સાહિત્યિક સંરસન — ૩/જયેશ રાષ્ટ્રકૂટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ જયેશ રાષ્ટ્રકૂટ ++


ગમછો —



રમણિક ગોર રામજીમંદિરના ખૂણા પાસે લીમડાની નીચે સૌની વચ્ચે જોરજોરથી બૂમ પાડીપાડીને કોઈને કહી રહ્યો હતો, 'અમે તમારા યજમાન ગણાઇયે. સાક્ષાત્ બ્રહ્માએ એમના મુખમાંથી અમને જનમ આપ્યો છે. મહેરબાની કરીને અમને માંગણ કહેવા નહીં. આ તો અમારો હક છે, રાજાના એકના એક કુંવરને જેમ યુવરાજ કહેવો પડે એમ અમને રામરોટી આપવી જ પડે, એ અમારો વણલખ્યો ને વણકહ્યો હક કહેવાય હમજયા!’ એમ કહેતાં કહેતાં એમણે પોતાના પ્રાણથી ય પ્રિય ગમછાને જમણા હાથથી ઝાટકીને ખભા પર મૂકયો.

પોતાનાથી જ ગુસ્સામાં ખભે રખાયેલા ગમછાને સહેજ ત્રાંસી નજરે જોઇને ફરી સરખો કર્યો. ગમછો એ રમણિક ગોરનો જીવ, ઝાટક્યાં પછી અફસોસ થયો કે આવેગમાં ખોટો પછાડ્યો. ચાલુ વાતે જ એણે બેય કાનની બૂટને હળવેથી સ્પર્શ કર્યો ને મનમાં બોલ્યો, "શિવ, શિવ" એ જોઈ કોઈ જુવાન ઝીણું હસ્યો.

‘હાહરાવ મને ઉશ્કેરો છો! દાજી બાપુને કહીને જોજો આ લીમડો જ કપાવી નખાવરાવું...આખો દિ’ ઓટલો જ ભાંગતા હોવ છો! કંઈ કામકાજ છે કે નહીં? ઉભડિયા હોવ તો ય સમજયા. દાડી-દપાડી નહીં હોય પણ તમે તો ખેડૂના દીકરા શરમ કરો શરમ. આ તમાર ડોહો રાશવા ચડી ગયો...વાડીયે ગુડાવ...તમાર ડોહલા...રાહ જોતા હશે!’ એમ બોલતો બોલતો રમણિક ગોર ચાલતો થયો. ગઢનો ઢાળ ઊતરતાં ઊતરતાં સહેજ ઠેબું આવ્યું, રોજ ‘શિવ શિવ’ બોલતા રમણિક ગોરથી આજ ‘મરે...મરે’ બોલાઈ ગયું.

ડાબા હાથની હથેળી ખભા પર ચતી રાખીને જાણે પૂર્વજોના હકને વહન કરતો હોય એમ એ રામરોટીની ઢાંકેલી થાળી રાખતો. ગામની કોઈ ગલીમાં પાણી હોય કે ગમાણમાંથી ચાલવાનું થાય તો થાળી બરાબર ગોઠવીને પછી જમણા ખભા પર બરાબર સ્થિતિ માં હોય છતાં પણ ગમછાને ઠીકઠાક કરે પછી જમણા હાથથી ધોતિ યું પકડી રાખી હળવેકથી કોઈ સુડો ચાલતો હોય એમ ચાલે. ગમછો જયારે પણ રમણિક ગોર ખભા પર મૂકે ત્યારે એટલી ચીવટથી ગોઠવે જાણે કોઈ બાળક ન હોય! આમ ગણો તો ગમછો એટલે ગોર અને ગોર એટલે ગમછો. કયારેય એકબીજા વગર બહાર ન નીકળે. ત્રિપુંડ તાણતી વખતે આંગળીયું હેતથી ગમછા પર લૂછે એટલે ચંદનની સુવાસ એમાં બેસી જાય એથી આખો દહાડો ગોરબાપાનો સ્કંધ મહેકતો જ હોય. ઘડીભર પણ ગોરબાપા ગમછા વગર રહી ન શકે. ઘરે શેર માટીની ખોટ હતી પણ ગમછાની સાચવણ જોઈ ગોરાણીને લાગતું કે પેટનો જણ્યો હોત તો ગોરબાપા આમ જ સાચવત એ પાક્કું.

સરપંચને પણ ‘તું’કારો આપનાર રમણિક ગોરને જુવાનડા રમણિક ગોર જ કહેતા, હા કોઈ શુભ પ્રસંગ કે લૌકિક પ્રસંગ હોય ત્યારે અદાનો દબદબો હોય! જમતી વખતે યજમાનનાં ઘરે એમનો રથ વેંત અધ્ધર ચાલતો. બધી જ વાતમાં ચીવટ રાખવી પડે, પાથરણું સરખું જ હોવું જોઇએ, પાટલો જો ત્રાંસો હોય ગોરના ભવા અધ્ધર ચડી જાય, અને હા પાણીનો લોટો તો છલોછલ જ જોઇએ. સહેજ પણ ઓછું ન ચાલે! ગોર બાપાના જમણમાં કયાંય બાંધછોડ ન કરાય. જેમ થતું હોય એમ જ થવું જોઇએ. એવો એનો કાયદો.

ગામમાં આ સાત ખોટનો ગોર વધ્યો હતો. એક શિવો ગોર હતો જે ત્રણ વરસ પહેલાં જ ટી.બી.થી ગુજરી ગયેલો. તેથી હવે આખા ય ગામનો ગરાસ રમણિક ગોર જ ભોગવતો. આખું વરહ એના આંગણામાં ટોપરાં સૂકાતાં જ હોય, એના ઘરની આજુબાજુનાં કૂતરાં ય ફાટયાં ફરે. ઘરની દીવાલ આગળ એક પાણીનો અવેડો, બાજુમાં જ ડંકી અને ઓટલો હતો ત્યાં ગોરાણી વધ્યાઘટ્યા રોટલા મૂકે, આવતાં જતાં ઢોરઢાંખર અને કૂતરાં ખાય .

આમ તો ખોબા જેવડું ગામ પણ બહુ સધ્ધર. ગામનો બાજરો યાર્ડમાં પણ વખણાય એવી ખેડ આયના ભાયાતુની હતી. તલ, કપાસ, મગફળી તો ફાટફાટ નીપજે. પણ કહેવાય છે ને સો દહાડા એક સરખા નથ રહેતા, એવું જ થયું! એકાએક પંદર દિવસમાં પચાસ વખત ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓ. આવી ગયા... સમજાવટ-બેઠક- ગ્રામસભા... બધું જાણે ખનખનિ યાંના આવાજમાં દબાઈ ગયું. કોઇએ મનથી તો કોઈ લોભથી એમ બધાયે જમીન વેચવા માંડી. સરપંચ કહેતા હતા કે, ‘મુંબીનો કોઈ શેઠિયો આપણાં ગામમાં ફેકટ્રી નાખે’સ. ઈ મો માંગ્યા ભાવ આપી હંધીય જમીનું લઈ લેહે. સરકારી ભાવ કરતાંય વધુ ભાવ મળહે.

ફૅક્ટરીનું બાંધકામ રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલું રાતે વધવા લાગ્યું. બહાર જોંગા જેવા બે જણ યુનિફોર્મમાં બેઠા હોય. જવાનડા કહેતા, ‘સ્પરિટની ફૅક્ટરી છે. ફેકટ્રીનાં આંગણમાં મોટા મોટા બે ફુવારા બંધાયા. આખો દિવસ મોટરુંની હડિયાપાટી ચાલુ જ હોય.’ શિયાળો આવ્યો ન આવ્યો ત્યાં તો ફૅક્ટરી ધમધમાટ હાલતી થઈ ગઈ. ફૅક્ટરીએ પાછળના વોકળામાં ખરાબો કાઢવાનું શરૂ કર્યું. આવતા જતા લોકોએ મોઢે ફાળિયું મૂકવું પડે એવી ગંધ મારે! જયારે સામતુભાનો મોટો દીકરો મિલિટરીની રજામાંથી આવ્યો તો એણે કહ્યું કે, ‘સ્પરિટ નહીં ગોરબાપા, આ આલ્કોહોલનું કારખાનું છે. બહારથી દેખાવ સ્પિરિટનો પણ અંદર તો દારુ જ બનાવશે જોજો’

‘અરે રે... નખ્ખોદિયાવ જાકુબીના ધંધા કરે છે એમ ને! ભરાવા દ્યો પંચાયત.’ જમણે ખભેથી ગમછો ઉપાડી તેને ડાબે ખભે પછાડતાં ગોરબાપા ઉકળી ઊઠ્યા.

સામતુભાનો દીકરો બોલ્યો, ‘ના ગોરબાપા આ તો સરકારની મંજૂરીથી હોય આમાં આપણે કાંઈ ના કરી શકીએ.’ ગોરબાપા હળવો નિસાસો નાખી, ખભા પરનો ગમછો સરખો કરતા ચાલવા લાગ્યા.

ધીમે ધીમે ગામમાં અને સીમમાં ફૅક્ટરીના બગાડની દુર્ગંધ ફેલાવા માંડી હતી, ગામના લોકો કાવડિયાં હાથમાં આવવાથી શહેર બાજુ વળ્યા હતા. આમ પણ સુરતનો વા વાયો હતો તેને આ ફૅક્ટરીને કારણે વેગ મળ્યો. સૌ હીરા ઘસવામાં લાગી પડ્યા. ચાર પાંચ વહવાયાનાં ખોરડાં બાકી હતાં એ સિવાય આજુબાજુના બધા લોકો કૂચ કરી ગયેલા. ગામ હિજરત કરી ગયેલી ચકલીઓના માળા જેવું સૂનું સૂનું અને ભેંકાર લાગતું હતું. હવે તો સંધ્યાટાણે મંદિરમાં એકાદ બે જણા ઝાલર કરવા આવતા એ સિવાય મંદિરે ‘રામ’ રેઢો રહેતો આખો ય દિવસ. જાણે સોપો પડતો જતો હતો.

રોજ વહેલા ચાર વાગ્યામાં જાગીને ઢૂકડી નદીમાં નાહીને આવતાં રમણિક ગોર કમર પર ગમછો વીટીને ચાલે ત્યારે કોઈ ઋષિતુલ્ય લાગતા. ગમે એવી ટાઢમાં પણ ગોરબાપા એ જ ગમછામાં હોય! ગોરબાપાએ હમણાં હમણાં પંદર દિવસથી ડોલ ને ડબલાંથી ઘર સામેની ડંકીએ નાહવાનું ચાલુ કર્યું હતું. ઢૂકડીમાં ફૅક્ટરીનો બગાડ આવવા લાગ્યો હતો એમાં ભૂંડનાં ટોળાં ફરે ત્યારે તો એવી ગંધાય કે જાણે ગટર ન હોય! ગોરબાપાને ઢૂકડી હવે બહુ દૂર દૂર ચાલી ગઈ એવું લાગવા લાગ્યું હતું. ‘એય ને…ચાર પાંચ વછેરાં અને ઘોડા ચરતા હોય, પાંચ સાત નાગા છોકરા ઘૂનામાં ધૂબાકા દેતા હોય, બાયું છીપરું પર લુગડાં ધોકાવતી હોય એ ઢૂકડી તો સપનું થઈ ગઈ બાપ...’ આવું મનોમન બોલીને રમણિક ગોરે ખભા પરનો ગમછો સરખો કર્યો. પોતાના પૂર્વજોનો ભાર જાણે હવે વહન કરીને થાકી ગયો હોય એવું એને લાગ્યું.

સવારથી જ મન વ્યગ્ર હતું, બરાબરનું ચકડોળે ચડેલું હતું. ગોરાણીને ઉધરસ ને બળખા વધતાં જતાં હતાં. જે ઘર ગામ આખાનાં કૂતરાંઓને ઘીવાળા રોટલા આપતું હતું એ જ ઘરને હવે કોરો બાઢો ય નસીબમાં નહોતો! રમણિક ગોર આવતાં-જતાં પેલા ઓટલા સામે જોઈ રહેતા. મન જૂના દિવસોમાં પાછું ચાલ્યું જતું. ક્યારેક ઘી ચોપડવામાં સહેજ કોર બાજુ બાકી રહી ગયું હોય તો પોતે યજમાનનાં આંગણામાં ઊભા રહીને સો વાના બોલે, ‘રામ કાંઈ ભૂખ્યો નથી... જીવ ટૂંકો હોય તો ના આપો...અધકચરું રાખશો તો અધકચરું પામશો.’ એમ કહીને બીજા દિવસથી એમનાં ઘરે રામરોટી લેવા જવાનું બંધ! અચાનક એ સભાન થયા. કપાળ પર પરસેવો થઈ ગયો હતો. ગમછાથી લૂંછી નાંખ્યો પણ પછી પસ્તાવાના ભાવ સાથે મનોમન બોલી ઊઠયા, ‘શિવ શિવ… કયાં આનાથી લુછાઈ ગયો!’ ગમછો હાથમાં લઈ ધીમેથી બીજો હાથ ફેરવ્યો ને નાક પાસે લઇને સૂંઘ્યો. ઘરમાં ચંદન પણ પૂરું થવા આવ્યું હતું, ‘હવે તો ઠાકર કરે એ ઠીક...’ એમ બોલતાં એ ચાલી નીકળ્યા. ગઢ પાસે થઇને મંદિરે ગયા, પગથિ યાં પાસે એક ખહુરિયું કૂતરું સૂતું હતું, પાસે જઇને જોરથી હ...ઇડ.. કહીને કેડ પર લાત મારી બોલ્યા, ‘નખ્ખોદ વાળ્યું છે હાહરાવે...’ કૂતરું કાંઉકારાં કરતું ભાગી ગયું. ફૅક્ટરીની દાઝ કૂતરાં પર કાઢી. અંદર જઇને દીવા પેટાવ્યા. મનોમન વિચાર્યું, ‘આજે કોઈ નગારું કે ઝાલર વગાડવા આવ્યું નહીં. ગામધણી મરી જાય ત્યારે આમ મૂંગી મૂંગી ઝાલર થાય. આજે એવી રીતે મૂંગી મૂંગી ઝાલર થઈ.’

એ આખી રાત આંખ ન મીંચાણી. આખી રાત પડખાં ફેરવ્યે રાખ્યાં. ઓરડામાં ગોરાણીની ઉધરસ સંભળાતી રહી. અચાનક યાદ આવ્યું કે શિવા ગોરને ય આવી જ ઉધરસ ને બળખા નીકળતા હતા! હવે તો શહેરમાં જવું જ પડશે. જો અહીંયાં રહીશ તો...તો...બધું જ ખલાસ થઈ જશે.

સવારે ગામનો ખીમો નૈવેદ્ય કરવા ગામડે આવ્યો હતો તો ગોરબાપાને મળવા આવ્યો. બોલ્યો, ‘બાપા આવતા રયો ત્યાં... અહીં હવે કાઈ નથ.' ‘ભાઈ ખીમા, આવી તો જાઉં પણ કરવું શું ત્યાં?’ ‘ત્યાં મંદિરમાં તો રોજમદારની જેમ રાખે પણ સારો માણસ હોય તો ઝટ છુટા નથી કરતા. ક્યાંક સારું મંદિર મળી જાહે, આવતા રયો ન્યા... બધે ય હરખું જ છે. રામ તો અહીંયાં એ ઈ ને ન્યા ય એ ઈ.’

બીજે અઠવાડિયે હૈયું કાઠું કરીને રમણિક ગોર મને-કમને શહેરમાં જવા રવાના થયા. ગોરાણીની દવા લીધી ને કામ માટે એક શેઠિયાને મળવાનું હતું. પણ એ તો ખીમો જ જઇને મળી આવ્યો. સાંજે ઘરે આવ્યો ને ખીમાએ કહ્યું, ‘ગોરબાપા, મંદિરની પૂજાનું કાંઈ થાય એ પહેલાં મેં એક ઑફિસમાં ગોઠવ્યું છે. ચોપડા અને રોજમેળ શેઠના વાણોતરને આપવાના. બસ…એટલું જ કામ કરવાનું તમારે! ગોરબાપા આજે ત્રીસ તારીખ અને પાંચમ થઈ તમે સોમવારથી જજો.’

ગોરબાપાએ કહ્યું, ‘ઈ હારું કર્યું ખીમા, સાતમ ને સોમવાર પેલી તારીખ પાકું... ત્યારે કરીએ કંકુના!’

સોમવારે સવારે નાહી, પૂજા પતાવી રમણિક ગોર અને ખીમો પહોંચ્યા કારખાને. ગેટ પાસે ચોકીદાર ઊભો હતો. તેણે ખીમાને જોઇને કહ્યું, ‘સાયેબ નો બજે આયેંગે. આપ અપને આદમી કો ભેજ દો અંદર.’ ખીમો ગેટથી જ પાછો વળી ગયો અને રમણિક ગોર અંદર જવા લાગ્યા.

‘યે લો ચાબી' પેલા ગુરખાએ ચાવી આપી એ લીધી. અંદર જઈ તાળાને પગે લાગીને ખોલ્યું જાણે પોતાનું જ મંદિર ખોલતા હોય એમ! મન કચવાતું હતું કે, ‘કયાંથી કયાં આવી ગયો... આવું કામ ય કરમે લખ્યું હશે!’ ટેબલ પર બે-ચાર રોજમેળ આડાઅવળા પડયા હતા તે સરખા કર્યા, ખાનું ખુલ્લું હતું એ બંધ કર્યું. સામેના તારીખિયામાં મહિનો બદલાવ્યો. જાણે ગોરનો ભવ પણ બદલાતો હતો. અચાનક સામે ગોખલા પર નાનકડું મંદિર જોઈ ગોર રાજી થઈ ગયા.

‘મને એમ થોડો રેઢો મૂકે મારો રામ!’ કહીને, ગમછો ઠીક કરીને આંખ બંધ કરી હનુમાન ચાલીસા બોલી નાખ્યા. અંદર ટાઢક થઈ ગઈ. ત્યાં તો ગેટનો કિચૂડ અવાજ આવ્યો. એક મોટર પ્રવેશી. ગુરખાએ સલામ મારી અને ગેટ બંધ કર્યો. હાથમાં નાનકડી સૂટકેસ લઇને એક માણસ ટપક ટપક કરતો આવ્યો. ગોરના ચપ્પલ દરવાજામાંથી દૂર હડસેલ્યાં. અંદર આવી ને કહે, ‘પાણી લઈ આવી દો અને હા, મારે દસ મિનિટ પછી મીટિંગ છે ઝડપથી ચોપડા તૈયાર કરો. અરે! મારું ટેબલ કેમ સાફ નથી કર્યું?’ ગોરબાપા કાંઈ સમજે એ પહેલાં જ એ ફરી બોલ્યો, ‘બીજું બધું પછી જોજો પહેલાં ટેબલ સાફ કરો. રોજ આવી ને પહેલું કામ ગાભો મારવાનું થવું જોઇએ ઓકે?’ ગોરનું મગજ સુન્ન થઈ રહ્યું હતું.

આજુબાજુ કાપડ શોધવા માટે નજર ફેરવી. ત્યાં ફરી કડક અવાજે પેલો બોલ્યો શું છે... કેટલી વાર?’ ગોર ખચકાતા અવાજે બોલ્યા, ‘કાપડ જેવું કંઈ શોધતો હતો.’ સાહેબે કહ્યું, ‘આ ખભા ઉપર છે એનાથી લૂછી નાખો ફટાફટ. મારે હજારો કામ છે.’

રમણિક ગોરને બીજો કોઈ રસ્તો ન સૂઝતા ખભા પરથી પૂર્વજોની ઓળખ જેવો જાજરમાન ગમછો જતનપૂર્વક ઉતાર્યો, ઝળઝળિયાં ભરેલી આંખે એને વ્હાલથી જોયો, ગળગળા સાદે મનોમન એની માફી માંગી અને એ જ ગમછા વડે ટેબલ લૂછવા લાગ્યા.



તન્ત્રીનૉંધ :

સ્વમાન સ્વાભિમાન અને ટેકને વિશેની ચીવટ બલકે ચિકાશથી જીવનરા રમણિક ગોરની જિન્દગીમાં અણધાર્યો વળાંક આવે છે. જે ગમછો, કથક કહે છે એમ, રમણિક ગોર ખભા પર મૂકે ત્યારે એટલી ચીવટથી ગોઠવે જાણે કોઈ બાળક ન હોય’, એ જીવ જેટલા વ્હાલા ગમછાથી શહેરના કોઈ પરાયા શેઠને ત્યાં ટેબલ લૂછવાનો વારો આવ્યો, એ દુ:ખદ છે..

સર્વજ્ઞ અથવા ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાયેલી આ રચનામાં કથક આપણને રમણિક ગોરનું એક સરસ વ્યક્તિચિત્ર આલેખી આપે છે. એ ચિત્રમાં, ‘ત્રિ પુંડ તાણતી વખતે આંગળીયું હેતથી ગમછા પર લૂછે એટલે ચંદનની સુવાસ એમાં બેસી જાય એથી આખો દહાડો ગોરબાપાનો સ્કંધ મહેકતો જ હોય’, જેવી સુ-દૃશ્ય રેખાઓ પણ છે. ગામની જમીનો વેચાઇ, ફૅક્ટરી નખાઇ એમ ગામની પરિસ્થતિ બદલાઈ તેમ રમણિક ગોરની પરિસ્થતિ માં પણ મોટો બદલાવ આવ્યો. કથકે એ બધાં પરિબળો પણ વીગતે અને નિ રાંતે વર્ણવ્યાં છે -ગામમાં અને સીમમાં ફૅક્ટરીના બગાડની દુર્ગંધ ફેલાવા માંડી -લોકો કાવડિ યાં હાથમાં આવવાથી શહેર બાજુ વળ્યા -આમ પણ સુરતનો વા વાયો હતો તેને આ ફૅક્ટરીને કારણે વેગ મળ્યો -રમણિક ગોરની એ ઢૂકડી નદી તો સપનું થઈ ગઈ. વગેરે.

અન્તમાં આલેખાયેલી કેટલીક ઉપકારક ક્ષણોમાં આ વધારે આકર્ષક છે -રમણિક ગોર આજુબાજુ કાપડ શોધવા માટે નજર ફેરવે છે ત્યાં પેલો ફરી કડક અવાજે બોલે છે -શું છે... કેટલી વાર? અને ગોર ખચકાતા અવાજે બોલે છે, કાપડ જેવું કંઈ શોધતો હતો. ત્યારે એ સાહેબ કહે છે - આ ખભા ઉપર છે એનાથી લૂછી નાખો ફટાફટ. મારે હજારો કામ છે. કથક કહે છે : ત્યાં રમણિક ગોરને બીજો કોઈ રસ્તો ન સૂઝતાં ખભા પરથી પૂર્વજોની ઓળખ જેવો જાજરમાન ગમછો જતનપૂર્વક ઉતાર્યો, ઝળઝળિ યાં ભરેલી આંખે એને વ્હાલથી જોયો, ગળગળા સાદે મનોમન એની માફી માંગી અને એ જ ગમછા વડે ટેબલ લૂછવા લાગ્યા.

ટૂંકીવાર્તામાં અન્તે ચોટ હોવી જોઈએ -એ મન્તવ્યમાં રસ ધરાવતા વાચકો આ અન્તથી જરૂર ખુશ થવાના.