સાહિત્યિક સંરસન — ૩/તુષાર શુક્લ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ તુષાર શુક્લ ++


૧ : ચાલ આપણે —

ચાલ આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ
કાળઝાળ ઉનાળે આપણ, રેશમ રેશમ સ્પર્શ થઇને સુગંધમાં ઓગળીએ.
 
તું ય નીકળે ઘેરથી કોઈ અષાઢીલું લીલુંછમ એક બહાનું લઇને
છાતીસરસી નોટ, નોટમાં વાળેલું એક પાનું લઇને
હું ય નીકળું ઉજાગરાનું ઘેન, ગુલાબી આંખોમાં કૈં છાનું લઇને
તારા વિણ આ તરસ્યા, તડપ્યા, તલખ્યા કેરી રાતનું દર્દ મજાનું લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ.
સંગાથે જે કોતર્યું’તું એ નામ, મહેકનું ગામ,
વસી જાય કળીએ કળીએ...
 
સ્મરણ તણું આ હરણ એકલું સાવ આટલું જાગ્યા કરતું
આજ અડોઅડ ઊગી ગયાનું આંગળીઓને લાગ્યા કરતું
ગમતું ગમતું થાય ને ના કહેવાય એ ય સાંભરી લઇને
હથેળીઓમાં હાથ, હાથને હળવેથી પંપાળી લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ
જ્યાંથી આપણે છૂટાં પડ્યાં’તાં, એ જ ક્ષણોમાં પાછાં વળીએ.
 
જીવતરના મારગ પર આપણ જીવતાં જીવતાં જૂનાં થઇને
સાથ સાથમાં ચાલ્યા જતાં એકબીજાથી સૂના થઇને
આવ આપણે મળીએ સામે પૂર, ઘૂઘવતી ભરતી થઇને
રણકે નેહ નૂપુર, સ્નેહના સૂર, અજબની મસ્તી લઇને
ચાલ, આપણે બેઉ ફરીથી શિરીષ વૃક્ષને છાંયે મળીએ.
‘હું ય તને ચાહું છું’ એવું કાનમાં પહેલીવાર કહ્યું’તું 
એ જ સમયમાં પાછા વળીએ.


૨ : ભૂલી જાય જો —

ભૂલી જાય જો કોઈ હવે તો 
નથી લાગતું ખોટું 
વ્યસ્ત હશે પોતામાં,
એમાં કારણ નહીં હોય મોટું 
પણ યાદ કરે જો કોઈ તો 
                  મનને સારું લાગે છે. 
આજને ભૂલી ગઇકાલનાં 
                   સ્મરણો જાગે છે. 
ઓળખીતા પણ થાય અજાણ્યા 
નજર ફેરવી લેતા 
ફોન કરું તો અવાજ સાંભળી 
હેલો હેલો કહેતા 
મૂંગા રહી પીધું એ આંસુ 
                             ખારું લાગે છે. 
યાદ કરે જો કોઈ તો 
                       મનને સારું લાગે છે. 
ઝિબ્રા-ક્રૉસિંગ પર થંભીને 
રાહ જોઉં ધીરજથી 
નથી ઉતાવળ કોઈ, 
હવે ના હરીફાઈ કોઇથી 
આગળ પાછળ ચાલતું પગલું 
                           મારું લાગે છે.
યાદ કરે જો કોઈ તો  
                       મનને સારું લાગે છે. 
મળવાનું તો ગમે ઘણું,
પણ મીટર લાગે માઇલ  
તોય જાઉં તો મોં મલકાવી 
મૂકે નહીં મોબાઇલ. 
પગને લાગ્યો થાક 
                   હવે આ હૈયે જાગે છે. 
પણ યાદ કરે જો કોઈ તો  
                     મનને સારું લાગે છે. 
રોંગ નંબર પર લાંબી વાતો 
કરવાનું હવે ગમતું  
સાવ અજાણ્યું કોઈ  
મારી એકલતાને ભરતું 
ગમે છે જ્યારે ડૉરબેલ 
                        આ ઘરનો વાગે છે. 
યાદ કરે જો કોઈ તો 
                       મનને સારું લાગે છે. 
જૂની પેઢી સાથે બેસી 
સ્મરણો શું સંભારું?
નવી પેઢી જો પાસે બેસે 
તો હૈયું છલકાવું 
નજર છે નબળી દૂરની,
                         તોયે ઊંડું તાગે છે. 
યાદ કરે જો કોઈ તો 
                      મનને સારું લાગે છે.  
કાલ ભૂલાઇશ એવો ભય ના
મનને વિચલિત કરતો 
મને ય ક્યાં સહુ યાદ રહ્યાં છે?
હું પણ સત્ય સમજતો 
નવી હવા આ 
                આવનારી પેઢીને ભાગે છે. 
પણ યાદ કરે જો કોઈ તો  
                  મનને સારું લાગે છે. 
ભૂલાઇશું તો નવું આવશે 
એનો મહિમા થાશે 
ભૂંસાઇશું તો નવું લખાશે, 
નવાં ગીત કોઈ ગાશે  
આમ તો એ સઘળું યે મનને 
                          મારું લાગે છે. 
પણ યાદ કરે જો કોઈ તો  
                            મનને સારું લાગે છે. 


૩ : તારાં આ ડૂસકાંમાં —

તારાં આ ડૂસકાંમાં ડૂમાતું વ્હાણ, 
અને તોયે આ દરિયો અજાણ, 
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત. 
 
હિબકે હિબકાતું આ હૈયું, સમાલ બેલી 
સઢને છે વાયરાની તાણ, 
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત. 

મીઠપનાં ઓરતાનો ખારો અવતાર 
એને ઊછળતાં મોજાં શું પ્રીત 
કાંઠાની દુનિયામાં પળનાં મુકામ 
એને હૈયે મધદરિયાનાં ગીત. 
વેળુમાં ચીતરેલાં સપનાં, સમાલ બેલી 
ભરતીનાં વ્હેણને પીછાણ. 
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત. 
 
આંખોમાં આંજ્યો તેં દરિયો બેફામ અને 
રૂંવાડે માછલીનું ગામ 
ઉંબર પર જીવવાનું માંગી લીધું 
તે હવે હોવું તો ઝંખનાનું નામ. 
છાતીમાં મ્હૅક મ્હૅકી ખારી સુવાસ, બેલી 
ઓશીકે ઊછળે તોફાન. 
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત. 
 
વાયરાના વાયદાનો કીધો વિશ્વાસ, બેલી 
પરવાળે બાંધ્યાં મકાન. 
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત.



તન્ત્રીનૉંધ :

૧ : ચાલ આપણે — પુનર્મિલન માટેની ભરી ભરી આરતની રચના. સ્થળ કાળ ભાવ લાગણી સાથે જોડાયેલા લગભગ બધા પ્રાસ સયુક્તિક અને સાર્થક છે, પણ એમાં, ‘લીલુંછમ એક બહાનું લઇને / નોટમાં વાળેલું એક પાનું લઇને’ અને ‘જીવતાં જીવતાં જૂનાં થઇને / એકબીજાથી સૂના થઇને’ વધારે કાવ્યશીલ છે. આ બધા પ્રાસથી બંધાતો કાવ્યદેહ ગીતની ચાલમાં ચાલે છે એ એક નૉંખી ઉપલબ્ધિ છે. મળવું તો છે પણ ‘જીવતરના મારગ પર’ ‘સાથ સાથમાં’ ચાલ્યા કરીને ‘એકબીજાથી સૂના થઈને’ એ ભાવ-ભાવના કાવ્યકથકને અનોખો દર્શાવે છે. તેથી રચના કિંચિત્ અધ્યાત્મપરક દિશાએ પણ વળી જાય છે.

૨ : ભૂલી જાય જો — કાવ્યકથક કહે છે, ‘ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું’ -એણે સ્વીકારી લીધું છે કે વ્યસ્ત હશે પોતામાં, અને એથી મોટું કારણ નહીં હોય. પણ એ ‘કોઈ’ એને યાદ કરે તો એના મનને સારું લાગે છે. એમ એની સ્મરણયાત્રા મંડાઇ છે અને ટૂકે ટૂકે એ ‘મનને સારું લાગે છે’ એ ધ્રુવપંક્તિએ એ અટક્યા કર્યો છે, કહો કે યાત્રાને વેગવતી રાખવાને એણે એ રીતના વિરામ લીધા છે.

ઓળખીતા પણ થયા અજાણ્યા. જિબ્રા ક્રૉસિન્ગ, નવી પેઢી વગેરે સાથેનાં માનસિક આદાનપ્રદાન પછી એને સત્યનો સાક્ષાત્કાર થાય છે. કહે છે, ‘ભૂલાઇશું તો નવું આવશે / એનો મહિમા થાશે / ભૂંસાઇશું તો નવું લખાશે, / નવાં ગીત કોઈ ગાશે’. ત્રણ પંક્તિઓ ટૅલિન્ગ છે, આ : ‘આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે’. ‘સાવ અજાણ્યું કોઈ મારી એકલતાને ભરતું…’ કે ‘નજર છે નબળી દૂરની, તોયે ઊંડું તાગે છે’. ખોટું મોટું સારું આંસુ ઊંડું મારું - વગેરે પ્રાસતત્ત્વને લીધે વાચક સ્હૅલાઇથી દોરવાતો રહે છે ને એ રીતે કાવ્યકથકનો સંગાથી બની રહે છે.

૩ : તારાં આ ડૂસકાંમાં — પહેલી બે રચનાની તુલનામાં લાગશે કે આ રચનામાં કાવ્યબળ ઘણું છે. મને થાય છે, હૃદ્ય પંક્તિઓની માત્ર યાદી બનાવી આપું તો બસ છે : ‘તારાં આ ડૂસકાંમાં ડૂમાતું વ્હાણ, /અને તોયે આ દરિયો અજાણ’ : ‘સઢને છે વાયરાની તાણ’ : ‘મીઠપનાં ઓરતાનો ખારો અવતાર’ : ‘વેળુમાં ચીતરેલાં સપનાં’ : ‘વાયરાના વાયદાનો કીધો વિશ્વાસ, બેલી /પરવાળે બાંધ્યાં મકાન’. 

તુષારની આ ત્રણેય રચનામાં એક સુવાચ્ય અને સરળ રોમૅન્ટસિઝમનો સ્વાદ છે.