સાહિત્યચર્યા/ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી

અહીં આ ક્ષણે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૧મા અધિવેશનનું શબ્દજ્યોતિથી વિધિવત્ ઉદ્ઘાટન કરું છું. આ અધિવેશન પાટણમાં યોજાય છે, પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું આ પ્રથમ અધિવેશન છે. એથી યે વિશેષ તો આ અધિવેશન ૨૦૦૧ના વર્ષમાં યોજાય છે, ૨૧મી સદીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું આ પ્રથમ અધિવેશન છે. એથી આ ઉદ્ઘાટન ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૧મી સદીના પ્રથમ અધિવેશનનું પણ ઉદ્ઘાટન છે. તો એ નિમિત્તે અહીં આ ક્ષણે ‘ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી’ વિશે એકબે વિચારો વ્યક્ત કરું તો એ પ્રસ્તુત ગણાશે એમ સમજું છું. ૨૦૦૧ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય જ્યારે ૨૧મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે. પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે કમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં અને જેટ, રોકેટ આદિ વાહનવ્યવહારનાં યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી મનુષ્યસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે. એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. હવે પછી રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું સ્વપ્ન યંત્રવિજ્ઞાન દ્વારા સાકાર થશે. હવે પછી એક જગત, એક-કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ્, એકનીડમ્ એ સ્વપ્ન નહિ હોય, એ વાસ્તવ હશે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી રહી હતી ત્યારથી જ એટલે કે ૧૯૪૬થી જ ગુજરાતી ભાષામાં આધુનિકતાનું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. આધુનિકતાનું સાહિત્ય એટલે પ્રાગ્-ઔદ્યોગિક નગરનું નહિ પણ આધુનિક ઔદ્યોગિક નગરનું સાહિત્ય, યંત્રવૈજ્ઞાનિક નગરનું સાહિત્ય. કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં એ પ્રગટ થયું છે. એમાં ૧૯૪૬ પૂર્વેના પ્રશિષ્ટતાવાદ, રંગદર્શિતાવાદ, આદર્શવાદ, ભાવનાવાદ, વાસ્તવવાદ, સૌંદર્યવાદ આદિ વાદો અને એ વાદોના સાહિત્યમાં જે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે એની સાથે વિચ્છેદ થયો છે. આધુનિકતાનું સાહિત્ય એ વિચ્છેદનું–discontinuityનું સાહિત્ય છે. અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, એબ્સર્ડ આદિ વાદો અને એ વાદોના સાહિત્યમાં જે વસ્તુવિષય હોય એનો પુરસ્કાર થયો છે. કવિતામાં પદ્યનો પરિહાર થયો છે, ગદ્યકાવ્યનો પુરસ્કાર થયો છે. નાટક, નવલકથા, ટૂંકીવાર્તામાં ઘટનાક્રમનો પરિહાર થયો છે. નાટ્યાત્મક એકોક્તિ, આંતરચેતનાનો પ્રવાહ આદિનો પુરસ્કાર થયો છે. આ આધુનિકતાના સાહિત્યમાં નગરજીવનનો અનુભવ અને નગરજનનું માનસ પ્રગટ થાય છે. આધુનિકતાનો જન્મ આધુનિક ઔદ્યોગિક નગરમાં, પેરિસમાં, આધુનિક ઔદ્યોગિક નગરને કારણે, પેરિસને કારણે થયો છે. એનો જન્મ થયો છે પેરિસમાં, પણ એનું આંદોલન પ્રસર્યું છે તોકિયોથી બુએનોસએરિસમાં. આધુનિકતાનું એક પણ આંદોલન કોઈ પણ ગ્રામપ્રદેશમાં થયું નથી. આધુનિકતાનું આંદોલન એ પ્રાદેશિક આંદોલન તો નથી જ, પણ એ માત્ર રાષ્ટ્રીય આંદોલન પણ નથી, એ આંતરરાષ્ટ્રીય આંદોલન છે. આ સંદર્ભમાં ગ્રામપ્રદેશ, ગ્રામજીવન અને ગોપસાહિત્ય અંગે રુગ્ણ અને રોતલ સ્મૃતિબદ્ધતા – nostalgia એ એક વ્યર્થ વ્યામોહ છે, મિથ્યા મનોયત્ન છે. તો આ છે ૨૧મી સદીના ગુજરાતી સાહિત્યની નાંદી જેવી પૂર્વભૂમિકા. વિજ્ઞાન એ એક નૈતિક - આધ્યાત્મિક મૂલ્ય છે. એ એક ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક મૂલ્ય છે. એ ધર્મ અને રાજ્યની સીમાઓ અને બાધાઓથી પર અને પાર છે. એથી એને કોઈ રાષ્ટ્રીય સીમા નથી, એને કોઈ ધાર્મિક ઝનૂન નથી. ધર્મના ભિન્નભિન્ન સંપ્રદાયો અને રાજ્યની ભિન્નભિન્ન વિચારધારાઓ મનુષ્યજાતિને તોડે છે, વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન મનુષ્યજાતિને જોડે છે. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન નિષ્પક્ષ નિર્વૈયક્તિક છે, એ વૈશ્વિક અને જાગતિક છે. એમાં કોઈ અંતિમ શબ્દ નથી. કોઈ અંતિમ સત્ય નથી. એ અનેક પ્રશ્નાર્થો અને આશ્ચયાર્થોથી સભર અને સમૃદ્ધ એવી મનુષ્યની અવિરત અને અવિશ્રામ સત્યશોધનની સાધના છે. એથી એ સતત ગતિશીલ અને પ્રગતિશીલ છે, સતત વિકાસોન્મુખ અને ભવિષ્યોન્મુખ છે. એ મનુષ્યજાતિની અનિરુદ્ધ અને અનંત એવી વૃત્તિ અને પ્રવૃત્તિ છે. એ મનુષ્ય માત્રને ઉપલબ્ધ અને ઉપયોગી છે. એમાં જાતિભેદ કે લિંગભેદ નથી, એમાં ઉચ્ચાવચતાક્રમ નથી, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. એ સ્વયં એક માનવતાવાદી ધર્મ છે. એથી જ આરંભે કહ્યું તેમ ૨૧મી સદીમાં દૂર-અદૂરના ભવિષ્યમાં આ પૃથ્વી પર એક વૈશ્વિક નગર એટલે કે વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ અસ્તિત્વમાં હશે. એ પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાને અતિક્રમી જશે. આજે જે ભિન્નભિન્ન સમાજો અને ભિન્નભિન્ન સંસ્કૃતિઓ; ભિન્નભિન્ન ધર્મો અને ભિન્નભિન્ન રાજ્યો છે એ, અલબત્ત, હવે પછી અલોપ કે અદૃશ્ય તો નહિ થાય, પણ એ પ્રત્યેક સમાજે અને પ્રત્યેક સંસ્કૃતિએ, પ્રત્યેક ધર્મ અને પ્રત્યેક રાજ્યે આ વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ, આ માનવતાવાદી ધર્મ અને એક જગતરાજ્યના અંતર્ગત અંશ રૂપે, આ નવા પરિમાણ સાથે, આ નવા પરિવેશમાં વસવાનું અને વિકસવાનું રહેશે; એને અનુરૂપ અને અનુકૂળ એવું પરિવર્તન અને પુનર્નિર્માણ કરવાનું રહેશે. અન્યથા મહતિ વિનષ્ટિ! એથી હવે પછી ગુજરાતી સાહિત્યમાં માત્ર પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાની, ગુજરાતીતા અને ભારતીયતાની જ ખોજ કરવાની નહિ હોય, વૈશ્વિકતાની ખોજ કરવાની રહેશે. ૧૯મી અને ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યમાં માત્ર પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાની, ગુજરાતીતા અને ભારતીયતાની ખોજ હતી, એ સાર્થ અને સકારણ એવી ખોજ હતી. આ નવા સંદર્ભમાં વૈશ્વિકતાની સાથે સુસંગત અને સુસંવાદી એવી પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાની ખોજ કરવાની રહેશે. ૨૧મી સદીના ગુજરાતી સાહિત્યકારે પ્રાદેશિક કે રાષ્ટ્રીય મટ્યા વિના વૈશ્વિક થવાનું રહેશે. આજે રાજકારણ અને અર્થકારણનું વૈશ્વિકરણ અને ઉદારીકરણ કરવામાં આવી રહ્યું છે તેમ સાહિત્યનું પણ વૈશ્વિકરણ અને ઉદારીકરણ કરવાનું રહેશે. એથી જ ૨૧મી સદીના ગુજરાતી સાહિત્યકારને માત્ર ગુજરાતી કે ભારતીય સાહિત્યનું કે અંગ્રેજી સાહિત્યનું જ નહિ પણ જગતસાહિત્યનું વાચન-મનન અને ચિંતન કરવાનું રહેશે. અને જપાની કે ફ્રેન્ચ સાહિત્યકાર જે અર્થમાં સાહિત્યકાર છે એ અર્થમાં સાહિત્યકાર થવાનું રહેશે. ગુજરાતી કે ભારતીય કે અંગ્રેજી સાહિત્યનાં ધોરણોથી નહિ પણ જગતસાહિત્યનાં ધોરણોથી એના સાહિત્યનું વિવેચન અને મૂલ્યાંકન થાય એવી એની આકાંક્ષા અને અપેક્ષા હશે, બલકે એવો એનો આગ્રહ હશે અને એની વૈશ્વિક એવી સજાગતા અને સભાનતા, સંવેદના અને સહાનુભૂતિ હશે. સમગ્ર મનુષ્યજાતિ અને એનું ભવિષ્ય એ એની ચિંતા અને ચિંતનનો વિષય હશે. સમગ્ર મનુષ્યજાતિનાં સુખદુ:ખ એ એનાં સુખદુ:ખ હશે. આ સંદર્ભમાં ગીત, ગઝલ કે પદ જેવા માત્ર સીમિત અને સંકુચિત એવા પ્રથમ પુરુષ એકવચનના પદ્યસાહિત્યમાં કે માત્ર પ્રાદેશિકતા અને રાષ્ટ્રીયતાના નાટક, નવલકથા અને ટૂંકી વાર્તાના ગદ્યસાહિત્યમાં જે પલાયનવૃત્તિ (escapism) હશે તે એક વ્યર્થ વ્યામોહ હશે, એક મિથ્યા મનોયત્ન હશે. એક જ શબ્દમાં ૨૧મી સદીના ગુજરાતી સાહિત્યકારે એના સાહિત્યમાં વૈશ્વિક સમન્વય, પશ્ચિમના વિજ્ઞાન-યંત્રવિજ્ઞાન અને પૂર્વના ટાગોરકલ્પ્યા વૈશ્વિક માનવતાવાદ તથા ગાંધીજીવ્યા સત્ય અને અહિંસાનો સમન્વય સિદ્ધ કરવાનો રહેશે. અને તો એનું સાહિત્ય ભલે ગુજરાતી ભાષામાં હોય પણ એ માત્ર ગુજરાતી કે ભારતીય સાહિત્ય નહિ હોય, એ વિશ્વસાહિત્ય હશે. ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૧મી સદીના આ પ્રથમ અધિવેશનનું ઉદ્ઘાટન કરું છું ત્યારે આ આશા, અપેક્ષા અને શુભેચ્છા સાથે વિરમું છું. (પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૧મા અધિવેશન પ્રસંગે ઉદ્ઘાટન પ્રવચન. ૨૯ ડિસેમ્બર ૨૦૦૧)