સાહિત્ય પલ્લવ – ભાગ ૧/દલપતરામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દલપતરામ

[કવિ દલપતરામ ડાહ્યાભાઈ — ‘ક. દ. ડા.’ નું નામ ગુજરાતમાં ઘેરઘેર જાણીતું હતું. એ કવિ બાળક અને અભણ માણસો પણ સમજી શકે એવી સરળ વાણીમાં કવિતા કરતા. એમણે અનેક વિષયો ઉપર લોકોને આનંદ સાથે શિખામણ મળે એ રીતની કવિતા કરી છે. મોટી મોટી સભાઓને એ પોતાના કાવ્યથી રિઝાવી શક્તા તેથી એમની કવિતાને ‘સભારંજની’ કહે છે. અલેકઝાન્ડર કિન્લાક ફાર્બસ એ કવિ દલપતરામના ખાસ મિત્ર હતા. ફાર્બસ અમદાવાદમાં કલેક્ટર હતા એવામાં એમને ગુજરાતી પિંગળ અને ઇતિહાસ શીખવનાર માણસની જરૂર પડી. તે કામ દલપતરામને મળ્યું. ત્યાર પછી એ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ થયો ને બહુ વધ્યો, જેનું વર્ણન ‘ફાર્બસવિલાસ’માં કવિએ કર્યું છે. ફાર્બસ ગુજરાતના ઇતિહાસના ને સાહિત્યના મોટા કદર કરનારા હતા. તેમણે આપણા જૂના ઇતિહાસનો ‘રાસમાળા’ કરીને અમૂલ્ય ગ્રંથ લખ્યો છે, અને અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને મુંબઈની ફાર્બસ સભા જેવી ગુજરાતી સાહિત્ય માટે પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓ સ્થાપી છે. આવા મિત્રનું મૃત્યુ થતાં કવિના હૃદય પર ભારે આઘાત થયો. અને એના પરિણામે ‘ફાર્બસવિરહ’ એમણે ગાયો. તેમાંથી થોડીક કડીઓ જ નીચે આપી છે. બાળકડાં ‘સાહેબકાકા’ કહી કોને બોલાવશે, સાબરમતી તારી ગતિ કેમ ધીમી થઈ છે, એ પ્રશ્નો આપણાં હૃદયને હલાવે એવા છે. અને ‘પૂછો જઈ ચકોરને’, ‘પામીશ પત્રો, પીંપળા’, વગેરે સાદા દોહરામાં કવિએ પોતાની વ્યથા કેવી ઠાલવી છે! ઉંમર વધતી ગઈ અને ધીમે ધીમે બીજા મિત્રો અને લેખકોનાં મૃત્યુ થયાં ત્યારે પણ દલપતરામે પોતાનો શોક આવા જ એક અસરકારક દોહરામાં પ્રગટ કર્યો હતો :

નવલ ગયો, નર્મદ ગયો, ગયો મહીપતરામ,
દિલગીર દલપતરામ છે, ઠાલો દેખી ઠામ.

૧. તદનંતર– તે પછી. ૭. શાકા પડવા—ભારે દુઃખ પડવું. (લોકપ્રયોગ) ૮. ફૂલખંડી– ફૂલકણી. ૧૨. રખીદાસ– માતર તાલુકા (જિ. ખેડા)ના સિંહુજ ગામનો પાટીદાર, જેણે ગુમાન બારોટને ખાસ મોકલી અમદાવાદ-ગોમતીપુરથી કવિ શામળ ભટને પોતાને ત્યાં તેડ્યા હતા અને તેમને માનપાનથી રાખી પસાયતું પણ કાઢી આપ્યું હતું. ૧૪. કવીશ્વરતા — કવીશ્વરપણાં. દલપતરામને યુવાન વયથી જ ‘કવીશ્વર‘નો ઇલકાબ મળ્યો હતો. સહુ એમને કવીશ્વર જ કહેતાં. ૧૫. સાભ્રમતી — સાબરમતી. (सा-તેણી. भ्रमती-ભમતી. વાંકીચૂકી જે વહે છે તે. પણ આ વ્યુત્પત્તિ સાચી નથી. ‘શ્વભ્રવતી’ એ શબ્દમાંથી ‘સાબરમતી’ શબ્દ આવ્યો છે. શ્વભ્ર=કોતર. કોતરોવાળી નદી. ઉપરવાસ મોટાં કોતરો છે.) ૧૬. વિરતિ — વૈરાગ્ય. વીરી — બહેન. કવીશ્વરના કવિપુત્ર નાનાલાલે આ શબ્દનો પછીથી સારો પ્રચાર કર્યો છે. ૨૮. વિપાક — પરિણામ. ૩૦. અક્ષિકા — આંખ. અક્ષિ=આંખ. ‘ક’(સ્ત્રીલિંગમાં ‘કા’) લગાડવાથી નાનું એવો અર્થ થાય છે. દા. ત., બાળ-ક એટલે નાનું બાળ. નાની-ઝીણી આંખ કહી છે, તે કદાચ પોતાને આંખનો વ્યાધિ હતો (જેને પરિણામે થોડાં વરસ અંધાપો પણ રહેલો) એ કારણથી હશે. ૩૩.મિત્ર–(૧) સૂર્ય,(૨) દોસ્ત. ૪૧. કેટલાક કહે છે કે પ્રભુ મૃત્યુ પામેલાંઓને ફરી જીવતા કરે છે, પણ... અલંકાર — પહેલી લીટીમાં નંતર, અંતર, રંતર, એ સરખા અવાજના શબ્દો આવે છે તેને ઝમક( સં. यमक) કહે છે. પંક્તિ ૨૪માં પહેલા છ શબ્દ ‘વ’થી શરૂ થાય છે તેને વર્ણસગાઈ કહે છે. વર્ણ = અક્ષર. જુઓ શ્રી પૂજાલાલ કૃત “વસંત” ઉપરની નોંધ.]