સાહિત્યિક સંરસન — ૩/સુમન શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


++ સુમન શાહ ++


ખાઈ —-



નીલમ છલાંગ મારીને ખાઈની સામી બાજુએ પ્હૉંચી ગઈ. હસુને બાય કર્યું. એ જોતો રહી ગયો.

એ દેખાતી બંધ થઈ. સૂરજ ડૂબવામાં હતો. હસુએ એક લાંઆંબ્બો પડછાયો જોયો. એની આંખો અંજાઈ ગઈ, એણે આજુબાજુ જોયું. સૂમસામ વગડો હતો.

ખાઈ છ-સાત ફીટ પ્હૉળી હતી. એણે નીચું જોયું, અંધારું એકઠું થવા માંડેલું. રાત પડવામાં હતી.

આકાશમાં તારા ટમટમતા થયા. હસુની આસપાસ એક-બે આગિયા ઊડતા થયા, હાથ વીંઝીને પકડવા ગયો, પણ આગિયા સરકી ગયા. હસુએ વગડામાં નજર ફેરવી…બબડ્યો : શું એ ખરેખર ગઈ કે મારી આંખોને એમ દેખાયું…છલાંગ મારી શકી નીલમ…!?…

એ ખાઈની ધારે બેસી પડ્યો.

…ગયા નવરાત્રમાં નીલમે પ્હૅરેલો કચ્છી ભરતનો ઘાઘરો… ચળકતું પીળચટું બ્લાઉઝ…આસમાની સાડી…કદાચ એ જ બધું પ્હૅરીને ગઈ…કાલે થયેલો ઝઘડો…રાતે થયેલી ધપાધપી…

હાખ્થૂ કરીને હસુ કશુંક બબડ્યો.

એણે નીલમને ફોન જોડ્યો…કહી દઉં કે પાછી તો આવીશ જ નહીં…પણ લાગ્યો નહીં કેમકે એનો પોતાનો ફોન જ ડેડ હતો. એને યાદ આવ્યું -ચાર્જર થેલામાં છે. એ મલકી પડ્યો. પણ કચવાઈ ગયો -છે પણ પ્લગ વિના શેમાં ખોસવાનો’તો…

એ આડે પડખે થયો. ફોનને એણે છાતીએ દબાવી દીધો…મારી ગરમીથી ચાર્જ થઈ જશે…પેલો પડછાયો ઊભો થઈ એની ચૉકી કરવા લાગેલો.

એ ઊંઘી ગયો. એનો ડાબો પગ ખાઈમાં લબડતો છે.

+

ખાઈની સામી તરફ નાનકડું શ્હૅર છે. રાત વિકસી રહી છે. શેરીએ શેરીએ ઝગમગતા દીવા છે. નીલમ એ જોતી જોતી જઈ રહી છે.

રમુભૈની ઑફિસ આવી લાગી. એણે નાની હડીઓ કાઢી. ઘાઘરાના ફડાકા બોલતા’તા…

એ અટકી. આંગણાના લૅમ્પ નીચે એક માણસ ઓટલે બેઠો’તો. એના ખૉળામાં માથું મૂકી એની સ્ત્રી ઊંઘી ગયેલી. એ પાંજરાના પોપટ જોડે વાતો કરતો’તો. નીલમે એને રમુભૈની ઑફિસ વિશે પૂછ્યું તો એણે એના ભણી જોયા વગર જ બોલ્યા કર્યું -ના ના, તું તો વ્હાલી મારી મૅના છે : નીલમને સમજાયું નહીં કે વ્હાલું કોણ, સ્ત્રી કે મૅના, એ આગળ ચાલવા લાગી. પેલો પાછું જોઈ મોટેથી બોલ્યો : ત્રીજું ઘર રમુભૈનું, ઘર એ જ ઑફિસ…

નીલમ બબડી -ઑફિસ ઘરમાં…?…એવું કેમ…

એ બેઠી ખુરશીમાં. રમુભૈ સામે સ્મિત કરી રહી. પછી કેટલીક મિનિટો લગી એણે બોલ્યા જ કર્યું. એકદમ ચૅંકાઈ જઈને ઊભી થઈ ગઈ…રોજ ક્હૅ કે થાકેલો છું, આજે નહીં, અને અવળો ફરી જાય…રમુભૈ, અમારાં કૉર્ટમૅરેજ છે…

એ રડી પડી.

રમુભૈએ પાણીનો ગ્લાસ ધર્યો. નીલમની પીઠ પસવારતાં બોલ્યા : તારાં આન્ટિ પીયર ગયાં છે, હોત તો ક્હૅત -તારી કહાની કરુણ છે : પણ સમાજસેવક તરીકે તમે શું ક્હૉ છો? : માનું છું કે તેં કહ્યું એ સાચું ને પૂરું કહ્યું. તારે હસુકુમારથી છૂટા થઈને જૉબ જોઈએ છે, રહેવા ઍપાર્ટમૅન્ટ જોઈએ છે, બધું મેં બરાબર સમજી લીધું, પણ : પણ શું? : એ કે આ મામલામાં મારાથી કંઈ થઈ નહીં શકે : કેમ? : જૉબ તો મળી જાય, હું જ આપું, પણ રહેવા ઘર…કેમકે તું પરણેલી છે, પોતાને ત્યાં તને કોઈ રાખે નહીં, ને અમારાથી તને એકલી મુકાય નહીં : છૂટાછડા? : એ માટે તો હસુકુમારનો પૂરો સહકાર જોઈએ.

નીલમની નજર ફર્નિચરના આકારો પર ઊડતી રહી.

રમુભૈને ત્રણ છીંકો ઉપરાછાપરી આવી. ડબ્બી ખોલી છીંકણી સૂંઘવા લાગ્યા. નીલમને છીંક આવી. એણે રૂમાલથી નાક લૂછી નાખ્યું.

તો? : તું પાછી જા, જતે દિવસે ઘીના ઠામમાં ઘી પડી રહેશે : પ..ણ : કેમકે બીજું તો શું કરાય મારાથી? : નીલમને ફરીથી છીંક આવી : તમે ટૉયલેટમાં નાક સાફ કરી આવો ને… …લૅ કરી આવ્યો, મારો શરદીનો કોઠો છે…શું થાય…તારી સાડી સરસ છે…રમુભૈનો હાથ નીલમના ખભે હતો. નીલમ સંકોચાઈ પણ રમુભૈ -આ ઍરિન્ગ પણ, કહી ઍરિન્ગને રમાડવા લાગ્યા : મારે તાં તો જગ્યા નથી : મેં ક્યાં કહ્યું કે મને તમારે ત્યાં રાખો ! ખરા છો ! : નીલમ ઊભી થઈ ગઈ.

રૂમમાં અસમંજસ નીરવતા ફરી વળી.

નથી કહ્યું પણ ચોખવટ કરું છું. તારે બીજે રહેવું પડે : હા, ભાડે રહીશ : બરાબર, ભાડું હું સંસ્થાના ફન્ડમાંથી આપીશ, ખબરઅંતર કાઢવા આવતો રહીશ : એ ખરું પ..ણ : તું પણ પણ કરીશ તો કશું થવાનું નથી…હું ધારું છું પેલા કનુભાઈ તારા મામા થાય, રીયલ્ટર, દોસ્ત છે મારા; ચાલ જઈએ એમને ત્યાં, કશો ઇલાજ બતાવશે; નહીં તો, સવારે નીકળી જજે એમને ત્યાંથી : એ તો દૂરના મામા છે ! : હા પણ મામા તો ખરા ને…

+

ભૈ, ભૈ, મને બચાવો, મને બચાવો -કોઈ યુવતીએ હસુને ઢંઢોળ્યો : તું છે કોણ? : મારું નામ જડાવ છે : હાંફે છે કેમ? : મારી પાછળ વાઘ પડ્યો છે…મેં કીધું -તેલ ને ચૉળા ખાવા દે, પછી મને ખાજે, એટલે જવા દીધી : તો અત્યારે? : મારા એમના ગયા પછી મને ઊંઘમાં ચાલવાની ટેવ પડી છે, જાગવાની દવા ખૂટી ગયેલી તે લેવા નીકળેલી. અમસ્તુ પાછળ જોવાઈ ગયું, તો પાછો એ જ મૂઓ ! એટલે ભાગી ભાગી તે તમારા લગી : પણ તેલ ને ચૉળા-વાળી તો ડોશી હતી, તું તો - : જુવાન છું એટલે જ કહું છું, મને બચાવી લો : હું કેવી રીતે બચાવું…

હસુ ઊભો થઈ ગયો, પાટલૂન ખંખેર્યું. એ વખતે એના બે પગ વચ્ચે કશુંક અટવાયું. પેલો પડછાયો હતો. બન્ને પગ હલાવીને એણે એને હડસેલી મેલ્યો.

શું વિચારો છો? : વિચારવા દે...

વિચાર્યું? : હા, જડાવ, તારી પાસે ચાર્જરનો પ્લગ -જોકે કેવી રીતે હોય- છે? : ચાર્જર પ્લગ ફોન બધું છે, લઈને ફરું છું : એમ? : હા સ્તો, દોડીને થાકું પછી ઘરે પ્હૉંચવા જોઈએ ને : જોવા દે તો.

જડાવ થૅલામાંથી બધું કાઢીને દેખાડી રહે ત્યાં લગી હસુ એને જોતો રહ્યો.

+

રમુભૈ નીલમને લઈને ગયા ત્યારે કનુમામા એમના જિગરી દોસ્ત શંભુ જોડે પીતા’તા : આવ આવ લગાવ રમુ, આ તો અપ છે, અપ કરી દે એ ! : ના આજે નહીં : કેમ ઘરે ભાભી નથી? : ના : આજે કોને લાવ્યો છે -બોલતાંમાં કનુમામા અટકી ગયા, અરે નીલુ ! તું કાંથી? : પૂછીશ નહીં, રડી પડશે. તારે ત્યાં રાખ : પણ વાત શું છે? : પછી કહું છું : પણ નીલુને ફાવે મામી હારે? : કો’ક તો જોઈએ ને ભલા માણસ ! : ઠીક. શું ક્હૅ છે તું નીલુ…

નીલમ વિચારતી’તી એ દરમ્યાન એને છીંક આવી. એ બોલી પણ ખરી -રમુભૈ તમે આઘા બેસો. પછી આછું હસીને બોલી, છીંકણીની ડબ્બીને ય આઘી મૂકો. પણ ત્યારે રમુભૈ અને કનુમામા ફુસફુસમાં એકબીજાને કંઈક ક્હૅતા’તા : હા પણ તારી ભાભીને નૈં ગમે યાર, ઘરમાં જુવાન છોકરીને - : એવી જુવાન કાં છે? પરણેલી છે ને તું ક્યાં સગો મામો છું…તેં શું કહ્યું -ડબ્બીને આઘી મૂકું- અઘરું છે, પણ તું ક્હૅ છે તો લૅ, તું જ ફૅંકી દે ક્યાંક આઘે, આમેય ખાલી થવા આવી છે : નીલમ બોલી -ના ના, એ હું ન કરું, મને છીંકો આવે, તમારી પાસે જ રાખો. પછી રમુભૈ ફુસફુસથી કંટાળ્યા હશે એટલે ખુલ્લા અવાજે બોલી પડ્યા -તો પછી તું જાણે !

વાત કળી ગયો હોય એમ શંભુ ઝટ બોલ્યો : એવું હોય તો લઈ જઈએ મારા ‘વનિતા વિશ્રામે’ : કનુમામો અને રમુભૈ એક સાથે બોલ્યા -હા એ જ બરોબર ગણાય !

પણ તમે બધા મને તો પૂછો ! હું આજે ને આજે રહેવા થોડી આવી છું? રાત ના હોત તો પાછી જતી રહેત : ત્રણેય એને જોઈ રહ્યા : નીલુ, આવી જ ગઈ છે તો અફસોસ ન કર. રાત છે એમાં શું…તારું ત્યાં રહેવું સેફ છે, જૉબ મળી જાય પછી રાખી લેજે ને ઍપાર્ટમૅન્ટ, હું અપાવીશ : રમુભૈ તરત બોલ્યા, હું પણ એ જ કહું છું, તું જુવાન છું, સ્ત્રી છું, સમજ : નીલમની નજર કનુમામા તરફથી રમુભૈ તરફ ગઈ ને પાછી કનુમામા તરફ ફરી : હા, હું પણ છું, ધ્યાન રાખીશ ને બિલ્ડિન્ગ ટેકરી પર છે, છેક છેલ્લા પાંચમા માળે રૂમ આલીશ; ત્યાંના એકાન્તમાં નીલમબેનની તબિયત પણ સાજી થઇ જશે : અરે પણ હું ક્યાં માંદી છું ! -પણ કોઈએ એને સાંભળી નહીં : હા હા ચાલો ચાલો : હું આટલું પૂરું કરી લઉં -બોલીને શંભુ પીતો’તો એ એકસામટું ગટગટાવી ગયો ને જલ્દી જલ્દી ક્હૅવા લાગ્યો -મારી બગ્ગીમાં જઈએ બધા, તમે રમુભૈ તમારી કાર અહીં જ મેલી રાખો, કેમકે ટેકરીએ ચડાવતાં તમને નૈં ફાવે : હા, આમેય આજકાલ હાંફી જવાય છે : તો ય યાર, તું મરદ છું : હા એ તો છું જ.

નીલમ બબડી…આ બધું હું શું કામ થવા દઉં છું…રાતે તે નીકળાતું હશે…

+

અરે ! આ તો પોર્ટેબલ પાવર પ્લગ છે ! ફોન ઘડીમાં ચાર્જ થઈ જશે : બિલકુલ ! ખોસો ! : ના, અત્યારે નહીં. વાઘ આવે એ પ્હૅલાં, ચાલ, પેલા ઝાડની બખોલમાં સંતઈ જઈએ : બન્નેને થાય એવડી છે? : ખબર નથી પણ હશે : ચાલો : તારી પાસે ઓઢવાનું છે? : છે : ઓઢી રાખજે, આવશે તો કહીશ કે ભઇલા, જડાવ હું નથી, હમણાં જ ગઈ ગામ બાજુ, ખાવી હોય તો જા, દોડ ! : સરસ…

બન્ને બખોલમાં ગોઠવાઈ ગયાં. બખોલની ખડબચડી બાજુઓ બન્નેને વાગતી’તી. એટલે અડાઅડી થઈ જતી’તી. વગડામાં પવન નીકળ્યો’તો. એમના ય ઝાડની ડાળીઓ ઝૂમતી’તી.

તમારું નામ પૂછવાનું જ ભૂલી ગઈ : હસુ : એકેય વાર હસ્યા તો નહીં ! : હાઆ…તેં કીધું જડાવ કે એમના ગયા પછી, તે ક્યાં ગયા છે? : ઉપર, ભગવાનને ઘેર…અમસ્તાં કહું છું…

હસુ બખોલમાંથી બહાર નીકળી ગયો.

કેમ શું થયું? ફાવ્યું ના? : હા, ગરમી થાય છે -કહીને હસુ ઝાડના થડે હાથ મૂકી આકાશ જોવા લાગ્યો. ત્યારે એની પાછળ પેલો પડછાયો લંબાઈને સૂતેલો હતો.

+

કરીમ ઘોડાને બુચકારતો રહેતો’તો ને હળવેકથી ચાબુકના ચપેટા ય બોલાવતો’તો.

બગ્ગી સડસડાટ જતી’તી. નીલમને સમજાતું ન્હૉતું કે એની સાથે એ લોકો કરી શું રહ્યા છે…મને ઝટ ઠેકાણે પાડવા માગે છે…સંતાડી દેવા…પણ શા માટે?…આટલી તકેદારી કેમ…

નીલમે ઊંચે આકાશ ભણી જોયું. પછી હથેળીએ કપાળ ટેકવી નીચા માથે બગ્ગીનાં મોટાં પૈંડાંને ફરતાં જોવા લાગી.

રમુભૈ પાછો કનુમામાના કાનમાં ફુસફુસ કરવા લાગેલો. નીલમ એ બન્નેને તાકીને જોઈ રહી. એવામાં કનુમામો બરાડી ઊઠ્યો -તો તું રાખ ને !

કરીમે લગામ ખૅંચીને બગ્ગી ધીમી પાડી : નીલમે કડક અવાજે પૂછ્યું -તું રાખ તું રાખ, છે શું?… … બોલો ! બોલતા કેમ નથી? હું તમારી અદબ રાખું છું પણ તમે ત્રણેય મને સમજી શું બેઠા છો? ચાચા ! બગ્ગી ઊભી રાખો, મારે ઊતરી જવું છે ! : એવું છે નીલુ, અમે તારું ભલું ઈચ્છીએ છીએ : હા વળી, જૂની ચાલીના સૉદાની વાત છે ને મામા ક્હૅ છે, તું રાખ : નીલુ, મધરાત થવા આવી છે, ઊતરીને જઈશ કાં : વાત એ હતી તો તમે બરાડો પાડીને કેમ બોલ્યા? : રમુભૈએ તરત કહ્યું -એ એનો સ્વભાવ છે, સ્વભાવ જાય કોઈનો…

નીલમે આગળ બોલવાને બદલે ચૂપ રહેવાનું પસંદ કર્યું. કરીમે ચાબુકનો ચપેટો બોલાવ્યો, ઘોડો સમજી ગયો, બગ્ગી પહેલાંની જેમ દોડતી થઈ.

+

જડાવ, વાઘ ગામમાં આવ્યો ક્યાંથી? : અરે, ગામમાં જ વસે છે, ક્યારેક વાણિયાશેરીમાં, તો ક્યારેક બામણશેરીમાં, અહીંતહીં લપાઈ રહે છે. એક વાર તો મહાદેવના નન્દીની જોડે બેસી ગયેલો. અને હસુ, નવાઈ તો એ કે સ્ત્રીઓની જ પાછળ પડે છે ! : કેમકે સ્ત્રીઓનું માંસ મીઠું : ના, સ્ત્રીઓનું હાથવગું અને નરમ, એટલે મીઠું : તું વાઘથી ડરું છું કે એની રાહ જોઉં છું? : બન્ને; આવતો દેખાય એટલે ડરું અને ડરું તેમ તેમ આવતો દેખાય…

તમે હસુ, પાછા અંદર આવી જાવ : આ આવ્યો, લે.

એવાયે જોડે બી આમ જ થતું. રોજ રાતે રાહ જોતી, જેમ જેમ રાહ જોઉં તેમ તેમ મૉડું, મૉડું જ લાગે. એક-બે પ્હૅલાં આવે જ નહીં. ગાનારીને ત્યાંથી પીને આવે. પાન દબાવ્યું હોય તો પણ મૉં ગંધાય. મારા શરીરને ઠેકાણે ઠેકાણે એમનું અડાડે એટલે જાણું કે પછી શું કરવાના હોય : એવા જ હોય છે એવા બધા : એવાયે તો મોટી પોઠ જોઈ લૉ, પોઠ ! મને હથેળીના હેલકારે સુવાડી દે…હવે તારો વારો, તું ઉપર આવી જા…નીચે-ઉપરના રોજના સિતમે મારી જાત નંખઈ ગઈ છે…જુઓ ને, આ સલવાર-કમીઝ કેટલાં ખોખ પડે છે…

હસુ બખોલના અંધારામાં જડાવને તાકી રહ્યો.

પડછાયાને ગોળ વાળી દેતાં આવડે તને? -હસુ બબડ્યો : શું કહ્યું? : એમ કે તને શું શું આવડે? : શેમાં શેમાં? : કોઈપણ બાબતમાં : મને ઘણું આવડતું’તું પણ કેટલુંક હવે નથી આવડતું. તમને કહું, ભગવાનને ઘેર ગયા -એમ અમસ્તું નહીં કહેલું. એક વાર પીણામાં ઝૅર ઘોળીને લઈ ગઈ બેડરૂમમાં, નજર નીચી રાખીને ધર્યુું, ને એ ગટગટાવી ગયા : મરી ગયા !? : ખબર નથી પણ ત્યારના મને દેખાતા નથી. જોકે હું ડાહી થઈ ગઈ છું. ગુસ્સો મારો હવે ધબી ગયો છે. દરેકને કહું છું -કેમ છો ભૈ -મજામાં છો -શુભેચ્છા -ખુશ રહો -ભગવાન ભલું કરશે…બદલાઈ ગઈ છું…

+

બગ્ગી આસ્તે આસ્તે ટેકરી ચડી ગઈ. નીલમ, રમુભૈ, કનુમામા અને શંભુ ‘વનિતા વિશ્રામે’ પ્હૉંચ્યાં.

પછી ચુનિયાએ પાંચમા માળે એક રૂમ ખોલ્યો ને નીચે આવીને ક્હૅ -તમે બુન, ચન્ત્યા ના કરજો, રૂમ ટનાટન છે, દાદરા ચડવા પડસે, પણ હ્ઉં બ્હાર બાયણા પાંહે જ બેઠો હઈસ; કૈં બી હોય, બૂમ પાડજો, માથું દુખે, ટાંટિયા ચુહાય, કમર ફાટે, મને ક્હૅજો, દબૈ આલીસ.

નીલમ કંઈ જવાબ આપે એ પ્હેલાં રમુભૈ અને કનુમામા ઉતાવળા થઈ ગયા : રાત બહુ થઈ છે, આવજો, જઈએ : હા, ને કરીમનું ટાયડું ય રાતે વધારે હણહણે છે, ગાંઠતું નથી -શંભુ બોલ્યો : અમે જઈએ -બન્ને એક સાથે બોલ્યા અને ચાલવા માંડ્યા. નીલમ એમને જતા જોઈ રહી.

એમને વળાવીને શંભુ પોતાની કાયમની જગ્યા બાજુ ગયો.

નીલમે સ્ટૉપર ચડાવીને રૂમ અંદરથી બંધ કર્યો ને બારી ખોલી. સાડી ઉતારી નાખીને ખાટલે આડી પડી…કાવતરું હશે તો…એ બબડી…રાત…અજાણી જગ્યા…મારે આમ ન્હૉતું આવવાનું…હસુને જીવનમાંથી કાઢવાની વાતે, આ …

હવા હવડ રૂમમાં દાખલ થયેલી. એણે અમ્બોડો છોડી નાખ્યો, વાળને છૂટ્ટા મૂકી દીધા ને બારીએ બેઠી, ઊંડો શ્વાસ લઈ હવાને આંખોથી માણતી રહી. ઘડીક પછી, ટમટમતા તારા જોતી આંગળીનાં વેઢે ગણવા લાગી…

+

જડાવ, ગાળો તો મારાથી પણ દેવાઈ જાય છે : તમે પરણેલા છો? : હા, ખાઈની પેલે પાર ગઈ છે : કશા કામે? : એને છૂટાછેડા જોઈએ છે ને શ્હૅરમાં સૅટ થવું છે : એવું તે શું થયું? : ધીરે ધીરે હું એને ન ગમવા લાગ્યો ને ધીરે ધીરે એ મને ન ગમવા લાગી. મારાં એની જોડે બીજાં લગન ને એનાં મારી જોડે બીજાં લગન : તે તમે પહેલાં બી પરણેલા છો? : હતો : ગાળો તમે - : ના ના, ગાળો હું એને કે એને કે કોઈને નથી દેતો, વસ્તુઓને દઉં છું : એ કેવી રીતે? : આ પડછાયાને : ક્યાં છે પડછાયો? : મને દેખાય છે ત્યાં છે : તમે અગડમ્ બગડમ્ કેમ બોલવા લાગ્યા? : એવું નથી, હું એમ ક્હૅતો’તો કે સાણસીને એક ગંદી ગાળ ને પછી કહું -હરામડી છટકી જાય છે મારી પકડમાંથી? આ ખમીસનું બટન ગાજમાં ઘૂસતાં વાર લગાડે કે પાટલૂનની જિપર જલ્દી ખૂલે નહીં, મારા મૉંમાંથી ગાળ જ નીકળે. ટૂથપેસ્ટની, શી ખબર, મને દયા આવે, પણ દબાવું ને ઝીણી ગાળ તો આપું જ. ઉશીકું ખસી જાય તો દઈ દઉં એક જોરદાર. મૉડે લગી ઊંઘ ન આવે તો મારા શરીર જોડે મમ્મોચચ્ચો કર્યા કરું : એટલે શું કરો? : મમ્મોચચ્ચો !

જડાવ હસે છે ને બોલી જુએ છે -મમ્મોચચ્ચો…મમ્મોચચ્ચો બોલતી બોલતી એ ખડખડાટ હસે છે. શાન્ત રાતના વગડામાં પડઘા પડે છે.

જડાવ, ચૂપ થઈ જા, સાંભળીને પેલો તારો ધસી આવશે : હા, એ ખરું, ખૈબદેલો છે. હવે નહીં બોલું. પણ તમે હસુ, મારા પ્લગમાં ચાર્જર ખોસી દો, તમારો ફોન ચાર્જ થઈ જાય. હસુએ એ કર્યું : બરાબર ખોસ્યું ને? : હા : તો હવે જપી જાવ : તું પણ ના બોલતી : ભલે.

+

તારા ગણતાં નીલમ તરત જ કંટાળી ગઈ. પાછી ખાટલામાં સૂતી…મોટેથી નહીં પણ પોતાને સંભળાય એમ બોલતી રહી…પહેલો મળ્યો એ જ ખરો હતો, અનુપ. બાપને ગરીબ ઘરનો લાગ્યો. જગુને પરણી. એ રાસ્કલ નીકળ્યો. કશું જણાવ્યા વિના ચાલી ગયો. ઘણા મહિને ફોનથી જણાવ્યું -દુબઇ છું. કેટલી રાહ જોઈ. રોજ તારીખિયાનું પત્તું ફાડું. પાછો આવ્યો જ નહીં. દુબઈમાં બીબડી રાખી છે. એ પછીનો રાસ્કલ, આશુતોષ. ક્હૅ -મૅરેજ નહીં, સાથે રહીશું. પાછો ક્હૅ -પ્રોટેક્શન નહીં વાપરું, તું પિલ્સ લેજે, નેચરલમાં જે મજા…લાફો મારી કાઢી મૂકેલો…હસુ રાસ્કલ નથી. પણ મારે એને પૂછવું છે -તું ઇમ્પૉટન્ટ છું કે ગે? જોકે હિમ્મત નથી થતી…લાવ ફોન કરું…અત્યારે જ પૂછવા દે…સારો લાગ છે…

નીલમે ફોન જોડ્યો પણ રિન્ગ જાય એ પ્હૅલાં કાપી નાખ્યો…નથી પૂછવું…જોકે એને જીવનભર કેમ કરીને ચલાવી લઈશ, લેવા જ છે છૂટાછેડા…પણ એ માટેય એની જરૂર છે…સમાજસેવાનું આ કેન્દ્ર તો મને ક્યાંથી ક્યાં લઈ આવ્યું…શી વલે થઈ છે મારી…

એકાએક નીલમના નાકનું ટીચકું ચડી ગયું. બંધ બારણે માથું અડાડીને પૂછવા લાગી : ચુનિયાભાઈ ! તમે સિગરેટ પીવો છો? : ના બુન, બીડી; ક્યમ કૈૈં દુખ ઊપડ્યું છે? : ના ના : ઊપડે તો ક્હૅજો : હા હા, જરૂર કહીશ, પણ તમે પીવાનું બંધ કરો ! : હા લૉ, આ કર્યું.

આ ચુનિયો મને શું સમજે છે…દુખ ઊપડ્યું બકે છે તે શું છે…વનિતાઓ અહીં…કનુમામો…રમુભૈ…શંભુ…મળ્યા ત્યારથી મારી છાતી જ જોયા કરે છે…બધા એક જ ઝાડની જુદી જુદી ડાળે બેઠેલા એક જ જાતના ઘુવડ છે…મને થાય છે, એમની આંખો ફોડી નાખું !

નીલમે તરત સાડી પ્હૅરી લીધી, વાળનો અમ્બોડો વાળી લીધો.

+

જડાવ, બ્હાર નીકળીએ…

હવે ક્હૅ, તું ગંદી ગાળો બોલતી, કેવી કેવી? : એવાએ દે એથી બી ભારે : દાખલા તરીકે? : ના ના, ખુલ્લાંમાં મને ના ફાવે : ઠીક છે, તું બખોલમાં ઊંઘી જા, હું ખાઈ બાજુ જઉં. મને પેશાબ લાગી છે : આડા ફરીને કરી લો ને, હું નૈં જોઈ જઉં : ના ના, એ બાજુ બરાબર છે : સારું…અરે, હું ઊંઘી તો જઉં પણ ઊંઘમાં ચાલવા માંડીશ તો? : તો તો આ અંધારામાં તું ક્યાંયે પ્હૉંચી જઈશ. હું તને ખૉળવા નહીં નીકળું : એ તો તમારે કરવું ના પડે હવે? : હા : સારું, તમે જાવ, જાત પર દાબ રાખીશ ને ઊંઘમાં જ રહીશ, બસ? : હા, જઉં છું : પણ હસુ, એમનું નામ તો કહ્યું નૈં : કોનું? : તમારી એનું : નીલમ.

જડાવ ફરી હસે છે. શાન્ત રાતના વગડામાં ફરી પડઘા પડે છે.

કેમ હસી? : એમ જ !

જતાં જતાં હસુ બોલતો રહ્યો -જો જડાવ, વાઘ આવે ને તને ફાડી ખાય તો પછી એમાં મારું નામ ન લેતી : કાંથી લેવાની? ખવાઈ ગઈ હોઉં પછી…બસ સૂઇ જઉં છું…

હસુ પાછો ફરીને જડાવ લગી ગયો અને બોલ્યો : બ્હાર આવ…હવે હસ એક વાર, મને સારું લાગે છે : એમ થોડું હસાય? : ગલીપચી કરું? : કરો -બોલીને જડાવ કમરનો લાંક ધરી રહી : ના, જવા દે…મારી જોડે ચાલ ખાઈ બાજુ, મારાથી તને એકલી કેમ મુકાય : ચાલો…

સરસ છે ને ખાઈ? : એકદમ ! : હું પેશાબ કરી લઉં : કરો ને, ક્યારના કહ્યા કરો છો : તું અવળે જો : જોયું, લૉ !

હસુ આંખો બંધ રાખીને પેશાબની ધારને સાંભળતો’તો ત્યારે શિયાળની લાળી સંભળાયેલી. એ હાખ્થૂ કરીને થૂંક્યો.

હસુ, ખાઈમાં ઊતરીએ? : આટલી રાતે અંધારામાં ખાઈમાં? શું કરવા? : બસ એમ જ. ઊંડા અંધારે એકાન્તની મજા ઑર હોય ને પેલો આવે તો જડીએ જ નહીં એ મોટી વાત...મારો હાથ ઝાલો -કહીને જડાવે જ હસુનો હાથ પકડી લીધો ને પોતાની સાથે ભૂસકો મરાવતાં બોલી -જય મહાકાળી !

પંખીઓના ઊડવાનો ફફડાટ થયો. એ બોલી -બચારાંની ઊંઘ બગાડી : કોઈ બચારું નથી : વાંકું કેમ બોલો છો? : એમ જ ! : ના ના, કંઈક તો છે, નથી ગમતું નીલમ છોડી જાય એ? : એ તો ગમે જ છે : તો?…આટલા ઓછાબોલા કેમ છો? : એવો જ છું : સારું, સૂઇ જઈએ કહી જડાવે પોતાનું ઓઢવાનું પાથર્યું : પ..ણ : હા હા મારી બાજુમાં : હસુ જડાવને અડી ન જવાય એટલો નજીક સૂતો : હસુ, કંઈક કરો : શું કહું? : ક્હૅવાનું નથી ક્હૅતી, કરવાનું કહું છું : શું? : ગાયન ગાવ : મને ગાતાં નથી આવડતું : તો લૉ, મને ગલીપચી કરો, ક્યારની બાકી છે : હસુએ જડાવની કમરે ઉતાવળી બચ્ચી કરી આપી : ઓહો ! સરસ ! બીજી કરો : ના, મને બહુ થાક લાગ્યો છે -કહીને હસુ બીજી તરફ ફરી ગયો. જડાવ હસુ તરફની થઈને એને વળગવા ગઈ, પણ અટકી ગઈ.

પછી બન્ને ઊંઘી ગયેલાં.

+

બુન, નીચે સોમભૈસાએબ આયા છે, તમને લૈ જવા : મને !? ક્યાં? : એમના ઘરે : ક્હૅ એમને કે હું ઊંઘી ગઈ છું : એવું ખોટું? : હાઆઆ- નીલમ ખીજવાઈને બોલી પણ તરત કદાચ એને બીજો વિચાર આવ્યો હશે એટલે બારણું ખોલી ચુનિયાને કહ્યું -બોલાવી લાવ ! પણ જોજે, શંભુભાઈ આવી ના જાય : એ તો રાતે ફેરી લગાવે છે : શું કામ? : કોઈ બેનને દુ:ખ ઊપડ્યું હોય તો - : પણ આજે આ તરફ આવવા દેતો નહીં : હા બુન.

બેસો, આટલી રાતે, ને મને લેવા? ઇરાદો શો છે? : તને લઈ જઉં વ્હાલી -બોલીને રમુભૈએ નીલમને સહસા બાથ ભીડી ને ખાટલે સુવાડવા ગયા. એ જ વખતે એમને છીંક આવી. નીલમે એમને જોરથી ધક્કો માર્યો. એ સામી ભીંતે અથડાયા : કહાની મારી નહીં તમારી કરુણ છે ! : કોની વાત કરે છે? : રમુભૈ સમાજસેવકની ! : અરે ! : હા, કરુણ છે એટલે મને થયું કે તમારી જોડે આવું, ચાલો … … ચાલો ચાલો : ખરેખર? : હા હા, પણ આપણે બન્નેએ આ બારીએથી ખાનગીમાં નીકળવું પડશે; જોઈ લો, નિસરણી છે કે કેમ : શું? શું ક્હૅ છે? : તમે જે સાંભળ્યું એ...નીચું જુઓ, નક્કી કરો કે બહુ ઊંચું નથી, ચુનિયો પાછો આવે એ પ્હૅલાં.

રમુભૈ બારીએ જઈ જોવા નીચું નમ્યા ત્યારે નીલમે એમને પછવાડે જબરી લાત મારી. ‘ઓ માઆ’ કરતા એ પડ્યા. નીલમે ખાટલામાં છીંકણીની ડબ્બી જોઈ. બારી બ્હાર ફૅંકી દીધી. ડબ્બી ક્યાંક અથડાઈ…આટલો મોટો અવાજ !…અવાજ ફરી આવ્યો…છે શું…! નીચેથી નીચે ગબડી હશે…

એણે અવાજ ન થાય એમ સ્ટૉપર ખોલી ને બારણેથી દોડી ગઈ.

+

ખાઈ વહેલી સવારના કૂણા તડકાથી ટકોટક હતી. પક્ષીઓ જાગી ગયેલાં.

એવામાં નીલમની બૂમ -હસુઉ ! ક્યાં છું? : હસુ સફાળો જાગી ગયો, ખૅંચાઈને તરત ઉપર પ્હૉંચી ગયો : તું આવી ગઈ - : આવી ગઈ એવું કેમ પૂછે છે? : તું ગઈ’તી ને છલાંગ લગાવીને? : ના ભૈ ના, તને ભ્રમણા થઈ લાગે છે, એટલી મોટી છલાંગ મારાથી મરાય કેમ : તું અહીંથી તો ગઈ’તી રમુભૈ પાસે : એ તો હવે નથી રહ્યા : એટલે? બીજો સમાજસેવક શોધીશ? : બીજો, ત્રીજો, જે મળશે એ : જરૂર શોધજે : હા પણ કેટલાને મારીશ -નીલમ બબડી : શું કહ્યું? : કહ્યું કે -કેટલાને મળીશ : રમુભૈ નથી રહ્યા તે ઉપર પ્હૉંચી ગયા? : નથી ખબર : ઉપર ઉપર શું કરો છો, લૉ, હું ચડી આવી ઉપર -ધૂળવાળી હથેળીઓ ખંખેરતાં જડાવ બોલી : આ કોણ છે? : આપણા ગામથી છે : હું કહું, હું છું જડાવ. મારી પાછળ વાઘ પડેલો તે દોડતી જતી’તી ને આમને દીઠા, મદદ માગી, બીજું કંઈ નહીં. પણ નીલમબેન, તમે ક્યાં હતાં ? : જ્યાં તમે છો ત્યાં, આ જ વગડામાં : દેખાયાં કેમ નહીં? : અંધારામાં કોણ કોને દેખાય? પણ તમે મારું નામ જાણ્યું શી રીતે? : હસુભાઈએ જણાવેલું : મેં !? મેં કંઈ જ જણાવ્યું નથી. હું તો ખાઈની ધારે સાંજનો બેસી રહેલો : હસુભાઈ, આમ કેમ ક્હૉ છો? : એ પ્હૅલેથી જૂઠો છે : પળ વાર પછી નીલમે પૂછ્યું : તમે બન્ને નીચે શું કરતાં’તાં? : નીચે !? : હા, ખાઈમાં : એમની ખબર નથી, હું તો આ ફૂલ લેવા ઊતરેલી, કેટલું લાલ છે, જુઓ : જડાવ ફૂલ ધરી રહી : નીલમ, આ જડાવ જૂઠી છે : જૂઠી મને કહીને ટાઈમ ના બગાડો, જુઓ જુઓ એએએ, એ આવે : કોણ? : વાઘ ! : નીલમે પૂછ્યું -વાઘ કેવો? ક્યાં છે? : હમણાં નથી પણ જેવા તડકા ચડશે, કોઈ બી ઘડીએ આવી જશે…

ત્રણેય ચાલવા લાગ્યાં. હસુ નીચી મૂંડીએ પેલા પડછાયાને શોધતો’તો. એ વખતે જડાવ બોલી -કેવી સરસ સવાર છે. નીલમ પોતાને સંભળાય એવા ધીમા અવાજે બોલી…સાલાં બન્ને બનાવટી છે…પણ હરામી રમુભૈ મરી જ ગયો હશે ને…તો સારું થાય, મને ટાઢક વળે…જોકે આ જડાવનું શું કરું…

કેમ પાછળ રહી ગયાં બેન? -જડાવ બોલી : જરા એમ જ : હવે હું જઉં : રાતના સમામાં હસુની જોડે ને જોડે હતાં ને હવે ક્યાં જાઓ છો ? : બેન, મૈડમાં ના બોલો. અમે એવું કશું નથી કર્યુ, એમ તો બખોલમાંય પૅઠાં’તાં : વાંધો નહીં, કર્યું, ના કર્યું, પૅઠાં, નીકળ્યાં, જે હોય એ, શો ફરક પડે છે, ચાલો, ઘરે ચાલો, અમારી જોડે રહૅજો : એમ થોડું રહૅવાય, પણ, ઘડીક આવું : હા, ઘડીક તો ઘડીક -હસુ બોલ્યો : બીજું તો શું કરવાની’તી -જડાવે ફૂલને મસળીને ફૅંકી દીધું. લાલ રંગ એની આંગળીઓમાં ચૉંટી ગયો.

હાઆશ…ત્રણેય સાથે બોલ્યાં…ચા-પાણી કરીએ…એ જ વખતે બારણે ઠોકાઠોક થવા લાગી. જડાવ બોલી -વાઘ છે, હું એનાં પગલાં વરતું છું : હું ખોલું છું. ફૉમ રાખજો, પતાવી દઇએ -હસુ બોલ્યો : બિલકુલ…

તમે બન્ને એના કાન પકડો : નીલમે જમણો કાન પકડ્યો ને જડાવે ડાબો : બરાબ્બર પકડી રાખો : બરાબ્બર જ છે : પહેલાં હું એનું પૂંછડું ખૅંચીને કાયમ માટે સીધું કરી દઉં…

વાઘને સમજાયું નહીં કે એની સાથે શું થઈ રહ્યું છે. એવી વિમાસણમાં એણે સ્ત્રીઓના હાથમાંથી પોતાના મસ્તકને એવા ઝાટકાથી છોડાવ્યું કે એ સાથે નીલમવાળો કાન એના હાથમાં રહી ગયો ને જડાવવાળો જડાવના હાથમાં ! હસુના હાથમાં તો પૂંછડાનો ટુકડો જ રહી ગયો ! વાઘ ચારેય પગને અધ્ધર રાખી ઊડી ગયો.

આનું શું કરીશું? -બન્ને સ્ત્રીઓ કાન બતાવતાં બોલી. પૂંછડાનો આ ટુકડો? -હસુ બોલ્યો : નાખી આવો ક્યાંક જઈને -જડાવ બોલી : પણ ક્યાં જઉં? : ખાઈમાં -નીલમ બોલી.

ખાઈએ પ્હૉંચીને હસુ રાતવાળી જગ્યાએ બેસી પડ્યો, કાન અને પૂંછડાના ટુકડાને જોતો રહ્યો. બન્ને સ્ત્રીઓએ હાથ ધોયા, ઘસીને લૂછ્યા. હવે હું જઉં -કહીને જડાવ ગામ તરફ જવા લાગી : કેમ કેમ? ચા-પાણી? : ના, હવે જરૂર નથી : આગ્રહ કરવાને બદલે નીલમ મલકી અને -ભલે આવજો કહીને ઘરમાં ચાલી ગઈ. એણે મૉં ધોયું ને અરીસાને પૂછ્યું : મર્યો જ હશે ને…?…

ખુલ્લી સડકે જડાવ શરૂમાં ગણગણવા લાગી…તેલ ને ચૉળા ખાવા દે, પછી મને ખાજે…નાચતી નાચતી બૂમો પાડીને ગાવા લાગી -તેલ ને ચૉળા ખાવા દે…તેલ ને ચૉળા ખાવા દે…પછી મને ખાજે…પછી મને…પછી મને…

= = =