સાહિત્યચર્યા/પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી

અંગ્રેજી ચિત્રકાર ટર્નર એમનાં સંધ્યાનાં, સૂર્યાસ્તનાં ચિત્રો માટે જગપ્રસિદ્ધ છે. એક વાર લંડનમાં એમનાં આ ચિત્રોનું એક-વ્યક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ટર્નર પ્રદર્શન સ્થળ પર ઉપસ્થિત હતા. એક સન્નારીએ પ્રદર્શનનાં સૌ ચિત્રો જોયાં પછી કંઈક જુસ્સામાં અને ગુસ્સામાં પૂછ્યું : ‘Where is Mr. Turner?’ ટર્નર પાસે જ ઉપસ્થિત હતા. એમણે પોતાનો આત્મપરિચય પેલાં સન્નારીને આપ્યો. સહેજ પણ જુસ્સા કે ગુસ્સા વિના. અને કહ્યું, ‘I am Turner.’ અને પછી પૂછ્યું, ‘What can I do for you?’ પેલાં સન્નારીએ હજુ એટલા જ જુસ્સામાં અને ગુસ્સામાં પૂછ્યું, ‘Are sunsets really like this?’ ટર્નરે હજુ પણ જુસ્સા કે ગુસ્સા વિના કહ્યું, ‘No madame, they are not; but I wish they were.’ એક કલાકારના આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો, એકસાથે એની નમ્રતા અને નિરાભિમાનતા તથા ગર્વ અને ગૌરવનો આ ઉદ્ઘોષ હતો. કલાકાર પ્રકૃતિનું અનુકરણ નહિ, સંસ્કરણ કરે છે.સર્જક સર્જનહારનો, પરમેશ્વરનો પ્રતિનિધિ નથી, પ્રતિસ્પર્ધી છે. ૧૯૯૯