સાહિત્યચર્યા/એડવર્ડ ટેઇલર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એડવર્ડ ટેઇલર

(જ. ૧૬૪૫, ઇંગ્લૅન્ડ; અ. ૧૭૨૯, વેસ્ટફર્ડ, અમેરિકા) અમેરિકન કવિ. ૧૬૬૮માં એમણે અમેરિકામાં સ્થળાંતર કર્યું. શિક્ષણ હાર્વર્ડમાં. મૅસેચ્યુસેટ્સના સીમાપ્રાન્તના નગર વેસ્ટફર્ડમાં પાદરી અને તબીબ થયા અને જીવનભર ત્યાં જ સેવાઓ અર્પણ કરી. એમની ઇચ્છા અનુસાર એમના અવસાન પછી એમના પૌત્ર એઝ્રા સ્ટાઇલ્સે એમનાં કાવ્યો અપ્રકાશિત રાખ્યાં હતાં. એમનાં કાવ્યોની હસ્તપ્રતો યેઇલમાં સુરક્ષિત હતી. એ પરથી છેક ૧૯૩૭માં ટૉમસ એચ. જ્હૉનસને એમનાં કાવ્યોનું સંપાદન કર્યું અને એમના ‘પોએટિક વર્ક્સ’ – સમગ્ર કવિતા –નું પ્રકાશન કર્યું. પછી ૧૯૬૦માં એની સર્વગ્રાહી વિસ્તૃત સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન થયું. એમણે ૧૭૦૧થી ૧૭૦૩ લગી પાદરી તરીકે ધર્મોપદેશ કર્યો હતો. ઉપરાંત એમણે પોતાનાં કાવ્યો વિશે મનન-ચિંતન અને વિવેચન કર્યું હતું. ૧૯૬૨માં એમનાં ૧૪ પ્રવચનો અને વિવેચનોનો સંગ્રહ ‘ક્રિસ્ટોગ્રાફિયા’ શીર્ષકથી પ્રગટ થયો. ૧૯૩૭માં એમનાં કાવ્યોના પ્રકાશન પછી જ ઇંગ્લૅન્ડમાં નહિ પણ અમેરિકામાં ઇંગ્લૅન્ડના ૧૭મી સદીના ધાર્મિક કવિઓ હર્બર્ટ, ક્રેશો આદિની જ્ઞાનમાર્ગી (metaphysical) કવિતાની પરંપરાના કવિ તરીકે, પ્યૂરિટન ધાર્મિક – આધ્યાત્મિક કવિ તરીકે એમનો સ્વીકાર થયો છે. ૧૯૯૬