સાહિત્યચર્યા/લોકહૃદયમાં હાર્ડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકહૃદયમાં હાર્ડી

૧૯૨૮માં પ્રસિદ્ધ મહાન અંગ્રેજ કવિ અને નવલકથાકાર ટોમસ હાર્ડીનું અવસાન થયું. હાર્ડીએ એમનાં કાવ્યોમાં અને એમની નવલકથાઓમાં ડોર્સેટના ગ્રામપ્રદેશો અને ગ્રામજનોનું પારાવાર પ્રેમપૂર્વક અદ્ભુત અને અસાધારણ નિરૂપણ કર્યું છે. એમાં એમણે ડોર્સેટને ‘વેસેક્સ’ (Wessex)ના કાલ્પનિક નામથી રજૂ કર્યું છે. એથી હવે અંગ્રેજ પ્રજા ડોર્સેટનો ‘હાર્ડીના વેસેક્સ’ (Hardy’s Wessex) તરીકે ગર્વ અને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. હાર્ડીનો જન્મ ડોર્સેટમાં ડોર્ચેસ્ટર ગામમાં, ૧૮૪૦માં. ૧૮૬૨ લગી યુવાવસ્થામાં અને ૧૮૮૬ પછી વૃદ્ધાવસ્થામાં આયુષ્યના અંત લગી એ એમના જન્મસ્થાન ડોર્સેટમાં ડોર્ચેસ્ટરમાં વસ્યા હતા. વચમાં ૧૮૬૨થી ૧૮૮૬ લગી ૨૫ વર્ષ લગી એમની મધ્યાવસ્થામાં તેઓ મુખ્યત્વે લંડનમાં વસ્યા હતા. ૧૮૨૮માં ૮૮ વર્ષની વયે ડોર્ચેસ્ટરમાં એમનું અવસાન થયું. ત્યારે લંડનમાં એમની દફનવિધિ માટે એક સમિતિ રચવામાં આવી હતી અને લંડનમાં વેસ્ટમિનિસ્ટર એબીમાં પોએટ્સ કોર્નરમાં (કેટલાક અન્ય મહાન સાહિત્યકારોની જેમ) એમને દફનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એમની અંતિમયાત્રામાં એમની શબવાહિનીને બર્નાડ શો, કિપલિંગ આદિ તે સમયના મહાન સાહિત્યકારોએ ખભો આપ્યો હતો. દફનક્રિયા પૂર્વે ડોર્સેટના કોઈ અનામી અદના આદમીએ દફનવિધિ માટેની સમિતિને એક પાર્સલ પાઠવ્યું હતું. એ પાર્સલમાં ડોર્સેટની માટી હતી અને સાથે એક પત્ર હતો. એ પત્રમાં સિમિતિના સભ્યોને વિનંતી હતી કે હાર્ડીના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવે તે પૂર્વે એમણે જીવનભર જે ગ્રામપ્રદેશને અને જેના ગ્રામજનોને ચાહ્યા છે તે ડોર્સેટની માટી એમના મૃતદેહ પર પધરાવવામાં આવે, કારણ કે કબરમાં પણ પોતાના આ પ્રિય કવિને ડોર્સેટની માટીની ખોટ સાલવી ન જોઈએ. ઇંગ્લંડમાં સાહિત્યકારોનું લોકહૃદયમાં કેવું સ્થાન હોય છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. કોઈપણ સાહિત્યકાર માટે આવી સહૃદયતા સો સો નોબેલ પ્રાઇઝ સમાન છે. ધન્ય છે અંગ્રેજ સાહિત્યકારોને અને અંગ્રેજ સહૃદયોને! ૧૯૯૯