સાહિત્યિક સંરસન — ૩/દશરથ પરમાર
એ જ્યાં ઊભી હતી ત્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતા - એક કાચો રસ્તો, જમણી તરફ જતો, થોડેક આગળ જઈ ગીચ ઝાડીઓમાં ગૂંચવાઈને પછી ક્યાંક ગુમ થઈ જતો અને બીજો રસ્તો. . . એણે ધારીને જોયું. ત્યાં રસ્તા જેવું કશું જ નહોતું. ત્યાં તો કોઈ સમયે પાક્કો ડામરનો રોડ હશે તેની સાબિતી આપતાં, નાનાં-મોટાં અનિયમિત આકારનાં, તિરાડોવાળાં કાળાં-કાળાં ડામરનાં ચોસલાં હતાં. એ ચોસલાંઓની આસપાસની ખાલી જમીન પર ધરો જેવું જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. એ તરફ જોતાં-જોતાં એની અંદર એક પાક્કો રસ્તો ઉપસી આવ્યો. બીજી જ ક્ષણે એ રસ્તા પર દોડતા અસંખ્ય ઘોડાઓના ડાબલા અને હણહણાટી એક સાથે સંભળાવા લાગ્યાં. સાથે-સાથે જૂના જમાનાની જીપ અને એની ઘરઘરાટી પણ સંભળાઈ. આગળ ચાલતો ઘોડેસવાર એ રોડ પરથી પસાર થઈ રહેલાં લોકોને કડક અવાજમાં આદેશ આપી રહ્યો હતો : ચાલો, ખસી જાઓ.. વચ્ચેથી હટી જાઓ... બાપુસાહેબની પધરામણી થઈ રહી છે...!
એ આદેશનું પાલન કરતી હોય તેમ એનાથી થોડુંક ખસી જવાયું. એના ખસવાની સાથે જ અચાનક જાણે બધુંય ભૂંસાઈ ગયું. ભોંઠી પડેલી એની નજર થોડી આગળ લંબાઈ. હવે કાળાં ચોસલાંઓના દ્વીપસમૂહ પછી શરૂ થતી નાનકડી કેડી પણ એને દેખાવા લાગી - છે. . .ક દરબારગઢ સુધી લંબાઇને પડેલી લાંબી-સાંકડી કેડી! ઘણા સમયથી એ કેડી પર કોઈ ચાલ્યું જ ન હોય તેમ ઘાસથી છવાઈ ગયેલી. એની આજુબાજુ, ચાલતી વખતે ઢીંચણે અડકે તેવું જંગલી ઘાસ. અને એ ઘાસનું રક્ષણ કરતાં હોય તેમ આડેધડ ફેલાઈ ગયેલાં ગાંડા બાવળનાં ઝૂંડનાં ઝૂંડ! એણે જોયું. એ રસ્તાની ધાર પર ઊભી હતી, એકલી-અટૂલી. આસપાસમાં માનવ વસવાટ હોવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. દૂર-દૂર સુધી પથરાયેલી રાતી-પીળી ટેકરીઓ.. ઢોળાવ પરનાં ખાલી ખેતરો... ખૂબ દૂરના ભૂતકાળમાં ત્યાં ગામ જેવું કશુંક રહ્યું હશે તેનો અણસાર આપતાં, પથ્થરનાં છૂટાંછવાયાં થોડાંક ઘર - એની કાળી પડી ગયેલી જર્જરિત ભીંતો.... થોડાક દિવસો પર વરસી ગયેલા વરસાદની ગંધને પોતાનાં પાંદડાં અને ડાળીઓ પર સાચવીને ઊભેલાં જાતભાતનાં વૃક્ષો.. આમતેમ ઊડી રહેલાં રંગબેરંગી પતંગિયાં... અને દૂ..ર એક ઝાડીમાંથી ઊંચે ઊઠી રહેલા ધુમાડાનો થોડેક ઉપરના અવકાશમાં રચાયેલો સફેદ પટ્ટો... ચારેકોર ખામોશી હતી, અદૃશ્ય અને અંતહીન. રસ્તા પરથી એકલદોકલ વાહન પસાર થતું ત્યારે એ ખામોશીમાં ગોબા પડી જતા હતા. વાતાવરણમાં થોડોક ખળભળાટ પણ મચી જતો. ત્રણ તબક્કામાં આવતો ખળભળાટ : દૂરથી ધીરે ધીરે નજીક આવતો… પછી સાવ પાસે આવી મંદ લસરકા કરી જતો… અને પછી જે લયમાં આવ્યો હોય તે જ લયમાં દૂર ચાલી જતો! એ અવાજની સાથોસાથ એક બીજી નાનકડી ઘટના પણ બનતી. વાહનચાલક કે અંદર બેઠેલાં માણસો એને ધારીધારીને જોઈ રહેતાં. નિર્જન રસ્તા પર ઊભેલી, સ્કાય બ્લૂ જીન્સ અને પીળા રંગની ટી-શર્ટવાળી એક અજાણી છોકરી અને એની પીઠ પર ઝૂલી રહેલી બૅગ! એ લોકો શું વિચારતાં હશે? કદાચ રસ્તો ભૂલી ગઈ હશે? અથવા એને ક્યાંય જવાનું હોય અને કોઈ વાહનની રાહ જોઇને ઊભી હોય... જોકે, એ રાહ જોઇને ઊભી હોય એવું લાગતું નહોતું એટલે વાહનચાલક એકાદ ક્ષણ એના ચહેરા સામે તાકી રહેતો; પછી ધીમા પાડેલાં વાહનને વળી પાછો આગળ હંકારી જતો. એ વાહન દેખાતું બંધ થાય ત્યાર પછી પણ પેલા અજાણ્યા અને આશ્ચર્યચકિત ચહેરાઓ હવામાં ઝળૂંબી રહ્યા હોય એવું એને લાગ્યા કરતું.
અચાનક એક ટિટોડી એના માથા નજીકથી કકળાટ કરતી પસાર થઈ. એણે ચહેરો ઊંચકીને એ દિશામાં નજર લંબાવી. ટિટોડી દરબારગઢ તરફ ઊડી ગઈ. એની પાંખોનો ફફડાટ અને કર્કશ અવાજ થોડીકવાર પૂરતાં હવામાં તરતાં રહ્યાં. પછી ત્યાં રહેલા ખાલી અવકાશમાં એના અદૃશ્ય લિસોટા ઝૂલતા રહ્યા. હવે એની નજરે ચડી-અરવલ્લીની નાની-નાની ટેકરીઓ, વરસોથી પલાંઠી વાળીને બેસેલા કોઈ જૈન સાધુ જેવી-નિર્લેપ અને નિર્વિકાર! અને એ વૃક્ષવિહોણી ટેકરીઓની ગોદમાં શાંત થઈ સૂતેલો દરબારગઢ – ઑગસ્ટના પ્રખર તાપમાં તપી રહેલો ને તેમ છતાં સાવ નિશ્ચલ. જોકે, અત્યારે તો આખા દરબારગઢ પર છાંયડો પથરાયેલો છે અને ટેકરીઓ પર તમતમતો તડકો. સૂર્ય સંતાકૂકડી રમી રહ્યો હતો. ઘડીકમાં વાદળ પાછળ સંતાઈ જઇને ધૂંધનો આભાસ રચી દેતો તો ઘડીકમાં બહાર આવી બધુંય ચકચકિત કરી મૂકતો. એને નવાઇ લાગવા માંડી કે તડકા-છાંયડાની આ રમતની દરબારગઢ પર કોઈ જ અસર થતી નહોતી. તડકામાં એ સાવ ફિક્કો ભાસતો હતો, કોઈ ગંભીર બીમારીના દર્દી જેવો, સાવ નંખાઈ ગયેલો. તો છાંયડામાં પણ એટલો જ બીમાર અને નિસ્તેજ! વરંડાની તોતિંગ દીવાલો પર સુકાઇને લબડી પડેલું ઘાસ. પહોળી દીવાલ પર ઊભી રહી નિરાંતે એ ઘાસ ચરી રહેલી એક બકરી. લીલથી લીંપાયેલી જૂના જમાનાની ઈંટો, જાણે કાળા રંગ પર કોઇએ લીલા રંગનો કૂચડો ફેરવી નાખ્યો હોય. અને દીવાલોમાં ઠેર-ઠેર પડેલાં ગાબડાં!
એણે ઘડિયાળમાં જોયું. અચાનક એની અંદર એકલતાનો ભાવ ઊમટી આવ્યો. એને યાદ આવ્યું - આ સમયે એ કૉલેજની લાઇબ્રેરીમાં હોય. ચારેબાજુ પુસ્તકોથી લદાયેલા ઊંચા-ઊંચા રૅકસથી ઘેરાયેલી, પોતાની પસંદગીનું કોઈ પુસ્તક શોધતી. ઘેર જવાનો સમય થાય તેનું પણ ભાન રહે નહીં. લાઇબ્રેરીની બહાર ગરમાળા નીચે ઊભા રહીને કંટાળેલા સોહમ્નો કૉલ આવે ત્યારે ખબર પડે કે અરે! આટલો બધો સમય થઈ ગયો? . . . અત્યારે એ શું કરતો હશે? એને થયું - કદાચ, બહારથી કંટાળીને લાઇબ્રેરીમાં જઈ એને શોધતો હોય અથવા કૅન્ટીનમાં. હું નહીં દેખાઉ એટલે તરત જ એનો હાથ સીધો મોબાઇલ પર જવાનો. એ જાણે છે કે, હું લાઇબ્રેરીમાં હોઉં ત્યારે મારો મોબાઇલ હંમેશાં બૅગમાં મૂકીને સાઇલન્ટ મોડ પર જ રાખું છું, ને તેમ છતાંય એની રોજની આદત પ્રમાણે... સોહમ્ના આવા વર્તનથી ક્યારેક એ અંદર ને અંદર ચીડાઈ જતી - આ શું યાર! એક ઘડી પણ રાહ ન જોઈ શકાય? મોબાઇલનો મતલબ એ તો નથી કે... : લાઇબ્રેરીમાંથી બહાર આવી એને તતડાવી નાખવાનું મન થતું. પણ પછી એનો ચહેરો જોઇને એ એમ કરી શકતી નહીં. ઊલટાની પોતાના ધૂંધવાટને એ જરા નરમ અવાજે વ્યક્ત કરતી: - સોહમ્! હું લાઇબ્રેરીમાં જ હોઉં છું, એ જાણે છે છતાં શું કામ કૉલ કરે છે? - હું જાણું જ છું, અદિતિ! કે આ સમયે તું લાઇબ્રેરીમાં જ હોય છે. અને મને મળ્યા વગર ઘેર નથી જવાની, પણ હું કૉલ કરું અને તું ન ઉપાડે ત્યારે મને પાક્કી ખાતરી થાય છે કે તું મારી આસપાસ જ છે, ક્યાંય દૂર ચાલી ગઈ નથી. - તને એવું કેમ લાગે છે કે, હું તારાથી દૂર ચાલી જાઉં છું? - તને કદી બપોરે સપનાં આવે છે, અદિતિ? - ના, કેમ? - મને આવે છે. એકનું એક સપનું વારંવાર આવે છે. જાગ્યા પછી મને ફક્ત એટલું જ યાદ રહ્યું હોય છે કે, સપનામાં ઘોડા પર આવેલો કોઇક અજાણ્યો માણસ તને ઉપાડીને લઈ જઈ રહ્યો છે અને હું ગભરાઇને જાગી જાઉં છું. હવે આપણે બહુ સ્પષ્ટ થઈ જવું પડશે, અદિતિ! તું કહેતી હોય તો હું અંકલ સાથે વાત... - જોજે એવું કરતો! તું મારા પપ્પાને ઓળખતો નથી. પહેલાં મને સ્પષ્ટ થઈ જવા દે, પછી... - શું સ્પષ્ટ કરવા ધારે છે તું?
એ કશું બોલતી નહીં, પણ એને તરત જ થતું કે એણે કયા સંદર્ભે આમ કહ્યું હતું? એ શેના વિશે સ્પષ્ટ થવા માગતી હતી? અનિરુદ્ધસિંહ સાથેની પોતાની સગાઈ માટે ઘરમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ વિશે કે પછી? ચારેક દિવસ ઉપર એ લોકો રાજસ્થાનથી એને જોવા માટે પધાર્યાં હતાં અને એને પસંદ પણ કરી ગયાં હતાં. હવે સગાઈ થશે... અને પછી ટૂંક સમયમાં લગ્ન અને...
અત્યારે પણ મોબાઇલની રિંગ વાગી રહી હોય તેવો ભ્રમ થયો. એનો હાથ તરત જ પીઠ પર લટકી રહેલી બૅગ પર પહોંચી ગયો. બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. ના, એ ભ્રમ નહોતો. મોબાઇલના સ્ક્રીન પર સોહમ્નું નામ ઝબકી રહ્યું હતું. એ હોઠ ભીડીને બે’ક ક્ષણ વિચારી રહી. ત્યાં સુધીમાં તો સોહમ્ના નામ-નંબરને મિસ્ડ-કૉલના લિસ્ટમાં ઉમેરીને મોબાઇલ ચૂપ થઈ ગયો હતો. એકાદ ક્ષણ હાથમાં લઈ, મોબાઇલને પાછો બૅગમાં મૂકતાં એણે નક્કી કર્યું : ના, એ આજે કોઇની સાથે વાત નહીં કરે, સોહમ્ સાથે પણ નહીં. જે ઉદ્દેશથી એ અહીં આવી હતી એ પૂરો ન થાય ત્યાં સુધી તો નહીં જ. એને ઊંડે-ઊંડે વિશ્વાસ હતો કે જેમ બલ્લુને અહીંથી જ માર્ગ મળ્યો હતો તેમ એને પોતાને પણ કોઈ માર્ગ મળી જ જશે. સોહમ્ સાથેના સંબંધ વિશે પણ આજે એ સ્પષ્ટ થઈ જશે. અને ફોઇસા’નો આદેશ થશે તો એ પણ બલ્લુની જેમ જ. . . એને ઊંડે-ઊંડે પોતાના ફોઇસા’ પર પૂરો ભરોસો હતો કે તેઓ એને નિરાશ તો નહીં જ કરે.
થોડી ક્ષણોનો જ ખેલ હતો. બસ, પોતે અંદર પ્રવેશે એટલી જ વાર. એણે ત્યાંથી જ સહેજ ઊંચાં થઇને ગઢની અંદરનું દૃશ્ય જોવાનો પ્રયત્ન કર્યો, પણ એની નજર ગઢની તોતિંગ દીવાલે અથડાઇને પાછી ફરી. એ નિરાશ થઈ ગઈ. પહેલાં એને દેખાઈ હતી - દીવાલમાં પડેલી મોટી તિરાડ… અને પછી તરત જ દેખાયો - ત્યાં ઊગેલો મોટો પીપળો. એના પાંદડાં આછા પવનમાં ફરફરતાં હતાં. પાંદડાંની સરસરાહટ એને અહીં સુધી પણ સંભળાતી હતી. એને લાગ્યું કે એની અને દરબારગઢની વચ્ચે પીપળો આવી ગયો હતો. આ તરફ એ અને પેલી તરફ… અચાનક ક્યાંકથી એક પાંદડું ઊડીને આવ્યું. એની છાતી પર ચોંટી ગયું. એણે હળવેથી એ પાંદડાને પકડ્યું. ધારી-ધારીને જોવા લાગી. એકાએક એને લાગ્યું કે એના હાથમાં કોઇ બીજો જ પદાર્થ આવી પડ્યો છે. એ ખાસ્સીવાર જોઈ રહી. તે વરસાદમાં પલળીને પોચું થઈ ગયેલું પાંદડું જ છે; તેની પાક્કી ખાતરી કર્યા પછી એણે એ પાંદડાને હથેળી વચ્ચોવચ મૂક્યું. હથેળી હોઠ નજીક લાવી, એક ફૂંક મારીને એને હવામાં ઉડાડી મૂક્યું. હવામાં તરતા - મુક્ત નર્તન કરતા પાંદડાનાં આંદોલનો એને છેક ભીતરથી રણઝણાવવા લાગ્યાં.
થોડીવાર પહેલાં એ નજીકના તાલુકા મથકે ઉતરી હતી. અને ત્યાંથી એક પ્રાઇવેટ જીપમાં અહીં પહોંચી હતી. રેલવે સ્ટેશનની બહાર નીકળીને જેને-જેને એ દરબારગઢ વિશે પૂછતી હતી તે સૌ લોકો કશાક અજાણ્યા ભાવથી એની સામે તાકી રહેતાં હતાં. પછી ખભા ઉલાળીને આગળ વધી જતાં. એને નવાઈ લાગી રહી હતી. દરબારગઢ અંગે કોઈ કશું જાણતું જ ન હોય એ શક્ય નથી. જોકે, અહીંથી દરબારગઢ જવાના રસ્તાની તો એને ખુદને પણ ક્યાં ખબર હતી? પહેલીવાર અહીં આવ્યાનું આછું-આછું સ્મરણમાં છે - કદાચ એ ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારની વાત. વૅકેશન હતું. પપ્પા-મમ્મી બન્ને રઘવાટમાં હતાં. ઘરનું વાતાવરણ એકદમ તંગ થઈ ગયેલું. પપ્પા સાથેની થોડીક બોલચાલ પછી બલ્લુ - એનો મોટોભાઈ - બલભદ્રસિંહ અચાનક ક્યાંક ચાલ્યો ગયો હતો; કોઇને પણ કહ્યા વગર. ઘણા દિવસોની શોધખોળ… પોલીસ તપાસ… કશું જ કારગત નીવડતું નહોતું. દરબારગઢનો એકમાત્ર વારસદાર ગુમ હતો અને પપ્પાને કશી જ પડી નહોતી. છેવટે મમ્મીએ અન્નજળનો ત્યાગ કર્યો ત્યારે જ તેઓ અહીં આવવા સંમત થયેલા. પણ અહીં જ શું કામ? દરબારગઢમાં એવું તે શું હતું કે પપ્પા ત્યાં જવાની ના પાડી રહ્યા હતા અને મમ્મી એમને ત્યાં જ લઈ જવા માગતી હતી? એ વખતે એને ખાસ કશું સમજાયેલું નહીં. એ બધું સમજવા માટેની કદાચ એની ઉંમર પણ નહોતી. એ સાક્ષી બનીને બધું જોયા કરતી હતી. મમ્મી સાથે દરબારગઢની એક ઓરડીમાં ઊભડક બેસીને આખુંય દૃશ્ય એણે અપાર વિસ્મયથી જોયેલું. કેવું દૃશ્ય હતું એ? દરબારગઢની પહેલી મુલાકાતનું એ દૃશ્ય એની સ્મૃતિમાં આટલું સચવાયું છે -
પપ્પા નતમસ્તકે દરબારગઢના પાછળના ભાગે જંગલ જેવું હતું ત્યાં ગીચ ઝાડી પાસે અવળા ફરીને ઊભા હતા. એ જાણે સાવ નંખાઈ ગયા હતા, ખભેથી વાંકા વળી ગયેલા. પપ્પાને એણે પહેલીવાર આટલા લાચાર અને નિરાધાર જોયા હતા. એ જાણે એના પપ્પા નહીં પણ કોઈ બીજી જ વ્યક્તિ હોય એવું લાગેલું એને. સામે એક મસમોટો વડલો હતો. એના થડ ફરતે ગોળ ઓટલો. એની લાંબી-લાંબી વડવાઇઓ. એ વડવાઇઓ પર લટકતી લાલ-પીળી-લીલી ચૂંદડીઓના લીરા. ડાળીઓ પર હૂપાહૂપ કરતા વાંદરા. અને પપ્પા અચાનક ઢીંચણે પડી ગયા હતા. માથું નમાવેલું. બેય હાથ જોડેલા. ચહેરા પર માફી માગતા હોય તેવો ભાવ... - પપ્પા આ શું કરી રહ્યા છે? એણે મમ્મીને પૂછેલું. - ચૂપ મર છાનીમાની! મમ્મીએ એને તતડાવી નાખેલી.
થોડીવાર પછી પાછા ફરેલા પપ્પાનો ચહેરો જોતાં જ એ ગભરાઈ ગઈ હતી. છેક ઘેર પહોંચ્યાં ત્યાં સુધી કોઈ કશું જ બોલ્યું નહોતું. વચ્ચે વચ્ચે એ ત્રાંસી નજરે પપ્પા સામે જોઈ લેતી. તેઓ મમ્મી સામે વારંવાર જોઈ કશુંક અસ્પષ્ટ બબડ્યા કરતા હતા. એમની આંખોમાં ખેંચાઈ આવેલી લાલ રેખાઓનો મમ્મી પણ સામનો કરી શકે તેમ નહોતી. શું હતું આ બધું? શા માટે પપ્પા એ વડના ઝાડ આગળ નમી પડ્યા હતા? અને વડવાઇઓ પર લટકી રહેલી પેલી રંગબેરંગી ચૂંદડીઓનું શું પ્રયોજન હતું, આખી વાતમાં? એનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું. આખીય ઘટના એને માટે સાવ નવી અને આશ્ચર્યજનક હતી. પણ ઘરમાં કોઇને કશું પૂછી શકાય એમ નહોતું. બલ્લુ હોત તો કદાચ એને પૂછી શકાય. એ બધું જ જાણતો હશે. પપ્પા સાથે ઝઘડો થયો તે રાત્રે મમ્મીએ એને બધી જ વાત કરી હતી. પણ એ રાત પછી તો... શું થયું હતું તે રાત્રે? હા, યાદ આવ્યું . . . મોડી રાત્રે પોતાની પ્રેમિકાને મળીને પાછા ફરેલા બલ્લુએ પપ્પા સમક્ષ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. પપ્પા થોડીકવાર બલ્લુ સામે સાવ અજાણી નજરે તાકી રહ્યા હતા. બલ્લુની વાત જાણે એમના મગજ સુધી પહોંચતી નહોતી કે શું? અને એ પછીનો સિંહની ત્રાડ જેવો એમનો અવાજ – - તમારું કુળ કયું છે? તમે કયા ખાનદાનના છો - એ તો જરા વિચારો બલ્લુ! ઠાકોર નરપતસિંહના વંશને આવું શોભે કે? અને પ્રેમ કરવા માટે તમને કોઈ ન મળ્યું તે પડી-પડીને એક આવી નીચ-હલકટ છોકરીના પ્રેમમાં પડ્યા? આને પ્રેમ ન કહેવાય, બલ્લુ! હોય, આપણામાં; આ ઉંમરમાં આવું બધું તો ચાલ્યા કરે. ચાર દિવસ એની સાથે હરો-ફરો.. ઍશ કરો... અરે! લાખ સોનાનાં હોય તોય જૂતાં તો પગમાં જ શોભે. એને માથે ન મૂકાય, સમજ્યા? ઢળતી રાતના અંધકારમાં પપ્પાની આંખો બિલાડીની આંખોની જેમ ચળકતી હતી, જાણે હમણાં બહાર નીકળી આવશે. એમની મૂછો ફરફરતી હતી તે પંખાની હવાથી કે એમના ક્રોધથી? ઘેઘૂર અવાજ... અને એ અવાજની સાથોસાથ વાતાવરણમાં ફેલાતી જતી મહુડાની તીવ્ર વાસ... - તમે માનો છો એવું નથી, પપ્પા! હું એ છોકરીને સાચા દિલથી પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો એની સાથે જ નહીંતર... બલ્લુનો અવાજ મક્કમ હતો. - તમારું ચસકી ગયું છે બલ્લુ! પપ્પા બરાબરના તાડૂક્યા હતા. પછી મમ્મી સામે જોઈ કહેલું : તમે જ ફટવી માર્યો છે… એને ખબર નથી એ કોની સાથે વાત કરી રહ્યો છે તે! તમે તો જાણો જ છો, અમે એ ખાનદાનના વંશજો છીએ જ્યાં આબરૂ અને જીવ વચ્ચે પસંદગી કરવાની આવે તો જીવ કાઢી આપતાં ક્યારેય અચકાયા નથી. અને આબરૂ ખોનારનો જીવ લેતાં આ હાથ કદી કંપ્યો નથી, એ પણ તમારાથી અજાણ્યું નથી, ઠકરાણાં! અમારે મન સંબંધ કરતાં આબરૂ વધારે અગત્યની છે. સમજાવો, સમજાવો એને કે...
ગભરાઇને એક ખૂણામાં સંતાઈ ગયેલી એને તો ફક્ત એટલું જ દેખાયું હતું કે મમ્મી કશુંય બોલ્યા વગર બલ્લુને ઢસડીને બીજા રૂમ તરફ લઈ જતી હતી.
ખભે ભરાવેલી બૅગ સરખી કરીને એણે ઊબડખાબડ રસ્તા પર ચાલવાની શરૂઆત કરી. ઊંચી હિલવાળાં સૅન્ડલને લીધે ચાલવામાં થોડી તકલીફ પડતી હતી. નજર નીચે રાખી, પગ સાચવી-સાચવીને મૂકવો પડતો હતો. બલ્લુ ગયો એના થોડાક સમય પછી એક દિવસ એનો રૂમ સાફ કરતાં એક ડાયરી હાથમાં આવી હતી, કદાચ બલ્લુની જ હતી. મમ્મી જાણે નહીં તેમ એ ડાયરી એણે તફડાવી લીધેલી. દિવસે તો વાંચી શકાતું નહીં, એટલે રાત્રે મમ્મી-પપ્પા સૂઈ જાય પછી એ ડાયરી કૉલેજનાં પુસ્તકો વચ્ચે મૂકી એણે વાંચવાની શરૂઆત કરી હતી. એક ઠેકાણે બલ્લુએ લખ્યું હતું : આજે પપ્પા સાથે ખાસ્સી ચડભડ થઈ ગઈ, ગાયત્રી સાથેના સંબંધને લઇને. તેઓ કશું જ સમજવા તૈયાર નથી. એમના એ જ જૂના-પુરાણા ખ્યાલો અને રીત-રિવાજો. એમની સાથે વધારે ઝઘડો થાય તે પહેલાં તો મમ્મી મને બીજા રૂમમાં ખેંચી ગઈ હતી. શાંતિથી પલંગમાં બેસાડી સમજાવટભર્યા સૂરે કહેવા લાગી- - બલ્લુ! તું તારા પપ્પાને જાણતો નથી… એમની સાથે વધારે દલીલ કરવાનો કોઈ જ અર્થ નથી, બેટા! રજવાડી ખૂન વહે છે એમની નસોમાં, આજે પણ - જેવું આજથી પચ્ચીસ વર્ષ પહેલાં હતું તેવું જ - ગરમ અને ધગધગતું. એ ગુસ્સે થાય પછી સારા-નરસાનું કશું જ ભાન રહેતું નથી એમને. એક દાખલો આપું તને. ત્યારે તો બાપુસાહેબ પણ હયાત હતા, તમારા દાદા-ઠાકોર નરપતસિંહ... દરબારગઢના ધણી! રજવાડાં ગયાં, પણ એમેનો ઠાઠ અને રૂઆબ હજુ એવાં ને એવાં જ હતાં. આખાય પંથકમાં એમના નામના સિક્કા પડતા. પ્રજા પણ એમની આમન્યા જાળવતી. પડ્યો બોલ ઝીલી લેતી. બાપુસાહેબ કહે કે દહાડો તો લોક કહે દહાડો અને બાપુસાહેબ કહે કે રાત તો લોક કહે રાત. પણ પેલી કહેવતમાં કહ્યું છે ને કે, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ જ પહોંચે! એમની આમન્યા એમના ઘરમાં જ તૂટી. વાત જાણે એમ હતી, બલ્લુ કે -
એકવાર આખાય વિસ્તારમાં ઉપરાઉપરી બે ચોમાસાં કોરાંધાકોર ગયાં. કૂવા-તળાવ-નદી-નાળાં તળિયાઝાટક! પાણી વગર જનાવરો તરફડી-તરફડીને મરતાં હતાં. લોકો ગામ-ગઢ છોડી બીજા પ્રદેશમાં હિજરત કરવા લાગ્યાં. બાપુસાહેબથી પ્રજાનું આ દુ:ખ સહન થતું નહોતું. પણ થાય શું? એ તો ખાટલે પડ્યા હતા. પાછલી ઉંમરે એમને લકવો પડેલો તે ખાટલેથી જ અસ્પષ્ટ અવાજે હુકમ છોડ્યા કરે - કૂવા-વાવ-તળાવ ખોદાવો! એમના હુકમનો અમલ થયો, પણ એક્કેય કૂવા કે વાવમાં પાણી થયું નહીં. ગઢના જ્યોતિષીની સલાહ લેવાઈ. એણે કહ્યું, દરબારગઢના એક ખૂણે કૂવો ખોદાવો, ત્યાં પાણી થશે. રાતોરાત મજૂરો કામે લગાડવામાં આવ્યા. કૂવો પૂરા બાવન હાથ ખોદાયો, પણ પાણીની વાત તો દૂર રહી એટલી ઊંડાઇએ પહોંચ્યા પછી માટીમાં સહેજ ભેજ પણ જોવા ન મળ્યો. એવામાં એક મજૂરે રસ્તો બતાવ્યો - રાજસ્થાનમાં એક વણઝારો છે. આમ છે નીચી જાતિનો, પણ ભારે ખેપાની છે. પાતાળ ફાડીને પાણી કાઢી આપે, એને તેડાવો.. આઠ-દસ માણસોને તાબડતોબ રાજસ્થાન તરફ દોડાવવામાં આવ્યા. અને ચોથા દિવસે ઊંટ પર બેસી એક માણસ હાજર થયો. ના, એ સામાન્ય માણસ જેવો નહોતો, પણ કોઈ દેવાંશી રૂપ હતું એનું. બગલાની પાંખ જેવાં વસ્ત્રો.. વીંછીના ડંખ જેવી મૂછો.. માથે રાતાં-પીળાં ટપકાંવાળી પાઘડી.. વચ્ચે રંગબેરંગી ફૂમતું - હવામાં આમતેમ ડોલતું.. અને હાથમાં રહેલા જોડીયા પાવા.. વાલમ એનું નામ, વાલમ વણઝારો!
- પાણી તો આમ પાટું મારીને પેદા કરું બાપુ! એણે જમીન પર પગ પછાડતાં કહ્યું. પણ મારી એક શરત માનવી પડે.
- બોલ, ભાઈ! તારી શરત પણ બોલી નાખ!
- હું નીચ જાતિનો માણસ. નાના મોંઢે મોટી વાત લાગે તો ક્ષમા કરજો, બાપજી! પણ જ્યાં લગણ હું કૂવામાં નીં ઉતરું ત્યાં લગણ પાણી નીં થાય!
એક રજવાડી ખાનદાન માટે આ શરત થોડી આકરી હતી, પણ અત્યારે પ્રજાના ભલા માટે બાપુસાહેબ ગમે તેવી શરતો સ્વીકારવા તૈયાર હતા. લોક જોતું રહ્યું ને વણઝારો કૂવામાં ઊતર્યો. કૂવાની વચ્ચોવચ ઊભા રહી; આંખો મીંચી ત્રિકમ હાથમાં લઈ જમીન પર એક ઘા કર્યો ત્યાં તો કૂવાના તળિયેથી પાણીના ફુવારા વછૂટ્યા. ચારેકોર આનંદ વ્યાપી વળ્યો. બાપુસાહેબના નામનો જય-જયકાર થઈ રહ્યો. લથબથ ભીંજાયેલો વણઝારો બહાર નીકળી કૂવાના થાળામાં ઊભો રહ્યો; ત્યાં જ એની નજર સામે પડી. ઝરૂખે ઊભેલાં અંતરકુંવર અને એની નજર એક થઈ ન થઈ ત્યાં જ ઑસરીમાં સૂતેલા બાપુસાહેબનો ખોંખારો સંભળાયો....
થોડાક દિવસો પછી વણઝારો કે’ : બાપુ! હવે રજા આપો. હવે તો ગઢમાં લીલાલહેર છે. મને મારો દેશ સાંભર્યો છે. મારાં લોકો સાંભર્યાં છે!
બાપુસાહેબે માથું નકારમાં હલાવ્યું : ભાઈ! તું તો અમારો તારણહાર થઈને આવ્યો. તારા પગલે અહીં જાહોજલાલી થઈ. જે જોઇએ તે માગી લે , પણ અહીંથી જવાની વાત...
- બીજું તો કશું ખપતું નથી બાપુ, પણ આપવું જ હોય તો બસ, એટલું વચન આપો કે, આ કૂવો ક્યારેય પૂરશો નહીં.
બાપુસાહેબે એને વચન આપ્યું, એટલું જ નહીં એની કુળદેવીના સોગન આપીને એને કાયમ માટે ગઢમાં જ રોકી લીધો. ગઢના એક ખૂણે એને તમામ સુખ-સગવડવાળી એક અલાયદી મેડી પણ ફાળવી આપી. દરબારગઢના દિવસો જાણે બદલાયા હતા. અને તે ય એક વણઝારાને કારણે. એ ગઢમાં સૌની સાથે હળીભળી ગયો હતો. દિવસે ઊંઘે અને રાત્રે જોડીયા પાવા પર એવા સૂર છેડે કે પવન પડી જાય. જળ પણ આપોઆપ જંપી જાય. ગામ આખું એના ઘેનમાં ચૂર થવા લાગે. કહે છે કે, જંગલમાંથી હરણ આવી એના પગ પાસે ઊભાં રહી જતાં. તેથી જ લોકોએ એનું નામ પાડ્યું: રસિયો વાલમ!
બાપુસાહેબને બે સંતાનો - એક તમારા પપ્પા અને બીજાં તમારાં ફોઇસાહેબ - અંતરકુંવર. બાપુસાહેબનાં લાડકવાયાં. હથેળીમાં રાખેલાં - રમાડેલાં. આ બધું થયું તે વખતે એમની ઉંમર સોળ વર્ષની. રસિયાના સૂરની મોહિનીમાંથી એ પણ બાકાત રહ્યાં નહોતાં. રાત્રે મેડીના ઝરૂખે ઊભાં-ઊભાં એના સૂરમાં એવાં તે ખોવાઈ જતાં કે સૂવાનું પણ વિસરી જતાં. થોડાક દિવસો પછી ગઢમાં ઊડતી-ઊડતી વાતો આવવા લાગી કે અંતરકુંવર રસિયા પાછળ ઘેલાં થયાં છે. અને એક વહેલી પરોઢે રસિયાની મેડી આગળથી પસાર થતાં તમારા પપ્પાએ શું જોયું? રસિયો થાંભલીના ટેકે આંખો મીંચી પાવો વગાડી રહ્યો છે અને અંતરકુંવર એના પગનું ઓશીકું બનાવી સૂતાં છે, ઘસઘસાટ!
તાત્કાલિક ફરમાન જાહેર થયું. કહે, ઠકરાણાં! અંતરકુંવરને લઇને તમે અત્યારે ને અત્યારે તમારાં પિયર ચાલ્યાં જાઓ.
કશું પૂછવાનો કે સામી દલીલ કરવાનો કોઈ જ અવકાશ નહોતો, બલ્લુ! અમે તરત જ નીકળી ગયાં. અંતરકુંવર આખી વાટ પ્રશ્નો પૂછી-પૂછીને મારું માથું ખાઈ ગયાં : ભાભીસા’! આમ અચાનક કેમ ઉપડ્યાં? અને તમારાં પિયરમાં મારું શું કામ છે તે મને આમ સાથે લીધી?
એ વખતે એમના એક્કેય પ્રશ્નનો ઉત્તર મારી પાસે નહોતો. પણ પંદરેક દિવસ પછી પાછાં ફર્યાં ત્યારે સઘળા ઉત્તરો અમને એકસામટા મળી ગયા. અંતરકુંવર ગાડીમાંથી ઉતરતાંવેંત કૂવા પાસે ગયાં, તો કૂવો ગાયબ! એના ઠેકાણે એક નાનકડો ગોળ ઓટલો ચણેલો હતો. અને વચ્ચે વડનું માથોડું ઊંચું થડ રોપેલું.. એની આજુબાજુ દાણા ચણી રહેલાં પક્ષીઓ... રસિયા વાલમની મેડી સૂની હતી. મેડી આગળ એના પાવાના ટુકડા ધૂળમાં આમતેમ રગદોળાયેલા..! દરબારગઢ ભેંકાર ભાસતો હતો. અંતરકુંવર રઘવાયાં થઇને આમતેમ દોડ્યાં કરતાં રસિયાની શોધમાં.. એમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. કોઇની સાથે વાત પણ કરતાં નહીં. કશુંક અજુગતું બનવાનું હોય તેમ અજાણ્યા ભયના ઓથાર તળે સૌ જીવી રહ્યાં હતાં. બાપુસાહેબથી આ આઘાત જીરવાયો નહીં. અને એક મધરાતે તેઓ પાછા થયા.
બસ, પછી તો ગઢની પણ જાણે દશા બદલાઈ. લોકો વગર બીમારીએ ટપોટપ મરવા લાગ્યાં. ગામ ખાલી થયું. લોકો બીજે રહેવા ચાલી ગયાં. ગઢમાં સૂનકાર રાસડા લેવા લાગ્યો. અંતરકુંવર હવે એકાંતવાસમાં જ રહેતાં હતાં. બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી બહાર પણ ન નીકળે. અને એક સવારે નીકળ્યાં તો સફેદ વસ્ત્રો.. કપાળમાં ગોળ-મોટો લાલ રંગનો ચાંદલો અને માથા પરના સૂંડલો વાળ ગાયબ... કોઈ સાજ-શણગાર ન મળે. પગમાં પગરખાં સુદ્ધાં નહીં. આંખોમાં કોઈ જુદા જ પ્રકારની ચમક... જાણે એ અંતરકુંવર નહીં પણ કોઈ બાલાજોગણ હતાં.. બહાર નીકળીને મક્કમતાપૂર્વક એ સીધાં વડવાળા ઓટલા પર ગયાં. ઓટલા વચ્ચે, વડના થડ પાસે પલાંઠી વાળી આંખો મીંચી બેસી પડ્યાં, બસ...
ઐતિહાસિક અને અવાવરુ જગ્યાઓમાં જ સંભવી શકે તેવી ગંધ ચારેકોર પ્રસરેલી હતી - જૂનાં, વર્ષોથી કોઇએ ખોલ્યાં ન હોય તેવાં પુસ્તકોમાંથી ઉત્પન્ન થતી બટાઈ ગયેલી, ભેજવાળી ગંધને મળતી. અને અજવાળા પર હાવી થવા કરતું આછું આછું અંધારું… એના પગ એકાએક અટકી ગયા. એને નવાઈ લાગી. એ ચાલતી-ચાલતી છેક ગઢના દરવાજે પહોંચી ગઈ હતી - એની ખબર પણ ન પડી. પરંતુ હવે આટલે પહોંચ્યા પછી જાણે ખૂબ જ થાકી ગઈ હોય એવું કેમ લાગે છે? શરીરના તમામે તમામ સાંધા કળવા લાગ્યા. તરસ પણ લાગી હતી. એણે બૅગમાંથી પાણીની બૉટલ કાઢી મોંઢે માંડી.
દરવાજા પાસે જ જમણા હાથે એક મંદિર હતું, ભીંતમાં કોતરેલી હનુમાનજીની મૂર્તિ. એના પર સિંદૂર અને તેલના રગડા… આખાય મંદિરમાં ધૂળના થર બાઝેલા હતા અને કરોળિયાનાં મોટાં-મોટાં જાળાં... એણે માથું એ દિશામાં સહેજ નમાવ્યું. પછી સામે નજર નાંખી. ભાંગેલા ઝરૂખા… ગોખ… નમી પડેલી થાંભલીઓ…ચોરસ પથ્થરો... ઝાડી-ઝાંખરાં.. સાગ-વાંસ-મહુડા-આવળ-બાવળનાં આડેધડ ફાલેલાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં એ બધાં વૃક્ષોનાં લીલાં-સુક્કાં પાંદડાં - એ બધું વટાવીને એની નજર પેલા વડને શોધવા લાગી. એને આશ્ચર્ય થયું. અત્યારે પીપળો વચ્ચે નથી આવતો છતાં વડ કેમ દેખાતો નથી?
બલ્લુની ડાયરીનાં છેલ્લાં પાને લખ્યું હતું : મમ્મીની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. એક પ્રકારનો રોમાંચ પણ મારી ભીતર ફેલાઈ વળ્યો હતો. મને ઘણીવાર એકનું એક સપનું આવ્યાં કરતું. એક કાળમીંઢ કૂવો.. કૂવાના થાળા પર ઊભેલો સફેદ વસ્ત્રોવાળો એક જુવાન વણઝારો.. સામે ઊભેલી એક મુગ્ધ છોકરી. અચાનક ક્યાંકથી દોડી આવતો એક ઘોડેસવાર. વણઝારાને લાગેલો ધક્કો.. અને બીજી જ ક્ષણે એ કૂવામાં ગરકાવ.. અને.. મમ્મીએ કહેલું કે, પછી તો ફોઇસા’ની આખાય પંથકમાં નામના થઈ ગયેલી. ગમે તેવી સમસ્યાઓના હલ માટે લોકો એમની પાસે આવતા. એ કદી કોઇને નિરાશ કરતાં નહીં. જીવનના અંત સુધી એમણે એ જગ્યા છોડી નહીં. અને એક દિવસ એમણે સ્વેચ્છાએ દેહ ત્યાગી દીધો. એ જગ્યા પર અત્યારે પણ લોકો જાય છે અને એમની સમાધિ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરે છે. કહે છે કે, આજ સુધી કોઈ એમની સમાધિ પરથી નિરાશ પરત ફર્યું નથી. મમ્મીની આ વાત મને હાસ્યાસ્પદ લાગતી હતી. હું ગમે તેમ તોય સાયન્સ ગ્રૅજ્યુએટ એટલે મને આવી બધી બાબતોમાં શ્રદ્ધા ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ એ જ ક્ષણે મેં નિર્ણય લઈ લીધો હતો કે, હું પણ ત્યાં જઈશ, ગાયત્રીને લઈને. એટલા માટે નહીં કે મારી ઈચ્છા પૂરી થાય, પણ એટલા માટે કે મારા પપ્પાએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી શકું! અને એ રીતે એમણે મારાં ફોઇસા’ને કરેલા અન્યાયને હું ન્યાયિક ઠેરવી શકું. બીજા દિવસે અમે લોકો - હું અને ગાયત્રી - ત્યાં ગયાં. વડની ઘટા નીચે ઊભા રહી, હાથ જોડી મેં એમની માફી માંગી હતી. અને મેં મનોમન કહેલું કે, જે પરંપરાએ તમારી જિંદગીનો ભોગ લીધો હતો, ફોઇસા’! એને હું આગળ નહીં વધવા દઉં. ગાયત્રી સાથે લગ્ન કરીને હું પુરવાર કરીશ કે પ્રેમ ક્યારેય જ્ઞાતિનો ભેદ જોતો નથી. પછી એ માટે થઇને ભલે મારે પપ્પાનું ઘર કે મિલકત છોડવાં પડે!
ઓહ! . . . પગે ઠેસ આવી. એના મોંઢેથી ઊંહકારો સરી પડ્યો. ચાલ ધીમી પડી ગઈ. એણે નીચે જોયું. સુક્કાં-ભીંજાયેલાં પાંદડાંનો ઢગલો... ઠેસ લાગે એવું-પથ્થર કે બીજું-કશું દેખાયું નહીં. તો પછી શેના લીધે ઠેસ આવી હશે? ગઢની ઉપરના આકાશમાં એક મોટું કાળું વાદળ હજી પણ સ્થિર થયેલું હતું. એના લીધે ગઢમાં એકદમ અંધારું પથરાઈ ગયું હતું. એણે ધારી-ધારીને જોયું. પાતળું-લીસ્સું લાકડું નજરે ચડ્યું. શું હશે એ? વાંસના લાકડામાંથી બનેલી, ગોળ કાણાંવાળી દબાઇને ચપ્પટ થઈ ગયેલી ચીપ. એના હૃદયના ધબકારા વધવા લાગ્યા. ધડકતે હૈયે એણે એ ચીપ હાથમાં લીધી. બે-ત્રણ વાર આમતેમ ફેરવી જોઈ. અચાનક પવન સૂસવાવા લાગ્યો. ચામાચીડિયાં આમતેમ પાંખો વીંઝવા લાગ્યાં. ઝાડીઓમાં ભરાઈ રહેલાં પક્ષીઓ ઊડાઊડ કરવા માંડ્યાં. ગોખ અને ઝરૂખાની બખોલમાં ભરાઈ બેસેલાં કબૂતરોનું ઘટર-ઘૂં વધી પડ્યું. નીલગિરિનાં ઝાડ પર બેઠેલા અસંખ્ય કાગડા એકસાથે ઊડીને કકળાટ કરવા લાગ્યા. મહુડાની ડાળ પર બેસેલી ચીબરી પણ ચિત્કારી ઊઠી. વર્ષો પહેલાંની સ્મૃતિના સહારે એ આગળ વધી. વડ અહીં આટલામાં જ ક્યાંક હોવો જોઇએ. એને સાંભરી આવ્યું - ખરા બપોર.. અને સામેના એક ઓરડામાં એ અને મમ્મી બેઠાં હતાં.. પણ ક્યાં છે એ ઓરડો? અને વડ? એને નવાઈ લાગવા માંડી. જ્યાં જુએ છે તે બધી જ જગ્યાઓ એને એકસરખી લાગે છે. આવું કેમ? ખાસ્સું ચાલ્યા પછી પણ એ ઊભી રહીને પાછળ નજર કરે છે તો ગઢનો દરવાજો સાવ પાસે ને પાસે.. એવું તો નથી ને કે એ ચાલી જ ન હોય.. એને ખાલી ચાલવાનો ભ્રમ થતો હોય? ના,ના.. સાવ એવું તો ન જ થાય.. એણે એકાદ મિનિટ માટે આંખો મીંચી દીધી. એની ભીતર ઘોડાની હણહણાટી પડઘાવા લાગી. ક્યાંક દૂરથી ઊંટના ઘાંઘરવાનો અવાજ વહી આવ્યો. એ અવાજમાં પાવાનો ધીમો સૂર પણ ભળ્યો. પછી તો ઊંટ અને એના પર બેઠેલો સફેદ વસ્ત્રોવાળો એક સવાર પણ દેખાયો. એ આ તરફ આવી રહ્યો હતો. આવી રહ્યો હતો? કે ક્યાંક જઈ રહ્યો હતો? કશું સ્પષ્ટપણે કળાતું નહોતું. એણે આંખો ખોલી નાખી..
એ હાંફવા લાગી. અજાણી હવામાંથી શ્વાસ લેવામાં પણ થોડી તકલીફ થતી હતી. એના પગ તૂટતા હતા. બરડો ફાટફાટ.. દરમાંથી બહાર નીકળી રઘવાયા થઈ સરકતા સાપની જેમ એ આમ તેમ ભટકતી રહી. કેવળ લિસોટા પાછળ રહી જતા હતા. વડના સગડ ક્યાંયથી મળતા નહોતા. એને બલ્લુ પર શંકા થઈ આવી. એણે ડાયરીમાં લખ્યું હતું એ બધું ખોટું તો નહોતું ને? ના, બલ્લુ એવું ન કરે.. તો પછી? આખી દુનિયાની સહાય કરતાં અંતરફોઇસા’ એને કેમ આમ ટટળાવી રહ્યાં છે? એક ક્ષણ માટે એને સોહમ્ સાંભરી આવ્યો. ઊંટ પર બેઠેલો પેલો સવાર સોહમ્ તો નહોતો ને? એણે અજાણ્યો થરકાટ અનુભવ્યો. અચાનક વીજળી ચમકવા લાગી. ઝીણા-ઝીણા છાંટા પડવા લાગ્યા. મંદમંદ ગતિમાં ડોલતાં વૃક્ષો ધૂણવા લાગ્યાં. પવનના સૂસવાટા વધી પડ્યા. તમરાંનો અવાજ કાન ફાડી નાખવા લાગ્યો. અંધારું ઘેરું થવા લાગ્યું. એક મોટું વૃક્ષ તૂટીને એની બાજુમાં જ પડ્યું. અંધારાને ચીરતી એ દોડવા લાગી.
- અ..દિ..તિ..ઇ..ઇ.. : એને લાગ્યું કે કોઈ એનું નામ પોકારી રહ્યું છે, પરંતુ એણે એ તરફ ધ્યાન આપ્યું નહીં. ખાસ્સીવાર દોડ્યા પછી એ મુખ્ય રસ્તા પર આવી પહોંચી. અહીં કશું જ નહોતું. ન વરસાદ, ન વાવાઝોડું. એણે પોતાનાં કપડાં ચકાસી જોયાં. માથાના વાળ પર હાથ ફેરવી જોયો. બધુંય બરાબર જ હતું. તો પછી? હવે એને પોતાની જાત પર પણ સંદેહ થવા લાગ્યો. એ અહીંથી ત્યાં ગઈ હતી ખરી કે પછી આવી ત્યારથી અહીં ને અહીં જ ઊભી રહી છે? રસ્તાની ધાર પર ઊભા રહીને એણે પાછળ જોયું. ગઢ પર છવાઈ વળેલું પેલું કાળુંભમ્મર વાદળ ત્યાંથી હટીને અહીં આવી પહોંચ્યું હતું. એ જાણે વાદળમાંથી વરસતા ધૂંધકાર વચ્ચે ઊભી હતી. ત્યાં અંધારું આછરી ગયું હતું. થોડીવાર પહેલાં અંધકારમાં ગોટમોટ થઇને પોઢેલો દરબારગઢ હવે સૂર્યના ચકચકતા અજવાળામાં ચોખ્ખો દેખાતો હતો - જાણે હમણાં જ ભરઊંઘમાંથી જાગ્યો ન હોય! એ ગઢને ધારીધારીને જોઈ રહી. એને સ્પષ્ટ દેખાવા લાગ્યું - ગઢની વચ્ચોવચ ઘટાદાર વડ.. વડની ફરતે ગોળ ઓટલો.. લાંબી વડવાઇઓ.. હવામાં ફરફરી રહેલી લાલ-લીલી-પીળી ચીંદરીઓ.. અને વડના થડ પાસે પલાંઠી લગાવીને બેઠેલી એક સ્ત્રી! એણે અંતરફોઇસા’ને ક્યારેય જોયાં નહોતાં, પણ મમ્મીએ બલ્લુ સમક્ષ કરેલાં વર્ણન પરથી એ એટલું તો નક્કી કરી શકી કે એ એનાં ફોઇસા’ તો નથી જ. તો પછી? એણે આંખો ખેંચીખેંચીને જોયું. અને આ શું? ફોઇસા’ની જગ્યાએ દેખાયેલો ચહેરો જોઇને એ એકદમ છળી ઊઠી… - ત્યાં જ દૂરથી આવતાં કોઈ વાહનનું હૉર્ન સંભળાયું અને સાથોસાથ મોબાઇલનો રિંગટૉન પણ. એણે બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. જોયું - સોહમ્. એનો ધ્રૂજતો અંગૂઠો હળવેથી મોબાઇલના કી-પેડની લીલા રંગની સ્વિચ તરફ લંબાયો…
તન્ત્રીનૉંધ :
બે રસ્તા, ઘોડાઓના ડાબલા, હણહણાટી, જૂના જમાનાની જિપ, બાપુસાહેબની પધરામણી અને રસ્તાની ધાર પર ઊભેલી એ એકલી-અટૂલી, એથી થયેલો વાર્તાનો ઉઘાડ નૉંધપાત્ર છે.
ચારેય કોરની અદૃશ્ય અને અન્તહીન ખામોશી કે ખાલી અવકાશમાં ઝૂલતા લીસોટા જેવાં અનેક સેન્દ્રિય વર્ણનો આ રચનાની વિશેષતા છે. એથી વાર્તાને ઉપકારક પરિમાણ રચાયાં છે. એવા પરિવેશમાં દરબારગઢ દૃશ્ય થયો છે અને એમાં અદિતિ, સોહમ અને અનિરુદ્ધસિંહ વિશેની વાર્તા શરૂ થઈ છે. અદિતિનો ગઢની અંદરનું જોવાનો પ્રયત્ન, દરબારગઢનો એક માત્ર વારસદાર એનો ભાઈ બલ્લુ જે ગૂમ થઈ ગયો હોય, દરબારગઢની પહેલી મુલાકાત, બલ્લુની ડાયરીનું વાચન. રસિયો વાલમ અને અંતરકુંવર; અંતરકુંવર નહીં પણ કોઈ બાલાજોગણ. એવા એવા અનેકાનેક પ્રસંગોથી ટૂંકી કહેવાતી આ વાર્તાને કથકે ધીમી ધીરજે એક પિલ્લું ઉકેલે ઊકેલી છે. એ એના જેટલા જ ધીરજવાન વાચકના કુતૂહલને સતત પ્રેરે છે અને તોષે છે. એ અર્થસંકેતમાં રચના ઉચિત દીસે છે.