સાહિત્યિક તથ્યોની માવજત/નિવેદન


નિવેદન

સાહિત્યસંશોધનવિષયક લેખોનો આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદની ક્ષમાયાચનાપૂર્વક પ્રગટ કરુંં છું. ગુજરાતી સાહિત્યકોશનો અનુભવ ન હોય અને આમાંના ઘણા લેખો ન હોય. એ રીતે આ લેખસંગ્રહ પર ગુજરાતી સાહિત્યકોશનું ઋણ સ્વયંસ્પષ્ટ છે. બીજી રીતે જોતાં ગુજરાતી સાહિત્યકોશે શી કામગીરી કરી છે એનું આછું દિગ્દર્શન આમાંના કેટલાક લેખોમાંથી સાંપડશે ને એમ આ ગ્રંથ ગુજરાતી સાહિત્યકોશની એક પૂર્વઝલકનું કામ સારશે. ગુજરાતી સાહિત્યકોશે પૂરો પાડેલો સંશોધનની શિસ્તનો અને એના કોયડાઓનો અનુભવ એટલોબધો આત્મસાત થઈ ગયો હતો કે અહીં ગ્રંથસ્થ થયેલા એ પ્રકારના લેખો લખવામાં મને ભાગ્યે જ કોઈ સાધનની કે પૂર્વ તૈયારીની જરૂર પડી છે. ઘણું બધું કેવળ સ્મૃતિથી ને સહજ વિચારપ્રક્રિયાથી કાગળ પર ઊતરતું આવ્યું છે. પછીથી કેટલીક રજૂઆતોને ચકાસી લેવા પૂરતો શ્રમ કરવાનો થયો છે. ગુજરાતી સાહિત્યકોશ વિશે બે લેખ લખવાનું પ્રાપ્ત થયેલું ને એ નિમિત્તે થયેલી શુદ્ધિવૃદ્ધિની તો એક લેખમાળા ચલાવેલી. એમાં સાહિત્યસંશોધનના ઘણા મુદ્દાઓ ને એ માટેની સામગ્રી સ્વાભાવિક રીતે જ હોય. પણ એ લખાણોને અહીં સમાવવાનું યોગ્ય ગણ્યું નથી, કેમકે એ લખાણો સાહિત્યકોશના સંપાદકની હેસિયતથી, એની કામગીરીના ભાગ રૂપે લખાયેલાં ને એના પર ગુજરાતી સાહિત્ય પરિષદનો જ સુવાંગ અધિકાર ગણાય. અહીં સમાવાયેલ કોઈ લેખ ‘સાહિત્યિક તથ્યોની માવજત’ એ પરિષદ-મંચ પરથી અપાયેલું વ્યાખ્યાન સુધ્ધાં – એ રીતે લખાયેલ નથી. કોશના અનુભવનો લાભ મળવા છતાં આ લેખો લખાયેલ તો છે કોશકાર્યથી તદ્દન સ્વતંત્ર રીતે ને એમાં ઘણી અન્ય સામગ્રીનો પણ ઉપયોગ થયો છે. થોડા લેખો જેમ ગુજરાતી સાહિત્યકોશના અનુભવની નીપજ છે તેમ ‘મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન’ એ સુદીર્ઘ લેખ મુખ્યત્વે, આ સાથે જ પ્રકાશિત થઈ રહેલી, ‘આરામશોભા રાસમાળા’ની સંપાદન-કામગીરીના અનુભવની નીપજ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ વિશે અહીં એક લેખ છે તે એની પહેલી આવૃત્તિ વિશે છે. અત્યારે એ ગ્રંથશ્રેણીની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે, જેમાં પ્રથમ આવૃત્તિની કેટલીક મુશ્કેલીઓનું નિવારણ થયું છે. તેમ છતાં એ લેખ અહીં ગ્રંથસ્થ કર્યો છે તે, આ જાતનાં સંદર્ભસાધનોની શી વિશેષતાઓ-મર્યાદાઓ હોય છે ને એમનો કાર્યસાધક વિનિયોગ કેવી સાવધાનતા અને સજ્જતાની અપેક્ષા રાખે છે તેના એક દાખલા લેખે. પ્રકાશ વેગડ સંપાદિત ‘ગુજરાતી સાહિત્યસૂચિ’ વિશેના લેખનું પણ એવું જ પ્રયોજન છે. આ પ્રકારના આપણા બીજા સંદર્ભગ્રંથો પણ એમનાં સ્વરૂપ, સગવડો-અગવડો ને ઉપયોગિતા વિશે પ્રકાશ પાડતા લેખોની અપેક્ષા રાખે છે એમ વારંવાર લાગ્યા કરે છે. જુદાજુદા પ્રસંગે લખાયેલ આ લેખો સમાન વિષયને સ્પર્શતા હોવાથી, સ્વાભાવિક રીતે જ એમાં મુદ્દાઓ ને વીગતોનું કેટલુંક પુનરાવર્તન છે. લેખના સમગ્ર સ્વરૂપને હાનિ કર્યા વિના એમાં કાંટછાંટ ન કરી શકાય. તેથી એવો પ્રયત્ન કર્યો નથી. વાચકોને આ પુનરાવર્તન નભાવી લેવા વિનંતી છે. ‘સાહિત્યિક તથ્યોની માવજત’ એ વ્યાખ્યાન-પુસ્તિકા વાંચીને ડૉ. મધુસૂદન બક્ષીએ અત્યંત ઉમળકાભરેલો પ્રતિભાવ આપેલો અને સંશોધનવિષયક ગ્રંથની રચના હું કરું એવી શુભેચ્છા પાઠવેલી. આપણે ત્યાંની પરિસ્થિતિને અને સાહિત્યસંશોધનની વિશિષ્ટ સમસ્યાઓને અનુલક્ષીને તથા આપણી સંશોધનસામગ્રીનો ઉપયોગ કરીને રચાયેલા એક શાસ્ત્રીય ગ્રંથની તાતી જરૂરિયાત છે ને એવો ગ્રંથ લખવાનું મને ગમે પણ ખરું. પરંતુ એ તો બને ત્યારે. ત્યાં સુધી આ લેખો ભેગા કરીને મૂકવાથીયે ઉપયોગી કામ થશે એવો વિશ્વાસ કેટલાક મિત્રોએ સંપડાવ્યો તેથી આ પ્રકાશનની યોજના કરી છે. આ સૌ મિત્રોનો, ‘બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ’ એ લેખમાં જેમનો સહકાર મળેલો એ કીર્તિદા જોશીનો, આ લેખો લખાવવામાં અને આ પૂર્વે એને પ્રકાશિત કરવામાં જે કોઈ નિમિત્તરૂપ બન્યા છે એમને ને આ ગ્રંથને આર્થિક સહાય પૂરી પાડનાર ગુજરાત સાહિત્ય અકાદમીનો હું આભારી છું.

૩ મે ૧૯૮૯
જયંત કોઠારી