સાર્ત્રનો અસ્તિત્વવાદ/૨. સાર્ત્રનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. સાર્ત્રનો પરિચય


૨૧મી જૂન ૧૯૦૫માં સાર્ત્રનો જન્મ પૅરીસમાં થયો હતો. તેમની માતા પ્રોટેસ્ટન્ટ હતી અને પિતા કૅથૉલિક હતા. બે વર્ષની ઉમ્મરે સાર્ત્રે તેમના પિતા ગુમાવ્યા, કારણ કે ૧૯૦૭માં ફ્રેંચ-ઇન્ડો-ચાઈનામાં તેમના પિતાનું મૃત્યુ થયું. સાર્ત્રની ૧૧ વર્ષની ઉંમરે તેમની માતાનું પુનર્લગ્ન થયું. ૧૯૧૭થી ૧૯૨૯ સુધી સાર્ત્રે અભ્યાસ કર્યો. ૧૯૩૧માં સાર્ત્ર ‘લા હાર્વે’માં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૩૩માં પ્રો. હર્સલના માર્ગદર્શન હેઠળ બર્લિનમાં અભ્યાસ કરવાની તેમને ગ્રાંટ આપવામાં આવી. ત્યાં સમકાલીન જર્મન તત્ત્વજ્ઞાનથી સાર્ત્ર પરિચિત થયા. જર્મનીથી પાછા ફરીને ૧૯૩૪માં ફ્રાંસમાં તત્ત્વજ્ઞાનનું અધ્યાપન શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં સાર્ત્રને લશ્કરી સેવામાં જોડાવું પડ્યું. તેમને મેગીનૉટ લાઇન ઉપર મોકલવામાં આવ્યા. ૧૯૪૦માં તેમને યુદ્ધકેદી તરીકે લઈ જવામાં આવ્યા અને ૧૯૪૧માં છોડી મૂકવામાં આવ્યા. ૧૯૪૧થી ૧૯૪૪ સુધી અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું પરંતુ ૧૯૪૪માં તે પ્રવૃત્તિ પૂરી કરી અને માત્ર લેખનકાર્ય વધુ વેગીલું બનાવ્યું. સાર્ત્રની પહેલી નવલકથા ‘નોશિયા’ પૅરીસમાં ૧૯૩૮માં પ્રગટ થયેલી. ‘ધી ફલાઈઝ’ નામનું પહેલું નાટક ૧૯૪૩માં પ્રસિદ્ધ થયું. ‘નો એકઝીટ’ ૧૯૪૭માં પૅરીસમાં ભજવાયું હતું. ૧૯૪૩થી ૧૯૪૫નાં સંસ્મરણો રજૂ કરતાં પ્રોફે. ગુઈખારનૌડ જણાવે છે કે નવું સાહિત્ય આ દરમ્યાન વિકસતું જતું હતું. મિત્રોની અનૌપચારિક મુલાકાત યોજવામાં આવતી. શિયાળાની બપોરે ‘Cafe de Flore’માં સાર્ત્ર અને સાઈમન-દ-બોઉવા પોતાનું લેખનકાર્ય આગળ વધારતા. ધૂમ્રપાન અને પીણાંઓની વચમાં ચર્ચાઓ થતી. કોઈ લેખક નવલકથાનું પહેલું પ્રકરણ લખી આવે. કૉફી હાઉસમાં બેઠાં જ તેની ચર્ચા થાય. બપોરના ભાગમાં આલ્બર્ટ કામૂ પણ નિયમિત રીતે લેખનકાર્યમાં ભાગ લે અને ઊંચી કોટિનું સાહિત્ય-વિવેચન આ મંડળીમાં થાય. ગેબ્રિયલ માર્સલે પણ સાર્ત્ર સાથે ઘણી ચર્ચા કરેલી. ‘સાર્ત્રની દુનિયા કૉફી હાઉસની અટારીમાંથી દેખાતી દુનિયા છે,’ તેવું માર્સલનું વિધાન શરૂઆતમાં ઘણું ટીકાપાત્ર થયું હતું. પરંતુ સાર્ત્રે પોતે કબૂલ્યું કે કૉફી હાઉસમાં કૌટુંબિક જીવનથી મુક્તિ મળે છે. સાર્ત્રની નાટકો દ્વારા જેમ ખ્યાતિ પ્રસરી તેમ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં પણ તેઓ પોતાની આગવી અભિવ્યક્તિ કરી શક્યા છે. ૧૯૪૫થી ૧૯૪૭ દરમ્યાન ‘The Age of Reason’,’The Reprieve’ અને ‘The Troubled sleep’ એ ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ. પાર્શ્વભૂમિકા અને કથાવસ્તુની એક સળંગ સંકલના તેમાં વ્યક્ત થઈ છે. યુદ્ધકાલીન મનોદશાની તેમાં અભિવ્યક્તિ થઈ છે. સાહિત્યક્ષેત્ર ઉપરાંત, આ જ સમયે સાર્ત્રની મહત્ત્વની કૃતિ ‘Being and Nothingness’ પ્રગટ થઈ. વીસમી સદીમાં ટેકનિકલ તત્ત્વજ્ઞાનનું આ સહુથી અગત્યનું પુસ્તક ગણાય છે. તત્ત્વજ્ઞાનના કોઈ પણ મહાન જર્મન ગ્રંથની હરોળમાં તેને મૂકી શકાય. સાહિત્યનું માધ્યમ પસંદ કરનાર સાર્ત્રમાં, મૂળથી જ તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા દેખાય છે. ૧૯૪૯ સુધી સાર્ત્રનું સામ્યવાદી-વિરોધી વલણ ખૂબ ઉગ્ર હતું. ૧૯૫૦ પછી સાર્ત્રને પોતાના સાથીઓ સાથે આ બાબત ઉગ્ર મતભેદ પડવા લાગ્યો. સાર્ત્રનો લેખ ‘The Communist and Peace’ ૧૯૫૨માં પ્રગટ થયો. ૧૯૫૪માં સાર્ત્ર રશિયાને પ્રવાસે ગયા. સાર્ત્ર પોતાના ચેતનાના સિદ્ધાંત સાથે માર્ક્સનો ક્રાંતિનો વિચાર સુસંગત છે કે નહીં તે શોધવા માગતા હતા. ૧૯૫૬માં સામ્યવાદી જગતમાં બનેલા બનાવોથી સાર્ત્રનાં વલણમાં ફરી પરિવર્તન થયું. ૧૯૬૦માં ‘Critique of Dialectical Reason’ પ્રસિદ્ધ થયું. સાર્ત્રની આ મહત્ત્વની કૃતિમાં કાર્યની ભૂમિકાએ માનવીય પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરૂપણ થયું છે. રૉબર્ટ કુમિંગ માને છે કે તે સમયથી જ સાર્ત્રે અસ્તિત્વવાદ છોડીને માર્ક્સવાદ સ્વીકાર્યો છે, પરંતુ અસ્તિત્વવાદના કેટલાક મૂળ સિદ્ધાંતો સાથે અભિનવ માર્ક્સવાદ સુસંગત નથી. એટલે જ રાજનૈતિક સિદ્ધાંતોમાં સાર્ત્ર સુસંગત નથી એવી ફ્રૅન્ક કેપ્લરે ‘લાઇફ ઇન્ટરનેશનલ’ના એક લેખમાં ૧૯૬૪માં ટીકા કરી છે. ૧૯૬૪માં સાર્ત્રને સાહિત્ય માટેનું ‘નોબેલ પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યું તે સમયે સ્વીડીશ પ્રેસ પ્રતિનિધિઓ સમક્ષ એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે : “લેખક પાસે તો એક જ સાધન છે—શબ્દ. લેખકને બીજા કોઇ પણ પ્રકારનું સન્માન મળે કે ટાઈટલ મળે તે વાચકો ઉપર એક પ્રકારનું બંધન લાદે છે ‘ઝ્યાં-પોલ-સાર્ત્ર’ તરીકે ઓળખાવું એ એક બાબત છે. ‘ઝ્યાં-પોલ-સાર્ત્ર નોબેલ પ્રાઈઝ વિજેતા’ તરીકે ઓળખાવું એ જુદી બાબત છે. લેખકે પોતે વ્યક્તિ મટીને સંસ્થા બની જવું એ ઇચ્છનીય નથી. સાંસ્કૃતિક ક્ષેત્રે અત્યારે એક જ સમસ્યા છે—પૂર્વ અને પશ્ચિમનું શાંતિમય સહઅસ્તિત્વ. અને તેમાં હાલમાં સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ આ સંઘર્ષ માનવીઓ અને સંસ્કૃતિ વચ્ચે છે, કોઇ સંસ્થાઓ તેમાં વચ્ચે પડે તે જરૂરી નથી.” સાહિત્ય, તત્ત્વચિંતન, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોને સ્પર્શતા તેમ જ પ્રતિપક્ષની સમીક્ષા કરતા વિવિધ લેખો અને પત્રોનો સંગ્રહ ‘Situations’ ૧૯૪૭થી ૧૯૬૫ સુધીમાં જુદા જુદા ગ્રંથ રૂપે પ્રસિદ્ધ થયો છે. સાર્ત્રનાં આ લખાણો તેમના આંતરનિરીક્ષણની અભિવ્યક્તિ છે. ‘Les Temps Modernes’ શીર્ષકનું એક સામયિક ઑક્ટોબર, ૧૯૪૬માં શરૂ થયું. તેના કેટલાક લેખો પણ ‘Situations’માં પ્રસિદ્ધ થયા છે. તેમાં આલ્બર્ટ કામૂ અને માર્લો પોન્ટી વિષેના સાર્ત્રના પત્રો બહુ રસપ્રદ છે. ૧૯૬૦માં કામૂના મૃત્યુ પછી પ્રગટ કરેલા એક લેખમાં તેમની વચ્ચે ઘણા મતભેદો અને ઘર્ષણ થયાં હતાં એમ જણાવી કામૂના મૃત્યુની અર્થહીનતા પ્રત્યે સાર્ત્ર પોતાની મનોવ્યથા વ્યક્ત કરે છે. કામૂને સાર્ત્ર માનવતાવાદી મૂલ્યોના સહુથી પ્રભાવશાળી ઉપાસક તરીકે ઓળખાવે છે. આ લેખમાં સાર્ત્રની ભાવભીની અભિવ્યક્તિ તેમની મૈત્રીની સચ્ચાઈ પ્રગટ કરે છે. જો કે ૧૯૫૨માં સાર્ત્રે ‘કામૂને પ્રત્યુત્તર’ એ પત્રમાં કામૂનાં કેટલાંક વલણો ઉપર કડક ટીકા કરી હતી. સાર્ત્રના સામ્યવાદ તરફી વલણ અને તે સમયની રશિયાની રાજકીય પરિસ્થિતિ વિષેના કામૂ અને સાર્ત્રના મતભેદો ઘણા ઉગ્ર બન્યા હશે તેમ આ પત્ર વાંચતાં સમજાય છે. સાર્ત્રની દલીલ એ હતી કે રશિયામાં લોકો પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવતી હશે, દમનનીતિ હશે અને મૃત્યુશિબિરો હશે પરંતુ માનવતાના ગૌરવને અને સ્વાતંત્ર્યનાં રક્ષણને ધ્યેય ગણનારા બીજા બિનસામ્યવાદી દેશો પણ કેટલીક આ જ પ્રકારની અથવા વધુ દમનલક્ષી નીતિઓ અપનાવે છે અને ભવિષ્યમાં પણ અપનાવશે. સાર્ત્ર પત્ર પૂરો કરતાં લખે છે: તમે (કામૂ) ગમે તે પ્રત્યુત્તર આપો, હું તમારી સાથે સંઘર્ષમાં નહીં ઊતરું. હું માનું છું કે આપણી વચ્ચેનું મૌન આપણો સંઘર્ષ વિસારી દેશે.’ માર્લો પોન્ટીને પણ સાર્ત્ર એક નિકટના મિત્ર અને સહકાર્યકર તરીકે અંજલિ આપે છે. માર્ક્સવાદના સ્વીકાર, અસ્વીકાર કે પરિવર્તન વિષે બન્નેનું મનોમંથન આ લેખમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ૧૯૫૦થી સાર્ત્ર અને પોન્ટી વચ્ચેનું અંતર વધતું ગયું. તેમ છતાં સાર્ત્રે પોન્ટીને છેવટ સુધી તેના માર્ગદર્શક અને અધિકારી મિત્ર તરીકે સન્માન્યા હતા. સાર્ત્રનાં બૌદ્ધિક જીવનનો આલેખ રજૂ કરતાં પ્રોફે. વીલફ્રીડ ડેસન સૂચવે છે કે સાર્ત્રની પ્રતિભા શરૂઆતમાં એક યુવાન સાહિત્યકાર તરીકે પ્રગટી હતી પરંતુ ત્યાર બાદ તત્ત્વજ્ઞાનના એક સમર્થ ચિંતક તરીકે તેમની પ્રતિષ્ઠા સ્થપાઈ હતી. ૧૯૫૦ પછી તો રાજકીય પ્રવાહોના પ્રખર સમીક્ષક અને રાજકારણમાં સક્રિય વ્યક્તિ તરીકે સાર્ત્રની ગણના થવા લાગી. આ દૃષ્ટિએ સાર્ત્રના વ્યક્તિત્વમાં એક વિવિધલક્ષી ચમત્કૃતિ જણાય છે. ૧૯૬૦માં ડેસનને આપેલી એક મુલાકાતમાં સાર્ત્રે જણાવ્યું કે દરેક તત્ત્વચિંતકે કાર્યની ભૂમિકાએ સક્રિય જીવન જીવવું જોઈએ. તત્ત્વચિંતકે માત્ર તટસ્થ સમીક્ષક ન બનવું જોઈએ તેવો સાર્ત્રનો ખ્યાલ રહ્યો છે. સાર્ત્રના અસ્તિત્વવાદની વિચારણા અત્રે માત્ર નીચેના વિષયો પૂરતી મર્યાદિત રહેશે : (૧) સાર્ત્રની સાહિત્યમીમાંસા (ર) સાર્ત્રનું તત્ત્વચિંતન (૩) સાર્ત્રનું મનોવિજ્ઞાન આ વિષયો ઉપર સાર્ત્રના વિચારોનું નિરૂપણ કર્યા પછી સાર્ત્રના અસ્તિત્વવાદનું મૂલ્યાંકન કરીશું.