સાહિત્યચર્યા/અર્વાચીન ગુજરાતી કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્વાચીન ગુજરાતી કવિતા

૧૯૯૯માં આજે આપણે ૨૦મી સદીના અંત પર ઊભા છીએ. ૧૮૪૫માં દલપતરામે ‘બાપાની પીંપર’ કાવ્ય રચ્યું એ ક્ષણથી દોઢેક સદીના ગુજરાતી કવિતાના ઇતિહાસ પર એક પાછી નજર નાખવાની અને ગુજરાતી કવિતાના ભવિષ્ય પર એક આછી નજર નાખવાની આ ક્ષણ છે. ભારતમાં અંગ્રેજોનું આગમન એ જાણે કે વિધાતાનો સંકેત હતો એને કારણે તો પૂર્વ અને પશ્ચિમનું, પ્રાચીન અને અર્વાચીનનું મિલન થયું અને એમાંથી એક વૈશ્વિક સંસ્કૃતિની શક્યતાનું નિર્માણ થયું. આપણે તો અંગ્રેજોના દેશમાં જવાના ન હતા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મહીપતરામ અને મોહનદાસ જેવા જે અલ્પસંખ્ય ગુજરાતીઓ અંગ્રેજોના દેશમાં ગયા એમનો તો આપણે બહિષ્કાર કર્યો હતો. અંગ્રેજોના આગમનથી આપણને માત્ર અંગ્રેજોની જ સંસ્કૃતિનો નહિ પણ જે સંસ્કૃતિનો એ અંતર્ગત અંશ હતી તે પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય થયો. પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ એ ૧૬મી સદીના Renaissance – પુનરુત્થાનની; વિજ્ઞાનવાદી, ભૌતિકવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, બિન-સાંપ્રદાયિકતાવાદી, ઉદારમતવાદી, સમાનતાવાદી, માનવતાવાદી એવા એક મહાન બૌદ્ધિક આંદોલનની સરજત છે. ૧૯મી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજી શાસનનો આરંભ થયો. પરિણામે આપણા બાહ્યજીવનમાં અને આંતરજીવનમાં આ પુનરુત્થાનની સંસ્કૃતિનાં – સવિશેષ તો એનાં લોકશાહી સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયનાં – મૂલ્યોના પ્રબળ પ્રભાવનો આપણને અનુભવ થયો. અને આપણા પ્રથમ નવજાગૃતિના યુગનો આરંભ થયો. સૌ પ્રથમ તો આપણા જીર્ણશીર્ણ સમાજની રૂઢિઓ અને પરંપરાઓના વિરૂપ અને વિકૃત સ્વરૂપનું આપણને ભાન થયું. આપણે એક નિર્મૂલ પ્રજા છીએ એનું આપણને જ્ઞાન થયું. એથી આપણે આપણા બાહ્યજીવનમાં સામાજિક સુધારણાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ સમયને આપણે ‘સુધારાયુગ’, ‘સંક્રાન્તિયુગ’ એવું નામ આપ્યું છે. આ આપણી પ્રથમ નવજાગૃતિનો પ્રથમ તબક્કો હતો. ૧૮૫૭માં અંગ્રેજોના રાજકીય શાસનનો આરંભ થયો કે તરત જ પુનરુત્થાનની પરંપરાની, પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સરજત એવી યુનિવર્સિટીઓની મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં સ્થાપના કરવામાં આવી હતી. એમાં આપણા સંવેદનશીલ તેજસ્વી નવયુવાનોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિનો એમને પરિચય થયો. એને પરિણામે આપણને આપણી અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ અધમ હતું એનું ભાન થયું. સાથે સાથે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ ઉત્તમ હતું એનું પણ જ્ઞાન થયું. પશ્ચિમના વિદ્વાનોએ પ્રાચીન ભારતના સાહિત્યની સમૃદ્ધિને અંજલિ અર્પી હતી એની પ્રેરણાથી અને એ દ્વારા આ નવશિક્ષિતોમાં એમના આ ભવ્ય વારસા પ્રત્યે સભાનતા પ્રેરી હતી એની સહાયથી આપણા આ નવશિક્ષિતોએ ભારતના આત્માની શોધનો, ભારતીયતાની ખોજનો આરંભ કર્યો. એમણે પ્રાચીન પ્રશિષ્ટ ગ્રંથોનું, પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાનું અધ્યયન અને અદ્યાપન કર્યું, એનું મનન-ચિંતન કર્યું. એમણે આપણા આંતરજીવનમાં સૂક્ષ્મ આધ્યાત્મિક સુધારણાનો, ભારતીય માનસને સ્વકીય સંસ્કૃતિમાં દૃઢમૂલ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ પુરુષાર્થ એક પરાધીન પ્રજા માટે આધ્યાત્મિક આશ્વાસન રૂપ હતો. આ સ્વમાન અને સ્વાભિમાનનો, આત્મસ્થાપના અને આત્મનિર્ભરતાનો પુરુષાર્થ હતો. સાથે સાથે એમણે પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ અને એના સાહિત્યને આત્મસાત્ કરવાનો પણ એવો જ પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમણે પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે કંઈ ઉત્તમ હતું એનો સમન્વય કર્યો. આ સમયને આપણે ‘સાક્ષરયુગ’, ‘સમન્વયયુગ’ એવું નામ આપ્યું છે. આ આપણી પ્રથમ નવજાગૃતિનો બીજો તબક્કો હતો. આ બન્ને તબક્કાઓમાં પ્રથમ નવજાગૃતિનો સૌ પ્રથમ લાભ ભાષા અને સાહિત્યને પ્રાપ્ત થયો. ભાષાનું પ્રફુલ્લન-ફલન થયું. સાહિત્યમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવ્યું. ગદ્ય અસ્તિત્વમાં આવ્યું. એમાં નિબંધ અને નવલકથાનું સ્વરૂપ સિદ્ધ થયું. આ સમયમાં અસંખ્ય ચિન્તનાત્મક નિબંધો અને મહાકાવ્ય સમી નવલકથા આપણને પ્રાપ્ત થાય છે. કવિતામાં પરંપરાથી સંપૂર્ણ વિચ્છેદ થયો. મધ્યકાલીન કવિતામાં વસ્તુવિષય રૂપે એક માત્ર ધર્મ હતો. આ સમયમાં કવિતા સમેત સમગ્ર સાહિત્ય એક ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ રૂપે પ્રતિષ્ઠિત થયું. કવિતામાં સમકાલીન જિવાતા જીવનના સામાજિક અને આધ્યાત્મિક વસ્તુવિષયનું બાહુલ્ય પ્રગટ થયું. પ્રેમ અને પ્રકૃતિનો એક સ્વતંત્ર વસ્તુવિષય રૂપે સ્વીકાર-પુરસ્કાર થયો. પરલોકના જીવનની નહિ પણ ઇહલોકના જીવનની, બોધલક્ષી નહિ પણ રસલક્ષી કવિતાનું સર્જન થયું. કવિનું મુક્ત વ્યક્તિત્વ સિદ્ધ થયું. એથી રંગદર્શિતાની આત્મલક્ષી સ્વાનુભવની ઊર્મિકવિતાનું સર્જન થયું. જોકે મધ્યકાલીન કવિતાની જેમ આ કવિતામાં પણ કવિનું રસવિશ્વ સાંકડું રહ્યું. કારણ કે એમાં કથાકાવ્ય કે મહાકાવ્યની કથનાત્મક કવિતા કે પદ્યનાટકની નાટ્યાત્મક કવિતાનું સર્જન ન થયું. આ ઊર્મિકવિતા સ્તોત્ર, ખંડકાવ્ય, સૉનેટ આદિ નવીન શૈલી સ્વરૂપમાં અને માત્રામેળ છંદોમાં નહિ પણ મિશ્ર અને પ્રવાહી એવા અક્ષરમેળ છંદોમાં રચવામાં આવી છે. અક્ષરમેળ છંદો માટેનો આ પક્ષપાત એ ગુજરાતી કવિતાની એક વિરલ સિદ્ધિ છે, ભારતની કોઈપણ ભાષાની કવિતામાં નથી એવી સિદ્ધિ છે. આ બન્ને તબક્કાઓના અનુસંધાનમાં આપણી પ્રથમ નવજાગૃતિના ત્રીજા તબક્કામાં ૧૯૧૫માં ભારતમાં ગાંધીજીનું આગમન થયું. હવે ભારતવર્ષના આત્માની ખોજ, ભારતીયતાની શોધ કવિતામાં, નિબંધમાં કે, નવલકથામાં કરવાની ન રહી, કારણ કે ગાંધીજીમાં એ હવે પૂર્ણપણે મૂર્તિમંત થાય છે, એ આપણી વચ્ચે સદેહે સાક્ષાત્ વિચરી રહે છે. ગુજરાતના જીવનનો ગાંધીજી સાથે પ્રત્યક્ષ સંબંધ હતો. એથી જીવનમાં જ નહિ. સાહિત્યમાં પણ એનો મર્મગામી પ્રભાવ હોય એ અનિવાર્ય હતું. આ જ સમયમાં અર્વાચીન યુરોપની સમાજવાદની વિચારધારાનો પણ આપણા સાહિત્ય પર એવો જ પ્રભાવ હતો. પરિણામે કવિતામાં સંવેદનશીલતાની સીમાઓનો વિસ્તાર થયો. સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વનો આદર્શ પ્રગટ થયો. ગુલામી અને ગરીબાઈના રાજકીય અને આર્થિક વસ્તુવિષયમાં રંગદર્શિતાવાદ, આદર્શવાદ અને વાસ્તવવાદનું નવું પરિમાણ સિદ્ધ થયું. જોકે વાસ્તવવાદના અતિરેક અને અભિનિવેશના પ્રત્યાઘાત રૂપે કવિતામાં સૌંદર્યલક્ષિતા પણ પ્રગટ થાય છે. આ સમયને આપણે ‘ગાંધીયુગ’, ‘સ્વાતંત્ર્ય યુગ’ એવું નામ આપ્યું છે. ૧૮૪૫થી ૧૯૪૭ લગીના એક સદી જેટલા સમયમાં કવિતાના વસ્તુવિષયમાં પ્રથમ નવજાગ્રતિના પ્રથમ અને દ્વિતીય તબક્કામાં આપણો સામાજિક અને આધ્યાત્મિક તથા તૃતીય તબક્કામાં આપણો રાજકીય અને આર્થિક પુરુષાર્થ પ્રગટ થયો એના પરિપાક રૂપે આપણને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. આમ, ૧૯૪૭માં આ સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં પ્રથમ નવજાગૃતિની પરાકાષ્ઠા છે. ૧૯૪૭થી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી દ્વિતીય નવજાગૃતિના યુગનો આરંભ થાય છે. પછી થોડાક જ સમયમાં ભારતમાં વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનનું આગમન થાય છે. ભારતમાં અંગ્રેજોનું આગમન ન થયું હોત તો પણ પશ્ચિમની અર્વાચીન યુરોપીય સંસ્કૃતિની સરજત જેવા આ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનનું આ સમયમાં ભારતમાં આગમન અનિવાર્યપણે થયું હોત. કારણ કે જ્યાં અંગ્રેજોનું આગમન થયું ન હતું એવા એશિયા સમેતના જગતના માત્ર પછાત જ નહિ પણ ચીન અને જપાન જેવા વિકસિત દેશોમાં એનું આગમન થયું છે. કૉમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં તથા જેટ, રોકેટ આદિ વાહનવ્યવહારનાં સાધનોને કારણે જગત એક global village – વૈશ્વિક ગામડું નહિ પણ માર્શલ મેક્લ્યુહનની ક્ષમાયાચના સાથે કહેવું રહ્યું કે એક વૈશ્વિક નગર થતું આવે છે. દૂર-અદૂરના ભવિષ્યમાં વૈજ્ઞાનિક – યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. જગતરાજ્ય, એક જગત, એક કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ્, એકનીડમ્ એ હવે સ્વપ્ન નથી, વાસ્તવ છે. ૧૯૪૭થી ગુજરાતી ભાષામાં આધુનિકતાની કવિતાનો એટલે કે આધુનિક નગરની, ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના નહિ પણ પછીના નગરની, નગરજીવનની, નગરમાનસની કવિતાનો આરંભ થયો છે. એમાં ૧૯૪૭ પૂર્વેના રંગદર્શિતાવાદ, આદર્શવાદ અને વાસ્તવવાદ તથા સૌંદર્યલક્ષિતાની કવિતામાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે એનો પરિહાર થયો છે. પછીથી પદ્યનો પણ પરિહાર થયો છે, ગદ્યકાવ્ય અસ્તિત્વમાં આવ્યું છે. આ આધુનિકતાની કવિતામાં નગરના નામનો ઉલ્લેખ હોય કે ન હોય પણ એમાં નગરજીવનનો અનુભવ, નગરનું માનસ પ્રગટ થાય છે. આ સંદર્ભમાં ગ્રામપ્રદેશ અને ગ્રામજીવન અંગે રુગ્ણ અને રોતલ સ્મૃતિબદ્ધતા – nostalgia એ એક વ્યર્થ મનોયત્ન છે. હવે પછી ભિન્ન ભિન્ન સમાજો કે સંસ્કૃતિઓ, અલબત્ત, અલોપ કે અદૃશ્ય તો નહિ થાય પણ પ્રત્યેક સમાજ અને સંસ્કૃતિએ આ વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિના અંતર્ગત અંશ રૂપે આ નવા પરિમાણ સાથે નવા પરિવેશની વચ્ચે વસવાનું અને વિકસવાનું રહેશે. હવે પછી ભારતીયતાની ખોજ કરવાની નહિ હોય, વૈશ્વિકતાની ખોજ કરવાની હશે. નવા સંદર્ભમાં ભારતીયતાની શોધ કરવાની હશે, સર્વદેશીયતાની સાથે એકાત્મ એવી ભારતીયતાની શોધ કરવાની હશે, ભારતીય મટ્યા વિના સર્વદેશીય થવાનું રહેશે. ભારતીયતાને અતિક્રમીને ભારતીય થવાનું રહેશે. એથી જ આજના અને આવતી કાલના કવિએ માત્ર ભારતીય કે અંગ્રેજી સાહિત્યનું જ નહિ પણ જગતસાહિત્યનું વાચન-મનન અને ચિન્તન કરવાનું રહેશે. જે અર્થમાં ફ્રેન્ચ કે જપાની કવિ કવિ હશે એ અર્થમાં એને કવિ થવાનું રહેશે. ભારતીય કવિતાનાં ધોરણોથી નહિ પણ જગતકવિતાનાં ધોરણોથી એની કવિતાનું મૂલ્યાંકન થાય એવી એની આકાંક્ષા અને અપેક્ષા હશે – બલકે એવો એનો આગ્રહ હશે. એની વૈશ્વિક એવી સજાગતા, સભાનતા, સંવેદના અને સહાનુભૂતિ હશે. સમગ્ર મનુષ્યજાતિ અને એનું ભવિષ્ય એ એની ચિંતા અને એના ચિન્તનનો વિષય હશે. સમગ્ર મનુષ્યજાતિનાં સુખદુ:ખ એ એનાં સુખદુ:ખ હશે. આ સંદર્ભમાં ગીત, ગઝલ કે પદમાં, સીમિત અને સંકુચિત પ્રથમ પુરુષ એકવચનની કવિતામાં જે પલાયનવૃત્તિ – escapism છે તે પણ એક મિથ્યા મનોયત્ન છે. એક જ શબ્દમાં હવે પછીના કવિએ એની કવિતામાં વૈશ્વિક સમન્વય, પશ્ચિમનાં વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન તથા પૂર્વના ગાંધીપ્રેર્યાં સત્ય અને અહિંસાનો સમન્વય સિદ્ધ કરવાનો રહેશે. અને તો એની કવિતા ભલે ગુજરાતી ભાષામાં હોય એ માત્ર ગુજરાતી કે ભારતીય કવિતા નહિ પણ વિશ્વકવિતા હશે. (ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘સ્વાધ્યાયલોક–૧ : કવિ અને કવિતા’ માટેના પુરસ્કારની અર્પણવિધિ પ્રસંગે વક્તવ્ય. ૯ જાન્યુઆરી ૧૯૯૯)