સાહિત્યચર્યા/નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’
પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની બે પ્રસિદ્ધ પંક્તિઓ (કડવું ૧૫)માં આ નવલકથાની પ્રેરણા છે : ‘કદલીસ્થંભ જુગલ સાહેલડી, વચ્ચે વૈદર્ભી કનકની વેલડી.’ નવલકથાકારે આ નવલકથાની પ્રસ્તાવના – ‘મારો બચાવ’માં અને અન્યત્ર એક લેખ – ‘સંસ્કૃતિ’ માસિકના ‘સર્જકની આંતરકથા’ વિશેષાંકમાં “રસદ્વાર’થી ‘હાશ”માં તથા આ નવલકથાના નાયક સોહને નવલકથાના પ્રકરણ ૫ - ‘ત્રિપુટી’માં એના કથનમાં આ બે પંક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં હંસે નળ સમક્ષ આ બે પંક્તિઓમાં કદલીસ્થંભના રૂપક દ્વારા દમયંતીની બે સખીઓના રૂપનું અને કનકની વેલડીના રૂપક દ્વારા વૈદર્ભી એટલે દમયંતીના રૂપનું વર્ણન કર્યું છે. અહીં આ નવલકથામાં ‘કદલીસ્થંભ’ જેવી ‘જુગલ સાહેલડી’ તે રાધાની બે સખીઓ સ્વાતિ અને યામિની અને ‘કનકની વેલડી’ તે રાધા. વળી આ બં પંક્તિઓમાં ‘કદલી’ના રૂપકમાં આ નવલકથાના શીર્ષક ‘કદલીવન’ની પણ પ્રેરણા છે. આમ, આ બે પંક્તિઓમાં નવલકથાનાં ત્રણ મુખ્ય પાત્રો અને શીર્ષકની પ્રેરણા છે. આ નવલકથાની સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર, એનું મુખ્ય સ્થાન (locale) કદલીવન જ છે. આમ, ‘કદલીવન’ એ માત્ર આ નવલકથાનું શીર્ષક જ નથી પણ આ નવલકથામાં પાને પાને આરંભથી અંત લગી પ્રતીત થતું સર્વવ્યાપ્ત એવું વર્ચસ્વી પ્રતીક પણ છે. કદલીવનનું સર્જન અને વિસર્જન એ જ વાસ્તવમાં તો આ નવલકથામાં અંતિમ વસ્તુ-વિષય છે. આમ, એક મધ્યકાલીન સાહિત્યકૃતિ આ સમકાલીન સાહિત્યકૃતિની પ્રેરણા છે. એથી આ નવલકથા સાહિત્યપ્રેરિત નવલકથા છે એમ કહેવું હોય તો કહી શકાય. હમણાં જ કહ્યું તેમ નવલકથાકારે એવો એકરાર કર્યો પણ છે. એક સાહિત્યકૃતિ અન્ય સાહિત્યકૃતિની પ્રેરણા હોય? – એવો પ્રશ્ન પૂછવો જ હોય તો પૂછી શકાય. સાહિત્ય અને જીવનનો અવિભાજ્ય અને અવિચ્છેદ્ય એવો અનિવાર્ય અને અનિરુદ્ધ સંબંધ છે એ સાચું. પણ આ સંબંધ એક કૂટ પ્રશ્ન છે. વળી સાહિત્ય અને જીવનનો ઉચ્ચાવચતાક્રમ એ એથી યે વિશેષ કૂટ પ્રશ્ન છે. આ કૂટ પ્રશ્નમાંથી પૂર્વોક્ત પ્રશ્ન ઉદ્ભવે છે. રવીન્દ્રનાથના જીવનદેવતા નહિ પણ કોઈ પ્યુરિટન જીવનદેવતાના ઉપાસક એવા વિવેચકોએ સાહિત્ય અને સાહિત્યકૃતિમાં, સાહિત્યકૃતિના વાચનના અનુભવમાં નહિ પણ જીવનમાં, જીવનના અનુભવમાં જ સાહિત્ય અને સાહિત્યકૃતિની પ્રેરણા હોય, હોવી જ જોઈએ એવા એમના એકાંગી અને એકાક્ષી, અતિસરલ અને સંકુચિત સાહિત્યવાદ, બલકે નીતિવાદને કારણે આ પ્રશ્ન પૂછવો રહ્યો અને પૂછ્યો પણ છે. જાણે કે સાહિત્ય, સાહિત્યકૃતિ અને સાહિત્યકૃતિના વાચનનો અનુભવ એ જીવનના અન્ય સૌ અનુભવો જેવો જ અનુભવ, જીવનનો જ અનુભવ ન હોય! એ જાણે કે મૃત્યુનો અનુભવ ન હોય! પણ સાહિત્ય, સાહિત્યકૃતિ અને સાહિત્યકૃતિનું વાચન એ જીવનના અન્ય સૌ અનુભવો જેવો જ અનુભવ છે, જીવનનો જ અનુભવ છે. સાહિત્ય અને સાહિત્યકૃતિ સ્વયં એક જીવનમૂલ્ય છે, કદાચ અન્ય જીવનમૂલ્યોથી યે વિશેષ મૂલ્યવાન એવું સર્વશ્રેષ્ઠ જીવનમૂલ્ય છે. ૧૭મી-૧૮મી સદીમાં નવ્ય પ્રશિષ્ટતાવાદના યુગમાં અંગ્રેજી સાહિત્યમાં – સવિશેષ કવિતાસાહિત્યમાં – તો imitation-અનુસર્જનની સન્માન્ય અને સર્વમાન્ય એવી એક પ્રચલિત પરંપરા હતી. અન્ય પ્રાચીન ભાષાઓ – ગ્રીક અને લેટિન ભાષોઓની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અનેક સમકાલીન સાહિત્યકૃતિઓની પ્રેરણા હતી. હમણાં જ જોઈશું તેમ, પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની બે પંક્તિઓથી પણ વિશેષ તો નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં આ નવલકથાની પ્રેરણા છે, આદિમ પ્રેરણા છે. એમાં પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના વાચન માટેની પ્રેરણા છે અને ‘નળાખ્યાન’ના વાચનમાં અને વિશેષ તો પૂર્વોક્ત બે પંક્તિઓના રટણમાં આ નવલકથાની પ્રેરણા છે. આમ, નવલકથાકારના આ અંગત કરુણ અનુભવમાં પ્રેરણાની પણ પ્રેરણા છે. ૧૯૪૩ના જૂનમાં નવલકથાકારની આઠ માસની કાચીકુમળી વયની પુત્રી રંજનાનું ટૂંકી માંદગીમાં સામાન્ય રોગથી અચાનક અવસાન થયું હતું. આ અંગત કરુણ અનુભવ વિશે નવલકથાકારે એમનાં પૂર્વોક્ત બે લખાણો – આ નવલકથાની પ્રસ્તાવના (‘મારો બચાવ’) અને ‘સંસ્કૃતિ’માંના લેખ (‘રસદ્વાર’થી ‘હાશ’)માં એમ બે વાર ઉલ્લેખ કર્યો છે. એથી આ અનુભવની વિગતો એમના જ શબ્દોમાં અહીં રજૂ કરવી જોઈએ : ‘૧૯૪૩ના જૂન માસમાં મારું એક બાળરત્ન ગુમાવતાં, મારી મન:સૃષ્ટિ એટલી તો ડામાડોળ થઈ ગઈ હતી કે મને ભય રહેતો કે હું મારું માનસિક સમતોલપણું ગુમાવી બેસીશ... અનેક રાત્રિઓના અખંડ ઉજાગરા કરતાં પથારીમાં પડ્યે પડ્યે એક રાત્રે એકાએક મારા મન આગળ નવી સૃષ્ટિ ખડી થઈ ગઈ! મારા હૈયાના સુખદુ:ખથી તે સૃષ્ટિ તદ્દન નિરાળી હતી, તેના હર્ષ-શોક મારે સારુ નવીન હતા. તેણે મને બચાવી લીધી. ‘કદલીસ્થંભ જુગલ સાહેલડી/વચ્ચે વૈદર્ભી કનકની વેલડી’ – એ કવિ પ્રેમાનંદકૃત પંક્તિઓ મારા મગજમાં ગુંજવા મંડી અને સ્વાતિ અને યામિની જેવી સુંદર સહેલીઓની વચમાં ઊભેલી મારી નાયિકા રાધાએ મારા ચિત્તને ઘેરી લીધું. પછી ધીરેધીરે આખુંયે કદલીવન રચાવા લાગ્યું.’ (પ્રસ્તાવના). ‘૧૯૪૩માં મેં મારું એક બાળક ગુમાવ્યું અને મારું દિલ ઘેરા શોકમાં ડૂબી ગયું. સ્વસ્થ બનતાં બહુ વાર લાગી. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ દિલ બહેલાવવા હું વાંચતી. વાંચતી કહું એ સાચું ન કહેવાય; ‘નળાખ્યાન’નાં પાનાં ફેરવતી. ત્યાં કોણ જાણે શાથી બે પંક્તિઓ મારા મનમાં રટણ કરવા લાગી. ‘કદલીસ્થંભ જુગલ સાહેલડી/વચ્ચે વૈદર્ભી કનકની વેલડી.’ આથી આ બે પંક્તિઓએ મારા મનનો કબજો લઈ લીધો અને સ્વાતિ અને યામિનીની વચ્ચે ઊભેલી રાધા – એ ત્રણે નજર સમક્ષ વારંવાર ખડાં થયાં કરે, એ રીતે ‘કદલીવન’ નામે નવલકથા રચાઈ.’ (‘રસદ્વાર’થી ‘હાશ’). આમ, અંતે તો નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં આ નવલકથાની પ્રેરણા છે. આ નવલકથાકારે એમના આ અનુભવ પછી અન્ય કોઈ પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન ગદ્ય કે પદ્યકૃતિનું વાચન નહિ પણ ‘નળાખ્યાન’નું વાચન જ કેમ કર્યું? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે ‘નળાખ્યાન’ અને આ નવલકથામાં પ્રયોજનનું સામ્ય છે. ‘નળાખ્યાન’ની ભૂમિકા આ પ્રમાણે છે : ‘મહાભારત’માં વનપર્વમાં અધ્યાય ૫૨–૭૯માં નળ-દમંયતીની કથા ‘નલોપાખ્યાન’ છે. એમાં વૈશંપાયને જનમેજયને આ કથા કહી છે. દ્યૂતમાં પાંડવોનો પરાજય થયો હતો, પરિણામે એમણે રાજ્યનો ત્યાગ અને કામ્યકવનમાં વનવાસનો સ્વીકાર કર્યો હતો. એથી યુધિષ્ઠિર દુ:ખી તો હતા જ પણ એટલું ઓછું હોય તેમ વનવાસ દરમિયાન હવે ભ્રાતૃવિયોગના, અર્જુનના વિયોગના દુ:ખે વધુ દુ:ખી હતા. આ સમયમાં કાલકેય અને પૌલોમ નામના બે દૈત્યે ઇન્દ્રને ત્રાસ આપ્યો હતો એથી ઇન્દ્રની વિનંતીથી આ દૈત્યોનો નાશ કરવા માટે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવા અર્જુન શિવની આરાધના અર્થે કૈલાસ ગયો હતો. કિરાતના વેશમાં શિવ અર્જુનની આરાધનાથી પ્રસન્ન થયા હતા અને શિવે અર્જુનને પાશુપતાસ્ત્ર અર્પણ કર્યું હતું. અર્જુને એ અસ્ત્રથી દૈત્યોનો નાશ કર્યો હતો. પણ પછી એ પાંચ વર્ષ માટે સ્વર્ગમાં જ વસી ગયો હતો. એથી યુધિષ્ઠિર અર્જુનવિયોગના, ભ્રાતૃવિયોગના દુ:ખે દુ:ખી હતા. આ સમયમાં બૃહદશ્વ ઋષિ કાત્યક વનમાં પધાર્યા હતા અને યુધિષ્ઠિરે એમનું આતિથ્ય કર્યું હતું. બૃહદશ્વ ઋષિને યુધિષ્ઠિરના દુ:ખની જાણ થતાં એમણે યુધિષ્ઠિરનું દુ:ખ દૂર કરવા, આ જગતમાં યુધિષ્ઠિરથી પણ વધુ દુ:ખી એવાં મનુષ્યો છે એવું સાંત્વન, આશ્વાસન આપવા, યુધિષ્ઠિરને શોકમાંથી શાંતિ પ્રાપ્ત થાય એ માટે યુધિષ્ઠિરને નળ-દમયંતીની કથા કહી હતી. કહેવાય છે કે જેમ યુધિષ્ઠિરનું ભ્રાતૃવિયોગનું અલ્પકાલીન દુ:ખ દૂર કરવાના પ્રયોજનથી બૃહદશ્વ ઋષિએ યુધિષ્ઠિરને નળ-દમયંતીની કથા કહી હતી તેમ પ્રેમાનંદે પણ એમના આશ્રયદાતા નંદરબારના રાજાનું પત્નીવિયોગનું અનંતકાલીન દુ:ખ દૂર કરવાના પ્રયોજનથી ‘નળાખ્યાન’ રચ્યું હતું. આ નવલકથાકારે પણ એમનું પુત્રીવિયોગનું અનંતકાલીન દુ:ખ દૂર કરવાના પ્રયોજનથી ‘કદલીવન’ નવલકથા રચી છે. આમ, એમણે પુત્રીવિયોગના અંગત કરુણ અનુભવ પછી અન્ય કોઈ કૃતિનું નહિ, પણ ‘નળાખ્યાન’નું જ વાચન કર્યુ – બલકે, એમના શબ્દોમાં ‘નળાખ્યાન’નાં ‘પાનાં ફેરવ્યાં’ – કારણ કે ‘નળાખ્યાન’ અને ‘કદલીવન’માં પ્રયોજનનું સામ્ય છે. ‘નલોપાખ્યાન’માં અન્યનું, યુધિષ્ઠિરનું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન હતું અને ‘નળાખ્યાન’માં પણ અન્યનું, આશ્રયદાતા નંદરબારના રાજાનું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન હતું. ‘કદલીવન’માં નવલકથાકારનું પોતાનું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન છે. ‘નલોપાખ્યાન’ તથા ‘નળાખ્યાન’ના પ્રયોજનમાં અને ‘કદલીવન’ના પ્રયોજનમાં આ અસામ્ય છે. ‘નલોપાખ્યાન’માં એક ભ્રાતાનું ભ્રાતૃવિયોગનું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન હતું અને ‘નળાખ્યાન’માં પણ એક પતિનું પત્નીવિયોગનું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન હતું. ‘કદલીવન’માં એક માતાનું પુત્રીવિયોગનું, જેનું નવ માસ લગી ગર્ભાધાન કર્યુ હોય અને જેનું જન્મ પછી આઠ માસ લગી સંવર્ધન કર્યું હોય એવી પુત્રીના વિયોગનું દુ:ખ, પૂર્વોક્ત દુ:ખથી પણ મોટું એવું દુ:ખ દૂર કરવાનું પ્રયોજન છે. ‘નલોપાખ્યાન’ તથા ‘નળાખ્યાન’ના પ્રયોજનમાં અને ‘કદલીવન’ના પ્રયોજનમાં આ પણ અસામ્ય છે. પ્રેમાનંદે ‘મહાભારત’ના ‘નલોપાખ્યાન’ અને પુરોગામી આખ્યાન-કારોના એકાધિક ‘નળાખ્યાન’ની આધારશિલા પર એમની અનન્ય સર્જક-પ્રતિભા, કવિત્વ-શક્તિ અને રસસિદ્ધિને કારણે પાત્રોના આલેખનમાં અને પ્રસંગોના નિરૂપણમાં પૂર્તિઓ અને પરિવર્તનો દ્વારા એક ભવ્ય સુંદર પ્રાસાદ રચ્યો છે એ સાચું. એથી સમગ્રતયા ‘નળાખ્યાન’ને પ્રેમાનંદની સ્વતંત્ર, સ્વાયત્ત, મૌલિક કૃતિ કહી શકાય એ પણ સાચું. છતાં ‘નળાખ્યાન’ની મૂળભૂત કથા અને રૂપરેખા તો ઉદ્ધૃત છે, ઉત્પાદિત નથી. ‘કદલીવન’ની મૂળભૂત કથા અને રૂપરેખા તથા પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓની પરિકલ્પના સમેત સમગ્ર કૃતિ, હમણાં જ જોઈશું તેમ, સંપૂર્ણપણે ઉત્પાદિત છે, એમાં કશુંજ ઉદ્ધૃત નથી. ‘નળાખ્યાન’ અને ‘કદલીવન’માં આ સૌથી વિશેષ મહત્ત્વનું અસામ્ય છે. નવલકથાકારને પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની બે પંક્તિઓની પ્રેરણાથી, આરંભમાં જોયું તેમ, રાધા, સ્વાતિ અને યામિનીનાં પાત્રો તથા નવલકથાનું શીર્ષક ‘કદલીવન’ અને નવલકથાનું સ્થળ (locale) કદલીવન પ્રાપ્ત થયાં છે. પણ નવલકથાકારને એમના અંગત કરુણ અનુભવની પ્રેરણાથી તો સમગ્ર ‘નળાખ્યાન’ અને ‘કદલીવન’માં, હમણાં જ જોયું તેમ, માત્ર દુ:ખ દૂર કરવાના પ્રયોજનનું જ એક માત્ર સામ્ય છે. નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં અને ‘કદલીવન’માં કેટલુંક સામ્ય છે, પણ એમાં સામ્યથી વિશેષ તો અસામ્ય છે. ‘કદલીવન’ના પ્રથમ પ્રકરણનું શીર્ષક છે : ‘જન્મ-મરણ’ એમાં પ્રસૂતિમાં માતા રેવાનું, અલબત્ત, પ્રસૂતિની અસહ્ય વેદનાના અનુભવ પછી, મરણ થાય છે. પણ પુત્રી રાધાનો જન્મ થાય છે અને એ જીવી જાય છે. નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં પણ પુત્રી રંજનાનું, અલબત્ત, પ્રસૂતિમાં નહિ પણ જન્મના આઠ માસ પછી ટૂંકી માંદગીમાં સામાન્ય રોગથી, મરણ થાય છે અને અલબત્ત, માતા પ્રસૂતિમાં નહિ પણ પુત્રીના મરણના આઘાતથી માનસિક સમતુલાના લોપ અંગે ભય અને શંકાની વેદનાના મૃત્યુતુલ્ય અનુભવ પછી અંતે તો, જીવી જાય છે. એમાં જન્મ-મરણનું સામ્ય છે. અને આ જન્મ-મરણની ઘટનામાં જ ‘કદલીવન’ અને નવલકથાકારના અંગત કરુણ અનુભવનું બીજ છે. પણ ‘કદલીવન’માં માતા રેવાનું મરણ થાય છે અને પુત્રી રાધા જીવી જાય છે. નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં પુત્રી રંજનાનું મરણ થાય છે અને માતા અંતે જીવી જાય છે. એમાં જન્મ-મરણનું એટલું અસામ્ય પણ છે. ‘કદલીવન’ના અંતિમ પ્રકરણનું શીર્ષક છે. ‘મૃત્યુના મુખમાંથી’. એમાં ઝૂંપડીમાં આગ સમયે રાધાને મન જે પુત્રતુલ્ય છે, બલકે પુત્રીથીયે વિશેષ છે તે ઝીણકાનું મરણ થાય છે અને ઝીણકાને મન જે માતાતુલ્ય છે, બલકે માતાથી યે વિશેષ છે તે રાધા જીવી જાય છે. નવલકથાકારના અંગત કરુણ અનુભવમાં પણ પુત્રી રંજનાનું મરણ થાય છે અને માતા જીવી જાય છે. એટલું જ સામ્ય પણ છે. નવલકથાના પ્રથમ પ્રકરણમાં માતા રેવાનું મરણ થાય છે અને પુત્રી રાધા જીવી જાય છે. જ્યારે નવલકથાના અંતિમ પ્રકરણમાં પુત્રતુલ્ય ઝીણકાનું મરણ થાય છે અને માતાતુલ્ય રાધા જીવી જાય છે. એટલું નવલકથાના પ્રથમ અને અંતિમ પ્રકરણમાં પણ અસામ્ય છે. પણ નવલકથાના પ્રથમ પ્રકરણનું શીર્ષક છે : ‘જન્મ-મરણ’ અને અંતિમ પ્રકરણનું શીર્ષક છે૰: ‘મૃત્યુના મુખમાંથી’. આમ, બન્ને પ્રકરણોમાં જન્મ-મરણનું સામ્ય પણ છે. એથી નવલકથાનો આરંભ છે ત્યાં જ નવલકથાનો અંત છે. આમ, આ નવલકથામાં કાર્ય (action)નું ચક્ર, વર્તુળ પૂર્ણ થાય છે. ‘કદલીવન’માં જે ગતિ છે તે ચક્રાકાર, વર્તુળાકાર ગતિ છે. નવલકથાકારને આ નવલકથામાં આરંભે જ એમની પુત્રી રંજના નવાં નામરૂપે, રાધારૂપે પ્રાપ્ત થાય છે. એમાં પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના વાચનની તથા એમાંની બે પંક્તિઓની પ્રેરણા છે. અને આ વાચન અને બે પંક્તિઓમાં નવલકથાકારના અંગત કરુણ અનુભવની બીજરૂપ પ્રેરણા છે. આટલું જ માત્ર આ નવલકથામાં, અગાઉ નોંધ્યું છે તેમ, ઉદ્ધૃત છે, અન્યથા સમગ્ર નવલકથા – પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ આદિ – સંપૂર્ણપણે ઉત્પાદિત છે. નવલકથાકાર એ વિશે એમની ‘પ્રસ્તાવના’માં લખે છે, ‘અનેક રાત્રિઓના અખંડ ઉજાગરા કરતાં પથારીમાં પડ્યે પડ્યે એક રાત્રે એકાએક મારા મન આગળ નવી સૃષ્ટિ ખડી થઈ ગઈ! મારા હૈયાનાં સુખદુ:ખથી તે સૃષ્ટિ તદ્દન નિરાળી હતી. તેના હર્ષ-શોક મારે સારુ નવીન હતા. તેણે મને બચાવી લીધી.’ આમ, નવલકથાકારના અંગત કરુણ અનુભવનું ‘નવીન’, ‘તદ્દન નિરાળી’, ‘નવી સૃષ્ટિ’માં રૂપાંતર (transformation), પરિવર્તન, પરાવર્તન (metamorphosis), પર્યવસાન (consummation), વિવૃત્તિકરણ (representation), ઊર્ધ્વીકરણ (sublimation), અનુસર્જન, અનુસરણ, અનુકરણ (mimesis) થયું છે. આમ શા માટે થયું? એ પ્રશ્નનો તો ઉત્તર છે, અગાઉ જોયું તેમ, દુ:ખ દૂર કરવાના, કરુણનું નિરસન, નિરાકરણ કરવાના, વેદનાનું વિરેચન, વિશોધન (catharsis) કરવાના પ્રયોજનથી આમ થયું. (‘એણે મને બચાવી લીધી’) એવો આ પ્રશ્નનો સીધો, સાદો, સરળ અને સ્પષ્ટ ઉત્તર છે. પણ આમ કેમ થયું? એટલે કે કેવી રીતે થયું? એ પ્રશ્ન એવો તો કૂટ અને ગૂઢ છે, એવો તો સંકુલ અને ગહન છે કે એ સદાય અનુત્તર રહ્યો છે અને કદાચ અનુત્તર રહેશે. સર્જનપ્રક્રિયા એ રહસ્યમય પ્રક્રિયા છે. અનેક વિવેચકો, મનોવિજ્ઞાનીઓ અને ફિલસૂફો – સર્જકો સુધ્ધાં – એ આ પ્રશ્નનો ઉત્તર આપવાનો અને આ સર્જનપ્રક્રિયાનું તર્કયુક્ત, બુદ્ધિયુક્ત વિશ્લેષણ કરવાનો પુરુષાર્થ કર્યો છે. સર્જકચિત્તમાં જે રાસાયણિક સંયોજનો થાય છે તે કેમ થાય છે? એટલે કે કેવી રીતે થાય છે? એનો કોઈ પાર પામી શક્યું નથી. એનો કોઈ સર્વગ્રાહી અને સર્વસ્વીકાર્ય, સંપૂર્ણ સંતોષકારક અને સંપૂર્ણ પ્રતીતિજનક ઉત્તર આપી શક્યું નથી. સર્જનપ્રક્રિયા એક રહસ્ય છે અને એ રહસ્ય સદાય રહસ્ય જ રહ્યું છે. અને કદાચ સદાય રહસ્ય જ રહેશે. એટલે અહીં એ અંગે એક વધુ મિથ્યા પ્રયત્ન કે વૃથા વ્યાયામ નહિ કરીએ. ઍરિસ્ટોટલે એમના કાવ્યશાસ્ત્રના મહાન ગ્રંથ ‘Poetics’માં ટ્રેજેડીની પ્રસિદ્ધ વ્યાખ્યામાં ટ્રેજેડીમાં અનુસર્જનના અર્થમાં અનુકરણ (mimesis)નું સ્વરૂપ અને દયા અને ભયના નિરસનનું પ્રયોજન છે એવું પ્રતિપાદન કર્યું છે. ‘કદલીવન’માં નવલકથાકારના અંગત કરુણ અનુભવનું ‘નવીન’, ‘તદ્દન નિરાળી’, ‘નવી સૃષ્ટિ’માં અનુસર્જનના અર્થમાં અનુકરણ છે અને એ અનુભવનું નિરસન પણ છે. ‘કદલીવન’એ સંદર્ભમાં નવલકથાકારની આત્મ-ચિકિત્સા (autotherapy) છે. પ્રેમીજન પ્રેમનું રહસ્ય ન જાણે, પણ પ્રેમની પીડા તો જાણે જ. તેમ સર્જક સર્જનપ્રક્રિયાનું રહસ્ય ન જાણે, પણ સર્જનપ્રક્રિયાની પીડા તો જાણે જ. અને માત્ર સર્જક જ જાણે, અન્ય કોઈ શું જાણે? અંગત કરુણ અનુભવમાંથી ‘કદલીવન’ની ‘નવીન’, ‘તદ્દન નિરાળી’, ‘નવી સૃષ્ટિ’નું સર્જન કેવી રીતે થયું એ સર્જનપ્રક્રિયાનું રહસ્ય નવલકથાકાર ન જાણે, પણ એ સર્જનપ્રક્રિયાની પીડા તો એમણે જાણી જ છે. નવલકથાકાર એમની પ્રસ્તાવનામાં અંતે લખે છે, ‘જેમ માતાના ઉદરમાં બાળક મોટું થાય છે, તેમ જ મારા માનસમાં આ વાર્તા વિકસતી ગઈ છે, પરંતુ માતા અને લેખકના બેવડા અનુભવથી હું કહી શકું છું કે બાળકના જન્મ કરતાં વાર્તાની સૃષ્ટિને જન્મ આપવો એ વધુ વિકટ કાર્ય છે... ‘કદલીવન’નાં પાત્રોએ મારા માનસમાં એટલો તો ખળભળાટ મચાવી મૂક્યો હતો કે તેમને કલમ દ્વારા બહાર પાડવાની મને ફરજ પડી છે. મેં ન છૂટકે જ આ નવલકથા લખી છે.’ યુગે યુગે અને દેશે દેશે નાનામોટા સૌ સર્જકોએ વત્તા-ઓછા પ્રમાણમાં આ પીડા જાણી છે. વેદના નહિ તો સંવેદના નહિ, અને સંવેદના નહિ તો સર્જન નહિ. ડેન્ટિનું વિધાન છે, ‘કવિતા અને એને અનુરૂપ ભાષા એ એક પીડાદાયક પરિશ્રમ છે.’ (Poetry and language proper to it is a painful toil.) શેક્સપિયર વિષે એલિયટનું પણ વિધાન છે, ‘શેક્સપિયરનું સર્જન મહાન હતું કારણ કે એમનું સંવેદન મહાન હતું.’ (Shakespeare wrote greatly for he suffered greatly) કૉલરિજનું પણ એવું જ વિધાન છે, ‘મેં પીડા વિના એક પણ પંક્તિ રચી નથી.’ (I never wrote a line without pain.) પણ આ તો સૌ પુરુષ સર્જકો-વિવેચકોનાં વિધાનો છે. પૂર્વોક્ત વિધાન તો જેમણે પ્રસૂતિ અને સર્જનપ્રક્રિયા બન્નેની પીડા અનુભવી છે એવાં સ્ત્રીસર્જકનું વિધાન છે. માતા તો નવેક માસ લગી સંતાનને એના ગર્ભમાં ધારણ કરે છે, જ્યારે સર્જક તો ક્યારેક વરસોનાં વરસો લગી એની સર્જકકૃતિને એના માનસગર્ભમાં ધારણ કરે છે. વળી માતાના ગર્ભમાં પ્રજનનની પ્રક્રિયા દ્વારા બીજમાંથી એક સંપૂર્ણ સંતાન રચાય છે એ એક રહસ્ય છે તેમ સર્જકના માનસગર્ભમાં, હમણાં જ જોયું તેમ, સર્જનપ્રક્રિયા દ્વારા જીવનના કોઈ અનુભવની પ્રેરણામાંથી એક સંપૂર્ણ સર્જકકૃતિ રચાય છે એ પણ એક રહસ્ય છે. નવલકથાકારે નવ માસ લગી પ્રસૂતિની પીડાનો અને ૧૯૪૩થી ૧૯૪૬ લગી ત્રણેક વર્ષ લગી સર્જનપ્રક્રિયાની પીડાનો એમ બન્ને પીડાનો અનુભવ કર્યો છે. એથી એમની પ્રસ્તાવનામાં જ સર્જકકૃતિનો જન્મ સંતાનના જન્મથી વધુ વિકટ છે એવું જે વિધાન છે તે બેવડું શ્રદ્ધેય છે. નવલકથાકારના અંગત કરુણ અનુભવમાંથી ‘કદલીવન’ની નવીન, તદ્દન નિરાળી, નવી સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એની સર્જનપ્રક્રિયા રહસ્યમય છે એ સાચું, પણ એ સૃષ્ટિને વાણીમાં વ્યક્ત કરવાનું કૌશલ્ય, શબ્દોમાં પ્રગટ કરવાનો કસબ, અભિવ્યક્તિની કળા એટલાં રહસ્યમય નથી, એ સાધ્ય છે, અલબત્ત, શ્રમસાધ્ય છે પણ સાધ્ય છે. એ કેળવી-મેળવી શકાય છે. તો એ સંદર્ભમાં ‘કદલીવન’ના સર્જનપૂર્વે નવલકથાકારની પૂર્વતૈયારી કેવીક હતી, એ અંગેની પાત્રતા અને સજ્જતા કેવીક હતી એ પ્રશ્ન જેનો ઉત્તર ન આપી શકાય એવો રહસ્યમય નથી. નવલકથાકાર વિદ્વાન સાક્ષર સર્જક વિવેચક રમણભાઈ નીલકંઠનાં વિદુષી પુત્રી હતાં, એમનાં માતા વિદ્યાબહેન તથા એમનાં મોટાં બહેન સરોજિનીબહેનને લેખનકળા સુસાધ્ય હતી. આમ, સાહિત્ય એ એમનો કૌટુંબિક વારસો હતો. આ સૌ આત્મીયજનોના સાહિત્યનો એમની અભિવ્યક્તિ પર, એમની શૈલી પર પ્રભાવ છે. એમણે ‘કદલીવન’ એમના પિતાને અર્પણ કર્યું છે. એમનો જન્મ ૧૯૦૭માં અમદાવાદમાં. ૧૯૧૯માં ૧૨ વર્ષની વયે ‘શિશુમંડળ’ના ઉપક્રમે ‘મુકુલ’ હસ્તલિખિત માસિકમાં કુટુંબના અન્ય સભ્યોની સાથે વાર્તાઓ અને નિબંધો લખવાનો આરંભ. એમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. શાળામાં હતાં ત્યારે જ શિક્ષક મહાશંકર આચાર્ય એમની શૈલીથી પ્રસન્ન. પછી ઇન્દુલાલ યાજ્ઞિક એમની શૈલીથી એવા તો પ્રસન્ન અને પ્રભાવિત કે એમણે ‘મુકુલ’ની વાર્તાઓ રામનારાયણ પાઠકને વંચાવી. રામનારાયણ પાઠક તો વળી એમની શૈલીથી એવા પ્રસન્ન અને પ્રભાવિત કે એમણે ‘મુકુલ’ની વાર્તાઓનું ગ્રંથરૂપે પ્રકાશન કર્યું. આ પ્રકાશનની પ્રેરણાથી ૧૯૨૮માં ૨૧ વર્ષની વયે એમણે એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘રસદ્વાર’નું પ્રકાશન કર્યું. (પિતા રમણભાઈએ નદીકિનારા પરના એમના નાનકડા બંગલાનું નામ ‘રસદ્વાર’ રાખ્યું હતું એના સૂચનથી વાર્તાસંગ્રહનું નામ ‘રસદ્વાર’ અને એથી માતાના સૂચનથી વાર્તાસંગ્રહના લેખકના નામને સ્થાને પોતાનું નામ નહિ, પણ ‘પ્રવેશક’ એવું નામ રાખ્યું હતું.) પછી નરસિંહરાવ પણ ‘રસદ્વાર’ની વાર્તાઓથી પ્રસન્ન. એથી એમણે લેખક ‘પ્રવેશક’ ને ‘પરીઓને ઉત્પન્ન કરનારી વિનોદિની’ તરીકે નવાજ્યાં અને આનંદશંકરે એ વાર્તાઓ વાંચી ન હતી એથી ‘વાંચી નથી તો તમારી અર્ધી જિંદગી નકામી ગઈ!’ એવા ઉપાલંભ સાથે એ વાર્તાઓ આનંદશંકરને વંચાવી. એ વાર્તાઓ વાંચીને આનંદશંકરે લેખક ‘પ્રવેશક’ને આદેશ આપ્યો, ‘વાંચો, વાંચો, ખૂબ વાંચો, પછી લખજો!’ એથી ‘કદલીવન’ના ભાવિ નવલકથાકારે ગદ્યસ્વરૂપમાં અર્વાચીન યુગના મહાકાવ્ય સમી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ સમેત અનેક ગ્રંથોનું વાચન કર્યું. આ સમયમાં ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં. ૧૯૨૮માં અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય વિષયમાં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ઉપાધિ. ૧૯૨૯માં લીવાઈ બાર્બર સ્કૉલરશીપની સહાયથી અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ. માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયમાં એમ.એ.ની ઉપાધિ. (વિદેશમાં આવો અભ્યાસ કરનાર અને ઉપાધિ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી સન્નારી હતાં). ૧૯૩૦માં યુરોપનો પ્રવાસ. ૧૯૩૪માં એશિયાના દૂર પૂર્વના દેશોનો પ્રવાસ. એ જ વર્ષમાં મનુભાઈ પરીખ સાથે લગ્ન. આ લગ્નથી ચાર સંતાનો : રંજના, સુકુમાર, જગદીપ અને રંજના. ૧૯૪૨માં વાર્તાઓ અને નિબંધોના સંગ્રહ ‘આરસીની ભીતરમાં’નું પ્રકાશન. ૧૯૪૬માં નવલકથા ‘કદલીવન’નું પ્રકાશન. પછીથી એમની વાર્તા ‘કાર્પાસી’ પર ગાંધીજી પણ પ્રસન્ન. એમણે ‘કાર્પાસી’ને ‘રસિક વાર્તા’ તરીકે નવાજી. ૧૯૫૧માં દુરારાધ્ય એવા બલવન્તરાય ઠાકોર તો એમની વાર્તાઓ પર એવા તો પ્રસન્ન કે એમણે પોતાના પ્રકાશનગૃહ ‘ધી બી. સેહની પબ્લિશિંગ બિરાદરી લિમિટેડ’ના ઉપક્રમે એમના વાર્તાસંગ્રહ ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’નું પ્રકાશન કર્યું. એટલું જ નહિ, પણ ‘સ્વાગત’ શીર્ષકથી પ્રસ્તાવના પણ લખી. ૧૯૪૬માં ‘કદલીવન’નું પ્રકાશન થયું. પછી પણ ૧૯૮૭માં એમનું અવસાન થયું ત્યાં લગી એમણે સાહિત્યસર્જન કર્યું હતું. ૧૯૫૧માં વાર્તાસંગ્રહ ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’, ૧૯૫૮માં વાર્તાસંગ્રહ ‘દિલ દરિયાવનાં મોતી’ તથા પ્રવાસનિબંધસંગ્રહ ‘નિજાનંદ’, ૧૯૬૪માં પ્રસંગચિત્રસંગ્રહ ‘ઘટમાળા’, ૧૯૬૫માં વાર્તાસંગ્રહ ‘અંગુલિનો સ્પર્શ’, ૧૯૬૮ લગીમાં કુલ ૪ પ્રસંગચિત્રસંગ્રહો ‘ઘર ઘરની જ્યોત’, ૧૯૮૭માં પ્રસંગચિત્રસંગ્રહ ‘ઘર દીવડી (મરણોત્તર). આમ, ૧૯૧૯થી ૧૯૮૭ લગીનાં લગભગ ૬૦ વર્ષોમાં એમણે પૂર્વોક્ત સર્જકકૃતિઓ ઉપરાંત અન્ય કૃતિઓ સમેત કુલ ૨૦ સાહિત્યકૃતિઓ રચી હતી. નવલકથાનું મુખ્ય સ્થાન (locale) કદલીવન છે. આ કદલીવન એ આસપાસના જગતથી અલિપ્ત એવો કોઈ સુંદર લઘુદ્વીપ (lovely little island) નથી, હોઈ જ ન શકે. નવલકથાકારે એની આસપાસ, એના ભદ્રલોકની આસપાસ, ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગના સમાજની આસપાસ અવચવર્ગનો એક વિશાળ, વ્યાપક, બૃહદ્, મહદ્ એવો સમાજ રચ્યો છે. એથી નવલકથાને એક નવો વિશાળ સંદર્ભ, એક નવું વ્યાપક પરિમાણ, એક નવો બૃહદ્ પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત થાય છે. અને એ દ્વારા નવલકથાકારની જિવાતા જીવનની સભાનતા, સમકાલીન જગતની સજાગતા (the sense of one’s own age) પ્રગટ થાય છે. એથી નવલકથાને વૈશ્વિકતા પ્રાપ્ત થાય છે. આમ, આ નવલકથાને દ્વિસ્તરીય સંદર્ભ, પરિમાણ અને પરિપ્રેક્ષ્ય છે. ‘કદલીવન’ એ દ્વિકેન્દ્રી નવલકથા છે. આ વિશે હવે કંઈક વિગતે વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ છે. નવલકથાકારના આંતરજીવનમાં, આંતરજગતમાં આ નવલકથાના મુખ્ય સ્થળે કદલીવનમાં જે વસ્તુવિષય છે, એમાં જે સમાજ, પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, ઘટનાઓ આદિ છે એની પ્રેરણા છે. તો નવલકથાકારના બાહ્યજીવનમાં, બાહ્યજગતમાં પરિપ્રેક્ષ્યમાં જે વસ્તુવિષય છે, એમાં જે સમાજ, પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, ઘટનાઓ આદિ છે એની પ્રેરણા છે. નવલકથાકાર ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં પ્રાર્થનાસમાજના સામાજિક-ધાર્મિક આંદોલનના પ્રણેતા અને નેતા રમણભાઈ નીલકંઠનાં સંવેદનશીલ પુત્રી હતાં. એમનાં માતા વિદ્યાબહેન અને અન્ય કુટુંબીજનો સમાજસેવામાં સક્રિય હતાં. આમ, સાહિત્યની જેમ સમાજસેવા પણ એમનો કૌટુંબિક વારસો હતો. વિદ્યાર્થીકાળમાં જ તેઓ યુવકપ્રવૃત્તિમાં સક્રિય. પછી સત્યાગ્રહ અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય. ૧૯૨૮માં અખિલ હિંદ મહિલા પરિષદમાં સભ્ય. એ જ વર્ષમાં અમદાવાદમાં વનિતાવિશ્રામમાં અધિષ્ઠાત્રી. ૧૯૩૦માં સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયમાં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ. ૧૯૩૦થી ૧૯૩૪ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં અધિષ્ઠાત્રી. વર્ષો લગી મહિપતરામ રૂપરામ અનાથાશ્રમમાં સહમંત્રી. ૧૪ વર્ષ લગી લાલશંકર ઉમિયાશંકર મહિલા પાઠશાળામાં અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યનાં અધ્યાપક. ૧૯૫૦થી ૧૯૮૭માં અવસાન થયું ત્યાં લગી, આયુષ્યના અંત લગી, ૩૭ વર્ષ લગી અખિલ હિંદ મહિલા પરિષદની અમદાવાદ શાખામાં પ્રમુખ. સાથે સાથે આ જ સમયગાળામાં દૈનિક સમાચારપત્રમાં સાપ્તાહિક કોલમ ‘ઘર ઘરની જ્યોત’નાં સંપાદક. આમ, નવલકથાકાર જાહેરજગત સાથે, જાહેરજીવન સાથે જીવનભર સતત સંલગ્ન અને સક્રિયપણે પ્રતિબદ્ધ હતાં. ‘કદલીવન’ નારીસંવેદનાની નવલકથા છે, સવિશેષ તો માતૃસ્વરૂપ નારીની સંવેદનાની નવલકથા છે. નારીસંવેદના નવલકથાના કેન્દ્રમાં છે, અને આદિથી અંત લગી પાને પાને એ પ્રત્યક્ષ પ્રગટ થાય છે. સ્ત્રીપાત્રો અને પુરુષપાત્રોના આલેખનમાં તથા વસ્તુવિષય અને શૈલીસ્વરૂપના નિરૂપણમાં એની પ્રતીતિ થાય છે. એક સ્ત્રી-નવલકથાકારે આ નવલકથા રચી છે એટલું જ નહિ પણ પ્રથમ સંતાનના જન્મના આઠ માસ પછી અવસાનના આઘાત-પ્રત્યાઘાત રૂપે એક માતાના અંગત કરુણ અનુભવમાં આ નવલકથાનું બીજ છે, આ નવલકથાની પ્રેરણા છે. એથી એ માતૃસ્વરૂપ એવાં સ્ત્રી-નવલકથાકારનું સર્જન છે. નવલકથાનું પ્રધાન સ્થળ (locale) છે અમદાવાદ, અમદાવાદમાં શાહીબાગ અને શાહીબાગમાં કદલીવન. એ મુખ્ય પ્રસંગો, પરિસ્થિતિઓ, ઘટનાઓનું સ્થળ છે. ઉચ્ચ વર્ગનાં શ્રીમંત પાત્રો – મનોહર શેઠ અને એમનાં કુટુંબીજનોની આર્થિક, સામાજિક પ્રતિષ્ઠાને અનુરૂપ, એ પ્રતિષ્ઠાના પ્રતીકરૂપ આ સ્થળ છે. નવલકથાકારનો જન્મ અમદાવાદમાં થયો હતો. એથી અમદાવાદનો એમને અંગત નિકટનો પરિચય હતો. નવલકથામાં અમદાવાદ અને એનું ઉપનગર શાહીબાગ વાસ્તવિક સ્થળ છે. પણ એ શાહીબાગમાં કદલીવન એ કલ્પિત સ્થળ છે. એ નવલકથાકારની કલ્પનાનું સર્જન છે અને એના નામાભિધાનમાં પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની પૂર્વોક્ત પંક્તિઓની પ્રેરણા છે. અન્ય ગૌણ સ્થળો છે – વડપીપળી અને બારડોલી, સૂચિત સ્થળો છે. મુંબઈ, કરાચી અને આગ્રા-દિલ્હી. વડપીપળી પણ કદલીવનની જેમ કલ્પિત સ્થળ છે. પણ અવચવર્ગનાં નિર્ધન પાત્રો – ગોવિંદ અને એનાં કુટુંબીજનોના આર્થિક, સામાજિક સ્તરને અનુરૂપ આ સ્થળ છે. નવલકથાકારને વૃક્ષ-વેલી-વનસ્પતિ પરથી કદલીવન, વડપીપળી અને ક્યારેક એમની પ્રસિદ્ધ વાર્તા ‘કાર્પાસી’માં કાર્પાસી જેવા કોઈક પાત્રનું નામાભિધાન કરવાનું પસંદ હોય એમ લાગે છે. બારડોલી તો વાસ્તવિક સ્થળ છે. નવલકથામાં અંતે કાલ્પનિક સ્થળ કદલીવનના વિસર્જન પછી નાયક-નાયિકા સોહન અને રાધાની એ કર્મભૂમિ છે. એટલું જ નહિ પણ ગાંધીજીના સત્યાગ્રહની – બલકે ગુજરાત અને સમગ્ર સ્વાતંત્ર્યસંગ્રામની એ જન્મભૂમિ છે. એથી એ ગુજરાત અને સમગ્ર ભારતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સ્થળ છે. નવલકથામાં અન્ય સ્થળોનો તો માત્ર ઉલ્લેખ જ છે. એ સ્થળોમાં કોઈ ઘટના ઘટતી નથી. નવલકથાનો સમય છે ૧૯૦૭–૧૯૦૮થી ૧૯૨૮, લગભગ ૨૦ વર્ષ, બે દાયકા. નવલકથાના અંતિમ પ્રકરણમાં સ્થળ છે બારડોલી અને પ્રસંગ છે બારડોલીનો સત્યાગ્રહ. એટલે કે એનો સમય છે ૧૯૨૮. આ સમયે રાધાનો કૉલેજનો અભ્યાસ પૂરો થયો હોય છે. એથી આ સમયે રાધાનું ૨૦-૨૧ વર્ષનું વય હોય. એટલે કે રાધાનો જન્મ ૧૯૦૭–૧૯૦૮માં થયો હોય. રાધાના જન્મથી નવલકથાનો આરંભ થાય છે. એટલે કે નવલકથાનો આરંભ ૧૯૦૭–૧૯૦૮માં છે અને અંત ૧૯૨૮માં છે. આમ, નવલકથાનો સમય છે ૧૯૦૭–૧૯૦૮થી ૧૯૨૮, લગભગ ૨૦ વર્ષનો, બે દાયકાનો કાળખંડ. નવલકથાકારનો જન્મ પણ ૧૯૦૭માં થયો હતો. ‘કદલીવન’માં એક સ્ત્રી-નવલકથાકારે સ્ત્રીસુલભ દૃષ્ટિબિંદુથી, નારીસહજ દૃષ્ટિકોણથી સૌ સ્ત્રીપાત્રોનું અને મોટા ભાગનાં પુરુષપાત્રોનું આલેખન કર્યું છે. નવલકથામાં નાનાંમોટાં ૧૮ સ્ત્રીપાત્રો અને નાનાંમોટાં ૧૪ પુરુષપાત્રો છે. આમ, પુરુષપાત્રોથી સ્ત્રીપાત્રો વધુ સંખ્યામાં છે. ઇયત્તામાં વધુ સમૃદ્ધ છે એટલું જ નહિ, પણ ગુણવત્તામાં પણ એટલાં જ વધુ સમૃદ્ધ છે. રાધા, સ્વાતિ અને યામિની એ મુખ્ય સ્ત્રીપાત્રો છે. આ ત્રણ પાત્રોની એક ત્રિપુટી છે. ત્રણે કુંવારી કન્યકાઓ છે. ‘કદલીવન’ની આ ત્રણ સૌંદર્યમૂર્તિઓ (Three Graces) છે. સ્વાતિ રાધાથી એક વરસ મોટી અને વધુ ગોરી છે. યામિની રાધાથી ત્રણ વરસ નાની અને રાધા તથા સ્વાતિ બન્નેથી વધુ ગોરી છે. પ્રત્યેકનું વય અને રૂપ જ માત્ર નહિ પણ વ્યક્તિત્વ પણ વિભિન્ન છે, વિશિષ્ટ છે. ત્રણે કુંવારી કન્યકાઓ છે. એમના લગ્નનો પ્રશ્ન એ નવલકથાના કેન્દ્રમાં મુખ્ય વસ્તુવિષય છે. રાધા નવલકથાની નાયિકા છે. પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના રૂપક પ્રમાણે કદલીવનમાં સ્વાતિ અને યામિની એ બે ‘જુગલ સાહેલડી’, ‘કદલીસ્થંભ’ છે અને રાધા એ બેની વચ્ચે ‘કનકની વેલડી’ છે. આમ, રાધા એના સરલ સ્વભાવ અને વિરલ વ્યક્તિત્વને કારણે નવલકથાની નાયિકા છે. અને એ જ કારણે એ કદલીવનના માલિક મનોહર શેઠના વિધુર ડ્રાઇવરની પુત્રી છે છતાં કદલીવનના શ્રીમંત વર્ગના, ઉચ્ચ વર્ગના સમાજમાં એનો પ્રવેશ અને સ્વીકાર થયો છે. આમ તો એ મનોહર શેઠની એકની એક પુત્રી સ્વાતિ અને મનોહર શેઠનાં બહેન વસુબહેનની પુત્રી યામિની – આ બે મામા-ફોઈની પુત્રીઓની સમકક્ષ એવી સખી છે. છતાં કદલીવનના કોઈ કોઈ સભ્ય દ્વારા ક્યારેક ક્યારેક એનો ‘ડ્રાઇવરની દીકરી’ અને ‘કેળાંવાળી છોકરી’ તરીકે ઉલ્લેખ થાય છે. સ્વાતિનાં સદ્ગત માતા શોભાની વિધવા સખી અને કદલીવનની નિકટ જ જેમનું નિવાસસ્થાન છે એવાં મધુબહેનના પુત્ર સોહનને રાધા પ્રત્યે પક્ષપાત અને પ્રેમ છે. સોહન રાધાથી વયમાં ૪ વર્ષ મોટો છે. રાધાનું ૧૦ વર્ષનું વય હોય છે, એ બાલિકા હોય છે ત્યારે સોહનને એનો પરિચય થાય છે. રાધાનું ૧૪ વર્ષનું વય હોય છે, એ કિશોરી હોય છે ત્યારે સોહનને રાધા માટેના પ્રેમનો પ્રથમ અનુભવ, સાક્ષાત્કાર થાય છે. એ રાધાને વીંટી અને ચુંબનની ભેટ આપે છે અને રાધાની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રજૂ કરે છે. ૧૯૨૦-૨૧ની આસપાસના સમયમાં રાધા અને સોહન ગાંધીજીની સામાજિક ક્રાંતિમાં સક્રિય થાય છે. રાધાનો કૉલેજનો અભ્યાસ પૂરો થાય છે કે તરત જ ૧૯૨૮માં રાધા અને સોહન બારડોલીના સત્યાગ્રહમાં સક્રિય થાય છે. નવલકથાના અંતિમ પ્રકરણમાં ૧૯૨૮માં બારડોલીમાં રાધા ઝૂંપડીની આગમાંથી, મૃત્યુના મુખમાંથી બચી જાય છે. આમ, રાધાના જન્મમાં નવલકથાનો આરંભ છે અને જાણે કે રાધાના આ નવા જન્મમાં નવલકથાનો અંત છે. નવલકથા આમ વર્તુળાકારે, ચક્રાકારે પરિપૂર્ણ થાય છે. રાધા જેલમાં જાય અને મુક્ત થાય પછી રાધા અને સોહનના લગ્નની સુખદ પ્રતીક્ષા સાથે નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. સ્વાતિ પણ સોહનના પ્રેમમાં છે. સોહન સાથે પોતાનું લગ્ન થાય એવી સ્વાતિની મહેચ્છા છે. એમાં મનોહર શેઠની પણ સંમતિ છે. આરંભથી જ એને રાધા સાથે સ્પર્ધા છે, સૌ ઉત્તમ અપરિણીત યુવાનો માત્ર રાધાને માટે જ પાત્ર છે એવું સૌ માને છે એ જાણીને તો વિશેષ. પણ આરંભમાં તો એનો પ્રેમ બુદ્ધિપૂત, દૃષ્ટિપૂત છે. પોતે સાચ્ચે જ સોહનના પ્રેમમાં છે? કે પછી રાધા પ્રત્યેની ઈર્ષાને કારણે પોતે સોહનના પ્રેમમાં છે એમ માને છે? સોહન પોતાના પ્રેમમાં છે? સોહનના હૃદયમાં પોતાનું સ્થાન છે? કે પછી રાધાનું સ્થાન છે? રાધાનું સ્થાન હોય તો સોહન રાધાનો ત્યાગ કરે? રાધા સોહનનો ત્યાગ કરે? કોઈથી એમની પાસે એવો ત્યાગ કરાવી શકાય? – આવા આવા પ્રશ્નોમાં એનું આત્મ-નિરીક્ષણ, આત્મ-પરીક્ષણ અને આત્મ-વિશ્લેષણ પ્રગટ થાય છે. પણ જ્યારે એને રાધા અને સોહન પરસ્પર પ્રેમમાં છે અને એમણે લગ્ન કરવાનો અંતિમ નિર્ણય કર્યો છે એની પૂર્ણ પ્રતીતિ થાય છે પછી એને રાધા પ્રત્યે ભારે ઈર્ષા અને રોષ થાય છે. એના આઘાત-પ્રત્યાઘાતમાં એ આત્મઘાત જેવું કૃત્ય, અવિચારી એવું કૃત્ય કરે છે. એ રાધા અને સોહનનાં લગ્ન થાય એ પૂર્વે પોતાનાં લગ્ન થાય એવી અહમ્અહમિકા પ્રગટ કરવા માટે ચંદુલાલની ભલામણ દ્વારા મુંબઈના શ્રીમંત કરસનદાસ લક્ષ્મીદાસના એકના એક પુત્ર શરદચંદ્ર સાથે એકાએક અણધાર્યાં લગ્ન કરે છે. એની માતા શોભા સદ્ગત છે. એથી એ અર્ધ-અનાથ કન્યાને ઉમિયામાસી સિવાય કોઈનું માર્ગદર્શન નથી. પણ એ ઉમિયામાસીનું માર્ગદર્શન માનતી નથી. પિતા મનોહરને માટે તો શરદચંદ્રનું ચારિત્ર્ય ગમે તેવું હોય પણ એ શ્રીમંત છે એટલે પાત્રતા પર્યાપ્ત છે. સ્વાતિ ઈર્ષા અને રોષમાં એવી તો અંધ છે કે એને માટે શરદચંદ્રની પાત્રતા-અપાત્રતા અપ્રસ્તુત છે. લગ્નની પ્રથમ સોહાગરાતે જ એને શરદચંદ્રની ચારિત્ર્યહીનતાનો અનુભવ થાય છે. પછી લગ્ન જેવા ગંભીર નિર્ણયમાં તો ભૂલ કરી એટલું ઓછું હોય તેમ આ અનુભવના આઘાત-પ્રત્યાઘાતમાં એથી પણ વધુ ભયંકર ભૂલ કરે છે. એ ચંદુલાલની જાતીય વાસના આશ્વાસનના છદ્મરૂપમાં પ્રગટ થાય છે અને પોતાનો દેહ અભાનપણે અસાવધપણે, અસહાયપણે અર્પણ કરે છે અને પરિણામે સગર્ભા થાય છે. એના ગર્ભમાં ચંદુલાલ જેવા દુષ્ટ પાશવી મનુષ્યનું સંતાન છે એ સભાનતાને કારણે એને આત્મઘૃણા, આત્મતિરસ્કાર થાય છે. સ્વાતિ અને રાધા આ સંતાનની સમસ્યાનું સમાધાન શોધે છે : ગર્ભપાત કરવો? આત્મહત્યા કરવી? ચંદુલાલનું સંતાન છે એવું સત્ય પ્રગટ કરવું? નિર્વીર્ય શરદચંદ્રનું સંતાન છે એવું – કોઈ ન માને એવું – અસત્ય પ્રગટ કરવું? સંતાનને ત્યજવું, અનાથાશ્રમમાં આપવું? વળી સોહન ઉદાર પુરુષ છે એથી વિચિત્ર અને વિસંગત વિકલ્પો પણ વિચારે છે. અન્ય કોઈ પુરુષથી રાધાનું સંતાન છે એમ પ્રગટ કરવું? અંતે ઉમિયામાસી સમાધાન શોધે છે. કોઈ અન્ય અજ્ઞાત સ્થળે સ્વાતિની પ્રસૂતિ થાય અને જે સંતાનનો જન્મ થાય એને પોતે એક અનાથ સંતાન તરીકે કદલીવનમાં લાવીને જીવનભર એનું લાલનપાલન કરે. પણ વધુ વ્યવહારુ અને વિચક્ષણ, સલામત અને સર્વસ્વીકાર્ય એવું સમાધાન તો સ્વાતિના ભાઈ આનંદમોહનની પત્ની હસમુખ શોધે છે. કરાચીમાં સ્વાતિની પ્રસૂતિ થાય અને જે સંતાનનો જન્મ થાય એને પોતાનું સંતાન છે એમ પ્રગટ કરવું અને કદલીવનમાં લાવીને જીવનભર એનું લાનપાલન કરવું. એમાં સ્વાતિ પોતાની બહેન છે એથી આનંદમોહનનો વિરોધ ન હોય. આમ, સૌ સ્વાતિની સમસ્યાના સમાધાનમાં રચ્યાં પચ્યાં હોય છે ત્યાં મુંબઈથી ચંદુલાલનો તાર આવે છે. ત્રણ વાક્યોના ટૂંકા તારમાં ત્રણે વાક્યો એવાં સંદિગ્ધ છે કે એને વિશે રાધા અને મનોહર શેઠને ગેરસમજ થાય છે. એ વાક્યોમાં ચંદુલાલે મનોહર શેઠને તેઓ કરસનદાસ જેટલા જ શ્રીમંત થાય એ હેતુથી રવિપુર સ્ટેટમાં રાજાની ભાગીદારીમાં વ્યાપાર-ઉદ્યોગની યોજનાનું પ્રલોભન આપ્યું હતું અને પછી વિશ્વાસઘાત કર્યો હતો એના સંદર્ભમાં પોતે હવે બહુ વિલંબ થયો છે એથી કશું કરી શકશે નહિ એવી દંભી દિલગીરીનો ઉલ્લેખ હતો. પણ રાધા સમજે છે કે એ વાક્યોમાં ચંદુલાલે પોતાની સાથે જે વ્યભિચાર કર્યો હતો એનો ઉલ્લેખ છે. સ્વાતિ એની આવી ગેરસમજને કારણે મનોહર શેઠ સમક્ષ ચંદુલાલના પોતાની સાથેના વ્યભિચાર અને એને પરિણામે પોતાની સગર્ભાવસ્થાનું સત્ય પ્રગટ કરે છે. ચંદુલાલે પોતાનું ધન અને પોતાની પુત્રીનું એથી યે વિશેષ અમૂલ્ય એવું શીલ નષ્ટ કર્યું એવા ચંદુલાલના દ્વિવિધ વિશ્વાસઘાતના આઘાત-પ્રત્યાઘાતમાં મનોહર શેઠ આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. મનોહર શેઠને સહાય કરવાના પ્રયાસમાં સ્વાતિ બેભાન થાય છે અને એનો ગર્ભપાત થાય છે. આમ, અંતે સ્વયં વિધાતા જ સ્વાતિની વિકટ અને વિષમ સમસ્યાનું સહજ અને સ્વાભાવિક સમાધાન સિદ્ધ કરે છે. આ કરુણ ઘટનાને કારણે મનોહર શેઠને અંધત્વ પ્રાપ્ત થાય છે, કદલીવનનું વિસર્જન થાય છે, સ્વાતિ અને મનોહર શેઠ કદલીવનનો ત્યાગ કરે છે અને વડપીપળી જાય છે. સ્વાતિના અંધકારમય ભાવિ અંગે ભય અને શંકા સાથે નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. રાધાને માટે પ્રેમ એ સરળતાનો પર્યાય છે, સ્વાતિને માટે પ્રેમ એ સ્પર્ધાનો પર્યાય છે, તો યામિનીને માટે પ્રેમ એ સ્વતંત્રતાનો પર્યાય છે. યામિની નવલકથાની ઉપકથાની નાયિકા છે. એ એક વિદ્રોહી નારી છે, સ્વતંત્ર મિજાજની નારી છે, મુક્ત નારી છે. નવા યુગની નારી છે. એની આગવી ઓળખ છે, એનું વિરલ વ્યક્તિત્વ છે. એ સ્ત્રી-સ્વાતંત્ર્યનું પ્રતીક છે, સાહસની મૂર્તિ છે. નવલકથાના કોઈ કોઈ પાત્રની દૃષ્ટિમાં એ ‘વંઠેલી’ છે. એનામાં અખૂટ આત્મબળ અને અડગ આત્મશ્રદ્ધા છે. એ નિર્દંભ અને નિર્ભીક એવી સ્પષ્ટવક્તા છે. એ માતા વસુમતીને જ નહિ પણ પિતા પ્રભાકરને વાળંદ વિધવા ધની સાથેના એમના વ્યભિચાર અંગે અને એને પરિણામે એમણે ધની અને એમના અનૌરસ સંતાનના નિર્વાહ માટે અનાથાશ્રમમાં આર્થિક વ્યવસ્થા કરી હતી એ અંગે વડપીપળીથી એમના પરના પત્રમાં સ્પષ્ટ ભાષામાં સ્મરણ કરાવે છે. એટલું જ નહિ પણ ઉમિયામાસી જેવાં વડીલોનાં વડીલને પણ એમનો પરમાર્થ એક પ્રકારનો સ્વાર્થ જ છે એમ સ્પષ્ટ ભાષામાં સમજાવે છે. પણ યામિની જેટલી કઠોર છે એટલી કોમળ પણ છે. સૌના વિરોધની વચ્ચે, ઉપેક્ષા અને ઉપહાસની વચ્ચે સમાજમાં અવચવર્ગના વાળંદના તેજસ્વી યુવાન પુત્ર અને કૉલેજના એના સહાધ્યાયી બાલકરામ માટે એના હૃદયમાં અવિચલ પ્રેમ છે. એની સાથે લગ્ન કરવાનો એનો અફર નિર્ણય છે. એથી થોડાક સમયમાં જ એને ૧૮ વર્ષ પૂરાં થાય ત્યાં લગી પિતાથી દૂર થવા એ સ્વેચ્છાએ ગૃહત્યાગ કરે છે. અને એક માસ માટે વડપીપળીમાં ગુપ્તવાસ કરે છે. એ સમયમાં એના અફર નિર્ણય અંગે ઉમિયામાસીને, બાલકરામને અને માતાપિતાને એક એક એમ કુલ ત્રણ પત્રો દ્વારા જણાવે છે. નવલકથાને અંતે બાલકરામ ભવિષ્યમાં ક્લેક્ટર કે જજની પદવી અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એ હેતુથી સિવિલ સર્વિસની પરીક્ષા માટે અભ્યાસ કરવા કેમ્બ્રિજ જવાનો અને યામિની વધુ અભ્યાસ કરવાનો ઑક્સફર્ડ જવાનો નિર્ણય કરે છે. બન્ને અભ્યાસ પૂરો થાય પછી જ લગ્ન કરવાનો વિચાર કરે છે. યામિની અને બાલકરામ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજથી ભારત આવીને કદલીવનના ઉચ્ચ વર્ગના સમાજની અને જાતિભેદ અને લિંગભેદના ઉચ્ચાવચતાક્રમના સમાજની સાક્ષીએ જ લગ્ન કરશે અને બાલકરામ ક્લેક્ટર કે જજની પદવી અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે એવી પૂર્ણ પ્રતીતિ સાથે નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. કદલીવન સાથે સંલગ્ન એવાં બે ગૌણ સ્ત્રી-પાત્રો છે હસમુખ અને લીલાવતી. ૧૩મા પ્રકરણમાં હસમુખ અને ૧૫મા પ્રકરણમાં લીલાવતી કેન્દ્રસ્થાને છે. હસમુખ મનોહર શેઠના એકના એક પુત્ર આનંદમોહનની પત્ની છે. એ સ્વાતિની ભાભી છે. એનો જન્મ કરાચીમાં થયો હતો. એ પ્રોફેસર પિતાની એકની એક પુત્રી છે. આનંદમોહન સાથેના લગ્ન પછી બે વર્ષથી કદલીવનમાં એનો નિવાસ તો છે પણ અમદાવાદને એણે હૃદયથી પૂરેપૂરું અપનાવ્યું નથી. એને એકની એક નણંદને નાતે સ્વાતિ પ્રત્યે સ્વાભાવિક જ સહાનુભૂતિ છે. એનાં લગ્નને હજુ બે જ વર્ષ થયાં છે. એને પોતાનું સંતાન તો થશે ત્યારે થશે પણ હજુ તો એ નિ:સંતાન છે. પારકું સંતાન પોતાનું છે એમ માનવા-મનાવવાથી માતા થવાની એની ઝંખના તો તૃપ્ત થશે અને પોતાની બહેનની સમસ્યાનું સમાધાન થતું હોય તો એમાં આનંદમોહનનો વિરોધ તો નહિ જ હોય એથી ઉત્સાહપૂર્વક એ, અગાઉ નોંધ્યું છે તેમ, સ્વાતિની સગર્ભાવસ્થાની સમસ્યાનું સમાધાન શોધે છે. પણ સ્વયં વિધાતા જ ગર્ભપાત દ્વારા સ્વાતિની સમસ્યાનું સમાધાન સિદ્ધ કરે છે. એથી એની માતૃત્વની ઝંખના તત્કાલ તો ઝંખના જ રહી જાય છે. લીલાવતી ચોકડીના ગુલામ ચંદુલાલની પત્ની છે. એ ગુજરાત – અને એમ તો ભારતના ભદ્રલોકના દલિત-પીડિત, શાસિત-શોષિત એવા સમગ્ર નારીસમાજના પ્રતિનિધિરૂપ છે, પ્રતીકરૂપ છે. એ રૂઢિગ્રસ્ત ગૃહિણી છે. એણે સમાજનાં સૌ બેડીબંધનોનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો છે. પતિ ગમે તેવો સેતાન હોય તો પણ પતિ એટલે પરમેશ્વર અને પત્ની એની દાસી, એની ગુલામ એવું એનું સ્વયંપતિત માનસ છે. નવલકથાકારે એને માટે ‘સૂકી ખારેક’ એવી ઉચિત ઉપમા યોજી છે. પણ રાધાની પ્રેરણાથી એ એક દિવસ ગાંધીજીની સભામાં જાય છે. ગાંધીજીના વ્યાખ્યાનના પ્રભાવથી આ અબળા સબળા તરીકે ગાંધીજીની સ્વતંત્રતાની ક્રાંતિમાં સક્રિય થાય છે. આમ, લીલાવતીના માનસમાં ૧૮૦ અંશનું આમૂલ પરિવર્તન થાય છે. એક વ્યક્તિત્વવિહોણી નારીને અદ્ભુત વ્યક્તિત્વ, વ્યક્તિતા પ્રાપ્ત થાય છે. આ એક ચમત્કાર જ છે. પણ નવલકથામાં, કાલ્પનિક જગતમાં આ ઘટના અપ્રતીતિજનક નથી કારણ કે ગુજરાત – અને ભારતભરમાં, વાસ્તવિક જગતમાં આ સમયમાં, આ સદીના ત્રીજા દાયકાના સમયમાં ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્રવીર રીઝે’ એમ ગાનાર અને નારીમાં પરમેશ્વરના મોહિનીસ્વરૂપનું, વિશ્વરૂપનું દર્શન કરનાર નરસિંહના વારસ એવા ગાંધીજીએ એમના આત્મબળના પ્રભાવથી, એમના વિચાર, વાણી અને વર્તનના ઐક્યબળના પ્રભાવથી અનેક અબળાઓને દારૂના પીઠા પર પિકેટિંગ માટે મોકલીને એમનું સબળાઓમાં પરિવર્તન કર્યું હતું એ ચમત્કાર નથી, એ એક આશ્ચર્યજનક ઐતિહાસિક ઘટના છે. કદલીવન સાથે સંલગ્ન એવાં અન્ય અતિ ગૌણ સ્ત્રી-પાત્રો છે : ગૌરી, શોભા, રેવા, વસુમતી, મધુબહેન અને મીરાં. નવલકથાના આરંભ પૂર્વે જ ગૌરી અને શોભાનું યુવાન વયે અવસાન થયું હોય છે. એને પરિણામે, હવે પછી જોઈશું તેમ, ઉમિયામાસીને કદલીવનમાં નવલકથાના અંત લગી, કદલીવનનું વિસર્જન થાય ત્યાં લગી વસવાનું થાય છે. નવલકથાના આરંભે જ રેવાનું યુવાન વયે અવસાન થાય છે. એને પરિણામે, હવે પછી જોઈશું તેમ, રાધાને કદલીવનમાં, નવલકથાના અંત લગી, કદલીવનના વિસર્જન લગી વસવાનું થાય છે. વસુમતી મનોહર શેઠનાં નાનાં બહેન. નવલકથાના આરંભ પૂર્વે જ પ્રભાકર વકીલ સાથે એમનું લગ્ન થયું હોય છે. એમણે લગ્ન પછી તરત જ એક પછી એક અલ્પ સમયના અંતરે ચાર સંતાનો – જયદેવ, યામિની, મીરાં અને કલ્યાણ –ને જન્મ આપ્યો હતો. વળી પતિ પ્રભાકર એમની પ્રત્યે એકનિષ્ઠ ન હતા. એથી એમને ક્લબ, બ્રિજ, રમી, ટેનિસ પ્રત્યે જેટલો પ્રેમ હતો એટલો પ્રેમ પણ એમને સંતાનો પ્રત્યે ન હતો. જાણે પોતાનાં સંતાનો જ ન હોય એમ એમની પ્રત્યે એમની ઉપેક્ષા અને ઉદાસીનતા હતી. એથી સંતાનો મોટે ભાગે કદલીવનમાં જ હોય, પોતાને ઘરે ન હોય. કદલીવનમાં ઉમિયામાસીએ એમનું પ્રેમપૂર્વક લાલનપાલન કર્યું હતું. મધુબહેન શોભાનાં બહેનપણી. કદલીવનથી થોડેક જ દૂર એમનું નિવાસસ્થાન. અવારનવાર એમને મુંબઈમાં પણ વસવાનું થતું હતું. એમનો એકનો એક પુત્ર સોહન. સોહન પાંચ વર્ષનો હતો ત્યારે બારેક વર્ષ પર તેઓ યુવાન વયે વિધવા થયાં હતાં. સોહન એમનું સર્વસ્વ છે, એમના જગતનું કેન્દ્ર છે. એમણે સોહનની આસપાસ જ એમનું સમગ્ર જીવન રચ્યું છે. સોહન પર જ એમણે એમનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાકી તેઓ લોકકલ્યાણ માટેની સામાજિક સંસ્થાઓમાં સભ્ય તરીકે થોડુંક સેવાકાર્ય કરે છે. સોહન મનોહર શેઠના પુત્ર આનંદમોહનનો શાળામાં સહાધ્યાયી. એથી એ અમદાવાદમાં હોય ત્યારે શનિ-રવિ અચૂક કદલીવનમાં જ હોય. વસુમતીની પુત્રી મીરાં સ્ત્રીપાત્રોમાં સૌથી નાની વયનું પાત્ર એથી એને આરંભમાં રમતગમતમાં સહાધ્યાયીથી વિશેષ એવી કોઈ ભૂમિકા ભજવવાની નથી. અંતમાં એનું હજુ ૧૬ વર્ષનું વય છે અને વિદ્યાર્થી અવસ્થામાં છે એથી હજુ એના લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ, કદલીવનમાં મનોહર શેઠ અને એમનાં કુટુંબીજનો – આનંદમોહન અને સ્વાતિ – ઉપરાંત ઉમિયામાસી, રાધા, જયદેવ, યામિની, મીરાં, કલ્યાણ અને સોહનની સતત ઉપસ્થિતિને કારણે કદલીવનને એક નવું જ વિશાળ, વ્યાપક, બૃહદ્ એવું પરિમાણ પ્રાપ્ત થાય છે અને કદલીવન સાચ્ચે જ એક વનરૂપે, એક નાનકડા વિશ્વરૂપે ફૂલેફાલે છે. એમાં આ અતિ ગૌણ એવાં સ્ત્રી-પાત્રોનું મહત્ત્વનું પ્રધાન અર્પણ છે. કદલીવન સાથે સંલગ્ન એવાં અન્ય સ્ત્રી-પાત્રો, અનન્ય એવાં સ્ત્રી-પાત્રોે છે : પરોક્ષપણે સંલગ્ન એવાં ઝમકુ ડોશી અને પ્રત્યક્ષપણે સંલગ્ન એવાં ઉમિયામાસી. બન્ને નિ:સંતાન વૃદ્ધ વિધવાઓ છે. પ્રથમ પ્રકરણમાં જ ઝમકુ ડોશીનો પ્રવેશ થાય છે. ઝમકુ ડોશી ગોવિંદનાં પડોશી. ગોવિંદના કુટુંબ સાથે એમને અન્ય કોઈ સંબંધ નહિ. છતાં રેવાની પ્રસૂતિ, રાધાનો જન્મ, રેવાનું અવસાન – નવલકથાના આરંભની આ ઘટનાઓમાં એમની પ્રધાન ભૂમિકા છે. રાધાના જન્મ પછી ત્રણ જ દિવસમાં રેવાનું અવસાન થાય છે. એ જ દિવસથી રાધાના જીવનમાં જે સ્થાને રેવા હોત એ જ સ્થાને હવે ઝમકુ ડોશી છે. ઝમકુ ડોશી જાણે કે રાધાને માટે જ જીવે છે. પોતાની જ પુત્રી હોય એટલું રાધા પ્રત્યે એમને વાત્સલ્ય છે. પાંચ વર્ષ લગી રાધાનું લાલનપાલન કર્યા પછી અને અંતિમ ક્ષણોમાં પોતાના દાગીના અને રોકડ રૂપિયા રાધાના લગ્ન-સમયે કન્યાદાન માટે ગોવિંદને સુપરત કર્યા પછી તરત જ નવલકથાના બીજા જ પ્રકરણમાં ઝમકુ ડોશીનું અવસાન થાય છે. પછી તરત જ તે જ પ્રકરણમાં રાધાના જીવનમાં ઉમિયામાસીનો પ્રવેશ થાય છે. ત્રીજા જ દિવસે રાધાના જીવનમાં જે સ્થાને ઝમકુ ડોશી હોત એ જ સ્થાને હવે ઉમિયામાસી છે. ઉમિયામાસીમાં બાળપણથી જ રૂપ અને ગુણ હતાં. એ કોઈ પણ વયે લગ્નને માટે સુપાત્ર હતાં. એથી એમનાં બાળલગ્ન થયાં હતાં. પણ પછી લગ્ન પછી થોડાક જ સમયમાં એમના બાળપતિનું અવસાન થયું હતું. એથી એ બાળવિધવા હતાં અને નિ:સંતાન હતાં. જીવનના આરંભથી એ આસપાસનાં સૌ બાળકોનાં મોટા બહેન અને રસ્તે રખડતાં સૌ પશુ-પંખીનાં બેલી હતાં. મનોહર શેઠની માતા ગૌરીનાં એ મોટાં બહેન. બે સંતાનો – મનોહર શેઠ અને વસુમતીને જન્મ આપીને યુવાન વયમાં જ ગૌરીનું અવસાન થયું હતું. એથી મનોહર શેઠ અને વસુમતીના જીવનમાં જે સ્થાને ગૌરી હોત એ જ સ્થાને હવે ઉમિયામાસી હતાં. એથી એ ઉત્તર ગુજરાતમાં એમના મોસાળના ગામથી આવીને કદલીવનમાં વસ્યાં હતાં. મનોહર શેઠ અને વસુમતીના લગ્ન એ પાછાં એમના મોસાળને ગામ થયાં હતાં. લગ્નનાં પાંચ જ વર્ષમાં બે સંતાનો – આનંદમોહન અને સ્વાતિ –ને જન્મ આપીને યુવાન વયમાં જ મનોહર શેઠનાં પત્ની શોભાનું અવસાન થયું હતું. માવિહોણાં અને અત્યંત નાની વયનાં સંતાનોને ખાતર મનોહર શેઠે બીજું લગ્ન કર્યું ન હતું. એથી આનંદમોહન અને સ્વાતિના જીવનમાં જે સ્થાને શોભા હોત એ જ સ્થાને હવે ઉમિયામાસી હતાં. એથી એ એમના ગામથી આવીને કદલીવનમાં મોટા બંગલાની ડાબી બાજુએ એક બંગલામાં હવે હંમેશને માટે વસ્યાં હતાં. કદલીવનમાં એ માત્ર મનોહર શેઠનાં સંતાનોનું જ નહિ પણ વસુમતીનાં ચારે સંતાનો – જયદેવ, યામિની, મીરાં અને કલ્યાણ –નું અને ગોવિંદની પુત્રી રાધાનું પણ લાલનપાલન કરે છે. શંકર નાનપણથી ખોડો અને બહેરો છે. એ ઘરકામ સિવાય અન્ય કોઈ પણ કામ કરવા માટે અપાત્ર છે. તો ઉમિયામાસી એને ઘરકામ કરવા માટે પોતાના ઘરમાં આશ્રય આપે છે. છેલ્લે છેલ્લે એમના મોસાળના ગામથી ‘ભાણીબહેન, ઓ ભાણીબહેન’ની બૂમો સાથે યુવાન વયમાં જ ત્યક્તા થવાથી નિરાશ્રિત જેવી કંકુ આવે છે તો ઉમિયામાસી તેને પણ પોતાના ઘરમાં આશ્રય આપે છે. જ્યારે સ્વાતિના જીવનમાં સગર્ભાવસ્થાની વિકટ અને વિષમ સમસ્યા સર્જાય છે ત્યારે ઉમિયામાસી કોઈ અજ્ઞાત સ્થળે સ્વાતિની પ્રસૂતિ થાય અને જે સંતાનનો જન્મ થાય એને પોતે અનાથ નિરાશ્રિત સંતાન તરીકે કદલીવનમાં લાવીને જીવનભર એનું લાલનપાલન કરે એવું સમાધાન શોધે છે. નવલકથાને અંતે કદલીવનનું વિસર્જન થાય છે ત્યારે કદલીવનમાં એમનો જીવનભરનો, વરસોનાં વરસોનો અતિદીર્ઘ એવો નિવાસ એ તો માત્ર રાતવાસો જ હતો એવા હૃદયમાં વિરક્તિના ભાવ સાથે એ કદલીવનમાંથી વિદાય થાય છે. અનંતની યાત્રાને પંથે પ્રયાણ કરવાની ઉમિયામાસીની પ્રતીક્ષા સાથે નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. ‘કદલીવન’માં લગ્ન અને સંતાનોના સંદર્ભમાં સ્ત્રીપાત્રોમાં વૈવિધ્ય છે. સ્વાતિ પોતાના જ વર્ગના, પણ પોતાનાથી વધુ શ્રીમંત એવા શરદચંદ્ર સાથે લગ્ન કરે છે, છતાં, અગાઉ નોંધ્યું છે તે કારણે, લગ્ન નિષ્ફળ થાય છે. ઉચ્ચવર્ગની યામિની અવચવર્ગના વાળંદના પુત્ર બાલકરામ સાથે પ્રતિલોમ લગ્ન કરશે અને ‘ડ્રાઇવરની દીકરી’, ‘કેળાંવાળી છોકરી’, અવચવર્ગની રાધા ઉચ્ચવર્ગના સોહન સાથે અનુલોમ લગ્ન કરશે, છતાં, અગાઉ નોંધ્યું છે તે કારણે, લગ્નો સફળ થશે એવી સૌને આશા જ નહિ પણ શ્રદ્ધા છે. મધુબહેન લગ્નનાં ૧૨ વર્ષ પછી યુવાન વયે વિધવા થયાં છે પણ સદ્ભાગ્યે એમને એક પુત્ર – સોહન છે. વસુમતીને પ્રભાકર સાથે લગ્ન થયા પછી તરત જ અલ્પ સમયમાં જ એક પછી એક એમ ચાર સંતાનો થયાં છે, એથી એમને સંતાનો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા છે. હસમુખ અને લીલાવતી નિ:સંતાન છે. હસમુખનાં આનંદમોહન સાથે થોડાક જ સમય પૂર્વે લગ્ન થયાં છે, એથી ભવિષ્યમાં એમને સંતાન થાય એવી શક્યતા છે. લીલાવતીએ ચંદુલાલ સાથે લગ્નવિચ્છેદ કર્યો નથી પણ સદાયને માટે દેહસંબંધનો ત્યાગ તો કર્યો જ છે, એથી ભવિષ્યમાં એમને સંતાન થાય એ અશક્ય છે, એ સદાયને માટે નિ:સંતાન જ રહેશે. મીરાં તો હજુ ૧૬ વર્ષની સગીર કન્યા છે અને એની વિદ્યાર્થીઅવસ્થા છે, એથી એના લગ્નનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કંકુ તો ત્યક્તા છે, અને એની વિધવા સમી સ્થિતિ છે. એથી સંતાનની શક્યતા નથી. એથી એ જાણે કે યુવાન વયે નિ:સંતાન વિધવા સમી છે. ઝમકુ ડોશી અને ઉમિયામાસી વૃદ્ધ નિ:સંતાન વિધવાઓ છે. હવે પછી જોઈશું તેમ, અવચવર્ગનાં સ્ત્રીપાત્રો – ઢબુ અને રેશમ – યુવાન વયે જ નિ:સંતાન વિધવાઓ છે. ‘કદલીવન’માં નારીનાં અનેક સ્વરૂપો પ્રગટ થાય છે : પુત્રી, પ્રેયસી, પત્ની અને માતા. આ સૌ સ્વરૂપોમાં નારી સંસારી હોય છે, સંસારમાં હોય છે, એટલું જ નહિ પણ સંસારની હોય છે. આ સૌ સ્વરૂપોમાં નારી પિતા, પ્રેમી, પતિ અને પુત્ર-પુત્રી પર નિર્ભર હોય છે. પણ નારીનું એવું પણ સ્વરૂપ છે જેમાં નારી સંસારી હોય છે, સંસારમાં હોય છે, પણ સંસારની હોતી નથી, સંસારથી પર હોય છે. એ પારકાં જણ્યાંને પેટનાં જણ્યાં કરી જાણે છે. એને સંતાન હોતાં નથી, પણ એ અન્યનાં સૌ સંતાનોની જનની છે, એ જગજનની છે, વિશ્વજનની છે. નારીનું આ સર્વોત્તમ સ્વરૂપ છે. ‘કદલીવન’માં ઝમકુ ડોશી અને ઉમિયામાસીમાં નારીના આ સ્વરૂપનું દર્શન થાય છે. બન્ને વૃદ્ધ નિ:સંતાન વિધવાઓ છે. નવલકથાકારે આ બન્ને વૃદ્ધ નિ:સંતાન વિધવાઓનાં પાત્રો – સવિશેષ ઉમિયામાસીના પાત્ર –નું અપાર અનુકંપાથી, ઋજુતા અને મૃદુતાથી આલેખન કર્યું છે. બોદલેરે એમનાં કેટલાંક કાવ્યોમાં પેરિસની વૃદ્ધ નિ:સંતાન વિધવાઓનાં પાત્રોનું પણ અપાર અનુકંપાથી, ઋજુતા અને મૃદુતાથી આલેખન કર્યું છે એનું અહીં સ્મરણ થાય છે. પણ બોદલેરના આલેખનમાં આ પાત્રોના જીવનમાં રિક્તતાની વેદના છે, એકલતાની કરુણતા છે. આ નવલકથાકારના આલેખનમાં આ પાત્રોના જીવનમાં સભરતાની સાર્થકતા છે, અન્યોન્યાશ્રયની ચરિતાર્થતા છે. ૧૯મી સદીના પૂર્વાર્ધના પેરિસમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધના ગુજરાતમાં જે બે ભિન્ન ભિન્ન એવી સમાજરચના, સમાજ-વ્યવસ્થા હતી એમાં એનું રહસ્ય છે. બોદલેરના આધુનિક ઔદ્યોગિક નગર પેરિસમાં કૌટુંબિક મૂલ્યો (family values)નો અભાવ હતો. આ નવલકથાકારના ગુજરાતમાં હજુ કૌટુંબિક મૂલ્યોનો અહોભાવ હતો. ‘કદલીવન’નાં પુરુષ-પાત્રો સ્ત્રી-પાત્રોની સરખામણીમાં નિસ્તેજ અને નિર્બળ લાગે છે. નવલકથાની પ્રેરણા (પુત્રીનું અવસાન) અને એના પ્રયોજન (પુત્રીના અવસાન પછી દુ:ખનું નિરસન)ના સંદર્ભમાં કદાચ નવલકથાકારને એ ઇષ્ટ જ નહિ, ઉદ્દીષ્ટ – બલકે અભીષ્ટ હોય એમ લાગે છે. એથી પુરુષ-પાત્રોનું આ પ્રકારનું આલેખન અનિવાર્ય છે. નવલકથામાં કુલ ૧૪ પુરુષ-પાત્રો છે. એમાંથી મોટા ભાગનાં પ્રૌઢ અને પ્રધાન પુરુષ-પાત્રો – મનોહર શેઠ, ચંદુલાલ, શરદચંદ્ર અને પ્રભાકર – સુરા, સુન્દરી અને સંપત્તિ (wine, woman and wealth)માંથી કોઈ ને કોઈ વ્યસનના ગુલામ છે. મનોહર શેઠ યુવાન વયે સુન્દરીના ગુલામ હતા. એમણે ચંદુલાલની સંગતમાં વ્યભિચાર કર્યો હતો. ચંદુલાલ રખેને એમની ભૂતકાળની આ નિર્બળતા પ્રગટ કરે એવા ભયમાં એ સતત જીવે છે એ ચંદુલાલ જાણે છે અને એથી એમને સતત બ્લેકમેઈલ કરે છે. જોકે એમને પક્ષે નોંધવું જોઈએ કે એમનાં પત્ની શોભાનું યુવાન વયે અવસાન થયું પછી એ ધનિક મિલમાલિક હતા એથી બીજું લગ્ન કરી શક્યા હોત પણ અત્યંત નાની વયનાં બે નમાયાં સંતાનોનું લાલનપાલન કરવાનું હતું એથી એમણે બીજું લગ્ન કર્યું ન હતું. એ હવે સુન્દરીના ગુલામ રહ્યા ન હતા પણ સંપત્તિના ગુલામ થયા હતા. એ આપબળે ધનિક અને મિલમાલિક થયા હતા. એથી એમને ધીમે ધીમે સંપત્તિનો નશો થયો હતો. એમની આ નિર્બળતા પણ ચંદુલાલ જાણે છે. એથી એ એમને રવિપુર સ્ટેટના રાજાની ભાગીદારીમાં ઉદ્યોગની મોટી યોજના કરવા પ્રેરે છે. પણ અંતે ચંદુલાલના વિશ્વાસઘાતને કારણે એ આ યોજનામાં નિષ્ફળ જાય છે. એથી એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. અને એમાં પણ એ નિષ્ફળ જાય છે. એમાં એમને અંધત્વ પ્રાપ્ત થાય છે. આમ, એમનો સર્વનાશ થાય છે અને કદલીવનનું વિસર્જન થાય છે. નવલકથાને અંતે એ ગોવિંદના આગ્રહથી પુત્રી સ્વાતિ સાથે તાત્કાલિક તો વડપીપળી જાય છે. ચંદુલાલ સુન્દરી અને સંપત્તિનો બન્નેનો ગુલામ છે. હમણાં જ જોયું તેમ, યુવાન વયમાં એણે વ્યભિચાર કર્યો હતો. સ્વાતિને રાધા પ્રત્યે ઈર્ષાને કારણે રાધા સાથે સ્પર્ધા હતી એ સ્વાતિની નિર્બળતા એ જાણે છે. એથી એ મુંબઈના કદાચને સૌથી ધનિક મિલમાલિક કરસનદાસ લક્ષ્મીચંદના એકના એક પુત્ર શરદચંદ્ર સાથે લગ્ન કરવા સ્વાતિને પ્રેરે છે. શરદચંદ્ર ચારિત્ર્યહીન છે. લગ્નપૂર્વે સ્વાતિને પોતાની ચારિત્ર્યહીનતાની જાણ થાય એ માટે એ અંગેનો એક પત્ર એ સ્વાતિને લખે છે અને સ્વાતિને હાથોહાથ આપવા માટે ચંદુલાલને આપે છે. પણ ચંદુલાલે એ પત્ર સ્વાતિને આપ્યો જ નહિ, કારણ કે આપે તો સ્વાતિ કદાચ શરદચંદ્ર સાથે લગ્ન ન પણ કરે. સ્વાતિને લગ્નની સોહાગરાતે જ શરદચંદ્રને સ્વમુખે ચારિત્ર્યહીનતા વિશે અને ચંદુલાલના વિશ્વાસઘાત વિશે જાણ થાય છે. એના આઘાત-પ્રત્યાઘાતમાં એ પ્રથમ રોષ અને પછી અસહાયતા અનુભવે છે. એ ક્ષણે ચંદુલાલ સ્વાતિ સાથે વ્યભિચાર – બલકે પ્રચ્છન્ન એવો બળાત્કાર કરે છે. અગાઉ જોયું છે તેમ, ચંદુલાલે મનોહર શેઠનો બેવડો વિશ્વાસઘાત કર્યો છે. એણે સ્વાતિનું શીલ અને મનોહર શેઠનું સમગ્ર ધન લૂંટ્યું છે. એથી મનોહર શેઠનો સર્વનાશ થાય છે અને કદલીવનનું વિસર્જન થાય છે અને ત્યાર પછી જ ચંદુલાલ મનોહર શેઠના જીવનમાંથી અને નવલકથામાંથી એક સાથે અદૃશ્ય થાય છે. શરદચંદ્ર સુરા, સુન્દરી અને સંપત્તિ ત્રણેનો ગુલામ છે. અગાઉ નોંધ્યું છે તેમ, એ મુંબઈના સૌથી વધુ ધનિક મિલમાલિક કરસનદાસ લક્ષ્મીચંદનો એકનો એક પુત્ર છે. એથી જીવનના આરંભથી જ એ ચારિત્ર્યહીન છે, એને સુરા અને જુગારનું વ્યસન છે. કદાચ વેશ્યાગમનને કારણે એ રોગગ્રસ્ત અને નિર્વીર્ય છે. એના પક્ષે એ પણ નોંધવું જોઈએ કે લગ્નપૂર્વે જ એ સ્વાતિને પોતાની ચારિત્ર્યહીનતાની જાણ કરવા પત્ર લખે છે, એટલું જ નહિ પણ એ પત્ર સ્વાતિને હાથોહાથ આપવા માટે એ ચંદુલાલને આપે છે. દુર્ભાગ્યે ચંદુલાલે એ પત્ર સ્વાતિને આપ્યો જ નહિ. વળી લગ્નની સોહાગરાતે એ સ્વમુખે સ્વાતિને પોતાની ચારિત્ર્યહીનતાની જાણ કરે છે અને ત્યારે સ્વાતિને ‘બહેન’ એવું સંબોધન કરે છે. પ્રભાકર વકીલ સુન્દરીનો ગુલામ છે. અગાઉ નોંધ્યું છે તેમ, એમણે વાળંદ વિધવા ધની સાથે વ્યભિચાર કર્યો છે. પરિણામે એમને એક અનૌરસ પુત્ર પણ છે. પછીથી એમણે ધની અને એ પુત્રને અનાથઆશ્રમમાં વસાવ્યાં છે અને એમના ભરણપોષણ માટે એ અનાથઆશ્રમમાં નિયમિત રકમ મોકલે છે. છતાં એમની પોતાની પુત્રી યામિની એક વાળંદના પુત્ર બાલક-રામના પ્રેમમાં છે અને ભવિષ્યમાં એની સાથે લગ્ન કરવાની છે એનો એમને વિરોધ છે. જોકે એમના પક્ષે નોંધવું જોઈએ કે યામિની જ્યારે ગૃહત્યાગ કરે છે અને ગુપ્તવાસમાં જાય છે અને એમને અને હસુમતીને ગુપ્તવાસમાંથી પત્ર લખે છે પછી બાલકરામે યામિનીનો ગૃહત્યાગ કરાવ્યો છે અને યામિની ગુપ્તવાસમાં ક્યાં છે એની એને જાણ છે એવી શંકા થાય છે અને યામિની ક્યાં છે એની જાણ માટે વસુમતી સાથે બાલકરામને ઘેર જાય છે. બાલકરામને પણ યામિનીએ ગુપ્તવાસમાંથી જે પત્ર લખ્યો છે તે પત્ર બાલકરામ એમને વાંચવા આપે છે. જ્યારે એ પત્રમાંથી એમને યામિનીના ગૃહત્યાગમાં બાલકરામની કોઈ પ્રેરણા નથી અને યામિની ગુપ્તવાસમાં ક્યાં છે એ અંગે બાલકરામ પોતાના જેટલો જ અજાણ છે એ સમજાય છે અને બાલકરામ નિર્દોષ છે એની એમને પ્રતીતિ થાય છે, જ્યારે મનોમન એ બાલકરામ ભલે વાળંદ હોય પણ સજ્જન છે એ સત્યનો સ્વીકાર કરે છે. ‘કદલીવન’નાં કેટલાંક પ્રધાન પુરુષ-પાત્રો – ગોવિંદ, સોહન અને બાલકરામ –નું જીવન સીધું, સાદું અને સહજ, સરલ છે. એમાં પરિવર્તનને ઝાઝો અવકાશ નથી. ગોવિંદ વડપીપળીમાં અવચવર્ગની ગરાસિયા કોમમાં જન્મ્યા છે. પણ જીવનભર એમણે કદલીવનમાં મનોહર શેઠના ડ્રાઇવર તરીકે સેવા બજાવી છે. નવલકથાના આરંભે જ એમનાં પત્ની રેવાનું અવસાન થાય છે, અને એ વિધુર થાય છે. પછી તરત જ કદલીવનમાં ઉમિયામાસીના આશ્રયે એમની એકની એક પુત્રી રાધાનું લાલનપાલન થાય છે અને એ સેવામાંથી નિવૃત્ત થાય છે. એ પોતાની જન્મભૂમિ વડપીપળીમાં સદાયને માટે એમનું શેષ જીવન પ્રભુભક્તિમાં સમર્પણ કરે છે. કદલીવનમાં આશ્રયદાતા તરીકે ઉમિયામાસીનું જે સ્થાન છે તે જ વડપીપળીમાં આશ્રયદાતા તરીકે ગોવિંદનું સ્થાન છે. એમણે એમની દૂરની ભત્રીજી ઢબુને, એમના દૂરના ભત્રીજા તથા ભત્રીજાવહુને, ગૃહત્યાગ પછી ગુપ્તવાસ દરમિયાન થોડાક સમય માટે યામિનીને, કદલીવનના વિસર્જન પછી તાત્કાલિક મનોહર શેઠ અને સ્વાતિને આશ્રય આપ્યો છે. પોતાની પુત્રી રાધા ઉચ્ચવર્ગના સોહન સાથે લગ્ન કરશે ત્યારે દંડ નહિ ભરે તો એમની અવચવર્ગની કોમ એના ઉચ્ચવર્ગ પ્રત્યેના પૂર્વગ્રહ અને તિરસ્કારને કારણે એમનો બહિષ્કાર કરશે તો એમને એની કોઈ ચિંતા નથી. એમને મન એ બહિષ્કાર નહિ પણ મુક્તિ હશે. ઉચ્ચવર્ગની યામિની અવચવર્ગના વાળંદ કોમના બાલકરામ સાથે લગ્ન કરશે એમ જાણે છે ત્યારે ભગવાનને ઘેર કોઈ ઉચ્ચઅવચના જાતિભેદ નથી એથી એ પ્રસન્ન થાય છે. જાતિભેદથી પર એવું એમનું જીવનદર્શન છે. ગોવિંદ સાચ્ચે જ ભારતના સમાજમાં વિરલ એવા એક આદર્શ અને અનુકરણીય એવા ભક્તજન છે. સોહન વિધવા મધુબહેનનો એકનો એક પુત્ર છે. આરંભમાં મુખ્યત્વે મુંબઈમાં વસ્યો છે. કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં કૉલેજનો ત્યાગ કર્યો છે અને ગાંધીજીના રચનાત્મક કાર્યમાં, ગ્રામપ્રદેશમાં ગ્રામોદ્ધારના કાર્યમાં સક્રિય થયો છે. ઉચ્ચ વર્ગનો સોહન અને અવચવર્ગથી ગરાસિયા કોમની રાધા પરસ્પરના પ્રેમમાં છે. રાધા પણ ગાંધીજીના સત્યાગ્રહમાં, સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય છે. આમ, બન્ને વચ્ચે જીવનકાર્યની સમાન ભૂમિકા છે. એથી એનું રાધા સાથેનું અનુલોમ લગ્ન એક આદર્શ અને અનુકરણીય લગ્ન હશે. સોહન ગાંધીયુગના અનેક ભાવનાવાદી યુવાનોના પ્રતિનિધિરૂપ છે, પ્રતીકરૂપ છે. બાલકરામ અવચવર્ગની વાળંદ કોમમાં જન્મ્યો છે. પણ એના ગુણધર્મને કારણે એ એક તેજસ્વી અને મહત્ત્વાકાંક્ષી યુવાન છે. બાલકરામ અને યામિની એક જ કૉલેજમાં સહાધ્યાયી છે. અવચવર્ગનો બાલકરામ અને ઉચ્ચવર્ગની યામિની પરસ્પરના પ્રેમમાં છે. બાલકરામ પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ તથા સ્વાશ્રય અને સ્વબળે ભવિષ્યમાં ક્લેક્ટર કે જજ થવા માટે ઉચ્ચ અભ્યાસ કરવા કેમ્બ્રિજ જશે અને યામિની ઉચ્ચ અભ્યાસ કરવા ઑક્સફર્ડ જશે. પછી બન્ને ભારત પાછાં આવીને પ્રતિલોમ લગ્ન કરશે. બાલકરામ ગાંધીયુગના અનેક સ્વમાની અને સાહસિક યુવાનોના પ્રતિનિધિરૂપ છે, પ્રતીકરૂપ છે. ‘કદલીવન’નાં કેટલાંક ગૌણ પુરુષ-પાત્રો છે : આનંદમોહન, જયદેવ, કલ્યાણ અને શંકર. આનંદમોહન મનોહર શેઠનો પુત્ર છે. એને કિશોર વયમાં રોમેન્ટિક લાગણીપ્રધાન નવલકથાઓ વાંચવાનો શોખ છે. એણે કરાચીના એક પ્રોફેસરની પુત્રી હસમુખ સાથે લગ્ન કર્યું છે. જયદેવ વસુમતી અને પ્રભાકરનો સૌથી મોટો પુત્ર છે. એને કિશોર વયમાં ક્રિકેટ, ટેનિસ અને ક્લબજીવન તથા છાપામાંથી ક્રિકેટના ખેલાડીઓના ફોટા કાપીને સંગ્રહ કરવાનો શોખ છે. યુવાન વયમાં એ સમાજવાદમાં પ્રતિબદ્ધ છે. એથી ૧૯૨૦-૩૦ના દાયકામાં ગુજરાતમાં અને ભારતમાં ગાંધીવાદ વિરુદ્ધ સમાજવાદનો જે વિવાદ પ્રચલિત હતો તેને ૧૯૦૭-૨૮ના સમયની આ નવલકથામાં આછોતરો અવકાશ પ્રાપ્ત થયો છે. કલ્યાણ વસુમતી અને પ્રભાકરનો સૌથી નાનો પુત્ર છે. એથી કદલીવનની રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ ભજવવાથી વિશેષ એવી એની કોઈ ભૂમિકા નથી. નવલકથાને અંતે કદલીવનના વિસર્જન પછી એના અભ્યાસને કારણે એને એની મોટી બહેન મીરાંની સાથે એનાં માતા-પિતાને ઘેર રહેવા જવાનું અનિવાર્ય થાય છે. ‘કદલીવન’નાં કેટલાંક પુરુષ-પાત્રો – શંકર, ગોવિંદનો ભત્રીજો, ઝીણકો અને કરસનદાસ લક્ષ્મીશંકર – ક્યારેક જ કોઈ ભૂમિકા ભજવે છે. શંકર નાનપણથી જ ખોડો અને બહેરો છે. એ ઘરકામ સિવાય અન્ય કોઈ પણ કામકાજ કરવા માટે અપાત્ર છે. એથી ઉમિયામાસીએ એને ઘરકામ કરવા માટે કદલીવનનાં પોતાના ઘરમાં આશ્રય આપ્યો છે. યામિની ગૃહત્યાગ પછી ગુપ્તવાસમાં વડપીપળી જાય છે ત્યારે એ યામિનીને સ્ટેશન પર પહોંચાડવાની કામગીરી બજાવે છે. આ સિવાય એની અન્ય કોઈ ભૂમિકા નથી. ગોવિંદનો અનામી એવો દૂરનો ભત્રીજો વડપીપળીમાં ગોવિંદનો આશ્રય પામ્યો છે. ગોવિંદે એનું લગ્ન કરાવ્યું હતું પણ એ એના ગામમાં ઠરીઠામ થયો ન હતો. એથી ગોવિંદની દૂરની ભત્રીજી ઢબુ એને એની પત્ની સાથે વડપીપળી લાવી છે. એની પત્ની ઢોર સાચવે છે અને એ ગોવિંદને ખેતીમાં સહાય કરે છે. આ સિવાય એની અન્ય કોઈ ભૂમિકા નથી. ઝીણકો હિજરતી ખેડૂત રઘુનાથ દેસાઈનો પુત્ર છે. બારડોલી સત્યાગ્રહમાં અનેક ખેડૂતકુટુંબોની જેમ એનું કુટુંબ પણ ખેતર અને ઘર ત્યજીને બારડોલીની નિકટ સત્યાગ્રહ છાવણીમાં નિરાશ્રિત તરીકે રહ્યું છે. ઝીણકાને ટાઇફોઈડ થયો છે એથી એ ઝૂંપડાની ‘ઇસ્પિતાલ’માં રહ્યો છે. રાધા એની માતાની જેમ વ્હાલથી એની સેવા શુશ્રૂષા કરે છે. એક પોલીસની રાધા પર કુદૃષ્ટિ થાય છે અને રાધા એનો પ્રતિકાર કરે છે. અપમાનિત પોલીસ સ્વાતંત્ર્ય-સૈનિકના, સત્યાગ્રહીના સ્વાંગમાં ઝૂંપડાને આગ ચાંપે છે અને ઝૂંપડું ભસ્મીભૂત થાય છે. રાધા પોતાના જાનને જોખમે ઝીણકાનો જાન બચાવવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે અને ઝીણકાનું અવસાન થાય છે. આમ, પોતાના જાનને જોખમે પણ પારકાનો જાન બચાવવાની રાધાની બલિદાન-ભાવનાને પ્રગટ કરવામાં ઝીણકો નિમિત્ત રૂપ છે. આ સિવાય એની અન્ય કોઈ ભૂમિકા નથી. કરસનદાસ લક્ષ્મીચંદ મુંબઈમાં સૌથી વધુ ધનિક મિલમાલિક છે. ચંદુલાલ દ્વારા મનોહર શેઠના વેવાઈ થયા સિવાય એમની અન્ય કોઈ ભૂમિકા નથી, એટલું જ નહિ એ નવલકથામાં અનુપસ્થિત છે. આમ એમનો અવારનવાર ઉલ્લેખ જ થાય છે. ‘કદલીવન’નો સમય છે ૧૯૦૭થી ૧૯૨૮ અને સ્થળ છે અમદાવાદ અને વડપીપળી, નવલકથાને અંતે સ્થળ છે બારડોલી. ગાંધીજી આ જ સમયે અને આ જ સ્થળે એટલે કે ૧૯૧૫થી ૧૯૩૦ લગી અમદાવાદમાં વસ્યા હતા. મહાકાવ્ય સમું એમનું આર્થિક, સામાજિક અને રાજકીય ક્રાંતિનું કાર્ય, સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વનું કાર્ય, રચનાત્મક કાર્ય, સત્યાગ્રહનું કાર્ય આ સમયમાં આ સ્થળેથી જ સમગ્ર ભારતમાં પ્રસર્યું હતું. એકસમાન સમય અને સ્થળના પૂર્વોક્ત કારણે ‘કદલીવન’માં પણ એના પ્રવેશ માટે અવકાશ હતો. એથી એ ‘કદલીવન’માં પણ પ્રસર્યું છે. નવલકથાકારના અંગત જીવનના આત્મલક્ષી સ્વાનુભવમાંથી નવલકથામાં કદલીવનની કાલ્પનિક સૃષ્ટિનું સર્જન થયું છે. તો નવલકથાકારના ગુજરાતના જાહેર જીવનના પરલક્ષી સર્વાનુભવમાંથી નવલકથામાં વડપીપળી અને બારડોલીની વાસ્તવિક સૃષ્ટિનું સર્જન થયું છે. આમ, નવલકથામાં બન્ને પ્રકારના અનુભવોની સહોપસ્થિતિ છે. એથી, અગાઉ નોંધ્યું છે તેમ, નવલકથાને એક વિશાળ સંદર્ભ, એક વ્યાપક પરિમાણ, એક બૃહદ્ પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત થાય છે, વૈશ્વિકતા, જાગતિકતા પ્રાપ્ત થાય છે અને એ દ્વારા નવલકથાકારની જિવાતા જીવનની સભાનતા, સમકાલીન સમાજની સજાગતા પ્રગટ થાય છે. સમગ્ર ભારતના અને ગુજરાતના સમાજમાં સૈકાઓથી જાતિભેદ, લિંગભેદ અને ઉચ્ચાવચતાક્રમ એવાં ત્રિવિધ દોષો, દૂષણો અને દૂરિતો અસ્તિત્વમાં છે. પ્રાચીન યુગમાં ઈ. ૫મી સદીમાં બુદ્ધ અને મહાવીરે તથા મધ્યકાલીન યુગમાં ઈ. ૧૫મી-૧૭મી સદીમાં સંત કવિઓએ આ સામાજિક સંઘર્ષને દૂર કરવાનો પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. આપણા અર્વાચીન યુગમાં ઈ. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ પણ એવો જ પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો છે. આ નવલકથામાં કદલીવન અને વડપીપળીમાં, બન્ને સ્થળોમાં આ સામાજિક સંઘર્ષનું દર્શન થાય છે. ‘કદલીવન’નાં પુરુષ-પાત્રો આ સામાજિક સંઘર્ષના સંદર્ભમાં સૂચક છે. અગાઉ નોંધ્યું છે તેમ, મનોહર શેઠે યુવાન વયમાં ચંદુલાલની સોબતમાં વ્યભિચાર કર્યો છે. ચંદુલાલ તો હજુ પણ વ્યભિચાર કરે છે, એટલું જ નહિ પણ સ્વાતિના જીવનની એક અભાગી ક્ષણે સ્વાતિની સાથે વ્યભિચારના પ્રચ્છન્ન વેશમાં લગભગ બળાત્કાર કરે છે. પ્રભાકરે પણ વાળંદ વિધવા ધની સાથે વ્યભિચાર કર્યો છે. શરદચંદ્ર રોગગ્રસ્ત છે એમાં સૂચન છે તેમ સતત વેશ્યાગમનમાં વ્યભિચાર કરે છે. આમ, કદલીવનના ઉચ્ચ વર્ગના પુરુષ અવચવર્ગની સ્ત્રીઓનું શોષણ કરે છે, એમના પર શાસન કરે છે. તો સોહન, રાધા અને લીલાવતી, એમના સમયનાં મધ્યમવર્ગનાં અસંખ્ય સ્ત્રી-પુરુષોની જેમ, ગાંધીજીના કાર્યમાં સક્રિય અને પ્રતિબદ્ધ છે, એ કાર્યને એમણે એમનું સમગ્ર જીવન સદાને માટે સમર્પણ કર્યું છે. જયદેવ તો સમાજવાદમાં સક્રિય અને પ્રતિબદ્ધ છે. ઉચ્ચ વર્ગનો સોહન અવચવર્ગની ગરાસિયા કોમની રાધા સાથે પ્રેમમાં છે અને એની સાથે અનુલોમ લગ્ન કરવાનો છે. કદલીવનમાં કોઈ કોઈ રાધાનો ‘ડ્રાઇવરની દીકરી’, ‘કેળાંવાળી છોકરી’ તરીકે ઉલ્લેખ કરે છે. ઉચ્ચ વર્ગની યામિની અવચવર્ગના વાળંદ કોમના બાલકરામ સાથે પ્રેમમાં છે અને એની સાથે પ્રતિલોમ લગ્ન કરવાની છે. કદલીવનમાં ક્યારેક ક્યારેક એનો ‘વંઠેલી’ તરીકે ઉલ્લેખ થાય છે. વડપીપળી રાધાના પિતા ગોવિંદની જન્મભૂમિ છે. ગોવિંદ કદલીવનમાંથી, ડ્રાઇવરની સેવામાંથી નિવૃત્ત થાય છે પછી સદાયને માટે વડપીપળીમાં વસે છે. એથી રાધા વારંવાર લાંબા સમય માટે કદલીવનમાંથી વડપીપળી જાય છે. યામિની પણ કદલીવનમાંથી ગૃહત્યાગ પછી થોડાક સમય માટે ગુપ્તવાસ માટે વડપીપળી જાય છે. આમ, રાધા અને યામિની કદલીવન અને વડપીપળીની વચ્ચે સેતુરૂપ છે. વડપીપળીમાં પૂર્વોક્ત સામાજિક સંઘર્ષના સંદર્ભમાં સ્ત્રી-પાત્રો સૂચક છે. ગોવિંદ, ગોવિંદ ભગત થયા તે પૂર્વે રાધાનું અવચવર્ગની ગરાસિયા કોમમાં જ લગ્ન કરશે, એટલું જ નહિ પણ એને કોમના ‘રિવાજ’ પ્રમાણે શ્વસુરપક્ષને સ્વીકાર્ય એટલું જ શિક્ષણ આપશે એવું સૂચન કરે છે એમાં એનું રૂઢિગ્રસ્ત અને ભીરુ માનસ પ્રગટ થાય છે. પણ પછી એ ગોવિંદ ભગત થયા પછી જ્યારે જાણે છે કે રાધા સોહનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરવાની છે ત્યારે જો એ ભારે દંડ નહિ ભરે તો ગરાસિયા કોમ એના ‘રિવાજ’ પ્રમાણે એટલે કે ઉચ્ચ વર્ગ પ્રત્યેના એના તિરસ્કારને કારણે એમનો બહિષ્કાર કરશે ત્યારે એને ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ એમ માનીને એ બહિષ્કારનો સ્વીકાર કરશે એમાં એનું રૂઢિમુક્ત સાહસિક માનસ પ્રગટ થાય છે. ઢબુ ગોવિંદની દૂરની ભત્રીજી છે. એ અવચવર્ગની ગરાસિયા કોમની સ્ત્રી છે. એણે – ચોરીમાંથી વિધવા થયા પછી એના પિતાએ પુનર્લગ્ન કર્યું છે એથી અપર માના ત્રાસને કારણે – પિતાનું ઘર ત્યજ્યું છે. પછી ગોવિંદે એને વડપીપળીમાં આશ્રય આપ્યો છે. એ સંદર્ભમાં એ યામિની જેવી વિદ્રોહી નારી છે. પણ ઉચ્ચ વર્ગની યામિની અવચવર્ગની વાળંદ કોમના બાલકરામ સાથે પ્રેમમાં છે અને એની સાથે પ્રતિલોમ લગ્ન કરવાની છે એમ જાણે છે ત્યારે પોતે અવચવર્ગની ગરાસિયા કોમની સ્ત્રી હોવા છતાં એને આઘાત થાય છે અને બાલકરામ પ્રત્યે સહાનુકંપા અને સહાનુભૂતિ થવી જોઈએ એને સ્થાને બાલકરામ ભલે તેજસ્વી અને મહત્ત્વાકાંક્ષી હોય ‘ગમે તેવો હોય, તો પણ વાળંદ તે વાળંદ જ તો’ એવા પૂર્વગ્રહ અને તિરસ્કાર સાથે પોતાનો પ્રતિભાવ પ્રગટ કરે છે. રેશમ અવચવર્ગની ઠાકરડા કોમની સ્ત્રી છે. લગ્ન પછી એને એક સંતાન છે. પણ એક વરસથી એ વિધવા થયા પછી એની સાસુને સંતાન સોંપીને એણે નાતરું કર્યું છે. ઢબુ પણ વિધવા છે, એટલું જ નહિ પણ ચોરીમાંથી વિધવા છે, એણે લગ્ન ભોગવ્યું જ નથી, એ અર્થમાં એ કુમારિકા છે. એથી જ્યારે યામિની એને પ્રશ્ન પૂછે છે કે એ રેશમની જેમ નાતરે કેમ જતી નથી? ત્યારે રેશમ તો ઠાકરડી છે, એનાથી નાતરે જવાય, પતિ જીવતો હોય તો એને ત્યજીને પણ નાતરે જવાય, પુનર્લગ્ન થાય, લગ્નવિચ્છેદ પણ થાય પણ પોતે તો ગરાસિયણ છે એથી એનાથી એવું કશું ન થાય, એવો ઉત્તર આપે છે. એટલું જ નહિ પણ ‘જે નાતનો જે રિવાજ તેને કોઈ કશું ન કહી શકે’, જે કોમનો જે રિવાજ તેને અંગે કોઈથી કશું કહેવાય કે થાય નહિ, એ તો એમ જ હોય, એમાં કશું અજુગતું કે અઘટતું નથી એમ આ રિવાજને એ અનુમતિ અને સ્વીકૃતિ આપે છે. આમ, ભિન્ન ભિન્ન કોમમાં ભિન્ન ભિન્ન રિવાજ હોય, ભેદભાવ હોય, જાતિભેદ હોય એ અસમાનતા અને અન્યાય છે એ અંગેની સભાનતા અને સજાગતાનો લોપ થયો છે, એ અંગેની સમજ અને સંવેદનાનો હ્રાસ થયો છે, એ અંગેનું સાન-ભાન નષ્ટ થયું છે, અન્યાયને અન્યાય તરીકે નાણવા-પ્રમાણવાનું બળ, અન્યાયની વિરુદ્ધ પ્રશ્નાર્થ કે પ્રતિકાર કરવાનું બળ લુપ્ત થયું છે, એટલું જ નહિ પણ આ અન્યાય એ ન્યાય છે એવી સૌ કોમોની માન્યતા અને પ્રતીતિ છે. વળી અવચવર્ગને એનો પોતાનો ઉચ્ચાવચતાક્રમ છે. અવચવર્ગની એક કોમ બીજી કોમને પોતાનાથી વધુ અવચ માને છે, ગણે છે, તો વળી એ બીજી કોમ કોઈ ત્રીજી કોમને પોતાનાથી વધુ અવચ માને છે, ગણે છે. આમ, નવલકથાકારે કદલીવન અને વડપીપળીમાં, ઉચ્ચ વર્ગ અને અવચવર્ગમાં પાત્રોના વ્યક્તિત્વના સહજ, સરલ આલેખન દ્વારા, પ્રસંગો, પરિસ્થિતિઓ તથા ઘટનાઓના સ્વાભાવિક, વાસ્તવિક નિરૂપણ દ્વારા સામાજિક સંઘર્ષનું દર્શન કર્યું-કરાવ્યું છે. એથી એમાં કોઈ સંબોધનો કે ઉદ્બોધનો નથી, કોઈ આદેશો કે ઉપદેશો નથી. એમાં નવલકથાકારની તટસ્થતા અને સમદૃષ્ટિ પ્રગટ થાય છે. નવલકથાકારને કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહ નથી, નવલકથાકાર પક્ષકાર કે પ્રચારક નથી પણ સર્જક-કલાકાર છે એની પ્રતીતિ થાય છે. વર્ણવ્યવસ્થા એટલે કે ઉચ્ચાવચતાક્રમ, જાતિભેદ અને લિંગભેદ ભારતના સમાજમાં સૈકાઓથી અસ્તિત્વમાં છે. આ વર્ણવ્યવસ્થા જ ભારતના સમાજની અધોગતિનું મૂળ છે, ભારતની નિરક્ષરતા, નિર્ધનતા અને નિરારોગ્યતાનું મૂળ છે. આ વર્ણવ્યવસ્થા આર્થિક નથી, સામાજિક છે. ભારતમાં મનુષ્ય કોઈ એક વર્ગમાં કે કોમમાં જન્મે પછી એ વર્ગમાંથી કે કોમમાંથી એની મુક્તિ નથી. જન્મને આધારે અધિકાર અને અનધિકાર નિશ્ચિત થાય છે. અધિકાર અને અનધિકાર જન્મસિદ્ધ અને જન્મજાત છે. એને પરિણામે જ ભારતના સમાજમાં અન્યાય, અસમાનતા અને અમાનુષિતા છે. એને પરિણામે જ ભારતનો સમાજ છિન્નભિન્ન અને છિન્નવિચ્છિન્ન, જીર્ણશીર્ણ અને શીર્ણવિશીર્ણ સમાજ છે. એને પરિણામે જ ભારતના સમાજમાં સેંકડો-હજારો નહિ, પણ લાખો-કરોડો બહિષ્કૃતો અને તિરસ્કૃતો, શોષિતો અને શાસિતો, દલિતો અને પીડિતો, અસ્પૃશ્યો અને અપમાનિતો છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં અસ્પૃશ્યતા જેવું અન્ય કોઈ કલંક નથી. એને કારણે જ ભારતનો સમાજ એ પાપગ્રસ્ત અને શાપત્રસ્ત સમાજ છે. આ વર્ણવ્યવસ્થા એ માનવસર્જિત દોષ, દૂષણ અને દૂરિત છે. આજ લગી ભારતભરના સૌ સમાજો એ પુરુષશાસિત સમાજો છે, આ લિંગભેદને કારણે સૌ સમાજોમાં-જાતિભેદ અને ઉચ્ચાવચતાક્રમને કારણે સવિશેષ ભારતના સમાજમાં – સ્ત્રીનું કોઈ સ્થાન, માન, સ્વમાન કે સન્માન નથી, એને કોઈ સ્વાતંત્ર્ય કે સમત્વ નથી, કોઈ આગવી ઓળખ કે વિશિષ્ટ વ્યક્તિતા નથી. જાતિભેદ ઉપરાંત આ લિંગભેદને કારણે ભારતની વર્ણવ્યવસ્થામાં સ્ત્રીઓ જાણે કે ચોથી વર્ણથી પણ વધુ અવચ એવી પાંચમી વર્ણ છે. જોકે હવે હમણાં હમણાંથી ભારતમાં આ વર્ણવ્યવસ્થાની વિરુદ્ધ પ્રશ્નાર્થ અને પ્રતિકારનો આરંભ થયો છે. ભવિષ્યમાં અસંખ્ય કર્મવીરોના અથાગ પરિશ્રમ અને પ્રચંડ પુરુષાર્થથી જ્યારે ભારતનો સમાજ જાતિભેદ, લિંગભેદ અને ઉચ્ચાવચતાક્રમથી મુક્ત થશે ત્યારે એ પાપમુક્ત, શાપમુક્ત અને કલંકમુક્ત થશે. ત્યારે એમાં ‘કદલીવન’ જેવા સાહિત્યિક પરિશ્રમ અને પુરુષાર્થનું નાનુંસૂનું અર્પણ નહિ હોય૰! નવલકથામાં ૧૮ પ્રકરણો છે. પ્રથમ પ્રકરણ ‘જન્મ-મરણ’માં રાધાનો જન્મ અને રેવાનું અવસાન થાય છે. અંતિમ પ્રકરણ ‘મૃત્યુના મુખમાંથી’માં ઝીણકાનું અવસાન થાય છે અને રાધાનો જાણે કે પુનર્જન્મ થાય છે. વચ્ચેનાં પ્રકરણોમાં આયુષ્યની વિવિધ અવસ્થાઓમાં પાત્રોનું આલેખન અને જીવનના વિવિધ પ્રસંગોમાં વસ્તુવિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉદાહરણરૂપે પ્રકરણ ૨માં રાધાનું ૬ વર્ષનું, પ્રકરણ ૩માં ૧૦ વર્ષનું, પ્રકરણ ૪માં ૧૬ વર્ષનું અને પ્રકરણ ૧૮માં ૨૦-૨૧ વર્ષનું વય છે. આમ, પ્રત્યેક પાત્રનું ચાર ચાર વર્ષના સમયાંતરે આલેખન કરવામાં આવ્યું છે. એથી નવલકથાકારને શૈશવ, કૌમાર્ય અને યૌવન એમ ત્રિવિધ અવસ્થામાં પાત્રો–સવિશેષ સ્ત્રી-પાત્રો –નું આલેખન અને પ્રસંગોનું નિરૂપણ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને એ દ્વારા પાત્રો અને વસ્તુવિષયનો વિવર્ત અને વિકાસ સિદ્ધ થાય છે. નવલકથામાં આદિથી અંત લગી નવલકથાકારની વર્ણનશક્તિ, કથનશક્તિ અને નાટ્યશક્તિનો પરિચય થાય છે. પાત્રો – સવિશેષ સ્ત્રી-પાત્રો –ના આલેખનમાં પ્રકરણ ૫, ૯ અને ૧૧માં વિવિધ વય-અવસ્થામાં પાત્રોના દેહનાં વર્ણનો અને પાને પાને પાત્રોનાં સ્વભાવનાં વર્ણનો છે. આ વર્ણનોમાં નવલકથાકારનો ઉમંગ અને ઉત્સાહ પ્રગટ થાય છે. એમણે નોંધ્યું છે, ‘યૌવનને આંગણે ઊભેલી મુગ્ધ કન્યાઓના સૌંદર્ય જેવું નયનમનોહર દૃશ્ય બીજું ભાગ્યે જ સાંપડે.’ આ વર્ણનોમાં ચિત્રાત્મકતા છે. આ વર્ણનો એવાં તો હૂબહૂ અને તાદૃશ છે કે પાત્રો પ્રત્યક્ષ સદેહે સાક્ષાત્ સન્મુખ હોય એવો વાચકને અનુભવ થાય છે. પ્રકરણ ૫ અને ૭માં સ્થળ – કદલીવન અને અમદાવાદનાં વર્ણનો છે. એ ઉપરાંત પ્રત્યેક પ્રકરણમાં કોઈ ને કોઈ ઋતુ – સવિશેષ વર્ષાઋતુ –નાં, કોઈ ને કોઈ પ્રકૃતિદૃશ્યનાં વર્ણનો છે. આ વર્ણનોમાં નવલકથાકારની નિરીક્ષણશક્તિનો અને પાત્રોના સ્વભાવનાં વર્ણનોમાં એમની મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અને વિશ્લેષણશક્તિનો પરિચય થાય છે. વસ્તુવિષયની વિભાવનામાં એમની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિનો તથા વસ્તુવિષયના વિકાસમાં કથનશક્તિનો અને સંવાદોમાં વ્યંગ, વક્રતા, નર્મમર્મ આદિ નાટ્યશક્તિનો પરિચય થાય છે. નવલકથાકારમાં સ્ત્રીહૃદયના અને પ્રથમ પ્રેમના રહસ્ય વિશેની માર્મિક સૂઝસમજ છે. પ્રકરણ ૪માં એમણે એક વિધાનમાં સ્ત્રીહૃદયનું રહસ્ય આમ પ્રગટ કર્યું છે, ‘સ્ત્રીહૃદય કોઈના ઉપર પ્રેમ ઢોળી ન શકે તો તેનું સ્ત્રીત્વ પણ જાણે જતું રહે છે.’ પ્રેમ એ જ સ્ત્રીહૃદયની, સ્ત્રીના જીવનની પરમ ચરિતાર્થતા છે. એ જ પ્રકરણમાં અંતે એમણે સોહનની સ્વગતોક્તિમાં આશ્ચર્યપૂર્ણ પ્રશ્નાર્થ દ્વારા પ્રથમ પ્રેમનું રહસ્ય આમ પ્રગટ કર્યું છે, ‘આ શું?... જે સોહન હતો તેનો તે જ નથી શું?’, ‘પણ રાધાને મેં નથી જોઈ શું?’ પ્રેમમાં મનુષ્ય પોતે એનો એ રહેતો નથી અને એનું પ્રેમપાત્ર પણ એનું એ રહેતું નથી, પ્રેમમાં પોતાનું અને પોતાના પ્રેમપાત્રનું – અને એમ તો સમસ્ત વિશ્વનું – આમૂલ પરિવર્તન થાય છે. નવલકથામાં સ્ત્રી-સુલભ એવી સીધી, સાદી અને સહજ, સરળ શૈલી છે, નિરાડંબરી અને નિરલંકારી શૈલી છે. આ નવલકથા કોઈ પક્ષકાર કે પ્રચારકની કૃતિ નથી, સર્જક-કલાકારની કૃતિ છે. એથી એમાં વાચકને આંજવા કે આકર્ષવાનો કોઈ આશય કે અભિનિવેશ નથી, એમાં કોઈ કૃત્રિમતા કે કૃતકતા નથી. નવલકથાકારનું એક સર્જક-કલાકાર તરીકે જે શીલ છે તેવી એમની શૈલી છે, એમાં રસરુચિ અને ગૌરવ-ગરિમા છે. પાત્રો સમૃદ્ધ છે અને વસ્તુવિષય સધ્ધર છે એથી કોઈ આડંબર કે અલંકાર આવશ્યક નથી. એમાં એક અપવાદ છે ઉપમા. નવલકથાકારને ઉપમાઓનો ભારે શોખ છે. એમણે ઉપમાની એક પણ તક ત્યજી નથી. લગભગ સૌ ઉપમાઓ પાત્રો અને પ્રસંગોને ઉચિત અને ઉપકારક છે. કેટલીક ઉપમાઓ તો તાઝે બતાઝે નૌ બનૌ છે, જાણે ટંકશાળામાંથી હમણાં જ બહાર પડેલા સિક્કા! પ્રકરણ ૨ના અંતે સાંકળ અને પ્રકરણ ૩ના આરંભે ખોખોની રમત જેવું એક સર્વ સાધારણ, સામાન્ય કલ્પન તો એકાએક અને અનાયાસ જ પ્રતીકમાં પરિવર્તન પામે છે. પ્રકરણ ૯માં, ‘યામિની’માં નાટકમાં હોય એમ ઉપવસ્તુ (subplot) છે. એમાં નાટ્યાત્મક નવલકથાના સ્વરૂપનો આછો અણસાર છે. યામિની અને સ્વાતિ બન્ને એક જ વર્ગનાં, ઉચ્ચ વર્ણનાં પાત્રો છે. પણ એમનાં વ્યક્તિત્વમાં નાટ્યાત્મક વિરોધાભાસ છે. પ્રકરણ ૧૦માં, ‘પાત્રોની પરંપરા’માં પત્રાત્મક નવલકથા (epistolary novel)ના સ્વરૂપનો આછો અણસાર છે. આજે જગતભરના સમાજોમાં દલિતચેતના અને નારીચેતના સક્રિય છે. જગતની એકેએક ભાષામાં દલિતચેતના અને નારીચેતનાના સાહિત્યના યુગનો આરંભ થયો છે. ‘કદલીવન’ એ ગુજરાતી ભાષામાં દલિતચેતના અને નારીચેતનાના સાહિત્યની નાંદી છે. તે છતાં અથવા એથીસ્તો એમાં આવેગ કે આવેશ નથી, ઉગ્રતા કે વ્યગ્રતા નથી, ઉન્માદ કે ઉદ્રેક નથી, આક્રોશ કે આક્રમકતા નથી, વાગ્મિતા કે વાગાડંબર નથી. કારણ કે ‘કદલીવન’ના દલિત પાત્ર બાલકરામ અને નારીપાત્ર યામિનીના વિચારોમાં શાંત તેજ છે, શાંત શક્તિ છે, એમની વાણીમાં આત્મવિશ્વાસ અને એમના વર્તનમાં આત્મશ્રદ્ધા છે, એમના વ્યક્તિત્વમાં મનોબળ અને આત્મબળ છે. બાલકરામ દલિતચેતનાનું અને યામિની નારીચેતનાનું પ્રતીક છે. ‘કદલીવન’ એ કોઈ પક્ષકાર કે પ્રચારકની કૃતિ નથી, એક સર્જક-કલાકારની કૃતિ છે. એથી એ અનુકરણીય એવી આદર્શ કૃતિ છે. ‘કદલીવન’ એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્ત્રીએ રચી હોય એવી પ્રથમ નવલકથા છે. વિનોદિની નીલકંઠ ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં પ્રથમ સ્ત્રી-નવલકથાકાર છે. ‘કદલીવન’ એમની પ્રથમ અને એકમેવ નવલકથા છે. ગુજરાતી સાહિત્યના અને નવલકથાસાહિત્યના ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે, એક ઐતિહાસિક ઘટના છે. ૧૯૪૬માં એનું પ્રથમ પ્રકાશન થયું હતું. આજે ૫૫ વર્ષ પછી એની દ્વિતીય આવૃત્તિ થાય છે, એ એકસાથે શોકદાયક અને આનંદદાયક ઘટના છે, શોકદાયક કારણ કે ૫૫ વર્ષ જેટલા સુદીર્ઘ સમય પછી એની દ્વિતીય આવૃત્તિ થાય છે, આનંદદાયક કારણ કે ૫૫ વર્ષ જેટલા સુદીર્ઘ સમય પછી પણ થાય છે ને૰! એ માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને એના સંચાલક મનુભાઈ શાહને અભિનંદન૰! સુકુમાર પરીખના પ્રેમભર્યા આગ્રહ – બલકે આદેશથી એક સદ્ગત નવલકથાકારની નવલકથાની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના લખવાનું અને એ નિમિત્તે એનો રસાસ્વાદ કરવા-કરાવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું એ માટે એમનો હૃદયથી આભાર૰! ‘કદલીવન’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક લઘુ પ્રશિષ્ટ ગ્રંથ (minor classic) તરીકેનું અધિકારપૂર્વકનું ગૌરવભર્યું સ્થાન, માન અને સન્માન પ્રાપ્ત કરશે અને ગુજરાતના નવલકથારસિકોની રસરુચિનું સંતર્પણ કરશે એની મને શ્રદ્ધા છે. નવેમ્બર ૨૦૦૧