સાહિત્યચર્યા/ગુરુ-શિષ્ય સંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુરુ-શિષ્ય સંવાદ

ગુરુદયાલ મલ્લિકજીના સ્વમુખેથી એક વિરલ પ્રસંગ અંગેની વાત સાંભળવાનું સદ્ભાગ્ય આ લખનારને સાંપડ્યું હતું. પ્રસંગ આ પ્રમાણે હતો : એક વાર શાન્તિનિકેતનમાં કોઈ એક અતિથિ મલ્લિકજી પાસે એમના હસ્તાક્ષર માગવા આવ્યા. મલ્લિકજીએ એમની હસ્તાક્ષરપોથી (ઓટોગ્રાફ-બુક)માં એક પાના પર લખ્યું, ‘Fulfil yourself’! અને નીચે સહી કરી. પછી એ અતિથિ રવીન્દ્રનાથ પાસે એમના હસ્તાક્ષર માગવા ગયા. મલ્લિકજીના સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે રવીન્દ્રનાથે એમની હસ્તાક્ષરપોથી ખોલી તો મલ્લિકજીએ જે પાના પર હસ્તાક્ષર કર્યા હતા તે પાનું (મલ્લિકજીના શબ્દોમાં ‘પાનિયું’) રવીન્દ્રનાથના હાથમાં આવ્યું. રવીન્દ્રનાથે એ પાના પરનું મલ્લિકજીનું વાક્ય વાંચ્યું અને એ પાના પર જ એ વાક્યની નીચે, જાણે એ વાક્યને છેક્યું ન હોય એમ, લખ્યું.’ ‘Forget yourself!’ અને નીચે સહી કરી. આ પ્રસંગમાં ભારતવર્ષની સમગ્ર સંસ્કૃતિનો – ગીતા – ઉપનિષદ આદિના ચિન્તન-મનનો સાર પ્રગટ થાય છે : પોતાને વામો અને પોતાને પામો! પોતાને વામ્યા વિના પોતાને પામી શકાતું જ નથી! ૨ ઑક્ટોબર ૧૯૯૯