સાહિત્યિક સંરસન — ૩/અજય સોની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ અજય સોની ++


ધ્રૂજતું પાણી —



એકવારનું જે કરવું હોય એ કરી નાખે એટલે શાંતિ. આ રોજની લપ મટે.” “એટલે શું કરે? બધાંને મારી નાખે એમ?” ટીવી પર રિપોર્ટરનો અવાજ અને દૃશ્યોની ભયાનકતા એકબીજાંથી અલગ પડી જતાં હતાં. તેમાં ય પપ્પા સામે મારા સવાલથી ટીવીનું વૉલ્યુમ એકાએક વધી ગયું હોય એવું લાગ્યું. પપ્પા બેઠા હતા એ હીંચકાનો કિચૂડાટ અને સોપારી વેતરતો પપ્પાનો હાથ હજુ ચાલુ જ હતો. મમ્મીએ પણ શાક સમારવાનું ચાલુ જ રાખેલું. ટીવી પરનાં દશ્યો જોઇને ફક્ત એની આંખમાંથી પાણી વહી નીકળ્યું હતું. “મહિનો થયો કામધંધા બંધ છે. બધાં ય ઘરમાં બેઠાં છે. હજુ સુધી આ તોફાનો બંધ થવાનું નામ નથી લેતાં.” મને પપ્પાની માનસિકતા સામે પહેલેથી વાંધો રહ્યો છે. અમારે ઘણીવાર બોલવાનું થતું. મોટા ભાગે મારી તાર્કિક દલીલો સામે પપ્પાની અકારણ જીદ. “તમે એ જુઓ છો કે આપણાં કામધંધા બંધ રહ્યા, પણ ધારો કે કોઈ ટોળું આપણા ફળિયામાં આવીને ઘરોમાં આગ લગાવી જાય તો તમે શું કરો?” મારા મતે આ પ્રશ્નનો કોઈ જવાબ હતો જ નહીં. “દુકાનમાં રાખેલી તલવાર અને દરવાજા પાસે પડેલી હૉકી અમસ્તી નથી લીધી બેટા.” પપ્પાનો ગુસ્સો ઊછળી પડ્યો. “અત્યારે બધાં એ જ કરે છે.” મેં ટીવી પર નજર ઠેરવતાં કહ્યું. હું જાણતો હતો કે પપ્પાની નજર મારા ચહેરા પર દેખાતા ઉકળાટ પર અટકી હતી. “પણ આ બધા લોકો એકબીજાને મારે કેમ છે?” મમ્મીએ મારી સામે જોયું. “એનો જવાબ મળી જાય તો વળી આ રમખાણો થાય જ શાનાં?” ઘડીક સ્તબ્ધતા છવાઈ ગઈ. પંખાનો અવાજ પણ મને અળખામણો લાગતો હતો. “બધાંને પોતાની જાતનું ગૌરવ હોય. એમ ચાર ચોપડી ભણીને કોઈ લાલ-લીલાંને સરખું સમજવા લાગી ન જાય. તું ઝટ શાક સમાર. મને ભૂખ લાગી છે.” પપ્પાએ છણકો કરીને છેવટે પોતાની વાત મૂકી જ દીધી. “કરું જ છું ને. એમાં તમે કેમ આટલા ઊકળો છો?” પપ્પા પાસે કોઈ જવાબ ન હતો. એમણે દાંત વચ્ચે ફસાયેલી સોપારી કાઢવા જીભ ફેરવી. નજર તો બારી બહાર જ હતી. જાણે સવારના તડકાને એમની સાથે કાંઈ વેર હોય એમ! હમણાં ઊભા થઈ જશે એવી રીતે ઉભડક બેઠા હતા. ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા અને ગોલ્ડન ફ્રેમના ચશ્માંમાં વેપારી ઠાઠ વર્તાતો હતો. પહેલાં મારું એક જ સપનું હતું કે પપ્પાની જેમ સોના-ચાંદીનો મોટો વેપારી બનીશ. હસતાં હસતાં રૂપિયા ગણીશ. પણ ધીમે ધીમે એ બધું ક્યાં ગયું એની ખબર ન રહી. હવે તો પપ્પાના આ ચહેરાને જોઇને ક્યારેક ક્યારેક અકારણ ખુન્નસ પણ ચડે છે. “માતાજી બધાંની રક્ષા કરે એટલે બસ. આનું કાંય નક્કી નહીં.” “બીજાની રક્ષા તો એનો ભગવાન કરશે. આપણી રક્ષા આપણાં માતાજી કરે એટલે બસ.” પપ્પા ઊભા થઈ ગયા. મારે કાંઈ બોલવું ન હતું. ટીવી પર રમખાણો અને સળગી ગયેલાં ઘરોનાં દૃશ્યો આવી રહ્યાં હતાં. ક્યાંક રડતાં લોકો, બળતાં ઝૂપડાં, ભાગતા માણસો, ધૂળમાં સૂતેલાં બાળકો અને ટોળાંનાં દૃશ્યો હતાં. બધું એકમેકમાં ભળી ગયું હતું. હું એના પરથી નજર ખસેડી નહોતો શકતો. “મને તો હમણાંથી મુઝફ્ફરનો વિચાર આવે છે. એને કાંય થયું ન હોય એટલે બસ.” મમ્મીના ચહેરા પરના ભાવ પપ્પાને દઝાડી ગયા. “એ પોતાનું ફોડી લે એવો છે. તું ચિંતા ન કર.” “હા, પણ જુઓ ને સમાચારોમાં નથી આવતું, રાત વચ્ચે આખી વસતીમાં આગ લગાડી દે છે. સૂતા ભેગી સવાર થઈ જાય.” “અહીંયાં કેમ કોઈ નથી આવતું. ટીવીવાળા દેખાડે એ બધું સાચું ન હોય. અત્યારે બધાંયે પોતાનો ગોળ ચોળીને ખાવો જોઇએ. એવો સમય છે. સમજી કાંઈ?” પપ્પા મમ્મીને સમજાવતા હોય એવો ડોળ કર્યો. “એ તો બધાં આમેય એ જ કરે છે અત્યારે. તમારી સામે કોઈ તલવાર લઈને ઊભું રહે તો તમે તમારું જ વિચારો. મારું કે મમ્મીનું પણ નહીં.” મને એમ કે પપ્પા બરાડી ઊઠશે. પણ પપ્પા સમસમી ગયા. મમ્મીએ ચર્ચા અટકાવવા ટીવી બંધ કર્યું. “તું હાલ મારા ભેગો રસોડામાં. થોડીક મદદ કરાવ. ને તમે માથેના રૂમમાં ઘડીક આરામ કરો. જમવાનું થાય એટલે બોલાવું છું.” “ના, માથે નથી જાતો. દુકાનમાં જઇને બેસું છું. થોડો હિસાબ જોવો છે.” પપ્પાએ ઘરની અંદર પડતા દુકાનના પાછલા દરવાજા બાજુ જવા પગ ઉપાડ્યા. “દુકાનમાં ગ્યા વગર તો તમને મજા નહીં આવે. બધું બંધ છે તો ય હિસાબ ને ઉઘરાણી. અત્યારે માણસોને જીવના જોખમ છે ને તમને ધંધો સૂઝે છે.” “તું તારું કામ કર ને છાનીમાની.” હું રસોડામાં દાખલ થયો. નાનકડું રસોડું હમણાંથી વધુ નાનું લાગતું હતું. હમણાંથી કૉલેજ બંધ છે એટલે હું પણ મમ્મીને મદદ કરાવું છું. નહીંતર અડધો દિવસ કૉલેજ અને બાકીનો દિવસ પપ્પા સાથે દુકાનમાં વીતી જતો. પપ્પા ગ્રાહકને દાગીના બતાવે ત્યારે મને ઇશારો કરી દે. મારે ગ્રાહકને ખબર ન પડે એમ એ જોતાં રહેવાનું કે એકેય વસ્તુ ઓછી તો નથી થતી ને! પપ્પાની ચીવટ, બોલવાની ઢબ, હસવાનો લહેકો, ચહેરા પરના ભાવ.બધું જ બદલાઈ જતું જ્યારે એ દુકાનના થડા પર બેસતા. મને સમજાતું નહીં કે ઘર અને દુકાન ભેગાં જ છે, ફક્ત એક દરવાજો વચ્ચે આડો છે તો પપ્પા આટલાં કેમ બદલાઈ જાય છે. ગ્રાહક જાય પછી પપ્પા એક જ વાક્ય બોલતા જે મને ક્યારેય નથી સમજાયું - “બસ, એકવારનો વિશ્વાસ બેસવો જોઇએ. તારે આ જ શીખવાનું છે.” રસોડામાં બફારો હતો. મમ્મીના હાથ ઝડપથી ચાલતા હતા. મને કાંઈ સૂઝતું ન હતું. જ્યારથી શહેરમાં કર્ફ્યૂ લાગ્યો છે ત્યારથી આવું જ થાય છે. મગજ પર દબાણ આવે છે. લાગે છે કે બધું છોડીને સૂઈ જાઉં. લાંબી સપનાં વિનાની ઊંઘ લઈ લઉં. રોજ રાતે સૂતી વખતે પણ એ જ બધું મગજ પર ભમ્યા કરે. હાથમાં તલવાર લઇને દોડતું ટોળું, જીવ બચાવવા ભાગતાં લોકો, ભડકે બળતું ઘર અને ચારેબાજુથી ઊઠતો ધુમાડો. પછી તો ગળું સુકાવા લાગતું ને થતું કે નીચે જ કોઈ ઊભું છે રાહ જોઇને. નાનો સરખો અવાજ પણ શરીરમાં ભયની કંપારી ફેરવી દેતો. ક્યારેક અડધી રાતે ઊંઘ ઊડી જતી તો પપ્પાની પથારી ખાલી દેખાતી. હું હાંફળો-ફાંફળો થઇને બહાર ચાલીમાં જતો તો પપ્પા ખૂણામાં ઊભા રહીને દૂર શેરીનાં નાકે જોતાં ઊભા હોય. હાથમાં સજ્જડ પકડેલી હૉકી અને ચહેરા પર બાઝી ગયેલું રાતનું અંધારું. હું ક્યાંય સુધી પપ્પાને જોઈ રહેતો અને પપ્પા અપલક દૂર કોઇના આવવાની રાહ જોતા હોય એમ જોઈ રહેતા. ત્યારે એમના ગળે લટકતી રુદ્રાક્ષની માળા અલગ પડી આવતી. મને ટીવીમાં દેખાતાં ટોળાંમાંના લોકો યાદ આવી જતા. પથારીમાં પટકાતો અને ઊંઘ સાથે બથોડાં લેવામાં જ સવાર થઈ જતી. જાણે રોજનો આ ક્રમ થઈ ગયો હોય એવું લાગતું હતું. સવાર થતાં વળી એ જ સમાચારો, એ જ વાતો કરતાં લોકો, ટોળાંનાં દૃશ્યો. રાજકારણીઓની ન સમજાય એવી વાતો, ઘરમાં પૂરાઈ ગયેલાં ભયના માર્યા ડરી ડરીને જીવતાં લોકો અને આરતી-આઝાનને જુદાં પાડવા મથતાં લોકોની અફવા. “જલ્દી ટમેટાં સમાર કાના, કેમ આજે આમ કરશ? તેલ તપી ગયું છે.” મમ્મીએ પહેલાં કહ્યું અને પછી મારા હાથમાંથી ચપ્પુ અને ડિશ લઈ લીધાં. હું તો એમ જ બેઠો હતો જે રીતે પહેલાં બેઠો હતો. મમ્મી એની ધૂનમાં કામ કરતી હતી. મને થયું હવે મારું કામ નથી. હું ઊભો થઇને બહાર આવ્યો. બારી બહાર જોવા લાગ્યો. સળિયાના કારણે શેરીનું દૃશ્ય વહેંચાયેલું દેખાતું હતું. લારીવાળા પાસે ભાવનામાસી શાક લેતાં હતાં. ત્યાં તો રાજેશકાકા દોડતા આવ્યા અને ભાવનામાસીને અંદર દોરી ગયા. પછી ઘરનાં જાળિ યાં બંધ કરી નાખ્યાં. ત્યાં તો હાકોટો સંભળાયો. લારી પાછળ લઈ હંકારી મૂકી. જાણે એ ટેવાઈ ગયો હોય એમ નીચી મુંડીએ ચાલ્યો ગયો. હું એના પહેરવેશ પરથી ઓળખવા મથી રહ્યો પણ પપ્પાની જેમ હજુ મને એ વાત સમજાઈ ન હતી કે પપ્પા તરત જ કઈ રીતે લોકોને ઓળખી લેતા હશે. મેં બારી બંધ કરી. શું કરવું એની અસમંજસમાં ચાલીમાં આવ્યો. ઘણાં દિવસોથી બંધ પડેલા કામના રૂમનો આગળિયો ખોલ્યો. દિવસે પણ અંધારું હતું. ઘણાં વખતે પરિચિત વાસ નાકમાં ભરાઈ. નાનકડો રૂમ પહેલાં સ્ટોરરૂમ તરીકે વપરાતો. પછી દુકાનમાં કામ વધતું જતું હતું તેથી બંગાળી કારીગર અને મશીનો વસાવી પપ્પાએ ઘરે જ દાગીના બનાવવાનું વિચાર્યુ. નફો વધુ મળે ને સમયસર કામ આપી શકાય. પહેલાં મમ્મીએ ના પાડી હતી કે ઘરે અજાણ્યાં લોકો આવે એ ન ચાલે. પણ પપ્પાએ જેમ તેમ કરીને મમ્મીને સમજાવી લીધી. મુઝફ્ફરનું નામ સાંભળીને મને એ વાતનું આશ્વર્ય થયેલું કે પપ્પા તો માણસને જોઇને જ ઓળખી લે છે તો મુઝફ્ફરને કેમ નહીં ઓળખી શક્યા હોય? મમ્મીએ પણ એ રાતે પપ્પાને છણકા સાથે કહ્યું ત્યારે એમનો જવાબ ઉડાઉ હતો. “તે ઓછા પગારમાં આટલું બધું કામ કરવા તારો જાતભાઈ આવશે? આપણે ક્યાં એને ભાણે જમવા બેસાડવો છે? આમેય સ્ટોરરૂમ આંગણાની સામે છે. જમવાનું થઈ જાય એટલે ત્યાં થાળી મૂકી આવવાની. બે પૈસા બચતા હોય તો થોડું ઘણું સહન કરવું પડે.” મમ્મી તો એ દિવસે સમજી ગઈ હતી પણ હું કેમે ય સમજી શકતો ન હતો. મુઝફ્ફરને પહેલીવાર જોયો ત્યારે લાગે જ નહીં કે આને બોલતાં પણ આવડતું હશે. કાળોમેશ રંગ, વધેલી દાઢી અને ટૂંકા વાળ. પહેલાં કામ કરવા લુંગી પહેરીને બેસતો. પપ્પાએ ના પાડી એટલે પેન્ટ પહેરીને આવતો. દુકાનના દરવાજેથી આવે તો ઘરમાંથી પસાર થઇને છેક ચાલીના છેડે સ્ટોરરૂમ સુધી જવું પડતું. એટલે પપ્પા એને હંમેશાં ઘરના ગેટથી અંદર જવાનું કહેતા. એટલે ચાલી વટાવી સ્ટોરરૂમમાં જઈ શકાતું. હું જ્યારે પણ નવરો પડું કે પપ્પા મને ધીમે રહીને ઇશારો કરતા. હું મુઝફ્ફર પાસે જઇને બેસતો. જાણે મારી આવવાની નોંધ જ ન લીધી હોય એમ એ પોતાની ધૂનમાં કામ કર્યા કરતો. મારા સવાલનો ટૂંકો જવાબ વાળી દેતો. પપ્પા કહેતા કે એનું કામ ચોખ્ખું છે. પ્લાસ્ટરના કામમાં એનો હાથ સારો બેસેલો છે. મને કામ શીખવાની બહુ ઇચ્છા હતી. તેના માટે બે વરસ રાજકોટ જવું પડતું, કાં તો કોઈ કારીગર પાસે શીખવા જવું પડતું. પપ્પાએ થોડું ઘણું શીખવ્યું હતું. પછી એ કહેતાં એમ મારું મન પણ વળી ગયેલું. “તારે આમેય દુકાન જ સંભાળવાની છે. આ ભણવાનું ને કામ શીખવાનું રહેવા દે. ખાલી આપણાં ધંધાની સમજ પડે એટલું આવડી જાય એટલે બસ.” મને તો સોનાના કામના કારીગર થવાની ઇચ્છા હતી. જેમ મુઝફ્ફર હતો. એક સોનાના કટકામાંથી એ કઈ રીતે હાર બનાવે છે એ હું ધ્યાનથી જોયા કરતો. મારે મન એ જાદુગર હોય એવું લાગતું. એને ઘણું બધું પૂછતો ને એ ઓછું સાંભળતો હોય એમ ક્યારેક જવાબ આપતો ક્યારેક સમજ્યો ન હોય એમ જોઈ રહેતો. પણ અકળાતો નહીં ક્યારેય. દિવસે પણ પાટલા પર લૅમ્પ રાખીને નીચી મુંડીએ બેઠો રહેતો. કાળા મીણ પર સોનાની ડિઝાઇન ગોઠવાતી જતી ને એક આકાર બની જતો. હું એના પાટલા પર લૅમ્પની જેમ ઝળૂંબીને જોઈ રહેતો. બપોરના ભાગે દુકાન બંધ રહેતી એટલે જમ્યા પછી એકાદ કલાક પપ્પા મુઝફ્ફર પાસે બેસતા. મને એની પાસે બેઠેલો જોઇને અકળાઈ જતા. “જા, તું જમી આવ. ને શું આમ મોં નાખીને પડ્યો છે? એને કામ કરવા દે શાંતિથી.” હું ચાલ્યો જતો. પપ્પા ખુરશી નજીક ખેંચીને બેસતા. એમના ઓડકારથી મુઝફ્ફરના હાથમાં પકડેલી સમાણી ઘડીક અટકતી અને ફરી કામે લાગી જતી. પપ્પા એને બાકીના કામની વિગતો આપતા અને જરૂર પડ્યે રાતે પણ કામ પર બેસવાનું કહેતા. એ ખાલી હકારમાં ડોકું હલાવી શકતો.

* *

હું લાઇટ કર્યા વગર જ રૂમમાં આવ્યો. જૂની ઢબનો રૂમ હતો. એક બારી હતી જે શેરીમાં પડતી હતી, પણ પપ્પા એ ખોલવા જ ન દેતા. એટલે એને હંમેશાં માટે બંધ કરીને એના ગોખમાં ભારે સામાન ખડકી દેવાયો હતો. મને ઘણીવાર થતું કે એ બારી ખોલી નાખું તો અજવાળું આવે. મુઝફ્ફરને લૅમ્પ રાખવાની જરૂર ન રહે. પણ મુઝફ્ફર લૅમ્પથી ટેવાઈ ગયો હતો. આંખો અંધારાથી ટેવાઈ એટલે હું પાસે પડેલાં સ્ટૂલ પર ઉભડક બેઠો. લગભગ મહિનાથી વધુ સમય થઈ ગયો આ રૂમ બંધ હતો. એ દિવસે અચાનક પપ્પાએ સાંજે મુઝફ્ફરને કહી દીધું. “હમણાંથી કામ ઓછું છે, તો થોડા દિવસ તું ઘરે જ રહેજે.” મુઝફ્ફર ચંપલમાં પગ નાખતો અટકી ગયો હતો. એ રીતે પપ્પા સામે જોયું જાણે કંઇક પૂછી રહ્યો હોય. “તું ચિંતા ન કર. આ મહિનાનો પગાર પૂરો આપી દઇશ. આવતા મહિનાથી લગનસરાની સિઝન ચાલુ થશે એટલે હું તને બોલાવી લઇશ. તું બીજે ક્યાંય ચાલ્યો ન જતો, હોં!” મુઝફ્ફરે ખાલી ડોક હલાવી હતી. એ ગયો પછી મેં પપ્પાને પૂછેલું, “હજુ તો ઘણું ય કામ પડ્યું છે. એને કેમ રજા આપી દીધી?” પપ્પાએ જવાબ નહોતો આપ્યો. તે પછી એકાદ અઠવાડિયે જ રમખાણ અને કર્ફ્યૂના સમાચાર આવ્યા. શહેર સળગવા લાગ્યું, ત્યારે પપ્પાની આંખમાં દેખાતો આક્રોશ હું જોઈ રહ્યો હતો. મને મુઝફ્ફરના ચહેરા પર હંમેશાં દેખાતી નિ રાંત ડંખતી હતી. એક દિવસ હું મુઝફ્ફર પાસે બેઠો હતો ને મમ્મી આવીને મારી પાસે બેસી ગઈ. હું એને જોઈ રહ્યો. પપ્પા કામથી અમદાવાદ ગયા હતા. સાંજે આવવાના હતા. “મુઝફ્ફરભાઈ તમે કાંય બોલતા કેમ નથી? મારા હાથની રસોઈ નથી ભાવતી કે શું?” હું મમ્મી સામે જોઈ હસવા લાગ્યો. મેં હિન્દીમાં મુઝફ્ફરને કહ્યું એટલે તે હસી પડ્યો. પછી મમ્મીએ ભાંગીતૂટી હિન્દીમાં વાત કરવાનું શરૂ કર્યું. મુઝફ્ફર પણ જવાબ આપતો હતો. મને આશ્ચર્ય થયું. મુઝફ્ફરનાં લગન થઈ ગયાં હતાં. ચાર વરસની દીકરી પણ હતી. કોલકત્તાથી આવ્યે દોઢેક વરસ થયું હતું. પહેલાં જે શેઠ પાસે હતો એ કામ બહુ કરાવતા અને પગાર ઓછો હતો એટલે છોડી દીધું. શહેરના છેડે મુસ્લિમ વસતીવાળા વિસ્તારમાં એક ઓરડી ભાડે રાખીને રહેતો હતો. મમ્મીએ ઊભા થતાં એટલું કહ્યું કે, “ક્યારેક તારી ઘરવાળી અને છોકરીને પણ લઈ આવજે.” જાણે મુઝફ્ફરે સાંભળ્યું જ ન હોય એમ એણે ફરી નીચી મુંડીએ કામ કરવાની શરૂઆત કરી દીધી. હું મમ્મીને જતી જોઈ રહ્યો. ઘણાં દિવસોથી બંધ નાઇટ-લૅમ્પ ચાલુ થયો. અજવાળાનો એક ચોક્કસ ટુકડો મુઝફ્ફરના પાટલા પર પડ્યો. પણ અત્યારે એની જગ્યાએ હું બેઠો હતો. હું હંમેશાં બેસતો એ જગ્યા તરફ જોઈ રહ્યો. અંધારાના કારણે અહીંથી સ્પષ્ટ દેખાતું ન હતું. હું ધારી ધારીને અમારા જ ઘરના અલગ ઓરડાને જોઈ રહ્યો. અહીં બેસીને મુઝફ્ફર મને જોતો હશે એ યાદ આવતાં મને નવાઈ લાગી. નાનકડી ગાદી અને એક બાંકડો. થોડાં હથિયાર, વારંવાર ચાલુ-બંધ થતી લાલ ગૅસગન. એની લાંબી-ટૂંકી ફ્લેમ પર મારું ધ્યાન અટકેલું રહેતું. પસીનાથી નહાઈ જતો મુઝફ્ફર ક્યારેય કંટાળતો નહીં કે ક્યારેય કામ છોડીને થોડીવાર બહાર પણ ન બેસતો. મેં ખાનું ખોલ્યું. સમાણી, કાપણી, ખારવડી અને બીજો થોડો સામાન ઘણાં દિવસોથી વણવપરાયેલો પડ્યો હતો. મેં બધું બહાર કાઢ્યું. પાસે પડેલી ગૅસગનને ચાલુ કરી અને ધીમી-ફૂલ કરી જોઈ. પછી બંધ કરીને બાજુ પર રાખી દીધી. મેળવણ માટે વપરાતો તાંબાનો તાર કાપણીથી કાપવા લાગ્યો. મજા આવતી હતી. હથિયારનો અવાજ મને ગમતો હતો. થોડીવાર એમ જ બેઠો રહ્યો. જાણે હું મુઝફ્ફર હોઉં એમ સામે જોવા લાગ્યો. એકાએક મને ડર ઘેરી વળ્યો. જાણે હમણાં કોઈ દરવાજામાંથી આવશે. એકવાર મેં મુઝફ્ફરને પૂછેલું. “તને કામ કોણે શીખવ્યું?” એણે વિચાર્યા વિના જ જવાબ આપી દીધો હતો. “કોઇએ નહીં. પંદર વરસનો હતો ત્યારથી જ બીજાઓ સાથે કામ પર જતો. જોઈ જોઇને શીખતો ગયો. મારે તો ભણવું હતું, પણ ઘરે ખાવાના વાંધા હતા એટલે શીખવું પડ્યું.” એના ચહેરા પર અફસોસ ન હતો અથવા મને નહોતો દેખાતો. હું નાઇટ-લૅમ્પનાં સીમિત અજવાળામાં મુઝફ્ફરના ચહેરાને જોવા ટેવાઈ ગયો હતો. મેં લૅમ્પ બંધ કર્યો. અંધારું છવાઈ ગયું. હંમેશાં બંધ રહેતી બારી અને મેં બંધ કરેલાં બારણાંની તિરાડમાંથી અજવાસના લીટા પડતા હતા. મુઝફ્ફરના શરીરમાંથી અલગ જ પ્રકારની પસીના મિશ્રિત વાસ આવતી રહેતી. અચાનક જ મને એ વાસ આવવા લાગી. મેં સમાણીને સૂંઘી જોઈ. પછી વારાફરતી બધાં હથિયારોને નાક સુધી લાવીને મૂકી દીધાં. તોય પેલી ગંધ જાણે તીવ્ર બનીને અંદર ને અંદર ઊતરતી જતી હતી. “કાના, ક્યાં ગ્યો. હાલ જમી લે.” મમ્મી અહીં આવે એ પહેલાં જ હું મુઝફ્ફરના થડા પરથી ઊભો થઈ ગયો.

* *

બપોર થતાં પપ્પા તો હંમેશ મુજબ મેડી પર પોતાના રૂમમાં આરામ માટે ચાલ્યા ગયા. મમ્મી હજુ કામમાંથી પરવારી ન હતી. આજે મારું મન નહોતું થતું એને મદદ કરવાનું. સેટી પર આડો પડ્યો. ત્યાં જ ગેટ ખખડ્યો. મમ્મી રસોડામાંથી દોડતી બહાર આવી. મને તેની ઉતાવળ સમજાઈ નહીં. ગેટ પાસે જઇને અટકી ગઈ. મારી સામે જોઈ રહેતા એના હાથ અટક્યા. હું પણ એની પાસે જઇને ઊભો રહી ગયો. “અરે, મુઝફ્ફર?” મેં ગેટ ખોલ્યો એ સાથે જ ઘણા વખતથી ન દેખાયેલો મુઝફ્ફરનો ચહેરો દેખાયો. મમ્મીના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી. મેં ગેટ પૂરો ખોલ્યો. પાછળ એક સ્ત્રી અને બાળકી પણ હતાં. મુઝફ્ફર ઝડપથી અંદર આવી ગયો. એણે જ દરવાજો બંધ કરી નાખ્યો. મને કાંઈ સમજાય એ પહેલાં જ એ બોલ્યો. “શેઠાણી, બસ આજ કે દિન મેરી મદદ કર દો.” મમ્મી કંઈ સમજી શકતી ન હતી. એના ચહેરા પર ફક્ત પપ્પાની ચિંતા દેખાતી હતી. મેં એના ખભે હાથ રાખ્યો. પછી મુઝફ્ફરને કહ્યું, “ક્યાં હુઆ મુઝફ્ફર? તુમ ઠીક તો હો ના?” “હા, હમ તો ઠીક હૈ પર હમારા ઘર જલ ગયા હે. જૈસે તૈસે હમ બચ ગયે.” મુઝફ્ફરના ચહેરા પર ક્યારેય ન જોયેલો ચિંતાનો ભાવ મને દેખાતો હતો. બપોરનો સન્નાટો જે કાયમ મને ઊંઘવા મજબૂર કરતો. આજે લાગ્યું જાણે કાયમની ઊંઘ ઊડી ગઈ કે શું? “શું વાત કરો છો? કોણે ઘર બાળ્યું તમારું?” મમ્મી મુઝફ્ફરના ચહેરા સામે જવાબની આશાએ જોઈ રહી. મુઝફ્ફર મારી સામે તાકતાં બોલ્યો, “વો તો હમે ભી નહીં પતા. હમારે વાલે લોગ પૂરી રાત બસ્તી મે ઘૂમતે રહેતે હે. કલ રાત પૂરે સતરાહ ઘર જલ ગયે. હમ તો જૈસે તૈસે નિકલ આયે, પર દસ લોગ વહી સોયે હુએ હી જલ ગયે. જબ આગ બુઝી તો પતા હી નહીં ચલા કી કૌન સી લાશ હૈ ઓર કૌન સા સામાન?” મમ્મીની આંખમાં આંસુ હતાં. હું મુઝફ્ફરની પત્ની અને નાનકડી બાળકીને જોઈ રહ્યો હતો. એમની આંખોમાં ઓથાર હતો. બાળકી વારેવારે ચારેબાજુ જોઈ રહી હતી. “બસ, આજ કી રાત મેરા એક કામ કર દો તો આપ કી બડી મહેરબાની હોગી.” મુઝફ્ફરનો અવાજ ગળગળો થઈ ગયો. “હા બોલો. ક્યા કરના હૈ.” હું ઉતાવળમાં બોલ્યો. “હમ કોલકત્તા ચલે જાને વાલે હે. અબ યહાં નહીં રહેના હે.” “અરે વાપસ જાને કી ક્યા જરૂરત હૈ? યે સબ થોડે દિન મે ઠીક હો જાયેગા.” મને સમજાયું નહીં કે મમ્મી આવું કેમ બોલી. “આપકો પતા નહીં હે શેઠાણીજી. કલ સુબહ હમ જિંદા હોંગે કે નહીં યે ભી નહીં પતા. ઇસ સે તો અચ્છા હે કી હમારે ગાંવ ચલે જાય. આપ ઘરો મે બંધ હૈ ઇસલિયે આપકો નહીં પતા. બાકી વહાં બસ્તી મે રાત કો ક્યાહો જાય પતા ભી નહીં લગતા.” હું સ્તબ્ધ થઈ ગયો. ટીવીમાં જોયેલાં દૃશ્યો અને અવાજો જાણે આંખ સામે દોડી રહ્યાં હતાં. “કલ સુબહ હમારે વાલે લોગ સાથ મિલકર નિકલ જાયેંગે. બસ, આજ કી રાત આપ મેરી બીવી ઔર બેટી કો આપકે ઘર મે રખ લો તો બડી મહેરબાની હોગી.” મમ્મીની આંખોમાં પણ પેલો ઓથાર દેખાયો, જે મને થોડીવાર પહેલાં મુઝફ્ફરની આંખોમાં દેખાયો હતો. હું જાણતો હતો કે મમ્મી કઈ વાતે મૂંઝાતી હતી. મેં વિચાર્યા વિના જ કહી દીધું, “હા, ઉસ મેં ક્યાં હે! ચાહો તો તુમ ભી રહ જાઓ. ઇસ વક્ત હમારા ઇતના તો ફર્ઝ બનતા હે કી નહીં?” હું હસવા લાગ્યો પણ મુઝફ્ફર અને મમ્મીનાં ચહેરા પરની રેખાઓ તંગ હતી. “મુઝે પતા હે આપકો સંકોચ હોગા, પર ઇસ શહેર મે આપ કે ધરમવાલો સે મેરી જ્યાદા પહેચાન નહીં હે, ઔર મેરે લિયે ઇસ કે સિવા કોઈ જગાહ મહફૂસ નહીં હે.” મુઝફ્ફરના ચિત્તમાં એકસાથે કેટલું બધું ચાલતું હતું તેનો અંદાજ એના વારંવાર તૂટતા શબ્દો અને કપાળ પરના સળ કહેતા હતા. પોતાની બાળકીનો હાથ સજ્જડ પકડીને નીચી નજરે ઊભેલી સ્ત્રી તો જાણે કાંઈ બોલવા જન્મી જ નથી. “તુમ ચિંતા મત કરો મુઝફ્ફરભાઈ. આપકી બહુ હમારી બહન હે. તુમ આરામ સે જાઓ.” મમ્મીના અવાજમાં વિશ્વાસનો રણકો હતો. મેં પણ મુઝફ્ફરને હિંમત બંધાવી એટલે તેની પત્ની અને બાળકીને એણે આગળ કર્યાં અને પોતે બે ડગલાં પાછળ ચાલ્યો. જતાં જતાં એની પત્ની ચિંતિત અવાજે મુઝફ્ફરને બંગાળીમાં કંઇક કહી રહી હતી. પહેલાં શાંતિથી અને પછી અકળાઇને મુઝફ્ફરે જવાબ આપ્યો અને ચાલ્યો ગયો. એની પત્ની બહાર જોઈ રહી. મમ્મી બાળકીને જોઈ રહી હતી, જે એની માના પગમાં સમાઈ ગઈ હતી. “આઓ, ઇસ રૂમ મે આરામ સે બેઠો.” મમ્મી એને સ્ટોરરૂમ કે જેમાં મુઝફ્ફર કામ કરતો ત્યાં લઈ ગઈ. ચટાઈ પાથરીને એક ઓશીકું આપ્યું. પંખો ચાલુ કરી આપ્યો. જમવાનું પૂછ્યું પણ બહેને ના પાડી. થોડીવારે મમ્મી રસોડામાં જઇને ડિશમાં નાસ્તો લઈ આવી. બાળકીએ ડરતાં ડરતાં બિસ્કિટ હાથમાં લીધું. એ જોઇને માના હાથમાં સળવળાટ જાગ્યો હોય એવું લાગ્યું. હું માને જોઈ રહ્યો. મા અડધું બારણું વાસીને પોતાના કામે લાગી. મેં અંધારામાં જોયું તો નાસ્તાની ડિશમાંથી મુઝફ્ફરની પત્નીએ પણ એક બિસ્કિટ ઝડપથી લઇને મોમાં મૂકી દીધું. હું ચાલીમાંથી ઊંધુ ફરીને રૂમમાં આવ્યો. સેટી પર આડો પડ્યો. વિચારો જંપવા દેતા ન હતા. હંમેશાં મુઝફ્ફરને શાંત ચિત્તે પોતાનું કામ કરતો જોયો હતો. આજે અલગ જ મુઝફ્ફર સામે આવ્યો. અડધી-પડધી ઊંઘ આવી હશે. ઊંઘમાં પણ અજાણ્યા અવાજો, બળતાં ઘરો, ટોળું અને ચીસો સંભળાતી હતી. કોઈ ન હતું જે આ બધું રોકી શકે. કોણ કરે છે આ બધું એ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. ઊંઘમાં પણ મને પપ્પાના બરાડા અને મમ્મીનો ઠરી ગયેલો અવાજ સંભળાતો હતો. હું સફાળો બેઠો થઈ ગયો. સાચે જ પપ્પાનો મોટેથી અવાજ આવતો હતો. હું દોડતો ચાલીમાં આવ્યો. સ્ટોરરૂમનો દરવાજો ખુલ્લો હતો. મેડી પરથી પપ્પાના બરાડા બપોરની શાંતિ ચીરતા સંભળાતા હતા. હું ડરતો ડરતો પગથિ યાં ચડી ગયો. પપ્પા જાણે હમણાં જ ઊઠ્યા હોય એવું દેખાતું હતું. એ સેટી પર બેઠા હતા અને મમ્મી એમના પગ પાસે બેઠી હતી. મને જોઇને એમનો અવાજ ઊંચો થઈ ગયો. “આવ્યો બીજો હરિ શ્ચંદ્ર. તમારા બેની હિંમત કેમ ચાલી એને ઘરમાં ઘાલવાની?” મને સમજાયું નહીં કે પપ્પાને કઈ રીતે જાણ થઈ ગઈ. કદાચ બીકના માર્યા મમ્મીએ કહી દીધું હોય. “કાના, તું જ સમજાવ કાંક. માનતા નથી.” મમ્મીના અવાજમાં કાકલૂદી હતી. “શું નથી માનતા?” “એ કે છે કે પેલીને ઘરમાંથી હમણાંને હમણાં બારે કાઢ.” “કેવી વાત કરો છો પપ્પા?” મારી આંખો ફાટી ગઈ. “હું સમજીને બોલું છું. તમારા જેવો ભોળો નથી. નીચેથી અવાજ આવતો હતો ત્યારે જ મારી ઊંઘ ઊડી ગઈ હતી. હું નીચે આવતો આવતો રહી ગયો. નહીંતર આ નોબત ન આવત. હટ, મને જાવા દે.” “મે’રબાની કરીને તમે રહેવા દો.” મમ્મી રડી રહી હતી. “એમાં તને કેમ આવડું પેટમાં દુ:ખે છે. ઈ તારી સગ્ગી બેન છે?” “પપ્પા, મુઝફ્ફર આપણી પાસે કામ કરે છે. આવા સમયે આપણી ફરજ બને છે કે એને મદદ કરીએ. એની જગ્યાએ તમે કહો છો કે...” “તે પૈસા જોઇતા હોય તો આપી દઇએ. આમ બીજાંને ઘરમાં ન ઘલાય. આજે મારી સાથે તમે ખોટી જીદ કરશો તો પરિણામ સારું નહીં આવે.”

પપ્પા, મમ્મીનો હાથ છોડાવી નીકળી ગયા. એમના ગુસ્સાને જોઇને મારા પગ થીજી ગયા. ત્યાં જ મુઝફ્ફર યાદ આવ્યો અને હું એમની પાછળ દોરવાયો. મમ્મી પણ મારી પાછળ આવતી હતી. “પપ્પા, એ બિચારો આપણાં ભરોસે તેની પત્ની અને બાળકીને એક રાત માટે છોડી ગયો છે. તમને વાંધો શું છે? ને એ અત્યારે એકલી ક્યાં જશે? બહાર કેવી હાલત છે તમને તો ખબર છે.” “મને શું વાંધો છે એ પછી કહું? પહેલાં એને બહાર કાઢવા દે. એના કારણે આપણે મુસીબતમાં મૂકાવું પડશે.” પપ્પા ઉતાવળા ચાલીમાં આગળ વધતા હતા. ત્યાં જ એમનો પગ ચોકડી પાસે પડેલી બેઠા ઘાટની પાણીની ટાંકી સાથે અથડાયો અને એમણે સંતુલન ગુમાવ્યું. હાથ સીધા સ્ટોરરૂમના બારણાંને જઇને અથડાયા. પપ્પા ગડથોલિ યું ખાઈ ગયા. હું ને મમ્મી દોડતાં આવ્યાં. પપ્પાને ઊભા કરવા કરતાં અમારાં બંનેની નજર અંદર જોવા વધુ તલસતી હતી. અમારાં આશ્ચર્ય વચ્ચે ચટાઈ પાથરેલી પડેલી હતી ને નાસ્તાની ડિશ ખાલી હતી. મુઝફ્ફરની પત્ની અને બાળકી અંદર ન હતાં. મારી અને મમ્મીની નજર મળી. બંનેને એકસાથે કેટલાય સવાલો થયા. “ક્યાં ગઈ સાલી? તમારા આડે ક્યાંક મારું હાડકું ભાંગત.” પપ્પાનો ગુસ્સો આસમાને હતો. “જુઓ, બિચારી તમારી રાડો સાંભળીને ક્યાંક ચાલી ગઈ લાગે છે. બિચારા મુઝફ્ફરે કેટલા ભરોસાથી કહ્યું હતું કે -એક રાત રાખજો. કાલે તો કોલકત્તા ચાલ્યો જઇશ.” મમ્મીના અવાજમાં અફસોસ હતો. એ બારસાખને પકડીને ઊભી હતી. પપ્પા અંદર જઇને આમતેમ નજર ફેરવી રહ્યા હતા. પછી રસોડા અને દુકાન બાજુ પણ જઈ આવ્યા. બાથરૂમ પણ જોઈ લીધું. “કાના, મને લાગે છે કે સાચે જ એ ચાલી ગઈ હશે. જો એને કાંઈ થઈ ગયું તો એનો દોષ આપણા પર આવશે. ને કાલે મુઝફ્ફર આવશે તો એને શું જવાબ આપશું, હે ભગવાન?” એકાએક મમ્મીએ મારી સામે પરિસ્થિતિ મૂકી દીધી. મને સમજતાં વાર ન લાગી. પપ્પા થાકીને સેટી પર બેસી ગયા. હાથમાં સજ્જડ પકડેલી લાકડીની પકડ ઢીલી પડી હતી. મમ્મી ગુસ્સાથી પપ્પા તરફ ધસી ગઈ. “એને કાંઈ થઈ ગયું તો? ને આવડાં મોટાં શહેરમાં એ ક્યાં જાશે?” “ખોટી મા ન હણ. એક તો મા-દીકરો થઇને રાંડી નાખ્યું પછી મને સમજાવા બેઠાં છો? તમે જ ઘરમાં ઘાલી’તી. હવે મુઝફ્ફરને તમે જ કહેજો કે હાલી ગઈ.” પપ્પાએ હાથમાં પકડેલી લાકડીનો છૂટો ઘા કર્યો. જાણે દીવાલો ધ્રૂજી ઊઠી. “જ્યાં સારા માણસ થવાતું હોય ત્યાં થવાય. અત્યારે કેવી હાલત છે કાંય ભાન છે કે નહીં? શેરીમાં અજાણ્યો માણસ આવે છે તો ય અમે નથી આવવા દેતા. ને તે બીજા ધરમવાળાની બાયડી અને છોરીને ઘરમાં સાચવ્યાં? જો ફળિયામાં કોઇને ખબર પડી જાતને તો આપણું આવી બનત.” “કોઇનો જીવ બચાવવો ગુનો છે?” મારાથી રહેવાયું નહીં. “તું રેવા દે. જો એમના લોકોને જાણ થઈ જાત ને કે આ બે આપણાં ઘરમાં છે તો કાલે જેમ ઝૂપડાં ધખ્યા એમ આજ રાતે આપણું ફળિયું ધખી જાત. કાંય ભાન તો પડતી નથી. વગર વિચાર્યું કાંય કરવા કરતાં મૂંગા મરીએ.” પપ્પાએ મને અને મમ્મીને ચૂપ કરી દીધાં હતાં. મારી પાસે કોઈ દલીલ ન હતી જે પપ્પાને અટકાવી શકે. “મુઝફ્ફરે જે કીધું એ સાચું માની લીધું. તમને શું ખબર કે એ સાચું બોલતો હતો? જેમ એમનાં ઘર બળ્યાં એમ આપણાં ઘર બાળવા આ લોકોએ કાવતરું પણ કર્યું હોય. એની શું ખાતરી? અત્યારે કોઇના મોં પર નથી લખ્યું હોતું.” મને મુઝફ્ફરનો ચહેરો અને પછી એની પત્ની અને બાળકીનો ચહેરો યાદ આવ્યો. મમ્મી ચૂપ થઈ ગઈ હતી. પપ્પનો ગુસ્સો પણ ઠરી ગયો હતો. એ પગ પકડીને બેઠા હતા. ટાંકી સાથે પગ અથડાવાથી એમના પગમાં વાગ્યું હતું. કંઇક ગુસ્સાથી ટાંકી તરફ જોઈ રહેતા બોલ્યા, “આ ટાંકી કેમ રાખી છે વચ્ચે?” “વચ્ચે ક્યાં છે? એની જગ્યાએ જ છે.” મમ્મી ચાલીમાં થઇને સ્ટોરરૂમમાં દાખલ થઈ હું પણ એની પાછળ દોરવાયો.

* *

રાત પડી એમ મારો ઉચાટ વધી ગયો. મમ્મી પણ કાંઈ બોલતી ન હતી. તે પરથી એના મનની સ્થિતિનો અંદાજ લગાવી શકાતો હતો. મુઝફ્ફર આવશે ત્યારે એની પત્ની અને બાળકીને ન જોઇને શું વિચારશે? આવડાં શહેરમાં ક્યાં શોધશે? પપ્પા જેમ કહેતા એમ તે કામ કરતો. ક્યારેક પપ્પા અકળાઇને એના પર ગુસ્સે થઈ જતા તોપણ એ મન પર ન લેતો. આજે એનું એક કામ પણ અમારાથી ન થઈ શક્યું. ચિત્તમાં ખિન્નતા ભરાઈ ગઈ. રાતે જમી પણ ન શક્યો. જમતી વખતે પપ્પા ટીવી જોઈ રહ્યા હતા. મારું કે મમ્મીનું ધ્યાન બીજે જ હતું. “ક્યાં હશે અત્યારે બિચારી? નાની છોકરીને લઇને ક્યાં જાશે? રાત પહેલાં ઠેકાણે પહોંચી જાય તો સારું. જો એને કાંક થઈ ગયું તો....” મમ્મી આગળ ન બોલી શકી. “માતાજી એની રક્ષા કરે. અજાણતાં આપણે પાપમાં ભાગીદાર ન થઈ જઇએ.” મમ્મી મનની વરાળ કાઢી રહી હતી. પપ્પાને જાણે કાંઈ સંભળાતું જ ન હોય એમ ટીવી જોઈ રહ્યા હતા. મોડી રાતે સૂવાની તૈયારી કરતા હતા, ત્યાં જ ગેટ ખખડ્યો. હું ને મમ્મી એકબીજાં સામે જોઈ રહ્યાં. પપ્પાએ લાકડી હાથમાં લીધી. “તમે આઘા રેજો. મને જોવા દેજો.” પપ્પાએ ધીમેથી ગેટ ખોલ્યો. હાથમાંની લાકડીને પાછળ લઈ જઈને પપ્પાએ અમારી સામે જોયું. “શેઠજી, વો મેરી બીવી ઓર બચ્ચી આપકે યહાં છોડ ગયા થા. કલ કોલકત્તા જાનેવાલે થે. પર આજ હી ઇન્તજામ હો ગયા.” હું ને મમ્મી ગેટ પાસે દોડી ગયાં. પપ્પા એકાએક ખસી ગયા. “શેઠાણીજી, આપકા બહોત શુક્રિયા.” હું જડ થઈ ગયો હતો. મમ્મી પણ શું બોલે. “કહા હે મેરી બીવી ઓર બચ્ચી. બુલાઓ ઉસે.” “દેખો મુઝફ્ફરભાઈ. મેરી બાત સુનો.” મમ્મીનો અવાજ અટક્યો એ સાથે જ મુઝફ્ફરના ચહેરા પર સળ પડ્યા. “ભાઈ, દેખો હમને તો ઉસે યહી કમરે મે રખા થા. પતા નહીં કહા ચલી ગઈ. બહુત ઢૂંઢા પર મિલી નહીં. હમે લગા કી આપકે પાસ આ ગઈ હોગી...” “ક્યા મતલબ હૈ આપકા? કહાં ગઈ મેરી બીવી? સચ બોલો તુમ લોગ?” મુઝફ્ફર અંદર ધસી આવ્યો. એના ચહેરા પર ખુન્નસ આવી ગયું. પપ્પાએ લાકડી સજ્જડ પકડી લીધી. “અરે ભાઈ સચ કહ રહે હે. વો કહી ચલી ગઈ હે.” પપ્પાએ નરમાશથી કહ્યું. મુઝફ્ફરને વિશ્વાસ આવતો ન હતો. એની આંખોમાં લોહી તરી આવ્યું. એણે કમરમાં ખોસેલું ધારિ યું કાઢ્યું અને પપ્પાની ગરદન પકડી લીધી. હેબતાઈ ગયેલા પપ્પાના હાથમાંથી લાકડી પડી ગઈ. મને કાંઈ સમજાતું ન હતું કે મુઝફ્ફર આ શું કરી રહ્યો છે. “સચ બોલો ક્યા કિયા મેરી બીવી, બચ્ચી કે સાથ. વરના ઇસકી ગરદન ઉડા દૂંગા.” મને આ મુઝફ્ફર જુદો જ દેખાતો હતો. હું એને રોકવા લાગ્યો. પણ એ છંછેડાઈ ગયો હતો. “ભાઈ દેખ. હમ સચ બોલ રહે હે. વો ચલી ગઈ. તું યે ક્યાં કર રહા હૈ?” પપ્પાના હોશ ઊડી ગયા હતા. મમ્મી તો ફફડી રહી હતી. “સાલ્લા, મુઝે બોલા થા મેરી બસ્તીવાલોને કિ, વહા મત ભેજ. પર મેં હી નાદાન થા કી આપ પે ભરોસા કર બેઠા. આજકલ કિસી કા ભરોસા નહીં હોતા. અગર મેરી બીવી, બચ્ચી કો કુછ હુઆ તો મેં આપકો જિન્દા નહીં છોડૂંગા.” મુઝફ્ફરનો અવાજ ઊંચો થઈ ગયો. હું અને મમ્મી પણ એમની પાસે જઈ ઊભા રહ્યા. પપ્પાનો અવાજ તો જાણે વિલાઈ ગયો હતો. “ભાઈ, મેરે પાપા કા ક્યાં કસૂર હૈ? છોડ દો ઉસકો.” “મુઝે પતા હે તુમને અપની જાતવાલો કો દે દિયા હોગા મેરી બીવી કો. અબ.... અબ મેં ઉસે કહા ઢૂંઢુ? વો જિંદા હોગી કી નહીં.” મુઝફ્ફરના હાથ હેઠા પડી ગયા. આંખમાંથી આંસુ વહી નીકળ્યા. ત્યાં જ ટાંકીનું ઢાંકણું ધીમેથી સરક્યું. જાણે પાતાળમાંથી નીકળતી હોય એમ મુઝફ્ફરની સ્ત્રી અને બાળકીએ માથું ઊચક્યું. હું ને મમ્મી મૂર્તિ બનીને જોઈ રહ્યાં. “યહાં ક્યું છિપ ગઈ હો? મેરી તો જાન હી નિકલ ગઈ થી.” મુઝફ્ફરે એ બંનેને બહાર કાઢ્યાં. ચહેરા સિવાયનું શરીર પલળી ગયું હતું. બાળકી ધ્રુજી રહી હતી. મુઝફ્ફર કંઈ ન બોલી શક્યો. નીચે પડેલું ધારિ યું ઉપાડ્યું અને ઝડપથી દરવાજો ઓળંગી ગયો. હું તેને જતો જોઈ રહ્યો. તેણે મોટી થઈ ગયેલી બાળકીને તેડી લીધી હતી અને પત્નીનો હાથ કાંડા પાસેથી સજ્જડ પકડ્યો હતો. એની ચાલમાં થાક વર્તાતો હતો. મારી નજર પાછી વળી ત્યાં જ પપ્પાનો તમતમતો ચહેરો સામે આવ્યો. મમ્મીને તમાચો ઝીંકતા બોલ્યા, “હમણાં ને હમણાં ટાંકીનું પાણી સાફ કરી નાંખ. તમારા આડે ક્યાંક આજે મારો જીવ જાત.”



તન્ત્રીનૉંધ :

બધી વાર્તાનૉંધોમાં મેં કથનકેન્દ્ર પ્રથમ વ્યક્તિનું છે કે ત્રીજી વ્યક્તિનું અથવા સર્વજ્ઞનું, એમ જાણ્યા પછી રચનાની ટૅક્સ્ટને ઉકેલવાનો અને એ રીતે વાર્તાવસ્તુને અનુસરવાનું કર્યું છે. વાર્તાકલાને પામવાની એ રીત હમેશાં કામયાબ નીવડતી હોય છે, કેમકે કથનકેન્દ્ર જ વાર્તાનું ચાલક-સંચાલક બળ છે. બીજી રીત એ છે કે, વાર્તા કોની છે, એવો પ્રશ્ન કરીને પણ રચનાની ટૅક્સ્ટને ઉકેલી શકાય, અને એ રીતે પણ વાર્તાવસ્તુને અનુસરીને વાર્તાકલાને પામી શકાય.

આ વાર્તા ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી, એટલે કે, સોના-ચાંદીનો મોટો વેપારી બનવાનું સપનું સેવતા કાના વડે કહેવાઇ છે. એટલે વાર્તા કાનાની છેે. પણ પપ્પાના વિચારો અને આગ્રહો-દુરાગ્રહો આગળ એનું કંઈ ચાલતું નથી, એટલું જ નહીં, એ કહે છે એમ, એને પપ્પાનો ચહેરો જોઈને ‘ક્યારેક ક્યારેક અકારણ ખુન્નસ પણ ચડે છે’. વાચનમાં આગળ ધપનારો વાચક જોઈ શકે છે કે પપ્પા કેન્દ્રમાં આવતા જાય છે, બલકે, ટાંકીવાળા છેલ્લા પ્રસંગથી એને નક્કી લાગે છે કે વાર્તા પપ્પાની છે.

જોકે શહેરમાં કર્ફ્યુ લાગ્યો છે અને હિન્દુ-મુસ્લિમ કોમો વચ્ચે તોફાનો ચાલે છે. વાર્તા કાનો કહે છે એટલે એણે કરેલાં બધાં જ નિરૂપણોને વાચક ધ્યાનથી નીરખે છે; જેમકે, કાનો કહે છે, ‘હાથમાં તલવાર લઇને દોડતું ટોળું, જીવ બચાવવા ભાગતાં લોકો, ભડકે બળતું ઘર અને ચારેબાજુથી ઊઠતો ધુમાડો’. ઉપરાન્ત, કાનાએ પરિવારમાં ક્રમશ: ઊભી થતી તંગદિલી, સંલગ્ન પ્રસંગો અને ક્રિયાઓનાં નિરૂપણ પણ વીગતે કર્યાં છે.

એમાં, મુઝફ્ફરની દાસ્તાં ઉમેરાય છે અને એવી રીતે, કે વાચકને વાર્તા મુઝફ્ફરની લાગે. એ દાસ્તાં માટે મુઝફ્ફરની આ એક જ ઉક્તિ પર્યાપ્ત જણાશે : “હમારે વાલે લોગ પૂરી રાત બસ્તી મે ઘૂમતે રહેતે હે. કલ રાત પૂરે સતરાહ ઘર જલ ગયે. હમ તો જૈસે તૈસે નિકલ આયે, પર દસ લોગ વહી સોયે હુએ હી જલ ગયે. જબ આગ બુઝી તો પતા હી નહીં ચલા કી કૌન સી લાશ હૈ ઓર કૌન સા સામાન?”

આ રચનાનો મોટો વિશેષ વાતાવરણ ખડું કરતાં વર્ણનો છે : એથી, વાચકને કથક કાનો પોતે, પપ્પા, અને મુઝફ્ફર જીવન્ત અનુભવાય છે. સૌના વ્યક્તિત્વનું રેખાંકન, સૌની મનોવસ્થાનું યથાર્થ ચિત્રણ, વગેરે મુદ્દા સંદર્ભે પણ અભ્યાસીઓ ઘણું કહી શકે એમ છે. મુઝફ્ફર વિશેનું એનું આ નરીક્ષણ જુઓ : એના ચિત્તમાં એકસાથે કેટલું બધું ચાલતું હતું તેનો અંદાજ એના વારંવાર તૂટતા શબ્દો અને કપાળ પરના સળ કહેતા હતા. પોતાની બાળકીનો હાથ સજ્જડ પકડીને નીચી નજરે ઊભેલી સ્ત્રી તો જાણે કાંઈ બોલવા જન્મી જ નથી : સોનીકામના વ્યવસાયની કથકને બરાબર ખબર છે, જેમકે, એને સમાણી, કાપણી, ખારવડી વગેરે સાધનોની જાણ છે. મેળવણ માટે વપરાતો તાંબાનો તાર કાપણીથી કાપવાનું કરે છે. લાલ ગૅસગનની વાત કરતાં કહે છે કે, એની લાંબી-ટૂંકી ફ્લેમ પર મારું ધ્યાન અટકેલું રહેતું. વગેરે. એની પોતાની સંવેદનશીલતા પણ અવારનવાર વ્યક્ત થઈ છે. મુઝફ્ફરના શરીરમાંથી અલગ જ પ્રકારની પસીના-મિશ્રિત વાસ આવે છે ત્યારે એ સમાણીને સૂંઘી જુએ છે, ને પછી વારાફરતી બધાં હથિયારોને નાક સુધી લાવીને મૂકી દે છે, તો પણ, કહે છે કે, પેલી ગંધ જાણે તીવ્ર બનીને અંદર ને અંદર ઊતરતી જતી હતી. રચના નિ ર્વહણરૂપ અન્તિમ ઘટનાને પામે એ અર્થે કથક તરીકે કાનાએ સમગ્ર પૂર્વભૂમિકાને વિસ્તારથી વર્ણવી છે. એની એ હૂબહૂ વર્ણનો વીગતે કરવાની શક્તિનો વાચકને સતત પરિચય અને પરચો મળ્યા કરે છે, જેથી કર્ફ્યુનું ભયાનક વાતાવરણ અને તેમાં સરજાયેલી મુઝફ્ફરના જીવનની કરુણતા ખડી થાય છે, જેથી વાચકનું કુતૂહલ અને વાર્તારસ સંતોષાય છે. વર્ણનનો એક આ નમૂનો જુઓ : નાનો સરખો અવાજ પણ શરીરમાં ભયની કંપારી ફેરવી દેતો. ક્યારેક અડધી રાતે ઊંઘ ઊડી જતી તો પપ્પાની પથારી ખાલી દેખાતી. હું હાંફળો-ફાંફળો થઇને બહાર ચાલીમાં જતો તો પપ્પા ખૂણામાં ઊભા રહીને દૂર શેરીનાં નાકે જોતાં ઊભા હોય. હાથમાં સજ્જડ પકડેલી હૉકી અને ચહેરા પર બાઝી ગયેલું રાતનું અંધારું… … ત્યારે એમના ગળે લટકતી રુદ્રાક્ષની માળા અલગ પડી આવતી… …પથારીમાં પટકાતો અને ઊંઘ સાથે બથોડાં લેવામાં જ સવાર થઈ જતી… …સવાર થતાં વળી એ જ સમાચારો, એ જ વાતો કરતાં લોકો, ટોળાંનાં દૃશ્યો. રાજકારણીઓની ન સમજાય એવી વાતો. ઘરમાં પૂરાઈ ગયેલાં ભયના માર્યા ડરી ડરીને જીવતાં લોકો અને આરતી-આઝાનને જુદાં પાડવા મથતાં લોકોની અફવા : સમગ્રપણે એમ કહી શકાય કે દુ:ખદ અમાનવીય ઘટનાવલિનો તાદૃશ ચિતાર આપતી છતાં સર્વથા સાહિત્યિક સ્વરૂપની આ રચના આવા વિષયવસ્તુની રચનાઓમાં સ્મરણીય રહેશે. કથનમાંથી આલેખનમાં પલટાતી રહેતી અને છેલ્લે, ટાંકીનું ઢાંકણું ધીમેથી સરકે, ને જાણે પાતાળમાંથી નીકળતી હોય એમ મુઝફ્ફરની સ્ત્રી અને બાળકી માથું ઊચકે, એ નાટ્યાત્મકતામાં પૂર્ણ થયેલી આ રચના એ રીતે પણ સ્મરણીય રહેશે. વાર્તાનું શીર્ષક વાંચીને સામાન્ય વાચકને પ્રશ્ન થાય કે પાણી તે ધ્રૂજતું હોય કોઈ દિ ! પણ અન્તે એ બરાબર સમજશે અને સ્વીકારશે કે પાણી ધ્રૂજતું પણ હોય છે, બધાંને એમ ક્હૅશે પણ ખરો.