સાહિત્યચર્યા/કવિની સામાજિક ભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિની સામાજિક ભૂમિકા

આજે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અહીં વડોદરામાં ચોથી વાર યોજવામાં આવી રહ્યું છે. એ નિમિત્તે ગુજરાતી ભાષામાં સાહિત્યનું સર્જન કરનાર અને એ સાહિત્યનો આસ્વાદ કરનાર આપણે – સર્જકો અને ભાવકો – એકત્ર થયા છીએ ત્યારે આપણને નરસિંહ પછીના પાંચસો વરસના ગુજરાતી કવિતાના ઇતિહાસમાં રસસિદ્ધિમાં સર્વશ્રેષ્ઠ એવા કવિ પ્રેમાનંદનું સૌ પ્રથમ સ્મરણ થાય એ સ્વાભાવિક છે. વળી આજના મારા વક્તવ્યના વિષયના સંદર્ભમાં પ્રેમાનંદનું સ્મરણ કરવું એ મારે માટે તો અનિવાર્ય છે. પ્રેમાનંદને કારણે તો વડોદરા એ ગુજરાતી કવિતાનું પિયર છે. ‘વીરક્ષેત્ર વડોદરા’ એ તો પ્રેમાનંદની જન્મભૂમિ અને અંશત: પ્રેમાનંદની કર્મભૂમિ. આજથી લગભગ અઢીસો વરસ પૂર્વે અહીં વાડી મહોલ્લામાં કૃષ્ણરામ ભટ્ટના ઘરમાં પ્રેમાનંદનો જન્મ. આજે પણ અહીં કોઈ શેરીમાં કે ચોકમાં કે ચૌટામાં એમના મોહક અવાજના અને એમની માણના મધુર રણકારના પડઘા ગાજી રહ્યા છે. આજે પણ એમનાં રસ અને આનંદથી સભર એવાં આખ્યાનોનું વાચન અને શ્રવણ નિરક્ષરોથી માંડીને સાક્ષરો લગીના સૌ ભાવકોની રસરુચિનું સંતર્પણ કરી રહ્યા છે. કવિ અને સમાજ, કવિ અને સંસ્કૃતિના પરસ્પરના સંબંધના સંદર્ભમાં, કવિની સામાજિક ભૂમિકાના સંદર્ભમાં ગુજરાતી કવિતાના નરસિંહ પછીના પાંચસો વરસના ઇતિહાસમાં પ્રેમાનંદ જેવું અન્ય કોઈ ઉત્તમ ઉદાહરણ નથી. પ્રેમાનંદ વ્યવસાયી કવિ હતા. એથી એમણે એમનો આત્મપરિચય ‘કવિ પ્રેમાનંદ’ તરીકે નહિ, પણ ‘ભટ્ટ પ્રેમાનંદ’, ‘વિપ્ર પ્રેમાનંદ’ તરીકે આપ્યો હતો અને ‘ઉદર નિમિત્તે’ આખ્યાનો રચ્યાં હતાં એવો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. એમાં એમની નમ્રતા અને વ્યવસાયી કવિનું ગૌરવ એકસાથે પ્રગટ થાય છે. રાતોની રાતો એમણે એમનાં આખ્યાનો વડોદરા, સૂરત, નંદરબાર અને બુહરાનપુરામાં શેરી, ચોક કે ચૌટામાં શ્રોતાઓની સમક્ષ રજૂ કર્યાં હતાં. આમ, પ્રેમાનંદનો શ્રોતાઓ સાથે એટલે કે સમાજ સાથે પ્રત્યક્ષ સંબંધ હતો. ત્યારે ગુજરાતમાં ૧૫મી સદીથી માણભટ્ટના વ્યવસાયની અને આખ્યાનના કાવ્યપ્રકારની સમૃદ્ધ અને લોકપ્રિય પરંપરા અસ્તિત્વમાં હતી. પ્રેમાનંદે માણભટ્ટનો વ્યવસાય અને એને કારણે કવિ તરીકે આખ્યાનનો કાવ્યપ્રકાર સ્વેચ્છાએ પસંદ કર્યો હતો. પિતા કૃષ્ણરામ કથાકાર હતા એટલે શક્ય છે કે આ વ્યવસાય અને કાવ્યપ્રકાર એમને વારસામાં પ્રાપ્ત થયા હોય! પદ્યનાટક, મહાકાવ્ય, કથાકાવ્ય, આખ્યાનકાવ્યમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં સમાજ કેન્દ્રસ્થાને હોય છે. એથી આખ્યાન કાવ્યપ્રકારના કવિ તરીકે પ્રેમાનંદનો સમાજ સાથે અનિવાર્ય સંબંધ હતો. પ્રેમાનંદ માત્ર વ્યવસાયી કવિ ન હતા, પણ એક મહાન પ્રતિભાશાળી કવિ હતા. એથી સમકાલીન ગુજરાતના સમગ્ર સમાજ – શ્રીમંત, મધ્યમ, નિર્ધન વર્ગો – ના જીવન – ગૃહજીવન, કુટુંબજીવન, સમાજજીવન – નો, જિવાતા જીવનનો એમને સર્વગ્રાહી અને હૃદયસ્પર્શી અનુભવ હતો, સૂક્ષ્મ અને માર્મિક અનુભવ હતો. સમાજ સાથે એ એકરસ અને એકરૂપ, એકાકાર અને ઓતપ્રોત હતા. સમાજને એમણે આત્મસાત્ કર્યો હતો. એમનાં આખ્યાનોમાં વર્ણન અને પાત્રનિરૂપણમાં એમનો આ અનુભવ પ્રગટ થાય છે. એમણે પ્રાચીન અને પૌરાણિક એવાં લોકોત્તર પાત્રોનું પણ માનવીકરણ, ગુજરાતીકરણ કર્યું હતું. પરિસ્થિતિ અને પ્રસંગોમાં સમકાલીન ગુજરાતના સમાજનું વાસ્તવિક વાતાવરણ રચ્યું હતું. એથી એમનાં આખ્યાનોમાં સજીવ પાત્રો અને જીવંત વાતાવરણ છે. પ્રેમાનંદની કવિતામાં ગુજરાતિતા એ દૂષણ નથી, પણ ભૂષણ છે; મર્યાદા નથી, પણ મહત્તા છે. પ્રેમાનંદનો સમાજ સાથે આત્મીય સંબંધ હતો. વળી પ્રેમાનંદે માનવીના આંતરમનના વિવિધ ભાવોને હાસ્ય, કરુણ, શૃંગાર આદિ રસરૂપે સિદ્ધ કર્યા છે. નરસિંહ, મીરાં અને અખાએ ગુજરાતી કવિતાને ભક્તિરસથી, અધ્યાત્મરસથી રસાર્દ્ર કરી છે તો પ્રેમાનંદે ગુજરાતી કવિતાને માનવરસથી, સંસારરસથી રસાર્દ્ર કરી છે. રસસિદ્ધિ, રસસમૃદ્ધિ એ પ્રેમાનંદની કવિ તરીકે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એ દ્વારા એમણે ગુજરાતના હૃદયને હંમેશ માટે રસાર્દ્ર કર્યું છે, ગુજરાતના જીવનમાં હંમેશ માટે સંજીવનીનું સિંચન કર્યું છે. પ્રેમાનંદે એમની ગુજરાતિતા અને રસિકતા દ્વારા ગુજરાતી ભાષાને પણ રસાર્દ્ર કરી છે, કવિ ભાષા દ્વારા જીવે છે એથીયે વિશેષ તો ભાષા કવિ દ્વારા જીવે છે. પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં પણ સંજીવનીનું સિંચન કર્યું છે. સમકાલીન ગુજરાતના સમાજની ભાષા – રોજબરોજની ભાષા, બોલચાલની ભાષા, જિવાતા જીવનની ભાષા એમણે એમનાં આખ્યાનોમાં યોજી છે. એમાં એ ભાષાના શબ્દો, લયો, લહેકાઓ, કાકુઓ પદેપદે પ્રગટ થાય છે. ભાષાનું ગુજરાતીપણું એ પણ પ્રેમાનંદની કવિ તરીકે એક મહાન સિદ્ધિ છે. કવિનો કવિ તરીકે સમાજ સાથે જે સંબંધ છે તે તો માત્ર શબ્દ દ્વારા, ભાષા દ્વારા જ છે. એથી શબ્દ દ્વારા, ભાષા દ્વારા કવિનો સમાજ સાથેનો સંબંધ પ્રગટ થાય છે પણ સાથેસાથે એ શબ્દ, એ ભાષા, કવિનો શબ્દ, કવિની ભાષા છે. એ વ્યક્તિવિભાષા છે. એથી એમાં કવિ પણ પ્રગટ થાય છે. કાવ્યમાં કવિ ક્યાંય છતો થતો નથી પણ સર્વત્ર છુપાયો હોય છે. અને અંતે, કવિના કોઈ પણ પ્રયત્ન વિના, ભાવકના પ્રયત્નથી જ એ પ્રગટ થયા વિના રહેતો નથી. પ્રેમાનંદનાં આખ્યાનોમાં રસ અને આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ પાનેપાને – બલકે પદેપદે પ્રગટ થાય છે. પ્રેમાનંદના હૃદયમાં જે રસ અને આનંદ હશે, એમના મનમાં જે ઉત્સાહ અને ઉલ્લાસ હશે એ જ રસ અને આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ એમનાં આખ્યાનોમાં પ્રગટ થાય છે. રસ અને આનંદ એ જ અંતે તો કાવ્યમાત્રનું પ્રયોજન છે. પ્રેમાનંદનાં આખ્યાનોએ ભાવકોને રસ અને આનંદનો અનુભવ કરાવ્યો હતો, આજે પણ કરાવે છે અને ગુજરાતી ભાષા અસ્તિત્વમાં હશે ત્યાં લગી કરાવશે. પ્રેમાનંદનો સમાજ એક વાર હતો, આજે નથી પણ એમનાં આખ્યાનોમાં એ સમાજ આજે પણ છે અને હંમેશ માટે હશે. ગુજરાત અને ગુજરાતી ભાષા = પ્રેમાનંદ અને પ્રેમાનંદ = ગુજરાત અને ગુજરાતી ભાષા એવું સમીકરણ રચાયું છે. પ્રેમાનંદ અને ગુજરાત તથા ગુજરાતી ભાષા પરસ્પરના પર્યાયરૂપ રહ્યાં છે. પ્રેમાનંદની ભાષા એ સૌ અનુગામી કવિઓને પ્રેમાનંદનો મહામૂલો વારસો છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં રસ અને આનંદ એ ભાવકોને હંમેશ માટેની પ્રેમાનંદની અમૂલ્ય ભેટ છે. આ વ્યાખ્યાનના આરંભે જ પ્રેમાનંદ વિશે આટલી વિગતોથી આટલો વિસ્તાર કર્યો છે કારણ કે ગુજરાતમાં પ્રેમાનંદ જેવા સામાજિક ભૂમિકાના કવિ થયા હોય અને વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ‘કવિની સામાજિક ભૂમિકા’ના વિષય પર વ્યાખ્યાન કરવાનું હોય તો પ્રેમાનંદ આટલી વિગતો અને આટલા વિસ્તારના અધિકારી છે અને આટલી વિગતોથી આટલો વિસ્તાર કરવાનું વ્યાખ્યાતાનું કર્તવ્ય છે. જગતકવિતાનો ત્રણેક હજાર વરસનો ઇતિહાસ છે. કવિતાનો આરંભ પ્રથમ ભારતમાં ઈ.પૂ. ૧૦મી સદીની આસપાસ થયો હતો. પછી ગ્રીસમાં ઈ.પૂ. ૮મી સદીમાં, ચીનમાં ઈ.પૂ. ૫મી સદીમાં અને જાપાનમાં ઈ. ૫મી સદીમાં થયો હતો. ગ્રીસમાંથી પછીની સદીઓમાં રોમ, ઇટલી, ફ્રાન્સ, ઇંગ્લંડ, સ્પેન, જર્મની, રશિયા અને યુરોપના અન્ય દેશોમાં તથા અમેરિકામાં એનો પ્રસાર થયો હતો. આ વ્યાખ્યાનના પૂર્વાર્ધમાં જગતકવિતાના આ ઇતિહાસમાં ભિન્ન ભિન્ન સમયે અને ભિન્નભિન્ન સ્થાને કવિની સામાજિક ભૂમિકા અને સમાજની કવિ અને કવિતા અંગેની ભૂમિકાનું કેટલાંક ઉદાહરણો દ્વારા અવલોકન કરવાનો ઉપક્રમ છે. ભારતમાં પ્રાગ્-ઐતિહાસિક પ્રાચીન યુગના પૂર્વાર્ધમાં વેદોનાં સ્તોત્રોમાં કર્મ દ્વારા, યજ્ઞો દ્વારા દેવોને પ્રસન્ન કરવાનો અને એમની પાસેથી મનુષ્યોને સુખપ્રાપ્તિ કરાવવાનો હેતુ હતો. ઉપનિષદોના મંત્રો – ‘સોહં’, ‘તત્ત્વમસિ’, ‘અહં બ્રહ્માઽસ્મિ’ આદિ – માં જ્ઞાન દ્વારા મનુષ્યને બ્રહ્મપ્રાપ્તિ કરાવવાનો ઉદ્દેશ હતો. ઉત્તરાર્ધમાં વાલ્મીકિ અને વ્યાસનાં મહાકાવ્યો – ‘રામાયણ’ અને ‘મહાભારત’ – માં સમાજના બે અગ્રણી વર્ગો – બ્રાહ્મણો અને ક્ષત્રિયો – વચ્ચે સત્તા અને સર્વોપરિતા માટેનો આંતરવિગ્રહ, સંકુચિતતા અને વ્યાપકતાના પરસ્પરવિરોધી વિચારો વચ્ચેનો મહાન સંઘર્ષ પ્રગટ થાય છે. ઐતિહાસિક પ્રાચીન યુગના પૂર્વાર્ધમાં બુદ્ધ અને મહાવીરે સંસ્કૃત દ્વારા નહિ પણ લોકભાષાઓ – પાલિ અને પ્રાકૃત – દ્વારા બહુજનસમાજ સાથે વ્યવહાર કર્યો હતો પણ એ ભાષાઓમાં કથાસાહિત્ય વિપુલ પ્રમાણમાં છે, કવિતા નહિવત્ છે. ઉત્તરાર્ધમાં ભાસ, કાલિદાસ, ભવભૂતિ, શૂદ્રક આદિએ એમનાં પદ્યયુક્ત નાટકો દ્વારા સમાજના ભિન્નભિન્ન રુચિના પ્રેક્ષકશ્રોતાઓનું સમારાધાન કર્યું હતું. મધ્યકાલીન યુગમાં સમગ્ર ભારતમાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન બૌદ્ધ અને જૈન ધર્મની જેમ ચારે દિશામાં પ્રસર્યું હતું. સંતકવિઓ આ આંદોલનના નેતાઓ હતા. એમણે પણ બુદ્ધ અને મહાવીરની જેમ સંસ્કૃત દ્વારા નહિ પણ ભારતની વિવિધ લોકભાષાઓ દ્વારા બહુજનસમાજ સાથે વ્યવહાર કર્યો હતો. ભારતના ઇતિહાસમાં આ સમયે સામ્રાજ્યોનો અસ્ત થયો હતો અને વિદેશી, વિધર્મી મુસ્લિમોના આગમન અને આક્રમણ પછી રાજકીય પરાધીનતાનો આરંભ થયો હતો. એથી પ્રજાજીવનનાં અનેક પ્રમુખ ક્ષેત્રો – રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રો – માં પરાક્રમ અને પુરુષાર્થને અવકાશ ન હતો. બૌદ્ધધર્મ અને બ્રાહ્મણધર્મ વચ્ચેના દીર્ઘકાલીન સંઘર્ષમાં અંતે બૌદ્ધધર્મનો પરાજય થયો હતો અને બ્રાહ્મણધર્મનો વિજય તો થયો પણ એ સંઘર્ષને અંતે એ નિષ્પ્રાણ અને નિ:સત્ત્વ, કહો કે મૃત:પ્રાય થયો હતો. એ સમયે જ નવજાત એવા ઇસ્લામનું આગમન અને આક્રમણ થયું. એમાં એકેશ્વરવાદ, માનવ માનવ વચ્ચે ભેદભાવરહિત બંધુભાવનો માનવતાવાદ, સરળતા, સર્વજનસુલભતા આદિ મૂલ્યો હતાં. ઇસ્લામનાં આ મૂલ્યો જેવાં જ મૂલ્યો જેમાં હતાં તે ભક્તિ દ્વારા જ એનો પ્રતિકાર શક્ય હતો. વળી બ્રાહ્મણધર્મની સંકુચિતતાનો પરિહાર પણ ભક્તિ દ્વારા જ શક્ય હતો. એથી ભક્તિને અભૂતપૂર્વ એવું પ્રાધાન્ય પ્રાપ્ત થયું હતું. આ ભક્તિ દ્વારા ભારતના સમાજનું તેજ અને સત્ત્વ પ્રગટ થયું, ધર્મ અને સંસ્કૃતિનો આત્મા સુરક્ષિત રહ્યો એટલું જ નહિ પણ ભવિષ્યમાં ઇસ્લામી અને ભારતીય કળાઓ અને સંસ્કૃતિઓના સમન્વયની ભૂમિકા પણ રચાતી રહી. સંતકવિઓએ એમની ભક્તિકવિતા સંસ્કૃતમાં નહિ પણ ભારતની વિવિધ લોકભાષાઓમાં રચી હતી એથી ભારતની સૌ લોકભાષાઓ પ્રથમ વાર જ ભાવસભર અને રસસમૃદ્ધ થાય છે. ભક્તિઆંદોલનમાં સંતકવિઓએ એમની જે સામાજિક ભૂમિકા ભજવી છે તે જગતકવિતાના ઇતિહાસમાં અપૂર્વ અને અદ્વિતીય છે. નરસિંહ એમના ઘરમાં અને ઘર બહાર સમાજના તિરસ્કૃત અને બહિષ્કૃત માનવસમુદાયની વચમાં સક્રિય એવા કર્મવીર (activist) સંતકવિ હતા. ‘દાણલીલા’ અને ‘ઝારી’નાં પદોમાં નારીપ્રતિષ્ઠા દ્વારા અને ‘પાવન પ્રસંગ’નાં પદોમાં હરિજનપ્રતિષ્ઠા દ્વારા એમણે લિંગ-જાતિભેદરહિતતાની કવિતા રચી છે. મીરાં તો સ્વયં સ્ત્રી હતાં. એ મેવાડનાં ભાવિ મહારાણી હતાં. પણ એમણે સર્વસ્વનો – અંતે તો નામ સુધ્ધાંનો – ત્યાગ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં નરસિંહે જે આધ્યાત્મિક વાતાવરણ રચ્યું હતું એમાં એમણે એમની આસપાસ દીનદલિતોનો સમાજ રચ્યો હતો અને એની વચમાં જીવનભર એમનાં પદોનું કીર્તન કર્યું હતું. અખાએ એમના ‘છપ્પા’માં વેવલી અને વિલાસી સામાજિક અને ધાર્મિક વ્યક્તિઓ અને સંસ્થાઓ પ્રત્યે એમનો પયગંબરી આવેશપૂર્વકનો પુણ્યપ્રકોપ પ્રગટ કર્યો હતો. પ્રેમાનંદની સામાજિક ભૂમિકા વિશે તો આરંભે જ વિગતે વિસ્તારથી ઉલ્લેખ થયો છે. એમાં હવે અહીં ભાગ્યે જ કંઈ ઉમેરવાનું હોય! દયારામની ગરબીઓ હોંસે હોંસે ગાઈને તો ગુજરાતણોએ દયારામનું નામ ઘેરઘેર ગુંજતું કર્યું હતું. મધ્યકાલીન યુગમાં ઇસ્લામના આગમન અને આક્રમણ પછી ભક્તિઆંદોલનની જેમ અર્વાચીન યુગમાં અંગ્રેજોનાં આગમન અને આક્રમણ પછી સમગ્ર ભારતમાં એક પ્રચંડ બૌદ્ધિક આંદોલન, જ્ઞાનનું આંદોલન ચારે દિશામાં પ્રસર્યું હતું. ‘રનેસાંસ’ની સરજત એવી પશ્ચિમની વ્યક્તિવાદી સમાજની વૈજ્ઞાનિક સંસ્કૃતિના પ્રભાવથી ભારતમાં પ્રથમ સામાજિક, પછી રાજકીય અને હવે અંતે આર્થિક ક્રાંતિ આવી છે. એ ક્રાંતિમાં કવિઓએ એમની સામાજિક ભૂમિકા ભજવી છે. મધ્યકાલીન યુગમાં મુખ્યત્વે ધર્માનુભવની કવિતાનું સર્જન થયું હતું. એમાં પ્રેમાનંદ અપવાદરૂપ હતા. અર્વાચીન યુગમાં જીવનના સર્વતોમુખી અનેકવિધ અનુભવોની કવિતાનું સર્જન થયું છે. આરંભમાં સુધારકયુગમાં દલપતરામે ‘વેનચરિત’માં ‘સુધારાનું પુરાણ’ અને નર્મદે ‘હિન્દુઓની પડતી’માં ‘સુધારાનું બાઇબલ’ રચ્યું હતું. સમન્વયયુગમાં ક્લાન્ત, કલાપી અને કાન્તે શાક્ત, સૂફી અને સ્વીડનબૉર્ગીય સંપ્રદાયોના સંદર્ભમાં પ્રેમની આધ્યાત્મિક અનુભૂતિની વૈયક્તિક કવિતામાં વૈશ્વિકતા સિદ્ધ કરી છે. બલવન્તરાય અને ન્હાનાલાલે ‘આરોહણ’ અને ‘પિતૃતર્પણ’માં સમાજ અને સંસ્કૃતિના વસ્તુવિષય પર સ્તોત્ર અને કરુણપ્રશસ્તિના સ્વરૂપમાં ભવ્યસુંદર ચિન્તનોર્મિકવિતા રચી છે. સ્વાતંત્ર્યયુગમાં સુન્દરમ્‌ અને ઉમાશંકરે રાજકીય, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક વસ્તુવિષય પર રોમેન્ટિક શૈલીમાં માનવતાવાદી કવિતા રચી છે. ૧૯૪૭માં સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું પછી આધુનિકતાના યુગમાં અનેક કવિઓએ પ્રત્યક્ષપણે તો આંતરજીવનના અનુભવની કવિતા રચી છે. પણ, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, એમાં એમણે પરોક્ષપણે એમની સામાજિક ભૂમિકા ભજવી છે. છેલ્લા દોઢેક સૈકામાં ભારતની અન્ય સૌ ભાષાના કવિઓએ પણ ગુજરાતી ભાષાના કવિઓની જેમ એમની સામાજિક ભૂમિકા એકસમાનપણે ભજવી છે. એમાં રવીન્દ્રનાથની કવિતાને જગતકવિતામાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે. રવીન્દ્રનાથે પણ પ્રેમ, પ્રકૃતિ અને પરમેશ્વરની કવિતાની સાથેસાથે ‘નૈવેદ્ય’, ‘ગીતાંજલિ’ આદિ કાવ્યગ્રંથોમાં ‘ભારતતીર્થ’, ‘અપમાનિત’, ‘ધુલામંદિર’, ‘પ્રાર્થના’, ‘ત્રાણ’ આદિ કાવ્યમાં એમની સામાજિક ભૂમિકા પણ ભજવી છે. પ્રાગ્-ઐતિહાસિક યુગમાં ત્રીજી સહસ્રાબ્દીથી તે ૧૯૧૨ લગી ચીનમાં એક પછી એક અનેક રાજવંશોનાં સામ્રાજ્યોનું સતત અસ્તિત્વ હતું. ૧૯૧૨થી ચીન એક પ્રજાસત્તાક રાજ્ય છે. ચીનમાં ઈ.પૂ. ૬ઠ્ઠી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. ત્યારથી સતત ચીનના કવિઓની સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા સમ્રાટોની રાજસભામાં સ્થાન પામવાની અને જાહેર સેવાના ક્ષેત્રમાં અધિકારી – mandarin – થવાની રહી છે. એથી ચીનના સૌ કવિઓએ આરંભથી તે આજ લગી અઢીએક હજાર વરસથી ધાર્મિક, સામાજિક ભૂમિકા અનિવાર્યપણે ભજવી છે. ઈ.પૂ. ૫મી સદીમાં કૉન્ફ્યૂશિયસે પ્રાચીન કાવ્યોના એમના જગપ્રસિદ્ધ સંચયનું સંપાદન કર્યું ત્યારે એમણે ત્રણ હજાર પ્રાચીન કાવ્યોમાંથી ત્રણસો કાવ્યો પ્રગટ કર્યાં હતાં. એ કાવ્યો કૉન્ફ્યૂશિયસના સમય લગી સુરક્ષિત રહ્યાં હતાં. કારણ કે જાહેર સેવાના ક્ષેત્રમાં અધિકારીઓની નિયુક્તિ માટેની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રમાં માત્ર કાવ્યોના રસદર્શનનો જ પ્રશ્ન પૂછવામાં આવતો હતો એથી એ કાવ્યો રાજ્યના ગ્રંથભંડારોમાં સુરક્ષિત રહ્યાં હતાં. ઈ.પૂ. ૫મી સદીમાં કૉન્ફ્યૂશિયસે નિકટના ભૂતકાળમાં આંતરવિગ્રહોને કારણે ચીનમાં અશાંતિ અને અરાજકતા પછી શાંતિ અને સુરાજ્યની સ્થાપના અર્થે પ્રાજ્ઞ અને પ્રબુદ્ધ પુરુષોને રાજ્યના સંચાલનમાં સક્રિય થવાનું અને સમ્રાટોને માર્ગદર્શન આપવાનું આહ્વાન આપ્યું હતું. એના પ્રત્યુત્તર અને પ્રતિભાવમાં અનેક કવિઓએ એમની સામાજિક ભૂમિકા ભજવી હતી. ઈ. ૮મી સદીમાં ચીનના બે સર્વશ્રેષ્ઠ કવિઓ તરીકે જે સર્વાનુમતે સ્વીકૃત છે તે લી પો અને તુ ફુ રાજકવિપદે નિયુક્ત થયા હતા અને સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિય રહ્યા હતા. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં પ્રજાસત્તાક ચીનના પ્રમુખ માઓ કૉન્ફ્યૂશિયસના કાવ્યસંચયના ચાહક હતા અને સ્વયં કવિ હતા. જપાનમાં ઈ. ૫મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. જપાનના સમાજમાં કવિતા વાતાવરણની જેમ વ્યાપી વળી છે, કવિતા એ પ્રત્યેક નાગરિકના રોજિંદા જીવનની પ્રવૃત્તિ છે. પ્રત્યેક નાગરિક કવિતા માણે છે એટલું જ નહિ પણ કવિતા – વિશેષ તો તાન્કા અથવા હાઇકુના કાવ્યસ્વરૂપમાં – રચવાનું પણ જાણે છે. જપાનમાં નવ્વાણું ટકા સાક્ષરતા છે. લગભગ એકે- એક નાગરિક શાળામાં શિક્ષણ પામ્યો હોય છે. એથી પ્રત્યેક નાગરિકને એ નાનપણમાં શાળામાં હોય છે ત્યારથી જ હાઇકુ રચવાનું શિક્ષણ આપવામાં આવે છે. સમાજમાં કોઈ અગત્યની સુખદ કે દુ:ખદ ઘટના ઘટે છે ત્યારે શાળામાં પ્રત્યેક વિદ્યાર્થીને એ વિશે હાઇકુ લખી લાવવાનું ઘરકામ આપવામાં આવે છે. જપાનના સર્વશ્રેષ્ઠ કવિ બાશોએ જીવનભર એમની આશ્રમશાળામાં અનેક શિષ્યોને હાઇકુ રચવાનું શિક્ષણ આપ્યું હતું. સામાજિક સમારંભોમાં અને મૈત્રીમિલનોમાં કાવ્યો રચવાની અને એનું પઠન કરવાની પરંપરા છે. આજ લગીના જપાનના એકેએક સમ્રાટે તાન્કા અને હાઇકુ રચ્યાં છે. અને એના સ્વતંત્ર સંચયો પ્રગટ થયા છે. પ્રત્યેક નગરને એની તાન્કા કે હાઇકુની ક્લબ હોય છે. એમાં સમાજના એકેએક વર્ગના સભ્યો હોય છે અને એમનાં ત્રૈમાસિકો પ્રગટ થાય છે. નૂતન વર્ષના દિવસે ‘કાવ્ય-પત્રિકા’ની રમત રમવાની પરંપરા છે. જપાનમાં માત્ર કવિતાનાં જ હસ્તલિખિતથી માંડીને મુદ્રિત લગીનાં પાંચેક હજાર સામયિકો છે. જપાનના વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓ પણ એમના ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ જેવાં સામયિકોમાં સ્વરચિત તાન્કા કે હાઇકુ નિયમિત પ્રગટ કરે છે. આમ, જપાનના સમાજમાં તો કવિતા એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ગ્રીસમાં ઈ.પૂ. ૮મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. ઈ.પૂ. ૮મી સદીમાં હોમરનાં બે મહાકાવ્યો – ‘ઇલિયડ’ અને ‘ઑડીસી’ – એ ગ્રીક સમાજ અને સંસ્કૃતિના મૂલાધારરૂપ છે. સ્વયં હોમરે અને મિન્સ્ટ્રલ્સ તથા હ્રેપ્સોડ્ઝે સમગ્ર ગ્રીક પ્રદેશમાં એ ગાઈને ગ્રીક પ્રજાને પ્રેરણા આપી હતી. ઈ.પૂ. ૭મી સદીમાં લેસ્બસની રાજધાની મિતિલેનેમાં મહાન કવયિત્રી સાફોએ એમની કન્યાશાળામાં દૂર-અદૂરના ગ્રીક પ્રદેશોની કન્યાઓના સર્વાંગી શિક્ષણ માટે જગતકવિતામાં સર્વશ્રેષ્ઠ એવાં એમનાં પ્રશિષ્ટ ઊર્મિકાવ્યો રચ્યાં હતાં. ઈ.પૂ. ૬ઠ્ઠી સદીમાં પિન્ડારે ગ્રીક રમતોત્સવોમાં સ્પર્ધામાં વિજેતા ક્રીડાવીરોમાં દિવ્યતાનું દર્શન કર્યું હતું. પિન્ડારમાં આજ્ઞા, આદેશ કે અનુજ્ઞા અનુસાર સ્તોત્રો રચવાની વિરલ પ્રતિભા હતી. એમણે નગરરાજ્યોના આમંત્રણથી આ વિક્રમી વીરપુરુષો વિશે જગતકવિતામાં સર્વશ્રેષ્ઠ એવાં એમનાં પ્રશિષ્ટ સ્તોત્રો રચ્યાં હતાં. નગરરાજ્યોએ જ્યારે એમના આ વિજેતા ક્રીડાવીરો રમતોત્સવમાંથી પાછા ફરે અને નગરમાં પ્રવેશ કરે ત્યારે આ સ્તોત્રોથી એમનું સ્વાગત કર્યું હતું. ઈ.પૂ. ૫મી સદીમાં ઍથેન્સમાં ઇસ્કીલસ, સૉફોક્લીસ, યુરિપિડીસ અને એરિસ્ટોફેનીસે પ્રત્યેક મનુષ્ય એક આદર્શ નાગરિક થાય એ માટે જેમાં જીવનનાં માર્મિક પ્રશ્નો, તીવ્ર સંઘર્ષો અને ગહન રહસ્યો હોય એવાં વસ્તુવિષય પર જગતકવિતામાં સર્વશ્રેષ્ઠ એવાં કરુણ અને હાસ્ય રસનાં એમનાં પ્રશિષ્ટ પદ્યનાટકો રચ્યાં હતાં. અર્વાચીન યુગમાં ૧૮૨૮માં ગ્રીસની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ૧૯મી સદીના પૂર્વાર્ધમાં સુસ્ટોસ અને સોલોમોસે તથા ઉત્તરાર્ધમાં પાલામાસે રાજકીય અને સામાજિક વસ્તુવિષય પર રોમેન્ટિક શૈલીસ્વરૂપમાં અને ૨૦મી સદીમાં સેફેરિસ અને એલીટિસે સમગ્ર માનવસમાજ અને સંસ્કૃતિ વિશે પ્રતીકવાદી અને પરાવાસ્તવવાદી શૈલીસ્વરૂપમાં કાવ્યો રચ્યાં છે. રોમમાં ઈ.પૂ. ૧લી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. રોમમાં કવિતા અને ઇતિહાસ પરસ્પરનાં પર્યાયરૂપ હતાં. ઈ.પૂ. ૧લી સદીમાં વર્જિલે એમનાં મહાકાવ્ય – ‘ઇનીડ’ –માં આંતરવિગ્રહો અને રાજકીય અશાંતિ તથા અરાજકતાને કારણે રોમન સમાજ અને સંસ્કૃતિનો સર્વનાશ ન થાય એ માટે રોમન પ્રજાને એમના પૂર્વજ અને રોમના સ્થાપક અને મહાકાવ્યના નાયક ઇનીઅસને જે મૂલ્યોની આશા-અપેક્ષા હતી તે મૂલ્યોનું સ્મરણ કરાવ્યું હતું. વર્જિલે સમકાલીન અને અનુજ મિત્રકવિ હોરેસને સમ્રાટ ઑગસ્ટસના મિત્ર અને માર્ગદર્શક મીસેનાસનો પરિચય કરાવ્યો હતો. મીસેનાસે હોરેસને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત પુરસ્કારરૂપે નિવાસસ્થાન પણ આપ્યું હતું. એનો હોરેસે સ્વીકાર કર્યો હતો. પછી ઈ.પૂ. ૧૭માં ઑગસ્ટસે એમને રોમના મહોત્સવ પ્રસંગે સ્તોત્ર રચવા આમંત્રણ આપ્યું હતું. એનો પણ એમણે સ્વીકાર કર્યો હતો અને એમનું જગપ્રસિદ્ધ સ્તોત્ર રચ્યું હતું. પણ પછી રહસ્યમંત્રી થવાનું આમંત્રણ આપ્યું ત્યારે એનો આદર અને આભારપૂર્વક અસ્વીકાર કર્યો હતો. હોરેસે રોમના જાહેર જીવનમાં ધન અને સત્તાની પ્રાપ્તિ માટે વ્યાપક ભ્રષ્ટાચાર, નૈતિક મૂલ્યોનો હ્રાસ, શિથિલ શાસનવ્યવસ્થા આદિ રાજકીય અને સામાજિક વસ્તુવિષય પર કટાક્ષકાવ્યો તથા સુખ અને શાંતિ માટે નૈતિક આદર્શો અને સુધારા માટે સ્તોત્રો રચ્યાં હતાં. ઈ. ૨જી સદીમાં જુવેનલે સમકાલીન રોમનાં સમાજ અને સંસ્કૃતિની વિકૃતિ અને વિક્રિયા પર જગતસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ એવાં કટાક્ષકાવ્યો રચ્યાં હતાં. એમાં એમણે એમનો પયગંબરી આવેશપૂર્વકનો પુણ્યપ્રકોપ પ્રગટ કર્યો હતો. ઇટલીમાં ઈ. ૧૩મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. ઈ. ૧૪મી સદીમાં ડેન્ટિએ માત્ર એમના બિઆત્રિસ સાથેના માનુષી પ્રેમ અને દિવ્ય પ્રેમના અંગત અનુભવનાં જ કાવ્યો રચ્યાં ન હતાં; મહાકાવ્ય સમું એમનું વિરાટ ઊર્મિકાવ્ય એટલે એમના સમયનું ફ્લોરેન્સ. એ ફ્લોરેન્સના જાહેર જીવનમાં સક્રિય હતા. એથી આ કાવ્યમાં એમણે સમગ્ર જીવનના, નગરજીવનના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આદિ સૌ ક્ષેત્રોના અનુભવો, પ્રસંગો અને પાત્રો પ્રગટ કર્યાં છે. અન્યથા તો એમાં એમણે નરકલોક, પ્રાયશ્ચિત્તલોક અને સ્વર્ગલોક – ત્રિલોક અને ત્રિકાલનું કાવ્ય પણ રચ્યું છે. અર્વાચીન યુગમાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ક્વાસીમોદોએ વિશ્વયુદ્ધના સમયમાં અને તે પૂર્વેના અને પછીના સમયમાં માત્ર ઇટલીનો જ નહિ પણ સમગ્ર મનુષ્યજાતિનો જે કરુણ અનુભવ હતો એ વિશે પ્રેમ અને કરુણાપૂર્વક કાવ્યો રચ્યાં છે. એમાં એમની મનુષ્યજાતિના ભાવિ અંગેની આશા અને શ્રદ્ધા પ્રગટ થાય છે. એમના સમકાલીન એવા કવિ મોન્તાલેએ મનુષ્યજાતિના માત્ર સમકાલીન જ નહિ પણ સર્વકાલીન પ્રશ્નોના મૂળમાં જે અસદ્ છે એનાં કાવ્યો રચ્યાં છે. એમાં સદ્ અને અસદ્ વચ્ચે સનાતન સંઘર્ષ છે અને એ સંઘર્ષમાં સદાય અસદ્નો જ વિજય થાય છે, અસદ્ના અસ્તિત્વનું કારણ શું છે એ પ્રશ્નનો ઉત્તર મનુષ્યને પ્રાપ્ત થયો નથી અને કદાચ કદીયે પ્રાપ્ત થશે પણ નહિ એવું એમનું નમ્ર અને નિર્વેદમય દર્શન પ્રગટ થાય છે. ફ્રાંસમાં ૧૧મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. આમ તો ૧૧મી સદીથી ૧૫મી સદી લગી ફ્રાંસમાં કવિતા તો હતી પણ એ ધર્મ અને મધ્યકાલીન પ્રેમશૌર્યના વસ્તુવિષયની બોધપ્રધાન કવિતા હતી. ૧૫મી સદીમાં વિયોંની ઊર્મિકવિતા એટલે એમના સમયનું પેરિસ. વિયોં અને પેરિસ પરસ્પરના પર્યાયરૂપ છે. વિયોં પેરિસની ગટરના કવિ છે. પૅરિસના રસ્તાના એ રખડુ કવિ છે. એમણે એમનાં કાવ્યોમાં જીવનના, નગરજીવનના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આદિ સૌ ક્ષેત્રોનાં અનુભવો, પ્રસંગો અને પાત્રો પ્રગટ કર્યાં છે. ૧૬મી સદીમાં ફ્રેંચ રનેસાંસના સર્વશ્રેષ્ઠ કવિ રોંસાર ચાર રાજવીઓની રાજસભામાં રાજકવિ હતા. એમના મિત્ર અને ‘પ્લેઇઆદ’ – સપ્તર્ષિ મંડળના પ્રમુખ કવિ દ્યુ બલેએ જીવનનાં અંતિમ વર્ષોમાં રાજકીય વસ્તુવિષય પર કટાક્ષકાવ્યો રચ્યાં હતાં. ૧૭મી અને ૧૮મી સદીઓ ફ્રેંચ કવિતાના ઇતિહાસમાં ‘vers de societe’ – સામાજિક કવિતાની સદીઓ તરીકે પ્રસિદ્ધ છે. માલહર્બ, બ્વાલો, લા ફોંતેન એના પ્રમુખ કવિઓ છે. ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં શેનિયે, લામાર્તિન, વિન્યી, હ્યુગો, મ્યુસે આદિની રોમેન્ટિક કવિતામાં જેને કારણે સમસ્ત મનુષ્યજાતિના સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન થયું તે જગતના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી ૧૭૮૯ની ફ્રેંચ ક્રાન્તિની પ્રેરણા હતી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં બોદલેરે મધ્યમવર્ગના સાહિત્ય-સંગીત-કલાવિહીન એવા નવજાત શ્રીમંતોને ‘દૂરિતનાં પુષ્પો’ ભેટ ધર્યાં હતાં. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપોલિનેરે પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં અને ઉત્તરાર્ધમાં આરાગોં, એલુઆર તથા ‘પ્રતિકાર આંદોલન’ના કવિઓએ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં એમની સામાજિક ભૂમિકા ભજવી હતી. ઇંગ્લંડમાં ૧૪મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. આમ તો એની પૂર્વે ૭મી સદીથી ઇંગ્લંડમાં કવિતા તો હતી પણ તે પ્રાચીન યુગની એંગ્લો-સૅક્સન કવિતા અને મધ્યકાલીન યુગની એંગ્લો-નોર્મન કવિતા ગણાતી હતી. એથી ૧૪મી સદીમાં ચૉસરથી અંગ્રેજી કવિતાનો આરંભ થયો મનાય છે. ‘ધ કેન્ટરબરી ટેઇલ્સ’ એ ચૉસરની જગતકવિતામાં સર્વશ્રેષ્ઠ એવાં કથાકાવ્યોની કૃતિ છે. એમાં એમણે સમકાલીન સમાજના એકેએક વર્ગનાં પાત્રો પ્રસ્તુત કર્યાં છે. એમાં એમનું સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન પ્રગટ થાય છે. એના વિશે ડ્રાયડને માર્મિક વિવેચન કર્યું છે, ‘Here is God’s plenty’ – ‘આ રહી પ્રભુસર્જિત સમગ્ર માનવસૃષ્ટિ’. ચૉસરનો અંગ્રેજ સમાજ એ શાશ્વત અંગ્રેજ સમાજ છે. એ પાત્રો યુગેયુગે નવાંનવાં નામરૂપે પ્રગટ થતાં રહ્યાં છે. ૧૬મી સદીમાં સ્પૅન્સરની કવિતામાં અને શેક્સ્પિયર, બેન જોનસન આદિનાં કરુણ અને હાસ્ય રસનાં પદ્યનાટકોમાં અંગ્રેજ સમાજના સમગ્ર જીવનનાં સ્થૂલ અને સૂક્ષ્મ રહસ્યો અને નૈતિક-આધ્યાત્મિક મૂલ્યો પ્રગટ થયાં છે. શેક્સ્પિયરના સર્જનમાં તો આત્મીયતા અને અનુકંપાથી સભર અને સમૃદ્ધ એવું વૈશ્વિક અને શાશ્વત જીવનદર્શન છે. શેક્સ્પિયર જેવો અન્ય કોઈ કવિ ક્યાંય ક્યારેય થયો નથી. જગતકવિતામાં શેક્સ્પિયર એક અને અદ્વિતીય છે. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઇઝ લૉસ્ટ’માં અંગ્રેજ પ્રજાના સમગ્ર ઇતિહાસમાં કરુણમાં કરુણ અનુભવ, ૧૬૪૮નો આંતરવિગ્રહ પ્રેરણારૂપ છે. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ડ્રાયડનની કવિતામાં અને ૧૮મી સદીમાં પોપ, જ્હોનસન આદિની કવિતામાં સમાજના રાજકીય, સામાજિક, સાહિત્યિક અને ધાર્મિક જીવન પર કટાક્ષ છે. એમની કવિતા એ vers de societe – સામાજિક કવિતા તરીકે પ્રસિદ્ધ છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં વર્ડ્ઝવર્થ, કોલરિજ, બાયરન, શેલી અને કીટ્સની કવિતામાં ૧૭૮૯ની ફ્રેંચ ક્રાન્તિ પ્રેરણારૂપ છે. ઉત્તરાર્ધમાં ટેનીસન અને બ્રાઉનિંગની કવિતા તો સમાજસુધારાના યુગની કવિતા છે. ૨૦મી સદીમાં યેટ્સ, એલિયટ, ઑડન આદિ કવિઓએ માત્ર ઇંગ્લંડના સમાજના જ નહિ પણ સમગ્ર માનવસમાજના મહાન પ્રશ્નો – રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પ્રશ્નો – ની કવિતા રચી છે. સ્પેનમાં ૧૧મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. સ્પેન એટલે એકાન્ત, એકલતા અને એકવિધતા, સાર્વભૌમ અને સર્વકાલીન એકવિધતા. જીવન એક શાશ્વત મધ્યાહ્નનિદ્રા (siesta), સ્વપ્ન છે. એમાં શૂન્યતા, એકાન્ત અને એકલતા છે. મૃત્યુ જ એકમાત્ર વાસ્તવ છે. મૃત્યુ પછી પણ શાશ્વત શૂન્યતા, એકાન્ત અને એકલતા છે. એથી જીવનમાં શાશ્વત વિષાદ અને વેદના છે. ભૌગોલિક અને ઐતિહાસિક કારણોથી આ છે સ્પેનની પ્રજાનું જીવનદર્શન. સ્પેનની કવિતામાં પણ આ એકવિધતાનો અનુભવ થાય છે. સદીઓથી સ્પેનના કવિઓએ એકમાત્ર કરુણપ્રશસ્તિ (llanto)ના કાવ્યસ્વરૂપમાં જ મુખ્યત્વે માનુષી પ્રેમ અને દિવ્ય પ્રેમની રહસ્યવાદી કવિતા રચી છે. ૧૯મી સદીના અંતભાગમાં સ્પેનના આત્માની ખોજ માટે રાષ્ટ્રપ્રેમનો આરંભ થયો હતો. ૧૮૯૮માં સ્પેનના સામ્રાજ્યના અંતિમ અવશેષનો અસ્ત થયો હતો. સાથે સાથે એક પ્રચંડ બૌદ્ધિક આંદોલનનો પણ આરંભ થયો હતો. ૧૯૧૦ લગીમાં તો બૌદ્ધિકો દ્વારા યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. એમાં સ્પેનના જગપ્રસિદ્ધ તત્ત્વચિંતક યુનામ્યુનો અધ્યાપક તરીકે અને યુવાન આધુનિક કવિઓ માકાદો, યીમેનેઝ, લોર્કા આદિ શિષ્યો તરીકે સક્રિય હતા. આ કવિઓએ રુબેન દારિઓના ફ્રેંચ પ્રતીકવાદના પ્રભાવ સાથેનાં શૈલીસ્વરૂપ અને યુનામ્યુનોના વૈશ્વિક જીવનદર્શનના વસ્તુવિષય તથા પુરોકાલીન કવિઓ ગોન્ગોરા અને બેકેરની કાવ્યભાવનાના સંવાદ દ્વારા સ્પેનની આધુનિક કવિતાનું સર્જન કર્યું હતું. એમાં આશાવાદ અને આત્મશ્રદ્ધા છે, એમાં સ્પેનનો આત્મા પ્રગટ થાય છે. માકાદોની કવિતામાં સ્પેનની નવજાગ્રતિ માટેની અભીપ્સા અને સ્પેનના ભાવિ વિશે ચિંતા અને ચિંતન પ્રગટ થાય છે. યીમેનેઝની કવિતા માત્ર સ્પેનના સમાજમાં જ સીમિત નથી પણ એમાં સમગ્ર માનવસમાજનું વૈશ્વિક દર્શન પ્રગટ થાય છે અને સ્પેનની કવિતા સ્પેનની સીમાને અતિક્રમી જાય છે અને વિશ્વકવિતામાં સ્થાન પામે છે. લોર્કાની કવિતામાં કેવળ સ્પેનિશ વસ્તુવિષય છે. એમાં સ્પેનનો આત્મા પ્રગટ થાય છે. એમના માતાદોર મિત્રના મૃત્યુ પરની એમની કરુણપ્રશસ્તિ (llanto)માં મિત્ર એ સ્પેનનું પ્રતીક છે એથી એમાં એમણે ૧૯૩૫ના આંતરવિગ્રહમાં સ્પેનના પ્રજાસત્તાકના મૃત્યુની પણ કરુણપ્રશસ્તિ રચી છે. આંતરવિગ્રહના સમયમાં જ એમની હત્યા એ એક રહસ્યમય ઘટના રહી છે. એનું રહસ્ય આજ લગી પ્રગટ થયું નથી. એમનું મૃત્યુ પણ સ્પેનના પ્રજાસત્તાકના મૃત્યુનું પ્રતીક છે. જર્મનીમાં ૧૮મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. આમ તો ૯મી સદીથી ૧૭મી સદી લગી ફ્રાંસની જેમ જ જર્મનીમાં કવિતા તો હતી પણ એ ધર્મ અને મધ્યકાલીન પ્રેમશૌર્યના વસ્તુવિષયની બોધપ્રધાન કવિતા હતી. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં ગુંથર અને ક્લોપસ્ટોકની ઊર્મિકવિતાથી કવિતાના અર્થની કવિતાનો આરંભ થયો હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ગ્યુઇથેએ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો વારસો આત્મસાત્ કર્યો હતો અને જર્મન પ્રજાને સુપરત કર્યો હતો. ગ્યુઇથેએ જગતકવિતાના ઇતિહાસમાં પ્રથમ વાર જ ‘વિશ્વમાનવ’ અને ‘વિશ્વસાહિત્ય’ની ભવ્ય કલ્પના રજૂ કરી છે. એમનાં કાવ્યો અને પદ્યનાટકોમાં માનવજીવનની પૂર્ણતાનું દર્શન પ્રગટ થાય છે. એને કારણે એ જર્મનીમાં વિશ્વકવિ છે અને વિશ્વમાં જર્મન કવિ છે. શિલરે એમનાં કાવ્યો અને પદ્યનાટકોમાં ફ્રેંચ ક્રાન્તિની પ્રેરણાથી મનુષ્યના નૈતિક અને આધ્યાત્મિક સ્વાતંત્ર્ય માટે ભ્રષ્ટ અને દુષ્ટ રાજકીય અને સામાજિક સંસ્થાઓ – અને મનુષ્યેતર નિયતિ સુધ્ધાં – ના સિતમો અને જુલમો વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો અને આશા તથા આનંદભર્યા જીવનનું ભવ્યસુંદર સ્તોત્ર રચ્યું હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સ્ટેફાન જ્યોર્જે એમની કવિતામાં ‘મહામાનવ’ની કલ્પના રજૂ કરી છે એથી પ્રજામાં જર્મનીના રાષ્ટ્રીય પયગંબર તરીકેની એમની પ્રતિષ્ઠા હતી. હોફમાન્સ્થાલે મનુષ્યના એકકેન્દ્રી આધ્યાત્મિક વ્યક્તિત્વની કવિતા રચી હતી. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં રિલ્કેએ વિભુથી વિખૂટા એવા છિન્નભિન્ન અને શીર્ણવિશીર્ણ જગતમાં પ્રેમ, મૃત્યુ, પ્રકૃતિ આદિના સંદર્ભમાં મનુષ્યની કરુણતાની પ્રશસ્તિઓ અને સર્જનના આનંદનાં સૉનેટો રચ્યાં હતાં. ઉત્તરાર્ધમાં બ્રેખ્ટે એમનાં કાવ્યો અને પદ્યનાટકોમાં સામ્યવાદના સંદર્ભમાં વર્ગવિગ્રહના અન્યાયી અને અમાનુષી સમાજની વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. જર્મનીમાં અનેક કવિઓએ પ્રથમ વિશ્વયુદ્ધ, યુદ્ધોત્તર સમયમાં પરાજય પછી હિટલરનો નાઝીવાદ, દ્વિતીય વિશ્વયુદ્ધ, યુદ્ધોત્તર સમયમાં જર્મનીનું વિભાજન અને સ્ટાલિનનો સામ્યવાદ આદિ સંદર્ભોમાં એમની સામાજિક ભૂમિકા ભજવી છે. રશિયામાં ૧૯મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. આમ તો ૧૨મી સદીથી ૧૮મી સદી લગી જર્મનીની જેમ જ રશિયામાં કવિતા તો હતી પણ એ ધર્મ અને મધ્યકાલીન પ્રેમશૌર્યના વસ્તુવિષયની બોધપ્રધાન કવિતા હતી. અને તે પણ મુખ્યત્વે મુદ્રિત નહિ પણ મૌખિક પરંપરાની કવિતા હતી. ૧૮મી સદીમાં કેટલાક કવિઓએ કવિતાને યોગ્ય ભાષા, છંદ, લય, સ્વરૂપ આદિના પ્રયોગોનો આરંભ કર્યો હતો. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં પુશ્કિનમાં રશિયન પ્રજાને એનો પ્રથમ કવિકંઠ પ્રાપ્ત થાય છે. પુશ્કિનની પૂર્વજીવનની કવિતામાં ફ્રેંચ ક્રાન્તિની પ્રેરણા છે એથી એ કવિતા માનવતાથી સભર અને સમૃદ્ધ છે. ઉત્તરજીવનની કવિતામાં સુખશાંતિનો અધિકાર પ્રાપ્ત કરવામાં વિધાતા સમક્ષ મનુષ્યની નિ:સહાયતા અને નિરાધારતામાં અને ક્રૂર, નિષ્ઠુર, અમાનુષી પરિબળો સાથે મનુષ્યના સંઘર્ષમાં પુશ્કિનના અંગત જીવનની કરુણતા પ્રગટ થાય છે. ઉત્તરાર્ધમાં ત્યુત્ચેફની કવિતામાં અંધકાર અને પ્રકાશ વચ્ચે, પ્રલય અને સર્જન વચ્ચે જે સંઘર્ષ છે એમાં રશિયન પ્રજાના જીવનનો સંઘર્ષ પ્રગટ થાય છે. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં બ્લોક અને માયાકોવ્સ્કી રશિયન ક્રાંતિના સર્વશ્રેષ્ઠ કવિઓ છે. ઉત્તરાર્ધમાં આક્માતોવાની કવિતામાં રશિયાના ગ્રામપ્રદેશનું સૌંદર્ય, રશિયન ક્રાંતિ પ્રત્યે ઉદાસીનતા, સ્તાલિનના સિતમોના અસંખ્ય શહીદોને અંજલિઓ આદિ વસ્તુવિષય છે. મેંડલસ્તામે રાજકીય અને સાહિત્યિક સરમુખત્યારી સાથે અસહકાર, સેન્ટ પીટર્સબર્ગનો ભવ્ય ભૂતકાળ અને ક્રાંતિ પછીના સમયનું એનું દીનહીન દારિદ્ર, ક્રાંતિ પછીનાં પરિવર્તનો અને સિતમો-જુલમો આદિ વિશે કાવ્યો રચ્યાં છે. સ્વેતાયેવાની કવિતામાં રશિયન ક્રાંતિ એ સેતાનનું સર્જન છે એવી એમની માન્યતાને કારણે ક્રાન્તિનો વિરોધ છે. પાસ્તરનાકની કવિતામાં વિશ્વના કેન્દ્રમાં જીવનના પરિવર્તન માટેનાં પરિબળો અંગેનું દર્શન અને રશિયાના ગ્રામપ્રદેશના સૌંદર્યનું વર્ણન છે. વિશેષ તો એમનો સ્તાલિનવાદના રશિયામાં અસત્યો અને અત્યાચારોનો એક આત્મપ્રતિષ્ઠ મનુષ્ય તરીકેનો પ્રતિકાર છે. ઉત્તરાર્ધમાં બ્રોડ્સ્કીની કવિતા એ પરંપરાગત જ્ઞાનમાર્ગી એવા એક આધ્યાત્મિક મનુષ્યની કવિતા છે. એમાં ભૂતકાળના રશિયા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. એમાં પ્રકૃતિ, માનવસર્જિત કલાકૃતિઓ, માનવ-પરિસ્થિતિ વિશે ચિન્તન, મૃત્યુ, અસ્તિત્વનો અર્થ આદિ વસ્તુવિષય છે. આ પરંપરાગત કવિતા રચવા માટે અપ્રતિબદ્ધ, નિરુપયોગી કવિ તરીકે સ્ટાલિનયુગમાં એમને સજા કરવામાં આવી હતી. યેતુશેન્કો અને વોઝ્નેસેન્સ્કીની કવિતામાં અસલી અને નકલી સામ્યવાદ, સ્તાલિનવાદી રશિયા, રશિયાનો ઇતિહાસ આદિ વસ્તુવિષય છે. એથી આ કવિઓ યુવાનોમાં અત્યંત લોકપ્રિય છે. અમેરિકામાં ૧૯મી સદીમાં કવિતાનો આરંભ થયો હતો. આમ તો ૧૮મી સદીમાં પણ અમેરિકામાં કવિતા તો હતી. બ્રેડસ્ટ્રીટ, ટેયલર, વીંગલવર્થ આદિની કવિતા તો હતી પણ એ અમેરિકન કવિતા ન હતી, સંસ્થાનવાદી કવિતા હતી. એમાં અમેરિકાનો આગવો અવાજ ન હતો, અમેરિકનત્વ ન હતું; એ ઇંગ્લંડ-યુરોપમાંથી આયાત કરવામાં આવી હતી. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ‘બોસ્ટન બ્રાહ્મિન્સ’, ‘ન્યૂ ઇંગ્લંડ રનેસાંસ’ના પુરોહિતો – બ્રાયન્ટ, વ્હિટિયેર, લોવેલ, લૉંગફેલો, હોમ્સ, એમર્સન આદિ – ની કવિતા અસ્તિત્વમાં હતી. એની પ્રેરણા પણ ‘ન્યૂ ઇંગ્લંડ’માં નહિ પણ ‘ઓલ્ડ ઇંગ્લંડ’માં હતી. એથી એ કવિતા પણ અમેરિકન કવિતા ન હતી. જોકે એમર્સનનાં વ્યાખ્યાનોમાં અને ફિલિપ ફ્રેનોની કવિતામાં વ્હિટમેનના આગમનનો અણસાર છે. ૧૮૫૫માં વ્હીટમેને એમનો કાવ્યસંગ્રહ ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ પ્રગટ કર્યો અને એની સાથે જ અમેરિકન કવિતા અસ્તિત્વમાં આવી હતી. વ્હીટમેન અમેરિકાના સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ કવિ છે. વ્હીટમેન અમેરિકન કવિતાના કોલંબસ છે. વ્હીટમેનનો અવાજ એ સમગ્ર અમેરિકન પ્રજાનો અવાજ છે, અમેરિકાના આત્માનો અવાજ છે. એમની કવિતામાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં નર્યું અમેરિકનત્વ છે. એથી એ સંપૂર્ણ સો ટકા અમેરિકન કવિ છે. અમેરિકન રાષ્ટ્ર એ રાષ્ટ્રોનું રાષ્ટ્ર, સ્વયં એક ‘સંયુક્ત રાષ્ટ્ર’ – United Nations – છે. વ્હીટમેનની કવિતામાં આ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રગટ થાય છે. એમાં અમેરિકન પ્રજાની વિવિધતા અને પ્રદેશની વિશાળતા છે. એમાં અમેરિકન પ્રજાનાં સ્વપ્નો, આદર્શો અને ભાવનાઓ, એની ભવિષ્યોન્મુખ આશાઓ, આકાંક્ષાઓ અને શ્રદ્ધાઓ; એનાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાનતાનાં મૂલ્યો, એનો મુક્ત મિજાજ પ્રગટ થાય છે. વ્હીટમેન = અમેરિકા અને અમેરિકા = વ્હીટમેન એવું સમીકરણ થાય એટલું વ્હીટમેન અને અમેરિકા વચ્ચે એકત્વ છે. વ્હીટમેન માત્ર અમેરિકન કવિ જ નથી, એમની કવિતામાં માત્ર અમેરિકનત્વ જ નથી, એ વિશ્વકવિ પણ છે, એમની કવિતામાં વૈશ્વિકતા પણ છે. એની કવિતામાં જે મનુષ્ય છે તે માત્ર અમેરિકન જ નથી, એ વિશ્વમાનવી પણ છે. વ્યક્તિમાં વિશ્વ અને વિશ્વમાં વ્યક્તિ એ એમનું કવિદર્શન છે. એથી એ લોકશાહી અને સમાજવાદના કવિ છે. એમના આ સૌ મનુષ્યો પ્રત્યેના પ્રેમને કારણે, માનવપ્રેમને કારણે, વિશ્વપ્રેમને કારણે એ વિશ્વકવિ છે. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સેન્ડબર્ગ અને ફ્રૉસ્ટ વ્હીટમેનના વારસો છે. સેન્ડબર્ગની કવિતામાં અમેરિકનત્વ છે. ‘The People, Yes’ શીર્ષકમાં, ‘Chicago’ કાવ્યમાં અને ‘I Am the People’ કાવ્યપંક્તિમાં એમનું અમેરિકનત્વ પ્રગટ થાય છે. સેન્ડબર્ગ અમેરિકન કવિતાના લિંકન છે. ફ્રૉસ્ટની કવિતામાં અમેરિકનત્વ તો છે જ પણ સાથે સાથે વૈશ્વિકતા પણ છે. એથી ફ્રૉસ્ટ વ્હીટમેનના સવાયા વારસ છે. અમેરિકન સમાજ અને સંસ્કૃતિની ભૌતિક અને બૌદ્ધિક સિદ્ધિઓ જગતમાં સૌથી વધુ સધ્ધર અને સમૃદ્ધ છે. મનુષ્યજાતિના ભાવિ ઇતિહાસમાં, હવે પછીના ‘એક માનવસમાજ’ અને ‘એક માનવસંસ્કૃતિ’ના સર્જનમાં અમેરિકાએ પ્રમુખ ભૂમિકા ભજવવાની છે. આજે અમેરિકામાં જેટલા કવિઓ છે એટલા અન્યત્ર ક્યાંય નથી. એમાંથી મોટા ભાગના કવિઓ અમેરિકન સમાજ અને સંસ્કૃતિના ગુણદોષના મૂલ્યાંકન દ્વારા એમની સામાજિક ભૂમિકા ભજવી રહ્યા છે. જગતકવિતાના ઇતિહાસમાં ભિન્નભિન્ન સમયે અને ભિન્નભિન્ન સ્થળે કવિની સામાજિક ભૂમિકાનું કેટલાંક ઉદાહરણો દ્વારા અવલોકન કર્યું પછી હવે સમાજની કવિ અને કવિતા અંગેની ભૂમિકાનું કેટલાંક ઉદાહરણો દ્વારા અવલોકન કરવું જોઈએ. ભવભૂતિને સમકાલીન સમાજમાં કોઈ સમાનધર્મા પ્રાપ્ત ન થયો ત્યારે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે એથી ક્યારેક ક્યાંક કોઈ સમાનધર્મા પ્રાપ્ત થશે એવી આશા-અપેક્ષા હતી. નરસિંહને સમાજે ધાર્મિક અને સામાજિક ત્રાસ આપ્યો હતો. ત્રણ વાર એમની નિર્ધનતાનો અને વારંવાર એમના હરિજનો સાથેના સક્રિય અને સહાનુભૂતિભર્યા સંબંધોનો ઉપહાસ કર્યો હતો. એમાં સમાજ સફળ ન થયો ત્યારે અંતે એણે એમના પર વ્યભિચારનો આક્ષેપ કર્યો હતો અને શિરચ્છેદ કરાવવાનો નિષ્ફળ પ્રપંચ કર્યો હતો. રા’માંડલિકના અવસાન પછી નરસિંહે જૂનાગઢનો ત્યાગ કર્યો હતો અને આયુષ્યનાં અંતિમ વરસોમાં એ માંગરોળમાં વસ્યા હતા. મીરાંને સમાજે રાજકીય ત્રાસ આપ્યો હતો. બે વાર એમની હત્યા કરવાનો અને એક વાર આત્મહત્યા કરાવવાનો નિષ્ફલ પ્રપંચ કર્યો હતો. મીરાંએ મેવાડનો ત્યાગ કર્યો હતો અને ઉત્તર જીવનમાં દ્વારિકા અને પૂર્વોત્તર ભારતમાં વસ્યાં હતાં. અખા પર સમાજે ચોરીનો આક્ષેપ કર્યો હતો એમ કહેવાય છે. દયારામ પર સમાજે વ્યભિચારનો આક્ષેપ કર્યો હતો. દયારામે ચાણોદનો ત્યાગ કર્યો હતો અને શેષ જીવનમાં એ ડભોઈમાં વસ્યા હતા. કાન્તને સમાજે ધર્માંતરને કારણે ધાર્મિક અને સામાજિક ત્રાસ આપ્યો હતો અને મિત્રો, સ્વજનો, કુટુંબીજનો – અરે, એમનાં પ્રિય પુસ્તકો સુધ્ધાંનો – વિયોગ કરાવ્યો હતો અને કેટલોક સમય ઉન્માદની અવસ્થાનો અનુભવ પણ કરાવ્યો હતો. ન્હાનાલાલને સમાજે રાજકીય ત્રાસ આપ્યો હતો અને જીવનભર જાહેર જીવનથી દૂર એવા એકાન્તવાસનો અનુભવ કરાવ્યો હતો. હોમરના અવસાન પછી સાત નગરોએ ‘હોમર તો અમારો’ એવો હોમર પર અધિકાર કર્યો હતો, પણ એ જે નગરના હોય એ નગરે તો અંધ હોમરને એમની વૃદ્ધાવસ્થામાં ભૂખ અને ભીખનો જ અનુભવ કરાવ્યો હતો. પ્લેટોએ કવિઓ પર અસત્ય અને અનીતિનું આરોપણ કર્યું હતું અને એમને આદર્શ નગરમાંથી દેશનિકાલ કરવાનું સૂચન કર્યું હતું. મધ્યકાલીન યુગમાં ખ્રિસ્તીઓએ વર્જિલ અને હોરેસ સિવાયના સૌ કવિઓનાં કાવ્યો પેગન અથવા હીધન છે, બિનખ્રિસ્તી અને બિન-સાંપ્રદાયિક છે એવો આક્ષેપ કર્યો હતો અને એ કાવ્યો જપ્ત કર્યાં હતાં અથવા ભસ્મીભૂત કર્યાં હતાં. એથી હજારેક વરસ લગી એ કાવ્યો અદૃશ્ય થયાં હતાં. ડેન્ટિને સમાજે રાજકીય ત્રાસ આપ્યો હતો. ફ્લોરેન્સમાં એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ એ વિદેશમાં હતા ત્યારે એમના માથા સાટે ઇનામ જાહેર કર્યું હતું અને એમને દેશનિકાલ કર્યા હતા. એથી એ ફ્લોરેન્સમાં પાછા ફર્યા ન હતા. જીવનભર એ પરભૂમિમાં રખડતા-રવડતા-રઝળતા રહ્યા હતા અને અવસાન પામ્યા હતા. પછી પણ ફ્લોરેન્સે સાતસો વરસ લગી એમનાં અસ્થિને પણ એમની જન્મભૂમિમાં પ્રવેશ આપ્યો ન હતો. હ્યુગોને સમાજે રાજકીય ત્રાસ આપ્યો હતો. પૅરિસમાં સરમુખત્યાર લુઈ-નાપોલેઓંએ એમના માથા સાટે ઇનામ જાહેર કર્યું હતું. એથી એ સ્વેચ્છાએ દેશનિકાલ થયા હતા અને ઓગણીસ વરસ લગી અંગ્રેજોના ટાપુ ગેર્ન્સીમાં વસ્યા હતા. બોદલેરને સમાજે ધાર્મિક અને સામાજિક ત્રાસ આપ્યો હતો. પેરિસમાં સરકારે એમના પર ધર્મના અનાદરનો અને અશ્લીલતાનો દ્વિવિધ આક્ષેપ કર્યો હતો. અદાલતે અશ્લીલતાનો અપરાધ માન્ય કર્યો હતો એથી એમનો દંડ કર્યો હતો અને એમના કાવ્યસંગ્રહમાંથી ‘અશ્લીલ’ કાવ્યો રદ કરાવ્યાં હતાં. પણ પછી સોએક વરસે અદાલતે પોતાનો ચુકાદો જ રદ કર્યો હતો અને બોદલેરને મરણોત્તર નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં રશિયા, જર્મની, સ્પેન અને ચીનમાં સરમુખત્યારોએ અનેક કવિઓને રાજકીય ત્રાસ આપ્યો હતો. એમની વિચારધારાને અનુરૂપ એવાં કાવ્યો રચવાનો અનેક કવિઓને આદેશ આપ્યો હતો. કવિ નામને પાત્ર સૌ કવિઓએ એનો અનાદર કર્યો હતો. ત્યારે કેટલાક કવિઓને સ્વેચ્છાએ દેશનિકાલ થવાનો અનુભવ કરાવ્યો હતો, તો કેટલાક કવિઓનો દેહાંતદંડ કર્યો હતો. ચીનમાં તો ‘લોખંડી પરદા’ની પછવાડે કવિઓને શું કર્યું એની આજ લગી જગતને ખબર સુધ્ધાં નથી. કવિ પરત્વે તિરસ્કાર-બહિષ્કાર-દેહાંતદંડનાં અને કવિતા પરત્વે નિષેધ-નિયંત્રણનાં આવાં આવાં અનેક ઉદાહરણો છે છતાં સમાજને ન્યાય ખાતર અહીં નોંધવું જોઈએ કે ક્યારેય ક્યાંય સમગ્ર સમાજે કવિ અને કવિતા અંગેની આવી ભૂમિકા ભજવી ન હતી; ક્યારેક ક્યાંક જ સમાજના કોઈ એકાદ વર્ગે અથવા એમાંની એકાદ વ્યક્તિએ જ આવી ભૂમિકા ભજવી હતી. અને એમાં પણ એમણે કવિ અને કવિતાની પ્રચંડ શક્તિનો જ પરોક્ષપણે સ્વીકાર-પુરસ્કાર કર્યો છે. આવા અનુભવો થયા ત્યારે પણ અને ત્યાર પછી પણ કવિઓએ કવિતા રચવાનું બંધ કર્યું નથી, મૌન ધર્યું નથી. પણ, અગાઉ જોયું તેમ, ત્રણેક હજાર વરસથી એમની સામાજિક ભૂમિકા ભજવી છે, એમનો ધર્મ બજાવ્યો છે અને સમાજ અને સંસ્કૃતિ અસ્તિત્વમાં હશે ત્યાં લગી કવિઓ એમની સામાજિક ભૂમિકા ભજવશે, એમનો ધર્મ બજાવશે. સર્વત્ર અને સર્વદા સમાજે અને સંસ્કૃતિએ કવિનો આત્મીય તરીકે, સ્વકીય તરીકે આદર અને આભારપૂર્વક સ્વીકાર, સત્કાર અને પુરસ્કાર કર્યો છે અને કવિ અને કવિતા અંગેની ભૂમિકા ભજવી છે, એમનો ધર્મ બજાવ્યો છે. કવિઓને નોબેલ જેવા પુરસ્કારો, પારિતોષિકો, ચન્દ્રકો, સન્માનોથી નવાજ્યા-બિરદાવ્યા છે. બેત્રણ ઉદાહરણો બસ છે. રોમમાં કેપિટોલની ટેકરી પર સમગ્ર રોમના નગરજનોએ પેટ્રાર્કને ઓલિવનો મુકુટ અર્પણ કર્યો હતો અને રાજકવિપદે એમનો અભિષેક કર્યો હતો. હ્યુગો જ્યારે ઓગણીસ વરસના દેશવટા પછી પેરિસ પાછા ફર્યા ત્યારે એમના સ્વાગત માટે ગાર દ્યુ નોરના સ્ટેશન પર લાખો પેરિસવાસીઓ ઉપસ્થિત થયા હતા. એમની ૮૦મી જન્મજયંતીના પ્રસંગે આગલી સાંજે સ્વયં રાષ્ટ્રપ્રમુખ એમના ઘરે અભિનંદન આપવા ગયા હતા. એમના અભિવાદન માટે એમના ઘર પર સવારથી સાંજ લગી પુષ્પો સાથે છ લાખ શુભેચ્છકો ઉપસ્થિત થયા હતા. તે દિવસે ફ્રાંસમાં રાષ્ટ્રીય ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એમણે જ્યારે સેનેટમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર સેનેટના સભ્યોએ – રાષ્ટ્રપ્રમુખ સુધ્ધાંએ – ઊઠીને એમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું અને હ્યુગો એમના આસન પર બેસી ગયા ત્યાર પછી પ્રમુખે જાહેર કર્યું, ‘પ્રતિભાપુરુષ એમના આસન પર બેસી ગયા છે. સેનેટે એમનું સ્વાગત કર્યું છે.’ પછી જ સૌ સભ્યો એમના આસન પર બેસી ગયા હતા. એમનું અવસાન થયું તે દિવસે સેનેટ અને ચેમ્બરનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યો હતો. તે રાતે એમનો મૃતદેહ આર્ક દ ત્રિઓંફ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એમની સ્મશાનયાત્રામાં પેરિસની બાવીસેક લાખની વસ્તીમાંથી વીસેક લાખ યાત્રિકો હતા. રોમના કે કોઈ પણ સામ્રાજ્યના સમ્રાટને – નાપોલેઓં સુધ્ધાંને – પ્રજાએ આટલો પ્રેમ અને આદર અર્પણ કર્યો નથી. માયાકોવ્સ્કીએ જ્યારે મોસ્કો અને રશિયાનાં અનેક નગરોના ચોકમાં કાવ્યપઠન કર્યું ત્યારે હજારો શ્રોતાઓ ઉપસ્થિત થયા હતા. ‘કવિની સામાજિક ભૂમિકા’ એ વિષય પર વિચારવાનું હોય, વ્યાખ્યાન કરવાનું હોય તો કેટલાક પ્રશ્નો અનિવાર્યપણે પૂછવાના થાય : કવિની સામાજિક ભૂમિકા છે? અને છે તો શી છે? શા માટે છે? અને કવિ એ ભૂમિકા શી રીતે ભજવે છે? આ અને આવા પ્રશ્નોના ઉત્તરો આપવાના થાય – બલકે એ માટેના પ્રયત્નો કરવાના થાય. આ વ્યાખ્યાનના પૂર્વાર્ધમાં જોયું તેમ, કવિની સામાજિક ભૂમિકા છે. ત્રણેક હજાર વરસના જગતકવિતાના ઇતિહાસમાં કવિઓએ એ ભૂમિકા ભજવી છે. કારણ કે કવિનું માધ્યમ, ઉપાદાન, અભિવ્યક્તિનું સાધન છે શબ્દ, ભાષા. એ શબ્દ અને ભાષા દ્વારા કવિતાનું સર્જન કરે છે. કવિ કવિતા રચવા માટે શબ્દ અને ભાષાનો ઉપયોગ કરે છે. આમ કરવું એને માટે અનિવાર્ય છે. એ વિના કવિતાનું સર્જન કરવાનું અશક્ય છે. કવિતા એ કવિની સરજત છે, પણ શબ્દ અને ભાષા એ સમાજની સરજત છે. કોઈ એક નિશ્ચિત માનવસમૂહે શબ્દ અને ભાષાનું સર્જન કર્યું છે. શબ્દ, ભાષા એ સમાજની સહિયારી મિલકત છે. કવિ એની કવિતાનું સર્જન કરવા શબ્દ અને ભાષા સમાજમાંથી પામે છે. હજુ લગી કોઈ કવિએ સ્વયંસર્જિત શબ્દ અને ભાષામાં કવિતાનું સર્જન કર્યું નથી. કવિ એની કવિતામાં જે ક્ષણથી, પ્રથમ ક્ષણથી જ શબ્દ અને ભાષા યોજે છે તે ક્ષણથી જ એનો સમાજ સાથે સંબંધ થાય છે. એટલું જ નહિ, પણ કવિ કવિતાનું સર્જન કરે પછી પાછો એ કવિતા સમાજને સુપરત કરે છે. એમાં પણ સમાજ સાથેના એના સંબંધનું અનુસંધાન છે. અહીં પણ એ સંબંધનો અંત નથી. પછી સમાજ જ્યારે એ કવિતાનો આસ્વાદ કરે છે, રસાનુભવ કરે છે, સમસંવેદનનો અનુભવ કરે છે ત્યારે જ એ સંબંધ સાર્થક થાય છે, ચરિતાર્થ થાય છે. ત્યારે જ આ સમગ્ર પ્રક્રિયા પરિપૂર્ણ થાય છે, ત્યાં લગી એ અપૂર્ણ છે. આમ, કવિ સમાજની અપેક્ષાએ જ કવિતાનું સર્જન કરે છે. એનો અર્થ એ જ કે કવિનો સમાજ સાથે અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ છે. એથી જ વ્હીટમેને એક સૂચક વિધાન કર્યુ છે. ‘To have great poets, there must be great audiences too.’ કવિ અન્ય મનુષ્યોની જેમ સમાજમાં વસે છે. એનું જીવન સમાજમાં જીવે છે, એ શૂન્યમાં વસતો નથી, એનું જીવન અવકાશમાં જીવતો નથી. સમાજ વિના એનું અસ્તિત્વ, એનું જીવન શક્ય નથી. સમાજથી પર કે પાર એનું અસ્તિત્વ, એનું જીવન અશક્ય છે. એથી પણ કવિનો સમાજ સાથે સંબંધ છે, અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ છે. કવિ સમાજમાંથી શબ્દ અને ભાષા પામે છે એટલું જ નહિ, કવિ – રોમેન્ટિક અને પરાવાસ્તવવાદી કવિ પણ – એની કવિતાનું વસ્તુ પણ જીવનમાંથી, સમાજમાંથી પામે છે. ભલે એ એની કવિતાનું સર્જન એના નિર્જન નિતાન્ત એકાન્તમાં કરે છે, એના ચંદનમહેલના સાતમા મજલે કરે છે પણ એની કવિતાનું વસ્તુ તો એ સમાજમાંથી, માણેકચોકમાંથી પામે છે. પણ પછી એ જે કવિતાનું સર્જન કરે છે એની પ્રક્રિયા સરળ નથી, સંકુલ છે, ગૂઢ છે, રહસ્યમય છે. હજુ લગી કોઈ એનો પાર પામી શક્યું નથી. યુંગને પૂછો તો એ કહેશે એનું બૌદ્ધિક વિશ્લેષણ શક્ય નથી, એનો તાર્કિક ખુલાસો અશક્ય છે. એ પ્રક્રિયા રહસ્યમય છે. એનું કારણ છે કવિની પ્રતિભા, સર્જકતા, કલ્પના. એની પ્રતિભા અલૌકિક છે, લોકોત્તર છે, નિયતિકૃતનિયમરહિતા છે, અનન્યપરતંત્રા છે. એ પ્રક્રિયા કવિ માટે પણ રહસ્યમય છે. કવિ એની આ પ્રતિભાથી, સર્જકતાથી, કલ્પનાથી કવિતાનું સર્જન કરે છે. કવિ સ્રષ્ટા અને દ્રષ્ટા છે, ક્રાન્તદર્શી છે. એનામાં વર્ણન અને દર્શનની, ક્રાન્તદર્શનની શક્તિ છે. એથી એની પ્રતિભાના, સર્જકતાના, કલ્પનાના સંસ્પર્શથી શબ્દનું, ભાષાનું, વસ્તુનું રૂપાંતર થાય છે. કવિતામાં વ્યવહારની, બોલચાલની ભાષાનું એક વિશિષ્ટ ભાષામાં, વિશેષ ભાષામાં, કાવ્યભાષામાં, વ્યક્તિવિભાષામાં રૂપાંતર થાય છે. કવિ એની કવિતામાં શબ્દનો, ભાષાનો ઉપયોગ એની પ્રતિભા, સર્જકતા, કલ્પના દ્વારા કરે છે. એના દર્શન, ક્રાન્તદર્શન માટે કરે છે. વ્યવહારની, બોલચાલની ભાષાનો શબ્દ કોશ પ્રમાણેના નિશ્ચિત અર્થનો સંકેત કરે છે, પદાર્થનો સંકેત કરે છે. કવિની કલ્પના એ નિશ્ચિત અર્થમાંથી, પદાર્થમાંથી કલ્પનનું સર્જન કરે છે. Imagination – કલ્પના નામમાં to imagine ધાતુ નથી, પણ to image ધાતુ છે. એથી કલ્પના એટલે કલ્પવું અને કલ્પવું એટલે કલ્પન યોજવું. Imagination is to image. To image is to cast an image. એથી કવિતામાં શબ્દ કોશ પ્રમાણેના નિશ્ચિત અર્થનો, પદાર્થનો નહિ પણ કલ્પનનો સંકેત કરે છે. કવિતામાં બે શબ્દોની સહોપસ્થિતિથી, એમના સાહચર્યથી, સહિતત્વથી બન્ને શબ્દોને નવો અર્થ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક શબ્દ અન્ય શબ્દ પર આ નવા અર્થનો પ્રક્ષેપ કરે છે. પ્રત્યેક શબ્દને નવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિ દ્રષ્ટા તરીકે એના દર્શન, ક્રાન્તદર્શન માટે સ્રષ્ટા તરીકે કલ્પન દ્વારા, એટલે કે ઉપમા અને રૂપક દ્વારા શબ્દના કોશ પ્રમાણેના અર્થને ભૂંસે છે, ચેરે છે, ધૂંધળો કરે છે, અપારદર્શક કરે છે. પણ એના દર્શન, ક્રાન્તદર્શન માટે એને પારદર્શક એવો અર્થ અર્પણ કરે છે. કવિતામાં શબ્દ એના કોશ પ્રમાણેના અર્થમાં, નિશ્ચિત અર્થમાં નહિ પણ નવા અર્થમાં પ્રગટ થાય છે. પદાર્થ રૂપે નહિ પણ કલ્પન રૂપે પ્રગટ થાય છે. શબ્દનો કોશ પ્રમાણેનો અર્થ, નિશ્ચિત અર્થ લુપ્ત થાય છે પણ એને દર્શનનો નવો અર્થ પ્રાપ્ત થાય છે. શબ્દને બે ગુણ છે : અવાજ અને અર્થ. કવિ એની કવિતામાં શબ્દના અવાજ દ્વારા આરોહ-અવરોહ, લય, લહેકા, પ્રાસ, ભાર, કાકુ આદિ દ્વારા પણ શબ્દને નવો અર્થ અર્પણ કરે છે. વળી કવિતામાં પ્રત્યેક શબ્દને સમગ્ર કૃતિના સંદર્ભમાં, સમગ્ર કૃતિમાં જે શબ્દસમૂહ છે એના સંદર્ભમાં પણ નવો અર્થ પ્રાપ્ત થાય છે. આમ, કવિતામાં શબ્દનો, ભાષાનો નવજન્મ થાય છે. કવિ શબ્દને, ભાષાને સંજીવની અર્પણ કરે છે. કવિ શબ્દ દ્વારા, ભાષા દ્વારા જીવતો નથી; શબ્દ, ભાષા કવિ દ્વારા જીવે છે. વર્ડ્ઝવર્થની ક્ષમાયાચના સાથે કહેવું જોઈએ કે કવિતામાં ‘Ianguage as men do use’ નથી. પણ એરિસ્ટોટલ, ડેન્ટિ અને માલાર્મેનો આભાર માનીને કહેવું જોઈએ કે કવિતામાં ‘not too ornate, nor too commonplace’ એવા શબ્દો હોય છે. કવિતામાં ભાષા illustrious vernacular’ હોય છે. કવિ ‘વ્યવહારના શબ્દોને વધુ શુદ્ધ અર્થ અર્પણ કરે છે’ – ‘gives a purer sense to the words of the tribe.’ કવિતામાં આ લય અને આ અર્થની એકાકૃતિ એ જ કવિતાનો આકાર, કવિતાની આકૃતિ, એ જ કલા-આકૃતિ, એ જ કલાકૃતિ. આ કલાકૃતિ એ જ કવિતાનું સૌંદર્ય, એ જ કવિતાનો રસ અને આનંદ. એથીસ્તો સમાજને માટે કવિતા સ્વયં એક સામાજિક મૂલ્ય છે. કવિનો શબ્દ એના આંતરદર્શનનો ચમત્કાર છે, એની આંતરચેતનાની ચમત્કૃતિ છે. કવિ એની કવિતામાં એક પંક્તિમાં – અરે, એક શબ્દમાં – વીજળીના એક ઝબકારે એના દર્શનનું, એની ચેતનાનું મોતી પરોવે છે. રેંબો એને ‘Illumination’ કહે છે. રેંબોએ કહ્યું છે કે કવિ એક પંક્તિમાં કાવ્ય રચી શકે તો એને બીજી પંક્તિની જરૂર ન હોવી જોઈએ. કવિને એની કવિતામાં કલ્પનો પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે. કવિને માટે પ્રકૃતિ એ કલ્પનોનો અખૂટ ભંડાર છે. એથી કલ્પનો દ્વારા પણ કવિનો બાહ્યજગત સાથે અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ છે. કવિ એની કવિતાનું વસ્તુ સમાજમાંથી પ્રાપ્ત કરે છે. એ અનિવાર્યપણે જિવાતા જીવનનું વસ્તુ હોય છે. કવિ જ્યારે પદ્યનાટક, મહાકાવ્ય, કથાકાવ્ય, આખ્યાનકાવ્ય આદિ નાટ્યાત્મક અને કથનાત્મક કાવ્યસ્વરૂપોમાં કવિતા રચવાનું પસંદ કરે છે ત્યારે એમાં પરલક્ષી સર્વાનુભવ કેન્દ્રસ્થાને હોય છે. અને જો એમાં આત્મલક્ષી સ્વાનુભવ હોય તો તે ક્યાંક પરિઘ પર હોય છે. વળી પદ્યનાટક તો શ્રોતા-પ્રેક્ષકો સમક્ષ એટલે કે સમાજ સમક્ષ પ્રત્યક્ષ રજૂ કરવાનું હોય છે. એક ઊર્મિકવિતામાં જ કવિ એની આત્મલક્ષી સ્વાનુભવની કવિતાનું વસ્તુ સમાજમાંથી એટલે કે બાહ્યજગત અને બાહ્યજીવનમાંથી નહિ પણ એના આંતરજગત અને આંતરજીવનમાંથી પ્રાપ્ત કરે છે. હમણાં જ જોઈશું તેમ, ઊર્મિકવિતામાં પણ આત્મલક્ષી સ્વાનુભવનું પરલક્ષી સર્વાનુભવમાં સાધારણીકરણ થાય છે, એથી એમાં સમાજ એટલે કે બાહ્યજગત અને બાહ્યજીવન પરોક્ષપણે ઉપસ્થિત હોય છે. કવિ જો માત્ર સ્વલક્ષિતા – solipsism – નું કાવ્ય રચે તો એનું પ્રત્યાયન અશક્ય હોય છે. કવિ કોને માટે કાવ્ય રચે છે? માત્ર પોતાને માટે સ્વાન્ત: સુખાય કાવ્ય રચે છે? એલિયટનું ‘ધ વેસ્ટ લૅન્ડ’ અર્વાચીન યુગનું, સમાજનું, સંસ્કૃતિનું – બલકે સૌ યુગોનું, સૌ સમાજોનું, સૌ સંસ્કૃતિઓનું મહાકાવ્ય કક્ષાનું કાવ્ય છે એમ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું છે. પણ સ્વયં એલિયટે જ વ્યંજનામાં વિધાન કર્યું છે, ‘The great poet, in writing himeslf, writes his age.’ અને પછીથી તો આ કાવ્ય વિશે અંગત એકરાર જેવું અભિધામાં સ્પષ્ટ શબ્દોમાં વિધાન કર્યું છે, ‘Various critics have done me the honour to interpret the poem in terms of criticism of the contemporary world, have considered it, indeed, as an important bit of social criticism. To me it was only the relief of a personal and wholly insignificant grouse against life; it is just a piece of rhythmical grumbling.’ કવિ એની કવિતા માટે સમાજમાંથી જિવાતા જીવનનું વસ્તુ પ્રાપ્ત કરે છે. પછી એ વસ્તુ અંગે એની પ્રતિભા, સર્જકતા, કલ્પના પ્રવૃત્ત થાય છે. અને અંતે એમાંથી એક કલા-આકૃતિ, કલાકૃતિનું નિર્માણ થાય છે, એ વસ્તુ દ્વારા સમાજને અજ્ઞાત અને અપરિચિત એવું કવિની કલ્પનાનું સત્ય પ્રગટ થાય છે. એ વસ્તુનું અદ્ભુત પરિવર્તન થાય છે, આમૂલ પરિવર્તન થાય છે. કવિસંવિતના અતલમાં સમુદ્રોત્સર્ગ થાય છે અને નેત્રનું રત્નમાં અને અસ્થિનું પ્રવાલમાં પરાવર્તન થાય છે. પ્લેટો અને એરિસ્ટોટલનો આ અંગેનો સદીઓ પૂર્વેનો વાદવિવાદ જગપ્રસિદ્ધ છે. પ્લેટોએ ‘The Republic’માં ‘mimesis’ એટલે અનુકૃતિ એવો અર્થ કર્યો હતો : આ દૃશ્યજગત એ અદૃશ્ય એવા અંતિમ વસ્તુ – Absolute Reality’ – ની અનુકૃતિ – copy – છે એટલે કે અસત્ય છે. અને કવિતા તો એ અનુકૃતિની પણ અનુકૃતિ છે. એટલે કે દ્વિવિધ અસત્યની કૃતિ છે. એરિસ્ટોટલે જાણે કે એના પ્રત્યુત્તરમાં એમના પ્રિય ગુરુના નામનો ઉલ્લેખ કર્યા વિના પરોક્ષપણે એમના ‘Poetics’માં ટ્રૅજેડીની એમની જગપ્રસિદ્ધ વ્યાખ્યામાં ‘mimesis’ એટલે અનુકૃતિ નહિ પણ કલાકૃતિ એવો અર્થ કર્યો છે. એથી એ અંતિમ વસ્તુથી, સત્યથી દૂરાતિદૂર નથી પણ અંતિમ વસ્તુની, સત્યની વધુ નિકટ છે. કાવ્યમાં જે વસ્તુ છે તે સત્યથી કંઈક દૂર છે પણ કવિની કલ્પનાએ એમાંથી જે કલાકૃતિનું નિર્માણ કર્યું છે તે સત્યની વધુ નિકટ છે. કલાકૃતિમાં વાસ્તવ નહિ, અતિવાસ્તવ છે એટલે કે કવિની કલ્પનાનું સત્ય છે. કવિ એના કાવ્યમાં જે વસ્તુ કે વાસ્તવ અસ્તિત્વમાં છે એટલે જે કંઈ છે તેને તો પ્રગટ કરે જ છે, પણ જે વસ્તુ કે વાસ્તવ અસ્તિત્વમાં નથી તેને, અતિવાસ્તવને એટલે કે જે નથી પણ હોઈ શકે તેને પણ પ્રગટ કરે છે, વળી એટલું જ નહિ પણ જે વસ્તુ કે વાસ્તવ અસ્તિત્વમાં નથી અને કદી હોઈ જ ન શકે તે અત્યાતિવાસ્તવને એટલે કે જે નથી અને કદી હોઈ જ શકે તેને પણ પ્રગટ કરે છે. પશ્યન્તિ ઇતિ પશુ. બે આંખથી દેખાય એટલું તો સૌ કોઈ દેખી શકે છે. પણ કવિ એટલું જ દેખતો નથી, પણ કલ્પનાચક્ષુથી, કલ્પનાના ત્રીજા નેત્રથી દેખાય તે પણ દેખે છે. કવિતા સાચ્ચે જ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે. પ્લેટોના અભિપ્રાય પ્રમાણે કાવ્યમાં વસ્તુ તરીકે ‘વિચાર’ – ‘idea’ – હોય છે. એરિસ્ટોટલની વ્યાખ્યા પ્રમાણે કાવ્યમાં વસ્તુ તરીકે ‘કાર્ય’ – ‘action’ – હોય છે. એટલું જ નહિ પણ એ ‘કાર્ય’ ‘સંપૂર્ણ’ – ‘complete’ હોય છે એટલે કે એ ‘કાર્ય’માં ‘સ્થળ, કાળ અને કાર્યની ત્રિવિધ એકતા’ – ‘unities’ – હોય છે, સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા હોય છે. વળી એમાં ભાષા અને વસ્તુની, અવાજ અને અર્થની એકાકૃતિ હોય છે. એથી અંતે આ સૌના સરવાળા રૂપે કાવ્યમાં કલા-આકૃતિનું, કલાકૃતિનું નિર્માણ થાય છે. એટલે કાવ્ય એ અનુકૃતિ નથી, પણ કલાકૃતિ છે; કાવ્ય એ અનુસર્જન નથી પણ કવિની કલ્પના દ્વારા વસ્તુનું પુન:સર્જન છે. એથી કાવ્યમાં દ્વિવિધ અસત્ય નહિ, પણ કવિની કલ્પનાનું સત્ય હોય છે. વાસ્તવનું સત્ય નહિ, પણ અતિવાસ્તવનું સત્ય હોય છે. કાવ્ય એ કવિની કલ્પનાનું સર્જન છે. એથી કાવ્યમાં કલ્પન દ્વારા વિચાર, ભાવ આદિ અમૂર્ત મૂર્ત રૂપે, અદૃષ્ટ દૃષ્ટ રૂપે પ્રગટ થાય છે. કાવ્યમાં વિચાર કલ્પનરૂપે – idea through image – પ્રગટ થાય છે. કાવ્યમાં વસ્તુનું, વાસ્તવનું પ્રત્યક્ષીકરણ થાય છે. કવિ એની કલ્પના દ્વારા ‘sees life steadily and whole’ – જીવનને એકાગ્રતાથી એની સમગ્રતામાં જુએ છે, સમતુલા અને સ્થિરતાથી, તલ્લીનતા અને તાટસ્થ્યથી જુએ છે, અખંડિતતામાં અને અખિલાઈમાં જુએ છે; અનાસક્તિ અને તાદાત્મ્યથી જુએ છે. કવિ એની કલ્પના દ્વારા, કલ્પન દ્વારા વૈધર્મ્યમાં સાધર્મ્ય જુએ છે. વિભિન્ન વસ્તુઓને, વિરોધી વસ્તુઓને સહોપસ્થિતિમાં જુએ છે. કવિ જીવનને અને જગતને, સદ્ અને અસદ્ને, ઇષ્ટ અને અનિષ્ટને, ઈપ્સિત અને કુત્સિતને, સુન્દર અને અસુન્દરને, શુભ અને દૂરિતને એ દ્વંદ્વોથી પર થઈને અને પાર જઈને વિશ્વક્રમમાં અને જીવનચક્રમાં એમના યોગ્ય સ્થાનમાં અને યોગ્ય પ્રમાણમાં જુએ છે. કૉલરિજે કલ્પનાને ‘esemplastic imagination’ – ઐક્યવિધાયક કલ્પના કહી છે. એથી કાવ્યમાં કવિનું વૈશ્વિક દર્શન, શાશ્વત દર્શન હોય છે. એથી તો કાવ્યના જન્મની સાથે જ સમગ્ર વિશ્વ – મનુષ્ય, સમાજ, સંસ્કૃતિ, જીવન, જગત સૌ – નવો અર્થ પામે છે. વિશ્વ તો એનું એ જ છે પણ મનુષ્ય અને સમાજ કાવ્યમાં કવિની જે દૃષ્ટિ છે એ દૃષ્ટિથી વિશ્વને જુએ છે. એથી સમગ્ર વિશ્વ નવો અર્થ પામે છે. મનુષ્યને અને સમાજને આત્મજ્ઞાન અને આત્મપરિચય નથી. મનુષ્ય અને સમાજ પોતાને જાણે-પ્રમાણે છે એથી વિશેષ કવિ મનુષ્યને અને સમાજને જાણે-પિછાણે છે. કવિ મનુષ્ય અને સમાજ સમક્ષ જીવનનું એની સમગ્રતામાં રહસ્યોદ્ઘાટન કરે છે. એથી એ મનુષ્યને અને સમાજને આત્મજ્ઞાન અને આત્મપરિચય કરાવે છે. કવિ એની અનુકંપા દ્વારા ‘the still, sad music of humanity’ – મનુષ્યજાતિના શાંત કરુણ સંગીતનું શ્રવણ કરે છે, એની સંવેદના દ્વારા વિશ્વની વેદનાને આત્મસાત્ કરે છે, એની કરુણા દ્વારા માનવજીવનની કરુણતા સાથે આત્મીયતાનો અનુભવ કરે છે, એની સહાનુભૂતિ દ્વારા, મનુષ્યમાત્રનાં સુખદુ:ખ, જયપરાજય, આશાનિરાશા – ‘the agonies, the strife of the human hearts’ સાથે સહૃદય તરીકે સ્વરૂપાનુસંધાન કરે છે અને એની કાવ્યસૃષ્ટિનું સર્જન કરે છે. આવી છે કવિની કાવ્યસૃષ્ટિ. જાણે કે કવિ પરમેશ્વરનો પર્યાય ન હોય! પરમેશ્વરનો સમાનધર્મા ન હોય! આ કાવ્યસૃષ્ટિનું સર્જન એ કવિની પરમ અને ચરમ સામાજિક ભૂમિકા છે. કવિની સામાજિક ભૂમિકાને કારણે સમાજને કવિતા અંગે અનેક આશા-અપેક્ષાઓ અને આગ્રહો હોય છે. એમાં કવિતામાં બોધ, અવબોધ, ઉપદેશ, ઉદ્બોધન અંગેની અપેક્ષા એ અગ્રતમ અપેક્ષા છે, ક્યારેક ક્યાંક એ અંગે આગ્રહ, અત્યાગ્રહ પણ હોય છે. એથી કવિતા અને નીતિ અંગે સદીઓથી વાદવિવાદ થાય છે. પ્લેટોએ એમના ‘The Republic’માં કવિતામાં અનીતિ છે એવું વિધાન કર્યું છે. એરિસ્ટોટલે જાણે કે એના પ્રત્યુત્તરમાં એમના ‘Poetics’માં ટ્રૅજેડીની એમની વ્યાખ્યામાં ‘Catharsis’ અંગેના વિધાનમાં કવિતાની ભાવાત્મક અપીલ છે, કવિતા ભય અને ત્રાસ આદિ સૌ ભાવોનું નિરસન કરે છે અને એ જ કવિતાની નીતિ છે. mimesis – કલાકૃતિના સત્ય અને સૌંદર્ય દ્વારા અને catharsis – ભાવાત્મક અપીલ અને નીતિ દ્વારા રસ અને આનંદનો, આસ્વાદનો અનુભવ કરાવે છે, કવિતામાં પ્રત્યક્ષ નહિ પણ સત્ય, સૌંદર્ય, ભાવાત્મક અપીલ, રસ, આનંદ અને આસ્વાદ દ્વારા પરોક્ષ બોધ, અવબોધ, ઉપદેશ, ઉદ્બોધન એ જ કવિતામાં બોધ અવબોધ, ઉપદેશ ઉદ્બોધન છે એવું પ્રતિપાદન કર્યું છે. હોરેસે પણ આ અંગે એમના ‘Ars Poetica’ કાવ્યનિબંધમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. કવિતાનું પ્રયોજન શું છે? ‘to please or to instruct?’ અને ઉત્તરમાં કવિતાનું પ્રયોજન આસ્વાદ અને અવબોધ બન્ને છે એવું પ્રતિપાદન કર્યું હતું. પછી બન્નેના સરવાળારૂપે ડ્રાયડને ‘Poetry teaches as it delights’ એવું પ્રતિપાદન કર્યું હતું. ભારતના રસશાસ્ત્રીઓએ પણ કવિતા કાન્તાની જેમ રસ અને આનંદપૂર્વક અવબોધ કરાવે છે એવું પ્રતિપાદન કર્યું હતું. શેલીએ રોમેન્ટિક આવેશપૂર્વક કહ્યું હતું, ‘Poets are the unacknowleged legislators of the world.’ ત્યારે કીટ્સે જાણે એના પ્રત્યુત્તરરૂપે એટલા જ રોમેન્ટિક આવેશપૂર્વક કહ્યું હતું. ‘We hate poetry that has a palpable design upon us.’ પછી ઑડને શિષ્ટ સંયમપૂર્વક કહ્યું હતું, ‘Poetry makes nothing happen.’ ક્યારેક ક્યાંક કવિએ પયગંબર, ઉપદેશક, સુધારક, પ્રચારક તરીકેની ભૂમિકા ભજવવી જોઈએ એવી અપેક્ષા હોય છે, એવો આગ્રહ પણ હોય છે. તો વળી ક્યારેક ક્યાંક કવિએ શું લખવું, શું ના લખવું, કવિએ કેમ લખવું, કેમ ના લખવું એ અંગે કવિને સલાહસૂચન આપવામાં આવે છે, કવિને રોકટોક કરવામાં આવે છે. જાણે કવિતા એ command performance – આદેશપાલનની બજવણી-ભજવણી ન હોય! assignment – વહેંચણી-સોંપણી ન હોય! પણ કહ્યું કથે તે શાનો કવિ? કવિતાના સર્જન અંગેની અણસમજ અને ગેરસમજને કારણે આવી આવી ચેષ્ટાઓ, દુ:ચેષ્ટાઓ, દીનહીન અને દયનીય એવી કુચેષ્ટાઓ, અનધિકાર ચેષ્ટાઓ થાય છે. કવિતાનો ક પણ ન સમજ્યા હોય એમને જ આવું સૂઝે! કવિતામાં પ્રત્યક્ષ નીતિ એ નરી નીરસતા છે, કંટાળાજનક અને ઘૃણાજનક નીરસતા છે, એ કવિતાનો દ્રોહ છે, એ કવિતામાં એક માત્ર અશ્લીલતા છે. પાઉન્ડે કહ્યું છે, ‘All art is an escape from dullness.’ આપણે એમાં ઉમેરીએ, ‘and, therefore, dullness is the only vulgarity in art.’ પ્રચારકો જ સફળતાપૂર્વક પ્રચાર કરી શકે, સુધારકો જ સફળતાપૂર્વક સુધારો કરી શકે. એમાં કવિ કદી સફળ ન થાય, નિષ્ફળ જ જાય. સુધારકના વેશમાં કવિ વરવો લાગે છે. પ્રચારકના પાઠમાં કવિ શોભતો નથી. સમાજ પોતાને વિશે જે જાણે છે તે જ કવિએ સમાજને જણાવવાનું ન હોય. કવિએ તો, આગળ કહ્યું તેમ, સમાજ પોતાને વિશે જે નથી જાણતો તે જ જણાવવાનું હોય. લુઈ મેકનીસે કહ્યું છે, ‘Others can tell lies more efficiently, no one except the poets can give us poetic truths.’ કવિ જ કાવ્ય આપી શકે, કાવ્યનું સત્ય આપી શકે. સમાજને કવિ પાસેથી કાવ્ય સિવાય, કાવ્યના સત્ય સિવાય અન્ય કોઈ અપેક્ષા ન હોવી જોઈએ, અન્ય કોઈ આગ્રહ ન હોવો જોઈએ. અનેક કવિઓએ રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો રચ્યાં છે. ‘સારે જહાંસે અચ્છા...’ એમાં ઉચ્ચાવચતા છે, એક દેશ ઊંચો અને જગતના અન્ય સૌ દેશો નીચા એવો અહમ્ છે. એમાં રાષ્ટ્રપ્રેમની સાથે સાથે રાષ્ટ્રદ્વેષ પણ છે. રાષ્ટ્રપ્રેમનાં કાવ્યોમાં કુકવિતા હોય છે. રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો રાષ્ટ્રદ્વેષનાં પણ કાવ્યો હોય છે. નેપોલિયનના યુદ્ધ સમયે જર્મન સમાજને ગ્યુઈથે જર્મનીના પક્ષે અને ફ્રાંસની વિરુદ્ધ કાવ્ય રચે એવી અપેક્ષા હતી ત્યારે ફ્રાંસમાં જો બર્બરો છે તો જર્મનીમાં પણ બર્બરો છે, જર્મનીમાં જો સંસ્કારી સજ્જનો છે તો ફ્રાંસમાં પણ સંસ્કારી સજ્જનો છે એવી સમજને કારણે અને જર્મનીની સંસ્કૃતિ અને ફ્રાંસની સંસ્કૃતિ માટે એકસમાન પ્રેમને કારણે ગ્યુઇથેએ એમના સમાજને કહ્યું હતું, ‘હું કાવ્યમાં યુદ્ધનો ઢોલ નહિ પીટું.’ જલિયાનવાલાના હત્યાકાંડ સમયે રવીન્દ્રનાથે એમના સમાજને કહ્યું હતું, ‘હું હત્યાનું કાવ્ય નહિ રચું.’ સ્તાલિનવાદી રશિયામાં રાજ્યે જ્યારે પાસ્તરનાકને ત્રાસ આપ્યો અને મિત્રોએ એમને રશિયાનો ત્યાગ કરવાનું કહ્યું ત્યારે જાનના જોખમે પણ એ રશિયામાં જ રહ્યા અને પ્રત્યુત્તરમાં એમણે મિત્રોને કહ્યું હતું, ‘I cannot imagine any existence for myself outside Russia. The worst that can happen to me in Russia is death.’ પાસ્તરનાકે તે પૂર્વે કે તે પછી કવિતામાં સ્તાલિન અને સ્તાલિનના રાજ્યની સ્તુતિ કરી ન હતી, વરસો લગી મૌન ધારણ કર્યું હતું. એનો અર્થ એ નથી કે કવિને નીતિનું, નૈતિકતાનું મૂલ્ય નથી. એને પણ નૈતિક મૂલ્યો, માન્યતાઓ, શ્રદ્ધાઓ હોય છે, ન હોય તો જ નવાઈ! એ સૌ એની કવિતામાં પ્રવેશે છે. કોઈના આગ્રહ કે આદેશને કારણે નહિ, કોઈની ઇચ્છા, આશા, અપેક્ષાને કારણે નહિ, પણ કવિની સ્વેચ્છાને કારણે. પદ્યનાટક અને મહાકાવ્યમાં તો અનિવાર્યપણે પ્રવેશે છે, નીતિ-અનીતિના સંઘર્ષ અર્થે પ્રવેશે છે. મેટાફીઝિકલ કવિતામાં નીતિ-અનીતિના વિરોધાભાસ – paradox – રૂપે પ્રવેશે છે. પણ એ પ્રત્યક્ષરૂપે નહિ, કવિતારૂપે પ્રવેશે છે. એટલું જ નહિ પણ એમાં તો જીવનનાં અને સમાજનાં અન્ય નૈતિક તત્ત્વો પણ પ્રવેશે છે. પછી દૂધમાં સાકરની જેમ એ સૌ કવિતામાં ભળીને ગળી-ઓગળી જાય છે; સ્ફટિકની જેમ એવાં ને એવાં રહી જતાં નથી. અને એથી કવિતા વધુ મધુર, વધુ રસપ્રદ અને આનંદપ્રદ, વધુ આસ્વાદ્ય થાય છે. એટલું જ નહિ એ જેટલા વધુ પ્રમાણમાં પ્રવેશે છે એટલા વધુ પ્રમાણમાં કવિતા મહાન થાય છે, વધુ સંક્રાંતિક્ષમ થાય છે. એલિયટે કહ્યું છે, ‘The greatness of literature cannot be determined solely by literary standards, though we must remember that whether it is literature or not can be determined only by literary standards!’ તો ક્યારેક બોદલેર જેવાની કવિતામાં અનીતિ, દૂરિત અને અન્ય કુત્સિત વસ્તુઓ પણ કવિતામાં પ્રવેશે છે. પણ કવિ એનો સ્વીકાર-પુરસ્કાર નહિ પણ એનો પ્રતિકાર-તિરસ્કાર કરે છે. એને વિશ્વક્રમમાં અને જીવનચક્રમાં એના યથાસ્થાને સ્થાપે છે. આમ, કવિતામાં આસ્વાદ એ જ અવબોધ છે. કવિતામાં રસ અને આનંદ, કલ્પનાનું સત્ય અને કલાકૃતિનું સૌંદર્ય એ એક સામાજિક મૂલ્ય છે, આધ્યાત્મિક મૂલ્ય છે. કવિને માટે બાહ્યજગતનું અસ્તિત્વ છે. કવિને જીવન સાથે, સમાજ સાથે સંબંધ છે, અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ છે. બાહ્યજગતનું અસ્તિત્વ નથી, કવિતા – કળા માત્ર – સ્વતંત્ર, સ્વાયત્ત, સ્વાશ્રયી, સ્વયંપર્યાપ્ત છે એથી એને જીવન સાથે, સમાજ સાથે કોઈ સંબંધ નથી એમ માનવું એ કવિને માટે આત્મઘાત સમાન છે. કવિમાં એના સમયની એના સમયના સમાજની, એના સમયમાં જિવાતા જીવનની સમજ અને સભાનતા આવશ્યક છે. ઇતિહાસની સમજ અને સભાનતા અનિવાર્ય છે. કવિમાં આ સમજ અને સભાનતા ન હોય, એની કવિતામાં બાહ્યજગતનું અસ્તિત્વ ન હોય, જીવન અને સમાજ સાથે સંબંધ ન હોય તો એની કવિતા અલ્પ સમયમાં જ શમી જાય છે અને માલાર્મેની જેમ એ મૌનમાં વિરમી જાય છે. માલાર્મેનો કરુણ એકરાર છે, ‘Mon art est un impasse.’ – મારી કળા એક અંધારગલી છે. ઊર્મિકાવ્યમાં આમ થવું શક્ય છે. ઊર્મિકવિતાના ઇતિહાસમાં ૨૦મી સદીમાં ફ્રાંસમાં આમ થયું હતું. પણ એને એક ઐતિહાસિક સંદર્ભ હતો : એ સમયના સમાજમાં ક્ષુદ્ર અને ક્ષુલ્લક એવા મધ્યમવર્ગના નાગરિકોનાં, ‘નવજાત ધનિકો’નાં નીતિ અને કળા વિશેનાં વિકૃત અને વિરૂપ મૂલ્યો તથા સાહિત્યમાં રોમેન્ટિસિઝમ, રીઆલિઝમ, નેચરાલિઝમ, પાર્નેસિઆનિઝમ આદિના સિદ્ધાંતો. એની પ્રત્યે કવિઓનો વિદ્રોહ હતો. એમાં એમણે વિરુદ્ધ દિશામાં આત્યંતિક કક્ષાએથી નિકટનાં પુરોકાલીન સમાજ અને સાહિત્યનો, સંસ્કૃતિનો, એનાં મૂલ્યોનો, એની શ્રદ્ધાઓ અને માન્યતાઓનો, અરે, જીવન સુધ્ધાંનો અસ્વીકાર કર્યો હતો, પ્રતિકાર અને તિરસ્કાર કર્યો હતો. એ સૌથી તેઓ વિમુખ થયા હતા અને અંતે અંતર્મુખ થયા હતા. આ વિદ્રોહ એમણે આવેશપૂર્વક, આક્રોશપૂર્વક વ્યક્ત કર્યો હતો. બોદલેરના ઉદ્ગારમાં એ વ્યક્ત થાય છે, ‘Epater le bourgeois’ બુર્ઝ્વાને આઘાત આપો. વિલિએ દ લિસ્લ-આદમની નવલકથા ‘Axel’ના નાયક ઍક્સલની ઉક્તિમાં પણ એ વ્યક્ત થાય છે, ‘Live? Our servants will do that for us.’ પણ આ વિદ્રોહમાં ક્લાંતિ ન હતી, નિર્વેદ ન હતો. એમાં ઓજસ્ હતું. આહ્વાન હતું. અસ્તિત્વની, જીવનની નવેસરથી ફેરતપાસની માગ હતી. સમાજ અને સાહિત્યનાં, સંસ્કૃતિનાં મૂલ્યોના પુન:મૂલ્યાંકનનો આગ્રહ હતો. આમ, આ વિદ્રોહ સ્વયં એક સામાજિક મૂલ્ય છે, આધ્યાત્મિક મૂલ્ય છે. આ વિદ્રોહના પરિણામે કળા ખાતર કળા, સીમ્બોલિઝમ, સરરિઆલિઝમ, દાદાઇઝમ, ફ્યુચુરિઝમ, stream of consciousness આદિ વાદો અસ્તિત્વમાં આવ્યા હતા. એમાં કવિના આંતરજીવન અને આંતરજગતની કવિતા છે. સ્વપ્નો અને તરંગોની કવિતા છે. આંતરસ્ફુરણા અને આંતરચેતનાની કવિતા છે. પણ આ કવિઓના સંવિતમાં, એમના અંતસ્તલમાં, એમના આંતરમનમાં, પ્રુસ્તની સ્મૃતિમાં જે કલ્પનો અને પ્રતીકો સંચિત, સંગૃહીત થયાં હતાં તે ક્યાંથી પ્રાપ્ત થયાં હતાં? આ કવિઓએ એમની કવિતાનું સર્જન શબ્દો દ્વારા કર્યું હતું. એ શબ્દો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? મૃત્યુમાંથી નહિ, જીવનમાંથી; શૂન્યમાંથી નહિ, સમાજમાંથી. બાહ્યજગતમાંથી. જોઈસના ઉદ્ગારમાં પણ એ જ ઉત્તર છે, ‘Dear, dirty Dublin.’ આ કવિઓએ એમની કવિતાનું પ્રકાશન કર્યું હતું. ક્યાં અને કોને માટે? સમાજમાં અને સમાજ માટે. એનો અર્થ એ જ કે એમને પરોક્ષપણે પણ જીવન અને સમાજ સાથે સંબંધ છે, અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ છે. એમને માટે બાહ્યજગતનું અસ્તિત્વ છે. આમ, આ વિદ્રોહનું પણ સામાજિક મૂલ્ય, આધ્યાત્મિક મૂલ્ય છે. એમાં પણ કવિની સામાજિક ભૂમિકા છે. જીવન ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. એથી સમાજ અને સંસ્કૃતિ, કવિ અને કવિતા, સર્વ કંઈ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. જીવનમાં, સમાજ અને સંસ્કૃતિમાં પરિવર્તન થાય ત્યારે કવિ અને કવિતામાં પરિવર્તન થાય છે, તો ક્યારેક કવિમાં, કવિના અંગત જીવનમાં પરિવર્તન થાય ત્યારે પણ કવિતામાં પરિવર્તન થાય છે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં, આ વ્યાખ્યાનના પૂર્વાર્ધમાં જોયું તેમ, ઇસ્લામ અને મુસ્લિમોના આગમન પછી કવિતામાં પરિવર્તન થયું હતું. ત્યારે સૌ કવિઓએ એકમાત્ર ધર્મના વસ્તુવિષય પર જ કવિતા રચી હતી. પછી અંગ્રેજોનું આગમન થયું પછી કવિઓએ સમગ્ર જીવનના વસ્તુવિષય પર કવિતા રચી હતી.

ગઈ કાલની કવિતા ગમે તેટલી ભવ્ય અને સુંદર હોય તોયે આજે પર્યાપ્ત નથી. આજના જિવાતા જીવનને એની કવિતા હોવી જોઈએ. એથીસ્તો બલવન્તરાયે ‘નવ્ય કવિતા’માં અંતે નમ્રતાપૂર્વક પૂછ્યું છે :

‘મહાકાવ્યો જૂનાં કવિયન અને વંદું સહુને,
નવે કાળે તોયે કવન નવલાં સર્જી દઉં ને?’

ભૂતકાળ ગમે તેટલો ભવ્ય અને સુંદર હોય, ભલેને એમાં સુવર્ણ યુગ હોય છતાં એમાં જીવવું શક્ય નથી, અને જીવવું શક્ય હોય તોપણ એને જીરવવું શક્ય નથી. બલવન્તરાયે ‘સુખદુ:ખ-૧૩’માં આ અશક્યતાનું કાવ્ય રચ્યું છે :

‘સદેહ જઈ જો શકાય ચીરી કાળ યુગ ભૂતમાં,
નહીં વરસ માત્ર જીવી શકીએ જીવન એ જૂનાં;
. . . . .
ન કો ય યુગ આગલો પછી થયેલ યુગનાં શિશુ,
શકે જીરવી, એ જ છે પરમ સત્ય કાલૌઘનું.’
રવીન્દ્રનાથે ‘સેકાલ’માં આ જ સત્ય કાલવ્યુત્ક્રમથી વ્યક્ત કર્યું છે :
‘આમિ યદિ જન્મ નિતેમ કાલિદાસેર કાલે
. . . . .
હાય રે કબે કેટે ગૅછે કાલિદાસેર કાલ!
. . . . .
આપાતત એઈ આનન્દે ગર્વે બૅડાઈ નેચે –
કાલિદાસ તો નામેઈ આછેન, આમિ આછિ બેંચે.
. . . . .
આમાર કાલેર કણામાત્ર પાનનિ મહાકવિ.’

તો, આજે જીવનમાં તથા સમાજ અને સંસ્કૃતિમાં એક મહાન અભૂતપૂર્વ પરિવર્તનના આગમનનો અણસાર આવી રહ્યો છે. આજે માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતમાં જ નહિ પણ જગતભરમાં જે આસમાનીસુલતાની, જે ઊથલપાથલ, જે ભૂકંપ, જે ઉલ્કાપાત, જે અવ્યવસ્થા, જે અરાજકતા છે – જીવનના એકએક ક્ષેત્રમાં છે – એનું કારણ કોઈ એક વ્યક્તિ કે પક્ષ કે સમાજ નથી, એનું કારણ કાલપુરુષ છે, એ કાલપુરુષનું આહ્વાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેમ અને ક્યારે? એ તો ‘એ’ પણ જાણતો નથી એમ નાસદીય સૂક્ત કહે છે. પણ લાખોનાં લાખો વરસ પૂર્વે પૃથ્વીની ઉત્પત્તિ, લાખો વરસ પૂર્વે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ, પછી ચાલીસેક લાખ વરસ પૂર્વે મનુષ્યની ઉત્પત્તિ, પછી પાંચેક લાખ વરસ પૂર્વે જ્યારે મનુષ્યે પથ્થર ઊંચક્યો ત્યારે બાહુ અને બુદ્ધિના બળે મનુષ્યે એની સ્વ-તંત્રતાનો આરંભ કર્યો. દસેક હજાર વરસ પૂર્વે કૃષિની શોધ દ્વારા, કૃષિમનુષ્ય દ્વારા કૃષિજીવન, કૃષિસમાજ અને કૃષિસંસ્કૃતિનો આરંભ થયો. પછી પાંચેક હજાર વરસથી આજ લગી સતત કૃષિમનુષ્યે અનેક આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાંતો અને સંસ્થાઓનું સર્જન કર્યું છે. આ સિદ્ધાંતો અને સંસ્થાઓની ભવ્ય સિદ્ધિઓ છે. એમનો ઉજ્જ્વળ ઇતિહાસ છે. હજુ પણ એમનું અસ્તિત્વ છે. પણ લગભગ અઢીસો વરસ પૂર્વે યંત્રની શોધ દ્વારા ઔદ્યોગિક મનુષ્યે આ સિદ્ધાંતો અને સંસ્થાઓના અસ્તનો આરંભ કર્યો અને હવે પચાસેક વરસથી યંત્રવિજ્ઞાનની શોધ દ્વારા આ સિદ્ધાંતો અને સંસ્થાનો દૂરઅદૂરના ભવિષ્યમાં અસ્ત થશે એવું આજે જણાય છે. આ ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, પણ આ અનિવાર્ય છે. યંત્રવિજ્ઞાનની શોધ એ અપૂર્વ શોધ છે, એ એક અભૂતપૂર્વ ક્રાંતિ છે. એ એક પ્રલય સમી પ્રચંડ આંધી છે, એની પ્રકાંડ શક્તિ છે. એની તુલનામાં આ સિદ્ધાંતો અને સંસ્થાઓ તૃણવત્ છે. દૂર-અદૂરના ભવિષ્યમાં એ કાલગ્રસ્ત થશે એવું આજે જણાય છે. હવે પછી એક નૂતન સમાજનો, યંત્રવૈજ્ઞાનિક સમાજનો અને એક નૂતન સંસ્કૃતિનો, યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનો આરંભ થશે. એમાં કેવા આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાંતો અને કેવી સંસ્થાઓ હશે. એનું કેવું અને કેટલું ભવિષ્ય હશે એ તો એક કાલપુરુષ જ જાણે છે – અથવા ‘એ’ પણ જાણતો નથી. આપણે તો આજે, બલવન્તરાયના શબ્દોમાં, આટલું જ જાણીએ છીએ :

‘નિહાળું જગચિત્રની પલટતી જ છાયા પ્રભા,
. . . . .
અને વિધિસમુદ્રમાં નીરખું ભંગ સંકલ્પના.’

આપણે એટલું તો અવશ્ય જાણીએ છીએ કે એ વૈશ્વિક સમાજ હશે, એ વૈશ્વિક સંસ્કૃતિ હશે અને આ પૃથ્વી એક વૈશ્વિક નગર હશે. આજના કવિએ અને હવે પછીના કવિએ આ સંદર્ભમાં એની કવિતા રચવાની રહેશે. અને એ કવિતાનું મૂલ્યાંકન જગતકવિતાના માપદંડથી કરવાનું રહેશે. આ હશે આજના અને હવે પછીના કવિની સામાજિક ભૂમિકા. સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો. કાવ્યપુરુષને એ પ્રાર્થના સાથે અને ગુજરાતને એ શુભેચ્છા સાથે વિરમું છું. (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૯મું અધિવેશન વડોદરામાં યોજાયું તે પ્રસંગે પરિષદપ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૨૭ ડિસેમ્બર ૧૯૯૭)