સાહિત્યિક સંરસન — ૩/રાધિકા પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ રાધિકા પટેલ ++


૧: પ્રિય નદી —

આ નદી, મને અત્યંત પ્રિય છે.
પર્વત, દરિયો, ચાંદ-તારાથી, મારાથી પણ વધુ પ્રિય.
નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે - મારો પ્રેમી!
એનો ધીમો-ધીમો ઉછેર - ફક્ત હું જોઈ શકું છું.
એનો પિંડ બન્યો છે – પૂર્વ પ્રેમીઓના ખરી પડેલાં અંગોમાંથી.
મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના
પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી,
મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી
આંગળીઓમાંથી.
હું તો ઊંઘી ગયેલી - વૃક્ષના ખોળામાં નિ રાંતે;
મારું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલા એ મનુષ્યના તૂટેલા પગમાંથી,
મારી આંખોનો અગ્નિ ન ઠારી શકેલાં અગ્નિશામક ધારી ખભાના કાટમાળમાંથી,
મારા વિલાપ પર આંસુનું એક ટીપું પણ ના વહાવી શકેલી આંખોની કરચમાંથી, મારાં
કપાળ પરથી ચુંબનો ભૂંસી -
પડછાયાને નોખો કરી, મને અંધકારમાં ધકેલી દેનાર શરીરની રાખમાંથી બન્યો છે - એનો પિંડ.
ધીમે ધીમે આકાર પામી રહેલા એના દેહને ફક્ત હું જોઈ શકું છું.
હું રાહ જોઈ રહી છું એના જનમવાની.
કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે.
નદીને ઉપડશે પ્રસૂતિ પીડા.
નદી મને બોલાવશે - ચીસ પાડીને.
ઊછાળા લેતું જળ બની જાશે શેષનાગનું છત્ર.
કોઈ પ્રકાશશલાકા ઉતરી આવશે આકાશમાંથી...
નદીના ધસમસતાં પ્રવાહમાં બનાવશે- એક છિદ્ર;
જ્યાંથી એ આવશે ગર્ભની બહાર...
અને હાથ લંબાવશે મારી તરફ -
મારો અંતિમ પ્રેમી...!


૨ : ટોળું અને સત્ય —

 
એ લોકો
સત્યને એક પાત્રમાં લઈ પીગાળે છે.
પછી, એક બીબાંમાં ઢાળી
બનાવે છે - નવું સત્ય.
સત્ય;
હવે, કોઈ પદાર્થ નથી;
છે માત્ર આકાર..!!

ટોળામાંથી એક પથ્થર આવ્યો છે.
પથ્થર કોણે ફેંક્યો?
જાણવું છે સત્ય.
શું ગાયબ કરી શકાય
દુનિયાના બધા જ પથ્થર?!

એક ટોળું
તલવારો લઇને એની પાછળ પડ્યું;
હાંફતું-ફાંફતું એ
આવીને લપાઈ ગયું-મારી પાછળ,
અને હું - સત્યની પાછળ...!
કોણ-કોને બચાવશે?

એ જાદુગર (ટોળું)
આબરા... કા ડાબરા..કહી
બોટલમાંથી કાઢ્યા કરે છે -
અવનવાં સત્યો.
મને આશ્ચર્ય થયાં કરે છે -
એને બોટલમાં નાખ્યાં કોણે?

ટોળું પરણીને લાવ્યું -
સિદ્ધિ નામની રૂપ-યૌવનાને.
કોઇએ એના હોઠ ચૂમ્યાં,
કોઇએ સ્તન,
તો કોઇએ....
બધાએ ભોગવી એને - વારાફરતી.
સવારે મોઢું જોવાનો રિવાજ;
લોકો આવે... ને જુવે, વાહ....કેટલી સુંદર
સત્ય પણ આવ્યું એને જોવા;
ઘૂંઘટ ઉઠાવીને જોયું તો ગાયબ હતી-
એની આંખો..!!

ટોળાંને મળ્યા છે:
કેટલાય હાથ...
કેટલાય પગ...
અને કદ કરતાં પણ લાંબી - જીભ.
જે ટોળાંને નથી મળી, એ-
સત્યને મળી છે -
માત્ર આંખો.

મારી સામે જામી રહેલો
મેળો.
સમૂહ ગીતોનો બુલંદ નાદ....!
પણે... દૂર પેલી દેરીમાંથી સંભળાય છે
પ્રાર્થના.
મેળામાં જઉં કે મંદિરે?

સહેજ અદ્ધર માટલીમાં છે-
સઘળાં સુખ.
આંબી તો જવાય;
એકબીજાની પીઠ પર પગ મૂકી,
દોથો ભરી લેવાનો -
વારાફરતી.
પણ,
હું જોયા કરું છું -
આકાશ સુધી લંબાયેલી પાતળી દોરી પર -
ચડતી, પડતી અને ફરી ચડતી
કીડીને.
છેવટે, પહોંચવાનું ક્યાં?


૩ : તળાવમાં… —

તું અહીં નથી;
છતાં, આ તળાવમાં હું જોઈ રહી છું
તારો ચહેરો.
આંખોમાં ફૂંકાઇને પથરાતા રણના લાંબા પટ પછી
એમાં તળાવનું છલકાવું,
અને એમાં તારા ચહેરાનું આમ ઉભરાવું.
મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને
ચૂમી લઉં આ ચંદ્રને.
કે એમાં આંગળીઓ ઝબકોળ્યા કરું
કે પછી કૂદી જ પડું આ તળાવમાં.
પણ, આ બધી તો રમત -
હવે, હું નહિ કરું.
હું ઇચ્છું કે પવનની એકાદ અમથી લહેરખી પણ ના આવે અહીં-
તારા ચહેરાને આંદોલિત કરવા.
પોતાના હાથ લાંબા ટૂંકા કરી
તાણી જાય તારા ચહેરાને, એ પહેલાં
હાથ વાઢી નાખું - સૂર્યના.
કોઈ પંખી આવી
ચાંચમાં ભરાવી ઊડી જશે તો?
અથવા પોતાની પાંખો તળાવમાં ઝબોળી તને ખળભળાવી જશે તો?
એટલે જ સારું કે કોઈ નાનકડું પંખી કે પશુ
કશું ય ના ફરકે આ તરફ.
મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં આ તળાવ પર,
ઢાંકી દઉં આખા તળાવને.
તેમ છતાંય,
ભય તો રહેશે જ :
તળિયે બેઠું હશે કોઈ જળચર,
હમણાં જ મોઢું ફાડશે -



તન્ત્રીનૉંધ :

૧: પ્રિય નદી — ત્રીજી જ પંક્તિએ કાવ્યકલામાં પ્રવેશ મેળવી લીધો -‘નદીના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે -મારો પ્રેમી !’ કાવ્યકથક નારી એના પ્રેમીનો પિણ્ડ બન્યાની વાત માંડે છે ખરી, પણ શેમાંથી બંધાયો છે એ હકીકત ભાવક જાણે છે ત્યારે વાતનો રંગ ફિક્કો પડી જાય છે -એ પરિણામ દર્શાવતી શક્તિશાળી પંક્તિ આ છે -‘મારી ડાળીઓ પરથી ફૂલ તોડી પોતાની પ્રેમિકાનાં કેશ સજાવતી વખતે ખરી પડેલી આંગળીઓમાંથી’. ભાવકે ઘડી પહેલાં જાણેલું કે -પિણ્ડ ‘પૂર્વપ્રેમીઓનાં ખરી પડેલાં અંગોમાંથી’ બન્યો છે. હવે એમાં ઉમેરાય છે, ‘મારી નાડ પારખીને કોઈ ઉપચાર કર્યા વિના પથારીવશ છોડી દેનાર વૈદ્યના કપાઈ ગયેલા હાથમાંથી’.

કાવ્યકથક નારીના જીવનમાં કશીક ન ઘટવી જોઈએ એવી ઘટના ઘટી ચૂકી છે, એમ ભાવક કદાચ માની લે પણ નારીએ કરેલી એટલીક પ્રસ્તાવનાથી એ હવે આગળની કથા સાંભળવાને સજ્જ અને આતુર થઈ ગયો છે, ને એને સાંભળવા મળે છે -‘હું તો ઊંઘી ગયેલી’, અને તે પણ, ‘વૃક્ષના ખૉળામાં નિ રાંતે’.

હવે એ પિણ્ડ બન્યાની વાતનો રંગ ઘેરો બની ગયો છે. એ પિણ્ડ એ મનુષ્યના તૂટેલા પગમાંથી, ખભાના કાટમાળમાંથી, આંખોની કરચમાંથી, શરીરની રાખમાંથી બન્યો છે. એ તો ખરું પણ એ મનુષ્ય નારી સાથે શું શું કરી ગયેલો એ જાણવાથી વાતનો ઘેરો રંગ કાળો પડી જાય છે. એ મનુષ્ય નારીનું માથું ધૂળમાં સરકાવીને ભાગી ગયેલો, કપાળ પરથી ચુમ્બનો ભૂંસી પડછાયાને નૉંખો કરી નારીને અન્ધકારમાં ધકેલી ગયેલો.

એના જનમ અને તે પછીના ભવિતવ્યનો કથાના ઉપસંહરણમાં મુકાયેલો નારીનો આશાલોક બસ પઠન કરવા યોગ્ય છે, એ પઠનને નૉંધથી વેગ આપવાની પણ જરૂર નથી. એમાં, વધારે આસ્વાદ્ય પંક્તિઓ છે -‘કોઈ તોફાની રાતે ગોરંભાયેલું આભ છેવટે તૂટી પડશે’ -‘કોઈ પ્રકાશ શલાકા નીચે ઊતરી આવશે આકાશમાંથી’ -‘જ્યાંથી એ આવશે ગર્ભની બહાર… / અને હાથ લંબાવશે મારી તરફ / મારો અંતિમ પ્રેમી.’

એમ લાગે કે કોઈકે કશોક દ્રોહ કર્યો છે, એમ પણ લાગે કે દ્રોહી પ્રત્યે રોષભરી અનુકમ્પા છે. નારીના એવા દ્વિમુખી સંવેદનનું આ કાવ્ય એક કથાનક છે.

૨ : ટોળું અને સત્ય — સરસ વાત એ છે કે રચનામાં ટોળું અને સત્ય વિશે ઠંડા વ્યંગનો અસરકારક સૂર રસાયો છે. બીજી તરફ, રચના એક કાવ્યત્વશીલ વિચારણા લાગે પણ એ કાવ્યકથકની અંગત અનુભૂતિ છે. ત્રીજી તરફ, રચના એટલી જ નાટ્યાત્મક પણ છે. નાટ્યાત્મકતાનું એક આ ઉદાહરણ જુઓ : ‘એક ટોળું / તલવારો લઇને એની પાછળ પડ્યું; / હાંફતું-ફાંફતું એ / આવીને લપાઈ ગયું-મારી પાછળ, / અને હું - સત્યની પાછળ...! / કોણ-કોને બચાવશે?’ : પરન્તુ, ટોળું સિદ્ધિ નામની નવયૌવનાને પરણી લાવે છે એ પ્રસંગદૃશ્ય સુન્દર તો છે જ પણ એમાં પેલો વ્યંગ પાસાદાર બનીને ચોપાસ વ્યંજનાને પ્રસરાવે છે, અને જોઈ શકાશે કે કાવ્યકથકની આ અંગત અનુભૂતિ તેમજ પેલી નાટ્યાત્મકતા પણ એની શક્ય ઊંચાઇએ પ્હૉંચી ગઈ છે.

દરમ્યાન કાવ્યકથકને વિધવિધનાં જ્ઞાન લાધ્યાં છે : સત્યને એ ‘માત્ર આકાર’ કહે : એ પૂછે, સત્યને બોટલમાંથી કાઢ્યાં કોણે? : એ પૂછે, સત્યને બોટલમાં નાખ્યાં કોણે? : કાવ્યકથકને ટોળું અને સત્ય વચ્ચેનો ફર્ક પકડાઈ ગયો છે, એ કહે છે : ટોળાંને મળી છે કદ કરતાં પણ લાંબી જીભ; સત્યને મળી છે માત્ર આંખો.

ટોળું અને સત્ય વચ્ચેના અકાટ્ય ભેદને કાવ્યની રીતભાતમાં આકારતી નૉંધપાત્ર રચના.

૩ : તળાવમાં… — એક અનુપસ્થિત પણ નિરન્તર અનુભવાતી ગત વ્યક્તિને વિશેના તીવ્ર સંવેદનને આકાર આપતી રચના. કાવ્યકથકે તળાવ અને ચ્હૅરાને તાદૃશ કરી દીધાં છે, અને એને જોતો જોતો ભાવક બન્નેને માણે છે. એ દરમ્યાન એને એ સંવેદનની આ બધી આછીપાતળી રેખાઓ પણ અનુભવવા મળે છે : ‘આંખોમાં ફૂંકાઇને પથરાતા રણનો લાંબો પટ’ : ‘મન તો થાય છે કે ખોબામાં ઊંચકીને ચૂમી લઉં આ ચંદ્રને’ : ‘પવનની એકાદ અમથી લહેરખી’ : ‘મન તો થાય છે હું આખેઆખી ફેલાઈ જાઉં આ તળાવ પર’ : એ ચ્હૅરો કોઈણ ભોગે નષ્ટભષ્ટ ન થવો જોઇએ એવું એ સંવેદનનું ગદ્યરૂપ જે છેલ્લે સ્ફુરે છે, એ ભાવકના ચિત્તમાં સ્થિર થઈ જાય છે; એ પણ રચનાની એક સફળતા છે.

રાધિકાની આ ત્રણેય રચનાઓમાં કાવ્યતત્ત્વ અને વાર્તાતત્ત્વ એકમેકમાં ભળી ગયાં છે; એમાં ઇંગિત એ ભળાય છે કે એમની સૃષ્ટિ માં લાક્ષણિક સ્વરૂપનું કથાકાવ્ય પ્રગટી આવશે… જોઈએ…