સાહિત્યિક સંરસન — ૩/છાયા ત્રિવેદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ છાયા ત્રિવેદી ++


બબલ્સ —



લૅપટૉપ લઇને બેઠી છું, વાર્તા લખવા. એમ કંઈ ‘લખાઈ જા, લખાઈ જા, લખાઈ જા . . . ’ના જાપ જપવાથી વાર્તા લખાઈ જતી નથી હોતી ! નવી વાર્તા વાંચવાની હોય એટલે લખવી તો પડે જ . . . આમ તો હું રહી પત્રકાર એટલે ડેડ લાઇન સાચવતાં આવડે પહેલેથી જ. પણ આ કંઈ કૉલમ કે સમાચાર ઢસડી નાખવાનાં નથી . . . વાર્તા લખવાની છે વાર્તા !

બાલ્કનીના હીંચકા ઉપર બેઠાં-બેઠાં બહાર જોઉં છું. નિરભ્ર આકાશમાં છૂટાંછવાયાં પંખી દેખાઈ જાય છે. બાકી તો નજર પહોંચે ત્યાં સુધી નાનાં-મોટાં મકાનો જ જોવા મળે. ચાલો, આ મકાનની જ વાર્તા લખું. એને પણ કંઇક કહેવું હોય કદાચ . . . શી ખબર. એમ વિચારતાં નીચે જોઉં છું તો સતત વાહનોની અવરજવર અને લોકોથી ઊભરાતો રસ્તો દેખાય છે . . . આટલી ભીડ અને ઘોંઘાટ વચ્ચે પણ સામે ખૂણામાં એક છોકરો અને છોકરી એકમેકમાં મગ્ન બનીને ઊભાં છે. ટીનેજર્સ જેવાં દેખાય છે. ફૂટપાથ પાસે બંનેનાં સ્કૂટર્સ પાર્ક કરેલાં છે અને બેય એકબીજાની વાતોમાં ડૂબેલાં છે . . . મિત્રો હશે કે પ્રેમી? કેમ ખબર પડે? એક વાર્તા થઈ શકે !

મારી નજર ત્યાંથી ફેરવીને સામા છેડે જોઉં છું. ત્યારે જ ત્યાં એક રિક્ષા આવીને ઊભી રહી અને તેમાંથી એક બહેન ઊતર્યાં. અચાનક મોટે-મોટેથી બોલવા લાગ્યાં. ભાડું ચૂકવવા બાબતે કંઇક બબાલ શરૂ થઈ ગઈ લાગે છે. રિક્ષાવાળો મીટરનું પત્રક બતાવે છે અને પેલાં બહેન તો જોવા રાજી જ નથી જાણે ! નૉન-સ્ટૉપ કંઈ બોલ્યે જાય છે . . . લાગતું નથી કે એ પૂરા રૂપિયા પેલા ભાઇને આપશે ! રિક્ષાવાળાનું જીવન કે એ બહેનનાં મનોવલણો – એવી કોઈ વાર્તા પણ બની શકે ખરી !

સામેની ફૂટપાથ પાસે રોજ શાકવાળાની ત્રણેક લારી આવીને ઊભી રહી જાય છે. બાજુમાં જ ડેરી છે એટલે લોકો દૂધ-દહીં-છાશ કે આઇસક્રીમની સાથે શાકભાજી પણ લેતાં જાય. શાક વેચનારી બાઇની સાથે એનાં નાનકડાં બાળકો પણ હોય છે. આખો દિવસ ત્યાં જ ઊભા રહેવાનું - કેવું જીવન છે ! એની પણ વાર્તા તો થઈ જ શકે . . . અને પેલી ડેરીમાં તો રોજ કેટલાં બધાં જાતભાતનાં લોકો આવે છે. ‘પ્લાસ્ટિકની બૅગ માગવી નહીં’ – એવું સ્પષ્ટ લખ્યું હોવા છતાં લોકો બૅગ માગે જ છે ! એ લોકોને મનમાં એમ હશે કે, માગીએ અને આપી દે તો ઠીક છે, નહીં તો ડૅકીમાં તો રાખી જ છે ને ! . . . આવી વાર્તા લખાય?

ચલો, હવે વાર્તા લખાશે એમ લાગે છે. ઓહ, લૅપટૉપનાં સ્ક્રીન ઉપર તો બબલ્સ ધક્કામુક્કી કરવા માંડ્યા છે. સ્ક્રીન-સેવરની અલગ મજા છે. એ બબલ્સની કલરફુલ કોર જોવામાં હું તો ખોવાઈ ગઈ. કેવા ઉપર-નીચે કૂદાકૂદ કરે છે ! સ્ક્રીનની બહાર કૂદી પડવા માગતા હોય, પણ નીકળી ના શકતા હોય એવું લાગે છે.

બબલ્સને દૂર કરીને લખવા માંડું એમ વિચારીને શરૂ કરવા જાઉં જ છું કે ડૉરબેલ વાગ્યો . . . ડિંગ ડૉંગ . . . ડિંગ ડૉંગ . . .!

લૅપટૉપ બાજુમાં મૂકીને ઊભી થઈ. બારણું ખોલ્યું. કામવાળી આવેલી.

થઈ રહ્યું ! હવે એ બોલબોલ કરશે અને મારે, મને ક-મને હોંકારા ભણ્યા કરવાના . . .!

ગીતાને કામ કરતાં-કરતાં બોલવાની ખૂબ ટેવ છે . . . પોતાની કે બીજાનાં ઘરે કામ કરતી હોય એ બધાંની વાતો કર્યા જ કરે. અંદર આવતાવેંત તે બોલી,

‘બુન ખબર સે, આજે મારે કેમ લેટ થઈ જ્યું?’ ‘ના, શું થયું?’

તે વૉશિંગ એરિયામાંથી સાવરણી લઈ આવી અને વાળતાં વાળતાં બોલવા માંડી . . .

‘અમારી પાહે એક માડી રે સે, તે હાવ એકલા જ સે. બાપા તો કે દિના મરી જ્યા સે અને સોડી હાહરે સે . . . હવારમાં માડીને સાતીમાં દુઃખાવો ઉપડ્યો . . . તે હુતેલાં જ હતાં ! . . . ઈ તો લખમીએ માડીનો હોંકારો હવારથી હાંઇભળ્યો નઈ તો પૂસવા ગઈ, તો માડી ખાટલે હુતેલાં જ ! ઈ કે સાતીમાં દરદ સે . . . મારો ઘરવાળો ને લખમીનો વર ને બીજા હંધાય ભાઇડા ભેગા થ્યા ને માડીને ઊંચકીને પાહેના દવાખાને લઈ જ્યા. દાક્તર ક્હૅ, તમે તરત લઈ આઇવા તે માડી બચી જ્યાં . . . ભગવાનનો પાડ બીજું હુ?’

‘સારું, ને તમે માજીને બચાવી લીધાં.’

‘લે બુન, ઈ તો અમારાં હંધાયના બા જેવાં જ સે. ઇમ મરવા મેલી દેવાય?’ ‘હંમમમ . . . એ સાચું.’

કંઇક ગીતની કડી ગણગણતી એ ફરી વૉશિંગ એરિયામાં ગઈ. સાવરણી-સૂપડી મૂકીને પોતું અને ડોલ લઇને આવી. પોતું કરતાં-કરતાં ફરી એની વાતો આગળ ચાલી . . .

‘બુન, મારી અને લખમી અને બીજી અમારી જોડાજોડ મારા જેવડી સોડીયું રે સે ને, ઈ હંધાયની હવાર તો માડીનાં જેસીક્રષ્ણથી જ પડે . . . ઈ તો વહેલાહાલ ઊઠીને બા’ર ખાટલે બેહે. આ હું કામ કરવા નેકળું તે મારો સો’રો ઇમની પાહે જ રમતો હોય . . . ઈ એને ખાવાનું ય દઈ દે. મારે કોઈ ફકર નઈ . . . લખમીની સો’ડી ને સો’ડોય ઇમની પાહે જ હોય! માડી હારાં થઈ જ્યા તે અમને હઉંને હરખ થ્યો. આજે લખમી ઇમનો રોટલો ઘડવાની સે. કાલે હું ખવરાવીશ . . . હેય...ને થોડા દિ’માં તો બેઠાં થઈ ઝવાના જોજો, બુન!’

ગીતા રાજી થતી-થતી બોલ્યે જતી’તી. વાતમાં ને વાતમાં કામ ક્યારે થઈ ગયું તેનો ખ્યાલ પણ ના રહ્યો. ને એ, ‘ભલે બુન જાઉં સુ, દરવાઝો દઈ દો.’ કહેતીક ઝપાટાબંધ ચાલી ગઈ.

હું બારણું બંધ કરીને ફરી હીંચકે બેઠી. લૅપટૉપ લીધું, વાર્તા લખવા. લો, ફરી બબલ્સની ધક્કામુક્કી!

કેવી રીતે અને ક્યાંથી શરૂ કરું? એમ વિચારતી હતી કે બાજુમાં રાખેલો મોબાઇલ ધ્રૂજવા માંડ્યો. લખવામાં ખલેલ ના પહોંચે એટલે વાઇબ્રેશન પર રાખેલો પણ તો ય ધ્યાન તો જાય જ ને ! શીતલનું નામ બ્લીંક થતું હતું . . . મેં ઉપાડ્યો.

‘હાય, શીતલ, કેમ છે?’ ‘સારું. તું કેમ છે?’ ‘મજામાં. તારો અવાજ કેમ ઢીલો લાગે છે?’ ‘ખરાબ સમાચાર છે એટલે.’ ‘શું થયું?’ ‘તને યાદ છે, આપણાં સુનંદા ટીચર?’ ‘હાસ્તો લે, યાદ જ હોય ને? મારા ફેવરિટ ટીચર અને હું ય એમની લાડકી સ્ટુડન્ટ !’ ‘હા યાર. એ ગુજરી ગયાં.’ ‘ઓહ નો, ક્યારે? કેવી રીતે?’ ‘ગુજરી તો બે દિવસ પહેલાં ગયેલાં, પણ ખબર આજે જ પડી. ‘કેમ એમ?’ ‘તને તો ખબર જ છે ને કે એ એકલાં રહેતાં’તાં!’ ‘હા. આપણે ભણતાં’તાં ત્યારે તો એ કૅમ્પસમાં જ રહેતાં’તાં ને, એકલાં !’ ‘હા યાર. રિટાયર્ડ થયાં પછી ત્યાં પાસેની જ સોસાયટીમાં રહેતાં હતાં. એકલાં જ હતાં. આપણા જેવા સ્ટુડન્ટ્સ ક્યારેક એમને મળવા જતાં હોય, એટલું જ. બાકી તો કોઈ હતું નહીં.’ ‘તને આજે જ ખબર પડી?’ ‘હા... ડૉક્ટરે તો એવું કહ્યું કે, બે દિવસ પહેલાં એમને ઍટેક આવી ગયો હશે.’

‘સરખી રીતે કહે ને શું થયું.’

‘અરે, આજુબાજુ કોઇનું ધ્યાન જ નહોતું. બે દિવસથી કોઇએ જોયાં નહીં તો ય ઘર ખખડાવ્યું પણ નહીં અને કોઇને ચિંતા પણ ના થઈ. બધાં પોતપોતાનામાં ! સામે એક આન્ટી એટલું બોલ્યાં કે, બે દિવસ પહેલાં મોડી સાંજે એ હાથ ઊંચો કરીને હલાવતાં’તાં - એવું બારીમાંથી જોયેલું, પણ એમણે કંઈ ધ્યાન આપ્યું નહીં !’

‘સો સેડ . . . બાજુમાં કોઈ મરી જાય અને લોકો આટલી હદે નિર્લેપ રહે, યાર?’

‘હા એ જ ને ! આપણી જેમ કોઈ સ્ટુડન્ટ આજે સવારે એમને મળવા ગઈ અને કંઈ જવાબ ના મળતાં તેણે પોલીસને જાણ કરી. દરવાજો તોડ્યો અને અંદર પલંગમાં ટીચરનો મૃતદેહ મળ્યો.’

‘ઓહ, શીતલ, કેવી છે દુનિયા!’ ‘હા યાર, મારું મન ભારે થઈ ગયું એટલે થયું તારી સાથે વાત કરું તો હળવું થાય.’

મેં નિઃસાસો નાખતાં કહ્યું, ‘ભગવાન સુનંદા ટીચરના આત્માને શાંતિ આપે.’ ‘ઓમ શાંતિ !’ – બોલતાં શીતલે ફોન મૂક્યો.

મારી નજર સામે સુનંદા ટીચરનો ચહેરો તરવરી ઊઠ્યો. એ બહારથી ખૂબ કડક પણ અંદરથી લાગણીશીલ . . . મારા માટે ખૂબ વહાલ હતું એમને . . . એ જીવનકલા – મૉરલ-સાયન્સ ભણાવતાં. પછી તો અમારા ક્લાસ-ટીચર પણ હતાં. મારું પઠન સારું એટલે કાયમ મને જ પાઠ વાંચવા ઊભી કરે અને મારી સામે સ્નેહ નીતરતી આંખે જોયાં કરે . . . અમે ઘણીવાર સ્કૂલ છૂટ્યાં પછી એમની ઓરડીમાં જતાં. ત્યારે તો કૅમ્પસમાં જ એક રૂમમાં રહેતાં’તાં. ક્યારેય એમણે અંગત વાત કરી નહોતી અને કોઈ પૂછવાની હિંમત પણ કરતું નહીં. અમે તો સ્કૂલમાંથી જોયાં ત્યારનાં, એમને એકલાં જ જોયેલાં.

મને થયું કે કેવા લોકો કહેવાય ! બાજુમાં મોત થયું અને કોઇને કશી પડી જ નથી !

લૅપટૉપમાં કૂદતા બબલ્સની જેમ જ ગીતાની અને શીતલની વાતો કાનમાં ધક્કામુક્કી કરવા લાગી . . .

“ઈ તો અમારાં હંધાયના બા જેવાં જ સે. ઇમ મરવા મેલી દેવાય?” “સામેવાળા આન્ટીએ કહ્યું કે બારીમાંથી હાથ ઊંચો કરીને હલાવતાં’તાં . . .!” “માડી બચી જ્યા તો અમને બહુ હરખ થ્યો.”

“બે દિવસથી કોઇએ ઘર ખખડાવ્યું પણ નહીં !”

ઓહ . . . મેં બે હાથે કાન દાબી દીધા.

બાજુમાં પડેલાં લૅપટૉપમાં બબલ્સ ઊછળતા હતા. એમાંથી એકમાં સુનંદા ટીચરનો તો બીજામાં પેલાં ન જોયેલાં માજીનો ચહેરો આકારિત થવા લાગ્યો. બાકીના બબલ્સમાં ગીતા, શીતલ, રિક્ષાવાળો, ટીનેજર્સ છોકરો-છોકરી, ડેરીએ ઊભેલા અજાણ્યા લોકો, શાક વેચતી બાઈ – તેનાં બાળકો અને નાનાં-મોટાં મકાનોની ધક્કામુક્કી હું જોઈ રહી !

બબલ્સની પાછળનું કોરું પાનું જોઇને મને યાદ આવ્યું કે વાર્તા લખવાની તો હજુ બાકી છે.

મેં લૅપટૉપ હાથમાં લીધું ત્યાં જ ફરી બેલ રણક્યો . . . ડિંગ . . . ડૉંગ . . . ડિંગ ડૉંગ . . .!



તન્ત્રીનૉંધ :

બે હકીકતો મહત્ત્વની છે : ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’- અપનાવીને કથક-યુવતીએ એક વાર્તા લખવાની મથામણ કરી એ મથામણ જ અહીં એક વાર્તા બની આવી છે, ને તેથી કથનકેન્દ્રની પસંદગી ઉચિત પુરવાર થઈ છે. બીજી હકીકત એ કે નાનાં નાનાં નિરીક્ષણોથી, ઉપરાન્ત, કામવાળી ગીતાએ અને બેનપણી શીતલે કરેલી વાતોનાં શ્રવણથી, વાર્તાદેહ ઊભો થયો છે; તેમછતાં, એ દેહને વાર્તામાં જ ઘટેલી ઘટના ગણવો જોઈશે કેમકે એ દેહ વાચક સમક્ષ ક્રમે ક્રમે રચાતો આવ્યો છે, વાચકે પણ એ નિરીક્ષણોની વીગતોને સ્પષ્ટ નીરખી છે, એ શ્રવણો રચતા સંવાદોને ધ્યાનથી સાંભળ્યા છે, જોકે એનું સર્જન તો કથકે કરેલું. પરન્તુ એને પરિણામે, વાચકનું કુતૂહલ સહજપણે વિકસ્યા કર્યું છે. નહિતર એમ થઈને ઊભું રહ્યું હોત કે આ પત્રકાર કથકે વાચકને વિવિધ સમાચાર રસિક પદ્ધતિએ પીરસ્યા ! બીજા શબ્દોમાં એમ કહેવાય કે રચના ‘વિધિન ધ પેજ’ જનમી છે, અને કશા કષ્ટ વગર નરી સરળતાથી જનમી છે. આ વાર્તાએ એક સત્ય એ સ્પષ્ટ કરી આપ્યું કે પત્રકારત્વમાં અને સાહિત્યમાં બન્નેમાં ‘સ્ટોરી’ તો હોય છે, પણ સાહિત્યમાં સ્ટોરી ‘આવા’ સ્વરૂપે હોય છે. બધા કથકો ટૂંકીવાર્તાનું કશુંક કલામય લાગે એવું સમાપન કરતા હોય છે. આ કથકે પણ આ રીતે કર્યું :

“લૅપટૉપમાં કૂદતા બબલ્સની જેમ જ ગીતાની અને શીતલની વાતો કાનમાં ધક્કામુક્કી કરવા લાગી . . .

“ઈ તો અમારાં હંધાયના બા જેવાં જ સે. ઇમ મરવા મેલી દેવાય?” “સામેવાળા આન્ટીએ કહ્યું કે બારીમાંથી હાથ ઊંચો કરીને હલાવતાં’તાં . . .!” “માડી બચી જ્યા તો અમને બહુ હરખ થ્યો.”

આ ધક્કામુક્કી કથકને બબલ્સની ધક્કામુક્કી જેવી લાગે છે, પણ સુજ્ઞ વાચક એમ કહેશે કે ના, એમ નથી, ગીતા અને શીતલની વાતોની ધક્કામુક્કી જીવન્ત છે, લાંબું ટકી જાય એવી છે, કેમકે બબલ્સ તો ટૂંકજીવી માત્રબબલ્સ હોય છે.