સાહિત્યિક સંરસન — ૩/યોગેશ જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ યોગેશ જોશી ++


૧ : તણખલું —

ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું
અજવાળાની બખોલ જેવું.

આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને !


૨ : હોડીમાં… —

હોડીમાં
બેઠો.
સઢની જેમ જ
ખોલી દીધું
આખુંયે આકાશ…


૩ : મારું આખુંય ઘર… —

મારું આખુંય ઘર
દોડતું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.



તન્ત્રીનૉંધ :

૧ : તણખલું — નાની કે ટૂંકી દેખાતી કાવ્યરચનાઓ ઘણી વાર મોટાં અને દીર્ઘ દૃશ્યો પ્રગટાવતી હોય છે. દૃશ્યો એટલા માટે કહ્યું કે એ રચનાઓ માણસના ભાવજગતની કે વિચારજગતની ઝાઝી પંચાતમાં નથી પડતી. એમના સર્જકોએ એમને એટલી મોટી જગ્યા પણ નથી આપી હોતી. એ સર્જકોએ વિસ્તારને બદલે ઊંડાણ તાક્યું હોય છે. આ લક્ષણો આ ત્રણેય કાવ્યોમાં ઘણે ભાગે વરતાય છે.

પણ ઓછી જગ્યાને કારણે સર્જનપરક પડકારો ઊભા થાય છે. એક પડકાર એ કે ઝટ કશોક કાવ્યાત્મક ચમત્કાર થવો જોઈએ, જાદુ ! આ રચનામાં વાદળો એકમેકને છેદે એ દેખાય એ તો ઠીક છે, પણ ત્યાં ‘અજવાળાની બખોલ જેવું’ જે રચાયું એ જાદુ છે. અજવાળું બધે હોય પણ એની ‘બખોલ’ તો કવિતામાં જ હોય, કેમકે એમ દેખાય પણ સર્જકને જ. કાવ્યકથકે એ બખોલને ભાળી ને ચાંચમાં તણખલું લઈ એ તરફ ઊડ્યો. એ માણસ હતો કેમકે બોલતો હતો માણસની ભાષા, પણ પળવારમાં, એ ચાંચવાળું પક્ષી બની ગયો, રચનામાં થયેલો એ બીજો જાદુ છે. રચનાની નજાકત હણાઈ જાય એટલે વધારે નથી કહેવું.

૨ : હોડીમાં… — ઓછી જગ્યાને કારણે સર્જનપરક ઊભા થતા પડકારોમાં એક એ પણ હોય છે કે બસ, કશુંક દૃશ્ય ચીતરી આપો. આ રચનાનો કથક ‘હોડીમાં બેઠો’ એમ કહે ને આપણે એમ સાંભળી રહીએ ત્યાં તો એ હોડીમાં બેઠેલો દેખાય છે. કેમ એમ? એટલે એમ કે એની ચોપાસ ઘણી જગ્યા છે -એટલે કે અવકાશ છે -સ્પેસ. જે સર્જકો સ્પેસમાં વિષયવસ્તુના કે વિચારોના કારણ વગરના ઢગલા કરી મૂકે છે, નિષ્ફળ જાય છે -એટલે કે માંડ મળી આવેલા ભાવકો ગુમાવે છે. અહીં પણ જાદુ થયો છે -હોડીમાં બેઠેલો એ માણસ હોડીનો સઢ ખોલી દે છે પણ એ સઢ તો આખુંયે આકાશ હતો ! આકાશનો સઢ આપણે જોઈ શકીએ છીએ જે કવિતામાં જ હોય કેમકે એને સર્જકે સરજ્યો હોય. હું તો એ હોડીને સરતી પણ જોઈ શકું છું ! હતા શબ્દો જ પણ આમ દૃશ્ય બનીને સાર્થક થઈ ગયા.

૩ : મારું આખુંય ઘર… — આ ત્રીજી રચના તો સાવ લઘુ છે. કાવ્યકથક એમ કહેવા માંડે કે મારું આખુંય ઘર -તેમ એ ચીતરાય- દોડતું જઈને ઊભું રહ્યું પાદરે -તેમ ઘર દોડે, જે ગતિ, સ્થિર એવા ઘરની ગતિ, કવિતામાં જ સંભવે કેમકે સર્જકે સરજી હોય, ઉમેરે કે, હાથની છાજલી કરી -તેમ ઘર છાજલી કરતું દેખાય. આખી રચનાને એક નાની વિડીઓ-ક્લિપ કલ્પો, મારું કહેવું સમજાઈ જશે.

નૉંધી લો કે આમ, આવી લઘુકાય રચનાઓ ‘સર્જન’ શબ્દના શુદ્ધ અર્થના સાક્ષાત્કાર કરાવે છે. એમ પણ નૉંધી લો કે ઊડતાં પહેલાં જ એક-બે ઠુનકામાં ફસકાઇ જતા પતંગની જેમ લઘુકાય રચનાઓ ફસકાઈ પણ જાય છે. એમ પણ નૉંધી લો કે સર્જનસાહસ અને તે માટેનું શૌર્ય હોય તો જ આ ચેષ્ટા કરાય.