સાહિત્યિક સંરસન — ૩/ઉમેશ સોલંકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ ઉમેશ સોલંકી ++


૧ : બારીક કશુંક —

અંધારું
પેટમાં કાળુંભમ્મર અંધારું
અંધારું
ડૂંટીને અંદર ખેંચી ગયું
વિચારને ભરખી ગયું
પછી
દાંત વાટે, નખ વાટે બહાર આવ્યું
શરીરને ચાટવા લાગ્યું
ધીમે-ધીમે ફેલાવા લાગ્યું,
પછી
ડિલ છીનવી ગીધડાનું
ઊડવા લાગ્યું
ચાંચ મારવા લાગ્યું,
ચાંચ મારે ત્યાં અંધારું :
ચકલીને ચાંચ મારી
ચકલી કાળીમેશ
ઘુવડની આંખ ફોડી
રાત કાળીમેશ
ડાળી પર ચાંચ ઠોકી
પાન કાળાંમેશ,
પછી
વિચારવા લાગ્યું :
આમ ચાંચ માર્યા કરીશ
તો વરસો વીતશે
રહેશે તોય દુનિયા અડધી ધોળી-ધોળી
અચાનક એક તુક્કો ઊઠ્યો
પાંખો ફફડાવી
ઊંચે ને ઊંચે જવા લાગ્યું
પહોંચ્યું સૂરજ કને,
પછી
સૂરજને ચાંચ મારી
દુનિયા કાળીમેશ,
હવે
શું ઘાસ, શું થોર?
શું ડુક્કર, શું મોર?
શું ઘાવ, શું લગાવ?
શું ભરચક, શું અભાવ?
બધ્ધેબધ્ધું અંધારું
આંખ ન જોઈ શકે એવું કાળુંભમ્મર અંધારું

તો ય
પેટથી ઉપર 
છાતીમાં
બારીક કશુંક ઝળહળ્યા કરતું
અંધારું એનાથી ફફડ્યા કરતું.


૨ : ફૂદું —

ધૂળિયાં ગામનું લીપેલું ઘર
ઘરનાં બારણે અલ્લડસી સાંકળનું મીઠુંમધ ખટખટ
ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન
ખનખન પર છલકાતું હસવાનું કલકલ
અને આંગળીથી ચાંદરણું પંપાળી પંપાળી
ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ
મારી ફરતે ઘેરાતો બની ઘનઘોર
પછી વરસી પડતો
હું પલળી જતો
આજ
અક્કડ થયેલી સાંકળ પર લાગ્યું છે કટાયેલું તાળું
તાળા પર બાઝ્યું છે કરોળિયાનું જાળું
જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું
જાળામાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.


૩ : વૉંઘું —

વળાંક પછી વળાંક પછી વળાંક
સાપને પણ લાગે થાક
એવા વળાંક.
વળાંકમાંનો એક વળાંક
વળાંક પર વાડ
દૂધથી ફાટ ફાટ
થોરના ઠાઠ,
કાંટા પણ લાગે
વણબોટાયેલાં જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે
હઠીલો શણગાર.

થોર પાસે
ક્યાંક ઘાટીલો
ક્યાંક આછકલો
વળાંક પર નમેલો
બાવળ
બાવળમાંથી સરવા મથતો
ખરા બપોરનો તડકો
બની કાતરા* લટકી ગયો
થોડો તડકો બળ કરી રેત પર પડ્યો
પડતાંની સાથે બળ વિનાનો થઈ ગયો
બળ વિનાના તડકા પર તું બેઠી
હું બેઠો તને અડી
ઘડી રહી તું આડી પડી
ચંબાને તારી ઠેસ અડી 
કાટવાળું ચંબુ આડું પડ્યું
પાણીને રેતની તલબ હતી
રેતને હબ દઇને ગળી ગયું
રેતમાં ગજબનું મારણ હતું
પાણી પળમાં મરી ગયું.
કોણીનો મેં ટેકો લઈ
લટ તારી આંગળી પર વીંટી
અને શરમાઇને મીઠું તેં
સ્હેજ ફેરવ્યું મોંઢું તેં
તારી અનોખી આંખને મેં
મોંઢું દૂરથી દેખાય ખાલી
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી
ખખડીને તું હસી પડી
ખખડીને હસી પડવું તારું
ચંબાનું પાણી જાણે રેતમાં ઢોળાવું.
વળાંકમાંથી ભૂંડનું બચ્ચું આવ્યું
રોડું લીધું ને ઉપર ઉઠાવ્યું
તેં તરત હાથ પકડ્યો
રોડું છટકીને નીચે પડ્યું
બચ્ચું વળાંકમાં જતું રહ્યું.
તારી આંખમાં તાકવા લાગ્યો
તાકતા તાકતા ભાન ભૂલ્યો
આંખમાં અચાનક હરણું દોડ્યું
એક લાંબો કૂદકો મારી
આંખમાં તારી ઘૂસી ગયું
સ્હેજ ડાબે મોંઢું ફેરવી
આંખ ઘડી તેં બંધ કરી

મેં આડી નજર કરી
થોડે છેટે ખોલકું જોયું
કેવું વ્હાલું વ્હાલું…
ત્યાં તો એને રોડું વાગ્યું
આખું એનું શરીર કાંપ્યું
કંપન એવું
તારા ચહેરે જોયું
સાથે ધીમો સિસકારો નીકળ્યો
સીધો મારી આંખમાં બાઝ્યો
ચહેરો મારો હાથમાં લઈ
આછું સ્મિત વેદનામાં ભેળવી
વ્હાલ ભરેલા શબ્દો બોલી :
ખોલકા જેવો તું ય રૂડો
શરીર સ્હેજ કંપી ગયું
કંપીને તરત આંસુ થયું
આંખમાંથી પછી સરી પડ્યું.
ખોલકું હજુ ત્યાં જ ઊભું છે
વૉંઘું રોડાંનું પર્યાય બન્યું છે.

(વૉંઘું - વહેળો, કોતેડી, વોકળો. ગામેગામનાં વરસાદી પાણી જેમાંથી પ્રવાહરૂપે વહીને નદીમાં કે મોટા તળાવમાં ભળી જાય છે તેવી માઇલોના માઇલો લાંબી કુદરતી રચના (કૅનાલ)ને સાબરકાંઠાની લોકબોલીમાં વૉંઘું કહે છે. વૉંઘું નાનાં-મોટાં ગામના વંચિત સમુદાયો માટે કુદરતી હાજતે જવા માટેનું સ્થળ પણ છે; ઘણીવાર જાતીય સમાગમ માટે વૉંઘાનો છેક અંદરનો ભાગ કામમાં આવતો હોય છે. કાતરા = બાવળનું ફળ)



તન્ત્રીનૉંધ :

૧ : બારીક કશુંક — આમ તો આ અંધારું ગતિ, માર્ગ અને પોતાનાં કાર્ય કે કર્તવ્ય જાતે જ શોધી લે છે. જુઓ ને, એણે છેક સૂરજ લગી પ્હૉંચીને દુનિયા આખીને કાળીમેંશ કરી નાખી ! એ કામ ચાંચ મારીને કરવાની અંધારાની રીત અનોખી અને આસ્વાદ્ય છે. પેટમાંથી એ બહાર આવ્યું, ફેલાયું ને ચાંચ મારવા લાગ્યું એ એનો પહેલો કાર્યવિશેષ. એ પછી સૂરજ લગી પ્હૉંચીને બધું જ કાળુંમેંશ કર્યું એ એનો બીજો કાર્યવિશેષ. અને પેટથી ઉપર છાતીમાં બારીક કશુંક ઝળહળતું હતું એથી ફફડ્યા કર્યું એ અંધારાના સઘળા કાર્યનું એને લાધેલું પરિણામ છે. ભાવક વિચારશે કે એ ‘બારીક કશુંક’ શું છે અને અંધારું આટલું કાર્યદક્ષ બાહોશ પરાક્રમી હતું છતાં ફફડે છે કેમ. કવિતાની દુનિયામાં એના કશા ઉત્તર હોતા નથી. કાવ્યકથક તો એમ જ કહેશે કે અંધારાએ કેવી રીતે શું કર્યું તે મેં તમને વીગતે જણાવ્યું, પછી શું છે…

આવી કટોકટીની ઘડીએ અર્થઘટનકારો મદદે દોડી આવતા હોય છે. એવો કો’ક જણાવશે કે, અંધારું કાળુંભમ્મર છે, પેટમાં છે; અને ડૂંટીને એ અંદર ખેંચી જાય, વિચારને ભરખી જાય, એ પછી શરીરને ચાટે; એ બધા ભૂખના સંકેતો છે. તે પછી એ ગીધનું ડિલ છીનવી લે, ચાંચ મારે, ને જ્યાં મારે ત્યાં અંધારું થઈ જાય એ ક્રિયાઓ, જણાવશે કે, વિદ્રોહ સૂચવે છે. કહેશે કે, સૂરજને ચાંચ મારીને દુનિયાને કાળીમૅંશ કરી નાખી એમાં પ્રતિશોધ જોઈ શકાય. અને ઉમેરશે કે, ‘બારીક કશુુંક’ તે સત્ય, જેની આગળ કોઈપણ અન્ધકારે ફફડવા-ડરવાનુું હોય છે. વગેરે વગેરે. આથી ચડિયાતો અર્થઘટનકાર આવશે તો શબ્દફેરે આ જ કહેવાનો, અને અંધારાને સામાજિક અન્યાયનું સૂચક પણ કહેવાનો.

પણ કાવ્યકથકે કે કવિએ અર્થઘટન માટે તરકીબો નથી રચી કે કળ દબાવો ને અર્થનાં દડબાં દડવા માંડે; એવા ગૉખલા નથી બનાવ્યા જેમાં એ વિદ્વાનો પોતાના ખિસ્સાનું મૂકી શકે.

અને તેથી જ રચના શુદ્ધ કાવ્યહસ્તી રૂપે દીપી રહી છે.

૨ : ફૂદું — કાવ્યકથક પાસે મૂવી કૅમેરા છે. એ આપણને દૃશ્યાવલિ રજૂ કરે છે ને આપણે સંડોવાતા જઈએ છીએ. ગામ ઘર સાંકળ ને બંગડીનું ખનખન; ને તરત, દૃશ્યાવલિ માં પ્રેમ-પ્રણયનો પ્રાણ ફુંકાય છે ને જે અપેક્ષિત હતું તે થાય છે -એ પલળી જતો તે. એ હતો ગયા સમયનો બનાવ; હવે છે, તાળું, જાળું ને તેમાં છે ફસાઈ મરેલું નાનકડું ફૂદું. એનો કૅમેરા એને ફોકસ કરે છે, ને આપણામાં એ આખું ફરી દેખાવા લાગે છે. નૉંધીએ કે આ એક શક્તશાળી રચના છે.

૩: વૉંઘું — વળાંક પછી વળાંક કહીને વળાંકને વળતો રહેતો બતાવ્યો ત્યારે આમાં પણ મને કાવ્યકથકના કૅમેરાનો પ્રતાપ વરતાયો. પ્રતાપ વિસ્તર્યો તે તડકાને બળ વિનાનો બતાવ્યો ત્યાંલગી; અને, અહીં લગી -‘બળ વિનાના તડકા પર તું બેઠી / હું બેઠો તને અડી’. પછી પણ, ચંબુ, ઠેસ, પાણીને રેતની તલબ-થી દૃશ્ય પર દૃશ્ય સરતાં રહે છે, મિલન-સમય વિસ્તરતો રહે છે, આંખમાં હરણું વળી ખોલકું એમ બીજાં પ્રાણીઓ દાખલ કરાય છે, અન્તે મધુરકરુણ એ ઘટે છે કે સહેજ કંપીને શરીર સ્વયં આંસુ બની જાય છે. સમગ્ર પ્રસંગ વૉંઘું કહેવાતી વિલક્ષણ જગ્યાએ બન્યો એ વીગત આપણે ઉમેરી લઈએ છતાં પ્રસંગના પોએટિક ઍમ્બીયન્સમાં કશો જ ક્ષય થતો નથી. એ ક્ષય કાવ્યસર્જનનો અનુપમ વિજય ગણાવો જોઈએ.