સાહિત્યિક સંરસન — ૩/જયંત રાઠોડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ જયંત રાઠોડ ++


પોસ્ટમોર્ટમ —



એશાની આંગળી પકડી ભાઈ કમરાની બહાર જવા ઊઠયો. એનો પીછો કરતી મારી નજર દરવાજે પહોંચી ઠીંગરાઈ ગઈ. ભાઇએ ડોક ફેરવી, મારી તરફ જોઈ બહાર નીકળી ગયો. એની આંખમાં કશુંક હતું, સંતાનને વર્ગખંડમાં પ્રથમવાર છોડીને જતાં વાલીની આંખમાં દેખાય એવું. દરવાજાની ખાલી થઈ ગયેલી ફ્રેમ વટાવી મારી નજર બહાર કૂદી પડી. બહાર તડકાનો પરિચિત પ્રકાશ હતો. સાફસુથરા રેલવે પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહેલી ભીડનો જીવંત શોર સંભળાતો હતો.

‘હે દેવા! ફાઇલ કુઠે... કુઠે આહે?’

એ ઘોઘરા સ્વરે મને બળાત્ ખેંચીને ફરીથી બંધિયાર કમરામાં હડસેલી. મેં કમરો જોવામાં ધ્યાન પરોવ્યું. મારી સામેના ટેબલ પાછળ વર્દી પહેરેલો માણસ, પતરાંનો કબાટ ખોલી ઊભો હતો. શરીર વર્દીમાં સમાતું ન હોવાથી એ વધુ બેડોળ લાગતો હતો. કબાટ ઉપર મૂકેલાં કાગળોનાં બંડલ ધૂળથી ખરડાયેલાં હતાં. પેડમાં બાંધેલા કાગળો કબાટમાંથી કાઢી, તપાસી જઈ, નીચે પટકતાં એ સેલફોન ઉપર ઘાંટા પાડી કોઈ સાથે વાત કરી રહ્યો હતો -

“મી ૧૩ જૂન અકસ્માતચ્યા બદલ બોલત આહે. ત્રણ દિવસ પહેલાં, રાતની નવ પંચાવનની ફાસ્ટ નીચે આવી ગયેલો... મધ્યમવયનો માણસ... રેલિંગ ઓળંગીને પાટા ઉપરથી જતો દેખાયો હતો. બરોબર ... ત્રણ નબર પ્લેટફોર્મ... ત્યાચ પ્રકરણાત... પી.એમ. સેન્ટરમાં જેનું બોડી રાખ્યું છે... કુઠે ઠેવલે ફાઇલ?”

ઘોઘરો સ્વર સંભળાતો બંધ પડી જતાં, હું કમરો ફરીથી જોવા લાગી. મારી જમણી બાજુ અર્ધખુલ્લી બારી નીચે લાકડાનો રૅક હતો. જેમાં લાલ કપડાં વીંટાળેલ પોટલાં અસ્તવ્યસ્ત પડ્યાં હતાં. દીવાલોનો રંગ ઝાંખો પડી ગયો હોવાથી કમરા અંદર માંદલો ઉજાસ પથરાયો હતો. મુલાકાતીઓને બેસવા લાકડાનો બાંકડો હતો. છતનો પંખો અટકી અટકીને ફરતો હતો. ઝટકા સાથે ખસીને વર્તુળ પૂરું કરવામાં નીકળતો પાંખિયાનો અવાજ મારું માઇગ્રેનનું દર્દ તીવ્ર કરી રહ્યો હતો. મને ગૂંગળામણ થવા લાગી. નજર ફરીથી દરવાજે પહોંચી ગઈ. વેફર ખાઈ રહેલી એશા દરવાજે ઊભી હતી. એના વાળ વીંખાઈ ગયા હતા. મોઢા ઉપરથી રડી હશે એવું લાગતું હતું. હું ઊભી થવા ગઈ ત્યાં ભાઇએ આવી એશાને તેડી લીધી. ઇશારો કરતો એ દરવાજેથી ખસી ગયો. એકાએક મને એકલતા ઘેરી વળી. બહાર ભાગી છૂટવાના વિચાર પજવવા માંડયા.

“ એ.. તુઝ લક્ષ કુઠે આહે?”

ઘોઘરા અવાજે બોલાયેલા શબ્દોથી સામે ખુરશીમાં બેસી ગયેલા સ્થૂળ માણસ તરફ મારું ધ્યાન ગયું. એના કપાળે પરસેવો ઝમ્યો હતો. ચહેરાની કાળાશને કારણે, લમણા ઉપરના સફેદ દાગ તરફ ધ્યાન ખેંચાતું હતું. એ ટેબલ ઉપર મૂકેલા કોરા કાગળને ઉલટાવી, નીચે ગોઠવેલા કાર્બન પેપરને ઠીક કરવામાં રોકાયો. થોડીવાર પહેલાં ફોનમાં જે કેસ સંબંધી વાત થઈ, કદાચ એ કેસની ફાઇલ બાજુમાં પડી હતી. વર્દીની પટ્ટી પરથી એનો હોદ્દો વાંચવાની મેં કોશિશ કરી જોઈ, વંચાયું નહિ. એ હવે પેપર ઉપર કંઇક નોંધ કરી રહ્યો હતો. વચ્ચે વચ્ચે બાજુમાં ખુલ્લી રાખેલી ફાઇલમાંથી કોઈ પેપર કાઢી જોઈ લેતો. મને લાંબું બગાસું આવ્યું. જડબું પકડી રાખી, હું બેસી રહી.

“હા તુમચા નવરા હોતા કા?”

મારી બાજુમાં બેઠેલી સ્ત્રી સામે એ તાકી રહ્યો હતો. જોઇને હું ચોંકી ઊઠી. એ સ્ત્રીની હાજરી હું સાવ જ ભૂલી ગઈ હતી. એ આધેડ વયની સ્ત્રી ઊંઘતી ઝડપાઈ હોય એમ વર્દીધારી સામે જોઈ રહી હતી. એ મારી નણંદ હતી. મેં એને પહેલીવાર અહીં જ જોઈ. એ છત્તીસગઢના કોઈ ગામડે રહેતી હતી. અમારાં લગ્નમાં પણ એ આવી શકી નહોતી.

“એ તારો પતિ હતો?” વર્દીધારીને લાગ્યું કે મારી નણંદ સમજી નથી એટલે એણે ફરીથી કહ્યું.

મારી નણંદ ડઘાઈ ગઈ. રહીસહી ઊંઘ ઊડી ગઈ હોય એમ આંખો ફાડી મારી સામે જોવા લાગી. મારાથી રોષમાં વર્દીધારી સામે જોવાઈ ગયું. પછી એની પાછળની દીવાલ ઉપર ટાંગેલી છબી તરફ ધ્યાન ગયું. મેલા, તડ પડેલા કાચ પાછળથી બોખા મોં’ સાથે ગાંધીજી હસી રહ્યા હતા.

“કાય ઝાલ? ઉત્તર દયા !“

“હું એની પત્ની છું!”

વર્દીધારીએ ચશ્માં ઉતારી ટેબલ પર મૂક્યાં. એની ફૂલેલી જણાતી આંખમાં આશ્ચર્ય હતું. હું કઈ રીતે આમ બોલી શકી મને જ સમજાતું નહોતું. પણ મને હવે સમજાયું, એ ફાઇલ મારા પતિના કેસની હતી. વર્દીધારીના ઘાંટા પાડીને ઉચ્ચારાયેલ શબ્દો મને યાદ આવ્યા. પાટા ક્રોસ કરીને એમને ક્યાં જવાની ઉતાવળ આવી હશે કે સામેથી આવી રહેલી ટ્રેન પણ... કે પછી ઉતાવળે નિ ર્ણય પર આવી જવાની એમની…

“અસ કાય ! ... પણ વયમાં તારાથી મોટો લાગે છે.”

ઝડતી લઈ રહેલી વર્દીધારીની નજર ખાળતી હું ચૂપ રહી. માર્ગ ઉપરથી ધ્યાન હટાવ્યા વિના ગિયર બદલતા ડ્રાઇવરની કુશળતાથી એણે સવાલ બદલ્યો.

“ભાગીને વિવાહ કર્યા હતા શું?” સપાટામાં મેં એની સામે જોયું. એની એક આંખ જરા ઝપકી, હોઠ વંકાયા. તંબાકુ ખાવાથી પડે એવા ડાઘવાળા એના દાંત દેખાઈ ગયા. બૉલપેન વડે કાન ખોતરતાં એણે મારી નણંદને પૂછ્યું.

“એ તુઝી કોન લાગતે?” કાન ખોતરી રહેલી પેન એણે હવે મારી તરફ તાકી હતી. મારું માથું ભમતું હતું. પણ મને લાગ્યું મારી નણંદ હજુ સ્વસ્થ જણાતી નહોતી.

“એ મારી નણંદ છે.”

એણે મારી સામે કતરાતી આંખે જોયું. ફરી મારી નણંદ તરફ ફરીને બોલ્યો.

“બોડી જોઈ? તારા ભાઇની જ છે ને?”

મારી નણંદના હોઠ ધ્રૂજ્યા. આંખના ખૂણે ફરફરતું ટીપું ગાલ ઉપરથી સરકતું વહી ગયું. ડૂસકું દબાવી રાખવાના પ્રયાસમાં એ હીબકે ચડી ગઈ. મારાથી એનો હાથ પકડાઈ ગયો. જેમ ગઇકાલે પી.એમ. સેન્ટર અંદર દાખલ થતી વખતે ભાઇએ મારો હાથ પકડી લીધો હતો. મારી આંખ સામે પી.એમ. સેન્ટરનું દૃશ્ય આવી ગયું. સેન્ટર બહાર એક ઍમ્બુલન્સ ઊભી હતી. ગોડાઉન જેવા લાગતાં મકાનની અંદરથી સ્ટ્રેચર નીકળતું જોઈ ઍમ્બુલન્સની બાજુમાં બેઠેલા માણસો ઊભા થઈ ગયા હતા. એમની વચ્ચેથી જમીન ઉપર પડેલી વાંસની નનામી દેખાતી હતી. પોલીસનો માણસ અમને અંદર તરફ દોરી ગયો હતો.

‘શબ વિચ્છેદન કેન્દ્ર’ નામ વાંચતા જ મારી અંદર કશુંક ખોટકાઈ જઈ બંધ પડવા લાગ્યું હતું. આગળ ગયેલો પોલીસનો માણસ એક રૂમ તરફ ઇશારો કરતો ઊભો હતો. મને થોભવાનું કહી ભાઈ એ રૂમના દરવાજે પહોંચ્યો. પછી ખચકાઇને બહાર જ અટકી ગયો. અંદર મૃત શરીરની ચીર-ફાડને કારણે ભરાઈ રહેતી વાસથી હું અસ્વસ્થ થઈ રહી હતી. ત્યાં મારી નજીકથી લથડતી ચાલે એક માણસ પસાર થઈ ગયો. એના મોઢામાંથી આવતી તીવ્ર વાસ મારાં મગજ સુધી પેસી ગઈ. પેટ ચૂથાતું હોય એવું લાગ્યું. પોલીસના માણસે કંઇક કહ્યું એટલે ભાઈ ઉતાવળે આવી મને એ રૂમના દરવાજે લઈ ગયો. અંદર એક એવા પુરુષનું નગ્ન શરીર પડયું હતું, જેને મેં છેલ્લાં સાડા ચાર વરસથી જોયો નહોતો. ડાબી આંખથી ઉપરનો ખોપરીનો અર્ધો હિસ્સો છૂંદાઈ ગયો હતો. શરીરનો બાકીનો ભાગ જોવાથી પુરુષ આરામથી સૂઈ રહ્યો હોય એવું લાગતું હતું. હું દરવાજેથી ખસી ગઈ. મારી બાજુમાં આવીને ઊભા રહી ગયેલા ભાઇને, પોલીસનો માણસ કહી રહ્યો હતો :

“હું કરાવી દઇશ, ફિકર નાહી. અર્થી બનાવનારાં સેન્ટર બહાર ફરતા હોય છે. મારું નામ આપજો એટલે વાજબી પૈસા લેશે. ઍમ્બુલન્સ પણ જોઇશે, સ્મશાન અહીંથી દૂર છે... બધું થઈ રહેશે, ફિકર નાહી.”

ભાઇએ પોલીસના માણસને કશુંક કહ્યું, પણ અવાજ ધીમો હોવાથી હું સાંભળી શકી નહિ. એ ધરપત આપતો હોય એમ બોલ્યો,

“કાલે પોલીસ સ્ટેશન આવી જાઓ. એ હું સંભાળી લઇશ... ફિકર નાહી.” સામેથી લથડતી ચાલે આવી રહેલા માણસને જોઇને પોલીસના માણસે એને પાસે બોલાવ્યો. ભાઈ સામે જોઈ ઓળખ આપતાં કહ્યું,

“કામનો માણસ છે.” ભાઈ એની સામે અવિશ્વાસથી જોઈ રહ્યો, કામના માણસના પગ સ્થિર રહેતા નહોતા.

“અમારે તો રોજનું થયું.” અસ્થિર ચાલવાળો માણસ સ્પષ્ટ સ્વરે ભાઇને કહેવા માંડયો. “ડૉકટર તો ચીર-ફાડ કરી ચાલ્યા જાય. લાશ બહુ ચૂંથાઈ ગઈ હોય. બધું ઠીક કરવાનું અમારે ભાગે આવે. બોડીને બંડલની જેમ સ્મશાને થોડું લઈ જવાય છે? રોજ રોજ તો અગ્નિ સંસ્કાર કરવાના હોય નહિ. ગુજરાતી અસુન પૈસાંચી કાય...” એને આગળ બોલતો અટકાવી પોલીસનો માણસ ભાઈ તરફ ફર્યો.

“કામ વ્યવસ્થિત કરશે, થોડા પૈસા લાગશે પણ ફિકર નાહી!”

અમને સેન્ટર બહાર આવી જવાનું કહી એ ચાલી નીકળ્યો. બહાર જતાં પહેલાં મારાથી ફરીથી રૂમ અંદર જોવાઈ ગયું. મને અચાનક મારી જવાદારીનું ભાન થયું. ઓળખ કરવામાં કોઈ ગફલત તો નથી થઈ રહી? હું કમને ફરીથી બોડીનું નિરીક્ષણ કરવા લાગી. ડાબા પગના અંગૂઠા પાસેની ટૂંકી આંગળી ઓળખાઈ. જમણા સાથળ ઉપર એ જ આકારનું લાખનું નિશાન જોયું. સાડા ચાર વર્ષમાં પેટ ઉપર ચરબી જમા થઈ નહોતી, એ એમ જ અંદર હતું. છાતી ઉપર એવા જ આછા વાળ જણાયા. ચહેરાની રેખાઓ જરા પણ બદલાઈ હોય એવું લાગતું નહોતું. પણ ડાબી આંખથી ઉપર જોવાથી મન વિચલિત થવા માંડયું. મેં જોયું છૂંદાઈ ગયેલા ભાગ અંદરથી એક માખી નીકળી ડાબી આંખ તરફ સરકી. દોડીને હું સેન્ટર બહાર આવી ગઈ. પાછળ ભાઈ આવી પહોંચ્યો ત્યાં સુધીમાં હું ઊલટી કરી ચૂકી હતી.

“તુલા ઊલટી હોતય...?”

વર્દીધારીના સપાટ અવાજે મને સભાન કરી. મારા વાંસા ઉપર કોઇનો હાથ ફરી રહેલો મેં અનુભવ્યો. જોયું તો મારી નણંદ બીજા હાથમાં પાણીની બોટલ ધરી ઊભી હતી.

“જુઓ આ અપમૃત્યુનો કેસ છે. મારે પુષ્ટિ કર્યા પછી જ ડેડ બૉડી સોંપવાની હોય.”

વર્દીધારીના ઘોઘરા અવાજની ધાર પહેલીવાર બોદી જણાઈ. ઠંડું પાણી પેટમાં જવાથી મને સારું લાગી રહ્યું હતું.

“ હા! અમે ગઇકાલે પી.એમ. સેન્ટર ગયા હતા. ડેડ બૉડી જોયું. અમને બધાંને - મને, મારી નણંદને, મારા ભાઈને - ખાત્રી થઈ ગઈ છે.” મેં આધાર માટે મારી નણંદ સામે જોયું, એ મૂઢ જેમ મને તાકી રહી હતી.

“તમે બેઉ અત્યારે શપથ લઈ નિવેદન આપો છો. અસત્ય બોલત...” મારી ધીરજ હવે ખૂટી રહી હતી એની વાતને કાપતાં મારાથી કહેવાઈ ગયું,

“અમારા સમાજના સ્થાનિક આગેવાને પણ ગઇકાલે ઓળખ આપી, હજી શું ખાત્રી જોઇએ છે? અને જૂઠું બોલવાથી અમને શો ફાયદો થશે?” આટલું બોલતાં મારો શ્વાસ ફૂલી ગયો. એના ચહેરા ઉપરની કરડી રેખાઓ થોડી ઢીલી પડી. એણે ટેબલ ઉપરથી ચશ્માં ઉપાડી પહેર્યાં. કાગળમાં લખેલી નોંધ ઉપર એની આંગળી ફરવા લાગી સાથોસાથ એના હોઠ ફફડી રહ્યા. મારામાં વધુ કહેવાની હિંમત આવી,

“અમે આજે એમના અંતિમ સંસ્કાર કરવા ધાર્યું છે…” મારી નણંદથી દબાયેલું ડૂસકું નીકળી ગયું. મેં એનો હાથ પકડી રાખી વર્દીધારી તરફ જોતાં આગળ કહ્યું, “એટલે પી.એમ. સેન્ટરથી આજે એમનું બૉડી મળી જાય, એવું કરો પ્લીઝ!”

“તર મી કાય કરત અસતો?” એની આંગળી ફરતી અટકી ગઈ. નાક ઉપર ઊતરી આવેલાં ચશ્માં પાછળ, ચકળવકળ થતા મોટા ડોળા જોઈ મને જુગુપ્સા થઈ આવી.

“હજી પોસ્ટમોર્ટમ બાકી છે, ડેડ બૉડી જ છે ને? ઘાઈ નકા!”

હું એવું સમજી હતી કે અમારી ઓળખવિધિ અને નિવેદન લઈ, રેલવે પોલીસ લાશનો કબ્જો અમને સોંપવાના કાગળો કરી આપશે. જે આપવાથી પી.એમ. સેન્ટરથી અમને ડેડ બૉડી મળી જશે, એટલે છુટકારો થશે. આ તો હજુ પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી રહ્યો હતો. હું વધુ પૂછવા જાઉં એ પહેલાં ઘોઘરા અવાજની ધાર ભોંકાઈ,

“તારા પતિથી જુદી રહેતી હતી?”


પ્લેટફોર્મ ઉપરથી છૂટેલી લોકલ અચાનક ચેઇન ખેંચાતા અટકી હોય એવો અવાજ બહારથી સંભળાયો. મારાથી બેઉ હાથ કાન ઉપર દબાઈ ગયા. ફૂટી નીકળેલા રોષને અંદર જ દાબી રાખવાનો પ્રયાસ કરતાં મેં કહ્યું,

“હા” મારો અવાજ, પાટા ઘસાતાં હોય એવો મને જ સંભળાયો. “કેટલા વર્ષથી?” “સાડા ચાર.” “કોની સાથે?” “મારી મા સાથે.” “કાય?” મેં મને જ પૂછયું કાય? મને થયું, શું હું પોતે એનું કારણ બરાબર જાણું છું? મારી લગ્ન માટેની સંમતિ, લગ્ન પછીના થોડા સમયમાં જ પતિ માટે કોયડો બની ગઈ હતી. આહ! એ પુરુષની ગ્રંથિ. દરેક બાબતમાં મને ઊતરતી ચીતરવાના એના પ્રયાસ. કદાચ એ ગ્રંથિને કારણે મારો એક ભૂતકાળ એણે કલ્પી લીધેલો. જેના અંગે મને જ કોઈ જાણ નહોતી. મારા વિશે જોડી કાઢેલો ભૂતકાળ એના મનમાં ઘાવની જેમ પાકતો રહ્યો. એની નોકરી છૂટી ગઈ. મને કામ પર જવા દેવા આડે એનો અહમ્ કે વહેમ આડે આવ્યા કરે. મારી પ્રેગ્નન્સીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો જાણી એની આંખ ફરી ગયેલી. મારાં ઉપર જાણે ઘરની ચાર દીવાલો ધસી પડી હોય એવી ભીંસ અનુભવી હતી. નાસીપાસ થઈ ઍબોર્શન કરાવી લેવાનું પણ એક સમયે મેં વિચાર્યું. પછી થયું, બાળકના જન્મ સાથે બધું બદલાઈ જશે. પણ એનો ઘાવ ફૂટી જઈ મવાદ સાથે રીસવા લાગ્યો, જે મારે માટે અસહ્ય હતું. પ્રથમ બાળક જન્મવાની ઘટના પણ અમારી વચ્ચેની ખાઈ ઉપરનો પુલ બની શકી નહિ…

વર્દીધારી ઉત્તર જાણવા મને ઘૂરી રહ્યો છે, એનો ખ્યાલ આવતાં મારે કહેવું પડયું -

“અમે છૂટાં પડવાનાં હતાં. એનો કેસ પણ ચાલુ છે.” “ડિવોર્સ! કાય?” “એ અમારી અંગત બાબત છે.” “કોર્ટમાં કેસ ચાલે છે, ખાનગી રહ્યું શું?” મારાં હાથની મુઠ્ઠી સખ્તાઇથી ભીડાઈ ગઈ. એણે મારી નણંદ તરફ ફરીને પૂછયું, “આ કોર્ટ કેસ ચાલે છે એની તને ખબર છે?” “હા.” “તારા ભાઈ પાસેથી એક બેગ, મોબાઇલ, પર્સ, બેન્કનું એ.ટી.એમ. કાર્ડ, રેલવે પાસ અને રોકડ રૂપિયા મળ્યાં છે.” વર્દીધારીએ કબાટમાંથી એક બોકસ કાઢી ટેબલ ઉપર મૂકતાં કહ્યું.“ આ બધું તારી ભાભીને સોંપવામાં આવે તો તને કોઈ વાંધો છે?” “ના.” “ તારા ભાઇના મૃત્યુ અંગે તને કોઈ શંકા કે કોઈ ઉપર ફરિયાદ છે?” “ના.” “ડેડ બૉડીનો કબજો અંતિમક્રિયા માટે તારી ભાભીને મળે એ સામે કોઈ વાંધો છે?” “ના.” “તારી ભાભીએ છૂટાછેડાનો કેસ કર્યો છે, જાણે છે ને?”

“દીકરી આવી ત્યારથી બેઉને બનતું નો’તું, કેસ હાલે છે. પણ આ દોડી આવી ને? આખરે તો એની વહુ છે.” મારી નણંદ મારો હાથ પકડીને પસવારતાં વધુમાં બોલી ગઈ. “ મને શું વાંધો હોય? અમે સંપીને હવે જે કરવાનું હશે ઈ કરશું.” હું એની આંખમાં જોઈ રહી. અહીં મળ્યાં એ પછી પહેલી વખત એણે આટલી અને આવી વાત ઉચ્ચારી હતી.

“કોઇના દબાણમાં આવ્યાં વગર કહે છે? તારી રાજીખુશીથી?” ટેબલ ઉપર હાથ ટેકવી, કમરથી અડધા ઝૂકેલા વર્દીધારીને ઊંચા અવાજે આમ પૂછતો જોઇને, મારો હાથ તરછોડી એ ઊભી થઇ ગઈ.

મારું મગજ ફાટફાટ થવા લાગ્યું. સખતાઇથી ભીડેલી હથેળીમાં ભીનાશ ફરી વળી હતી. અટકી અટકીને ફરતા પંખાનો કિચૂડાટ હવે અસહ્ય થઈ પડયો. મારાથી ચીસ પાડીને કહેવાઈ ગયું,

“બંધ કરો! આને... બંધ કરો પ્લીઝ!”

મારી ચીસ સાંભળીને બહારથી ભાઈ કમરામાં આવી ચડયો. ભાઈ પાછળ ઊભા રહી ગયેલા પોલીસના માણસને મેં ઓળખ્યો. મારી બહાવરી આંખો દીકરીને શોધતી દરવાજે અટકી, જોયું તો એશા એના હાથ મારી તરફ લંબાવી ઊભી હતી, હું એની પાસે દોડી ગઈ.



તન્ત્રીનૉંધ :

‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી કહેવાયેલી આ વાર્તાની કથકના પતિ નું દુ:ખદ મૃત્યુ થયું છે. આમ તો, એમનું દામ્પત્ય ક્લેશમય હતું, બન્ને વચ્ચે ‘ખાઈ’ ઊભી થયેલી, છૂટાં પડવાનાં’તાં, ડીવૉર્સ થવાનો’તો, વગેરે. મૃત્યુની એ કરુણ ઘટનાનું કારણ વિમાસતાં કથક પત્ની જણાવે છે કે ‘પાટા ક્રોસ કરીને એમને ક્યાં જવાની ઉતાવળ આવી હશે કે સામેથી આવી રહેલી ટ્રેન પણ... કે પછી ઉતાવળે નિ ર્ણય પર આવી જવાની એમની… એમ એ વાક્ય પૂરું નથી કરી શકી, પણ વાચક કલ્પી શકે છે કે એ કદાચ એમ કહેવા માગતી હશે કે ઉતાવળે નિ ર્ણય પર આવી જવાની એમને ટેવ કે કુટેવ હતી. કેમકે કથક પત્નીએ જિવાયેલા જીવનનું જે વૃત્તાન્ત આપ્યું એમાં પતિની એવી ઊડઝૂડ માનસિકતા બરાબર સૂચવાઈ છે. એ જણાવે છે એમ, લગ્ન માટેની સંમતિ, લગ્ન પછીના થોડા સમયમાં જ પતિ માટે કોયડો બની ગઈ હતી. અને પત્નીને એ પુરુષ-ગ્રંથિનો અનુભવ મળવા લાગેલો. હું એ વૃત્તાન્તની વીગતો ગણાવી જઉં : એક તો, દરેક બાબતમાં એ પત્નીને ઊતરતી ચીતરવાના પ્રયાસ કરતો. બીજું, એણે પત્ની વિશે કશોક ભૂતકાળ જોડી કાઢેલો, જે, પત્ની કહે છે એમ, એના મનમાં ઘાવની જેમ પાકતો રહેલો. ત્રીજું, પોતાની નોકરી છૂટી ગયેલી, પણ ઇચ્છતો ન્હૉતો કે પત્ની કામ પર જાય, કેમકે પત્ની પર એને વિશ્વાસ ન્હૉતો બલકે વહેમ હતો, અહમ્ પણ હતો. ચૉથું, પત્ની પ્રૅગ્નન્ટ થઈ તો, એની આંખો ફરી ગયેલી, જેથી પત્નીને પોતા પર ઘરની ચાર દીવાલો ધસી પડ્યાનો અનુભવ થયેલો. પાંચમું, બાળક જન્મવાની ઘટનાથી પણ એનામાં કશો બદલાવ ન્હૉતો આવ્યો, પત્નીએ કહ્યું છે એમ, એ ઘટના પણ એમની વચ્ચેની ખાઈ પરનો પુલ ન્હૉતી બની શકી. એ ટૂંકું અને ઉતાવળે કહેલું અથવા કહેવાઈ ગયેલું વૃત્તાન્ત છે, બહેલાવેલો ઇતિહાસ નથી, કેમકે એમાં રસિક કશું નથી, જે છે એ બધું દુ:ખદ છે, વ્યથાના ભારથી દબાઈ-કચડાઇ ગયેલું છે. એ વૃત્તાન્તને વાર્તાના એક મહત્ત્વના નિરૂપણ રૂપે નહીં વિકસાવીને વાર્તાકારે પણ ટૂંકીવાર્તાનો મલાજો પાળ્યો છે. એના એવા ભૂતકાળની વ્યથાવેદનામાં મૃત્યુની આ દુ:ખદ વર્તમાન ઘટના ઉમેરાઈ, જેમાં વેફર ખાઈ રહેલી દીકરી એશા, જેના વીંખાઈ ગયેલા વાળ, રડી હોય એવું જેનું મોઢું, એ પણ ઉમેરાયું છે. અને, વર્દીવાળાએ શબની ચૉક્કસ ઓળખ માટે નણંદને અને એને જે પ્રશ્નો કર્યા, જે કરડી તપાસ ચાલુ કરી, એ વાર્તામાં જ ઘટેલી ઘટનાએ, એના દુ:ખમાં અસહ્ય વધારો કરી દીધો; એવો અસહ્ય કે એણે ચીસ પાડીને કહી દીધું - બંધ કરો ! આને... બંધ કરો પ્લીઝ! એ પછી પણ પોસ્ટમોર્ટમ બાકી છે -જાણે આમ જેટલું થયું તેટલું ઓછું હોય ! કથક પત્ની પાસે અભિવ્યક્ત થવા માટેની એક લઢણ છે : ભૂતકાળને એ ‘ઘાવની જેમ’ મનમાં ‘પાકતો’ કહે છે, ને પછી એને ‘ફૂટી જતો’ પણ દર્શાવે છે : કહે છે, પ્રથમ બાળક જન્મવાની ઘટના પણ અમારી વચ્ચેની ‘ખાઈ ઉપરનો પુલ’ બની શકી નહિ : એનો પીછો કરતી મારી નજર દરવાજે પહોંચી ‘ઠીંગરાઈ ગઈ’ : દરવાજાની ‘ખાલી થઈ ગયેલી ફ્રેમ’ વટાવી મારી નજર બહાર ‘કૂદી પડી’ : વર્દીધારીના ઘોઘરા ‘અવાજની ધાર’ પહેલીવાર ‘બોદી’ જણાઈ : દીવાલોનો રંગ ઝાંખો પડી ગયો હોવાથી કમરા અંદર ‘માંદલો ઉજાસ’ પથરાયો હતો : મને ‘લાંબું બગાસું’ આવ્યું. જડબું ‘પકડી રાખી’, હું બેસી રહી. ટ્રેનથી મૃત્યુ થયું છે એટલે કથક પત્નીની અભિવ્યક્તિ એથી લેપાઈ પણ ગઈ છે. કહે છે : માર્ગ ઉપરથી ધ્યાન હટાવ્યા વિના ગિયર બદલતા ડ્રાઇવરની કુશળતાથી એણે સવાલ બદલ્યો : સાફસુથરા રેલવે પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહેલી ભીડનો જીવંત શોર સંભળાતો હતો : પ્લેટફોર્મ ઉપરથી છૂટેલી લોકલ અચાનક ચેઇન ખેંચાતાં અટકી હોય એવો અવાજ બહારથી સંભળાયો : મારો અવાજ, પાટા ઘસાતાં હોય એવો મને જ સંભળાયો. કથકની આ વૈયક્તિક લઢણ હોઈ શકે છે; એ આમ આલંકારિક હોઈ શકે છે; પણ એ વીગતનો વાર્તામાં આધાર નથી દર્શાવાયો; તેમછતાં, વાર્તા ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી રજૂ થઈ છે એ કારણે વાચક એને સ્વીકારી પણ લે, એ પૂરું સંભવિત છે. પણ વાર્તાકારે આ રચનાને ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી વિચારીને ઢાળી જોવી જોઈએ. એ સ્ત્રી પાસે એની જ કહાની શું કામ કહેવરાવવી, આમેય એને બહુ દુ:ખ પડ્યાં છે ! વળી, પતિના શબનું પોસ્ટમોર્ટમેય બાકી છે ! એક વચલો માર્ગ પણ છે, એક જ રચનામાં આ બન્ને કથનકેન્દ્રોનો સમુચિત વિનિયોગ કરવો. કદાચ એ ઉત્તમ માર્ગ છે, પાત્ર પણ બોલે, કથક અને પોસ્ટમોર્ટમ — === ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી કહેવાયેલી આ વાર્તાની કથકના પતિ નું દુ:ખદ મૃત્યુ થયું છે. આમ તો, એમનું દામ્પત્ય ક્લેશમય હતું, બન્ને વચ્ચે ખાઈ ઊભી થયેલી, છૂટાં પડવાનાં’તાં, ડીવૉર્સ થવાનો’તો. મૃત્યુની એ કરુણ ઘટનાનું કારણ વિમાસતાં કથક પત્ની જણાવે છે કે ‘પાટા ક્રોસ કરીને એમને ક્યાં જવાની ઉતાવળ આવી હશે કે સામેથી આવી રહેલી ટ્રેન પણ... કે પછી ઉતાવળે નિ ર્ણય પર આવી જવાની એમની… એમ એ વાક્ય પૂરું નથી કરી શકી, પણ વાચક કલ્પી શકે છે કે એ કદાચ એમ કહેવા માગતી હશે કે ઉતાવળે નિ ર્ણય પર આવી જવાની એમને ટેવ કે કુટેવ હતી. કેમકે કથક પત્નીએ જિવાયેલા જીવનનું વૃત્તાન્ત આપ્યું એમાં પતિની એવી ઊડઝૂડ માનસિકતા બરાબર સૂચવાઈ છે. એ જણાવે છે એમ, લગ્ન માટેની સંમતિ, લગ્ન પછીના થોડા સમયમાં જ પતિ માટે કોયડો બની ગઈ હતી. અને પત્નીને એ પુરુષની ગ્રંથિનો અનુભવા મળવા લાગેલો. હું એ વૃત્તાન્તની વીગતો ગણાવી જઉં : એક તો, દરેક બાબતમાં એ પત્નીને ઊતરતી ચીતરવાના પ્રયાસ કરતો. બીજું એણે પત્ની વિશે કશોક ભૂતકાળ જોડી કાઢેલો, જે, પત્ની કહે છે એમ, એના મનમાં ઘાવની જેમ પાકતો રહેલો. ત્રીજું, પોતાની નોકરી છૂટી ગયેલી, પણ ઇચ્છતો ન્હૉતો કે પત્ની કામ પર જાય, કેમકે પત્ની પર એને વિશ્વાસ ન્હૉતો બલકે વહેમ હતો, અહમ્ પણ હતો. ચૉથું, પત્ની પ્રૅગ્નન્ટ થઈ તો, એની આંખો ફરી ગયેલી, જેથી પત્નીને પોતા પર ઘરની ચાર દીવાલો ધસી પડ્યાનો અનુભવ થયેલો. પાંચમું, બાળક જન્મવાની ઘટનાથી પણ એનામાં કશો બદલાવ ન્હૉતો આવ્યો, પત્નીએ કહ્યું છે એમ, એ ઘટના પણ એમની વચ્ચેની ખાઈ પરનો પુલ ન્હૉતી બની શકી. એ ટૂંકું અને ઉતાવળે કહેલું અથવા કહેવાઈ ગયેલું વૃત્તાન્ત છે, બહેલાવેલો ઇતિહાસ નથી, કેમકે એમાં રસિક કશું નથી, જે છે એ બધું દુ:ખદ છે, વ્યથાના ભારથી દબાઈ-કચડાઇ ગયેલું છે. એ વૃત્તાન્તને વાર્તાના એક મહત્ત્વના નિરૂપણ રૂપે નહીં વિકસાવીને વાર્તાકારે પણ ટૂંકીવાર્તાનો મલાજો પાળ્યો છે. એના એવા ભૂતકાળની વ્યથાવેદનામાં મૃત્યુની આ દુ:ખદ વર્તમાન ઘટના ઉમેરાઈ, જેમાં વેફર ખાઈ રહેલી દીકરી એશા, જેના વીંખાઈ ગયેલા વાળ, રડી હોય એવું જેનું મોઢું, એ પણ ઉમેરાયું છે. અને, વર્દીવાળાએ શબની ચૉક્કસ ઓળખ માટે નણંદને અને એને જે પ્રશ્નો કર્યા, જે કરડી તપાસ ચાલુ કરી, એ વાર્તામાં જ ઘટેલી ઘટનાએ, એના દુ:ખમાં અસહ્ય વધારો કરી દીધો; એવો અસહ્ય કે એણે ચીસ પાડીને કહી દીધું - બંધ કરો ! આને... બંધ કરો પ્લીઝ! એ પછી પણ પોસ્ટમોર્ટમ બાકી છે -જાણે આમ જેટલું થયું તેટલું ઓછું હોય ! કથક પત્ની પાસે અભિવ્યક્ત થવા માટેની એક લઢણ છે : ભૂતકાળને એ ઘાવની જેમ મનમાં ‘પાકતો’ કહે છે, ને પછી એને ‘ફૂટી જતો’ પણ દર્શાવે છે : કહે છે, પ્રથમ બાળક જન્મવાની ઘટના પણ અમારી વચ્ચેની ‘ખાઈ ઉપરનો પુલ’ બની શકી નહિ : એનો પીછો કરતી મારી નજર દરવાજે પહોંચી ‘ઠીંગરાઈ ગઈ’ : દરવાજાની ‘ખાલી થઈ ગયેલી ફ્રેમ’ વટાવી મારી નજર બહાર કૂદી પડી : વર્દીધારીના ઘોઘરા ‘અવાજની ધાર’ પહેલીવાર ‘બોદી’ જણાઈ : દીવાલોનો રંગ ઝાંખો પડી ગયો હોવાથી કમરા અંદર ‘માંદલો ઉજાસ’ પથરાયો હતો : મને ‘લાંબું બગાસું’ આવ્યું. જડબું ‘પકડી રાખી’, હું બેસી રહી. ટ્રેનથી મૃત્યુ થયું છે એટલે કથક પત્નીની અભિવ્યક્તિ એથી લેપાઈ પણ ગઈ છે. કહે છે : માર્ગ ઉપરથી ધ્યાન હટાવ્યા વિના ગિયર બદલતા ડ્રાઇવરની કુશળતાથી એણે સવાલ બદલ્યો : સાફસુથરા રેલવે પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહેલી ભીડનો જીવંત શોર સંભળાતો હતો : પ્લેટફોર્મ ઉપરથી છૂટેલી લોકલ અચાનક ચેઇન ખેંચાતાં અટકી હોય એવો અવાજ બહારથી સંભળાયો : મારો અવાજ, પાટા ઘસાતાં હોય એવો મને જ સંભળાયો. કથકની આ વૈયક્તિક લઢણ હોઈ શકે છે; એ આમ આલંકારિક હોઈ શકે છે; પણ એનો વાર્તામાં આધાર નથી દર્શાવાયો; તેમછતાં, વાર્તા ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી રજૂ થઈ છે એ કારણે વાચક એને સ્વીકારી પણ લે, એ સંભવિત છે. પણ વાર્તાકારે આ રચનાને ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી વિચારીને ઢાળી જોવી જોઈએ. આમેય એ સ્ત્રીને બહુ દુ:ખ પડ્યાં છે ! વળી, પતિના શબનું પોસ્ટમોર્ટમેય બાકી છે. એક વચલો માર્ગ પણ છે, એક જ રચનામાં આ બન્ને કથનકેન્દ્રોનો સમુચિત વિનિયોગ કરવો. કદાચ એ ઉત્તમ માર્ગ છે, પાત્ર પણ બોલે, કથક પણ બોલે. આ ૧૯ વાર્તાઓમાં એવું કો’ક દૃષ્ટાન્ત હશે, પણ મને યાદ નથી આવતું. પણ નીચે છે એ ૨૦-મી વાર્તા, મારી વાર્તા ‘ખાઈ’, એવા બેવડા કથનકેન્દ્રનું દૃષ્ટાન્ત છે, એને પ્રમાણી શકાય.