સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નંદબત્રીસી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નંદબત્રીસી

દોહરા
પશ્ચિમ દિશાએ નન્દનગર, નન્દસેન રાજન;
રાજ્યકાજ અધિકાર છે, વૈલોચન પરધાન;
તે રાજા ઘણો શીળગુણી, ભોજ સમો દાતાર;
કોક સમાને રૂપ છે, કામ તણો અવતાર.
સકલ શાસ્ત્ર જાણે જુક્તિશું, ચતુર શિરોમણિ સ્હોય; ૫
હંસ નાગ નાટક વિષે, નહિ સમોવડ કોય.
મહાભક્ત ભગવાનનો, કામ સમાને રૂપ;
અવિદ્યા એકે નહિ, શીલવંત ભડભૂપ.
મદ પ્રમાણે મલપતો, છે ઈશ્વર સમ તેજ;
પરજા પાળે પ્રીતશું, સહુથી રાખે હેજ. ૧૦
દાન દયા કરે ઘણું, લાયક સકલ શુભ ધામ,
ધીર, વીર, કવિ ચાતુરી, કરે પરમારથ કામ.
સ્ત્રી સેવે ભલી ભાતશું, ચતુર શિરોમણિ હોય;
સહુ નાયક નાટક વિષે, નહિ સમોવડ કોય.
પ્રતાપવંત પ્રધાન છે, રાજ્ય તણો સૌ ભાર; ૧૫
અષ્ટાદશ સૌ વર્ણ જે, દક્ષ અને દાતાર.
નગર અતિ રળિયામણું, ઇન્દ્રપુરી નિર્વાણ;
રાજ પંડિત પ્રધાન સૌ, નીતિ સકલના જાણ.
ઘેર ઘેર મંડપ દ્રાક્ષના, વારુ એલચી વન;
પાન ફોફળ લીલા ઘણી, કદલી આમ્રનાં વન. ૨૦
કમલ ખીલ્યાં સરોવર વિષે, બોલે ચાતર મોર;
વેલ ફૂલી વાડિયો ભલી, શુક મેના ચકોર.
ઘેર ઘેર દદામાં ગડગડે, ઓચ્છવ અધિકો હોય;
વર્ણન કરીએ કેટલાં, સાચું કહું છું સોય.
રામરાજ્ય સરીખડું, કોઈને ન ગાંજે કોય; ૨૫
રાજા અને રંક જન, ધર્મરાજે સૌ સ્હોય.
ભાર અઢાર ફળે સદા, સુખ પામે સૌ લોક;
વ્યાધિ રોગ વ્યાપે નહિ, નહિ સંકટ નહિ શોક.
ચોપાઈ
એક સમે પોતે રાજન, મહીપતિએ વિચાર્યું મન;
તેહ સમે ગઈ છે મધરાત, રાય વિચારે હૃદિયા સાથ. ૩૦
બધા નગરની ચર્ચા જોઉં, મારા મનનો સંદેહ ખોઉં;
અનેક વાત તે કેમ બોલાય, ન્યાય અન્યાય કેવો તોલાય.
સુણી વાત બધી બહુ-મુખી, જોઉં પ્રજા સુખી કે દુખી;
ચર્ચા જોવા થયો અસવાર, અંગે ધર્યાં સોળ હથિયાર.
વારુ ઘર મંડપ જોઈ વળ્યો, આપ એકલો પંથે પળ્યો; ૩૫
જોયું ચૌટું ચાવડી ને ચોક, જોયાં મહોલ મેડી ને ગોખ.
ગલીકૂંચી શેરી ને પોળ, જોઈ દુકાન દોશીની ઓળ;
જોયાં વેપારી કેરાં હાટ, જોઈ દશ દિશાની વાટ.
જોયું નગર પછી આવ્યો બહાર, દીઠું સરોવર ભરિયું વાર;
તે વેળા એક ધોબી ધુએ, તે તો રાજા અચરજ જુએ. ૪૦
કરે વિચાર નગરનો ધણી, આ વેળા કોણ ધોવા તણી;
ભૂત પ્રેત વ્યંતર હશે, બોલાવતામાં નાસી જશે.
છાનોમાનો પાસે ગયો, એટલે ધોબી ધોતો રહ્યો;
સંગાથે બોલ્યા બેહુ જણા, ભય પામ્યા તે મનમાં ઘણા.
કોણ કોણ કરી દીધો સાથ, માંહોમાંહે લાગ્યો વાદ; ૪૫
રાજા જાણે કોઈ ધોબી મૂઓ, ભળભળતો તે ભૂત જ થયો.
પરિયટ જાણે કોઈ આવ્યો પ્રેત, કપટે કરવા મુજશું હેત;
એવો મનમાં સંદેહ પડ્યો, રાજાને મન ક્રોધ જ ચઢ્યો.
દોહરો
રાજા કહે, ‘તું કોણ છે, આ વેળા આ દિશ;
બોલ સાચું ઉતાવળો, નહિ તો છેદું શીશ. ૫૦
ભૂત ભેગો બીતો નથી, ડાકણ કાઢું દૂર;
રાક્ષસને રોળું અમો, તુજને કરું ચકચૂર.’
ત્યારે પરિયટ બોલિયો, આણી મનમાં તાપ;
‘તુજ થકી બીતો નથી, શું છે ભૂતના બાપ?’
રાજા કહે, ‘પ્રથમ કહું, હું તો મારું નામ; ૫૫
ત્યાર પછી કહે તાહરું, થાય આપણું કામ.
છપ્પો-સમસ્યા
કરું રંકને રાય, રાયને રંક કરીજે;
મારે વશ સહુ કોય, કોઈ વશ અમે ન રહીજે;
અનમી ને અહંકારી, વાત સહુ દિલમાં દાખું;
પુત્ર મિત્ર સહુ જન, તેમને લેખે રાખું; ૬૦
મારણ પાલણ માનવ અમો, પરદેહી જીવ ઘાલું નહીં;
લક્ષ જીવ સાથે નિત નીસરું, તે એકલો આવ્યો અહીં.’
ચોપાઈ
તે પરિયટે વિચાર્યું મન, ‘એ તો મારો નંદરાજન;
ચતુર શિરોમણિ એ છે રાય, હું છું પણ એની પરજાય.
એણે નામ સમસ્યામાં કહ્યું, લક્ષણ જોતામાં મેં લહ્યું; ૬૫
હું પણ રાખું મારી મામ, કહું પટંતરે મારું નામ.’
છપ્પો-સમસ્યા
‘ધરે અંગ રાય ને રંક, રંક રાજાશો દીસે;
શોભે શાહ સુલતાન, માન પામે મન હીસે;
એક વસાને જન કરું હું લક્ષ વસાનો;
મુજ રીસથી બને માનવી અર્ધ ટકાનો; ૭૦
જે ઢાંકણ સહુ જગ વિષે રૂપ સમારે તાહરું;
અમો સમારું તેહને નામ સમજી લ્યો માહરું.’

ચોપાઈ
અરસ પરસ ઓળખિયા બેય, ભાગ્યો મનતણો સંદેહ;
હરખ બેઉના મનમાં થયો, રાજા પરિયટ પાસે ગયો.
‘આ વેળા તે શું છે કાજ, એકલા કેમ આવ્યા મહારાજ? ૭૫
નહિ સાથે હસ્તી ઘોડલા, નહિ સાથે પાવક જોડલા;
રૂપ અનુપમ કોમળ જાત, કાળી અંધારી માઝમરાત.’
‘સુણ રે પરિયટ,’ રાજા કહે, ‘કહું સંદેહ તે મનમાં લહે.
નગરચર્ચા જોવા આવિયો, માટે સાથે નથી કો લાવિયો;
સંદેહ એક ઊપજે છે મને, તે માટે પૂછું છું તને : ૮૦
મધ્ય નિશાએ કેમ આવિયો, શા કાજે કો ના લાવિયો;
મધરાતે તું બેઠો ધુએ, બીક કોની મનમાં ન જુએ.
સાચી વાત કહેજે આજ, લેશમાત્ર નવ રાખીશ લાજ.’
પરિયટ કહે, ‘સાંભળીએ રાય, એ સમજી લેજો સમસ્યાય.
કહું સમસ્યા તે મનમાં ધરો, સુણી વાતને પાછા ફરો. ૮૫
છપ્પો-સમસ્યા
લિયે લંક લપેટણ, ઠેઠ નહિ રામ જ રાવણ;
હરણ સીતાને નામ, કામ નહિ પતિત રાવણ;
હણ્યા કૌરવ જે વીર, વીર મન જો તું વિચારી;
કામિનીને મન નેહ, ન શોભે તે વણ નારી.
એક દંતધાવનની બે કરો, તેના નામે નામ છે; ૯૦
નવસેં નવાણું પૂર્યાં હરિ તેહ સમારણ કામ છે.’
ચોપાઈ
નવસેં નવાણું પૂરી સુધ લીધી; તેવું કહી સમસ્યા પૂરી કીધી.
‘દિવસે સમારે નહિ શા માટ? અરધી રાતે કેમ આવ્યો ઘાટ?
એ અચરત તો મુજને ઘણું, સાચું વચન સુણવા તુજ તણું.’
એણી પેરે બોલ્યો રાજન ત્યારે પરિયટે કહ્યું વચન. ૯૫
છપ્પો-સમસ્યા
‘દો લોચન ખટચરણ, વરણ તો શ્યામ સરીખો;
ઘોર નાદ, મુખ પીત, સ્વાદિયો તે પૂર રસિયો;
પીએ પ્રેમ નિશદિન શીશ મોટો સહુ અંગે;
રસિક મધુર કવિ ગાન, રહે સુગંધી સંગે;
સુઘડ છેલ નર સ્વાદિયો, મદ પ્રેમલ છે અતિ ઘણું. ૧૦૦
તેથી આવ્યો છું આ સમે, મુજને ભય છે તે તણું.’
ચોપાઈ
રાજા મનમાં રીઝ્યો ઘણું, વચન સુણીને પરિયટ તણું;
‘અરે ભાઈ! એવી કુણ નાર, મુજને દેખાડો આ વાર.
જેના પ્રેમલ પટકૂલ પાસ, દેખી ભમર ઊતરે આકાશ;
એવી રામા રાણી કો તણી?’ પૂછે એમ નગરનો ધણી. ૧૦૫
‘દેવાંગના એવી કોણ હોય,’ શીઘ્ર મહીપતિ બોલ્યો સોય;
‘તે સંભળાવો મારા વીર, મારે હૈડે નવ રહે ધીર.’
કહે પરિયટ, ‘સાંભળો હો રાય, મારા મુખથી કેમ બોલાય;
સતી નિંદા કેમ કરીએ આપ, થાય સ્ત્રીહત્યાનું પાપ.’
નંદ રાજા એમ પૂછે ફરી, પ્રબોધ શિક્ષા પરિયટે કરી. ૧૧૦
રાજા કહે, ‘શું દે છે શાખ, એવી હું જાણું છું લાખ.’
‘સાંભળજો નરપતિ શ્રીનાથ, આખર તારો ઉપર હાથ;
જે સમસ્યા અમો કીજીએ તે એંધાણે ઓળખી લીજીએ.
છપ્પો-સમસ્યા
વર્ણ સહુથી રંક, રાંક રાજાથી ઝાઝો;
વરતે અધિકી આણ, લોક માને જશ ઝાઝો; ૧૧૫
તમને જીતે તેહ, તે તમથી ન જિતાય;
તેહ વચન તમને કહું, એ નર જીતો હો રાય.
ભોગી તમ સરખો ઘણો, આદ્ય અધિકાર અતિ ઘણે;
પરખો જાત પ્રમદા તણી, પદ્મિની નાર ઘર તે તણે.
ચોપાઈ
આપ ઘરમાં આવે કોએ કામ, તેનું જે કહેવાયે નામ; ૧૨૦
રાંધ્યું અંન જેને કહેવાય તેનું નામ વિચારો રાય.
એ બેનો કરો એક વિચાર મેં કહ્યું તે નર ઘેર નાર;
પંખી ઊડે જેને જોર, એ વાતનો એટલો અંકોર.
જેને આધારે રહે છે પ્રાણ, ચેતો નામ રે ચતુર સુજાણ;
એ બે પ્રીછી કરીએ પેર, મેં કહી સ્ત્રી છે તેને ઘેર.’ ૧૨૫
ચેત્યો રાજા સર્વે લહ્યું, પરિયટે જે વચન જ કહ્યું;
પ્રીત કરીને લીધો પાર, જુગતે તેને કરિયો જુહાર.
સ્ત્રીનું નામ સમજ્યો સાનમાં, ગુણવંત રાય ગયો ગામમાં;
ન આવે નિદ્રા ન ભાવે અન્ન, વ્રેહે વ્યાકુળ રાજાનું મન.
દુઃખે પાપે વીતી જામિની, વિચાર કરે જોઈશું કામિની. ૧૩૦
જો જાણે મારો પરધાન, એ વાતે ઘટે મુજ માન;
આદ્ય હૈયે રચ્યો પરપંચ, સ્ત્રીને મળવા કીધો સંચ;
પ્રાતસ્કાલે ઊઠયો રાય, સંપૂરણ કીધી સભાય.
તે થકી આવ્યો પરધાન, મનથકી દીધાં બહુ માન;
કહે રાજા, ‘હું કહું તે કરો, કચ્છ દેશમાં જઈ પરવરો. ૧૩૫
લો ટકા દશ વીશ કરોડ, લાવો ઘોડા મનગમતી જોડ.
સર્વ સૈન્ય સૂંઢાડો સાથ, દ્રવ્ય અનંત રાખોની હાથ;
જે જોઈએ તે લેજો સહી, કશી વાતની ન્યૂનતા નહીં.
બીજી વાત મા કહેશો વળી, ઊઠો શીઘ્ર કરો આ ઘડી;
જો મુજને ઉપજાવો સુખ, એ વાતનું ન ધરશો દુઃખ.’ ૧૪૦
કહે પ્રધાન, ‘સાંભળો મહારાજ, શું ઘોડાનું હમણાં કાજ;
રિક્તા તિથિ વૈધ્રુત્ત વ્યતિપાત, આજ જાતાં થાયે ઉત્પાત.
કાલ પરમ માંહે ચાલશું, અશ્વ તમને આણી લાવશું.’
કહે રાજા, ‘સાંભળ રે ખ્યાત, મારા મનની ન લહે વાત.
જે વાતનો કેડો લીજીએ, સિદ્ધ પાર તેનો કીજીએ; ૧૪૫
સભા મધ્યે જો જાય વચન, ત્યારે હું શાનો રાજન?
અવજોગ તે તો પહેલો મુને, ત્યાર પછી તો નડશે તુને;
હમણાં જવાનું ન કરો સહી, આજ થકી પરધાન જ નહીં.
ચાકર તે જે પાળે બોલ, માણસ તે જે પાળે કોલ;
સ્ત્રી જે પાળે પતિવ્રત ધર્મ, બ્રાહ્મણ જે પાળે ખટકર્મ. ૧૫૦
પવિત્ર તે પાળે આચાર, હરિજન જે મૂકે સંસાર;
રાજા જેહ પ્રજાપ્રતિપાળ, સત્યવાદી નવ બોલે આળ.
પંડિત જે પરખે પુરાણ, સાત્ત્વિક જે હોયે સુજાણ;
જોગી જે તે પાળે જોગ, સંસારી જે સમજે ભોગ.
વાર્તિક તે જે વ્રત આચરે, દુઃખભંજન તે સૌ દુઃખ હરે; ૧૫૫
પુત્ર તે જે જગ્યાએ જાય, જીત્યો તે જે ગંગા નહાય.
ધનપતિ તે જે ધારે ધરમ, સંન્યાસી જે જાણે બ્રહ્મ;
રળ્યો તે જે ખરચે હાથ, સારી સ્ત્રી જે સ્વર્ગે સાથ.
જ્ઞાની તે જે જ્ઞાને સજે, ભક્ત હોય તે ભગવાનને ભજે;
વૈભવ તે જે વિભૂતિ ધરે, આશાત્યાગી તે આશ ન કરે. ૧૬૦
મહીપતિનું જે રાખે માન તેનું નામ પૂરો પરધાન;
મારો વજીર ખાસો છે તું, જા આ વેળા કહું છું હું.’
કહે પ્રધાન, ‘સુણો પુરપતિ, રોષ મા ધરજો રાજા રતી;
જે પાસો પડે છે દાય, જે રાજા બોલે તે ન્યાય.
જે નિર્ધન બોલે તે નોય, બોલ પાળે તે શાહ જ હોય. ૧૬૫
પંચ પ્રમાણ કરે તે ન્યાય, જે મારે મરે તે દયાય;
નાઠો રાહ જડે ત્યાં જાય, આચારભ્રષ્ટ તે તો અન્યાય,
ભૂખ્યો તે જે ગમે તે ખાય, વંઠ્યો તે જે ગમે તે ગાય.
અણચાલે થયું તે થાય, બહેક્યો મન ગમે ત્યાં જાય;
ધનવતી ચિંતવે તે થાય, અતિ બળિયો જે વજ્જરકાય. ૧૭૦
આંધળો જાર જે ઘરમાં રમે, બેહયા નાર ગમે તે કરે.
આંચળ મુખ આપે તે ગાય, ઓસડ તે જે રોગ મુકાય;
જે પૃથ્વી પાળે તે રાય, પયપાન કરાવે તે સત માય.
કાયાચિત્ત વશ કરે તે મુન્ય, અતિ બળિયો જેનું બહુ પુન્ય.
દુઃખિયો જે વિદેશે જાય, ગૃહસ્થ તે જે લહાણું લહાય. ૧૭૫
પૂજ્ય તે જે પરમાર્થી થાય, સુખિયો જે નિરોગી કાય.
ભલું કરે તે ભૂપતરાય, વાંક વિના કોપે અન્યાય.
ચાતુર તે જે કીર્તિ ચાહે, વિવેકી જે વિચારે મનમાંહે.’
રાજા કહે — ‘તે સારો દીસ, ચાકર બોલ ચડાવે શીશ.’
એમ કહી ઊઠ્યો તે ઘડી, સેના સૂંઢાડી પોતાતણી. ૧૮૦
લક્ષ્મી અનર્ગળ લીધી ઘણી, આજ્ઞા માગી મહિપતતણી.
પ્રધાન ચાલી કચ્છમાં ગયો, રાજાને મન ઓચ્છવ થયો.
અરુણા અસ્ત પડી છે રાત, રાયે વિચાર્યું હૃદિયા સાથ.
બીજા કોઈને નવ કહી વાત, આપે એકલો ચાલ્યો જાતોજાત.
દરબાર દીવાનનો દીઠો દૂર, આવ્યો રાત ગઈ એક પૂર; ૧૮૫
વજીર મહોલે છે લોહનાં બાર, કીધો રાયે કરનો પ્રહાર.
ધીર પ્રતિહાર ત્યાં જાગિયો, મનમાંહી બીવા લાગિયો;
જાગે જે કોઈ ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી.
જાગે રાત અંધારી ચોર, જાગે ઘન વરસંતે મોર;
જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓનો બાપ. ૧૯૦
જાગે જેને માથે વેર, જાગે જેહ કરે બહુ કેર;
જાગે જે જપતો જગદીશ, જાગે જેને દેવું શીશ.
જાગે જે કોઈ હોયે જાર, જાગે કુલ સકુલની નાર;
જાગે જેના દેહમાં રોગ, જાગે જે કોઈ સાધે જોગ.
જાગે જે કોઈ ચોકી કરે, જાગે જે પ્રતિહારું કરે; ૧૯૫
‘કોણ છે રે ભાઈ માઝમ રાત, જે હોય તે આવજો પ્રભાત.
નહિ ઉઘાડું મારું બાર, ખોટી થાશો ને લાગશે વાર.’
તે વારે બોલ્યો નંદરાય, મનમાં ધરતો બહુ લજ્જાય.
લાજે જે કોઈ હોયે જાર, લાજે જે સુકુલની નાર.
લાજે મૂરખ બ્રાહ્મણ ભાટ, લાજે મોટા માનભંગ માટ. ૨૦૦
વચનભંગથી લાજે રાય, તપભંગથી યોગી લજવાય;
લાજે લંપટ મૂકે બોલ, લાજે ત્રિયા ઊતરે જ્યાં તોલ.
નીચ કામે નરપતિ ગયો, લજ્જા પામીને બોલ જ કહ્યોઃ
‘ઉઘાડ ભાઈ, હું નંદનરેશ, પ્રધાન-ઘર કરવો છે પ્રવેશ.
ઘણું જરૂરનું મારે કામ, તે માટે આવ્યો આ ઠામ. ૨૦૫
શીઘ્ર ઉઘાડી ચરણે લાગ, જે જોઈએ તે મુજ પાસે માગ.
દોહરા
રાય પ્રત્યે કહે પોળિયો, ‘સાંભળીએ રાજન,
બાર તો નહિ ઉઘાડીએ, વરત્યું તારું મન;
પ્રધાન ઘેર નહિ માહરો, સ્ત્રી સાથે શું કામ!
અરધી રાતે એકલા ક્યમ આવ્યા આ ઠામ? ૨૧૦
ચોપાઈ
ઉંદર બિલાડીને શાનો મેળ, અજા વાઘતણો શો ખેલ;
સિંહ ગજ એકઠાં કેમ રમે, ગરુડ સરપ એકઠાં કેમ ગમે.
અગ્નિ ઘૃત કેમ થાયે એક, વિપરીત એ દિસે છે વિવેક;
તમો રાય પુરુષની જાત, વિનતાશું શી કરવી વાત.’
રાજા કહે, ‘ઘડે શા ઘાટ, ઉઘાડ બાર જાવા દે વાટ; ૨૧૫
હું જેમ જેમ રાખું છું ભાર, તેમ તેમ તું લગાડે વાર.
હમણાં વાત કરું છું સહેલ, નહિ તો ચિરાવું છું મહેલ;
પ્રધાનના તો પ્રાણ જ લઉં, ભારે દંડ તો તુજને દઉં.
ત્યારે તારું શું છે જોર? નગર વિષે તું મારો ચોર;
રૂડું ચિંતવ જો સ્વામી તણું, આપ માન તો મુજને ઘણું. ૨૨૦
જો રાખે દોણી ને દૂધ, તો તું કાંઈ વિચારને બુધ;
મારે મન તો નથી કાંઈ ખેદ, તું મનમાં આણે કાં ભેદ?
મૂરખ મિત્ર વેરીને ઠામ, વણસાડે સ્વામીનું કામ;
મનમાં ડહાપણ હોયે આજ, ઉઘાડ તુજનાં સરશે કાજ.
આવડો શો રાખે છે અંક, આખર હું રાજા, તું રંક.’ ૨૨૫
દોહરા
કહે પ્રતિહાર, ‘રાજા સુણો, હું બિવરાવ્યો નહિ જાઉં;
મન સમજી લાલચ દિયો, કાંઈક પ્રસન્ન થાઉં.’
રાય એક જેને કબજ, બીજો તક જે રાય;
ત્રીજો રાજા ગરજિયો, ચોથો ઓશિયાળો થાય.
કુંડળ કાઢ્યાં કાનથી, મૂલ જેનું નવ ક્રોડ; ૨૩૦
આપ્યાં રાયે પ્રતિહારને, જેહ અમૂલખ જોડ.
ચોપાઈ
દ્રવ્ય દેખી સહુ કરે પ્રીત, દ્રવ્ય દેખીને કરે વિપરીત;
દ્રવ્ય દેખીને નારી ચળે, દ્રવ્ય દેખીને લોભી ભૂલે.
દ્રવ્યે લાભ ને દ્રવ્યે હાણ, દ્રવ્યે આસવાસના જાણ;
દ્રવ્યે જીવ જાય ને રહે, દ્રવ્યે ઘેલાને ડાહ્યા કહે. ૨૩૫
દ્રવ્યે કાયર ને દ્રવ્યે શૂર, દ્રવ્યે મેલો ને દ્રવ્યે નૂર;
દ્રવ્યે ચોર ને દ્રવ્યે શાહ, દ્રવ્યે રંક ને દ્રવ્યે રાહ.
દ્રવ્યે કરપી(ને) દ્રવ્યે દાતાર, દ્રવ્યે ઉગારે ને દ્રવ્યે માર;
દ્રવ્યે શત્રુ ને દ્રવ્યે મિત્ર, દ્રવ્યે નીચ ને દ્રવ્યે પવિત્ર.
પૃથ્વીનું કારણ તે દ્રવ્ય, દ્રવ્ય થકી તે શોભે સર્વ. ૨૪૦
કુંડળ જવ દીઠાં પ્રતિહાર, તવ તેણે ઉઘાડ્યાં બાર.
ગયો મહેલ મધ્યે રાજન, દીઠું તેવું ઇંદ્રાસન;
દીઠો પ્રધાનકેરો મહેલ, તે આગળ શોભા સહુ સહેલ.
દીઠું પાંજરું પોપટતણું, પચરંગે રંગેલું ઘણું;
તે હેઠળ માંડ્યો છે પાટ, રાજા ચાલી આવ્યો વાટ. ૨૪૫
બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ કામિની;
ચંદ્રવદની ભૃકુટી શુભ વાંક, સિંહાકારે કટિનો લાંક.
હંસગામિની ગજગામિની, શરદચંદ્ર શોભે જામિની;
જેવી પુષ્પલતાની વેલ, જેવી વાડીમાંની કેળ.
જેવી ચંપા કેરી કળી, જેવી વીજળી ઝબકે ભલી; ૨૫૦
જેવી રત્નાકર કુંવરી, જેવી શોભે સુરસુંદરી.
જેવી કોઈ દીપે નાગણી, નહિ શામા એની સામણી;
જેવી રત્ન કમળ દીવડી, જેવી કાશ્મીરી પૂતળી.
જેવી ઇંદ્રતણી અપ્સરા, એવી એ માનિની મનહરા.
કામિની તેહ કમળનો વૃંદ, મુખ જાણે પૂનમનો ચંદ્ર. ૨૫૫.
અંબુજદલ આકારે નેણ, અમૃત જેવાં બોલે વેણ.
પોયણપાન સરીખા પાય, કરેણકાંબ સરખી શ્રીકાય.
લાયક તેમાં લક્ષણ ઘણાં, જે કહીએ તે સોહામણાં;
રામા રૂપતણો ભંડાર, નવ દીઠી એવી કોઈ નાર.
પોપટ પદ્મિની બેઠાં જ્યાંય, મહોલે મહીપતિ આવ્યો ત્યાંય;
સમજ્યો પોપટ, સમજી નાર, ચતુર મળી બે કરે વિચાર.
આવતામાં વરત્યું છે મન, ઘણો આકળો છે રાજન;
‘ઈશ્વર આપણી રાખશે લાજ, ‘કામિની કહે, ‘શું કરવું કાજ.’
કહે પોપટ, ‘નવ ધરશો બીક, દઉં છું નંદરાજાને શીખ.’
એમ કરતાં તે બોલ્યો વાણી, અધિક ચાતુરી મનમાં આણી:
‘તું મુજને જાણે છે અજાણ, આજ થઉં હું ચતુરસુજાણ.’
દોહરા
કહે પોપટ, ‘ભલે આવિયા, પૃથ્વીપતિ ભૂપાળ;
આનંદકંદ નંદરાયજી, પ્રજાતણા પ્રતિપાળ.
તાત તમે છો જગતના, પ્રધાન તમારો પુત્ર;
હું જાણું છું, નિહાળવા આવ્યા છો ઘરસૂત્ર. ૨૭૦
તન ઘેર નથી તાહરો, હાજર છે સુતનાર;
પણ તે તારે આશરે, તમ પુત્રીને ઠાર.
ખબર લેવી તમને ઘટે, ઘેર નથી જવ તન;
પુત્ર પ્રજા સા તાહરી, પિતા નંદ રાજન.
રાજા તે તો તાત છે, પ્રજા તે તો પુત્ર; ૨૭૫
શાસ્ત્ર સાખ પૂરે સદા, સાચો અક્ષર સૂત્ર.
બાઈ આવો બેસો બારણે, આવ્યા છે તમ તાત;
પિતા પાસે બેસો જઈ, કરો સુખદુઃખની વાત.
બાઈ આવોની બારણે, એહ તાત નન્દરાય;
સાસરવાસો લઈ આવિયા, તેની શી લજજાય. ૨૮૦
આપણ એનાં છોકરાં, એહ આપણો તાત;
પિતા પાસ બેસો સુખે, કહો મનની સૌ વાત.’
ચોપાઈ;
નારી બોલી આણી ધીર, ‘સાંભળ પોપટ મારા વીર;
અધિક બોલ તું ના બોલીશ, ચઢશે નંદ રાજાને રીસ.
હુકમ રાજાજીનો લીજીએ, પછી ઉત્તર તેનો દીજીએ; ૨૮૫
એ છે ધર્મતણો અવતાર, જાણે સકળ વિવેક વિચાર.
એ છે ચૌદ વિદ્યા ગુણ જાણ, માટે ઘણું શું કરું વખાણ;
ચતુર પુરુષ માટે સાંખશે, મૂરખ કોઈ મારી નાખશે.
તે માટે છાનો રહે ભ્રાત, અધિક શાને કરે છે વાત.
વિવેક વાત મારે દિલ વસી, નંદરાયની બીક જ કશી. ૨૯૦
કંચન આગળ શા ઠેકડા, કરોડ આગળ શા એકડા.
ચૌદ જાણે તેને શા ચાર, સત્યવાદીને શાનો ભાર.
પુત્ર આગળ બીજી શી પ્રીત, વેદ આગળ બીજાં શાં ગીત.
પરબ્રહ્મ આગળ શાં પાખંડ, દૈવગત આગળ તે શો દંડ;
દારિદ્ર આગળ બીજું શું દુઃખ, સ્ત્રી સતીથી બીજું શું સુખ.
વિપ્ર આગળ બીજી શી નાત, ખરો કહેવાય તેની શી ખ્યાત;
જાર આગળ સ્ત્રીનું નવ જોર, હેમગિરિ આગળ નવ હોય ચોર.
ગંગા આગળ બીજી શી નદી, ચકોર આગળ બીજી શી બુદ્ધિ;
શિવપૂજન આગળ શી સિદ્ધ, રાજરસોઈ આગળ શી રિદ્ધ.
ભીખ થકી તે ભૂંડું કિયું, દેહ ભૂંડી જેહનું રોગિયું; ૩૦૦
ચન્દ્ર આગળ તે તારો કશો, રવિ આગળ આગિયો જ શો.
મૂરખ આગળ શી દુઃખની વાત, મર્ણથકી બીજી શી ઘાત;
પૂન્ય આગળ બીજું શું કામ, રામ આગળ બીજું શું નામ.
કાશી આગળ બીજો શો વાસ, સુગંધમાં જેવો બરાસ;
નંદરાયને શીખ દે જેહ, બ્રહ્માએ સર્જ્યો નથી તેહ. ૩૦૫
સ્વર્ગતણું તે સુખ જ ઘણું, વખાણ કરી શકે કેમ તે તણું;
તેને વશ વરતે સહુ લોક, તે આગળ ડહાપણ સહુ ફોક.’
નારી કહે—‘સુણ પોપટ સહી, એ સરખો કો ભૂતળમાં નહિ.’
દોહરા
ત્યારે પોપટ બોલિયો, ‘સાંભળ મારી બહેન;
માબાપ આગળ ચાલે સહી, જે કરીએ તે ચેન. ૩૧૦
બાળક અતિ અન્યા કરે, મન ન ધરે માબાપ.
એવું જાણીને હું કહું, વેદ પુરાણે છાપ;
ગાંડું ઘેલું બોલવું, મનમાં ન આણે સોય;
તેમ હું રાજાને કહું, ખેદ ન ધરશો કોય.
ચોપાઈ
વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? ૩૧૫
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેના ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર?
મા મારે પયપીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ,
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય? ૩૨૦
રામ જપંતા નરકે જશે, કહો કલ્યાણ જ કોનું થશે?
ગંગા નહાતા પાપી થશે, વેદવચન કેમ સાચાં હશે;
વહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાંની કરશું આડ?
મેઘ વરસંત પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે?
ધણીને વિખ દે ઘરની નાર, કોણ સાચવે તેણે ઠાર? ૩૨૫
પુષ્પહાર થઈ વળગે સાપ, ત્યાં તે કોણ જાળવશે આપ?
અમૃત જાણી આપે પીજીએ, વિખ થાય દોષ કેને દીજીએ?
કુંડળ કરડી ખાયે કાન, કોણ આગળ જઈ કરીએ જાણ?
ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પૂરણ પાપ.
મોટા જાણી જઈએ શરણ, દે ઘાત તો પામીએ મરણ. ૩૩૦
ઘરનો દીવાન ચાડી ખાય, તો તે દુઃખ કોને કહેવાય?
જો રળનારો ચોરી કરે, તો ભંડાર શી પેરે ભરે?
છાની થાપણ લોભે લે, તો શાખ આવી કુણ દે?
કોઈ જાણી દુઃખ દીએ પ્રચંડ, તેને તો રાજા દે દંડ;
(પણ) રાજા થઈ લૂટી લે આપ, તો પરજાનું પૂરણ પાપ. ૩૩૫
રૈયત ઉપર કોપે રાય, રાંક માણસ શું કરે ઉપાય?
તેને પૂછનારો ઈશ્વર એક, વેદ વચન કરી જુઓ વિવેક.
રાજા પ્રજાને દુઃખ જ દે, તો તે આગળ નહિ સુખ લે;
મોટાં જો કરે કૂડાં કાજ, તો નહિ પામે રૂડાં રાજ.’
શ્યામા શુક બે વાતો કરે, રાજા નંદ હૃદેમાં ધરે; ૩૪૦
ભયભીત થઈને જ આવિયો, કાંઈક સાન હૃદે લાવિયો.
એ કહે છે પુત્રી ને બહેન, તે આગળ કેમ થાયે ચેન;
એક વાતનો ન સૂઝે ઘાટ, રાજા જઈને બેઠો પાટ.
આગતા સ્વાગતા દીધાં માન, આગળ મેલ્યાં ફોફળ પાન;
બોલ્યો શુક, ‘સુણ તું સુંદરી, બોલો તાતશું હેત જ કરી. ૩૪૫
પુત્રી ધર્મ કરી થાપશે, મન-વાંછિત માગ્યું આપશે;
લાવ્યા પસલી આપણે ઘેર, રાજા આવ્યા રૂડી પેર.
ભ્રાત તાત ને એ મોસાળ, આપણ ઉપર અદકું વહાલ;
એ છે નોધારા આધાર, એને શિર પૃથ્વીનો ભાર.
બેટી બહેન ને તું ભાણેજ, આપણ ઉપર અદકું હેજ; ૩૫૦
હેત કરીને દગો જો દેય, નરકતણાં ફળ તે તો લેય.
જાણો એમને રૂડા તાત, જાણો માડી-જાયા ભ્રાત;
દીઓ માન સમજી બહુ પેર, ભલે પધાર્યા આપણે ઘેર.’
પોપટે જેહ વચન જ કહ્યું, સુણતાં જ્ઞાન રાજાને થયું;
બેઠો આસન હેત જ કરી, પાસે ઊભી છે સુંદરી. ૩૫૫
માનિની કહે, ‘સુણીએ મહારાજ, કાંઈક કહો અમ સરખું કાજ.
દર્શન થયું પિતા તાહરું, પવિત્ર મંદિર થયું માહરું;
અમે આશરે છું તમતણે, અમ પર હેત રાખો છો ઘણે.’
રાજામાં લક્ષણ બત્રીસ, હૈડામાં નવ આણી રીસ;
સમજ્યો શિખામણ છે એહ, ભાંગ્યો મન તણો સંદેહ. ૩૬૦
અજ્ઞાન હતું તે સર્વે ખોયું, યુવતીના મુખ સામું નવ જોયું;
પામ્યો શિખામણ સઘળી તેહ, ભાંગ્યો મન તણો સંદેહ.
અધું મન પોપટથી પડ્યું, અર્ધું નારી-ગુણથી ગળ્યું;
અમૂલખ અંગૂઠી જેહ, પદ્મિની કરમાં સોંપી તેહ.
મનમાં ન આણ્યો બીજો મર્મ, ઈશ્વરે રાખ્યો બેઉનો ધર્મ. ૩૬૫
કરી પ્રણામ તે પાછો વળ્યો, પ્રતિહારને જઈને મળ્યો.

સ્વાધ્યાય

૧. રાજા અને ધોબી વચ્ચેનો પ્રસંગ ટૂંકામાં લખો.
૨. પોપટે રાજાની સુબુદ્ધિ કેવી રીતે જાગ્રત કરી એને પાછો મોકલ્યો?
૩. દ્રવ્ય વિષે શામળ કવિના શા ખ્યાલ છે? તમારે એ વિષે કાંઈ કહેવું છે?
૪. ગુજરાતના ઇતિહાસની કરણઘેલાની વાત આની જોડે સરખાવો.