સાહિત્યચર્યા/શાર્લ બોદલેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાર્લ બોદલેર

(જ. ૯ એપ્રિલ ૧૮૨૧, પૅરિસ; અ. ૩૧ ઑગસ્ટ ૧૮૬૭, પૅરિસ) ફ્રેંચ કવિ અને કલાવિવેચક. વૃદ્ધ પિતા ફ્રાંસ્વા અને યુવાન માતા કારોલિનના એ એકના એક પુત્ર હતા. ૬ વર્ષની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યાં લગીનું એમનું શૈશવ લીલાલીલા સ્વર્ગ સમું હતું. એક જ વર્ષ પછી માતાએ કર્નલ (પછીથી જનરલ) ઑપિક સાથે પુનર્લગ્ન કર્યું. જાણે શૈશવના એ સ્વર્ગમાંથી એમનું નિર્વાસન થયું હોય એવો એમને અનુભવ થયો. બોદલેરને આ લગ્ન નામંજૂર હતું. એથી પછી જીવનભર એ માતાને પૂરા હૃદયથી ચાહી ન શક્યા; અપર પિતાને પૂરા હૃદયથી ધિક્કારી શક્યા. આ એમના જીવનની સૌથી મહાન કરુણ ઘટના હતી. બોદલેરને લીઓંમાં અને પૅરિસમાં બૉર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા; પણ સ્કૂલ એમના સ્વભાવને અનુકૂળ ન હતી. પછી એમને પૅરિસમાં લીસે-લ-ગ્રાંમાં દાખલ કરવામાં આવ્યા; પણ વર્ગમાંની ગેરવર્તણૂક માટે ૧૮ વર્ષની વયે એમને શાળામાંથી દૂર કરવામાં આવ્યા. તે પછી તેઓ પૅરિસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા દાખલ થયા. આ સમયમાં તેઓ કવિ થવાના નિર્ણય સાથે એક રસિક ફૂલફટાક ડૅન્ડી તરીકે પૅરિસના વામ તટના યુવાન બોહેમિયન કવિઓના મંડળમાં સક્રિય થયા; એથી ૧૮૪૧માં અપર પિતાએ એમની સંમતિ વિના એમને ભારત જેવા કોઈ સ્થળે રવાના કરવા માટે લાંબા સમયની સમુદ્રયાત્રાએ પૅરિસમાંથી વિદાય કર્યા; પણ ૧૦ જ મહિનામાં તેઓ બુર્બોં ટાપુએથી પૅરિસ પાછા ફર્યા. આ સમુદ્રયાત્રાનો અને આફ્રિકાના ઉષ્ણપ્રદેશનો અનુભવ કવિ તરીકે એમની કવિતામાં કલ્પનો, પ્રતીકો, ઇન્દ્રિયરાગ અને વસ્તુવિષયના સંદર્ભમાં અત્યંત મૂલ્યવાન અને અર્થપૂર્ણ નીવડ્યો. પૅરિસમાં પુનરાગમન પછી તરત જ એમને નિગ્રો અભિનેત્રી ઝાન દુવાલ સાથે પ્રેમસંબંધ થયો. આ પ્રેમસંબંધ ૧૮૫૬ સુધી જીવંત રહ્યો અને એમની પ્રેમકવિતામાં મુખ્ય પ્રેરણારૂપ નીવડ્યો. ૧૮૪૨માં એ પુખ્ત વયના થયા, એથી એમના પિતાનો વારસો એમને પ્રાપ્ત થયો; પણ એમાંથી મોટા ભાગની રકમ એમણે કળા અને પ્રેમમાં એમની વિચિત્ર રસરુચિને પોષવા-સંતોષવામાં વેડફી નાખી, એથી ૧૮૪૪માં કુટુંબે એમની મિલકતની વ્યવસ્થા માટે આંસેલ નામના કુટુંબના પરિચિત સ્વજનને વહીવટકર્તા તરીકે નીમ્યા. હવે એમની ૨૦૦ ફ્રાંકની બાંધી માસિક આવક હતી. એથી નાણાંની તંગીને કારણે એમણે દેવું કરવાનો આરંભ કર્યો. ૧૮૪૫માં એમનો કલાવિવેચનનો પ્રારંભ ગ્રંથ ‘સાલોં દ ૧૮૪૫’ પ્રગટ કર્યો. કુટુંબ તરફથી ઉપેક્ષા, વિષમ આર્થિક સ્થિતિ, પોતાની કવિતાથી અસંતોષ, આંતરજીવનમાં અરાજકતા આદિના સરવાળા રૂપે ઘોર નિરાશાને કારણે ૧૮૪૫માં તેમણે આત્મહત્યાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. ૧૮૪૬માં કલાવિવેચનનો બીજો ગ્રંથ ‘સાલોં દ ૧૮૪૬’ પ્રગટ કર્યો. એ જ વર્ષમાં લઘુનવલ ‘લા ફાંફાર્લો’નું પ્રકાશન કર્યું. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં વિપ્લવ થયો. એમાં બોદલેર પ્રજાવાદી તરીકે સક્રિય થયા. તેઓ બે અલ્પજીવી સમાજવાદી સામયિકોના તંત્રીપદે રહ્યા. કલા-સાહિત્યના સામાજિક ઉત્તરદાયિત્વ વિશે બે લેખો લખ્યા. પણ વિપ્લવ નિષ્ફળ ગયો અને ૧૮૫૧માં દ્વિતીય સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી. એથી એ રાજકારણથી નિર્ભ્રાન્ત થયા. ૧૮૪૬-૪૭માં એમને અમેરિકન કવિ એડગર ઍલન પોના સાહિત્યનો પરિચય થયો. પોમાં એમને ‘સારસ્વત સહોદર’નું દર્શન થયું. પોની ‘શુદ્ધ કવિતા’ની વિભાવનાથી તેઓ પ્રભાવિત થયા. ત્યારથી એમણે પોના સાહિત્યનો અનુવાદ કરવાનો આરંભ કર્યો. એ અનુવાદકાર્ય પછી ચાલુ રહ્યું. ૧૮૫૨માં એમને એકસાથે બે વિદુષી સન્નારીઓ – પ્રતિષ્ઠાપ્રાપ્ત માદામ સાબાતિયે અને પ્રસિદ્ધ અભિનેત્રી મારી દોબ્રુન – સાથે પ્રેમસંબંધ થયો. આ પ્રેમસંબંધમાં પણ એમનાં કેટલાંક ઉત્તમ પ્રેમકાવ્યોની પ્રેરણા છે. ૧૮૫૭માં એમણે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘લે ફલર દ્યુ માલ’ પ્રગટ કર્યો. એ જ વર્ષમાં રાજ્યે ફોજદારી અદાલતમાં એની વિરુદ્ધ અશ્લીલતા અને નાસ્તિકતાનો આક્ષેપ કર્યો. એમાં બોદલેરનો પરાજય થયો. કાવ્યસંગ્રહનાં ૬ કાવ્યો અશ્લીલ છે એવો કોર્ટનો ચુકાદો હતો. એથી એ કાવ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને કવિને ૩૦૦ ફ્રાંકનો દંડ કરવામાં આવ્યો. તેથી બોદલેરને ભારે આઘાત થયો. એના પ્રતિકારમાં એમણે એમની અસાધારણ કવિપ્રતિભાથી ૩૫ નવાં કાવ્યો રચ્યાં અને ૧૮૬૧માં ‘લે ફ્લર દ્યુ માલ’ની સંવર્ધિત દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કર્યું. ૧૮૫૫થી ૧૮૬૫ના દાયકા દરમ્યાન એમણે ગદ્યગ્રંથો, કલાવિવેચનના ગ્રંથો તથા અનુવાદગ્રંથોનું પ્રકાશન કર્યું : ૧૮૫૫માં વૈશ્વિક પ્રદર્શન પરનો નિબંધ, ૧૮૫૯માં ‘સાલોં દ ૧૮૫૯’ નામનો કલાવિવેચનનો ત્રીજો ગ્રંથ, ૧૮૬૦માં ‘લે પારાદિ આર્તિફિસિએલ’ નામનો મદ્યપાન પરનો નિબંધ. ૧૮૬૧માં જર્મન સંગીતકાર રિચર્ડ વાગ્નર પરનો નિબંધ, ૧૮૬૩માં યુજેન દ લા ક્રવા પરનો નિબંધ અને ‘લ પાંત્ર દ લા વી’ – કોંસ્તાંતાં ગી’ પરનો નિબંધ તથા ૧૮૬૫માં ૧૮૪૬થી જેનો આરંભ કર્યો હતો તે પોના સમગ્ર સાહિત્યના અનુવાદના પાંચમા અને અંતિમ ગ્રંથની પૂર્ણાહુતિ. ૧૮૬૪માં બ્રસેલ્સથી વ્યાખ્યાનો આપવા માટે આમંત્રણ આવ્યું. આ સમય સુધીમાં તો તેઓ ગળાડૂબ દેવામાં ડૂબી ગયા હતા. હવે લેણદારોથી બચવાનું હતું. એથી તેઓ બ્રસેલ્સ ગયા. ત્યાં ૧૮૬૬માં તેમને પક્ષઘાતનો હુમલો થયો. એથી એમનાં માતા એમને પૅરિસ લાવ્યાં; જ્યાં એમનું અવસાન થયું. ૧૮૬૮માં ‘લે ફલર દ્યુ માલ’ની ત્રીજી આવૃત્તિ, ‘પતિત પોએમ આં પ્રોઝ’ – ગદ્યકાવ્યોનો સંગ્રહ અને ‘મોં કર મી આં ન્યુ’ – આત્મકથનાત્મક નોંધોનું મરણોત્તર પ્રકાશન થયું. બોદલેર પૅરિસના કવિ છે, પરંતુ જગતભરના કવિ-વિવેચકોની સર્વાનુમતિથી આધુનિક કવિતાના પિતા છે. ફ્રેંચ કવિતાના ઇતિહાસમાં વિયૉં, રાસિન અને હ્યુગોની સાથે પ્રથમ પંક્તિના મહાન કવિઓમાં એમનું સ્થાન છે. એમની કવિતા દ્વારા ફ્રેંચ કવિતા ફ્રાંસની સીમાને અતિક્રમીને જગતકવિતામાં સ્થાન પામી છે. ૨૦૦૦