સાહિત્યિક સંરસન — ૩/અભિમન્યુ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ અભિમન્યુ આચાર્ય ++


બ્લેકી —



મહેતા અંકલ મારા મામાના ઓળખીતા. કેવી રીતે ઓળખાણ હતી એ તો રામ જાણે. ઍરપૉર્ટથી સીધો જ મહેતા અંકલને ઘેર ઉતારો હતો, બે દિવસ માટે. તેમનો ડ્રાઇવર, પીન્ટુ ઉર્ફ પીટર ગાડી લઇને ઍરપૉર્ટ લેવા આવ્યો હતો. તેમના ઘરમાં ઘૂસતાં જ એક કૂતરું દોડતું આવ્યું અને તેના મોંમાં મારો પગ પકડી લીધો. મારાથી ચીસ પડાઈ ગઈ. ‘બ્લેકી... કમ બૅક. હી ઇઝ અ ગેસ્ટ. બ્લેકી... કમ બૅક.’ રૂમની અંદરથી એક ઘેરો અવાજ આવ્યો. એ મહેતા અંકલનો અવાજ હતો. તેમનો અવાજ સાંભળી બ્લેકીએ મારો પગ છોડી દીધો અને મને ચાટવા લાગ્યું. મહેતા અંકલ બહાર આવ્યા, આવીને મને કહે - ‘કમ ઇન માય બૉય... કમ ઇન. એ કંઈ નહિ કરે. બહુ સ્વીટ છે. મારા દીકરા જેવો છે. બ્લેકી... ઇનફ!’ બ્લેકીએ ચાટવું બંધ કર્યું. ‘સો... કેવી રહી ફ્લાઇટ?’ ‘સારી રહી.’ ‘ટાઇમ પર હતી. મનોજનો ફોન આવી ગયેલો મને'. ‘ઊભો રહે અત્યારે ફોન કરી દઇએ એને, એટલે ચિંતા કરતા બંધ થાય. પીન્ટુ તને બધું સમજાવી દેશે - નવો ફોન ક્યાંથી લેવો, કયું કાર્ડ લેવું, ગ્રોસરી સ્ટોર ક્યાં છે, બધું જ. ફ્રેશ થઇ જા, કાલે હું તને લઈ જઇશ સ્ટોર પર.’ ‘કાલે તો કૉલેજ જવું પડશે.’ ‘પહેલો દિવસ છે?’ ‘હા.’ ‘તો જતો આવ. પછી બહુ જવાની જરૂર નથી. તું અહિયાં કમાવા આવ્યો છે, રાઇટ?’ ‘હા.’ ‘બસ તો.’ બે દિવસ રહીને હું મહેતા અંકલના સ્ટોર પર ગયો. એક અઠવાડિયું એ મને બધું શિખડાવવાના હતા અને પછી મારે રોજ આઠ કલાકની શિફ્ટ કરવાની હતી. સ્ટોરમાં પણ બ્લેકીની હાજરી હતી. મહેતા અંકલ જ્યાં જતા ત્યાં બ્લેકીને સાથે લઇને જતા. બ્લેકી મને ફરી ચાટવા લાગ્યું. આ વખતે ડરીને ઊભા રહેવું વિચિત્ર લાગ્યું, એટલે મેં બ્લેકીનાં માથે હાથ ફેરવ્યો. ‘વેઇટ... હાથ ધોયેલા છે?’ હું અચકાયો. ‘હમણાં જ નાહ્યો...’ મેં કહ્યું. ‘તો ફાઇન. એ બહુ જ ચોખ્ખો છે એટલે હંમેશાં હાથ ધોઇને જ એને અડવું.’ ‘ઓકે.’ મેં ફરી હાથ ફેરવ્યો... ‘હાઈ બ્લેકી...ક્યૂટી...’ મેં કહ્યું. મહેતા અંકલ થોડા અકળાઇને બોલ્યા - ‘એને બ્લેકી નહિ કહેવાનું. એનું નામ જેક છે. જેક, શું?’ ‘પણ તે દિવસે ઘેર તો તમે બ્લેકી કહીને એને બોલાવી રહ્યાં’તા.’ ‘હા, બ્લેકી એ ઘરનું નામ છે. પેટ નેમ. બહાર એને અમે જેક કહીએ છીએ. બીકોઝ બહાર તમે એને બ્લેકી કહીને બોલાવો અને કોઈ બ્લેક માણસ નજીક હોય તો એ કમ્પ્લેન કરી શકે. રેસિઝમ કહેવાય એને. ઇન્ડિયામાં આ બધું હોતું નથી, લોકો હાલતાં ચાલતાં બધાને કાળિયો કહીને બોલાવતાં હોય છે. અહિયાં એવું નહિ ચાલે. શું?’ ‘જેક.’ ‘ગુડ. અહિયાં ધ્યાન રાખવું પડે. એડજસ્ટ થવું પડે. પેલું કહે છે ને - પેલું... જેવો દેશ એવો વેશ. લાઇક ધેટ.’ ‘અચ્છા...લાઇક ધેટ.’ મેં મહેતા અંકલ પાછળ રિપીટ કર્યું. મેં કરેલી મજાક એ સમજી ગયા. ફરી અકળાયા - ‘લુક બૉય... તું મારા સ્ટોર પર કામ કરવાનો છે. જોક કરે એ સારું છે... પણ થોડું સંભાળીને. શું?’ ‘હા અંકલ. સૉરી.’ ‘અરે ના, ના... સૉરી શું એમાં! જોક કરે એ તો ગમે આપણને. હાહા!’ મહેતા અંકલે તરત વાત વાળી લીધી. ‘જો... કેશમાં કામ કરશે તો રોજના રોજ તને આપી દઈશ. કલાકના દસ ડોલર. બરાબર?’ ‘બરાબર. અહિયાં બધાં કેશમાં જ કરતા હોય છે?’ ‘એ તો જેવી જેની જરૂરિયાત.’ ‘એટલે?’ ‘એટલે કેશમાં કામ કરો તો રોજના રોજ મળે. તારે રોજના રોજ જોઈએ છે કે મહિને?’ ‘રોજ.’ ‘બસ તો.’ ખરું કહું તો મહેતા અંકલે બહુ મદદ કરી મને શરૂઆતમાં. ઘર શોધી આપવાથી માંડીને રોજના રોજ કેશ મળે એવી નોકરી આપવા સુધીનું બધું જ કરી આપ્યું. પણ મનોમન એ હિસાબ પણ રાખતા. ઘણીવાર મને નહિ ગમતી મજાક પણ કરતા. જેમ કે, એક દિવસ એક કેનેડિયન છોકરી સ્ટોર પર સિગારેટ લેવા આવેલી. જેવી સિગારેટ લઇને ગઈ એટલે મહેતા અંકલ મને કહે: ‘આ આપણા ખોળામાં બેસી જાય તો મજા આવે, શું?’ પછી ફરી તેમની આદત મુજબ હસતા હસતા તાલી માંગી. મેં કમને આપી. આ વખતે તે સમજી ગયા. કહે - ‘તું કેમ અપસેટ થાય છે? તારી બેન થાય છે?’ અને પછી બેનને લગતી ગંદી ગાળ બોલ્યા. તેમની આ મજાકથી મને ધ્યાન આવ્યું - મહેતા અંકલની પોતાની કોઈ ફેમિલી નહિ હોય? પીન્ટુ સાથે મેં આ ગોસિપ કરી ત્યારે પીન્ટુએ કહ્યું - ‘એમની ફેમિલીનું થોડું કૉમ્પ્લીકેટેડ છે. એક વાઇફ હતી અને એક નાનો છોકરો પણ. બટ બંને વચ્ચે કંઈક થયું... આઈ થિંક તેમની વાઇફે મહેતાને તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે પકડેલો. ડિવોર્સ થઈ ગયા કે નહિ એ ખબર નહિ, પણ સાથે તો નથી રહેતાં.’ ‘એટલે બ્લેકી સિવાય એમનું કોઈ નથી?’ ‘હા. ખાલી એ કૂતરું. ઘણીવાર કૉલગર્લ્સ બોલાવતા હોય છે ઘેર, પણ અહિયાં એ બધું લીગલ છે. આપણાં ઇન્ડિયા જેવું નથી. અહિયાં કોઈ તમને જજ ય નથી કરતું. પોતાના પૈસે, પોતાના રૂમમાં, કોઈને પણ નડ્યા વગર માણસ જ્યાં સુધી બધું કરતો હોય ત્યાં સુધી કોઈને કોઈની પડી નથી હોતી. એક રીતે સારું. એક રીતે ખરાબ.’ ‘ખરાબ કેમ?’ ‘મારે ગોસિપ કરવી હોય તો ઓછા લોકો મળે.’ ‘મહેતા અંકલ આમ કેનેડામાં બોર્ન એન્ડ બ્રોટઅપ છે?’ ‘હા, જનમ ઇન્ડિયામાં. પણ લગભગ દસેક વર્ષની ઉંમરે કેનેડા આવી ગયેલા. પણ ઇન્ડિયા માટે એક અજબ નોસ્ટાલ્જિયા લઈને ફરે છે માણસ.’ મહેતા અંકલ વિશે મારે કંઈ પણ જાણવું હોય ત્યારે પીન્ટુ મારો ગો-ટુ માણસ હતો. આમ પંચાતિયો એટલે બધું જાણી લાવે. પાછો કહે ય ખરો આપણને. ગોસિપનો શોખીન. અને મહેતા અંકલનો ખાસ. ‘તું મહેતા અંકલ માટે ક્યાં સુધી કામ કરવાનો છે?’ ‘જ્યાં સુધી પી.આર. ના મળે ત્યાં સુધી. બધા ત્યાં સુધી જ કરતા હોય છે. ત્રણેક વર્ષ તમે ફૂલ ટાઇમ જોબ કરી એવું તમારે બતાવવું પડે. તો પી.આર મળી શકે.’ ‘તારે કેટલાં વરસ થયાં?’ ‘બસ અપ્લાય કરી દીધું છે. ત્રણેક મહિનામાં આવવા જોઇએ.’ ‘તો પછી મહેતા અંકલ શું કરશે તારા વગર? તારા પર કેટલું બધું રીલાય કરે છે એ તો!’ ‘તને શું લાગે છે, એ માણસ તારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે?’ પીન્ટુએ હસતાં હસતાં કહ્યું. મને આખો ખેલ સમજાયો. પીન્ટુની વાત ધીરે ધીરે સાચી પડતી ગઈ. મહેતા અંકલ મને સ્ટોર પર તો બધું શિખવાડતા જ, પણ ધીરે ધીરે ઘેર પણ બોલાવવા લાગેલા. તેમનો સ્ટ્રીપ ક્લબનો એક્સપિરિયન્સ કહેતાં કહેતાં તેમણે મને તેમના ગાર્ડનની સંભાળ કેમ લેવી એ સમજાવી દીધેલું, તો વળી એક દિવસ મારા માટે પાસ્તા બનાવતાં બનાવતાં તેમણે બ્લેકીને જ્યારે પોટી લાગે ત્યારે એ કેવા સિગ્નલ્સ આપે છે તેની વાત કરેલી. કડાઇમાં ઊકળતા પાસ્તા પર ઓરેગાનો નાખતા જ્યારે મહેતા અંકલે આ વાત કરેલી, ત્યારે પીન્ટુએ ગાજર કાપતાં કાપતાં મારી સામે જોયેલું, ને પછી મલકેલો. આ બન્યું એટલે હું નવી જોબ શોધવા લાગ્યો. મારી સાથે બીજા બે કેનેડિયન સ્ટુડન્ટ્સ રહેતા હતા, તેમના કાને પણ મેં વાત નાખી. એકે કહ્યું - ‘ઓકે મેન, આઈ વિલ ટ્રાય.’ બીજાએ કહ્યું - ‘સૉરી મેન, આઈ ડોન્ટ નોવ.’ અહિયાં વિન્ડસરમાં જોબ મળવી અઘરી હતી. ટોરન્ટોની આસપાસ હોત તો જલદી મળી જાત. મને જ વિદેશનો મોહ હતો અને મારાં ઘરને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી બહાર લાવવાનો એક જ રસ્તો મને દેખાઈ રહ્યો હતો- ડોલરમાં કમાવવું. અહિયાં આવવા પંદરેક લાખની લોન, મમ્મીનાં ઘરેણાં ગિરવે રાખેલાં અને મારી કૉલેજની ફીઝ. મહેતા અંકલે કામ ન આપ્યું હોત તો હું ક્યાંયનો ન રહેત. પણ મારે પીન્ટુની જગ્યા નહોતી લેવી. મહેતા અંકલના ગુલામ થઇને રહેવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મેં આ વાત પીન્ટુને કરી ત્યારે તેણે મને સમજાવ્યું- ‘જો દોસ્ત, કામ તો કરવાનું જ છે. આ મહેતો ઇન્ડિયન છે એટલે સારી રીતે રાખે છે, બોનસ આપે છે, ધ્યાન રાખે છે. કોઈ ગોરિયાને ત્યાં કામ કરે તો એ તો તને મજૂરની જેમ જ રાખે. યૂ બ્રાઉની યૂ બ્રાઉની કહીને બોલાવે, સમજ્યો? અને ખેલ પી.આર. સુધીનો જ છે. એ મળી જાય પછી તને નોકરી મળવાના ચાન્સ પણ વધારે. અત્યારે સ્ટુડન્ટ વિઝા પર તને કામ નહિ મળે સરખું. એટલે થૂંક ગળી જવાનું લ્યા, બીજું શું?’ પીન્ટુનો જવાનો ટાઇમ થયો ત્યાં સુધીમાં શિયાળો શરૂ થઈ ગયો. સ્ટોર પર એક દિવસ મહેતા અંકલે મને કહ્યું- ‘તેં વિન્ટર ક્લોથ્સ લીધાં?’ ‘ના’ ‘સારું કર્યું. મારી પાસે થોડાં પડ્યાં છે. હું એ ટાઇમે તારા જેટલો પાતળો હતો એટલે તને થઈ રહેશે. આજે ઘેર આવ.’ એ સાંજે હું મહેતા અંકલને ત્યાં ગયો. તેમણે મને કહ્યું- ‘પીન્ટુ આજે બેંક ગયેલો છે, તેના કાગળિયાં કરાવવાં. વિલ યૂ ડુ મી અ ફેવર? ત્યાં સુધી હું તારા વિન્ટર ક્લોથ્સ કાઢી રાખું.’ ‘શું?’ મેં પૂછ્યું. ‘બ્લેકીના પૂપનો ટાઇમ થયો છે. એને લઈને બહાર ગાર્ડનમાં જા, હું તને ઓર્ગેનિક પ્લાસ્ટિક બેગ આપું છું, એનું પૂરું થઈ જાય પછી એમાં એ ભરી દેજે, અને પછી ગાર્બેજમાં નાખી દેજે. શું?’ હું અચકાયો. કશું બોલું એ પહેલાં જ ઓર્ગેનિક પ્લાસ્ટિક બેગ મારા હાથમાં થમાવતાં કહે- ‘એકદમ સેઇફ છે. યુ વિલ બી ફાઇન.’ અને પછી અંદર ક્યાંક વિન્ટર ક્લોથ્સ માટે જતા રહ્યા. હું બ્લેકી પાસે ગયો. પહેલીવાર મહેતા અંકલે બ્લેકીને એકલા મારા ભરોસે મૂક્યું હતું. મેં બ્લેકી તરફ ધ્યાનથી જોયું. લેબરેડોર જાતિનું હતું. આખું શરીર કાળું, પણ તેના પેટ પર સફેદ રંગના ટપકાં. જાણે એટલા ભાગમાં કોઢ નીકળ્યો હોય. ક્યારનું આગલો પગ ઊંચો કરી દરવાજા તરફ ઇશારા કરી રહ્યું હતું. મેં એનો પટ્ટો પકડ્યો અને ગાર્ડન તરફ ચાલવા લાગ્યો. ગાર્ડનમાં આવતા જ રંગબેરંગી ફૂલોની સુવાસ મને ઘેરી વળી. ગાર્ડનની વચ્ચે આવીને બ્લેકી ઊભું રહી ગયું અને પછી પગ ઊંચો કરી તેણે ટટ્ટી કરી. પીળા થઈને ખરી ગયેલાં મેપલનાં પાંદડાં પર તેના પેટની ગંદકી બંધ કરેલા નળમાંથી રહી રહીને ટપકતાં પાણી માફક પડવા લાગી, હું બે ઘડી જોતો રહ્યો, પછી મેં મોં ફેરવી લીધું. થોડીવારમાં જ ફૂલોની સુવાસને ભેદતી, છેદતી એક તીવ્ર ગંધ બધે જ પ્રસરી ગઈ. બ્લેકીનું કામ પત્યું અને મારું શરૂ થયું. ખિસ્સામાંથી રૂમાલ કાઢી મેં મોં પર બાંધ્યો અને પછી નીચા નમી એક પ્લાસ્ટિક બેગથી ટટ્ટી ઉપાડી બીજી પ્લાસ્ટિક બેગમાં નાખી અને બંને બેગ્ઝ ગાર્બેજમાં પધરાવી દીધી. બ્લેકીનો પટ્ટો પકડી હું પાછો ઘરમાં આવ્યો ત્યારે મહેતા અંકલ વિન્ટર ક્લોથ્સની થેલી સાથે સોફા પર બેઠા હતા. ‘બધું જ મળી ગયું— જેકેટ, ટોપી, મફલર, ગ્લવ્ઝ... અરે! ગ્લવ્ઝથી યાદ આવ્યું— તેં બ્લેકીનું પૂપ ગ્લવ્ઝ વગર ઉપાડ્યું?’ ‘હા.’ ‘અરે રે! શીટ! તને કહેવાનું ભૂલાઈ ગયું. ત્યાં એ માટેના સ્પેશિયલ ગ્લવ્ઝ પડેલાં છે. હવે નેક્સ્ટ ટાઇમથી એ યૂઝ કરજે, શું?’ તેમણે મરકતા મરકતા કહ્યું. મને ગુસ્સો આવ્યો, પણ વિન્ટર ક્લોથ્સની થેલી જોઈને હું કશું બોલ્યો નહિ. નેક્સ્ટ ટાઇમ? નેક્સ્ટ ટાઈમ એટલે શું? મારું કામ બ્લેકીની ટટ્ટી સાફ કરવાનું હતું? મેં ઘેર આવીને વિન્ટર ક્લોથ્સ સીધાં કબાટમાં મૂકી દીધાં અને નક્કી કર્યું કે જ્યાં સુધી એકદમ જરૂર ન પડે ત્યાં સુધી ન પહેરવાં. જાણે મહેતા અંકલની મદદ હું કોઈ રીતે ન લેવા માંગતો હોઉં એમ. દિવસો વીત્યા. હવે હલકો હલકો બરફ પડવો શરૂ થઈ ગયો હતો અને માઇનસ સાત ડિગ્રીમાં ફોલ જેકેટ પહેરી બહાર નીકળવું એ મૂર્ખામી જ કહેવાય. એટલે મેં છેવટે મારું કોલંબિયાનું, મહેતા અંકલે આપેલું વિન્ટર જેકેટ બહાર કાઢ્યું અને એ પહેરીને તેમના ઘેર ગયો. આજે એ કંઇક મહત્ત્વની વાત કરવાના હતા, પણ હું પહેલેથી જાણતો હતો કે એ વાત શું હતી. પીન્ટુ નવાં કપડાંમાં સજ્જ હતો અને મહેતા અંકલે બ્લેઝર પહેરેલું. ટેબલ પર કેક અને શેમ્પેઇનની બોટલ પડી હતી. ‘લેટ અસ સેલિબ્રેટ! પીન્ટુને પી.આર. મળી ગયા છે. યીપ્પી!’ કહેતા મહેતા અંકલે અમારા ગ્લાસ ભર્યા. ચીયર્સ કરીને અમે પીવાનું શરૂ કર્યું ત્યારે બ્લેકીએ ભસવું શરૂ કર્યું. ‘ઓહ જેન્ટલમેન! સો સૉરી. બ્લેકીનો નેચરલ કૉલ આવ્યો છે. તું જઇશ પ્લીઝ?’ મહેતા અંકલે મારી સામે જોયું. મારું બગડેલું મોં જોઇને પીન્ટુએ કહ્યું- ‘અરે હું જતો આવું!’ ‘ના ના, તું બેસ. આજે તારો દિવસ છે. તારે કોઈ કામ કરવાનું નથી.’ અને મહેતા અંકલે ફરી મારી સામે જોયું. હું ઊભો થયો. આ વખતે મેં ગ્લવ્ઝ પહેર્યા, ઓર્ગેનિક પ્લાસ્ટિકની બેગ્ઝ લીધી અને બ્લેકીનો પટ્ટો પકડી એને ગાર્ડન તરફ લઈ ગયો. તે દિવસે બ્લેકીને મારા પર બહુ વ્હાલ ઊભરાયું. રહી રહીને તે મને ચાટવા લાગ્યું. મેં તેની આંખોમાં જોયું- ભોળપણ અને પ્રેમ સિવાય મને કશું જડ્યું નહિ. એક તરફ હું બ્લેકી તરફ પ્રેમથી ખેંચાઈ રહ્યો હતો, તો બીજી તરફ તેની ટટ્ટી સાફ કરવી પડતી હોવાથી અકળાઈ રહ્યો હતો. અંદર ગયો એટલે મહેતા અંકલે મને પીન્ટુની જગા લેવાનું કહ્યું. કલાકના પચીસ ડોલર. વત્તા બોનસ. રહેવાનું તેમની સાથે જ એટલે ઘરનું ભાડું બચી જાય અને તેમની મર્સિડીઝ ફેરવવાની, બધે લઈ જવાના. અને હા, બ્લેકીનું અને ગાર્ડનનું ધ્યાન રાખવાનું. મેં મનમાં જ ગણતરી કરી- કલાકના પચીસ, એટલે રોજના બસો, પાંચ દિવસના હજાર વત્તા વીક એન્ડ બોનસ બસો, એટલે અઠવાડિયે બારસો, મહિને લગભગ પાંચ હજાર ડોલર. આ ગતિથી હું કમાતો હોઉં તો ત્રણ મહિનામાં મારી કૉલેજની ફી નીકળી જાય, એકાદ વરસમાં લોન ભરાઈ જાય અને મમ્મીનાં ઘરેણાં... હું હસ્યો. મહેતા અંકલે બીજો પેગ બનાવતા કહ્યું- ‘ચીયર્સ!’

*

પીન્ટુ ટોરન્ટો ચાલ્યો ગયો. બ્લેકી હવે મારું હેવાયું થઈ ગયું હતું અને મહેતા અંકલ મારા પર એકદમ જ નિર્ભર થઈ ગયા હતા. બ્લેકી તો જ્યારે ને ત્યારે ચાટવા લાગતું, વ્હાલ કરતું. પીન્ટુ ગયો પછી મેં નોટિસ કર્યું કે મહેતા અંકલનું મારી તરફનું વર્તન ખૂબ બદલાઈ ગયું હતું. આટલી સારી રીતે વાત કરતા મેં એમને પહેલાં નહોતા જોયા. એકવાર તો મેં એમને ફોન પર કોઈને કહેતા સાંભળેલા- એમના ત્રણ દીકરા- એક એડમ, એક બ્લેકી અને એક હું. તે દિવસે પહેલીવાર મને ખબર પડી કે તેમના દીકરાનું નામ એડમ હતું અને પહેલીવાર મને પીન્ટુનું દુઃખ સમજાયું. મારી પાસે ગોસિપ કરવા જેવી વાત હતી, પણ ગોસિપ કરનાર કોઈ નહોતું. બ્લેકીની ટટ્ટી સાફ કરવાથી હું રોજ વધુ ને વધુ અકળાતો જતો હતો. બાકી બધી વાતની મને કોઈ પડી નહોતી, પણ આ એક વાત બરફની નાની કણીઓની જેમ ખૂંચ્યા કરતી. એક દિવસ મેં પીન્ટુને ફોન જોડ્યો. ‘શું ભાઈ, શું હાલ?’ ‘કશું નહિ યાર, એક નવી ગોસિપ મળી છે. મહેતા અંકલની. તને કહેવી’તી.’ સામેના છેડેથી હસવાનો અવાજ આવ્યો. ‘શું ગોસિપ?’ ‘મહેતા અંકલના છોકરાનું નામ એડમ છે એટલે કે કોઈ ગોરીને પરણ્યો હશે. મને બે મહિના જેવું થઈ ગયું, પણ હજી સુધી સાલાએ કોઈ કૉલ ગર્લ નથી બોલાવી.’ સામે છેડેથી વધુ હસવાનો અવાજ આવ્યો. ‘આ સારું જાણી લાવ્યો તું!’ ‘અરે એટલું જ નહિ! મહેતો હવે મને એના છોકરાની જેમ રાખે છે. મને એનો છોકરો માને છે.’ ‘હા, એ દર વખતે આ ટ્રીક કરે છે. તમે સાંભળો એ રીતે ફોન પર જોરથી કોઈને કહેશે આ છોકરાવાળી વાત. મારી સાથે પણ કરેલું. પણ મને એડમની વાત નહોતી ખબર.’ ‘એનો મતલબ સાલો હરામી છે મહેતો! એક બીજી ય વાત હતી.’ ‘શું?’ ‘આ બ્લેકીની ટટ્ટી મારાથી સાફ નથી થતી યાર. મારું મગજ રોજ ફરી જાય છે. માંડ માંડ રોકું છું જાતને. શું કરું?’ ‘હા, એ બહુ પેઇનફૂલ વસ્તુ છે. બ્લેકીને દૂર કરવાનો એક ઉપાય છે. મને ઘણીવાર વિચાર આવેલો પણ મારી હિંમત ક્યારેય ચાલી નહિ.’ હું ઉત્સાહમાં આવી ગયો. ‘શું ઉપાય?’ ‘બ્લેકી તને કોઈક રીતે જો કરડી જાય, તો મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા લઈ જશે એને. એ નાનું હતું ત્યારે કોઈકને કરડેલું, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને વોર્નિંગ આપેલી મહેતાને કે ફરી આવું થયું તો એ લઈ જશે. તું લીગલી પૈસા લઈ શકે છે મહેતા પાસેથી. પણ પછી બ્લેકી મહેતાને ક્યારેય પાછું નહિ મળે.’ ‘બ્રિલિયન્ટ!’ મારાથી બોલાઈ ગયું. એ પછીના થોડા દિવસ હું બ્લેકી સાથે ખૂબ સમય ગાળવા લાગ્યો. તેની દરેક ક્રિયાઓ નોંધવા લાગ્યો. બ્લેકી પણ જાણે તેનો માલિક મહેતા અંકલ નહિ પણ હું હોઉં એ રીતે મારી સાથે રહેવા લાગ્યું- એકદમ હેતથી. મહેતા અંકલ આ જોઈને ખૂબ ખુશ થયા. તે પછીના વીક એન્ડ પર તેમણે મને બોનસમાં વીસ ડોલર એક્સ્ટ્રા આપ્યા. હું બહુ દિવસથી બ્લેકી સાથે એકલા સમય મળે એની રાહ જોઈ રહ્યો હતો. આખરે એ દિવસ આવ્યો. સાંજે સ્ટોર પરથી મહેતા અંકલને ક્યાંક જવાનું હતું. તેમને બે કલાક જેવું લાગે તેમ હતું. હું બ્લેકી સાથે ઘેર આવ્યો અને ગાર્ડનમાં મેપલના ઝાડ સાથે તેનો પટ્ટો બાંધી દીધો. બહાર રોડ પર એક નજર કરી. બહુ દૂર એક માણસ આ તરફ ચાલતો ઝીણો ઝીણો દેખાયો. પરફેક્ટ! એ અહિયાં પહોંચશે ત્યાં સુધીમાં કામ થઈ જશે. મેં ગાર્ડનમાં પડેલો દંડો ઉપાડ્યો અને બ્લેકીના પેટ પર, જ્યાં તેને સફેદ ડાઘ હતા, ત્યાં મારવો શરૂ કર્યો. બ્લેકી હેબતાઈ ગયું. તેને ખબર ન પડી શું થઈ રહ્યું છે. પહેલાં તે ડરી ગયું, ડરથી સંકોચાઇને દૂર જવા મથ્યું, પણ પટ્ટો બાંધેલો હોવાથી વધુ દૂર ન જઈ શક્યું. હું તેની પેટની ગંદકીની ગંધ યાદ કરી કરીને, મહેતા અંકલની બદમાશીઓ યાદ કરી કરીને તેને ડંડા મારતો રહ્યો. ‘વાઉં વાઉં’ કરતું તે પહેલાં પીડાથી રડવા લાગ્યું અને છતાં ડંડા બંધ ન થયા ત્યારે તેણે મારો પગ તેના મોંમાં તેને પહેલીવાર મળેલો ત્યારે જેમ પકડેલો એમ જ પકડી લીધો, અને એક બચકું ભરી લીધું. તેના દાંત મારી પાની પર ભરાયા, લોહી નીકળ્યું. મેં દર્દથી ઊંહકારો કર્યો, ‘હેલ્પ હેલ્પ’ એમ જોર જોરથી ચીસો પાડી, બ્લેકીથી દૂર જતો રહ્યો. તે બીજું બચકું ભરવા પાછળ આવ્યું પણ પટ્ટાને કારણે રોકાઈ ગયું. પેલો ચાલતો આવતો માણસ ઘર પાસે પહોંચી ગયેલો, તેણે ચીસો સાંભળી અને ઍમ્બ્યુલન્સ બોલાવી.

*

હું ત્રણ દિવસ દવાખાનામાં રહ્યો, રસીઓ આપવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યાં. કાયદા મુજબ મહેતા અંકલે બિલ ભર્યું. મને બીજી નોકરી મળી ત્યાં સુધી મેં બીજાં બે વરસ મહેતા અંકલને ત્યાં કામ કર્યું, પણ એ બે વરસમાં મેં તેમને એક પણ વાર હસતા જોયા નહિ. મને ક્યારેય વધારાનું બોનસ પણ ન મળ્યું. આ વાતને હવે તો વખત થયો. હવે તો હું પણ પીન્ટુની જેમ ટોરન્ટોમાં સેટ થવા આવી ગયો છું અને મારી પાસે પી.આર છે. પણ રોજ નહાતી વખતે મને મારી પાની પર બ્લેકીના દાંતના નિશાન દેખાય છે. એ જોઈને વારંવાર બે વસ્તુઓ મારી નજર સામે આવી જાય છે -- મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી ત્યારે મહેતા અંકલે જે રીતે બ્લેકીના માથા પર અને આખા શરીર પર પ્રેમથી ભીની આંખે હાથ ફેરવેલો તે અને ગાડીમાં બ્લેકીને લઈ ગયા ત્યારે છેક સુધી એ જે રીતે મારી સામે ટગર ટગર જોઈ રહેલું, તે.



તન્ત્રીનૉંધ :

આવી વાર્તાને આપણે ત્યાં સામાન્ય રીતે કરુણાન્તવાળી કહેવાતી હોય છે. વાર્તાકથક બ્લેકીને મારી નાખે છે. માણસે કરેલી એ હત્યા પ્રાણીની હતી એટલે કરુણ ખરી પણ કથકની કથા પણ ઓછી કરુણ ન્હૉતી. જુઓ, ઇન્ડિયન અન્કલ મહેતાને ત્યાં એને આશરો તો લેવો જ પડેલો, પણ એમાં બ્લેકીના પેટની ગંદી ગન્ધસમેતની પોટી સાફ કરવાનો પ્રસંગ પડ્યો બલકે એ કામ રોજિન્દુ અને અનિવાર્ય થઈ પડ્યું એ એથી પણ કરુણ હતું. ભલે. અન્કલનો વિચાર કરીએ તો એમની એકલવાયી જિન્દગી પણ એટલી કરુણ જ છે. આમ, ત્રણેય મુખ્ય પાત્રો કરુણ દશાને પામ્યાં છે. એ લાચારીભરી દુ:ખદાયી દશા છે એમ કહીએ તે વધારે ઉચિત કહેવાશે. વિદેશમાં પણ ઇન્ડિયનનું ઇન્ડિયન વડે શોષણ થાય છે, એ વસ્તુસ્થતિ લજ્જાસ્પદ છે એમ વાચક તારવણી કરે તો ખોટું તો નહીં, જોકે, વાર્તાકથક પ્રથમ વ્યક્તિના કથનકેન્દ્રે પોતાની કથા કહી રહ્યો છે તેથી રચનાને એવી તારવણીમાં ન નીચોવી લેવી જોઈએ. એણે પોતાનું વીતક વીગતે વીગતમાં સૂત્રને સળંગ સાચવીને કર્યું છે, એટલું જ નહીં, એને માટે માનવીય અનુકમ્પા જાગે એવા સૂરમાં કર્યું છે. કથકની કથન કરી શકવા ઉપરાન્તની સાર્થક આલેખનશક્તિ વરતાય એવાં સરસ દૃશ્યો રચાયાં છે : અન્કલ અને એમની કથાનાયક સાથેની વર્તણૂક પરત્વે કે કથાનાયક અને બ્લેકી વચ્ચેના ક્રમે ક્રમે ઘૃણામાં ફેરવાઈ ગયેલા પ્રેમસમ્બન્ધ પરત્વે. અન્તે મુકાયેલાં બે દૃશ્યોની યાદથી કથક તેમ રચના સુન્દર દીસે છે - મહેતા અંકલે બ્લેકીના માથા અને આખા શરીર પર પ્રેમથી ભીની આંખે હાથ ફેરવેલો તે; અને ગાડીમાં બ્લેકીને લઈ ગયા ત્યારે છેક સુધી એમણે જે રીતે કથક સામે ટગર ટગર જોયેલું તે. એથી અન્કલ પણ સુન્દર દીસે છે. એથી, ટૂંકીવાર્તાને અન્તે ચોટ હોવી જોઈએ એવું માનનારા વાચકને તોષ પણ થશે, તેમછતાં, એની સમજમાં એ આવવું જોઈશે કે એવા અન્તથી વાર્તાનિરૂપણની કલાનું સંતુલન પણ સચવાયું છે.