સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન કવિતાના અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મધ્યકાલીન કવિતાનાં
અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ

પ્રિય જયંતભાઈ (ગાડીત), રઘુવીર-સંપાદિત ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય’-માં તમે, પ્રમોદભાઈ અને અન્ય કેટલાક મિત્રોએ લખેલા આસ્વાદલેખો વાંચ્યા પછી મારા મનમાં કેટલાક વિચારો ઘોળાવા લાગ્યા ખાસ કરીને મધ્યકાલીન કવિતાનાં અર્થઘટન અને આસ્વાદ વિશે. મને થયું કે તમારા જેવા મિત્રોના લેખોને કેન્દ્રમાં રાખીને થોડું લખું – એથી ગેરસમજ થવાનો ભય નહીં. પછી તો ઘણો સમય પસાર થયો. દરમ્યાન હમણાં ગ્રંથ આખો વાંચી જવાનું પણ બન્યું. વિચારો વધારે સ્પષ્ટ થયા અને ફાર્બસ ત્રૈમાસિકના મધ્યકાલીન કવિતાવિષયક આ વિશેષાંકમાં એ વિચારો જ મૂકું એવી ઇચ્છા થઈ. મંજુબહેને મંજૂરી આપી ને કામ ચાલ્યું. આપણે ત્યાં છેલ્લે કેટલાંક વર્ષોથી કાવ્યાસ્વાદની પ્રવૃત્તિ ઘણી ફાલીફૂલી છે. એ દ્વારા આપણી કાવ્યરસજ્ઞતા કેવીક પ્રગટ થઈ છે ને એ પ્રવૃત્તિ ખરેખર કેટલી સાર્થક અને સમુપકારક નીવડી છે એની તપાસ કરવાનો સમય પાકી ગયો છે. રઘુવીરે તો આસ્વાદની પ્રવૃત્તિનું અદ્‌ભુત લોકશાહીકરણ કર્યું છે. એ તો એ જ કરી શકે. મધ્યકાલીન સાહિત્યના ખરા રસ અને ઊંડા અભ્યાસનો દુકાળ સર્જાઈ રહ્યો હોવાનો આ૫ણને કેટલીક વાર ભાસ થાય છે – પીએચ.ડી.ની ડિગ્રીના એક સરળ સાધન તરીકે એ ટકી રહેતાં હોય એવી છાપ પડે છે ને નવા તેજસ્વી અભ્યાસીઓનો પક્ષપાત અર્વાચીન અને અદ્યતન સાહિત્ય તરફ વધતો જતો દેખાય છે – એ પરિસ્થિતિમાં રઘુવીર મધ્યકાલીન કવિતાના આટલાબધા આસ્વાદકોને શોધી કાઢે. એ ઘટના ઘણી અભિનંદનીય ગણાય. નરસિંહ આપણી ભાષાના મોટા અને લોકખ્યાત કવિ, પણ એમનાંયે કાવ્યોના ખરેખરા રસિયા આટલાબધા હોય એમ સહેલાઈથી માની શકાય ખરું? આ બધાએ નરસિંહની કવિતા કેટલી અને કેવી વાંચી હશે, એનો રસ ખરેખર કેટલો અનુભવ્યો હશે એ તો આપણે કેવી રીતે કહી શકીએ? પરંતુ આ જ નહીં, આપણા ઘણા ખરા અન્ય કાવ્યાસ્વાદો પણ, કાવ્યે જેમને વશ કર્યા છે ને કાવ્યને જેમણે વશ કર્યું છે એવા લોકોએ લખેલા હોવાનું લાગે છે ખરું? ઘણા આસ્વાદો એક પ્રકારના બૌદ્ધિક પ્રયત્નથી લખાયેલા હોવાનું નથી લાગતું? ઘણી વખત તો એ ફરમાસુ માલ જ નથી હોતો? પણ ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય’ની સમીક્ષા કરવાનો મારો ઇરાદો નથી. એટલે હું મારા મૂળ વિષય પર આવું અને મધ્યકાલીન કવિતાના આસ્વાદ અને અર્થઘટત પરત્વેની મારી મૂંઝવણો જ રજૂ કરું : ૧. મારી સૌથી પહેલી મૂંઝવણ મધ્યકાલીન કવિતાના ‘કવિતા’પણા ને કવિના ‘કવિ’પણા અંગેની છે. મધ્યકાલીન સાહિત્યનો થોડો અભ્યાસ કરવાની તક મને મળી છે. એમાં કવિત્વનો પ્રકાશ ધરાવતાં ઘણાં નવાં સ્થાનો મને નજરે પડ્યાં છે, તેમ છતાં ‘કવિ’ અને ‘કવિતા’ વિશેના આજના ખ્યાલો ત્યાં કેટલા ટકી શકે એ વિશે સંશય રહે છે. સભાન, સુચિંતિત કવિકર્મનું આરોપણ મધ્યકાળના કેટલા ‘કવિઓ’ અને એમની કેટલી રચનાઓમાં આપણે કરી શકીએ? ‘ભોળી રે ભરવાડણ’ વિશેનો ભાયાણીસાહેબનો એક અપ્રગટ લેખ મને જોવા મળેલો (જે હવે ‘કૃષ્ણકાવ્ય’ ૧૯૮૬માં ગ્રંથસ્થ છે), જેમાં એમણે બહુ યોગ્ય રીતે બતાવેલું કે જેને કવિકર્મ કહી શકાય એવું તત્ત્વ તો આ વિષયનાં મૂળ સંસ્કૃત-પ્રાકૃત મુક્તકોમાં છે, નરસિંહના પદમાં નહીં. નરસિંહની તો એક ભક્તની રચના છે, જેમાં ચમત્કાર કેન્દ્રસ્થાને છે. એટલે જ જેનો આસ્વાદ કરાવવા પ્રવૃત્ત થઈ શકાય એવાં, નરસિંહ જેવા કવિનાં પણ, આટલાંબધાં કાવ્યો હોય એનું મને વિસ્મય થાય. કેટલીક સુંદર રચનાઓ અને થોડાક સરસ આસ્વાદો અહીં અવશ્ય છે, પણ તમારા સમેત ઘણા મિત્રોએ પસંદ કરેલાં કાવ્યો મને સાધારણ-સારાં કે નબળાં લાગ્યાં છે, ને એમાં ‘ઊંચેરું કવિકર્મકૌશલ’ કે ‘કાવ્યતત્ત્વની તેમજ અધ્યાત્મની ગજબની ઊંચાઈ’, ‘પ્રબળ કાવ્યોન્મેષ દાખવતી કવિત્વશક્તિનો રસાત્મક સાક્ષાત્કાર’ કે ‘સંવેદનની ગહરાઈ’ લોકોએ જોઈ છે તે હું જોઈ શકતો નથી. મને તે આખા ગ્રંથમાં ઓબાઈ જવાય એટલી અતિપ્રશસ્તિનો અનુભવ થયા કર્યો છે. કદાચ હું ગદ્યાળુ માણસ છું એટલે આમ થતું હોય. પણ દર્શક, ઉશનસ્‌, જયંત પાઠક જેવા થોડાક વિદ્વાનો નરસિંહની કવિતાની મર્યાદાઓ તરફ અંગુલિનિર્દેશ કરતા જોયા એનાથી મને સાંત્વન મળ્યું, જયંત પંડ્યાએ “નરસિંહ મુખ્યત્વે કવિકર્મનો જીવ નથી” એમ કહ્યું ત્યારે તો મને એમને અભિનંદન આપવાનું મન થઈ આવ્યું. કેટલાક મિત્રોએ કાવ્યની મર્યાદા ચીંધતાંચીંધતાં વાતને વાળી લીધી હોય એવું પણ મને જણાયું. કોઈને ‘નબળા કાવ્ય’-માં પણ ‘કલાત્મક ઊંચાઈ’ જણાઈ છે, કોઈને ‘સામાન્ય કાવ્ય’માં ‘કલાસર્જનની સૌન્દર્યલક્ષી સંકુલતા’નો સાક્ષાત્કાર થયો છે તો કોઈને ‘સામાન્ય કોટિનું પદ’ છતાં ‘સ્વાનુભવજનિત સચ્ચાઈને કારણે પ્રભાવક’ લાગ્યું છે. કોઈને ‘કાવ્યકલાનો ઉત્કર્ષ ન હોવા છતા ‘નરસિંહનો સ્પર્શ’ વરતાયો છે. હું આને મધ્યકાલીન કવિતા પ્રત્યેની આપણી દ્વિધાનો સંકેત ગણું છું. આપણે મધ્યકાલીન કવિતાને ખરેખર કેટલી ચાહીએ છીએ? અને આપણે જે કંઈ ચાહીએ છીએ અને જે કંઈ નથી ચાહતા એ વિશે નિખાલસ છીએ ખરા? કદાચ નરસિંહ જેવા અગ્રણી કવિની તો આરતી જ ઉતારવાની હોયને – એવા ખ્યાલથી સૌ ચાલ્યું છે અને કાવ્યમાંથી બેળેબેળે રસ નિચોવવાનો પ્રયત્ન કર્યો છે. સભાન કવિકર્મથી નહીં રચાયેલી ને પાઠનાં પરિવર્તનો પામેલી મધ્યકાલીન કવિતામાં વિશૃંખલતા હોઈ શકે, પરંપરાગત નિરૂપણો હોઈ શકે ને વાક્યરચનાની ને શબ્દાર્થની ગરબડો પણ હોઈ શકે, એ ભૂલી જઈને સઘળાની અન્વર્થકતા સિદ્ધ કરવા બેસીએ તો કેવું કઢંગું પરિણામ આવે? પહેલી સુંદર પંક્તિ પછી કાવ્ય ચીલાચાલુ નિરૂપણમાં સરી પડતું પણ હોય. તો આખા કાવ્યને ઉત્તમ કાવ્યના ધોરણથી તપાસવાની જરૂર ન હોય. અહીં સામાન્ય વસ્તુમાં પણ અસામાન્યતા જોયાનાં ઢગલાબંધ દૃષ્ટાંતો જડી આવે છે. પણ એની વાત હવે પછીની મારી ચર્ચામાં આવશે. મારો મુદ્દો એ છે કે મધ્યકાલીન કવિતાને કાવ્યનાં આજનાં ધોરણોથી તપાસવામાં ઘણા વિવેક અને ઘણી કાળજીની જરૂર છે, અને મધ્યકાલીન કાવ્યકળાની કેટલીક લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ લક્ષમાં રાખવાની આવશ્યકતા છે. ૨. મધ્યકાલીન કાવ્યના કોઈ અંશનો – ખાસ કરીને ગૌણ અંશનો અતિમહિમા કરતી વખતે એક વાત લક્ષમાં રાખવી જોઈએ કે મધ્યકાલીન કાવ્યનો પાઠ પ્રવાહી હોય છે અને આપણને મળી આવેલા પાઠ કરતાં જુદો પાઠ વધારે અધિકૃત નીકળે એવો સંભવ રહેલો હોય છે. દાખલા તરીકે ‘જળકમળ છાંડી જાને બાળા! સ્વામી અમારો જાગશે’ એ પંક્તિમાં ‘જાને’ના આગ્રહઅનુરોધસૂચક ‘ને’નો મહિમા કરતાં ઉમાશંકર કહે છે કે “નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત.” પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં મુદ્રિત થયેલા પાઠમાં જ ‘જાને’ નહીં પણ ‘જા રે’ એવો પ્રયોગ છે! આથી જ કદાચ સંપાદકને પાદટીપમાં ‘જાને’ એવું પાઠાન્તર નોંધવાની ફરજ પડી છે. ‘જાને’ એ પાઠ મને પણ પરિચિત છે, પણ નોંધપાત્ર બાબત એ છે કે ડૉ. જેસલપુરાના સંપાદનમાં ‘જાને’ પાઠવાળી કોઈ પ્રત નોંધાયેલી નથી! ‘ને’નો ઉમાશંકરે કર્યો છે તેવો મહિમા કરવા જેવો છે કે કેમ એ પ્રશ્ન છે જ-આપણી ભાષામાં આગ્રહસૂચક ‘ને’નો પ્રયોગ ઘણો વ્યાપક છે. નરસિંહનાં ઘણાં કાવ્યોમાં એ મળે છે (‘જાગને જાદવા રાખને લાજ, સારંગપાણિ!’, ‘આવોને, આલિંગન દીજે’, ‘આપને હાર, કરને કૃપા વળી’, ‘આ જોને...’ વગેરે), તે ઉપરાંત અન્ય કવિઓનો ઘણી રચનાઓમાં પણ મળી આવવા સંભવ છે (‘લેને તારી લાકડી’ વગેરે). એમાં નરસિંહ જેટલા મોટા કવિની જરૂર પડે એવું કંઈ જ નથી. પણ અહીં તો નરસિંહ વડે નહીં પણ પછીથી કોઈ લહિયાને હાથે કે કંઠસ્થ પરંપરામાં ‘રે’નું ‘ને’ થયું હોવાનો પણ સંભવ છે. આ સંયોગોમાં નરસિંહ પર પ્રશંસાનાં પુષ્પો વેરીએ તે કેવું લાગે! માત્ર ‘ને’નું ઔચિત્ય બતાવીને આપણે અટકી જઈએ તો ન ચાલે? ‘રે’ તો મધ્યકાળનો જાણીતો પાદપૂરક શબ્દ. એની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિનું વિશેષ રૂપે અર્થઘટન કરવાનું કેટલે અંશે વાજબી ગણાય? ‘પાસું રે મરડો તો વ્હાલા! ચીર લેઉં રે તાણી’માં બે વાર થયેલા ‘રે’ના પ્રયોગને આસ્વાદક નોંધપાત્ર ગણે ત્યારે મુદ્રિત પાઠમાં એક જ ‘રે’ આસ્વાદકને ભોઠો પાડે. એક પંક્તિને અંતે ચુકાઈ ગયેલા ‘રે’ને આસ્વાદક અર્થ પૂર્ણ ગણે ત્યારે એ લહિયાનું સ્ખલન હોય એમ પણ બની શકે. એક આસ્વાદક તો અર્ધવિરામચિહ્નનો પણ અર્થ કરવા સુધી ગયા છે. એમને ખબર નથી કે એ તો મુદ્રિત પાઠની જ સરજત છે, હસ્તપ્રતમાં તો એક કે બે દંડ હોય, ક્વચિત્‌ ચુકાઈ પણ ગયા હોય; અર્ધવિરામ જેવું કોઈ ચિહ્ન એમાં હોતું જ નથી. મધ્યકાલીન કાવ્યપાઠ અંગેની આપણી સમજ કેટલીબધી કાચી છે એનું આ એક આત્યંતિક ઉદાહરણ છે. આ સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવે છે. વિદ્યાર્થીકાળમાં અમે હસ્તલિખિત અંકની પ્રવૃત્તિ કરતા હતા, તેમાં એક વેળા એક મિત્રનું ચિત્ર મળ્યું, જે અમારા અંકના કદ કરતાં મોટું હતું. અમે એને આજુબાજુથી કાપીને અંકના માપનું કરી નાખ્યું. એમ કરતાં એક વૃક્ષ કપાઈ ગયું; એક ખૂણે વૃક્ષની થોડી ઘટા ને નીચે કદાચ મૂળ પાસેનો થોડો ભાગ રહી ગયો. એક કલાવિવેચકે આ ચિત્ર વિશે અભિપ્રાય આપ્યો કે કલાકારે જગ્યાનો કેવો સરસ ઉપયોગ કરી લઈને વૃક્ષનો સંકેત કર્યો છે! એમને ક્યાં ખબર કે આ કલાકાર-કર્મ નહોતું, સંપાદક-કર્મ હતું. મધ્યકાળની કાવ્યકૃતિઓની બાબતમાં પણ આપણે કોનો જશ કોને આપી દઈએ છીએ એ પ્રશ્ન રહેવાનો. ૩. મધ્યકાલીન કાવ્યની ભાષા ને સંસ્કારની પરંપરાથી આપણે ઠીકઠીક દૂર નીકળી ગયા છીએ. તેથી શબ્દાર્થના ને કાવ્યવસ્તુના સ્પષ્ટીકરણની પૂર્વભૂમિકા સાથે કાવ્યાસ્વાદ રજૂ થાય તો જ એ પ્રમાણભૂત બની શકે. કાવ્યનો ગદ્યાન્વય (પૅરફ્રેઇઝ) પણ ઘણી વાર આવશ્યક બની જાય. આમાં બે તરફથી અવરોધ આવે છે – એક, કાવ્યનો પાઠ ભ્રષ્ટ હોય અને તેથી આપણને ભુલાવામાં નાખ્યા કરે; બે, કાવ્યના શબ્દો કે રૂઢિપ્રયોગો આપણને અપરિચિત હોય અને આપણે ખરો શબ્દાર્થ પકડી ન શકીએ તેથી એની અવગણના કરીને ચાલીએ કે તાણીખેંચીને અર્થ બેસાડીએ કે ભળતા અર્થ તરફ સરી જઈએ. આપણા કાવ્યાસ્વાદને આ વસ્તુ ઓછેવત્તે અંશે અવશ્ય બાધક નીવડે. દાખલા તરીકે, ‘જાવા દે જાદવ!’ એ પદમાં એક પંક્તિ આ પ્રમાણે છે – ‘રાત વિના રંગ નહિ, પ્રીત વિના પ્રેમ નહિ, નેહ વિના સ્નેહ તે વિષ લાગે.’ આસ્વાદકે પ્રીત એટલે પ્રેમનું દ્રવ્ય, સાચો પ્રેમ, અને પ્રેમ એટલે પ્રેમના ઉપચારો એવા અર્થો કર્યા છે, જેને માટે આ શબ્દોના મધ્યકાલીન કે આજના પ્રયોગોમાંથી કશો આધાર મળે તેમ નથી. આ અર્થો તર્કથી બેસાડેલા છે એમાં શંકા નથી, પરંતુ એ અર્થો સ્વીકારવા કે કાવ્યનો પાઠ ભ્રષ્ટ હોવાનું માનવું કે અર્થહીન શબ્દરચનાનો દોષ ગણી લેવો એ વિચારવા જેવું છે. (‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ જુદો પાઠ આપે છે, પણ એટલો જુદો છે કે એથી પાઠસંશોધનમાં કશી મદદ મળતી નથી.) ‘નિર્મળી જ્યોત’વાળા ૫દની આ પૂર્વે ભાયાણીસાહેબ વગેરેએ ચર્ચા કરેલી છે. એમાં ડૉ. જેસલપુરા ‘નયણાં તું કાં રહ્યો રે ચોરી?’ એ પાઠ સ્વીકારી નાયકને આ સંબોધન હોવાનું કલ્પે છે. ચોટલામાં નાગનો અને રાખડી(એક આભૂષણ)માં સૂર્યનો ભ્રમ થવાથી ભયથી સંકોચાતા કે ઝંખવાતા દીવાને સંબોધન હોઈ શકે (પહેલી પંક્તિમાં તો દીવાને સ્પષ્ટ સંબોધન છે છતાં) એ એમના મનમાં બેઠું નહીં તેથી અન્ય હસ્તપ્રતોમાં મળતા ‘કાં રે દીપકર રહ્યો ચિત્ત ચોરી’ ‘દીવડા રે તું મ કર ચોરી’ એવા પાઠ છોડીને એ એક જ હસ્તપ્રતમાં મળતા પાઠને સ્વીકારી બેઠા. ‘કાં રે દીપકર રહ્યો ચિત્ત ચોરી’ એ પાઠને ‘કાં રે દીપક રહ્યો ચિત્ત ચોરી’ એમ સહેલાઈથી સુધારી શકાય છે એ પણ એમના લક્ષમાં આવ્યું નહીં. શૃંગારચાતુરીની એક પરંપરાગત કલ્પનાની અનભિજ્ઞતા આ૫ણને ખોટા પાઠ અને ખોટા અર્થ તરફ કેવી રીતે ખેંચી જાય છે એનું આ દ્યોતક ઉદાહરણ છે. ખોટા પાઠની પણ કેવી કાર્યસાધકતા હોય છે! ‘તારી મોરલીએ’ એ પદમાં એક કડી આ પ્રમાણે છે :

તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે,
નાવલિયાને મેં નેતરે બાંધ્યો, ઘરનો ધારણ જાણી રે.

આ પંક્તિઓની એવી સમજૂતી આપવામાં આવી છે કે ગોપીએ કૃષ્ણને પોતાનો આરાધ્ય (ઘરનો ધારણ) બનાવ્યો છે અને તાવેલા ઘીમાં સાકર ઓગળતી નથી પણ પાણીમાં ઓગળે છે. ‘ધારણ’ શબ્દના અહીં લેવામાં આવેલ અર્થ માટે કશો આધાર જણાતો નથી, તેમ એ અર્થ ઉપકારક પણ નથી. કૃષ્ણની મોરલીથી ઘેલી બનતી ગોપી વાછરડાંને બદલે બાળકોને બાંધી દેવા જેવી ભૂલો કરે છે એનું વર્ણન આ પદમાં આગળ થયું છે. એ સંદર્ભમાં વિચારીએ એટલે અહીં પણ ઘરની થાંભલીને બદલે પોતાના પતિ (નાવલિયા) સાથે નેતરું બાંધી દેવાની એ ભૂલ કરે છે એવો અર્થ લઈ શકાય. ‘ધારણ’નો અર્થ ‘મોભ’ તો શબ્દકોશમાં નોંધાયેલો છે, પણ ‘થાંભલી’ એ અર્થને માટે આધાર શોધવાનો રહે. કડીની પહેલી પંક્તિમાં પણ તાવ્યાં ઘીમાં પાણી ભેળવી દેવા જેવી ભૂલનું વર્ણન છે પણ એ પંક્તિનો પૂર્વાર્ધ અવિશદ છે ને કદાચ પાઠશુદ્ધિ માગે છે. રતિલાલ દવે-સંપાદિત ‘નરસિંહ મહેતાનાં પદ’માં ‘તાવાં ઘી તકરમાં રેડાં, ને દૂધમાં રેડાં પાંણી રે; નેતરૂ લઈ નાવલીઓ બાંધો, ઘરનો થાંભલો જાંણી રે’ એવો તથા ઝવેરચંદ મેઘાણી-સંપાદિત ‘રઢિયાળી રાત’ ભા.૧માં ‘ઘી તાવીને છાશમાં રેડ્યાં, દૂધમાં રેડ્યાં પાણી રે, નેતરું લઈ નાહોલીઓ બાંધ્યો, ઘરનો ધણી નવ જાણ્યો રે’ એવો પાઠ મળે છે તે પરથી ‘તકર’(તક્ર, છાશ)નું સાકર થઈ ગયું હોય એમ વહેમ જાય છે. તાવેલા ઘીને છાશમાં નાખવું એ વિભ્રમિત મનોદશાનું જ વર્તન ગણાય. ‘રણ મેઘ ન પડે ધાર’, ‘વિગતિ ગુરુજ્ઞાન વિના ગૂંથે રે’, ‘હરિ મારો શોભે ઊભી વેલ/ઉરની વેલ’ જેવાં બીજાં કેટલાંક ચરણો પણ સંદર્ભમાં બેસાડતાં મુશ્કેલી પડે છે અને ‘તાણી મોતી’, ‘વાન વળ્યાં’ તેમજ ‘થનક થનક થૈ ‘સારી’માંનો ‘સારી’ એ શબ્દપ્રયોગ પણ મૂંઝવે છે. મધ્યકાલીન કૃતિના સર્વ શબ્દાર્થને બરાબર સ્ફુટ કરવાનું એક મોટું કામ પડેલું છે અને આપણી સજજ્જતા એમાં કેટલીક વાર ઊણી ઊતરતી દેખાય છે. ‘વેણી’ એટલે ચોટલો નહીં, પણ ચોટલા પરની વેણી કરીએ તો વેણીને નાગ રૂપે કલ્પવાનું સૌન્દર્ય હાથમાં આવે? ‘સુરત’ એટલે ધ્યાન (સુરતા) નહીં પણ ચહેરો (સૂરત) એમ જ સમજીએ એટલે ‘સાંભળ, સહિયર, સૂરત ધરીને આજ અનોપમ દીઠો રે’ એ પંક્તિમાં ઇન્દ્રિયવ્યત્યયનું ઉદાહરણ જોવા સુધી પહોંચી જ જવાયને? (જોકે એ અર્થઘટન મને ખોટા અન્વયનું પરિણામ પણ લાગે છે. મારી દૃષ્ટિએ સૂરત ધરીને સાંભળવાની વાત નથી, સૂરત ધરીને જોયાની વાત છે.) ‘ઉન્મની’ તે મનની ઉન્નત–તન્મય-તલ્લીન દશા નહીં પણ મનની પારની યૌગિક અનુભવની અવસ્થા સૂચવતો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે એ જાણતા ન હોઈએ તો કૃતિનો તત્ત્વવિચાર આપણી પકડમાં કેવી રીતે આવે? ‘રંગ’ શબ્દ મધ્યકાલીન કવિતામાં ‘આનંદ’, ‘ઉલ્લાસ’ એ અર્થમાં વ્યાપકપણે પ્રયોજાય છે (અત્યારે પણ એ શબ્દે એ અર્થછાયા સાવ ગુમાવી દીધી નથી) એ ખ્યાલમાં ન હોય તો ‘ચેષ્ટાત્મક લીલા’ જેવા વિચિત્ર અર્થોમાં અટવાવું પડેને? તમને નથી લાગતું કે મધ્યકાલીન કવિતાનાં અર્થઘટન અને આસ્વાદમાં ઝુકાવતાં પહેલાં આપણે મધ્યકાલીન કૃતિઓના ગાઢ પરિચયથી આપણા ભાષાસંસ્કારને વધારે સતેજ બનાવવો જોઈએ? આ સંદર્ભમાં વિચારીએ ત્યારે મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમૃદ્ધ શબ્દકોશની ઊણપ તીવ્રપણે વરતાય છે. ૪. મધ્યકાલીન સાહિત્યની એક સમસ્યા એને પરંપરાના સંદર્ભમાં જોવાની છે. જેને આપણે વિશિષ્ટ કવિકર્મ માની બેસીએ એ ઘણી વાર પરંપરાપ્રાપ્ત પદાર્થ હોય છે કે પરંપરાનું એક સર્વમાન્ય લક્ષણ હોય છે. સાહિત્યકોશ માટે અખાજીની કૃતિઓ વિશે હું નોંધ તૈયાર કરતો હતો ત્યારે એના સોરઠાઓનાં બધાં ચરણોમાં વર્ણસગાઈનો વિનિયોગ જોવા મળતાં પહેલાં તો મને એમાં અખાજીનો પોતીકો ઉન્મેષ જણાયેલો, પણ પછીથી દુહા-સોરઠાના સાહિત્ય તરફ ધ્યાનથી નજર કરતાં દેખાયું કે આ તો એ સાહિત્યનું સર્વસામાન્ય લક્ષણ હતું અને અખાજી એ લક્ષણને વશ વર્ત્યા હતા. અખાજીએ પરંપરાગત કૌશલ હસ્તગત કર્યુ હતું એમ અવશ્ય કહી શકાય, પણ અખાજીનો એ વિશિષ્ટ ઉન્મેષ છે એમ તો ન જ કહેવાયને? પ્રમોદભાઈ જ્યારે ‘વારો ઓલ્યા પંખીને’ એ પદમાં રચનાબંધને દૃઢ કરતી વર્ણસગાઈનો ઉલ્લેખ કરે છે ત્યારે દુહા (એમાં દુહાની દેશી જ વપરાયેલી જણાય છે)નું એ સર્વસામાન્ય લક્ષણ છે અને નરસિંહના એ પદમાં તો પ્રમાણમાં ઓછાં ચરણો વર્ણસગાઈયુક્ત છે એના તરફ એમનું લક્ષ ગયું હશે કે નહીં તે હું જાણતો નથી, પણ મધ્યકાલીન કવિતામાં વર્ણસગાઈનો એટલો વ્યાપક વિનિયોગ મને જોવા મળ્યો છે કે એનો મહિમા કરતી વખતે થોડી કાળજી રાખવાની જરૂર છે એમ મને લાગે. ઘણા શબ્દચોસલાં તો રૂઢ થઈ ગયાં હોય છે. નરસિંહમાં પણ એવાં ઘણાં શબ્દચોસલાંનું પુનઃપુનઃ પ્રવર્તન ક્યાં નથી જોવા મળતું? એવું જ પ્રાસના કૌશલનું છે. તમે તથા બીજા કોઈક મિત્રોએ પણ નરસિંહના પ્રાસકૌશલની ખાસ નોંધ લીધી છે, પણ તમને લોકોને એ લક્ષમાં નથી આવ્યું કે તમે ઉદાહૃત કરો છે એમાં, તેમજ એ સિવાય પણ એ કાવ્યમાં, સજતી-ધરતી, શમાવ્યો-હુઓ, ધર્યો-મેલ્યો, સૂતી-ઊઠી, મંગાવ્યાં-પરોવ્યાં જેવા નબળા પ્રાસો છે. મધ્યકાલીન કવિતામાં પ્રાસ એક આવશ્યક લક્ષણ હોઈ એની હથોટી તો ઘણા બધા કવિઓ બતાવે છે ને કેટલાક તો પ્રાસની વૈચિત્ર્યમય રચનાઓનું પણ કૌશલ બતાવતા હોય છે. એ બધું લક્ષમાં હોય તો આપણે કેટલેક ઠેકાણે નરસિંહના પ્રાસની નિર્બળતા બતાવવાની થાય જ - જેમ જયાબહેન મહેતાએ પ્રાસની નિર્બળતાને અનુલક્ષીને પાઠચર્ચા કરેલી છે. રાસમાં પંક્તિને અંતે ‘રે’ આવવાને બદલે પંક્તિના મધ્યમાં-એટલે કે બે ચરણની વચ્ચે—આવે છે તેને એક આસ્વાદકે પ્રચલિત ઢબથી જુદી ઢબ કહેલી છે. રાસમાં ધ્રુવા મધ્યકાળમાં અનેક રીતે આવે છે ને વલ્લભના ગરબા તો ધ્રુવાવૈવિધ્યથી ઓપતા છે. એમાં અને એ સિવાય પણ બે ચરણની વચ્ચે ‘રે’ મૂકવાની રીતિ ઘણે ઠેકાણે જડી આવે છે. નરસિંહની રચનારીતિ આ૫ણને જાણીતી રીતિથી જુદી પડતી હોય તોયે એ સાવ નૂતનતાભરી નથી એ લક્ષમાં રહેવું જોઈએ. મધ્યકાળની કવિતામાં વર્ણનની પણ કેટલીક રૂઢ પરંપરા હતી. કાન્તિભાઈ પટેલ સ્વપ્નિલ અનુભવના કાવ્યમય આલેખનના નમૂના તરીકે જે પંક્તિઓ ઉદ્ધૃત કરે છે તેમાંથી ‘રત્નજડિત્ર મણિભવન’, ‘કનકની ભૂમિ’, ‘વિદ્રુમના થાંભલા’ જેવા અંશો પરંપરામાં આ પ્રકારના વર્ણનમાં ઠેરઠેર પ્રયુક્ત થયેલા છે એ એમને જાણમાં હશે ખરું? ‘તું તો સાંભળ, મારી સજની!’ એ પદ તમને અર્થબંધની દૃષ્ટિએ ઊંચા કાવ્યગુણવાળું લાગ્યું છે તેમાં એમાં ગૂંથાયેલા શૃંગારચાતુરીના પ્રસંગનો ફાળો હશે એમ હું ધારું છું. પ્રકાશથી લજાતી અને તેથી પ્રકાશને દૂર કરવા મથતી ગોપીને નિર્લજ્જ કૃષ્ણ કેવીકેવી પ્રયુક્તિઓથી હરાવે છે એનું એ વર્ણન અવશ્ય રસપ્રદ છે, પણ એ કલ્પના નરસિંહની મૌલિક હોવાનો સંભવ ઓછો છે, સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં એનાં મૂળિયાં હોવાં જોઈએ. ‘વારો ઓલ્યા પંખીને’માં થયેલો બપૈયાનો ઉપયોગ પરંપરામાં જાણીતો છે અને ‘પઢો રે પોપટ રાજા રામના’માં પોપટ પ્રત્યે જે ચાટૂક્તિઓ કહેવામાં આવી છે તે પ્રકારની ઉક્તિઓ ‘વસંતવિલાસ’ વગેરે કાવ્યોમાં કાગડાને સંબોધીને મળે જ છે. પરંપરાને સરસ રીતે ઝીલી બતાવવી એ પણ એક કવિકૌશલ છે, તો પરંપરાને પોતીકો સ્પર્શ પણ આપી શકાય છે, છેવટે પદ્ય-શબ્દરચનાનું કૌશલ તો કવિ બતાવી શકે છે. પણ પદ્યશબ્દરચનાનું કૌશલ પણ ઊણું ઊતરતું હોય – ‘તું તો સાંભળ, મારી સજની’માં મને એ ઊણું ઊતરતું લાગે છે તો પરંપરાગત કલ્પન-વર્ણનના વિનિયોગમાં જ કવિનું કેટલુંક કવિકર્મ ગણાય? ૫. મધ્યકાળની કવિતાનો રચનાબંધ આપણી પાસે એને તપાસવા માટે પણ કેટલાંક ખાસ ઓજારોની અપેક્ષા રાખે છે. જેમકે, મધ્યકાલીન કવિતાનો છદોબંધ આજની કવિતાથી જુદો હતો. એ છંદોબંધનો આ૫ણને પર્યાપ્ત અભ્યાસ ન હોય તે એનાં અર્થઘટન અને આસ્વાદમાં ઊણપ ન આવે? મને કેટલીક અગવડ પડે જ છે. અહીં પ્રમોદભાઈએ કાવ્યની દરેક પંક્તિમાં પૂર્વાર્ધની પદાવલિ કંઈક લાંબી ને ઉત્તરાર્ધની કંઈક ટૂંકી હોવાનું નોંધી એમાં આરોહની લયાત્મક રેખા જોઈ છે, પણ ખરેખર આ દુહાની દેશી છે, જેમાં પહેલા ચરણમાં વધારે માત્રા અને બીજા ચરણમાં ઓછી માત્રા હોય છે (સામાન્ય રીતે એક પંક્તિમાં બે ચરણ સાથે છપાતાં હોય છે) એ એ જાણતા હોત તો પોતાનો કથનને વધારે સારી રીતે ન મૂકી શક્યા હોત? દુહાબંધમાં સધાતી અસરકારક અભિવ્યક્તિનો એ ઉલ્લેખ ન કરી શક્યા હોત? પણ પ્રમોદભાઈ તો રાગ સાથે પદ્યબંધની ભેળસેળ કરતા જણાય છે. બીજા એક પદ પરત્વે એમણે ‘શ્રીરાગની લાંબી પંક્તિઓ’નો ઉલ્લેખ કર્યો છે. અન્ય કેટલાક મિત્રોએ પણ પદ અમુકતમુક રાગમાં નિબદ્ધ હોવાનો નિર્દેશ કર્યો છે; એમના મનમાં પણ રાગ અને પદ્યબંધનું જુદાપણું સ્પષ્ટ હશે કે કેમ એનો વહેમ જાય છે. કવિએ પોતે કોઈ રાગને અનુલક્ષીને રચના કરી હોય કે અમુક રાગમાં પદ ગવાતું થયું હોય તેથી પદને રાગનું નામ મળતું હોય છે પણ રાગને સ્વરરચના સાથે સંબંધ છે, શબ્દરચના સાથે નહીં. એક જ પદ એકથી વધારે રાગમાં ગાઈ શકાય અને વસ્તુતઃ એક જ રચના એકથી વધારે રાગોના ઉલ્લેખ સાથે પ્રાપ્ત પણ થતી હોય છે. રચના આપણી સમક્ષ આવે છે તે તો કોઈ પદ્યબંધ રૂપે જ, જેનો સંબંધ શબ્દરચના સાથે છે. જેમકે, કાન્તે ‘સાગર અને શશી’ શંકરાભરણ રાગની તરજને અનુલક્ષીને રચ્યું ને એને ‘શંકરાભરણ’નું લેબલ પણ લગાડ્યું, વસ્તુતઃ એ ઝૂલણા છંદ છે. નરસિંહનાં ઘણાં કાવ્યો પણ ઝૂલણાની દેશીમાં રચાયેલાં છે – એ જુદાજુદા રાગનાં નામ ધરાવતાં હોવા છતા. કડીનાં બે ચરણ સાથે છાપવાથી કેવો ભ્રમ થાય છે એનું ઉદાહરણ તમારા લેખમાંથી જ જડે છે. તમે જેને આંતરપ્રાસ કહ્યા છે તે વસ્તુતઃ અન્ત્ય પ્રાસ – ચરણાન્ત પ્રાસ જ છે, પણ બે ચરણ સાથે છપાયાં હોવાથી એ તમને આંતરપ્રાસ જેવા ભાસ્યા છે. ‘નીપજે નરથી’ને એક મિત્રે યમક તરીકે ઓળખાવેલ છે – જે વર્ણાનુપ્રાસ જ છે – એ બતાવે છે કે પરંપરાગત અલંકારરચનાઓ વિશેનું આપણું જ્ઞાન પણ પાંખું પડે છે. રઘુવીર જેવાએ ‘કડી’નો નિર્દેશ સતત ‘ચરણ’ તરીકે કર્યો છે એ કેવું કહેવાય? (દૃષ્ટિએ પણ કડીનો ‘ચરણ’ તરીકે નિર્દેશ કર્યો છે એમાં રઘુવીરનો જ ફાળો હશેને?) મધ્યકાળની છંદોરચના, પ્રાસરચના, અલંકારરચના વગેરેને તપાસવા માટેનાં પૂરતાં કામયાબ ઓજારો આપણે હસ્તગત કર્યાં છે ખરાં? ૬. મધ્યકાલીન લેખનપદ્ધતિમાં અવતરણચિહ્નનો નહોતાં. એથી આપણે ગૂંચવણમાં કે ભુલાવામાં પડી જઈએ એવું બને. અહીં નરસિંહનાં કેટલાંયે પદોમાં કડીએ-કડીએ કથનપદ્ધતિ બદલાય છે – એક કડી પહેલા પુરુષમાં ચાલે અને બીજી ત્રીજા પુરુષમાં ચાલે, કોઈ વાર તો એક કડીની બે પંક્તિમાં પણ કથનપદ્ધતિ બદલાઈ જાય છે. પહેલો પુરુષ ગોપીની ઉક્તિનો હોય, તેમ કવિની ઉક્તિનો પણ હોય, કેમકે અહીં તો નરસિંહ પોતે પણ કૃષ્ણ પ્રત્યેના ગોપીભાવથી લખે છે. આપણે આ બધી સ્થિતિનો સૂક્ષ્મ વિવેક કરવાનો આવે છે. ‘આજનો માંડવડો મારો’ જેવા પદમાં બહુધા ત્રીજા પુરુષમાં રાધાકૃષ્ણની ક્રીડાનું વર્ણન હોઈ, પ્રથમ પુરુષમાં ચાલતી બેત્રણ પંક્તિઓને નરસિંહનો ઉદ્‌ગાર માની લેવાની ભૂલ ન કરવી જોઈએ ને દુરાકૃષ્ટ અર્થોનો શ્રમ ન કરવો જોઈએ. રાધાની ઉક્તિ તરીકે એ પંક્તિઓને સરળતાથી ઘટાવી શકાતી હોય તો એમ જ કરવું જોઈએ. પદ મોટે ભાગે ગોપીની ઉક્તિ રૂપે ચાલતું હોય અને એક કડીમાં ‘ગોરી’ને સંબોધન હોય તેથી ગોપીની એ સ્વ પ્રત્યેની ઉક્તિ છે એમ ઘટાવી ન લેવાય, એ કડી કવિ તરફથી છે એમ જ માનવું જોઈએ. રાધાજીના કંથને ‘મારા વ્હાલા’ કહી સંબોધનાર કોઈ સપત્ની જ હોય એવું નહીં, કવિ પણ ગોપીભાવે એવું સંબોધન કરે. ૭. નરસિંહના જેવી મધ્યકાલીન શૃંગારભક્તિની કવિતાનાં અર્થઘટન અને આસ્વાદમાં મારી એક વિશેષ મૂંઝવણ છે. આજે આપણે એ કવિતાને ભક્તિકવિતા તરીકે કેટલે અંશે સમજી આસ્વાદી શકીએ? ભાગવતપ્રેરિત પ્રેમલક્ષણાભક્તિની પરંપરાને જાણતા હોઈએ, એના આધ્યાત્મિક અર્થઘટનનો આ૫ણને પરિચય હોય એટલામાત્રથી આપણે ભક્તિનું સંવેદન અનુભવી શકીએ ખરા? નરસિંહનાં ઘણાંબધાં પદો સ્વતંત્ર રીતે જોતાં તો માનુષી શુંગારનાં જ ભાસે છે. એના આધ્યાત્મિક અર્થઘટનનો પ્રયાસ કેટલાક મિત્રોએ કર્યો છે એ પરંપરાને અનુલક્ષીને કર્યો હશે, પણ એમની હૃદયપ્રતીતિ એમાં કેટલી હશે તે વિશે મને પ્રશ્ન થાય છે. દાખલા તરીકે ‘વારો ઓલ્યા પંખીને’ એ વિરહશૃંગારનું પદ છે. એમાં રાધાકૃષ્ણનું તો નામ પણ નથી, માત્ર છેલ્લે ‘નરસૈંયા ચા સ્વામી વિના રખે વહાણું વાયે’ એવી પંક્તિ આવે છે. નરસિંહને માટે આ ભક્તિશૃંગાર જ હશે ને આપણે એ પરંપરાનું પદ એને ગણીએ ત્યાં સુધી ઠીક છે, પરંતુ પ્રમોદભાઈ નોંધ મૂકે છે કે “આ પ્રકારનો રાત્રિકાળનો સંદર્ભ નરસિંહની ભક્તિકવિતામાં જીવની માયાદશાનો કાળ સૂચવે છે.’ બીજા મિત્રોએ પણ આવું અર્થઘટન કર્યું છે. મારો પ્રશ્ન એ છે કે આ રૂપકાર્થો આપણે કાવ્યમાંથી અનુભવીએ છીએ કે ભક્તિસંપ્રદાયમાંથી લઈને અહીં આરોપિત કરી દઈએ છીએ? નરસિંહનો શૃંગાર માનુષી શૃંગાર નથી, એમાં સ્થૂળ કામનું ચિત્રણ નથી, પણ એ અ-લૌકિક ભક્તિશૃંગાર છે, જીવ-શિવના અદ્વૈતનું આલેખન છે એમ સિદ્ધ કરવાના આપણા પ્રયત્નો આપણી ખરી લાગણીથી થયા છે કે બૌદ્ધિક આયાસથી થયા છે એ વિશે મને શંકા જાય છે. જેમકે, તમે પણ ‘તું સાંભળ, મારી સજની’માં માનુષી પ્રેમનું નહીં પણ જીવ-ઈશ્વરના સંબંધનું આલેખન છે એમ કહો છો. તમારી, અલબત્ત, દલીલ એ છે કે લજ્જા કામોદ્દીપક છે અને કૃષ્ણ અહીં રાધાની લજ્જા છોડાવવા પ્રયત્ન કરે છે એટલે કામસુખનો હેતુ અહીં સિદ્ધ થતો નથી. પણ કાવ્યના આરંભમાં જ આવતી ‘મારો પિયુ નિર્લજ્જ, હું લાજુ-ની’ એ ઉક્તિને કેમ ભૂલી શકાય? મને તો પદમાં નિર્લજ્જ ધીટ પુરુષ અને લજ્જાશીલ નારીના સંયોગનું જ ચિત્ર દેખાય છે, માનુષી શૃંગારમાં ન સંભવે એવું કશું જણાતું નથી. તો પછી આ પદને જીવ-ઈશ્વરના સંયોગ રૂપે જોવાની ભૂમિકા આપણે માટે રહે ખરી? કૃષ્ણભક્તિના ભાગવતપ્રેરિત એ સંસ્કારો આપણામાંથી કેટલામાં ખરેખર જીવંત રહ્યા છે? એ પણ નોંધવા જેવું છે કે આપણે દયારામમાં માનુષી ભાવની ફરિયાદ કરીએ છીએ ને નરસિંહને દિવ્યતાનો લાભ આપીએ છીએ. એક મિત્ર તો દયારામમાં નથી તેવી, શૃંગારમાંથી કામનો અંશ ગાળી નાખવાની જાદુઈ કળા નરસિંહમાં છે એમ કહે છે. મને એવું નથી લાગતું. દયારામે માનવભાવની અનેક છટાઓનો લાભ લીધો છે એ સાચું, પણ એની ભૂમિકા નરસિંહમાં જ પડેલી છે અને શૃંગારનાં સ્થૂળ સ્ફુટ વર્ણનોમાં તો નરસિંહ દયારામને ચડી જાય છે એવું એમનાં ઘણાં પદો બતાવે છે. આ સ્થિતિ સાથે આજે આપણું ચિત્ત કઈ રીતે સમાધાન કરે એ મારી મૂંઝવણ છે. રાધાકૃષ્ણની વાત આવે એટલે દિવ્યતાનું આરોપણ કરવા આપણે કેવા લલચાઈ જઈએ છીએ એનું એક બીજું ઉદાહરણ જોવા જેવું છે. કૃષ્ણ આકાશમાંના ચાંદા માટે રઢ લે છે એનું અર્થઘટન હર્ષદભાઈ આ રીતે કરે છે : “અહીં તો બાળક હરિ છે, તે પાર્થિવની સ્પૃહા ન કરે; તેને માયા લાગે તોયે વૈશ્વિક, બૃહદ્‌ની માયા લાગે!’ મને તો અહીં પ્રાપ્યઅપ્રાપ્યનો વિચાર નહીં કરી શકતી સીધીસાદી બાળહઠનું જ ચિત્રણ જણાય છે. વૈશ્વિક, બૃહત્‌ તત્ત્વની માયા જેને છે એ હરિ વાટકાના પાણીમાં ચાંદાના પ્રતિબિંબથી રીઝી જાય ખરા? એમાં બાળકનું ભોળપણ જ અભિપ્રેત છે. ૮. આપણી અદ્યતન કૃતિલક્ષી વિવેચના કેટલીક વાર ઘણી સાહસિક બની જતી જણાય છે ને કૃતિની શબ્દરચના, વર્ણરચના આદિમાંથી પણ ઊંડાં અર્થો ને ભાવછટાઓ શોધે છે. મધ્યકાલીન કવિતાનાં ભાવ અને અર્થનાં પરિમાણો મર્યાદિત, તેથી એના અર્થઘટન ને આસ્વાદમાં શબ્દ-વર્ણલક્ષી વિવેચનાનો આશ્રય લેવાની ફરજ કદાચ વધારે પડતી હશે. પણ આ જાતની વિવેચનાનાં જોખમો વિશે આપણે સભાન બનવાની જરૂર લાગે છે. ‘એવા/તેવા’ એક પંક્તિમાં ચાર વખત આવે એમાં આપણને શબ્દની શક્તિ ત્રીજા નેત્રની પ્રસાદી રૂપે સ્વયંભૂ પ્રગટેલી દેખાય, ‘કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ, સાયર ઢાંક્યો કેમ જાય?’ એવી લોકોક્તિનો વિનિયોગ થયો હોય ત્યાં લોકોક્તિને અપૂર્વ કાવ્યોક્તિમાં પલટી નાખી છે એવું આપણને લાગે, ‘સાદ’ શબ્દનો આક્રોશપૂર્વક થતા ઘાંટાનો અર્થ કરીએ, ‘ખાશે’ ક્રિયાપદ અધ્યાહાર રહ્યું હોય એનું આશ્ચર્ય વ્યક્ત કરીએ, મધ્યકાળમાં ઘણી વાર તો પાદપૂરક તરીકે કે ધ્રુવા તરીકે વપરાતા ‘રે’માં આશ્ચર્યના કે વેદનાના અર્થ જોઈએ, ‘લટકો’ શબ્દને દૃશ્યકલ્પન કહી વધાવીએ કે ‘ફરર...’ જેવા રવાનુકારી શબ્દોનો મહિમા કરીએ – આ બધામાં કવિકર્મ વિશેના આપણા મુગ્ધ ખ્યાલો કે કવિકર્મ શોધવાનો બૌદ્ધિક પ્રયાસ કે શબ્દો પર આપણા અર્થોનું આરોપણ કરવાની વૃત્તિ મને જણાય છે. ‘આ’કારના પુનરાવર્તનથી સાદની દીર્ઘતા સૂચવાતી હોવાનું કદાચ માની શકાય, પણ ‘એ’- કારની પુનરુક્તિથી ચેતવણીના સૂરને ઉઠાવ મળતો હોવાનું કે પ-સ વર્ણોનાં આવર્તનો દ્વારા પ્રગટતી સંવાદિતા કૃષ્ણ-ગોપીની આંતરસંવાદિતાનું પ્રતીક હોવાનું માનીએ એમાં ઘણો સાહસિક સ્વઅર્થ-પ્રક્ષેપ છે. પણ વિવેચનની આ શૈલી માત્ર મધ્યકાળની રચનાઓ પૂરતી મર્યાદિત ન હોઈ એની કોઈ વાર જુદી જ ચર્ચા કરવી જોઈએ. ૯. નરસિંહ જેવા કવિને નામે મળતાં કાવ્યોના કર્તૃત્વનનો કોયડો પણ હોવાનો. એ સંશોધકનો વિષય છે, કાવ્યાસ્વાદ કરાવનારનો નહીં પણ આસ્વાદક એ કોયડો હોવાની હકીકતથી સભાન હોય એ જરૂરી છે. એથી એના કાવ્યાસ્વાદને વધારે સાચી દિશા મળશે. જયંતભાઈ! મેં ઘણી ડાહી વાતો કરી. એને એક પ્રકારનું જાહેર આત્મચિંતન જ ગણશો, કેમકે અહીં મધ્યકાળની કવિતાના આસ્વાદની જે મુશ્કેલીઓ વર્ણવી છે એ મેં નથી અનુભવી એવું નથી ને જે દોષો થતા વર્ણવ્યા છે તે મેં નથી કર્યાં એવો દાવો પણ હું કરી શકું તેમ નથી. આપણે સૌ આ સમસ્યાઓનો વિચાર કરીને મધ્યકાલીન કાવ્યોને વધારે સાચી રીતે સમજતા-સમજાવતા થઈએ એ જ ઉદ્દેશ છે.

જયંત કોઠારીના સસ્નેહ વંદન