સાહિત્યિક સંરસન — ૩/સંજય ચૌધરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ સંજય ચૌધરી ++


ડૉન્કી —



વહેલી સવારના વાયરામાં બાજુની શેરીનો આનંદ છલકાઇને આખા ગામને ભીંજવી દે તે રીતે સ્ત્રીઓએ ગાવાનું શરૂ કર્યું. નીસર્યા ગરબા ઘરબાર રે ગરબો માંગે તેલ હું કેમ નીસરું એકલો રે સાથે વહુવારુઓ વહુવારુઓ માંગે ચૂંદડી રે ગરબો માંગે તેલ... “મું નતો કેતો આપણા ગોંમમોં રોજ બે તઇણ ઘરે તો હુખડી બન જ સ !” “ખરું, અમરતલાલ.” બોલતાં બોલતાં સુખદેવે ગેસના બાટલા સાથે જોડેલા મોટા સગડાને લાંબા લાઇટરની મદદથી ચાલુ કર્યો. “પેલી બાજુથી ઊંચકો” કહી અમરતને તાવડાનો કડો પકડવાનું કહ્યું અને બંનેએ તેને સગડા પર ગોઠવ્યો. જરાય હલતો નથી ને તે ચકાસી જોયું. સામે ઓટલા તરફ જોઈ સુખદેવ બોલ્યો, “વાહ અમરતલાલ. તપેલાઓમાં સમારેલો ગોળ અને લોટના ડબા તો બરાબર ગોઠવી રાખ્યા છે. લાવો હવે ઘીના ડબા. કેટલા લાવ્યા છો? એક કે બે ?” “અરે હોતું હશે ! ચાર ડબા સ ચાર”. ઘરની અંદર જઈ અમરત ઘીના બે ડબા લઈ આવ્યો અને તાવડાની બાજુમાં મૂક્યા અને ફરી અંદર જઈ બીજા બે ડબા લઈ આવ્યો. “ચાર ડબા ઘી એટલે કે ચોસઠ કિલો ઘીની સુખડી? બીજા બધા તો એક ડબો કે બહુ બહુ તો બે ડબા ઘીની સુખડી બનાવડાવે. આટલું બધું કોને કોને ધરાવશો?” “તમે તાર ઠપકારો ને.” પછી ધીરે રહીને બોલ્યો, “મારા ઓલે આ વાત જેવી તેવી થોડી સ?” “કંઈ વાંધો નહીં. બે ઘાણ કરવા પડશે એટલું જ. હજી બાજુના બે ગામમાં જવાનું છે એટલે તમે મારી જોડે થોડો ખટકો રાખજો.” પવન બદલાયો કે કેમ પણ થોડીક વાર પછી ક્યાંક લગ્નમંડપમાં વાગતા ડીજેના અવાજમાં સ્ત્રીઓનાં ગાણાંનો અવાજ દબાઈ ગયો. સુખદેવે એક પછી એક એમ બે ડબા ઘીના તાવડામાં ઠાલવ્યા. એક બાજુ ઊભા રહી તવેથાને ઘીમાં હલાવવા લાગ્યો. થોડી વાર રહીને તેણે ઇશારો કર્યો એટલે અમરત બાજુમાં મૂકેલાં તપેલાઓમાં રહેલા સમારેલા ગોળને તાવડામાં ઠાલવવા મંડ્યો. તાવડામાં સુખદેવ ધીમે ધીમે તવેથો હલાવતો રહ્યો. તપી તપીને ગરમ બની ગયેલાં ઘીમાં ઓળઘોળ થઈ ગયેલા ગોળમાંથી ઝીણા ઝીણા પરપોટા સપાટી પર થોડી વાર તરીને શમી જતા હતા. “લાવો અમરત, લોટ લાવો. હવે ગોળ ઘીમાં બરાબર ઓગળી ગયો છે.” અમરતે બે-ત્રણ ડબા લોટને હળવા હાથે તાવડામાં ઠાલવ્યો. તાવડાને ગોળ ફરતા ફરતા હાથ ઉપર નીચે કરતાં કરતાં સુખદેવ તવેથાને બરાબર હલાવતો રહ્યો. તેણે થોડી વાર પછી અમરત તરફ જોયું. તેને લાગ્યું કે, ઊભા ઊભા ખોડાઈ ગયેલા અમરતની આંખો જાણે કે તાવડા તરફ સ્થિર થઈ ગઈ છે અને તે કશુંક બબડી રહ્યો છે. “શું થયું અમરતલાલ? ચાલો હવે બીજા ઘાણની તૈયારી શરૂ કરીએ.” અમરત દાંત ભીંસીને બોલ્યો, “શેતીની સીઝનમોં જ્યાણં ખરી જરૂર હોય તાણં જ નેનળ પોંણી નો’તા આલતા.” “કેમ શું થયું અમરતલાલ આ શેની વાત માંડી?” “તે બોરના પાણીના પૈસા લેવાના હોય તોય એવું કરતા?” “ભલા આદમી, પાક બળી જાય એટલે. ઇવોની મૂળ દોંનત જ જમીન દબાઈ દેવાની હતી.” સુખદેવ તાવડાને ફરતે ફરતે તવેથો હલાવતો રહ્યો અને અમરતને સાંભળતો રહ્યો. “આ તો અમારો અશોક જબરો કાઠો. એજન્ટ ભેગો દિલ્લી ગયો નં અથડઈ કૂટઈ નં મહિને અમેરિકા પહોંચી ગયો. જુઓ પોંચ સાત વરહ જતા જતા ગયા અઠવાડિયે તો મોટેલમોં ભાગીદાર થઈ જ્યો.” “જબરો ગોઠવઈ ગયો, તમારો અશોક.” “આઠ-દહ વરહ પેલાં તમેય નોતાં ગયા અમેરિકા? હું થ્યું’તું? નો’તું ફાયું કે પસં?”

* * *

એ બધી બહુ લાંબી વાત છે. તે પછી ક્યારેક. ચાલો, હવે બે-ચાર મોટા થાળ લાવો. સુખડીને ઠારીએ. તે પહેલાં લો આ થોડું ચાખી લો. સુખડી ચાખતા અમરત બોલ્યો, “કાયમ જબ્બર તાલ આવ સ હોં. બધું માપસર ભેળવીનં તમં જે રીતે તવેથો ફેરવો સ તે હુખડી બનાવવાના હાચ્ચા કારીગર તો તમં જ સો.” મનમાં અને મનમાં સુખદેવ બોલી ઊઠ્યો, પણ બીજી કોઈ બાબતમાં આ તવેથો બરાબર નથી ફર્યો તેનું શું ? “કંઈ બોલ્યા કે સુખદેવ?તમીં બેહો. મું બધું થાળમાં ઠારી દઉં અને પસં ચા બનાઈ લાવું.” સુખદેવ ખાટલામાં જઈ બેઠો અને તેના મનમાં પ્રશ્ન ઘુમરાવા લાગ્યો – કેમ?નો’તું ફાયું ?

* * *

દસેક વર્ષ પહેલાંના દિવસો યાદ આવી ગયા. તે દિવસે બપોરે તેની મીઠાઇની દુકાને બેઠો હતો ત્યાં જયંતી એક અજાણ્યાને લઇને આવ્યો. “સુખદેવ, સાંભળ. આ ભાઈ એજન્ટ છે. તે કહે છે કે દિલ્હી થઈ બે-ત્રણ દેશમાં ફેરવી-ફેરવીને પનામા કે મેક્સિકોનાં જંગલમાં થઈ તે આપણને અમેરિકા ઉતારી દેશે. આપણે બે તો ક્યારનુંય નો’તા વિચારતા?” સુખદેવ તે બંનેની સામું જોતો રહ્યો. “ભઈ, હવે તું ઢીલો ના પડતો હોં. આખી જિંદગી આ ઝારો કે તવેથો હલાઇ-હલાઇને તું ગમે એટલી મીઠાઈ બનાઇશ તોય કેટલું ભેગું કરીશ ?” સુખદેવ દુકાનના શૉકેસનાં ખાલી ખાનાંઓ તરફ જોઇને બોલ્યો, “જયંતી, જો બરાબર મેળ પડી જતો હોય તો ઊપડીએ જ.” એ બોલી રહે તે પહેલાં જ રમા ગ્લાસમાં પાણી લઇને આવી. એજન્ટની સામે ટ્રે ધરીને પૂછવા લાગી, “આ તમને સીધી રીતે નહીં પૂછે, પણ પછી મારો અને છોકરાનો તો મેળ પાડી આપશો ને ?” એજન્ટે સુખદેવની નજીક આવી ખભે હાથ મૂકીને કહ્યું, “આમની વાત તો બરાબર છે. બહુ લાંબી ચિંતા નહીં કરવાની. અમે બેઠાં છીએ ને ! તમે અને જયંતીભાઈ ત્યાં બરાબર ગોઠવાઈ જાવ એટલે આમને ય અહીંથી મોકલી દઇશું.” જયંતી સાથે દિલ્હીમાં ગાળેલા પંદેરક દિવસો યાદ કરી રહ્યો. એક દિવસે સાંજે એજન્ટે પોતાની ઑફિસે બોલાવી કહ્યું, “કાલે રાતે નીકળવાનું છે. દરેક જગ્યાએ તમને લેવા કોઈ ને કોઈ આવશે. હાલ તો તમારે તુર્કી જવાનું છે. તમારું રહેવાનું ગોઠવશે અને આગળ જવાનું ગોઠવશે. પણ કારણ વગર કોઈ બાબતનો ઉચાટ નહીં રાખતા, હોં.”

* * *

તેના મોબાઇલ ફોનની રિંગ વાગતી રહી. તેણે જોયું તો રમાનો ત્રીજી વારનો ફોન હતો. “લો, મારા હાથની પેશિયલ ચા.” સામે અમરત કીટલી અને બે રકાબી લઇને ઊભો હતો. સુખદેવની રકાબીમાં ચા રેડતાં રેડતાં અમરતે પૂછ્યું, “એક વાત પૂછું, સુખદેવભઈ તમે ય અમેરિકા જતાં જતાં ડૉન્કી બનેલા?” ચા પીતાં પીતાં સુખદેવ હસી પડ્યો. “આ બધું તમને કોણે કહ્યું ?” “અશોકે સ્તો.” બે રકાબી ચા પીને સુખદેવે વાત માંડી . . . “ખરું. હું ય ડૉન્કી બનેલો. મેક્સિકો બોર્ડર પર જંગલમાં ઉતારી દીધા પછી ત્યાંના એજન્ટે અમને સહુને પંદર વીસ દિવસ ચાલે એટલું ખાવાનું, ટોર્ચ અને થોડી પરચૂરણ વસ્તુઓ એક થેલામાં ભરીને આપી હતી. પછી કહ્યું ચાલો હવે ડૉન્કીની જેમ સહુ ખભે થેલા કરી લો અને અમારા આ ભાઇની પાછળ પાછળ ચાલ્યા જ કરજો. વચ્ચે કોઇને કશુંય થાય તો બીજા કોઈ રોકાતા નહીં. આ ભાઈ કોઇનાય માટે નહીં રોકાય. બસ, તમે સહુ ડૉન્કીની જેમ ચાલતા જ રહેજો.” બોલતાં બોલતાં ખાલી તાવડાની સામે તાકી રહ્યો. જાણે કે મનમાં ને મનમાં બોલી રહ્યો, તે હજીય ડૉન્કીની જેમ ચાલ્યા જ કરીએ છીએ ને ? પછી ઊઠીને થોડેક દૂર જઈ રમાને ફોન જોડ્યા કર્યો. ફોન સિગ્નલની લિમિટ બહાર છે તેવો સંદેશો આવતો હતો. ઘડિયાળ સામું જોઈ તાવડો સાફ કરી બીજા ઘાણની તૈયારી કરવા લાગ્યો.

* * *

સુખદેવ થાળમાં સુખડીનાં ચકતાં પાડતો હતો અને અમરત પતરામાં લાઇનબંધ મૂકતો જતો હતો. “એક વાત પૂછું? હાચુ કે’જો. ત્યાં નોતું ગમતું કે ના ફાવ્યું? “બધાં એ જ પૂછતા હોય છે, અમરતલાલ. પહેલાં છએક મહિના તો સ્ટૉરમાં બધું બરાબર રહ્યું હતું. એકવાર એક નાનું છોકરું સ્ટૉરમાં આવીને ચોરી કરીને ભાગ્યું. તેને પકડવા હું ય પાછળ દોડ્યો. તે પડી ગયું અને રડવા લાગ્યું. તે જ વખતે પોલીસની કાર આવી. અમને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા. છોકરાને તો તરત જ એના ઘરે મોકલી દીધો અને તે જ દિવસે મને એરપોર્ટ પર મોકલી દીધો. તે જુઓ ત્યારના અહીં જ છીએ. ગમે એટલું મથીએ પણ ભેગું જ નથી થતું ! જાણે કે અકકરમીનો પડિયો કાણો.” બંને જણા કશુંય બોલ્યા વિના બેસી રહ્યા. અમરતલાલ બધું ગોઠવવામાં પડ્યો અને સુખદેવ સરકી ગયો થોડા દિવસ પહેલાંની અગાશી પરની અજવાળી રાતની વાતોમાં . . .

* * *

દિવસ દરમિયાન તપી ગયેલાં ધાબામાંથી નીકળતી ઝાળ વધારે ઉગ્ર છે કે વારંવાર પડખા ફેરવી રહેલી રમાનો રઘવાટ, તેનો ખ્યાલ સુખદેવને આવી નહોતો રહ્યો. તે અકળાઇને એક જ વાત કરી રહી હતી - “આ જેને તક મળે છે તે બધાં જઈ રહ્યાં છે. જેને વિજાપુરની બજારની ય ખબર નથી તે પણ એજન્ટોને મળીને ગોઠવી રહ્યાં છે. તમે તો ત્યાં જઇને આવ્યા છો. તોય દીપા માટે તમારે કંઈ ગોઠવવું નથી?” “તું તો બધું જ જાણે છે અને છતાંય? શા માટે હું ઇચ્છું કે દીપો મારી જેમ...?” એટલું બોલી તે બરાબર ઉપર આવી ગયેલા ચાંદા સામું જોઈ રહ્યો. થોડી વારે તેણે રમા સામું ધ્યાનથી જોયું તો તેને પહેલીવાર રમાનો ચહેરો સાવ સૂકાઈ ગયેલો લાગ્યો. “તમે આમ ટગર ટગર જોયા જ કરશો કે કંઇક કરશો ?” એટલું બોલી તે ઝાટકો મારી પડખું ફરી ગઈ. તેને થયું કે હાથ લંબાવી રમાને પોતાની તરફ ખેંચે પણ તે તેની પીઠ સામું તાકી જ રહ્યો.

* * *

થોડી વારે શેરીમાંથી સ્ત્રીઓનો સમૂહ માથા પર બાજઠ, ગરબો અને સુખડીનાં પતરાં મૂકી ગાતાં ગાતાં ચાલ્યો. કાળકા મા પોઢ્યાં હોય તો જાગજો, વધામણાં રે આયા, ઘૂઘરીવાળા ઝાંપલિયાં ઉઘાડજો, વધામણાં રે આયા, સોના કેરી સાંકળો ઉઘાડજો, વધામણાં રે આયા... “ચાલો અમરતલાલ, તમારે ય હવે તૈયારી કરવાની હશે ને ?” મોટરસાઇકલ પર તેનો સામાન ગોઠવ્યો અને બાજુના ગામના રસ્તે નીકળ્યો. થોડેક આગળ જઈ રસ્તાની બાજુમાં ઊભા રહી રમાને ફરી ફોન કર્યો. તે અકળાઇને બોલી રહી હતી, “તમારી જેમ ફોન ના ઉપાડવાનો ડોળ તો નથી કરતી, સમજ્યાને ? આ હજી બાકીનું દેવું ક્યારે ભરી રહીશું? તમે તમારે તવેથો અને ઝારો લઇને બધે ફર્યા કરો. મારું તો છોડો પણ આ છોકરાનું કશુંય વિચાર્યું? આ દીપો નથી ભણતો કે નથી તમારી જોડે દુકાને બેસતો. મોટરસાઇકલ લઈ આપી છે તે ભટકણ થઈ ગયો છે.” તેને ગળે ડચૂરો બાઝી ગયો હોય તેમ થોડી વાર રહીને બોલી, “મારા ભઈ સાથે વિજાપુર જવા નીકળી છું. દીપાનું તો એજન્ટ જોડે પાકું કરીને જ આવું છું. તમે નવરા પડો તો જ આવજો.” બીજું કશુંય સાંભળ્યા વગર રમાએ ફોનની લાઇન કાપી નાખી. તે થોડી વાર વિચારમાં પડી ગયો અને બેસી રહ્યો. બાજુના ગામના યજમાનના ફોનની રિંગ સતત વાગતી રહી. તે ફોનના સ્ક્રીન સામું જોતો રહ્યો. જાણે કે સ્ક્રીન પર રમાનો ચહેરો ઊપસી આવ્યો. તેણે ઝીણી આંખે જોયું તો સૂકાઈ ગયેલાં સુખડીનાં ચકતાં પરની કરચલીઓ રમાનાં ચહેરા પર ઊપસી આવેલી દેખાઈ. અનાયસે તેનો હાથ તે તરફ ઊંચો થયો. તેણે ફોન ખિસ્સામાં મૂકી દીધો. મોટરસાઇકલ પાછી વાળી તે વિજાપુર તરફ જવા નીકળ્યો.



તન્ત્રીનૉંધ :

આ રચનાની પહેલી વિશેષતા, એમાં અનુભવાતું વાતાવરણ છે. ‘ગરબો માંગે તેલ…’ એ ગરબાના ગાનથી થયેલો વાર્તાનો ઉઘાડ સુખડી બનાવવાની પ્રક્રિયાના તાદૃશ વર્ણનથી વિકસે છે અને વાતાવરણમાં ગૉળ, ઘી અને છેવટે સુખડીની સુગન્ધ ભળે છે. એ વર્ણન એટલું જીવન્ત છે કે એને એક સમુપકારક આલેખન કહેવું જોઈશે, આમ છે એ : સુખદેવે એક પછી એક એમ બે ડબા ઘીના તાવડામાં ઠાલવ્યા. એક બાજુ ઊભા રહી તવેથાને ઘીમાં હલાવવા લાગ્યો. થોડી વાર રહીને તેણે ઇશારો કર્યો એટલે અમરત બાજુમાં મૂકેલાં તપેલાઓમાં રહેલા સમારેલા ગોળને તાવડામાં ઠાલવવા મંડ્યો. તાવડામાં સુખદેવ ધીમે ધીમે તવેથો હલાવતો રહ્યો. તપી તપીને ગરમ બની ગયેલાં ઘીમાં ઓળઘોળ થઈ ગયેલા ગૉળમાંથી ઝીણા ઝીણા પરપોટા સપાટી પર થોડી વાર તરીને શમી જતા હતા : બીજી વિશેષતા એ છે કે કથક સુખદેવ અમરત અને રમા જે સમાજમાં જે સ્તરે છે, તેને અનુરૂપ કથા-ભાષા પ્રયોજી શક્યો છે, જેમકે અમરત આમ બોલે છે : તે વખતે ટ્યૂબવૅલમોં તો ભાગ રાખવાના પૈસા હતા જ નહીં એટલે ઊભા પાકમોં કાયમ પોંણી વાળવા ઇમનં અગઉથી જ કગરવું પડતું. હા હાકરં પણં સેલ્લી ઘડીએ જ બોરનું પોંણી ના આલં. થોડા દાડા પસં જ પોંણી આલતા : તેમછતાં, સુખદેવ કે રમા એ તળની બોલીમાં નથી બોલતાં, એટલે કે કથકે રચના સમગ્રમાં એ બોલી પાથરી દીધી નથી, ત્યાં પણ જરૂરી સંયમમાં રહ્યો છે. ત્રીજી વિશેષતા એ છે કે આ સુખદેવની કથની છે, ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી રજૂ થઈ છે, પણ કથક સંયમમાં રહી શક્યો છે, કથની માટે વીગતો પાછળ વહી નથી ગયો. નહિતર એમ બનતુંં હોય છે કે આવી રચનાના નિરૂપણમાં રચનાકાર પાત્રના મનમાં શું ચાલ્યું તે સારી રીતે નથી કહી શકતા. આ કથક એ ઔચિત્ય જાળવી શક્યો છે. અમરતે સુખદેવને પૂછેલું કે અમેરિકામાં ફાવેલું કે કેમ. એ પ્રશ્ન સુખદેવને સતાવે છે અને સુખદેવ ખાટલામાં જઈ બેસે છે, અને કથક કહે છે, એના મનમાં પ્રશ્ન ઘુમરાવા લાગ્યો – કેમ? નો’તું ફાયું? : સુખદેવ અમેરિકાથી સમજો, ડૉન્કી બનીને પાછો આવ્યો છે, રમા દીકરા દીપાને મોકલવા મંડી પડી છે, વગેરે ન છૂટકાની પરિસ્થતિ વખતે સુખદેવના મનની શી અવસ્થા હોય એ પર કથકે ધ્યાન આપ્યું છે, અને ત્યારે એણે એ અવસ્થાને આ રીતે દર્શાવી છે : સુખદેવ થોડી વાર વિચારમાં પડી જાય છે અને બેસી રહે છે. ફોનના સ્ક્રીન સામું જોતો રહે છે ત્યારે જાણે કે એને સ્ક્રીન પર રમાનો ચહેરો ઊપસી આવેલો દેખાય છે. એ ઝીણી આંખે જુએ છે તો સૂકાઈ ગયેલાં સુખડીનાં ચકતાં પરની કરચલીઓ રમાનાં ચહેરા પર એને ઊપસેલી દેખાય છે. વગેરે. જોવા જઈએ તો, આ વિશેષતાઓ એક સુવાચ્ય અને સ-રસ ટૂંકીવાર્તામાં હમેશાં જોવા મળે છે, મેં તો એ માટે આ વાર્તાનો દાખલો આપ્યો કહેવાય.