સાહિત્યિક સંરસન — ૩/દીવાન ઠાકોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ દીવાન ઠાકોર ++


પુસ્તક અને સત્ય —



પોલીસ સ્ટેશનનો એક રૂમ. ટેબલની આસપાસ ચાર ખુરશીઓ પડી છે. પોલીસ ઇન્સ્પેક્ટરનો એક પગ ખુરશી પર છે. તેના એક હાથમાં દંડો છે. તે દંડો બીજા હાથની હથેળી પર ધીમે ધીમે ઠપકારે છે. બાજુમાં એક ખાદીધારી સજ્જન ઊભા છે. તેમની પાછળ એક મવાલી જેવો દેખાતો માણસ મનમોજી મોહનને ઘેરીને ઊભો છે. પોલીસ ઇન્સ્પેક્ટર મનમોજી મોહનને કંઇક પૂછે તે પહેલાં ટેબલ પર જોશથી દંડો પછાડે છે. ટેબલના ખૂણા પર દંડો પછાડવાનાં નિશાન સ્પષ્ટ દેખાય છે. ઇન્સ્પેક્ટર ક્રોધિત અવાજે મનમોજી મોહનને પૂછે છે. પોલીસ ઇન્સ્પેક્ટર- “તું આ પુસ્તક ક્યાંથી લાવ્યો છે?” મનમોજી મોહન- “મને જ ખબર નથી કે આ પુસ્તક મારાં ઘરમાં ક્યાંથી આવ્યું?” પોલીસ ઇન્સ્પેકટર- “પુસ્તકને હાથ-પગ છે? તે ચાલીને આવશે?” પેલો મવાલી જેવો દેખાતો માણસ જેનું નામ જગુ છે તે બીતો બીતો થોડો આગળ આવ્યો. વધેલી કાબરચીતરી દાઢી-મૂછવાળો તે કંઇક કહેવા માંગતો હતો, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરનો ડંડો પકડેલો હાથ ઊંચકાયેલો જોઇને બોલવાનું સાહસ ન કરી શક્યો. તે ડરને કારણે પાછળ હટી ગયો. નેતાજી- “સાહેબ, બે ડંડા ઠોકોને એટલે બોલવા માંડશે.” ખાદીધારી નેતાજી ટોપી સીધી કરતાં બોલ્યા. મનમોજી મોહન- “હું સાચું કહું છું. હું કાંઈ જાણતો નથી.” ઇન્સ્પેક્ટર- “તું સાચું બોલે છે એની સાબિતી શું?” મનમોજી મોહન- “હું સાચું બોલું છું કે ખોટું તે તમારે નક્કી કરવાનું છે.’ ઇન્સ્પેકટર- ”તું ખોટું બોલે છે.” મનમોજી મોહન- “એનો અર્થ એ કે તમને સાચું શું અને ખોટું શું તે નક્કી કરતા આવડતું નથી.’ ઇન્સ્પેક્ટર- “મેં ભલભલા કઠિન કેસ સોલ્વ કર્યા છે. આ નેતાજીને પૂછ.” મનમોજી મોહને નેતાજી સામે જોયું. નેતાજીએ ડોકી હલાવી, પણ તે મનમોજી મોહનની નજર સામે નજર મેળવી શક્યા નહીં. મનમોજી મોહને પુસ્તક તરફ જોયું. પુસ્તક જાડું અને દળદાર હતું. તે જૂનું હતું. તેનું પૂઠું લાલ રંગનાં કપડાંથી મઢેલું હતું. પુસ્તક જોતાં તે કોઈ પવિત્ર પુસ્તક જણાતું હતું. કદાચ તે માનવજાત માટે મહત્ત્વનું પુસ્તક હતું. મનમોજી મોહનને તે હાથમાં લેવાની ઇચ્છા થઈ. જોકે તેણે એમ ન કર્યું. ઇન્સ્પેક્ટર- “તું દેખાય છે એટલો સીધો નથી. તને રિમાન્ડ પર લેવો પડશે.” પોલીસ ઈન્સ્પેક્ટરે ફરી દંડો પછાડ્યો. એણે ખુરશી પરથી પગ લઇ લીધો. એ સીધો ટટાર ઊભો રહ્યો. તેના હાવભાવમાંથી પોલીસ અધિકારી તરીકેનો રૂઆબ પ્રગટતો હતો. મનમોજી મોહન- “પરંતુ એ તો જણાવો કે મારો ગુનો શું છે?” ઇન્સ્પેકટર- “આ ભયંકર પુસ્તક તારી પાસેથી મળ્યું છે, એ જ તારો ગુનો છે. તું કોઈ સીધોસાદો માણસ નથી. તું કઈ ટોળકીનો સભ્ય છે? તમારી ભાંગફોડ કરવાની યોજના શું છે?” મનમોજી મોહન- “તમે શું કહેવા માંગો છો?” ઇન્સ્પેકટર- “તેં આ પુસ્તક વાંચ્યું છે?” મનમોજી મોહન- “થોડું વાંચ્યું છે. કોઈ પુસ્તક વાંચવું એ ગુનો છે?” ઇન્સ્પેક્ટર- “આ પુસ્તક રાખવું અને વાંચવું એ પણ ગુનો છે. તને એ ક્યાંથી મળ્યું તે સાચું કહી દે.” મનમોજી મોહન- “ગઇકાલ સુધી મેં આ પુસ્તક જોયું ન હતું. સવારે ઊઠ્યો ત્યારે મેં તેને ટેબલ પર પડેલું જોયું. હાથમાં લીધું. બે-ત્રણ પાનાં વાંચ્યાં. મને રસ પડ્યો. ખરેખર આ એક રસપ્રદ પુસ્તક છે.” ઇન્સ્પેકટર- “તેં પુસ્તક વાંચ્યું છે એટલે જ તું આ રીતે વાત કરે છે.” મનમોજી મોહન- “હજુ મેં પૂરું વાંચ્યું નથી. હું આગળ વાંચું ત્યાં તો તમારી ગાડી આવીને ઊભી રહી અને મને પકડીને અહીં લઈ આવી.” ઇન્સ્પેક્ટરે નેતાજી સામું જોયું. નેતાજી માથું હલાવતા ખંધાઇપૂર્વક હસ્યા. ઇન્સ્પેક્ટર- “તને ખબર છે આ પુસ્તક કેટલું ખતરનાક છે? તેમણે હાથમાંનો દંડો ઊંચો કરતાં કહ્યું. મનમોજી મોહન- “તમારા હાથમાં રહેલા દંડા જેટલું તો નથી જ.” ઇન્સ્પેક્ટર- “ચૂપ કર. પૂછું એનો જવાબ આપ. તારી ટોળકીમાં કોણ છે?” મનમોજી મોહનને ધીમે ધીમે સમજાતું ગયું કે નક્કી કોઈ ગરબડ થઈ છે. જોકે, એ વાત સમજાતી ન હતી કે કોઈ પુસ્તક ખતરનાક કેવી રીતે હોઈ શકે? એ જ વખતે ફોનની ઘંટડી વાગી. પોલીસ ઇન્સ્પેક્ટર ફોન પાસે ધસી ગયો. એણે ફોન ઉપાડ્યો. ફોનના સામા છેડેથી આવતો અવાજ સાંભળી તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા. થોડીવાર પહેલાંનો ક્રૂર, હિંસક અને કઠોર જણાતો ચહેરો સૌમ્ય અને શાંત થઈ ગયો. અત્યારે તે દુનિયાના પ્રથમ દસ સજ્જનો પૈકીનો એક જણાતો હતો. તે વારંવાર બે જ શબ્દો બોલતો હતો -”યસ સર. હાજી સર.” તેણે વાતચીત પૂરી થતાં ફોન મૂકી દીધો. બધાંની નજરો ઇન્સ્પેકટરને જોતી હતી. દરેકની નજરમાં પ્રશ્નો હતા. કોનો ફોન હતો? શું વાત થઈ હતી? બધા પ્રશ્નો નિરુત્તર હતા. નેતાજી- “કોણ હતું?” ઇન્સ્પેકટર- “મોટા સાહેબનો ફોન હતો.” જવાબ આપતાં ઇન્સ્પેક્ટરના કપાળ પર કરચલીઓ ઊપસી આવી. નેતાજી- “શું કહ્યું?” ઇન્સ્પેકટર- “સાહેબ રૂબરૂ તપાસ માટે આવે છે.” નેતાજી- “સાહેબ અત્યારે આવે છે?” ઇન્સ્પેકટર- “હા. અહીં આવવા નીકળી ગયા છે.” નેતાજીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. નેતાજી- “સાહેબ કેટલીવારમાં આવશે?” આ પ્રશ્નનો જવાબ કોઈએ આપ્યો નહિ. ભારેખમ મૌન છવાઈ ગયું. મનમોજી મોહન ઊભો થઈ ચાલવા માંડ્યો. ઇન્સ્પેક્ટરનું ધ્યાન મનમોજી મોહન તરફ ગયું. ઇન્સ્પેકટર- “એ ય ક્યાં જાય છે?” મનમોજી મોહને હાથ ઊંચો કરી ટચલી આંગળી બતાવી. લઘુશંકા જવા માટે દરવાજા તરફ ઇશારો કર્યો. ઇન્સ્પેકટર- “ચુપચાપ બેસી જા.” મનમોજી મોહને ફરી ટચલી આંગળી ઊંચી કરી. ’મારે બાથરૂમ જવું છે’ એમ સંકેત વડે સમજાવ્યું. અધિકારીની આંખોમાં નરમાશ પ્રવેશી. ઇન્સ્પેકટર- “દિવાકર એની પાછળ જા.” કોન્સ્ટેબલ સૂચનાને અનુસર્યો. ઇન્સ્પેક્ટર નેતાજી તરફ જોઈ રહ્યો. ઇન્સ્પેકટર- “સાહેબ તમે ત્યાં બેસો.’ ઇન્સ્પેક્ટરે ટેબલ પર પડેલી ફાઇલો સરખી કરી, કબાટમાં મૂકી. દંડો દરવાજા પાછળ સંતાડી દીધો. ઇન્સ્પેકટર- “જગુ તું થોડીવાર બહાર બાંકડે બેસ.” જગુ ગયો. જગુએ જતા જતા નેતાજીના કાનમાં ધીમા શબ્દોમાં કંઇક કહ્યું. કોન્સ્ટેબલ- “મોટા સાહેબ આવે છે.” બહાર જીપ ઊભી રહેવાનો અવાજ આવ્યો. કોન્સ્ટેબલ - ”સાહેબ આવી ગયા છે.” ઇન્સ્પેક્ટર દરવાજા તરફ ઝડપથી ચાલ્યો. મોટા સાહેબ દરવાજામાં પ્રવેશ્યા. ઇન્સ્પેક્ટરે બાજુમાં ખસી જઈ કડક સલામ ભરી. ઇન્સ્પેકટર- “ગુડ મોર્નિંગ સર.” અધિકારી- “ગુડ મોર્નિંગ. ક્યાં છે પુસ્તક?” ઇન્સ્પેકટર- “આ રહ્યું સર.” તેણે સાહેબ માટે ખુરશી ખસેડી. સાહેબ ખુરશીમાં ગોઠવાયા. પુસ્તક ટેબલ પર વચોવચ પડ્યું હતું. તેમણે પુસ્તકને ધ્યાનથી જોયુ. પુસ્તક દળદાર અને કિંમતી જણાતું હતું. તે તેને ચોકસાઇપૂર્વક અવલોકી રહ્યા. તેમણે પુસ્તક હાથમાં લીધું. થોડા પાનાં ઊથલાવ્યાં. તેમની આંખોમાં શંકા-કુશંકા અને અવઢવ જોવા મળી. પુસ્તકનાં જર્જરિત પાનાંની ગંધ તેમણે શ્વાસમાં અનુભવી. તેમણે ઊંડો શ્વાસ લીધો. ગંધનું જાણે સુગંધમાં પરિ વર્તન થઈ ગયું હતું. નજર શબ્દોને સ્પર્શી રહી હતી. એ ઝીણી નજરે પુસ્તકને વાંચી રહ્યા હતા. કેટલાંક વાક્યો વાંચ્યા. શબ્દોના અર્થ પર વિચાર કર્યો. બધું બરાબર હતું. વાક્યોનો અર્થ સમજાતો હતો. તેમણે માથું ઊંચું કરી ઇન્સ્પેક્ટરને પૂછ્યું. અધિકારી- “તમારી તપાસનો રિપોર્ટ આપો.” ઇન્સ્પેકટર- “સર, સૌ પ્રથમ નેતાજીએ આ ખબર આપ્યા હતા. આ દુનિયાનું સૌથી ભયંકર પુસ્તક છે. ઘણી સરકારો અને સત્તાઓને ઊથલાવામાં તેનો નોંધપાત્ર ફાળો છે.” અધિકારી- “તમે તે વાંચ્યું છે?” ઇન્સ્પેકટર- “ના. સર, નેતાજીનું તેવું કહેવું છે.” અધિકારી- “ક્યાં છે નેતાજી, બોલાવો.” સંવાદ સાંભળી દૂર ખૂણામાં બેઠેલા ભારે શરીરવાળા નેતાજી ધીમી ચાલે ચાલતાં નજીક આવ્યા. મોટા સાહેબ સમક્ષ હાથ જોડી, વિનમ્રતાનું પૂતળું બનીને, હોઠ પર હાસ્ય ફરકાવી, કમરથી થોડા નમ્યા. નમીને બોલ્યા, નેતાજી- “નમસ્કાર, સાહેબ.” અધિકારી- “તમે કહો છો આ પુસ્તક ખતરનાક છે. તમને કેવી રીતે ખબર પડી?” નેતાજી- “સાહેબ હું સો ટકા સાચું કહું છું. હું જીવનમાં ક્યારેય જૂઠું બોલ્યો નથી. આ પુસ્તક ઍટમબૉમ્બ જેટલું જોખમી છે.” અધિકારી- “એવું તમે કેવી રીતે કહી શકો?” નેતાજી- “મારી પાસે ગુપ્ત માહિતી છે. મેં આખું પુસ્તક વાંચ્યું નથી. વર્ષો પહેલાં થોડાં પાનાં વાંચેલાં. તે વખતની સરકારોએ તેના પર પ્રતિ બંધ મૂકેલો. વાંચ્યાં પછી મને સો ટકા ખાતરી થઈ ગઈ હતી કે આ પુસ્તક ખતરનાક છે. આ પુસ્તક વાંચવાથી માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. આ પુસ્તક વાંચવાથી માણસને સત્ય શું છે તેની સમજ પડવા માંડે છે. તે સત્યનો આગ્રહી બની જાય છે. સત્યનું પાલન પોતે કરે છે અને બીજાં બધાં સત્યનું પાલન કરે તેવું ઇચ્છે છે. આ પુસ્તક મોહનને મહાત્મા બનાવી શકે છે.” અધિકારી- “એવું તમને કોણે કહ્યું?” નેતાજી- “મેં એવું સાંભળ્યું છે.” અધિકારી- “કોની પાસેથી?” નેતાજી- “ઘણા બધાં પાસેથી. અધિકારીઓ, બિલ્ડરો, કાળાબજારિ યાંઓ, રાજકારણીઓ, શ્રીમંતો, કહેવાતાં બુદ્ધિશાળીઓ પાસેથી...” અધિકારી- “બીજું, આ પુસ્તક વિશે તમે શું જાણો છો?” નેતાજી- “આ પુસ્તક વાંચવું, વેચવું, રાખવું એ ગુનો છે. જેની પાસે આ પુસ્તક હોય તે ગુનેગાર છે.” અધિકારી- “તમારી પાસે આ પુસ્તક ક્યાંથી આવ્યું?” નેતાજી- “આ પુસ્તક મારું નથી. મેં એક વ્યક્તિ પાસે તે જોયું. તે હીંચકા પર બેઠો બેઠો આનંદપૂર્વક વાંચી રહ્યો હતો. મેં ઇન્સ્પેક્ટરને જાણ કરી. તેમણે તરત છાપો મારી આ પુસ્તક જપ્ત કરી લીધું. જેની પાસે આ પુસ્તક હતું તે માણસને પકડી લીધો.” અધિકારી- “ક્યાં છે એ શખ્સ?” ઇન્સ્પેક્ટરે આમતેમ જોતાં કહ્યું ”અહીં જ છે.” અધિકારી- “તેને હાજર કરો.” કોન્સ્ટેબલ- “જી,સર. તે બાથરૂમ ગયો છે.” અધિકારી- “એને મારી સામે લાવો.” ઇન્સ્પેકટર- “જી, સર.” ચાવાળો છોકરો ચાર ગ્લાસ ચા લઈ પ્રવેશ્યો. તેણે ચા બાજુના ટેબલ પર મૂકી. ઇન્સ્પેકટર- ”સર, ચા પીવો. અહીં ચા સરસ મળે છે.” કડક મીઠી ચાની સુગંધ રૂમમાં ફેલાઈ ગઈ. ચાની સુગંધે સાહેબને હળવાફૂલ કરી દીધા. એક પછી એક ભરાતી ચાની ચુસ્કીઓએ વાતાવરણને સામાન્ય બનાવી દીધું. અધિકારી- ”નેતાજી તમે પણ ચા પીવો. ચા ખરેખર ટેસ્ટી છે.” આ સાંભળી ઇન્સ્પેકટરના મોં પર પહેલીવાર મંદ હાસ્ય પ્રગટ્યું. ચાની ચુસ્કીમાં જાદુ હશે. મોટા સાહેબના કપાળની વાંકીચૂંકી રેખાઓ અદૃશ્ય થઈ ગઈ. મનમોજી મોહને વોશરૂમ જવાનું બહાનું કાઢેલું. મનમોજી મોહન વોશરૂમના દરવાજા પાછળ ઊભો રહી તેમની વાતો સાંભળતો હતો. વાતો સાંભળીને મનમોજી મોહનને લાગ્યું કે તે બરાબર ફસાયો છે. તેણે કોઈ યુક્તિ કરવી પડશે. તેની નજર ટેબલ પર પડેલાં પુસ્તક પર પડી. ઇન્સ્પેક્ટર- “અરે ! શું કરે છે? જલ્દી આવ. સાહેબ પૂછે તેનો જવાબ આપ.” ટેબલ પર પડેલાં ચાના પ્યાલા તરફ મનમોજી મોહનની નજર ગઈ. ચાની લાલચે મનમોજી મોહન દરવાજા પાછળથી બહાર આવી ગયો. તે સાહેબ સામે આવી ઊભો રહ્યો. તેણે સાહેબને સલામ કરી. સાહેબે માથું હલાવી સલામનો સ્વીકાર કર્યો. અધિકારી- “બોલો, તમારે આ પુસ્તક બાબત શું કહેવું છે?” મનમોજી મોહન- “કદાચ કોઈ એમ કહેતું હોય કે આ પુસ્તક ભયંકર છે, તો તે વાત સાચી નથી. કોઈ પુસ્તક ભયંકર હોય તે વાત માની શકાતી નથી. જેણે આ પુસ્તક લખ્યું હશે અને જેણે પુસ્તક છાપ્યું હશે તેઓએ બીજાનો વિચાર કરીને જ એમ કર્યું હશે. હું તો સ્પષ્ટ માનું છું કે પુસ્તકો અસત્યને, દુરિતને, દુ:ખોને, અજ્ઞાનને દૂર કરવાના પ્રયત્નરૂપે જ લખવામાં આવે છે. પુસ્તકો આનંદ આપે છે. તે સત્ય તરફ દોરી જાય છે, તેથી પુસ્તકો માનવજાતનાં કલ્યાણ માટે હોય છે.” મનમોજી મોહને જવાબ આપ્યો પણ તેની નજર વારંવાર ચાના પ્યાલા તરફ સરકી જતી હતી. મનમોજી મોહન સરકારી વકીલની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી ટેવવશ રોજના ચાર-પાંચ કપ ચા પીએ છે. ચા વગર તેને ચાલતું નથી. મનમોજી મોહન- “પ્લીઝ સર, હું ચા પી શકું?” અધિકારી- “હા,પીવો.” મોહન- “થેન્ક યુ સર.” મનમોજી મોહને ચાની લહેજતભરી ચુસ્કીઓ લીધી. સાહેબ પુસ્તક ધ્યાનથી વાંચી રહ્યા હતા. સાહેબને પુસ્તકમાં રસ પડ્યો હતો. મનમોજી મોહને ચા પી લીધી. મનમોજી મોહન- “બોલો સાહેબ જે કાંઈ પૂછશો તેના હું સાચા જવાબ આપીશ.” અધિકારી- “તમે આ પુસ્તક ક્યાંથી લાવ્યા?” મનમોજી મોહન- “હું આ પુસ્તક લાવ્યો નથી. હું સવારે ઊઠ્યો. મેં જોયું તો ટેબલ પર આ પુસ્તક પડેલું. મેં પુસ્તક લીધું અને હીંચકા પર બેસી વાંચવા માંડ્યો.” અધિકારી- “તમે યાદ કરો, તમને કોઈ આ પુસ્તક આપી ગયું હોય.” મનમોજી મોહન- “મને બરાબર યાદ છે. મને કોઇએ આ પુસ્તક આપ્યું નથી.” અધિકારી- ”તમે ભૂલી ગયા હોવ એવું ના બને?” મનમોજી મોહન- “ના. હું સાચું કહું છું. એક દિવસમાં કોઈ કેવી રીતે ભૂલી જવાય?” અધિકારી- “આ પુસ્તક તમારી પાસે આવ્યું કેવી રીતે?” મનમોજી મોહન- “મને એ જ પ્રશ્ન મૂંઝવે છે.” અધિકારી- “પુસ્તકને પગ હોતા નથી. પુસ્તક આપમેળે તમારી પાસે આવી ગયું હોય તે વાત માની શકાય એવી નથી.” મનમોજી મોહન- “તમારી દલીલ સાથે હું સંમત છું. હું પોતે આ વાત સમજી શકતો નથી. તમે પોલીસ અધિકારી છો. તમને મારાં કરતાં વધારે ખબર હોય એ સ્વાભાવિક છે. કદાચ કોઈ એવું ઇચ્છતું હોય કે હું આ પુસ્તક વાંચું. તે વ્યક્તિ મારી જાણ બહાર આ પુસ્તક મૂકી ગઈ હોય.” અધિકારી- “કોઈ વ્યક્તિ એમ શા માટે કરે?” મનમોજી મોહન- “તે વ્યક્તિ બધાં લોકો આ પુસ્તક વાંચે તેમ ઇચ્છતી હોય.” અધિકારી- “કોઇપણ એવું શા માટે ઇચ્છે?” મનમોજી મોહન- “તમને આ પુસ્તક ગમે તો તમે પણ એમ ઇચ્છો.” અધિકારી- “હા. એવું માની શકાય. બીજો કોઈ હેતુ પણ હોઈ શકે.” મનમોજી મોહન- “બીજો હેતુ?” અધિકારી- “આ પુસ્તક દ્વારા તે પોતાની માન્યતા, મત, વિચારને બધે ફેલાવવા માગતો હોય. તેનો બદઇરાદો હોય.” મનમોજી મોહન- ”એમ કરવાથી તેને શો ફાયદો?” અધિકારી- “તે પોતાના વિચારને સમર્થન મળે તે માટે તેમ કરવા માગતો હોય. એમ કરીને લાંબે ગાળે તે કોઈ ગડબડ કરવાની ધારણા રાખતો હોય. કદાચ તે સમાજમાં અંધાધૂંધી કે આતંક ફેલાવવા માગતો હોય અથવા લોકોને ગેરમાર્ગે દોરવા માગતો હોય.” મનમોજી મોહન- “એવું ન બને કે તે લોકોને સત્ય શું છે તે સમજાવવા માગતો હોય? પુસ્તકો હોય છે જ તેને માટે.” અધિકારી- “એ શક્ય છે. તમે શું માનો છો?” મનમોજી મોહન- “કઈ બાબતે?” અધિકારી- “તમને પુસ્તક ગમ્યું છે?’ મનમોજી મોહન- “મેં તેને પૂરેપૂરું વાંચ્યું નથી. જેટલું વાંચ્યું છે તે પરથી એમ કહી શકું કે પુસ્તક મને ગમ્યું છે. આપશ્રી તે વાંચો. મને ખાતરી છે કે આપને પણ તે ગમશે. અધિકારી- “તમારી વાત વિચારવા જેવી છે.” મનમોજી મોહન- ”તમે તે વાંચો. તમને તે રસપ્રદ ન લાગે તો તમે કહો તે સજા ભોગવવા હું તૈયાર છું. તમે મને જેલમાં પૂરશો તો ય મને વાંધો નથી. સત્ય માટે હું જેલ જવા રાજી છું.” એટલામાં જગુ અંદર ધસી આવ્યો. તે મોટા સાહેબ સામે હાથ જોડી ઊભો રહ્યો. એના મોં પરથી એમ જણાતું હતું કે તે કંઇક કહેવા માગતો હતો. જગુ- “સાહેબ મને બે મિનિટ સાંભળો.” અધિકારી “આ કોણ છે?” પ્રશ્ન પૂછતાં તેમણે ઇન્સ્પેક્ટર સામું જોયું. ઇન્સ્પેકટર- “સર એ નાનો ચોર છે. મજબૂરીને કારણે તેને ચોરી કરવી પડે છે. જોકે, તે સીધો માણસ છે. આપણા માટે ઉપયોગી છે.” અધિકારી- “તારે શું કહેવું છે?” જગુ- “સાહેબ ગઇકાલે રાત્રે હું ચોરી કરવાના ઇરાદે એક અવાવરું બંગલામાં ઘૂસેલો. હું અંદર ગયો. ત્યાં એક ગોળાકાર ટેબલની ફરતે કેટલાંક માણસો બેઠા હતા. તેઓ વાતો કરતા હતા. આ પુસ્તક તેમની વચ્ચે પડ્યું હતું.” અધિકારી- “એ લોકો કોણ હતા?” જગુ- “હું એમને ઓળખતો નથી. ફાનસનાં આછા અજવાળામાં એમના મોઢાં બરાબર જોઈ શકાતાં ન હતાં.” અધિકારી- “એ શું વાતો કરતા હતા?” જગુ- “એ લોકો અંદરોઅંદર પુસ્તકના વખાણ કરતા હતા. ક્યારેક બધાં “સત્યનો જય થાવ” એમ વારંવાર બોલતા હતા.” અધિકારી- “એ પછી?” જગુ- “મને વિચાર આવ્યો કે આ પુસ્તક બહુ કિંમતી લાગે છે. તેને વેચી દેવાથી બહુ પૈસા મળશે. જ્યારે એ લોકો ઊંઘવા ગયા એટલે મેં પુસ્તક ચોરી લીધું. એ પછી ત્યાંથી ભાગ્યો. એ વખતે રાત્રિરૉનમાં ફરતી પોલીસે મને જોઈ લીધો. એમણે મારો પીછો પકડ્યો. પોલીસથી બચવા હું આ ભાઇના ઘરમાં ઘૂસી ગયો. પુસ્તક ત્યાં જ ટેબલ પર મૂકીને હું સંતાઈ ગયો.” અધિકારી- “હંઅ... તારે બીજું કાંઈ કહેવું છે?” જગુ- “ના. સાહેબ.” અધિકારી- “મિસ્ટર ઝાલા...” ઇન્સ્પેકટર- “યસ સર.” અધિકારી- “મને લાગે છે કે મારે આ પુસ્તક વાંચવું પડશે. ખરેખર આ પુસ્તક ખતરનાક છે કે નહિ, જાણવું પડશે.” ઇન્સ્પેકટર- “જી, સર. નેતાજી કહે છે કે આ સત્યનું પુસ્તક છે, તેથી આ ખતરનાક પુસ્તક છે.” અધિકારી- ”હું તમારી વાત સમજુ છું. હું તમારી સાથે સંમત છું. હું નાનો હતો ત્યારે મારા દાદાજી મને નાટક જોવા લઈ ગયેલા. તે નાટકનું નામ ”સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર” હતું. એ નાટકમાં સત્યનું પાલન કરતા રાજાને અને તેના પરિવારને જીવનભર દુ:ખોનો સામનો કરવો પડ્યો હતો. મારે આ પુસ્તક વાંચવું પડશે.” ઇન્સ્પેકટર- “જી, સર.” અધિકારી- “હું નીકળું છું. હમણાં આ બધાને જવા દો. હું આ પુસ્તક અનુકૂળતાએ વાંચીશ. આ પુસ્તક શું કહેવા માંગે છે તે મારે સમજવું પડશે.” ઇન્સ્પેકટર- “ઑકે સર.” મોટા સાહેબ ઊભા થયા. ઇન્સ્પેક્ટરે કડક સલામ ભરી. મોટા સાહેબ સાથે ગુસપુસ કરી. સાહેબ આગળ અને ઇન્સ્પેક્ટર પાછળ. ઇન્સ્પેકટર મોટા સાહેબની જીપ સુધી સાથે ગયા. જીપ ઉપડી ગઈ. જગુ બહાર જઈ બાંકડે બેઠો. ઇન્સ્પેક્ટર પરત ફર્યા. મનમોજી મોહનને જવાનો ઇશારો કરી, તેઓ તેમની કૅબિનમાં ગયા. નેતાજી તેમની પાછળ ગયા. મનમોજી મોહન ઘેર જવા દરવાજા તરફ ચાલ્યો. થોડા ડગલાં ચાલી દરવાજા પાસે પહોંચ્યો. પછી કંઇક વિચાર આવતા મનમોજી મોહન અટક્યો. પુસ્તકનાં પીળા પાનાં પર તેની નજર પડી. તેને ફરી પુસ્તક હાથમાં લેવાની ઇચ્છા થઈ. સૂર્યોદયનો પીળો પ્રકાશ મનમોજી મોહનના મગજમાં છવાઈ ગયો. મનમોજી મોહનને પુસ્તક વાંચવાની તીવ્ર ઇચ્છા થઈ. તેને પુસ્તક પૂરેપૂરું વાંચવાની તાલાવેલી થઈ. એક વિચાર મનમોજી મોહનને વીંધતો તેની આરપાર પસાર થઈ ગયો. તે પાછો ફર્યો. પુસ્તક ટેબલ પર પડ્યું હતું. મનમોજી મોહન પુસ્તક પાસે ગયો. પુસ્તક હાથમાં લીધું. પુસ્તક પર સૌપ્રથમ તેનો અધિકાર હોય એમ પુસ્તક હાથમાં લઈ સડસડાટ પોલીસ સ્ટેશનના પગથિ યાં ઊતરી ગયો.



તન્ત્રીનૉંધ :

આદિ મધ્ય અને અન્ત એમ દરેક તબક્કે બરાબરનું નિરૂપણ પામેલી અને પુસ્તક નામની વાચ્ય અને સુલભ વસ્તુ વિશે કુતૂહલપ્રેરક ઘટનાની આ વાર્તા ખાસ્સો વાચનરસ પીરસે છે.

એની વિશેષતા એ છે કે કથકે એનું કથન નહીં પણ બહુશ: આલેખન કર્યું છે, તેથી વાચક એને એક નાટકની જેમ ભજવાતી માણી શકે છે.

કથકને ઇન્સ્પૅક્ટર, મનમોજી મોહન, મવાલી જેવો દેખાતો જગુ, નેતાજી, મોટાસાહેબ એમ જેની જેની વાત કરવાની છે તેનાં તેનાં સ્થાન માન મોભો સ્વભાવ વગેરેનો ઠીકકીક પરિચય છે, અને એ દરેકને એ જ રૂપે કાળજીથી રજૂ કરે છે. તેથી એ દરેકની છબિ વાચક સમક્ષ તાદૃશ થઈ શકી છે. અને તેથી, પુસ્તકને કારણે, પુસ્તક વિશે, એ બધાં વડે જે કંઈ ભજવાય છે, તે રસપ્રદ બની રહ્યું છે.

સમગ્ર ઘટનાદેહ મોટે ભાગે સંવાદતત્ત્વથી ઘડાયો છે, પણ કથકે એ દરેક જણને જરૂરતથી વધારે નથી બોલવા દીધું. એ પ્રકારે સંવાદો અહીં કંટાળાજનક લાંબા નથી, મેદસ્વી નથી. એથી રચનાને સુડોળ ઘાટ આપી શકાયો છે.

હવે, પુસ્તકનો લેખક કોણ છે, પુસ્તક શેને વિશેે છે, એમાં મનમોજી જણાવે છે અને મોટાસાહેબને વાંચવાની પણ ઇચ્છા થાય છે, એ સત્ય શું અને કેવુંક છે, તે કોઈ નથી જાણતું. એ રૂપે પુસ્તકને ‘બંધ’ રાખીને વાર્તાકારે અને કથકે ઉપકારક કલાસંયમ જાળવ્યો છે. મોહન, મહાત્મા, સત્ય વગેરે સંકેતોને પણ નથી વિકસાવ્યા, તેથી પણ પરિણામ સારું જ આવ્યું છે. કેમકે જો પુસ્તકને એ રૂપે ‘ખોલી” નાખ્યું હોત, તો વાર્તામાં કલાક્ષય થયો હોત. પુસ્તક અને વાર્તા બન્ને ફસકી ગયાં હોત !

રચનાનાં સ્થાનો બતાવીને ઉપર્યુક્ત દરેક નિરીક્ષણનું સમર્થન થઈ શકે, પણ એવી શી જરૂરત? વાર્તા પોતે જ પોતાનું સમર્થન કરતી જ હોય છે ને !