સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રશ્નોત્તરી-૨

પ્રશ્ન : દિલ્હીની સાહિત્ય અકાદમીએ તમને કવિતા માટે નહિ, પણ વિવેચન માટે ૧૯૯૯નો પુરસ્કાર અર્પણ કર્યો. ૧૯૫૯માં ૩૩ વર્ષની વયે તમને કવિતા માટે આ પુરસ્કાર અર્પણ કરી શકાયો હોત. પણ છેક ૧૯૯૯માં ૭૩ વર્ષની વયે તમને વિવેચન માટે આ પુરસ્કાર અર્પણ કર્યો. કેન્દ્ર અને રાજ્યની સાહિત્ય અકાદમીઓ સર્જકોના મદ્યાહ્નકાળે નહિ પણ સંધ્યાકાળે જ પુરસ્કારો અર્પણ કરે છે. સાહિત્યની સંસ્થાઓ અને એમના પુરસ્કારો પ્રત્યે તમારો શો પ્રતિભાવ છે? ઉત્તર : આ પુરસ્કાર વિવેચનના પુસ્તકને પ્રાપ્ત થયો છે. તમારો પ્રશ્ન સાહિત્ય સંસ્થાઓ વિશે છે. અહીં દિલ્હીની સાહિત્ય અકાદમી અને એના વાર્ષિક પુરસ્કાર પૂરતો મર્યાદિત ઉત્તર જ પ્રસ્તુત છે. આજ પૂર્વે અન્ય સાહિત્ય સંસ્થાઓ તથા પુરસ્કારો, પારિતોષિકો, ચન્દ્રકો સન્માનો આદિ અંગે અન્યત્ર ઉલ્લેખ કર્યો છે, એનું પુનરાવર્તન અહીં નહીં કરું. મારા જે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તે ૧૯૫૮ પૂર્વે પ્રગટ થયા છે ત્યાર પછી છેલ્લાં પચાસ વર્ષોમાં એક પણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી. ૧૯૭૪ અને ૧૯૯૭માં એ સૌ કાવ્યસંગ્રહોનું સમગ્ર કવિતા તરીકે માત્ર પુનર્મુદ્રણ જ પ્રગટ થયું છે. આ બાર વર્ષે પણ આ બાવો – ભગત બોલે નહીં તો જગત શું કરે? સાહિત્ય અકાદમી શું કરે? અને આ વર્ષોમાં પણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હોત તો પણ નિર્ણાયકોએ એને પુરસ્કારપાત્ર કાવ્યસંગ્રહ તરીકે પસંદ કર્યા હોત અથવા ન પણ કર્યા હોત. સ્વાધ્યાય લોકના આઠ ગ્રંથ ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાંથી ગુજરાતી સાહિત્ય અંગેના વિવેચનગ્રંથો નિર્ણાયકોએ પસંદ કર્યા છે, એમાં કાવ્યસંગ્રહોને કોઈ અન્યાય થયો છે એમ માનીએ – મનાવીએ તો સાહિત્ય અકાદમીને અન્યાય થાય. આ પ્રશ્નમાં સાહિત્ય અકાદમીના વાર્ષિક પુરસ્કારો અંગે ગેરસમજ અને અણસમજ પ્રગટ થાય છે. ગુજરાતમાં લેખકો સુધ્ધાંમાં આ પુરસ્કારો વિશે માહિતીનો અભાવ છે. એથી મોટા ગજાના મનાય છે એવા લેખકો પણ માહિતીને અભાવે જાણ્યે-અજાણ્યે પણ સાહિત્ય અકાદમી વિશે ગેરસમજ અને અણસમજથી વિધાનો કરે છે. આ પુરસ્કાર લેખકના જીવનભરના અર્પણ માટે, લેખકના સમગ્ર સાહિત્ય માટે અર્પણ થતો નથી. આ પુરસ્કાર પાછલાં એક, બે કે ત્રણ વર્ષની સમયમર્યાદામાં જે પુસ્તકો પ્રગટ થયાં હોય એમાંથી જે પુસ્તક નિર્ણાયકોએ પુરસ્કારપાત્ર પુસ્તક તરીકે પસંદ કર્યું હોય તે પુસ્તકને પ્રાપ્ત થાય છે. કોઈ મોટા ગજાના અ લેખકનું પુસ્તક જે સમયે પ્રગટ થયું હોય તે જ સમયે અન્ય મોટા ગજાના બ લેખકનું પુસ્તક પ્રગટ થયું હોય અને એ બ લેખકનું પુસ્તક નિર્ણાયકોએ વધુ પુરસ્કારપાત્ર પુસ્તક તરીકે પસંદ કર્યું હોય. આ પદ્ધતિને કારણે શક્ય છે કે મોટા ગજાના અ લેખકના એકેય પુસ્તકને જીવનભરમાં ક્યારેય પુરસ્કાર પ્રાપ્ત ન પણ થાય. એમાં સાહિત્ય અકાદમીનો લેખક પ્રત્યેનો અન્યાય છે એમ માનીએ – મનાવીએ તો સાહિત્ય અકાદમીને અન્યાય થાય. કજિયો માત્ર સારા-નરસા વચ્ચે જ નથી, લેટિનમાં કહેવત છે તેમ કજિયો સારા અને વધુ સારા વચ્ચે પણ હોય છે. સહૃદયનું સમસંવેદન, ભાવકનો આનંદ એ જ અંતે તો સાહિત્યકાર માટે સાચો પુરસ્કાર છે. ક્યારેક સાહિત્યકારની સ્વીકૃતિ એના જીવનકાળમાં એની ઉપસ્થિતિમાં ન પણ થાય. એના મૃત્યુ પછી એની અનુપસ્થિતિમાં થાય તો ક્યારેક એના જીવનકાળમાં એની ઉપસ્થિતિમાં થાય અને મૃત્યુ પછી એની અનુપસ્થિતિમાં ન પણ થાય. એવું જગત સાહિત્યમાં અનેક વાર થયું છે. અંતે તો સાહિત્યકારના મૃત્યુ પછી એની અનુપસ્થિતિમાં એની સ્વીકૃતિ થાય એ જ એની સાચી સ્વીકૃતિ છે. એનો અર્થ એ જ કે એના સાહિત્યમાં એના મૃત્યુ પછી એની અનુપસ્થિતિમાં પણ એની સ્વીકૃતિ થાય એટલી એની શક્તિ છે. મરણોત્તર સ્વીકૃતિ એ જ સાહિત્યકારની પ્રામાણિક અને પ્રમાણિત એવી સાચી સ્વીકૃતિ છે. પ્રશ્ન : તમારું એક વિધાન છે, ‘કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્ય કયું? જગતમાં અને જીવનમાં સદ્-અસદ્નો જે સંઘર્ષ છે એનું સમાધાન કવિ અને કવિતા દ્વારા ક્યારેક શક્ય થશે એ સદ્ભાગ્ય? ઉત્તર : કવિ અને કવિતાનો ધર્મ સદ્-અસદ્ને સ્પષ્ટ કરવાનો છે. જગતની ઉત્તમ કવિતામાં સદ્-અસદ્નો સંઘર્ષ, દ્વિધાપ્રશ્ન કેન્દ્ર સ્થાને હોય છે. એમાં સદ્-અસદ્ અંગેનું દ્વિકેન્દ્રી દર્શન હોય છે. આ સંઘર્ષના વાદ-પ્રતિવાદ વિશે વિશદતા હોય છે. દ્વિધાપ્રશ્નનાં બન્ને પરસ્પર વિસંવાદી પદ વિશે સ્પષ્ટતા હોય છે. એમાં આ દ્વિધાપ્રશ્નનો ઉત્તર કે ઉકેલ અવશ્ય નથી. એનો સંવાદ, ઉત્તર કે ઉકેલ તો સમગ્ર મનુષ્યજાતિએ સિદ્ધ કરવાનો હોય. કવિતા એ નિદાન છે, ચિકિત્સા નથી. ચિકિત્સાની શોધ તો સમગ્ર મનુષ્યજાતિએ કરવાની હોય. કવિ અને કવિતા ન હોત, કવિતામાં આટલું પણ ન હોત તો મનુષ્યજાતિ કેવી હોત? માનવજીવન કેવું હોત? જરીક કલ્પી તો જુઓ! એથી જ કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્ય જાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે. એથી સ્તો ઑડને કહ્યું છે કે કવિતાનું કામ મનુષ્યોને એમણે શું કરવું જોઈએ એ કહેવાનું નથી, પણ મનુષ્યોનું સદ્ અને અસદ્ વિશેનું જ્ઞાન વિકસાવવાનું છે. પ્રશ્ન : તમે કવિતા રચવાનો આરંભ તો છેક ૧૯૪૩માં ૧૭ વર્ષની વયે કર્યો હતો. ૧૯૪૯માં ૨૩ વર્ષની વયે તમે તમારો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો. પછી ૧૯૫૯ લગીમાં ૧૦ વર્ષમાં તમે ૫ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. છતાં ૧૯૯૯માં ૭૩ વર્ષની વયે તમને દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અર્પણ થાય છે. તમારી કવિ તરીકેની સ્વીકૃતિ ૫૦ વર્ષ પછી થાય છે, તો તે પ્રત્યે તમારો શો પ્રતિભાવ છે? તમારા સર્જનકાળમાં સૌથી વધુ સ્મરણીય ક્ષણ કઈ? ઉત્તર : કવિતામાં કશું વહેલું મોડું થતું નથી. ન્હાનાલાલે કહ્યું છે કે કવિતા અને કાંચનને કાટ હોતો નથી. હજુ તો કાવ્યની શાહી પણ ન સુકાય અને એકનું એક કાવ્ય ત્રણ સામયિકોમાં પ્રગટ કરવા માટે મોકલવામાં આવતું હોય એ સમયમાં આવા પ્રશ્નો પુછાય એ સ્વાભાવિક છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યો તો દાયકાઓ પછી લોકકંઠમાંથી લહિયાઓની હસ્તપ્રતોમાં ગયાં ત્યારે ગ્રંથસ્થ થયાં છે. અર્વાચીન કવિઓમાં પણ બલવન્તરાયનો પ્રથમ કાવ્યસંગ્રહ એમની ૪૮ વર્ષની વયે પ્રગટ થયો હતો. ન્હાનાલાલ કાવ્યસંગ્રહના પ્રકાશનમાં સદ્ભાગી હતા. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ એમની ૨૬ વર્ષની વયે પ્રગટ થયો હતો. પણ એમનાં કેટલાંય કાવ્યો રચાયાં પછી અને કાન્ત અને રણજિતરામને વંચાવ્યાં પછી વર્ષો પછી પ્રગટ થયાં હતાં. સાફોનાં કાવ્યો વચમાં બે હજાર વર્ષ લગી લુપ્ત થયાં હતાં. ૧૯મી સદીમાં ઇજિપ્તના રણમાંથી પ્રાપ્ત થયાં ત્યાં લગી જગતને અપ્રાપ્ય રહ્યાં હતાં. કાતુલ્લુસનાં કાવ્યો વચમાં એક હજાર વર્ષ લુપ્ત થયાં હતાં. ૧૩મી સદીમાં વેરોનાના એક કલાલના ઘરમાંથી કાવ્યો પ્રાપ્ત થયાં ત્યાં લગી જગતને અપ્રાપ્ય રહ્યાં હતાં. વર્જિલે મૃત્યુશય્યા પરથી એની હસ્તપ્રતો અગ્નિને અર્પણ કરવાની એમની અંતિમ ઇચ્છા મિત્ર સમ્રાટ ઑગસ્ટસ સમક્ષ વ્યક્ત કરી હતી, પણ ઑગસ્ટસે વર્જિલની ઇચ્છા વિરુદ્ધ એનું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. એલિઝાબેધન યુગના અનેક કવિઓનાં કાવ્યોનો – મુદ્રણયંત્ર અસ્તિત્વમાં આવ્યું હતું, પણ હજી સુલભ થયું નહોતું એથી – હસ્તપ્રતમાં જ પ્રસાર-પ્રચાર થયો હતો. એમિલી ડિકિન્સનનાં બે હજાર જેટલાં કાવ્યો એમના અવસાન લગી એમના ટેબલના ખાનામાં જ અકબંધ રહ્યાં હતાં. યાદી બહુ લાંબી છે, એથી અહીં જ અટકાવું છું. સર્જક તરીકેની સ્વીકૃતિનો ઉત્તર પ્રશ્ન ૧ના ઉત્તરમાં આવી ગયો છે. ‘ગાયત્રી’ની પૂર્ણાહુતિની ક્ષણ એ સર્જક તરીકેની એક સ્મરણીય ક્ષણ છે. પ્રશ્ન : એકાન્ત અને એકલતાનો ભાવ એ તમારો સ્થાયી ભાવ છે. એનું કારણ? એ તમારા જીવન અને કવનનું પ્રેરક પરિબળ છે. એનું પરિણામ? ઉત્તર : જીવનમાં પિતાની શોધ અને કવિતામાં શૈશવની શોધ. મારું શૈશવ એ મારા જીવનનો સંપૂર્ણ સુખનો સમય હતો. મારે શૈશવ નામનું એક સ્વર્ગ હતું. પિતાના ગૃહત્યાગને કારણે શૈશવનું એ લીલું લીલું સ્વર્ગ અલોપ થયું, એથી સ્તો એકાંત અને એકલતાનો અનુભવ થયો. કવિતામાં એ શૈશવ શોધું છું. એ સ્વર્ગની પુન: પ્રાપ્તિનો પ્રયત્ન છે. નિષ્ફળ પ્રયત્ન છે. એ એકાંત અને એકલતાને સભર અને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન છે. નિષ્ફળ પ્રયત્ન છે. જીવનમાં પિતાની શોધ અને કવિતામાં શૈશવની શોધ નિષ્ફળ જશે, હજુ વધુ પ્રયત્ન થશે અને જો નિષ્ફળ જશે તો મૃત્યુમાં અને મૌનમાં એ કદાચ સફળ થશે એવું આજે લાગે છે. પ્રશ્ન : યંત્રવિજ્ઞાનના યુગમાં સમાજ અને સંસ્કૃતિની ગતિ-વિધિ કેવી હશે? ઉત્તર : આનંદપ્રદ, કારણ કે યંત્રવિજ્ઞાનની શોધ એક અપૂર્વ શોધ છે, એ એક અદ્ભુત-અભૂતપૂર્વ ક્રાંતિ છે, એ એક પ્રચંડ આંધી છે. એની પ્રકાંડ શક્તિ છે. એની તુલનામાં મનુષ્યજાતિએ આજ લગી જે આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાંતો અને સંસ્થાઓનું સર્જન કર્યું છે તે તૃણવત્ છે. એમાં જો પરિવર્તન નહિ થાય તો દૂર અદૂરના ભવિષ્યમાં એ કાલગ્રસ્ત થશે એવું આજે જણાય છે, પણ એક નૂતન સમાજ અને સંસ્કૃતિનો આરંભ થશે, રવીન્દ્રનાથને આ સમાજ અને સંસ્કૃતિનું આર્ષદર્શન હતું. એમના શબ્દોમાં એ વૈશ્વિક માનવતાવાદી સમાજ અને સંસ્કૃતિ હશે. પ્રશ્ન : અર્વાચીન જગતકવિતામાં અને ગુજરાતી કવિતામાં તમારો પ્રિય કવિ કોણ? અને શાથી? ઉત્તર : વિશ્વકવિતામાં અને ગુજરાતી કવિતામાં અનેક પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન કવિઓ પ્રિય છે. પણ એમાં સૌથી વધુ પ્રિય તો છે ૧૯મી સદીના મધ્યભાગના ફ્રેંચ કવિ શાર્લ બોદલેર. મોટા ભાગના વિદ્યમાન ગુજરાતી કવિઓ આજે ૨૦મી સદીમાં પણ ૧૫મી કે ૧૯મી સદીની કવિતા રચે છે. બોદલેરે ૧૯મી સદીમાં હવે પછીની સદીઓની કવિતા આગોતરી રચી છે. એમણે મનુષ્યની ભૌતિકતા અને નૈતિકતાની ખાઈની કવિતા રચી છે. એમની કવિતામાં ક્રૂર-નિષ્ઠુર એવું આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ, આત્મવિશ્લેષણ અને આત્મવિવેચન છે. એમણે એક વિજ્ઞાની કે એક સંતની સંપૂર્ણ એકાગ્રતા અને એકનિષ્ઠતાથી સંપૂર્ણ શિસ્ત અને સંયમથી કવિતા રચી છે. એમનાં કાવ્યો એમના જ શબ્દોમાં ‘દૂરિતનાં પુષ્પો’ છે. ગુજરાતી કવિતામાં સૌથી વધુ પ્રિય કવિ છે બલવન્તરાય. એમનામાં જે ઐતિહાસિક દૃષ્ટિ છે એ કારણે. આ ઐતિહાસિક દૃષ્ટિ કોઈ મધ્યકાલીન કે અર્વાચીન કવિમાં જ નહિ, કોઈ સર્જકમાં પણ નથી. આ ઐતિહાસિક દૃષ્ટિ એમના પ્રસિદ્ધ કાવ્ય ‘આરોહણ’માં આ પંક્તિઓમાં પ્રગટ થાય છે : ‘નિહાળું જગચિત્રની પલટતી જ છાયા-પ્રભા, . . . . . અને વિધિ સમુદ્રમાં નીરખું ભંગ સંકલ્પના.’ પ્રશ્ન : ભવિષ્યની કવિતા કેવી હશે? ઉત્તર : ભવિષ્યની કવિતા એ મંત્ર કવિતા જ હશે, કારણ કે એમાં ભૌતિકતા અને નૈતિકતાનો દ્વિધાપ્રશ્ન કેન્દ્રમાં હશે. એમાં આ દ્વિધાપ્રશ્નનો ઉત્તર, અલબત્ત, નહીં હોય, પણ જેના વિના એ ઉત્તર અશક્ય એવું યંત્ર અને મનુષ્ય વિશેનું દ્વિકેન્દ્રી દર્શન અવશ્ય હશે. એમાં મનુષ્યની ભૌતિક શક્તિ અને નૈતિક શક્તિ વચ્ચે સુમેળ અને સંવાદ સિદ્ધ થાય એ માટે આ વિવાદના વાદ-પ્રતિવાદ વિશે વિશદતા હશે. આ દ્વિધાપ્રશ્નના પરસ્પર વિરોધી એવાં બે પદ વિશે સ્પષ્ટતા હશે. એમાં યંત્ર અને તંત્ર – અર્થતંત્ર અને રાજ્યતંત્ર – દ્વારા સંવાદિતા સિદ્ધ થાય એ માટેનો મંત્ર હશે. એ કવિતા ભવિષ્યની મંત્રકવિતા હશે. અન્ય પ્રકારની કવિતા રચાશે પણ તે કાલગ્રસ્ત ગણાશે. પ્રશ્ન : ૧૯૫૯ પછી તમે એક પણ કાવ્ય કર્યું નથી અને ક્યારેક જ કાવ્ય કર્યું તે પ્રાસંગિક કાવ્ય છે એનું કારણ? ઉત્તર : કાવ્ય કર્યું કે થયું ત્યારે કેમ કર્યું કે થયું એની ખબર નથી, તો કાવ્ય ન કર્યું કે ન થયું ત્યારે કેમ ન કર્યું કે ન થયું એની ખબર ક્યાંથી હોય? જો ખબર જ હોય તો તો કાવ્ય કર્યું હોત, કાવ્ય થયું હોત ને. કાવ્ય કરવું ન કરવું, કાવ્ય થવું ન થવું એ કવિના હાથની વાત હતી જ ક્યારે? કાવ્ય સંકલ્પથી ન થાય. કાવ્ય તો સૂઝે. વાલેરીએ કહ્યું છે કે ‘કાવ્યની પ્રથમ પંક્તિ તો દત્ત’ હોય છે, એને તેઓ ‘દોને’ કહે છે. એ એક દેણગી છે. રિલ્કે અને એલિયટને એનો અનુભવ હતો. પછીની પંક્તિઓ આ પ્રથમ પંક્તિમાંથી વિકસે-વિસ્તરે છે. વળી વાલેરીએ કહ્યું છે કે કાવ્ય કદી પૂરું થતું જ નથી. કવિ એને ત્યજી દે છે. જે પંક્તિ એ ત્યજી દે છે એને કાવ્યનો અંત કહેવામાં આવે છે. કાવ્યનો અંત એ કવિની ભારે મોટી કસોટી છે. આમ કાવ્યનો આરંભ, કાવ્યનો વિકાસ-વિસ્તાર અને કાવ્યનો અંત કવિની સિદ્ધિ હતી જ ક્યારે? પ્રશ્ન : તમે ૩૬ વર્ષ લગી અધ્યાપન કર્યું છે. તમારા આ દીર્ઘ અનુભવને આધારે આજના શિક્ષણમાં જે દોષો અને દૂષણો છે એનું શું કારણ છે? ઉત્તર : આજના શિક્ષણની કરુણતાનો યશ રાજ્ય, શિક્ષણસંસ્થાઓ, શિક્ષકો અને વાલીઓને જ આપવો રહ્યો. એમનામાં ગુણો અને સદ્ભાવ અલ્પ છે. દોષો અને દૂષણો અઢળક છે. સૌએ મોટે ભાગે અને વિદ્યાર્થીઓને ભોગે એમનો સ્વાર્થ સાધ્યો છે. એ સૌના જો કોઈ ભોગ બન્યા હોય તો તે એકમાત્ર વિદ્યાર્થીઓ જ. શિક્ષણમાં આ ચતુરંગમાં વિદ્યા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ એ જ આજના શિક્ષણની કરુણતાનું મુખ્ય કારણ છે. પણ હવે યંત્રવિજ્ઞાનના યુગમાં કમ્પ્યુટર અને ટેલિવિઝનને કારણે આજે જગત ખુલ્લું થયું છે ત્યારે હવે પછીના વિદ્યાર્થીઓ જગતભરમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. પ્રશ્ન : ૨૦મી સદીના તમારા આદર્શ વિવેચકો અને ૨૦મી સદીના ઉત્તરાર્ધના તમારા આદર્શ કવિઓ કોણ છે? ઉત્તર : બળવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકર. આ ત્રણ વિવેચકોના વિવેચન ઉપરાંત કોઈ ચોથા વિવેચકનું વિવેચન મારે માટે આદર્શ વિવેચન રહ્યું હોત તો એનો ઉલ્લેખ કર્યો હોત! કવિઓમાં આદર્શ કવિઓ તરીકે લાભશંકર અને સિતાંશુનો ઉલ્લેખ વારંવાર કર્યો જ છે. અહીં બળવન્તરાયની પંક્તિઓનું સ્મરણ થાય છે. ‘થળ થળ હંસ ન હોય, થળ થળ ન્હૈ ઋષિ ન્હૈ કવિ, થળ થળ કવિતા ન્હોય, સૂડા સવેય કીર ન્હૈ.’ પ્રશ્ન : વૈદિક યુગથી અર્વાચીન યુગ લગીના ભારતીય સાહિત્ય પ્રત્યે તમારો શો પ્રતિભાવ છે. વિશ્વસાહિત્યમાં એનું શું સ્થાન છે? ઉત્તર : વેદો, ઉપનિષદો, આદિ ગ્રંથો એ તત્ત્વજ્ઞાનના ગ્રંથો છે. એ સર્જનાત્મક સાહિત્યની કલાકૃતિઓ નથી. ગીતા તો મહાકાવ્યનો ‘મહાભારત’નો અંતર્ગત અંશ છે. પ્રાચીન યુગમાં વાલ્મીકિ અને વ્યાસનાં મહાકાવ્યો, ભાસ, કાલિદાસ, ભવભૂતિ અને શૂદ્રકનાં નાટકો, મધ્યકાલીન યુગમાં સંતકવિઓનાં કાવ્યો અને અર્વાચીન યુગમાં રવીન્દ્રનાથનાં કાવ્યો – ભારતીય ભાષાઓની આ કૃતિઓનું જગતસાહિત્યમાં સ્થાન છે. આવી કૃતિઓ જગતસાહિત્યમાં પણ જૂજ છે. પ્રશ્ન : યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિના આહ્વાન પ્રત્યે સર્જકોનો, સાહિત્યકારોનો શો પ્રતિભાવ હશે? ઉત્તર : આરંભમાં જ્યારે બોલાતો શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારે આદિવાસીઓનો સમાજ અસ્તિત્વમાં આવ્યો હતો. એ ખુલ્લો સમાજ ન હતો, બંધ સમાજ હતો. લિપિની શોધ પછી લેખિત શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જોકે હસ્તપ્રતોની સંખ્યા અને સિદ્ધિ સીમિત હતી છતાં હવે સત્તા, ધર્મસંસ્થામાં, ધર્મપુરુષોમાં, બ્રાહ્મણોમાં કેન્દ્રિત ન હતી. અન્ય સંસ્થામાં, રાજપુરુષોમાં, ક્ષત્રિયોમાં કેન્દ્રિત હતી. એથી રાજ્યો, મહારાજ્યો, સામ્રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં. હવે એ સહેજ ખુલ્લો સમાજ હતો. મુદ્રણયંત્રની શોધ પછી મુદ્રિત શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ‘લોકો’ અને ‘રાષ્ટ્રો’ અસ્તિત્વમાં આવ્યાં હતાં. હવે એ વધુ ખુલ્લો સમાજ હતો. એ ગ્રંથકેન્દ્રિત, ગ્રંથશાસિત સમાજ હતો. આજે હવે કમ્પ્યુટર અને ટેલિવિઝન દ્વારા પૃથ્વી પરના પ્રત્યેક મનુષ્યનો અન્ય પ્રત્યેક મનુષ્ય સાથે સીધો સંબંધ સ્થપાયો છે ત્યારે વૈશ્વિક મનુષ્ય, વૈશ્વિક સમાજ અને વૈશ્વિક સંસ્કૃતિ અસ્તિત્વમાં આવશે. એ સમાજ સંપૂર્ણપણે ખુલ્લો સમાજ હશે. સમગ્ર જગત એક વિશ્વનગર રૂપે સિદ્ધ થશે. મનુષ્યમાત્રને સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વનાં મૂલ્યો સુલભ થશે. રવીન્દ્રનાથને જેનું આર્ષદર્શન હતું તે વૈશ્વિક માનવતાવાદ અસ્તિત્વમાં આવશે, એમાં ગ્રંથનું અસ્તિત્વ અવશ્ય હશે પણ તે કાગળ પર નહીં, પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર, પરદા પર હશે. ગ્રંથનું આ નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવી રહ્યું છે. આજે સમગ્ર જગતમાં અને ગુજરાતમાં પણ ત્વરિત ગતિથી આ પરિવર્તન આવી રહ્યું છે. સર્જકો, જગતભરના સર્જકો અને ગુજરાતના સર્જકો એનું સ્વાગત અવશ્ય કરશે એની મને શ્રદ્ધા છે. ફેબ્રુઆરી ૨૦૦૨