેહરશ્મિ.’
નગીનદાસને મળતાં કે એમના પરિચયમાં આવતાં ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે કે એમનામાં કેટલી અખૂટ વિનોદવૃત્તિ ભરી છે! દક્ષિણ ગુજરાતની સોની જ્ઞાતિ એની વિનોદવૃત્તિ માટે ઘણી જાણીતી છે અને મને નાનપણથી જ એનો સારો એવો પરિચય હતો. નગીનદાસમાં આ વિનોદવૃત્તિ ઘણી વિકસી હતી; પરંતુ એની અભિવ્યક્તિ માટે જીભ કરતાં કલમનો તે વિશેષ ઉપયોગ કરતા. કોઈક વખત અણધારી રીતે આંચકો આપે એવાં ઠઠ્ઠાકાવ્ય પણ તે આપતાં.
એક વખત સાબરમતીના તટ ઉપર અમે ચંદ્રિકા સંમેલન માણવા ભેગા થયા હતા. બધાએ કંઈ ને કંઈ ગાવાનું હતું. મેં મારું-
‘રજનીના ઓળા આવે સાહેલડી!
અંધકારના દૂર પડઘા પડે...’
પંક્તિથી શરૂ થતું ‘અણદીઠ જાદુગર’ગીત ગાયું. એ પછી એ નગીનદાસનો વારો આવ્યો. અને એમણે એ જ ઢાળમાં પ્રતિકાવ્ય ગાયું. મહાવિદ્યાલયમાં સુરત, ચરોતર, કાઠિયાવાડ એમ જુદા જુદા ભાગના વિદ્યાર્થીઓ વચ્ચે કોની ભાષા ચઢિયાતી, કોના રીતરિવાજ વધુ સારા એવી જાતજાતની સ્પર્ધા કોઈક વખત હળવાશથી, કોઈક વખત ગંભીરતાથી થતી. તેમાં નગીનદાસ અને ચરોતરવાળાઓ વચ્ચે ઠીક ઠીક રમઝટ જામતી. એક વખત તો સુરતી ભાષા વધારે કૌવતવાળી છે કે ચરોતરની એ અંગે વિવાદ થયો. એ પછી ભાષાનું કૌવત એની ગાળમાં જેટલું અભિવ્યક્તિ પામે તેટલું બીજા શબ્દોમાં ભાગ્યે જ જોવા મળે. એ મુદ્દા પર સહમત થઈ ચરોતરની ગાળ અને સુરતની ગાળ એ બેમાં વધુ કૌવતવાળી કઈ છે એનો નિર્ણય કરાવવાનું નક્કી થયું. અને એ માટે અમારા એ વખતના એક અત્યંત તેજસ્વી મહારાષ્ટ્રીય સાથી ગોપાળરાવ કુલકર્ણીને નિર્ણાયક બનાવવાનું ઠર્યું. ગોપાળરાવે ગાળમાં વપરાતા જુદા જુદા વ્યંજનોની તુલના કરતાં નિર્ણય આપ્યો કે સુરતી ભાષા એમાં ચઢી જાય! આવા હળવા વિનોદો ચાલ્યા જ કરતા એટલે આ ચંદ્રિકા સંમેલનમાં નગીનદાસે જે ગીત ગાયું, તેમાંની પંક્તિઓ નીચે પ્રમાણે હતી:
આણંદના ઓળા આવે સાહેલડી!
ચરોતરના દૂર પડલા પડે!
બાપલિયા બાપલિયા બોલે સાહેલડી!
ચ્યો હેંડ્યા? ઓં હેંડ્યા? કાને પડે!
માથે બાંધ્યું ફાળિયું, ર્યું ધારિયું હાથ,
ગંધવતી સમ ધોતિયું–
કદી હોકાશું હોય ભરી બાથરે સાહેલડી.
તંબાકુ રૂ તુવરનાં ખેતર હારોહાર,
એરંડોડપિ દ્વમાયતે,
એવી શોભા છે ભારોભાર રે સાહેલડી.
ગામે જતાં પંખીઓ ઊડરો વારંવાર,
ગામ ભલે આખે ફરો,
નવ દેશો સુકાગણ નાર રે સાહેલડી.
મન વાણી ને કર્મનું સાથે ઐક્ય સ્થવિર,
તન વાણી ને બુદ્ધિનું
સાધ્યું ઐક્ય ચરોતર વીર રે સાહેલડી.
આનાથી થોડોક વખત ભારે ખળભળાટ મચી ગયો; પણ પછીથી એ બધું હાસ્યમાં પલટાઈ ગયું.
નગીનદાસની આ વિનોદવૃત્તિ અધ્યાપકો પણ માણતા. એક વાર એમણે તુલસીવિવાહનું ગીત આરંભ્યું. આવડી મોટી તુલસી કુંવારી છે એવી પાણી ભરતાં બૈરાંઓની ટીકા સાંભળતાં તુલસીના હાથને માટે એક પછી એક છાત્ર ઉમેદવારો આવવા લાગ્યા. એ બધામાં તુલસીને કાંઈ ને કાંઈ વાંધો લાગતો ગયો. ઉદાહરણ તરીકે શ્રી શંકરલાલ બેંકરના ભાણેજ મનહરલાલ મહેતા જે અમારા એક છાત્ર હતા અને એનો પાસેની ઓરડીમાં પ્રો. ઈન્દુભૂષણ મઝુમદાર હતા તે બંનેને તુલસીને કેવી રીતે નાપાસ કર્યા એ આલેખતી નીચેની પંક્તિઓ જેવી અનેક પંક્તિઓ નગીનદાસે ગાઈ અને એ બધીમાં દરેકની કાંઈ ને કાંઈ લાક્ષણિકતાઓ આવિર્ભાવ પામી.
ઓ મારી તળશી, ઓ મારી તળશી
મનહરવરનાં માગાં હો રાજ
પાણીડાં ગ્યાં'તાં હરશરણે,
મનહરવરની ટોપી રે વાંકી,
ઈન્દુવર તો મોટો હો રાજ,
પાણીડાં ગ્યાં'તાં હરશરણે’
આ મુક્ત વાતાવરણમાં મુક્ત વિચાર અને અભિપ્રાય માટે પણ ઘણી અનુકૂળ હવા ઊભી થઈ. દા.ત. એ વખતે વિદેશી કાપડના બહિષ્કાર સાથે વિદેશી વસ્તુઓ ન વાપરવાનો આગ્રહ સેવાતો અને એવી વસ્તુઓના ઉપયોગ કરનાર તરફ સામાન્ય રીતે તુચ્છકારની નજરે જોવાતું. આપણે ત્યાં આવતા જાપાનીઓ જાપાનની પેનસિલ કે જાપાનની પેન વિના પોતાના હસ્તાક્ષર આપતા નહિ તે ઉદાહરણ વારંવાર અપાતું. આ વાતાવરણમાં વિદ્યાપીઠ જેવી સંસ્થામાં કોઈ પરદેશી ચીજનો ઉપયોગ કરવાની તો કલ્પના સરખી પણ આવી શકે તેમ ન હતું. એમ છતાં છાત્રાલયમાં ‘સનલાઈટર્સ ક્લબ’ નામે એક સંસ્થા ઊભી થઈ. એ ક્લબનું એક સૂત્ર એ હતું કે ભારતનો સદીઓ જૂનો રોગ એની અસહ્ય ગંદકી છે. એ દૂર કરવાનાં જે ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તેનો દેશકાળના કોઈ પણ જાતના વિધિનિષેધ વિના અબાધિત રીતે ઉપયોગ કરવો જોઈએ. આ દૃષ્ટિએ પરદેશી ‘સનલાઈટ’ સાબુ, કપડામાંથી મેલ કાઢવાની જે ક્ષમતા ધરાવે છે તેની બીજી કોઈ પણ સાબુમાં નથી અને તેથી એક રાષ્ટ્રીય આપદ્ધર્મ તરીકે એનો ઉપયોગ કરવો જ જોઈએ. આ માન્યતા મુજબ આચરણ કરતા એ ક્લબના સભ્યો ‘સનલાઈટર્સ’ તરીકે ઓળખાતા અને એમનો દાવો એમના આચારમાં કેટલી સચોટ રીતે વ્યક્ત થતો હતો તે એમનાં બગલાની પાંખ જેવાં સફેદ ખાદીનાં ધોતિયાં અને ઝભ્ભામાંથી દેખાઈ આવતું. અમારા અધ્યાપક સિપાહીમલાની હંમેશાં સ્વચ્છ અને ઈસ્રીબંધ ઝભ્ભો અને પાયજામો પહેરતા. તે સનલાઈટર્સના કપડાંની સફેદીથી આશ્ચર્ય પામ્યા. એ લોકો કઈ લોન્ડ્રીમાં પોતાના કપડાં ધોવડાવે છે તેવું તેમણે પૂછતાં મેં તેમને કહ્યું, ‘એમની લોન્ડ્રી આપણા કૂવા પરના કપડાં ધોવાના પથરા ઉપર છે.' આથી તે વધુ નવાઈ પામ્યા. અને તેમને મેં વસ્તુસ્થિતિનો ખ્યાલ આપ્યો અને એ સાંભળતાં તે પણ ખૂબ રમૂજ પામ્યા.
આ જાતની ક્લબનો હું નથી ધારતો કે આશ્રમમાં તો કદી પણ કોઈને વિચાર સરખો પણ આવે; પણ અન્યત્ર પણ જ્યાં જ્યાં અસહકારી સંસ્થાઓ ને આશ્રમો હતાં ત્યાં પણ આવું બધું શક્ય ન હતું. ખાનગી રીતે કોઈ ‘સનલાઈટ સોપ’ જેવી પરદેશી વસ્તુઓ વાપરતા હોય તે બનવાજોગ હતું; પણ આવી જાહેર રીતે તો એ અસંભવિત જ હતું.
એ જ પ્રમાણે ‘ગિલેન્ડર્સ ક્લબ' નામની બીજી એક કલબ હતી. ગિલેન્ડરનો અર્થ ઉઠાવગીર. એમની ક્લબના સભ્યો અતિથિ સત્કારમાં માનતા અને એ માટેની એમની આચારસંહિતા એ હતી કે એ અતિથિને જે ચા આપવામાં આવે તે ક્યાંકથી ચોરી આણેલી ખાંડ અને ચાની બનેલી હોવી જોઈએ. પોતાની આ પ્રવૃત્તિની એમણે થોડીક જાહેરાત કરી બધાને સાવધ રહેવા જણાવ્યું હતું. નગીનદાસે ક્લબને માટે એક ગીત પણ લખ્યું હતું. એનું ધ્રુવપદ હતું-
“અગર હૈ શોખ જિનેકા તો
હરદમ ક્યું ચલાતા જા
ગિલન્ડર તું કહાતા જા.”
પકડ કર જીભ કા ઝાડુ
સફા કર આપકા દિલ કો-
ઉસીકી ધૂલકો લે કર
જગતભરમેં ઉડાતા જા.
તું ડાચા ફોડ, લજ્જા છોડ,
રીતિ ડાલ પાની મેં
પકડ રસ્તા ગિલંડરકા
નરમ સબકો તુ કરતા જા!
એમની આ ચીલ ઝડપનો લાભ મને પણ મળ્યો હતો.
એ વખતે હું તિલક છાત્રાલયમાં રહેતો હતો, અને ગુજરાત કૉલેજના મેદાનમાં રમાતી એક ક્રિકેટ મેચ જોવા આવેલા વિદ્યાર્થીઓમાંથી ગિલંડરોએ મારે ત્યાં ચા પીવાની ઇચ્છા દર્શાવી. ઉત્તમ ચા માટેનો મારો પક્ષપાત જાણીતો હતો. ‘ઑરેન્જ પીકો' બ્રાઉન્ડ ચા એની ફ્લેવરને લીધે મને ઘણી ગમતી. તદ્દન નવો જ ડબ્બો મેં બે દિવસ પહેલાં જ આણ્યો હતો. એ સૌને ચા પાઈ એમને વિદાય કરી, ઓરડી બંધ કરી હું મેચ જોવા એમની પાછળ નીકળતો હતો ત્યાં બીંજા કેટલાક સાથીઓ ચા પીવા આવી ચડ્યાં. એટલે તેમને આવકારી મેં ફરીથી સ્ટવ સળગાવ્યો. ચાનું પાણી મૂક્યું અને પછી ચા માટે ડબ્બો ખોલ્યો તો ચા ગુમ! એ જ હાલત ખાંડના ડબ્બાની પણ હતી! મારા બધા સાથીઓ! પણ ખડખડાટ હસી પડ્યા અને મને કહ્યું કે ‘ગિલન્ડર તારી ઓરડીમાં બેઠા છે તે જાણતાં છતાં તું કેવો બેદરકાર રહ્યો!' એટલે મેં કહ્યું, ‘મુજ વીતી તુજ વીતશે. ધીરી બાપુડિયા.’
આવા વાતાવરણમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે ઉષ્માભર્યું અને બિરાદરીવાળું વાતાવરણ રહેતું. આને લઈને હોળી જેવા તહેવારમાં ધીંગામસ્તીનું વાતાવરણ મચી જતું. અમારા કેટલાક અધ્યાપકોના નિવાસ વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયની નિકટ હતા. રંગભરી પિચકારીઓ લઈ વિદ્યાર્થીઓના એક ટોળાએ અધ્યાપક નિવાસ ઉપર આક્રમણ કર્યું અને આચાર્ય કૃપાલાની તથા અધ્યાપક મલકાનીને રંગી નાખ્યા. મલકાનીજીનાં સાસુ એ એ વખતે ત્યાં હતાં અને તેમને વિદ્યાર્થીઓનો આ વર્તાવ ઘણો જંગલી લાગ્યો. તેમણે પોતાનો રોષ ઠીક ઠીક રીતે વ્યક્ત કર્યો. એનાથી તો હોતૈયાઓને ઊલટી મઝા આવી અને તેમને પણ રંગ્યાં.
મહાવિદ્યાલયમાં હું પ્રવેશ્યો તે પહેલાંની કાવ્યલેખનની મારી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. કોઈ નવું કાવ્ય લખાય તો જેમને કાવ્યનો રસ હતો એવા મારા બે-ત્રણ મિત્રોને હું ઉમળકાથી સંભળાવતો. એ પૈકીના એક શ્રી નગીનદાસ હતા. જેમ રજનીના ઓળા આવે સાહેલડી'ની પેરેડી એમણે કરી હતી તેમ મારી કવિતા ઉપરથી કોઈક ઠઠ્ઠાકાવ્ય પણ તે કોઈ વાર ઉપજાવતા. એક વાર-
‘હારે સખી! મીઠી મધુરી જો ચંદા
કે આભ કેરે કાંઠડે ઊગે છે!'
પંક્તિથી શરૂ થતું નવું લખાયેલું મારું કાવ્ય એમને સંભળાવ્યું. એ કાવ્યની પ્રાસરચના સહેજે નજરે આવે એવી હતી. નગીનદાસે બીજે દિવસે એની પેરેડી મને સંભળાવી. નગીનદાસની આ પેરેડી મેં મારી કવિતા કરતાં પણ વધુ માણી છે એથી મને જેવી યાદ છે તેવી એને અહીં ઉતારવાનું પ્રલોભન હું જતું નહિ કરું:
‘હાં રે સખી! જે ને તું મેડક ઠંડા
ખાબોચિયાને કાંઠે ઊભા છે!
હાં રે એ તો કરવાને વિધવિધ વૃંદા
ખાબોચિયાને કાંઠે ઊભા છે!
ગોળ ગોળ આંખ સખી ઉપસેલી કેવી!
હાં રે, એક સાથે ઊગી બે ચંદા!
ખાબોચિયાને કાંઠે ઊભા છે!
દિવસે તો કાગ ખાય, રજનીમાં સાપ ખાય,
તોય બધા વિશ્વને ડરાઉં કહે બંદા! –
ખાબોચિયાને કાંઠે ઊભા છે.
વર્ષમાં ભેદ વેદ ભણે સ્નાન કરે ક્ષણે ક્ષણે,
મોટી છે ફાંદ જાણે પંડા!
ખાબોચિયાને કાંઠે ઊભા છે!'
આવા ઠઠ્ઠાવિનોદમાં અધ્યાપકો પણ હોડમાં ઊતરતા. અમારા વાણિજ્યના અધ્યાપક શ્રી શ્યામલાલ ભગવતી અવારનવાર પ્રતિકાવ્યો બનાવતા. તેમાં એમનાં પત્નીશ્રી પણ કોઈ વાર સપાટામાં આવી જતાં. તેમણે ચશ્માં પહેરવા માંડ્યાં તેની ઠેકડી કરતાં શ્રી ભગવતીએ ગાયું:
‘આંખોમાં પાણી, આવે સાહેલડી
ચશ્માં પહેરી ફરવું પડે.’
એ પછીની પંક્તિઓમાં ભારોભાર વિનોદ હતો; પણ આજે યાદ નથી. એ જ પ્રમાણે મેઘાણીએ અમારે ત્યાં લોકગીતોની ઝડી વરસાવી ત્યારે તેમાંના-
‘તમે મારા દેવના દીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રહો!’
પંક્તિથી શરૂ થતા ગીતના લયમાં ભગવતીએ એક દારૂડિયાની પત્નીના પંક્તિથી શરૂ થતા ગીતના લયમાં ભગવતીએ એક દારૂડિયાની પત્નીના મુખમાં મૂક્યું–
તમે મારે દૈવના દીધેલ છો,
તમે મારે માથે પડેલ છો,
આવ્યા તેવા પાછા જઈ ટળો!
હનુમાન જાઉં ઉતાવળી
ને જઈ ચઢાવું તેલ
હનુમાનજી પરસન્ન થશે ત્યારે
સુધરશે આ બેલ!
તમે મારે બેલથી ભૂંડા છો,
આવ્યા તેવા પાછા જઈ ટળો!
હળવાશના આ વાતાવરણની અસર કેટલી બધી વ્યાપક હતી તેના અનેકવાર અમને અનુભવ થતા. આ પરંપરા વિદ્યાપીઠમાં ઠીક ઠીક સમય પર્યંત ચાલુ રહી. એનો એક પ્રસંગ મને યાદ રહી ગયો છે તે પણ અહીંયાં આલેખી લઉં.
સ્નાતક થયા પછી વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજકારણના અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ. એ વખતે જે રાષ્ટ્રીયશાળાઓ અસ્તિત્વમાં આવી હતી તે બધી વિદ્યાપીઠ સાથે જોડાયેલી હતી, અને એનું વાર્ષિક નિરીક્ષણ વિદ્યાપીઠ તરફથી કરવામાં આવતું. ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા એ રીતે વિદ્યાપીઠ સાથે જોડાયેલી હતી. શ્રી નાનાભાઈ ભટ્ટ એમાં ગૃહપતિ હતા અને શ્રી હરભાઈ ત્રિવેદી એના આચાર્ય હતા. એના નિરીક્ષણ માટે શ્રી શ્યામલાલ ભગવતી અને મને મોકલવામાં આવ્યા. અમે ત્યાં પહોંચ્યા એ દિવસે હું ભૂલતો ન હોઉં તો શાળામાં વિજયાદશમીની રજા હતી. અને એની ઉજવણીમાં છાત્રાલયમાં દૂધપાક-પૂરીનું જમણ હતું. સંજોગોવશાત્ એ દિવસે અધ્યાપક ચંદ્રભાલ જૌહરી અને અધ્યાપક નગીનદાસ પારેખની જવાબદારી હેઠળ વિદ્યાપીઠમાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલી એક ટુકડી પણ આવી પહોંચી હતી. તે પણ ભોજનમાં જોડાઈ. સૌરાષ્ટ્રની મહેમાનગીરીની જાણીતી રીતે બધાને આગ્રહ કરી કરીને ખૂબ દૂધપાક ખવડાવ્યો. ભગવતી અને હું રાતની ગાડીએ ગયા હોઈ અમને થોડોક ઉજાગરો થયો હતો એટલે અમે દૂધપાક કેવળ નામનો લીધો. અમારા પર દબાણની કોઈ મણા રહી નહિ પણ અમે મચક આપી નહિ. એ પછી વિદ્યાપીઠની ટુકડી પ્રવાસમાં આગળ વધતી ગાડીમાં રવાના થઈ.
રાત્રે અમે ઊંઘમાં હતા તેવામાં ધમાલ જેવો અવાજ અમારે કાને પડતાં અમે જાગી ગયા. પણ શું થયું હતું એની ઝટ ખબર પડી નહિ. હકીકત એમ બની હતી કે આખું છાત્રાલય ઝાડા-ઊલટીથી ઊથલપાથલ થઈ ગયું હતું. સારવાર માટે ડૉકટરો પણ આવી પહોંચ્યા હતા. એવામાં અમારી શી હાલત છે એની ચિંતા થતાં નાનાભાઈએ કોઈકને અમારી ખબર કાઢવા મોકલ્યા. સદ્ભાગ્યે અમે બંને સહીસલામત હતા. એ ભાઈની પાસથી વિગતો મળતાં અમે પણ કોઈ રીતે કામમાં આવી શકીએ એવી દૃષ્ટિએ નાનાભાઈ પાસે ગયા. આ ધમાલ બે-ત્રણ કલાક ચાલી અને પછી બધું શાંત થઈ ગયું.
વિદ્યાપીઠની જે ટુકડી ગાડીએ ગઈ હતી તેમાં એની અસર શરૂ થતા એક વિદ્યાર્થીએ પેટમાં ચૂંક આવવાની ફરિયાદ કરી. એટલે અધ્યાપક જૌહરીએ તેની મજાક કરતાં કહ્યું, “દૂધપાક ખાવ, મટી જશે.' પેલો વિદ્યાર્થી કહે, ‘સાહેબ, હસવા જેવી વાત નથી. મને લાગે છે હું નહિ જીવું.' એટલે જૌહરીએ ગમ્મત કરી. ત્યાં તો એ છોકરાને ઊલટી થઈ. એ પછી બીજો, ત્રીજો એમ વિદ્યાર્થીઓ સપડાવા લાગ્યા. એ પછી જૌહરીનો પણ વારો આવ્યો. એ પણ સાવ ઢીલા થઈ ગયા, ને આખે રસ્તે એ સૌની હેરાનગતિની કોઈ સીમા રહી નહિ.
બીજે દિવસે નિરીક્ષણ હતું. અમને થયું કે આ સંજોગોમાં એક દિવસ નિરીક્ષણ મુલતવી રખાય તો વાંધો નહિ; પરંતુ હરભાઈ અને નાનાભાઈએ જણાવ્યું કે બધા સ્વસ્થ થઈ ગયા છે એટલે નિરીક્ષણ માટે મુશ્કેલી નહિ રહે.
વિદ્યાપીઠની જેમ દક્ષિણામૂર્તિમાં પણ દિવસના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થતી. સમૂહગીત થયા પછી સંગીત શિક્ષકે મીરાંબાઈનું ભજન, ‘મોહે લાગી લટક, ગુરુ ચરનનકી' ગાયું. એ ગીતના શબ્દો નીચે પ્રમાણે હતા:
મોહે લાગી લટક ગુરુ ચરનનકી,
ચરન બિના મોહે ક્ચ્છ નહિ ભાવે
જુઠ માયા સબ સપનનકી!
ભવસાગર સબ સુખ ગયા હૈ,
ફિકર નહિ મોહે તરનનકી.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
ઉલટ ભઈ મોરે નયનનકી.
એ ગીત પૂરું થતાં ભગવતીએ ગંભીરતાથી નાનાભાઈને પૂછ્યું, ‘અહીં બીજા કોઈ પ્રાર્થના કરી શકે?’ નાનાભાઈએ કહ્યું, ‘ખુશીથી.’ ‘તો આપની રજા હોય તો હું પ્રાર્થના કરું.' નાનાભાઈ રાજી થયા. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ઉત્સુક બન્યા. ભગવતી તંબૂરો લઈ બાજઠ પર બેઠા અને આંખ બંધ કરી ગીત શરૂ કર્યું. એ નીચે પ્રમાણે હતું, ‘મોહે લાગી લટક દૂધ પાનકી.' પહેલી પંક્તિ સાંભળતા જ હાસ્યનું મોજું ફરી વળ્યું અને વાતાવરણ એકદમ હળવું બની ગયું. એ પછીની પંક્તિઓ એક પછી એક આવતી ગઈ તેમ તેમ ખડખડાટ હાસ્યનો ફુવારો ઊડ્યો!
મોહે લાગી લટક દૂધપાક્નકી
દૂધપાક બિના મોઢે કછુ નહિ ભાવત-
જૂઠ માયા દાલભાતનકી,
શાળામેં તો છુટ્ટી ભઈ હૈ
ફિકર નીં મોહે ગુરુજનકી I
ગૃહપતિ કહે સુનો મેરે છાત્રો,
છુટ્ટી હુઈ અબ, ઉલટી ભયે તક ખાવનકી.
તત્કાળ સ્ફુરિત આ ઠઠ્ઠા કાવ્યથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો જાણે કે રાતના બનાવથી લાગેલો થાક ઓસરી ગયો અને નિરીક્ષણનું કાર્ય ખુશનુમા વાતાવરણમાં પાર ઊતર્યું.
ઠઠ્ઠાકાવ્યની આ ઘટના પ્રાર્થના દરમિયાન બની એમાં ઔચિત્યનો અભાવ લાગે તો નવાઈ નહિ. હું એ કારણે થોડોક અસ્વસ્થ હતો. નાનાભાઈને એ નહિ ગમે એમ મને લાગ્યું. કાકાસાહેબ કે કિશોરલાલભાઈ જેવાને પણ સંભવતઃ એવું ન ગમે; પણ હરભાઈએ ભગવતીને અભિનંદન આપ્યાં ત્યારે મારું મન હળવું થઈ ગયું. એ ઘટનાનો વખતોવખત ઉલ્લાસભેર ઉલ્લેખ થતો. ભાવનગરમાં હરભાઈના સન્માનના એક સમારંભ વખતે હરભાઈએ આ પ્રસંગને યાદ કરતાં મેં એની વિગતો વર્ણવી ને લોકોને એ સાંભળતાં આનંદ આવ્યો.
સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રેરે, એને કલાત્મક અભિવ્યક્તિ આપે અને હૃદયની સંવાદિતા સર્જે એવા વિદ્યાપીઠના વાતાવરણે કોને કોને નવી નવી દિશાઓ નહિ સુઝાડી હોય તે જણાવવું મુશ્કેલ છે. અમારા અધ્યાપકો પૈકી શ્રી રામનારાયણ પાઠક અને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખની સાહિત્ય પ્રવૃત્તિનાં મૂળ કયાં હતાં એ તો તેઓ જ કહી શકે; પરંતુ એની મુક્તધારા વિદ્યાપીઠમાં વહેતી થઈ. અત્રે એ મૂલ્યાંકનમાં ઊતરવાના પ્રલોભનને ખાળી એકબે વધુ ઉદાહરણો દ્વારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કેવી આત્મીયતા બંધાઈ હતી એનો વિશેષ નિર્દેશ કરી લઉં.'
અમે તિલક છાત્રાલયમાં હતા ત્યારે પાઠકસાહેબ બેત્રણ દિવસ તાવમાં સપડાયા. તેમની ખબર લેવા હું ગયો અને મેં ખબર પૂછી ત્યારે તેમણે તાજેતરમાં જ શ્રી મેઘાણીએ ગાયેલા ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં' ગીતની એક કડીની ઢબે કહ્યું:
ઘટ્ટક દઈને સાયબાજી સૂઈ ગયા!
પછેડીની તાણી તે સોડ જો!
મચ્છર ઘણાં ને ઊંચા ઓરડાં.
મૂળ પંક્તિ નીચે પ્રમાણે છેઃ
ઘટ્ટક દઈને ગોરાંદે પી ગયાં!
ઘરચોળાની તાણી તેણે સોડ જો!
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં.
આમ હળવાશના આવા વાતાવરણમાં ગુરુશિષ્ય વચ્ચે આદાનપ્રદાનનો વહેવાર કેવો વિકસતો હશે તેની સહજ અટકળ થઈ શકે તેમ છે.
એક વધુ ઉદાહરણ:
પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો અચૂક રીતે તમે કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુંદરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.
‘પૂછ્યું શ્રી શુક સનકાદિકે મળવાની બીકે
પ્રાસ નહિ મળવાની બીકે
મૂક્યું ચોથા ચરણ તરીકે
પાઠકની છીંકે?’
પ્રાસ મળે જયાં ધોબી ઝીંકે,
મલ્લુ લડે જયાં ઢીંકે ઢીંકે,
લૂલે પગ અંજનિ કે
પાઠકની છીંકે?’
જગત બધું બેલડીએ વિહરે
ને જોઈએ બે લડીએ ત્યારે
એક રહી જાસે અડવી કે
પાઠકની છીંડે?
મહેરુજીની ભેંસો ભડકી,
માનશુકનથી ટ્રેનો* અટકી!
શું વળ્યું પ્રાસ ન શોધ્યો ભટકી
પાઠકની છીંકે?
જન ભટક્યાં સૂતાં ઓશીકે,
પાણી થંભ્યાં વહેતાં નીકે,
ગોરસ ફૂટમાં અદ્ધર શીંકે
પાઠકની છીંકે?
આ રીતે વિદ્યાપીઠમાં શિક્ષણના સહજ વિકાસને પ્રેરે ને ઉત્તેજે એવું વાતાવરણ આખો વખત લહેરાતું રહેતું; અને વિદ્યાપીઠના ધ્યાનમંત્ર માં રહેલી ભાવના અમને સિદ્ધ થતી જણાતી.
- ↑ * અમદાવાદથી સૌરાષ્ટ્રમાં જતી વિદ્યાપીઠની તદ્દન નજીક આવેલી મીટરગેજ રેલ્વે.