સાહિત્યચર્યા/મારી સર્જનપ્રક્રિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારી સર્જનપ્રક્રિયા

આરંભમાં જ મારા વિવેચનગ્રંથ ‘ગુજરાતી સાહિત્ય : પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ’ને ૧૯૯૯ના વાર્ષિક પુરસ્કાર માટે પસંદ કરવા બદલ સાહિત્ય અકાદમી પ્રત્યે મારો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે પુરસ્કારનો સ્વીકાર કરવામાં મારો આનંદ પણ વ્યક્ત કરું છું. અત્યારે અહીં મને મારી સર્જનપ્રક્રિયા વિશે ટૂંકું વક્તવ્ય કરવાનું કહેવામાં આવ્યું છે. સર્જનપ્રક્રિયા એ બૌદ્ધિક વિશ્લેષણથી પર છે. અંતે તો એ એક રહસ્યમય પ્રક્રિયા છે અને એથી એ શબ્દાતીત છે. આ કારણે પોતાની સર્જનપ્રક્રિયા વિશે વક્તવ્ય કરવું સહેલું નથી. છતાં, પ્રયત્ન કરીશ. હું નગરનું સંતાન છું. મારો જન્મ ૧૯૨૬માં અમદાવાદમાં થયો હતો. એક મુસ્લિમ સુલતાન અહમદશાહે ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના કરી હતી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજોના અમલમાં આ મધ્યકાલીન નગરનું આધુનિક ઔદ્યોગિક નગરમાં પરિવર્તન થયું હતું. મારા જન્મ સમયે સાબરમતી નદીના વામ તટ પર લગભગ ૬૬ મિલો હતી અને દક્ષિણ તટ પર ગાંધીજીનો આશ્રમ હતો. આ વિધિનિર્માણ એ યંત્ર અને મંત્ર વચ્ચેના, ભૌતિકતા અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે. એમાં તંત્ર દ્વારા એટલે કે સંવાદી વ્યવસ્થા દ્વારા આ સંઘર્ષનું સમાધાન કરવાનું આહ્વાન પણ છે. આ વિધિનિર્માણ મારા જીવનનો અને મારી ઉત્તરાર્ધની કવિતાનો સામાજિક સંદર્ભ છે, આ યુગચેતના મારી સર્જનપ્રક્રિયામાં સતત સક્રિય રહી છે. મારો જન્મ વેપારીઓના કુટુંબમાં થયો હતો. મારા પિતામહ ગાંધી, તજ-લવિંગના વેપારી હતા. એ ઉત્તરજીવનમાં ભક્તિ ભણી વળ્યા હતા અને એક ભજનમંડળીમાં ભળ્યા હતા. એથી એમનું ‘ભગત’ એવું ઉપનામ પડ્યું હતું. મારા માતામહ શરાફ હતા. એમને પૂર્વજીવનમાં કાવ્યો રચવામાં અને વાદ્યો વગાડવામાં રસ હતો. મારા પિતાજી એક અગ્રણી મિલમાલિકના રહસ્યમંત્રી હતા. ૧૯૩૬માં મારું ૧૦ વર્ષનું વય હતું ત્યારે એમણે ગૃહત્યાગ કર્યો હતો. આ મારા જીવનની સૌથી કરુણ ઘટના હતી. પરિણામે, મારી માતા એમના ત્રણ નાની વયના પુત્રો સાથે એમના પિતાને ઘેર પિયરમાં રહેવા ગયાં હતાં. એમની શ્રદ્ધા અને સહનશીલતાને કારણે એમના ત્રણે પુત્રોએ જીવનને જીરવવા માટેનું પર્યાપ્ત સામર્થ્ય અને શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યાં લગી, ૧૮ વર્ષ લગી, ૧૯૫૪ લગી પિયરમાં રહ્યાં હતાં. હું એક સુખી બાળક હતો, બલકે મોઢે ચડાવેલો બાળક હતો. હું મારા માતાપિતાનું પ્રથમ સંતાન હતો. એથી લાડકોડમાં ઊછર્યો હતો. અચાનક જ મારા પિતાના ગૃહત્યાગને કારણે મારું શૈશવનું એ લીલું લીલું સ્વર્ગ અલોપ થયું. ત્યારથી હું સતત ‘પિતા’ની અને લુપ્ત શૈશવની અવિરત શોધમાં જીવું છું, એકાન્ત અને એકલતાના અનુભવ સાથે જીવું છું. મારા કુટુંબની આ ભૂમિકા અને મારા શિશુવય તથા કિશોરવયના આ અનુભવો કદાચ મને કવિતા રચવા માટે પ્રેરી શક્યા હોત. પણ એમ બન્યું નહિ. હું કવિતા રચી શકું અથવા મારે કવિતા રચવી જોઈએ એવું ત્યારે મેં વિચાર્યું ન હતું અને ત્યાર પછી પણ કદી વિચાર્યું ન હોત, જો ૧૯૪૧માં મને એ અંગે સભાન કરે અને મને કવિતા રચવા પ્રેરે એવી ઘટના ઘટી ન હોત તો! ૧૯૪૧માં મારું ૧૫ વર્ષનું વય હતું ત્યારે રવીન્દ્રનાથનું અવસાન થયું. એમનું અવસાન મારી સંવેદનાને સ્પર્શી ગયું. મેં અંગ્રેજી અનુવાદમાં એમના જેટલા કાવ્યસંગ્રહો હતા એ સૌનું વાચન કર્યું. મેં એનું અમોઘ આકર્ષણ અનુભવ્યું. કવિતા સાથેનું આ મારું પ્રથમ મિલન હતું. એના સંમોહનમાં મેં અંગ્રેજીમાં સો જેટલાં કાવ્યો રચ્યાં. એમાં વિવેકશૂન્યતા હતી. પણ આ આકર્ષણ અનિરુદ્ધ હતું. પછી મેં રવીન્દ્રનાથનાં કાવ્યો એમની અન્-અનુકરણીય એવી મૂળ બંગાળી ભાષામાં વાંચવા માટે સ્વપ્રયત્નથી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો. આ બીજી વારના સંમોહનમાં પણ મેં બંગાળીમાં બે કાવ્યો રચ્યાં. એમાં પણ વિવેકશૂન્યતા હતી. પણ આ આકર્ષણ પણ અનિવાર્ય હતું. પછી જ મને સમજાયું કે માતૃભાષા સિવાયની કોઈ પણ અન્ય ભાષામાં કવિતા રચવી લગભગ અશક્ય છે, પછી ભલે ને એ અન્ય ભાષા અંગ્રેજી હોય કે બંગાળી હોય. ત્યાર પછી જ, ૧૯૪૩માં મેં મારી માતૃભાષા ગુજરાતીમાં કવિતા રચવાનો આરંભ કર્યો. આ જ બે વર્ષો દરમ્યાન મારા ગુજરાતીના શિક્ષકે વર્ગમાં ગુજરાતી કવિતાના છંદોની એમની સૂક્ષ્મ સૂઝસમજથી ગુજરાતી કવિતાનું એવું તો અર્થપૂર્ણ વાચન કર્યું કે ગુજરાતી કવિતાની લયસૃષ્ટિનો મને આત્મીય પરિચય થયો. આ અનુભવમાંથી મને કેટલાક મૂલ્યવાન પાઠ ભણવાનું થયું : કવિતા તો માતૃભાષામાં જ રચાય, એથી યે વિશેષ તો કવિતાની ભાષા એ માતૃભાષાની અંતર્ગત એવી એક વિશિષ્ટ ભાષા છે; એ માત્ર લોકો જે ભાષા રોજબરોજ બોલે છે તે ભાષા નથી પણ લોકો જે ભાષા રોજબરોજ બોલે છે તે ભાષામાંથી કવિ જે ભાષા પસંદ કરે છે તે ભાષા છે. ‘લોકોની ભાષાને વધુ શુદ્ધ અર્થ અર્પણ કરવો’ એ કવિનો ધર્મ છે. મેં યુવાવયમાં, ૧૯૪૩થી ૧૯૫૩ લગી પ્રેમ, પ્રકૃતિ અને પ્રસંગોપાત્ત સામાજિક સભાનતા વિશેનાં ‘મેટાફીઝિકલ’ – દ્વિધાભાવપ્રધાન – કાવ્યો રચ્યાં હતાં. એમાં પ્રશિષ્ટ સ્વરૂપમાં રોમેન્ટિક સંવેદના પ્રગટ થાય છે. એમાં રવીન્દ્રનાથનો આભાર માનવો રહ્યો. આ કાવ્યો આત્મલક્ષિતા, ભાવોદ્રેક, ઇન્દ્રિયરાગ અને લયકેફનાં કાવ્યો છે. આ કાવ્યોના કેન્દ્રમાં બે પરસ્પર પૂર્તિરૂપ અથવા પ્રતિકારરૂપ વિચારો અથવા ઊર્મિઓ વચ્ચે વિરોધાભાસ અથવા સમતુલા છે. આ કાવ્યોમાં વક્રતા એ સુશ્લિષ્ટ એકતા સિદ્ધ કરવાનું ચાલક તત્ત્વ છે. આ કાવ્યો દ્વારા મેં મારા એકાન્ત અને એકલતાના અનુભવને અતિક્રમી જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એ પ્રયત્નમાં હું નિષ્ફળ રહ્યો છું. ૧૯૪૬માં હું મુંબઈ ગયો – એક આધુનિક ઔદ્યોગિક નગરમાંથી અન્ય વધુ આધુનિક ઔદ્યોગિક એવા મહાનગરમાં ગયો. અંગ્રેજી સાહિત્યનો પૂર્વસ્નાતક અભ્યાસ કરવા હું બે વર્ષ મુંબઈમાં રહ્યો. પછી ૧૯૫૦થી અમદાવાદથી આર્ટ્સ કૉલેજોમાં અધ્યાપક હતો એથી ત્યાર પછીના પણ ૧૨ વર્ષ લગી ઉનાળા, શિયાળા અને નાતાલની બધી લાંબીટૂંકી રજાઓમાં પણ મુંબઈમાં રહ્યો હતો. આ દોઢેક દાયકાના સમયમાં હું મુંબઈના રાજમાર્ગો પર અને નાની-મોટી ગલીઓમાં સવાર, બપોર, સાંજ અને મધરાત દરમ્યાન રખડ્યો હતો, ક્યારેક નિર્જન એકાન્તમાં તો ક્યારેક માનવસમૂહમાં. આ રખડપટ્ટીમાં રાજમાર્ગો અને ગલીઓનાં વિવિધ દૃશ્યો, અવાજો, સુગંધ-દુર્ગંધો; સ્થળ અને કાળનાં વિવિધ સ્વરૂપો, મનુષ્યોના વિવિધ માનસ-મિજાજો તથા મહાનગરના ચિત્રવિચિત્ર માનવસમૂહોનાં રહસ્યો જેમાં વ્યક્ત થાય એવાં શબ્દગુચ્છો, પંક્તિખંડો, કલ્પનો અને લયો સાથે આકસ્મિક આશ્ચર્ય થાય એમ ભટકાયો હતો. ૧૯૪૬થી ૧૯૫૬ લગીમાં મેં ૧૬ કાવ્યો રચ્યાં હતાં અને એમાંનાં કેટલાંક કાવ્યો સાહિત્યિક સામયિકોમાં અવારનવાર પ્રગટ કર્યાં હતાં. અંતે ‘પ્રવાલદ્વીપ’ શીર્ષકથી એકત્રિત કર્યાં હતાં અને ૧૯૫૬માં ગ્રંથરૂપે પ્રગ કર્યાં હતાં. આ નગરકવિતા છે, નાગરિકતાની કવિતા છે, એક માયાવી નગરીના નાગરિક અનુભવોની કવિતા છે. આ પરલક્ષિતા, બૌદ્ધિકતા, રહસ્યમયતા અને બોલચાલની ભાષાની કવિતા છે. કવિવિવેચકો માને છે કે ‘પ્રવાલદ્વીપ’થી ગુજરાતી કવિતામાં આધુનિકતાના યુગનો આરંભ થયો છે. આ કાવ્યોમાં પણ મેં મારા એકાન્ત અને એકલતાના અનુભવને વ્યાપક સંદર્ભમાં અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં યોજી – સંયોજીને એને અતિક્રમી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નમાં પણ હું પુનશ્ચ નિષ્ફળ રહ્યો હતો. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોના કેન્દ્રમાં ભૌતિકતા અને નૈતિકતા વચ્ચેનો સંઘર્ષ છે. ૧૯૫૭-૧૯૫૮માં આ સંઘર્ષના સમાધાનનાં પરલક્ષી કાવ્યો અને સાથે સાથે મારા એકાન્ત અને એકલતાના અનુભવનાં આત્મલક્ષી કાવ્યો રચ્યાં અને ‘૩૩ કાવ્યો’ શીર્ષકથી ૧૯૫૮માં પ્રગટ કર્યાં. પણ ‘પ્રવાલદ્વીપ’ની કવિતાને – સવિશેષ તો એમાં પરાકાષ્ઠારૂપ બે કાવ્યો ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ને – આ કવિતા અતિક્રમી શકી નહિ. અચાનક જ કાવ્યો રચવાનું બંધ થયું. પછી જે મૌન જન્મ્યું તેનો આજ લગી – બે પ્રાસંગિક કાવ્યોના અપવાદ સાથે – ભંગ થયો નથી. આ મૌનનો ભંગ થશે? થશે તો ક્યારે અને કેવી રીતે થશે? જાણતો નથી. એ ધન્ય ક્ષણની આજ લગી સતત આટલાં વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યો છું. જો આ મૌનનો ભંગ થશે તો હું આટલું જાણું છું કે આજ પૂર્વે જે કવિતા રચી છે તે કવિતાનું મારે પુનરાવર્તન કરવાનું નથી, એની પ્રતિકૃતિ કરવાની નથી, એમાં પાણી ઉમેરીને એને પાતળી કરવાની નથી; મારે એને અતિક્રમી જવાની છે. એમ ન થવાનું હોય તો આ મૌનનો ભંગ કદી ન થજો! કારણ કે મૃતપ્રાય: સંગીતથી તો ગૌરવપૂર્ણ મૌન વધુ કાવ્યમય છે. મને મારી સર્જનપ્રક્રિયા વિશે ટૂંકું વક્તવ્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. પણ સાહિત્ય અકાદમીએ મારા વિવેચનગ્રંથને પુરસ્કાર માટે પસંદ કર્યો છે. એથી અંતમાં મારા વિવેચન વિશે કંઈ નહિ તો પાદટીપ રૂપે પણ બે શબ્દો કહું તો એ વાજબી ગણાશે. મેં ૬ કાવ્યસંગ્રહો અને ૯ વિવેચનગ્રંથો પ્રગટ કર્યા છે. મેં કાર્યશીલ કવિતાલેખક તરીકે અને સાહિત્યના અધ્યાપક તરીકે વિવેચન કર્યું છે. આ વિવેચન અનેક ભાષાઓના સાહિત્ય – ગુજરાતી, બંગાળી, અંગ્રેજી, અમેરિકન અને યુરોપીય સાહિત્ય – વિશેનું તથા કવિ અને કવિતા વિશેનું વિવેચન છે. લગભગ ૫૦ વર્ષના દીર્ઘ સમય દરમ્યાન અનેક સ્વરૂપો – નિબંધો, વ્યાખ્યાનો, લેખિત વક્તવ્યો, કટારો, અંજલિઓ, મૃત્યુલેખો આદિ –માં લખાયું-બોલાયું છે, અવારનવાર અનેક સાહિત્યિક સામયિકોમાં છૂટકછૂટક પ્રગટ થયું છે અને અંતે ૯ ગ્રંથોમાં એકત્રિત થયું છે. એક વિવેચનગ્રંથ ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ – ૧૯૭૫માં પ્રગટ થયો હતો, અન્ય સમગ્ર વિવેચન ‘સ્વાધ્યાયલોક’ શીર્ષકથી શ્રેણિરૂપે ૮ ગ્રંથોમાં ૧૯૯૭માં પ્રગટ થયું હતું. સાહિત્ય અકાદમીએ જે ગ્રંથ ‘ગુજરાતી સાહિત્ય : પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ’ ૧૯૯૯ના પુરસ્કાર માટે પસંદ કર્યો છે તે આ શ્રેણિના ભાગરૂપ છે. એમાં મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશેનું વિવેચન છે. કવિતા અને વિવેચન પરસ્પરને પ્રેરક અને પોષક હોય છે. કવિમાં સર્જન માટેની કલ્પના અને વિવેચન માટેની બૌદ્ધિકતા બન્ને હોય એ અનિવાર્ય છે. આશા છે કે મારે વિશે એમ હોય! આભાર. (સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીના ઉપક્રમે ૧૯૯૯ના પુરસ્કાર અર્પણ સમારંભ પ્રસંગે ‘ધ રાઈટર્સ મીટ’ – લેખક મિલન – માં અંગ્રેજી વ્યાખ્યાન ‘My Creative Process’નો અનુવાદ. ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૨)