સાહિત્યિક સંરસન — ૩/કંદર્પ રં. દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ કંદર્પ દેસાઈ ++


પહાડોમાં મારું ઘર છે —



સેતુ જ્યારથી પાછો આવ્યો છે ત્યારથી.... વાક્ય પૂરું કરી શકાતું નથી. એ બદલાઈ ગયો છે તે ચોક્કસ પણ તેને કોઈ એક બીબામાં ઢાળી શકાય એમ નથી. તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બાંધી શકાતી નથી. તેથી વિધાન પૂરું કરવામાં ખચકાટ થાય છે. મધુનો આ વિચાર બતાવે છે કે તે સેતુ પ્રત્યે પક્ષપાત દાખવે છે અને સેતુ એ માટે યોગ્ય પણ છે. માત્ર મધુ જ નહિ, સેતુનાં ઘણાં પરિચિતો એવું અનુભવે છે કે આ સેતુ તે નહિ જે ગયો હતો. અથવા સેતુ તો હજી પાછો આવ્યો જ નથી ને હિમાલયમાં જ રોકાઈ ગયો છે ! કોઈ સ્થળ સાથેની પ્રીતિ, આકર્ષણ કે તેના વિશેની સ્મૃતિ એ કોઈ નવી બાબત નથી. રોજિંદા જીવનથી દૂર વીતેલી એ ક્ષણો ચિરકાલ સુધી ભીતરમાં વસે છે, જાણે કોઈ બીજો જ લોક ! પણ સેતુની વાતમાં તો જુદું જ થયું છે. એ પોતે જ પેલા બીજા લોકમાં ચાલ્યો ગયો છે. એની વાતો ખૂટતી જ નથી કે જ્યારે ન બોલે ત્યારેયે એના ચહેરા પર તે તરી આવે છે. હરિયાળાં-બરફીલાં શિખરો ને ખીણ સમેતનો આખોય હિમાલય ! શું સુંદર લાગે છે એની ભાવમય મુખાકૃતિ! મધુને કશુંક બોલવાનું મન થાય છે પણ એ અટકી જાય છે, એટલા માટે કે ક્યાંક સંતની ભાવસમાધિ તૂટી જશે. એમ તો મધુ પણ સાથે હતો, માત્ર એ જ નહિ, ખાસ્સાં આઠદસનું જૂથ ગયું હતું. પરીક્ષાઓ પૂરી થઈ હતી અને ઉનાળાની, આકરી ગરમીથી સૌ પરેશાન હતા. ‘કશુંક રચનાત્મક રાહત આપનાર થઈ જાય !’ એવો વિચાર રમતો મુકાયો. સંજય પહેલાં ખબર લઈ આવ્યો ને પછી વિગતો શોધી લાવ્યો કે હિમાલયમાં દર વર્ષે ટ્રેકિંગ થાય છે. ખૂબ રફટફ રસ્તો અને પહાડો ચઢવા-ઊતરવાના ને ઠંડી તો એવી સખત કે.... ‘નક્કી, ચાલો જઈશું.’ એક અવાજે બધાં બોલી ઊઠ્યાં અને સૌ નીકળી પડ્યા કુલુ-મનાલી જવા. ત્યારે પણ સેતુ ગંભીર ન હતો. ચહેરા પર જ નહિ, એના મનમાં પણ એવા ભાવો હતા કે જાણે ઉત્કંઠેશ્વર પિકનિક પર જવાનું હોય ! બસ, જઈશું. પહાડો ચઢીઊતરીને પાછા આવીશું અને પછી એ જ રોજિંદી જિંદગી- ખાણીપાણી અને સાંજની મુલાકાતો, ગપસપ.... ખરેખર તો એના આ બદલાયેલા સ્વભાવનો ખ્યાલ ઘણો વહેલો આવવો જોઈતો હતો. વહેલો એટલે ત્યાં પહોંચ્યા તે જ દિવસે ! દિલ્હીથી બસમાં બેઠાં ત્યારે તો સાંજ હતી. રાત તો બસમાં વિડિયો ફિલ્મ્સ જોતાં, સૂતાં, વાતો કરતાં એમ જ વીતી ગઈ હતી. ખબર જ નહોતી પડી કે બસ ક્યાં ક્યાં થઈને પસાર થઈ રહી છે. બસ ચાલે છે, ગતિ માં છે એટલું જ. એટલે કુલુ આવતાં સુધી તો ઠીક, એમ જ વીત્યું. કુલુમાં અજવાળું દેખાવા લાગ્યું. તે સાથે જ હિમાલયનો જાદુયે પથરાવા લાગ્યો. સહેજસાજ ઠંડી, ઊંચા પર્વતો, બિઆસનો જળપ્રવાહ, - બધું અદ્દભુત લાગતું હતું. સૌ કંઈ ને કંઈ વાત કરી રહ્યું હતું. પણ સેતુ ચૂપ હતો, સાવ ચૂપ, એના સ્વભાવ વિરુદ્ધ. જાણે નજરોથી આખાં ને આખાં દૃશ્યો અંદર ઉતાર્યે જતો હોય અથવા કંઈ એવું શોધી રહ્યો હોય જે આ પહેલાં કદી જોયું જ ન હોય. અરે ! એ વસ્તુ કઈ રીતે મળે જે કદી જોઈ ન હોય ? એ તો સેતુને પૂછો – પણ ત્યારે તો બધાંએ સાવ દુર્લક્ષ જ સેવેલું. સૌ પોતાનામાં જ એવાં ડૂબ્યાં હતાં કે બીજાને જોઈ જ ન શક્યાં. ફેર માત્ર એટલો પડ્યો કે બીજાં બધાં બહાર નીકળી આવ્યાં અને સેતુ નહિ. આજે સેતુની વાતોમાં, સ્મૃતિ માં, આંખોમાં હિમાલયની તાજગી તેવી જ છે. જેવી પહેલાં હતી. એક દિવસ મધુને કહે : ‘મધુ, ચાલ તને થોડી કવિતા સંભાળવું !’ આ તો ભારે નવાઈ ! સાહિત્યના નામ માત્રથી ભડકતો સેતુ વળી, કવિતા લખવા માંડ્યો ! મધુને આશ્ચર્ય વ્યક્ત કરવાની કોઈ તક આપ્યા વિના ખેંચી ગયો. કવિતા જેવું સુંદર વાતાવરણ, અગાશીનો એક ખૂણો જ્યાં આંબા અને લીમડાને સ્પર્શી શકાય છે. સેતુના અવાજમાં સાંભળવી ગમે એવી એ રચનાઓ છે. એની એક કવિતામાં એવું હતું કે આ બરફીલાં હિલ સ્ટેશનો એટલા માટે ‘હિમ’ સ્ટેશનો બની જાય છે કે તે સીઝન પૂરી થતાં ચાલ્યા ગયેલા પ્રવાસીઓની સ્મૃતિને બાકીનો આખો સમય તાજેતાજી સાચવી શકે અને એના સહારે આગામી ઋતુના પ્રતીક્ષાના દિવસો પૂરા થાય. મધુને પ્રશ્ન એ થાય છે કે સેતુએ કઈ રીતે સાચવી છે આ તાજગી ? ના બરફ છે, ના કંઈ... રોજ સાંજે મધુ અને સેતુ ફરવા જાય છે, નવા નવા રસ્તાઓ પર. મૂક સંવાદની જુગલબંધી માણતાં રસ્તો કપાતો રહે છે. એ ગમે પણ છે ! આજે શહેરના નવા વિકસતા ભાગ તરફ ચાલ્યા. જમીનના એક ખાલી ટુકડા પર બહુમાળી મકાન બંધાઈ ગયું છે. અચાનક સેતુએ પૂછ્યું : ‘મધુ તને યાદ છે અહીં ગરમાળાનાં બે-ત્રણ વૃક્ષો હતાં ?’ ‘હા ! એનાં પીળાં ફૂલોનાં ઝુમ્મર કેવાં સરસ લાગતાં....' મધુ પૂરું બોલી લે તે પહેલાં તો સેતુ શોરૂમ તરફ ચાલી નીકળ્યો ને મધુ એની પાછળ ઘસડાયો. જઈને એ શોરૂમના માલિકને કહે, ‘તમે કેવું મોટું પાપ કર્યું છે તેની ખબર છે ?’ અને પાપ કર્યું તો કર્યું પણ એનું પ્રાયશ્ચિત્ત કરવાનું સૂઝે છે ખરું ?’ અનંતભાઈ તો હક્કાબક્કા ! તુરત તો કંઈ જવાબેય ન આપી શક્યા. એમની એ સ્તબ્ધતાનો લાભ લઈને કે પછી આવેશ હોય, સેતુ તો બોલતો જ રહ્યો, ‘વૃક્ષો કાપી નાખ્યાં. એક નહિ ત્રણ-ત્રણ. કેવાં ભર્યા ભર્યા અપાર શોભાયમાન ! એનો તો કોઈ પસ્તાવો જ નથી. આગળ આટલી ખુલ્લી જમીન છે ત્યાં નવાં વૃક્ષો ઉગાડી શક્યા હોત, પણ ત્યાં તો પથ્થરો પાથરી દીધા. એ જ તો છે આપણા હાથમાં, આપણા ભવિષ્યમાં...' મધુ તેને શાંત કરવા મથે છે. કહે છે : ‘સેતુ ચાલ, આ શું કહે છે ?’ અને અનંતભાઈની સ્તબ્ધતા હવે અકળામણમાં ફેરવાઈ ગઈ છે. એ કહી પણ શું શકે છે ? સેતુ કંઈ ઉઠાવગીર થોડો છે ? એ હુમલાખોર પણ નથી. માત્ર એ તો એક દુષ્કૃત્ય તરફ આંગળી ચીંધી રહ્યો છે. ભભકાદાર ઝળહળતા શો રૂમને તેઓ ભોંઠી નજરે જોઈ રહ્યા. જોકે હવે તે બચાવ માટે પ્રયત્નશીલ છે. ગણગણતા હોય એમ કહે છે : ‘મેં થોડાં ઝાડ કાપ્યાં છે? જેણે મકાન બાંધ્યું છે તેને કહો.’ ‘પણ મકાનનો ઉપયોગ કોણ કરે છે ? તમે –' વધતાં જતાં આ વિવાદને અટકાવવા મધુએ હવે સેતુનો હાથ જોરથી પકડી રીતસર ખેંચ્યો. એ ખેંચાતો આવ્યો, પણ એની રોષમુદ્રા હજી ઓસરી નથી. ચહેરા પર લોહી ધસી આવ્યું છે. અવાજમાં ઉગ્રતા છે. ટી.વી. પર દર્શાવાતી જાહેરાતો સામે પણ રોષ વ્યક્ત કરે છે: ‘આમ તો કેવું સરસ પ્રતીક છે ! એક સુંદર મલકતા વૃક્ષ પર અચાનક કુહાડીનો ઘા થાય. અને વૃક્ષ મરણોન્મુખ ચીસ પાડી ઊઠે. વૃક્ષ આપણાં મિત્રો છે. તેમની હત્યા જ ન થાય. ત્યાં સુધી તો બરોબર છે. પણ વળી પાછું નીચે એક વાક્ય - ‘તે આપણને ઘણું આપે છે !’ એટલે મૂળ વાત તો આવીને અટકી લેવડદેવડ પર, નર્યા સ્વાર્થ પર ને ! આ તો નર્યો સ્વાર્થસંહિતાનો પ્રચાર થયો.’ મધુ તો સેતુને સાંભળી લે છે, તેની વાતોમાં રહેલા તથ્યને સમજી શકે છે. પણ તેનો આગ્રહ સમજી શકતો નથી. વિચારે છે. ‘અનંતભાઈની જગ્યાએ હું હોત તો મારોય કોઈ જુદો પ્રતિભાવ ન હોત. વિકાસની જરૂરિયાત છે. કશુંક ટકે, કશુંક નહિ. આપણે કંઈ જંગલી મનુષ્યો થોડાં છીએ કે વૃક્ષોને પકડી બેસી રહીએ ! અને રહી વાત પ્રચારની. તો જે રીતે સમજાવી શકીએ તે રીતે ઉપયોગમાં લેવામાં ખોટું શું છે ? પણ આ સેતુ નથી જે પહેલાં હતો. એ સેતુ તો નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી. બળેવના દિવસે જનોઈ બદલતાં પહેલાં પપ્પાએ દર્ભ તોડી લાવવા કહ્યું. એનો વિરોધ કરતાં કહે : ‘આ તો વનસ્પતિનો દુરુપયોગ થયો કહેવાય !’ સાંભળીને અજયે તો કહ્યું પણ ખરું, ‘ગાંડો થઈ ગયો છે ગાંડો.’

*

વિચારી રહ્યો છું કે, લીલીછમ ધરતી, અસીમ ઊંચાઈ, અદ્દભુત ખીણો, બરફ, નદી, નાનામોટા ખડકો, ઝરણાં, એનો કલધ્વનિ, ચીડ અને સફરજનનાં વૃક્ષો, પથ્થર ને લાકડાંનાં મકાનો, પંખીઓ, ગાય, ઘેટાં, માણસો - આ એવા થોડાક જ શબ્દો છે જેને હું એવા રંગોની જેમ ઉપયોગમાં લેવા માગું છું જે પીંછીએ પીંછીએ અલગ રંગછટા પ્રસરાવે, મારા વાક્યેવાક્યમાં અદ્દભુત નિખાર લાવે, મેં જે જોયું છે કે અનુભવ્યું છે તેને તાદ્દશ કરું એ તો કલ્પના માત્ર છે. એને તાદ્દશ તો હું તો જ કરી શકું જો હું ફરીથી જોઈ શકું. આ નગરમાં બેસીને એમ કરવું માત્ર એક જ રીતે સંભવે છે, સ્મરણથી. સતત કામમાં રહું છું. અને તોયે મનોમન એ બધું જ લહેરાયા કરે છે. કેવું સરસ ! જરાક પણ સારું જોતાં – થતાં તરત જ આ ઉદ્ગાર સરી પડે છે, ત્યારે થાય છે આ હું નથી બોલ્યો, મારી ભીતર જે સૌંદર્ય લહેરાઈ ગયું છે તે બોલી રહ્યું છે. બધાં કહે છે કે હું ખૂબ બદલાઈ ગયો છું. કેટલાંક તો વળી, પાગલ પણ કહેતાં હશે. મને તો આવી કોઈ વાતનો પ્રતિવાદ કરવાનું મન થતું નથી. એના કરતાં હિમાલયની સ્મૃતિકથા કહેવી વધુ રસપ્રદ લાગે છે, સમયનો સદ્ઉપયોગ તો કર્યો ગણાય. ઝરણાં, નદીનું સફેદ ઊજળું પાણી, પ્રગાઢ જંગલો, પહાડીઓના ચમકતા નિર્દોષ ચહેરા, વિશ્વાસથી ભરીભરી નજરો. લગભગ આવા જ હતા આપણે. કદાચ પહાડ ન હતો કે ન હતો બરફ. ગાઢ જંગલ પણ નહીં હોય. પરંતુ નિર્દોષ ચમકતા ચહેરા જરૂર હતા. વિશ્વાસ હતો, સલામતી તો હતી જ, આ હતા આપણે, અને આજે છીએ તે કોણ? ગળાકાપ હરીફાઈ, નાની નાની ઈર્ષામાં જીવતાં, લીલી ઇયળો જેવાં, પ્રદુષિત હવા અને પાણીની ગંધથી, રજોટાયેલાં, પોષાયેલાં. બદલાયું કોણ છે ? હિમાલયની હવાના સ્પર્શે તો મારી ઉપરથી એ આવરણ ખસી ગયું, જે વર્ષોથી આ નગરે મને ઓઢાડ્યું હતું. ના, પૂરેપૂરો આવરણહીન ક્યાં થયો છે ? હજીયે હું તો બંધાયેલો જ છું, આ નગરસંસ્કૃતિનાં પાશમાં. મધુને મારા માટે સદ્ભાવ છે. એ મને સમજવાની કોશિશ કરે છે. ચીંધી બતાવે છે કે હું ક્યાં ક્યાં બદલાયો છું, મારા પ્રતિભાવ કેવા હતા, અને કેવા થઈ રહ્યા છે, એનું નિરીક્ષણ અદભુત છે ! મને તો ખ્યાલ જ નથી કે હું આમ હતો અને હવે તેમ થયો ! મારે માટે તો છે તે જ બહું સહજ છે, પહાડોનો વિયોગ મારાથી સહન થયો ન હતો, આંખો ઝરી ગઈ હતી, રોકાઈ જવાનું મન થયું હતું પણ આખરે આવી જ ગયો ત્યારે એની બિલકુલ પીડા નથી. છે માત્ર આનંદ... તારા મિલનને માણ્યું તો, હવે માણી રહ્યો છું તારો વિરહ ! મારી, આ ભાષા ! મધુ કહે છે, ‘તું તો જાણે એવી રીતે વાત કરે છે જાણે કે હિમાલય કોઈ માણસ બનીને તારી સામે ઊભો હોય…!' ‘કદાચ, એવું જ છે, અથવા... અથવા..’ ‘કોઈ એવું પણ છે જે તને હિમાલય જેવું જણાયું હોય ?’ સ્મરણશક્તિને સહેજ વધુ કસીને મધુ કહે છે, 'અરે ! પેલો વિક્રમ તો નહિ ? તમારે બેઉને સારું બનતું ?’ મારો, આ વાતમાંય કશો પ્રતિભાવ નથી. ક્યારેક મૌન જ ઉત્તમ હોય છે. શબ્દો એ વ્યક્ત નથી કરી શકતા જે કહેવું છે, જે અનુભવ્યું છે. આ હિમાલય જ લો ને ! કોણ એને શબ્દોમાં ઉતારી શક્યું છે ? મધુ ક્યાંકથી કાકાસાહેબના શબ્દો શોધી લાવ્યો. મોટેથી વાંચી સંભળાવે છે : ‘હજુ પણ કોઈ હિમાલયની વાત કાઢે અને સાસરામાં રહેતી વહુ પિવાની વાત સાંભળી જેટલી રાજી થાય તેટલો આનંદ થયા વગર રહેતો નથી.’ આગળ પણ એ કશુંક બોલી રહ્યો છે, પણ સાંભળે છે કોણ ? હું તો પહોંચી ગયો છું ત્યાં, મેં જોયેલા હિમાલય પાસે. એ કઈ ક્ષણ હતી જ્યારે અચાનક મને તે મારા શ્વાસ જેટલો પોતીકો લાગ્યો ? બધી જ ક્ષણોમાં એમ થયું છે. મનાલી પહોંચ્યા પછી, એકપણ, ક્ષણ એવી નથી વીતી કે હું હિમાલયના જાદુ હેઠળ ન હોઉં ! જાણે આ જ મારું ઘર. એવું લાગ્યું કે મારું ખોળિયું જે શોધતું 'તું તે પ્રાણ મને મળી ગયો. એમાં કોઈ વ્યક્તિનો હાથ ખરો ? એક યાદ છે વિક્રમ. શતરંગી વ્યક્તિત્વ. એવું લાગે છે જાણે હિમાલય મને માનવદેહ લઈ મળવા આવ્યો હતો. દેવતાઓ કદાચ આમ જ જન્મતા હશે કે ? સાવ અલગારી છે એ. એટલી બધી હળવાશ છે એનામાં કે જાણે નર્યો સુગંધરૂપ. મેં કહેલું, ‘તને ખબર છે તું કેટલો સરસ છે ?' ‘હા, જેટલી તારી નજર સરસ છે તેટલો.' અને પછી એવું મહેકતું સ્મિત, જાણે દડી પડ્યું કોઈ ઝરણું. ‘તો પછી, તને એ પણ ખબર હોવી જોઈએ કે.....’ ‘ના, ન બોલીશ. કશુંક ગોપિત રહે તોય શો વાંધો ? એ રહસ્ય પણ સૌંદર્યમંડિત છે ને ?’ આવો એ. ક્યાંય કશેથી પૂર્ણ નહીં પણ બધેથી ભર્યોભર્યો. વહેતાં ઝરણાને એ રીતે જોઈ રહે છે, જાણે મગ્ન થઈ કોઈ કવિતા સાંભળી રહ્યો હોય. પાઈનની હળવી મજેદાર સુગંધ તરફ ધ્યાન દોરી મને કહે, ‘જોયું ?’ સાથે ચાલીએ છીએ પર્વતો પર, કેડીઓ પર, પથ્થરો પર, જંગલની વચ્ચે થઈ, ઝરણાઓ ઠેકતાં જઈ, હિમાલયન બર્ડ્ઝની સિસોટી સાંભળતાં, લહેરાતાં ઘાસફૂલોની મહેક માણતાં માણતાં. આખાય વાતાવરણને એવી રીતે શ્વસીએ છીએ જાણે અમૃતપાન કરતાં હોઈએ. કશુંક નવું, સુંદર, વિસ્મયપૂર્ણ જુએ તો એ મને બતાવવાનું ચૂકતો નથી ને એમ જ હું પણ. માત્ર દિવસ જ નહીં, રાત પણ એટલી જ સુંદર અને ભવ્ય છે જેટલા ભવ્ય છે આ પહાડો. હું સુખથી છલછલ થાઉં છું; હિમાલયના સાન્નિધ્યમાં હોવાનું સુખ, વિક્રમનું સંનિકટ હોવાનું સુખ. કેવું અપૂર્વ છે. આ બધું !

*

દિવસો વીતતા ચાલ્યા. સેતુ પણ હવે સ્વસ્થ જણાય છે. પરીક્ષાનું પરિણામ સરસ આવ્યું હતું. ડિગ્રી મળી ગઈ એટલે હવે નોકરીની શોધ. બીજો-ત્રીજો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ અને રોજ લાઇબ્રેરીમાં જઈ છાપાંઓ ઉખેળવાં, જોયા કરવાં, કશાક યોગ્ય કામ અંગેની જાહેરખબર જણાય એટલે તે નોંધી લેવું, ઘરે આવી અરજી કરવી. સેતુ કહે છે : ‘મને આ નથી ગમતું.’ ‘તો શું ગમે છે ?’ ‘આ વળી શું ? આપણી યોગ્યતા, તેય પછી ડિગ્રીની યોગ્યતા જ જોવાની ! આપણાં રસરુચિનો ખ્યાલ જ નહિ રાખવાનો ?' ‘અરે ભાઈ, નોકરી કાંઈ શોખ થોડો છે ?’ ‘હા પણ કંઈક ગમતું કામ હોવું જોઈએને ! મને હવે એ વાતની જરાય નવાઈ નથી લાગતી કે પાનના ગલ્લે, શેરીના નાકે, મંદિરોના દરવાજે કેમ આટલી બધી ભીડ થાય છે? કંટાળેલો માણસ આખરે ક્યાં જઈને અટકે ?’ આ ક્યો સેતુ છે જે પાનના ગલ્લાને અને મંદિરને એક વાક્યમાં વિચારે છે ? મધુ કંઈ જવાબ આપે તે પહેલાં એક ખૂણામાં છપાયેલા સમાચાર બતાવતા કહે, ‘વાંચ્યું તેં ? જો આ આપણી સરકાર. કશુંક આંખને ગમે તેવું તો ટકવા જ દેવું નથી. શહેરની વચ્ચે આવેલા તળાવની આસપાસના લીલાછમ વિસ્તારનો ધંધાકીય ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. છટ્ !’ કહી, અણગમાથી એણે છાપુ બાજુ પર નાખ્યું. ‘ચાલ, ચા પી આવીએ.’ આ એક વાત જળવાઈ રહી છે. ચા પીવી એને પહેલાંય ગમતી. આજેય ગમે છે. પણ મધુને એ વાત ન સમજાઈ કે પેલા સમાચારમાં નાખુશ થવા જેવું શું હતું ? કેવડો મોટો વિસ્તાર છે એ ? હા, થોડાં ઝાડવાં કપાશે. લાગે છે આ જ બાબત એને વાંધાજનક લાગી હશે ! મધુ મનોમન સંવાદ કરી રહ્યો છે : ‘પણ એમાં આપણે શું કરી શકીએ ? વિકાસ કંઈ એમને એમ થોડો થાય છે ? ક્યાંક કશાકનો ભોગ તો લેવાય જ ને ? વૃક્ષો માટે એટલો બધો ખ્યાલ હોય તો તેને માટે અલગ ઝોન ઊભો કરો.’ ‘એટલે આવતીકાલે જ્યારે એ જગ્યા શહેર વચ્ચે હોય તો તેને પણ નષ્ટ કરી શકાય !' કોણ બોલ્યું એ? મધુ ચોંકી ગયો. અંદરથી આવતો અવાજ શું આટલો પરેશાન કરનારો હોય છે? પરંતુ સેતુની અકળામણ હવે મધુથી પણ સહેવાતી નથી. ત્રણ દિવસ પહેલાં વાંચેલા એ સમાચારે હવે સેતુને પૂરેપૂરો ભડકાવ્યો છે. મધુ એને સમજાવે છે, ‘તું આમાં શું કરી શકીશ? સરકાર સુધી વાત પહોંચાડવી એટલું બસ નથી. તે વાત સંભળાવી પણ જોઈએ અને એનો પ્રતિભાવ પણ મળવો જોઈએ. એ તો ત્યારે જ મળે જ્યારે લોકોનો સપોર્ટ હોય. અખબારો, પ્રજામંડળો, સમિતિઓ ને વગદાર માણસો આ બધાંને સમજાવવા પડે ત્યારે થાય. કામ લાંબું છે, ધીરજ માગી લેનારું છે !’ સેતુનો ચહેરો વ્યથાપૂર્ણ છે. એ ધીમેથી પણ સ્પષ્ટતાથી કહે છે : ‘મધુ આ કંઈ પહેલી ઘટના નથી. શહેરમાં પર્યાવરણનો ખુડદો બોલાવતી બે-ત્રણ ઘટનાઓમાં તરત જ પ્રત્યાઘાતો ઊઠ્યા હતા. રાતોરાત આ આપણી જ સોસાયટીમાંથી લોકો એકઠાં થયા હતાં અને લડતસમિતિ બનાવી હતી. અને –‘ એ અટકી ગયો. ‘અને હવે આ તળાવ. એ ક્યાં અમીરોનો વિસ્તાર છે ? ભલે ને ગરીબો હેરાન થાય. તળાવ છોને ગંદુ થાય. કપાઈ જાય કે બુરાઈ જાય ને જાગૃતિ કંઈ એકવારની વાત થોડી હોય છે ? એ તો સતત રહેતી વસ્તુ છે. જે ક્યારેક બોલે ને પછી ચૂપ રહે તે સ્વાર્થ-હિતની વાત જોનારો કહેવાય. દંભી કહેવાય. વિચાર તો અંશનો નહિ સમગ્રનો કરાય. હું આની સામે લડીશ.’ ‘પણ કઈ રીતે ? અને આમ પાછો સાવ એકલો ?’ ‘એ તો મનેય નથી ખબર પણ થાય છે; હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' બોલતાં બોલતાં સેતુનો ચહેરો ઝળહળી ઊઠ્યો. ‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’ સેતુની આંખોમાં એક ચમક આવી અને સ્મિત લહેરાયું, જાણે પાછું સુગંધભર્યું. મોજું ઊછળ્યું. પછીના કોઈ એક દિવસે નગરના સૌથી વધુ ભીડભાડભર્યા રસ્તાના ચૌરાહા પરથી પસાર થતા નગરજનોએ અજબ કૌતુક નિહાળ્યું. સેતુ લીલા રંગનાં વસ્ત્રોમાં વૃક્ષની જેમ ખોડાઈને ઊભો હતો. જોરથી હવા વહે ત્યારે માત્ર ડાળની જેમ તેના હાથ હલતા હતા. સાથે મધુ હાથમાં પ્લેકાર્ડ ઝાલીને ઊભો હતો, જેમાં લખ્યું હતું : દુર્ભાગ્યે અમે પણ તમારી જેમ નગરવાસી થયાં છીએ. અમને જીવવા દો.



તન્ત્રીનૉંધ :

નગરસંસ્કૃતિ સામે પ્રકૃતિ અને આવકાર્ય પર્યાવરણની તરફેણ કરતા મધુની આ વાર્તા, કિંચિત્ વિચારચિન્તન અને કિંચિત્ ભાવનિરૂપણની રીતે ધીર ગતિએ ચાલેલી પણ અન્તે મુકાયેલા કર્મ અને ક્રિયાકલાપથી સંતુલિત થાય છે. વિચાર અને ક્રિયાના એ સાયુજ્યથી વાચકને એક સ-ફળ વાર્તાનો સ્વાદ મળે છે. ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી કહેવાઇ છે છતાં વાર્તા સેતુની છે, એ કારણે ઉત્તરાર્ધમાં સેતુ પણ પોતાના મનની વાતો કરતો હોય છે, તેથી કથનકેન્દ્ર બદલાય છે : બધાં કહે છે કે હું ખૂબ બદલાઈ ગયો છું. કેટલાંક તો વળી, પાગલ પણ કહેતાં હશે. મને તો આવી કોઈ વાતનો પ્રતિવાદ કરવાનું મન થતું નથી. એના કરતાં હિમાલયની સ્મૃતિકથા કહેવી વધુ રસપ્રદ લાગે છે… ઝરણાં, નદીનું સફેદ ઊજળું પાણી, પ્રગાઢ જંગલો, પહાડીઓના ચમકતા નિર્દોષ ચહેરા, વિશ્વાસથી ભરીભરી નજરો : સેતુનું એ વિચારચંક્રમણ સરસ સૂર પકડે છે, જ્યારે એ કહે છે : લગભગ આવા જ હતા આપણે. કદાચ પહાડ ન હતો કે ન હતો બરફ. ગાઢ જંગલ પણ નહીં હોય. પરંતુ નિર્દોષ ચમકતા ચહેરા જરૂર હતા. વિશ્વાસ હતો, સલામતી તો હતી જ, આ હતા આપણે : અને સેતુ એના રોષને આ બે પ્રશ્નો વડે વાચા આપે છે : અને આજે છીએ તે કોણ? ગળાકાપ હરીફાઈ, નાની નાની ઈર્ષામાં જીવતાં, લીલી ઇયળો જેવાં, પ્રદુષિત હવા અને પાણીની ગંધથી, રજોટાયેલાં, પોષાયેલાં. બદલાયું કોણ છે? વાત એમ છે કે સેતુ હિમાલયના પ્રવાસે ગયેલો એ પછી, એનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. સેતુમાં આવેલા બદલાવનું નિરૂપણ કથકે સવીગત કર્યું છે, જણાવે છે : પહેલાં સેતુ નોર્મલ હતો. સરળ, એક ને એક બે જેવું ચોક્કસપણે કહી શકીએ તેવો. ના કોઈ વિશેષ અભિરુચિ, ના કોઈ ચોક્કસ શોખ. ગુલાબનું ફૂલ ગમ્યું તો તોડી લીધું, સૂંઘ્યું, બે ચાર જણને બતાવ્યું ને પછી પાંદડીઓ છુટ્ટી કરી ખાઈ ગયો કે ઉડાવી મૂકી. પણ હવે સેતુ એક તણખલુંય તોડવા રાજી નથી : સાહિત્યના નામ માત્રથી ભડકતો સેતુ કવિતા લખવા માંડે છે : કોઇક વાર સેતુ બોલી ઊઠેલો, ‘વૃક્ષો કાપી નાખ્યાં. એક નહિ ત્રણ-ત્રણ. કેવાં ભર્યા ભર્યા અપાર શોભાયમાન ! એનો તો કોઈ પસ્તાવો જ નથી. આગળ આટલી ખુલ્લી જમીન છે ત્યાં નવાં વૃક્ષો ઉગાડી શક્યા હોત, પણ ત્યાં તો પથ્થરો પાથરી દીધા : ટી.વી. પર દર્શાવાતી જાહેરાતો સામે પણ રોષ વ્યક્ત કરે છે. કથકે સેતુ અને મધુ વચ્ચેના વૈચારિક અનુબન્ધને સૂચવતાં કહ્યુું છે કે ‘રોજ સાંજે મધુ અને સેતુ ફરવા જતા હોય છે, એમની વચ્ચે મૂક સંવાદ ચાલતો હોય છે : મધુ સેતુને બરાબર સમજે છે, છતાં એની સામે ક્યારેક પ્રતિવિચાર પણ મૂકે છે : શો-રૂમવાળા અનંતભાઈ સામે સેતુ પોતાનો સાત્ત્વિક રોષ વ્યક્ત કરે છે ત્યારે મધુ કહે છે : અનંતભાઈની જગ્યાએ હું હોત તો મારોય કોઈ જુદો પ્રતિભાવ ન હોત. વિકાસની જરૂરિયાત છે. કશુંક ટકે, કશુંક નહિ. આપણે કંઈ જંગલી મનુષ્યો થોડાં છીએ કે વૃક્ષોને પકડી બેસી રહીએ ! અને રહી વાત પ્રચારની. તો જે રીતે સમજાવી શકીએ તે રીતે ઉપયોગમાં લેવામાં ખોટું શું છે? : તેમછતાં, મધુ સેતુથી પ્રભાવિત થતો જાય છે અને અન્તે સેતુને પૂરો સહકાર આપે છે. કથકે વાર્તાકથનમાં મધુના સાથનો વિનિયોગ કરીને વાર્તાને ઉપકારક એવું એક નિશ્ચિત પરિમાણ ઊભું કર્યું છે, એની નૉંધ લેવી જોઈએ. સેતુ પ્રકૃતિપ્રેમી થઈ ગયો છે, હવે નગરસંસ્કૃતિ પણ એને અખરે છે. એણે પોતે કહ્યું છે, ‘એકપણ, ક્ષણ એવી નથી વીતી કે હું હિમાલયના જાદુ હેઠળ ન હોઉં ! જાણે આ જ મારું ઘર. એવું લાગ્યું કે મારું ખોળિ યું જે શોધતું'તું તે પ્રાણ મને મળી ગયો’. અને સેતુમાં મોટું પરિ વર્તન આવે છે, એ જણાવે છે, ’હિમાલયની હવાના સ્પર્શે તો મારી ઉપરથી એ આવરણ ખસી ગયું, જે વર્ષોથી આ નગરે મને ઓઢાડ્યું હતું’, તોપણ એને થાય છે કે પોતે ‘પૂરેપૂરો આવરણહીન ક્યાં થયો છે’, એને થાય છે, ‘હજીયે હું તો બંધાયેલો જ છું, આ નગરસંસ્કૃતિના પાશમાં’. અને, એક દિવસ એ પાશથી મુક્ત થવા સેતુ, વાર્તાના અન્ત ભાગમાં કથક જણાવે છે એમ, ‘નગરના સૌથી વધુ ભીડભાડભર્યા રસ્તાના ચૌરાહા પર…લીલા રંગનાં વસ્ત્રોમાં વૃક્ષની જેમ ખોડાઈને ઊભો હતો’. દૃશ્યને જીવન્ત બનાવવા કથક ઉમેરે છે,’જોરથી હવા વહે ત્યારે માત્ર ડાળની જેમ તેના હાથ હલતા હતા’. આ કર્મ સેતુની કારકિર્દીમાં સંતોષપ્રદ હતું અને દૃશ્ય લોકો માટે તેમ વાચક માટે પણ અજબ કૌતુક હતું. સેતુ સાથે ઊભેલા મધુના પ્લેકાર્ડ પરના શબ્દો ‘દુર્ભાગ્યે અમે પણ તમારી જેમ નગરવાસી થયાં છીએ. અમને જીવવા દો’, વાર્તાનું કલાત્મક સમાપન છે.