સાહિત્યિક સંરસન — ૪/બોંસાઈ
કિરીટ દૂધાત
‘ઓહ! આ ત્રીજો દિવસ થવા આવ્યો. હજી માથું સણકા મારે છે. સાલ્લુ, લોકોને મગજનાં ટ્યુમર થાય ત્યારે એના માથાં આમ જ ચસકા મારતાં હશે? પેલી ભભૂતમાં કોઈ પ્રકારના ચેપી જીવાણુ તો નહીં હોયને? પણ મારે આખી મેટરમાં આમ કૂદી પડવાની ક્યાં જરૂર હતી? મને અગાઉથી ઈશારા તો મળી જ ગયેલાને? ઇકબાલ સાચું કહેતો હતો, ‘તમે મામલતદાર થઈ ગયા છો એટલે શું થયું? રહેવાના તો ભોંચકલાના ભોંચકલા.’ આ તો ઇકબાલ મારો સ્કૂલનો દોસ્તાર એટલે આવું ચોખ્ખેચોખું કહી શકે કે તમે ગમે એટલા આગળ વધો પણ તમને પટેલિયાને આ વાણિયા અને કાઠી દરબારો તો ભોં તરફ નીચી મુંડી કરીને જમીનને ચાંચ માર્યા કરતા ચકલા જ સમજવાના! પણ ઇકબાલ ખરા ટાઇમે રજા ઉપર કેમ ઊતરી ગયો? એ પણ આમાં શામેલ હશે? એવું તો ના હોય? ધારી મામલતદાર તરીકે હાજર થયો તે દિવસે લોકલ નાયબ મામલતદારો પાસેથી રેવન્યુની મેટર સમજવામાં રાતના આઠ જેવું થઈ ગયેલું. વિંઝુડાભાઈ કુંડલાથી અને ગોરીભાઈ ઉનાથી અપડાઉન કરતા. એને સાંજે છેલ્લી બસો સાડા પાંચ વાગ્યાની એટલે એમને જવા દેવા સિવાય છૂટકો નહોતો. પણ પટાવાળાને સૂચના આપેલી કે લોકલે રહેતા કોરાટભાઈ અને સખરેલિયાભાઈ વગેરે રોકાય. ત્યાં અંદર ચિઠ્ઠી આવી કે લોકલ ફોરેસ્ટર મળવા માંગે છે. મને થયું કે પહેલા દિવસે એમ ચિઠ્ઠી આવતા વેંત મુલાકાત આપી દેવા જેવું સસ્તુ ન થવું એટલે ભારે મોં રાખીને કહ્યું, ‘એમને કો’ કે વેઇટ કરે, સાહેબ આગામી રેવન્યુ ઓફિસરની મીટિંગની તૈયારી કરે છે.’ ધારી હાજર થતાં પહેલાં અમરેલી કલેકટર-ઓફિસમાં કર્ટસી કોલ કરતો આવેલો, ત્યાં આર.ડી.સી.દ્વારા મને જણાવવામાં આવેલું કે, ‘બે દિવસ પછી મંથલી રેવન્યુ ઓફિસર્સ મીટિંગ છે એટલે, પટેલ, તમારો દેખાવ પહેલી મિટિંગમાં જ પુઅર નો થાય એનું ધ્યાન રાખવું. કલેકટર સાઠેસાહેબ મગજના તિતાલી છે, ઘણીવાર નાયબ મામલતદારના ઉપર ફાઈલોના ઘા કરી ચૂકેલા છે. હજી સુધી મામલતદારો અને ડેપ્યુટી કલેકટરોનું રિસ્પેક્ટ જાળવ્યું છે પણ તમારાથી કોઈ આવો પ્રિસિડન્સ ના પડે એની કાળજી રાખજો. બાકી એમના ક્રોધના કિસ્સા ધારી ઓફિસની મારી આગામી વિઝિટ વખતે કરીશ, પણ બી કેરફુલ….બી હોંશિયાર…’ આર.ડી.સી.ને લાગ્યું કે ડેપ્યુટી કલેકટર તરીકે એમનાથી વન સ્ટેપ બીલો એવા મામલદાર સાથે વધારે પડતી ફ્રેન્કનેસ બતાવી દીધી છે એટલે ‘બી હોંશિયાર…’ પછી શું બોલવું એ ન સૂઝતાં એમણે વગર પરિશ્રમે પરસેવાથી ભીની થયેલી ડાબી હથેળીની ગાદી ઉપર જમણા હાથનો અંગૂઠો ઘસીને મેલના ગોળીયા બનાવીને પગ પાસેની કચરાપેટીમાં જાણે કે માવા મસાલાને મસળીને ઉપરની તમાકુની હલકી ફોતરીને ફૂંક મારીને ઉડાડી મૂકતા હોય એમ મોટા ભાગનો મેલ ખંખેર્યો અને મારી સામે તાકીને જોઈ રહ્યા. મને એકાદ મિનિટ પછી લાઈટ થઈ કે એમ તાકીને જોવામાં ‘તમે હવે અહિયાંથી જાવ’ એવો સંકેત કરતા હતા, એટલે હું હડબડાઈને ઊભો થઈ ગયો, ‘જી સર, યસ સર. હું તમને અને માનનીય કલેકટરસરને નિરાશ નહીં કરું. અને યસ સર, તમે સામેથી જ આ ધારી મામલતદાર ઓફિસના મહેમાન થવાનું સ્વીકાર્યું છે એ માટે એડવાન્સમાં વેલકમ.’
‘ઓલ ધી બેસ્ટ’ કહીને એમણે જુદા પડતી વેળાના શેકહેન્ડ કરીને બે-ત્રણ ગોળી મને પણ ચોંટાડી. હું એમની સાલસતાથી પ્રભાવિત થઈને ક્યારે ચેમ્બરના દરવાજે પહોંચી ગયો એનું ભાન ના રહ્યું, એટલામાં એમણે પાછળથી બૂમ પાડતા હોય એમ કહ્યું, ‘જય ભભૂતનાથ’ આવા બિનમહેસૂલી દુઆસલામ મને સંબોધીને તો ના જ હોય એમ માનીને અછડતું પાછળ જોઈને હું બહાર નીકળી ગયો. અમદાવાદથી અમરેલી તો બસમાં આવવાનું નક્કી કરીને મેં મારી પ્રામાણિકતા સાબિત કરી દીધેલી પણ ધારી લોકલ લેવલના કોઈ મોટા વેપારી ઇસ્માઈલભાઈએ ફોનમાં ઝક કરી કે, ‘આમ તો અમારી એક કાર તમારા જેવા સાહેબોને ખાસમખાસ લેવા મૂકવા માટે ચોવીસે કલાક ધોડા કરતી હોય છે પણ હવે તમે કોઈ રીતે માનતા નથી એટલે એમ કરો, તમારું માન તો એસ.ટી.માં આવ્યા એટલે સચવાઈ ગયું એ સબબ તમને સલામ. હવે અમારું માન રાખો. તમે બસમાં ડાયરેક્ટ ધારી આવવાને બદલે અમરેલી જર્ની બ્રેક કરીને કલેકટરસાહેબને કર્ટસી કરી લ્યો. ત્યાં ગ્રાઉન્ડમાં આપણી એમ્બેસેડર પડી હશે. ડ્રાઇવર છગન આપણો ફૂલ વિશ્વાસુ છે. એ તમને પીકઅપ કરી લેશે. ધારીમાં તો તમારી એન્ટ્રી ઈસ્માઈલભાઈની મોટરમાં જ થાવી જોઈ. હજી આપણે ઘણાં કામ સાથે મળીને કરવાના છે.’ એમનો અમરીશ પુરી જેવો અવાજ સાંભળીને મને થયું કે બન્નેએ સાથે મળીને બે-પાંચ મર્ડર કરવાના છે કે શું? હટ્ટ! આવા વિચાર નહીં કરવાના, આ તો એમ્બેસેડર લેવા આવશે એ વિચારે રાજી થઈ જવાયું. મારે એમ વિચારવું જોઈએ કે આ રીતે એમ્બેડેડરમાં હું બેઠો છું એ બા જુએ તો કેટલાં હરખાય? અને જયા અને બેબલી? મારા મોં પર પણ સ્મિત આવી ગયું... લાઇફમાં પહેલીવાર રેગ્યુલર મામલતદારનો ચાર્જ લેવા જતો હતો એમાં અમરેલીથી ધારીનું પિસ્તાળીસ કિલોમીટરનું અંતર લાંબુ લાગ્યું એટલે એમ્બેસેડરના ડ્રાઇવર છગન સાથે વાત શરૂ કરી. આમ તો હું ડ્રાઇવર જેવી જાતને મોં ના આપું પણ આવા નાના માણસો સાથે ખભે હાથ મૂકીને થોડી ફ્રેન્ડનેસ બતાવી હોય કે એના માવા - મસાલામાંથી સોપારીનો એક કટકો માંગીને ખાધો હોય તો એ જાત આખા જિલ્લામાં કાયમ આપણાં વખાણ કરતી ફરે. આને મેં ‘છગન થિયરી’ નામ આપવાનું નક્કી કર્યું. આવું બધું કંઈ રેવન્યુ મેન્યુઅલમાં ના લખ્યું હોય પણ જન્મજાત….સમજી ગયાને? મેં સહેજ આગળ ઝૂકીને છગનને પૂછયું, ‘તે, હે છગન…?’ ‘બોલો ને મામલતદારસાબ્ય?’ ‘સાચું કે’જે હો, ધારી મામલતદાર ઓફિસમાં વિશ્વાસુ નાયબ મામલતદાર કોણ કહેવાય ?’ ‘વિશ્વાસુ ને…વિશ્વાસુ તો આમ ગણો તો ચૌહાણભાઈ એક હતા. પણ ઈ તો ગાંડા થઈ ગ્યા. જબરો પિયાસી આત્મા હતો. આમ તો વિંઝુડાભાઈ પણ કહેવાય પણ એનું ધ્યાન વધારે તો ગઝલું લખવામાં.’ ‘પિયાસી આત્મા એટલે શું? જનમ જનમના અતૃપ્ત આત્માવાળો વિરહી પ્રેમી?’ મને ચૌહાણ નાયબ મામલતદાર હોવા છતાં હાથમાં હક્કપત્રકનો ચોપડો લઈને ફરવાને બદલે સફેદ પેન્ટ-શર્ટ પહેરીને ચાંદની રાતે સફેદ ગાઉન પહેરેલી કોઈ પ્રેમિકા લાંબા હાથ કરીને ‘ચલે આઓ…ચલે આઓ..ગાતી હોય એની પાછળ હવામાં ઢસડાતા હોય એમ દેખાયા. ‘અરે… ના સાહેબ, પિયાસી એટલે…’ એણે અંગૂઠો ઊંચા કરેલા મોં પાસે લાવીને પીવાનો અભિનય કર્યો. ‘ઠીક, દારૂડિયો એમ ને?’ ‘હા સાહેબ.’ ‘એટલે કે દારૂ પીને ગાંડા થઈ ગ્યા એમને?’ ‘અરે..ના સાહેબ. પે’લા તો છ વાગે એટલે આપની ઓફિસના રેકર્ડરુમમાં બાટલી ખોલીને બેસી જાય. કોઈ કંપની નો હોય તો એકલા ટટકારે, કોક દી’ ચવાણાનો જોગ નો થાય તો ખાલી ચટણી ને નિમક ચાટતા જાય અને ઘૂંટડા ભરતા જાય. એક બે વાર કોઈએ મામલતદારને ફરિયાદ કરી કે આમાં ઓફિસનું નામ બદનામ થાય છે. એટલે એકવાર સાહેબથી કડક ઠપકો અપાઈ ગયો, હતો મૂળ જાતવાન ગરાસિયો એટલે ઈ દિવસથી એણે ઓફિસમાં લેવાનું બંધ કર્યું ને અઠવાડિયે બે-ત્રણવાર ગીરના જંગલમાં જઈને પીવાનું પતાવતા. એમાં કોઈની છાયા પડી ગઈ તે એક સવારે ગાંડા જેવી હરકત કરતા દેખાણા. એમના સગાંવા’લાએ ઠેઠ મુંબઈ સુધી મોંઘામાં મોંઘા ડોકટરો પાહેં ધોડા કરી લીધા પણ કોઈ સુધારો નો થયો તે નો થ્યો. સમજ્યાને? ’ ના સમજ્યો. આ આખી વાત મોં-માથા વગરની લાગતી હતી. છગને છેલ્લી માહિતી આપી, ‘એ માથું હલાવતા આંખો દી; બોલે રાખે, સાબ્ય, અપશબ્દ છે પણ વાત કરી દઉં, ભોંસાઈ..ભોંસાઈ…બોલે રાખતા. એનો અર્થ હજી સુધી કોઈને નથી સમજાતો. સમજ્યાને?’ ના સમજ્યો. આખી વાત સ્ત્રીઓના કોઈ અંગ પાસે આવીને અટકી જતી હતી જેનો ખુલાસો ચૌહાણ નામનો એક સરકારી કર્મચારી હવે આપી શકવાનો ન હતો. ખેર, આ વાતમાં ધારી મામલતદાર કચેરી આવી ગઈ. ગોથિક જેવા એક મકાનમાં ઓફિસ હતી પણ એ દિવસે આ વાત મારા ધ્યાનમાં નહોતી આવી. મને થયું કે જલ્દીથી મામલતદારની ખુરશીમાં બેસી જઈને બે-ત્રણ ફાઇલમાં સહી કરીને ચાર્જ લઈ લીધાની એલીબી ઊભી કરી દઉં કે જેથી સુથાર જેવો કોઈ મારો ઓર્ડર કેન્સલ કરાવીને ચડી ના બેસે. મહિના પહેલાં હું સચિવાલયના બ્લોક નંબર 11ની નીચે એક ખાસ હેતુથી ઊભો હતો ત્યાં સુથાર નજરે ચડ્યો, એ મારો બેચમેટ છે, હું પણ એને નજર આવ્યો. એ હસ્યો, ‘ધારી મામલતદારમાં પોસ્ટિંગ કરાવવું છે?’ આવી બધી અને અનેક કિસમ કિસમની માહિતીઓ એ કોણ જાણે ક્યાંથી લઈ આવતો! ‘ના..ના..એવું કશું નથી.’ મને લાગ્યું કે સુથાર પણ ધારી માટે ટ્રાય કરતો હશે. એણે ચોખવટ કરી, ‘જો..સાંભળી લે, મને ધારી પોસ્ટિંગ લેવામાં જરાય રસ નથી પણ તું પે’લાવાળો છે એ ખબર નહોતી.’ ‘શું પેલાવાળો છું?’ ‘કબુલ કે આવી બધી વાતોની જાહેરમાં ચર્ચા ના હોય પણ તું મભમમાં ચોખવટ કરી દે તો ય ચાલશે.’ મને થયું કે સુથારને તાવ આવ્યો છે અને દવાખાને જવાને બદલે એના મગજમાં વ્યાપેલો સૂનકાર એને ખંધા રેવન્યુ ઓફિસરની જેમ અહીં મહેસૂલ વિભાગનો ખીલો સૂંઘવા લઈ આવ્યો છે. હું ચાલવા માંડ્યો. એણે પાછળ બૂમ મારી, ‘પટેલ, બોંસાઈ.’ હવે મને ખાતરી થઈ ગઈ કે સુથાર માંડીવાળવા જેવો કેસ છે. એ રાતે પેટ્રોલપંપવાળાને ત્યાંથી ટિફિન આવ્યું. ઓફિસમાં બેસીને ખાઈ લેવાનું નક્કી કર્યું. એ ખોલવાની તૈયારી કરતો હતો પણ પટાવાળાએ યાદ કરાવ્યું, ‘સાહેબ, પેલા ફોરેસ્ટર રાહ જોઈને બહાર બેઠા છે.’ ‘અરે બોલાવ, બોલાવ.’ ફોરેસ્ટર આવ્યો. મને એનો ચહેરો જાણીતો લાગ્યો. ‘આપણે ક્યાંય મળ્યા છીએ?’ એ હસતાં હસતાં બોલ્યો, ‘તું બોલ?’ હું ગૂંચવાઈ ગયો. એણે એની હેટ ઉતારી, ‘અરે! ઇકબાલ, યાર ઓળખાતો પણ નથી. બે કલાક નકામો બહાર તપ્યો. ‘કહેવરાવવું જોઈએ ને કે ઇકબાલ મળવા આવ્યો છે. બધું કામ બાજુ પર મૂકીને આપણે તડાકા મારત. ચાલ હવે સાથે જમી લઈએ. ઘેર જઈને મારા વતી ભાભીની માફી માંગી લેજે.’ ઇકબાલ જમવા માટે તૈયાર થઈ ગયો. મેં જમતાં જમતાં કહ્યું કે, ‘દોસ્ત, તું ભલે ક્લાસ -૩ રહ્યો પણ એવું કશું ના રાખીશ. અને હા, સહેજ ગામમાં અને તાલુકામાં મારા વિશે ઇનિશ્યલી કેવી છાપ પડી છે તે મને જણાવતો રહેજે.’ ઇકબાલ થોડીવાર માટે મારી સામે જોઈ રહ્યો, પછી તૂટક અવાજે બોલ્યો’ તમે ખોટું ન લગાડતા….’ મારી ભૂલ કાઢતી વેળા એ મને ‘તમે’ એવું સંબોધન કરતો હતો એ મેં નોંધ્યું, ‘. … તમારે ઈસ્માઈલભાઈની કારમાં આવવાની જરૂર નહોતી. આમ તો હું નિરાંતે મળવા આવવાનો હતો પણ ગાડીવાળું જાણ્યું એટલે આજે જ આવ્યો. અને બે કલાક બહાર બેસીને મેં એ વાતનો પણ જાયજો લીધો કે તારી ઓફિસમાં આ બાબત અંગે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.’ મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે પેટ્રોલપંપવાળાનું ટિફિનમાં શાક ઓઈલી હતું અને એમાં લાલ મરચું પણ મૂઠી ભરીને ધબકાવ્યું હતું. રાતે ત્રણ વાગે તો એસીડીટી થવાની જ હતી પણ એનો શેરડો અત્યારે આખી અન્નનળીમાં પડ્યો. ‘શું વાત કરે છે? પેલો છગન સાળો હલકટ, આટલીવારમાં ગામ આખામાં તાર કરી દીધો.’ ‘એમાં ડ્રાઈવરનો વાંક નથી. ગામમાં અમુક લોકો રાહ જોઈને બેઠા હતા કે ગામમાં તારી એન્ટ્રી કેવી રીતે થાય છે. હજી તો તને ભભૂત…..’ ઇકબાલનું વાક્ય અધૂરું હતું, ‘ભભૂત..’ એમ બોલ્યો ત્યાં પટાવાળો ચિઠ્ઠી લઈને આવ્યો, ‘ગોદડબાપુ મળવા આવ્યા છે.’ મેં ઇકબાલને ચિઠ્ઠી બતાવી ‘કોણ છે આ ગોડદબાપુ? અત્યારે ઓફિસને તાળાં દેવાના ટાઈમે શું પધાર્યા છે?’ ઇકબાલ ઊભો થઈ ગયો, ‘છે, તાલુકાના એક કાઠી આગેવાન. એને અવગણવા તમને નહીં પોસાય.’ મેં પટાવાળાને તપાસ કરવા કહ્યું. તો એ જાણી આવ્યો કે ‘બાપુ ‘ભભૂત’ આપવા આવ્યા છે.’ ઇકબાલ તરત બહાર નીકળી ગયો, જતાંજતાં કહેતો ગયો, ‘તું આ ડિઝાઇનમાં ફિટ બેસતો હોય એવું હું માનતો નથી કશીક ગેરસમજ છે. પણ થોડાક દિવસ કોઈ પણ કમિટમેન્ટ વગર કાઢી નાખ.’ ‘અરે પણ…’ત્યાં એક જૈફ પુરુષ સુરવાલ, સાદું અંગરખું અને એના પર ઊનની ખાદીનો કોટ પહેરીને હાજર થયા, ‘જય ભભૂતનાથ….’ હું કઈ બોલ્યો નહીં એટલે એમણે દોહરાવ્યું, ’જય ભભૂતનાથ.’ મેં એમની સામે જોયું. ‘કેમ આમ અહુરા આવવું પડ્યું વડીલ?’ એ ઘડીક મારી સામે અવિશ્વાસથી જોઈ રહ્યા. ‘તમને મારો રેફરન્સ નથી આપ્યો? ‘કોણે નથી આપ્યો?’ એ મુંઝાઈ ગયા અને કોટના ખિસ્સામાંથી એક પડીકી કાઢીને મારા ટેબલ પર મૂકી. એમાં રાખોડી રંગની ભૂકી હતી. મને જીભ પર કાબૂ ના રહ્યો, ‘આવી રાખ આયાં ટેબલ પર મૂકીને ફાઈલો કાં ગંદી કરો!’ ગોદડબાપુને અચાનક ક્રોધ આવી ગયો. એ રોજ અફીણ લેતા હશે એમ એમના ચહેરાની કૃત્રિમ લાલ ચામડી જોઈને લાગ્યું. ‘રાખ નથી. ભભૂત છે ભભૂત. આટલી કાયરતા બતાવવી હતી તો આયાં બદલી કેમ કરાવી? મારે વાત કરવી પડશે આપણા હેડક્વાટરમાં. જય ભભૂતનાથ…’ બોલીને એ મારી ચેમ્બરની બહાર નીકળી ગયા. આખા દિવસની મુસાફરી અને આગામી મીટિંગની ફાઈલો વાંચવાનો થાક હતો એટલે જિલ્લા પંચાયતના ગેસ્ટહાઉસની રૂમમાં જઈને પથારીમાં પડ્યો એવી ઊંઘ આવી ગઈ. પણ રસાવાળા શાક અને ઝાઝું બધું મરચું એની અસર બતાવ્યા વગર ના રહ્યાં. ત્રણ વાગે ઊઠી ગયો. રૂમની એક બંધ બારીના કાચમાંથી બહારની પીળી લાઇટનો માંદલો પ્રકાશ અંદર આવતો હતો. મને યાદ આવ્યું કે મામલતદાર ઓફિસની બાંધણી કશી અજુગતી હતી. PSYCHO ફિલ્મમાં આવે છે એવું વિલનના મકાન જેવું આ બિલ્ડિંગ હતું. પંચાયતના ગેસ્ટહાઉસની એ લાંબી પહોળી રૂમમાં મેં અંકોડા મેળવવાનું શરૂ કર્યું, ‘તે દિવસે સુથાર ‘બોંસાઈ’ એવો શબ્દ બોલેલો. આજે આર.ડી.સી. ‘ભભૂતનાથ’ એવું બોલ્યા. ગોદડબાપુ નામનો જૈફ પણ ‘ભભૂતનાથ’ બોલ્યો. બધા જાણે હું કોઈ ખાસ કામે ધારી પોસ્ટિંગ લઈને આવ્યો હોઉં એમ કેમ વર્તતા હતા? ઈકબાલે પણ ‘ભભૂત’ની વાત અધૂરી મૂકીને ચાલવા માંડ્યું. મામલતદાર ઓફિસમાં એક માત્ર સારો કર્મચારી ચૌહાણ હતો એ ગાંડો થઈ ગયો. એ વળી ‘ભોંસાઈ..ભોંસાઈ…’ બોલતો હતો પણ છગનની ભૂલ હતી. અસલી ઉચ્ચાર કદાચ ‘બોંસાઈ’ હતો. અને હું કોઈ મોટા કાવતરાનો ભાગ તો નથી ને? કે પછી કાવતરાનો ભોગ છું? એ રાતે ત્રણ વાગે હું થથરી ગયો. લાગ્યું કે ધારી નામનો આ કસબો 21N અને 71E પરના અક્ષાંશ- રેખાંશ પર આવેલું ગામ નથી પણ આ દુનિયા બહારની એક દુનિયા છે. સામે ટિપોય પર કાફકાની નવલકથા CASTLE ખુલ્લી પડી હતી જેનાં પાનાં ફડફડતાં હતાં. શિયાળાની કોઈ સાંજે દુર્ગમાં K નામનો એક ભૂમિમોજણીદાર પોતાની નિમણૂકનો હુકમ લઈને આવ્યો હતો પણ એવી કોઈ નિમણૂક કરી હોવાનું દુર્ગના શાસકો ના કહેતા હતા, એટલે Kએ ફરજિયાત દુર્ગની બહારની વીશીમાં રાત્રિ રોકાણ કરવું પડેલું. મને લાગ્યું કે મારી વાત તો નથી થઈ રહીને! બસ, એનાથી આગળ વાંચવાનું બાકી હતું. મને તો કાફકા, CASTLE નવલકથા તથા એડવિન અને વિલા મૂર, એ બધાં ઉપર ભયંકર દાઝ ચડી. ભલે ને તમે જીવનનું કોઈ અગોચર સત્ય જાણી ગયા હો, પણ એ તમને મળી ગયું છે એની પૈડ કરવા ચોપડિયું લખવા શામાટે બેસી જવું જોઈએ? અને લખી તો લખી એનો અનુવાદ કોઈએ શામાટે કરવો જોઈએ? એમનેએમ મૂંગા મૂંગા શા માટે જીવી ના નાખ્યું આ બધાંએ? કેમ? અને મારે આવું બધું શું કામ વાંચવું જોઈએ? કેમ છ મહિનાની દોડાદોડી કરી, ધારાસભ્યો અને મિનિસ્ટરની જી હજૂરી કરીને મારે દસક્રોઇ નહીં, ચોર્યાસી નહીં અને ઠેઠ ધારી મામલતદારનું પોસ્ટિંગ શામાટે લેવું જોઈએ? કેમ? જવાબમાં સામે ખુલ્લી મૂકી દીધેલી CASTLE -નાં પાનાં ફફડતાં હતાં…..
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
બેચમેટ સુથાર એને કહે છે કે તું ‘પેલાવાળો છે’ એ ખબર નહોતી એમ કહીને જણાવે છે કે ‘પટેલ. બોંસાઈ’. પટેલ પોતે જ એના અંકોડા મેળવે છે: "તે દિવસે સુથાર ‘બોંસાઈ’ એવો શબ્દ બોલેલો. આજે આર.ડી.સી. ‘ભભૂતનાથ’ એવું બોલ્યા. ગોદડબાપુ નામનો જૈફ પણ ‘ભભૂતનાથ’ બોલ્યો. બધા જાણે હું કોઈ ખાસ કામે ધારી પોસ્ટિંગ લઈને આવ્યો હોઉં એમ કેમ વર્તતા હતા? ઈકબાલે પણ ‘ભભૂત’ની વાત અધૂરી મૂકીને ચાલવા માંડ્યું. મામલતદાર ઓફિસમાં એક માત્ર સારો કર્મચારી ચૌહાણ હતો એ ગાંડો થઈ ગયો. એ વળી ‘ભોંસાઈ..ભોંસાઈ…’ બોલતો હતો પણ છગનની ભૂલ હતી. અસલી ઉચ્ચાર કદાચ ‘બોંસાઈ’ હતો. અને હું કોઈ મોટા કાવતરાનો ભાગ તો નથી ને? કે પછી કાવતરાનો ભોગ છું?" પટેલ ખાસ કામે આવ્યો હોય કે ન હોય, ‘ભોંસાઇ’ ‘ભભૂત’ વાસ્તવમાં શું છે અને ‘બોંસાઈ’ અસલી ઉચ્ચાર છે તો તે શું છે, એમ એકેય વાતની સ્પષ્ટતા નથી કરી તેમજ રચનાને વિસ્તારીને પટેલ કાવતરાનો ભાગ છે કે ભોગ બન્યો છે એમ પણ ચોખ્ખું નથી કર્યું એ સઘળી સંદિગ્ધતા કિરીટની આ વાર્તામાં ઉપકારક નીવડી છે. ઇકબાલ જતાં જતાં કહે છે કે ‘તું આ ડિઝાઇનમાં ફિટ બેસતો હોય એવું હું માનતો નથી’, પણ એટલું ચૉક્કસ સમજાય છે કે ધારીના આવા માહોલ સાથે પટેલનો કશો મેળ નથી. રચનાના અન્તે કાફ્કાની નવલકથા "Castle" સંદર્ભે પટેલ દાઝ કાઢે છે. એ સંદર્ભ આવી પડેલો લાગશે પણ સમજાશે એથી એના વીતકને ધાર આપી શકાઈ છે.
પટેલ પોતે કથક છે. એણે કરેલાં વર્ણનોમાં વીગતો અને ક્રિયાઓનાં આલેખનનાં કેટલાંક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- તમે મામલતદાર થઈ ગયા છો એટલે શું થયું? રહેવાના તો ‘ભોંચકલાના ભોંચકલા’. -- ‘ડાબી હથેળીની ગાદી ઉપર જમણા હાથનો અંગૂઠો ‘ઘસીને’ મેલના ‘ગોળીયા બનાવીને’ પગ પાસેની કચરાપેટીમાં જાણે કે માવા મસાલાને ‘મસળીને’ ઉપરની તમાકુની હલકી ફોતરીને ‘ફૂંક મારીને’ ઉડાડી મૂકતા હોય એમ મોટા ભાગનો મેલ ‘ખંખેર્યો’ અને મારી સામે ‘તાકીને’ જોઈ રહ્યા’. -- ‘એટલામાં એમણે પાછળથી બૂમ પાડતા હોય એમ કહ્યું, ‘જય ભભૂતનાથ’ આવા બિનમહેસૂલી દુઆસલામ મને ‘સંબોધીને’ તો ના જ હોય એમ માનીને ‘અછડતું પાછળ જોઈને’ હું બહાર નીકળી ગયો. -- મને ચૌહાણ નાયબ મામલતદાર હોવા છતાં હાથમાં હક્કપત્રકનો ‘ચોપડો લઈને ફરવાને બદલે’ સફેદ પેન્ટ-શર્ટ પહેરીને ‘ચાંદની રાતે સફેદ ગાઉન પહેરેલી’ કોઈ પ્રેમિકા લાંબા હાથ કરીને ‘ચલે આઓ…ચલે આઓ..ગાતી હોય એની પાછળ ‘હવામાં’ ‘ઢસડાતા’ હોય એમ દેખાયા. -- સુથારને તાવ આવ્યો છે અને દવાખાને જવાને બદલે એના ‘મગજમાં વ્યાપેલો સૂનકાર’ એને ખંધા રેવન્યુ ઓફિસરની જેમ અહીં મહેસૂલ વિભાગનો ‘ખીલો સૂંઘવા’ લઈ આવ્યો છે. -- ‘એક જૈફ પુરુષ સુરવાલ, ‘સાદું અંગરખું’ અને એના પર ‘ઊનની ખાદીનો કોટ’ પહેરીને હાજર થયા. -- ‘કેમ આમ ‘અહુરા’ આવવું પડ્યું વડીલ?’ -- એ રાતે ત્રણ વાગે હું ‘થથરી’ ગયો. લાગ્યું કે ધારી નામનો આ કસબો 21N અને 71E પરના અક્ષાંશ- રેખાંશ પર આવેલું ગામ નથી પણ ‘આ દુનિયા બહારની એક દુનિયા છે’.
= = =