સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિવેદન

‘સાહિત્યપલ્લવ’ને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્યરસિકોના હાથમાં મૂકતાં અમને આનંદ થાય છે. આ પુસ્તકનું સંપાદન અમે શિક્ષક તરીકે કર્યું છે. અમારે જો વિદ્યાર્થીને શીખવવાનું હોય તો આપણા સાહિત્યમાંથી તેમની સમક્ષ અમે કઈ કૃતિઓ રજૂ કરીએ તેનો ખ્યાલ આ સંગ્રહમાંથી આવી શકશે. આમાંના કેટલાક પાઠ વિદ્યાર્થીઓ સમક્ષ એ રીતે અમે રજૂ પણ કરી જોયા છે, અને તે ઉપરથી મળેલા અનુભવે અમારી પસંદગીમાં અમને સારી સરખી મદદ કરી છે. પુસ્તકને ગદ્ય અને પદ્ય એવા બે વિભાગોમાં વહેંચ્યું છે. પદ્યમાં જૂનું અને નવું એવા વિભાગો પણ પાડી શકાત, પણ તેમ ન કરતાં એનો એક જ ખંડ રાખ્યો છે — જોકે એના પેટાખંડ સહેજે નક્કી કરી શકાય એમ છે. નવી કવિતાને પૂરતું સ્થાન આપ્યા છતાં સંભવ છે કે, જૂની કવિતા તરફ અમારો વધુ પક્ષપાત છે એવો આ સંગ્રહમાંથી પંક્તિસંખ્યાની તુલના કરતાં કોઈને ભાસ થાય. આ સંબંધી કોઈ પણ જાતનું લંબાણ કર્યા વિના અમે એટલું જ નોંધવા ઇચ્છીએ છીએ કે, આપણા વિદ્યાર્થીઓ ‘ગુજરાતી’ ગુજરાતી લખતાં શીખે એવો સમય હવે આવી પહોંચ્યો છે; અને એ ગુજરાતી જૂની કવિતાના અભ્યાસ વિના એકલા આપણા નવા ગદ્ય કે પદ્યના અભ્યાસથી સાધી શકાશે ખરું? એથી વિદ્યાર્થીઓ આપણા જૂના કવિઓનો જેટલો વધુ પરિચય સાધે તેટલું સારું. આ સંબંધમાં એક મુશ્કેલીનો અમને ખ્યાલ છે. રુચિ એ સામાન્ય રીતે વારસામાં મળેલી વસ્તુ છે. આપણે કબૂલ કરવું જોઈએ કે, જેને આપણા સાહિત્યમાં અર્વાચીન યુગ કહેવામાં આવે છે તે યુગમાં જૂની કવિતા પ્રત્યે આપણી રુચિ કંઈક મંદ પડી છે. રુચિમાંદ્યનો વારસો છેલ્લી બેત્રણ પેઢીથી ઉત્તરોત્તર મોટો થતો આપણને મળ્યો છે. આમાં કવિતા શ્રાવ્ય નહિ પણ પાઠ્ય છે એવી આપણી ક્રમશ: વધતી જતી માન્યતાએ એને વધુ જોર આપ્યું છે. જૂની કવિતા મુખ્યત્વે કરીને શ્રાવ્ય હતી, અને તે પણ અમુક ચોક્કસ લઢણમાં એને ગાવા માટેની પરંપરા ઊભી થઈ હતી. એ પરંપરા આજે આપણે ગુમાવી છે. એથી આજના આપણા ગુજરાતી ભાષાના શિક્ષકો — પછી તે શાળામાં હોય કે મહાવિદ્યાલયો કે અનુસ્નાતક વર્ગોમાં શીખવતા હોય તે બધા — જૂના કવિઓએ કાવ્યરસિકો સમક્ષ જે રીતે રજૂ કરવાની દૃષ્ટિથી પોતાની કવિતાઓ રચી હતી, તે રીતે રજૂ કરી શકતા નથી. એથી એ કવિતાનું વાચન મોટે ભાગે અરસિક, શુષ્ક અને પુરાતત્ત્વીય શોધખોળ જેવું થઈ જાય છે. આપણે સદ્ભાગ્યે વ્યાપક રાષ્ટ્રજાગૃતિના યુગમાં આપણી જૂની સાહિત્યસમૃદ્ધિ તરફ અને આપણા લોકસાહિત્ય તરફ આપણા સાહિત્યસેવકોનું ધ્યાન જતાં, લોકસાહિત્યના પુનરુજ્જીવનનો આપણે ત્યાં એક સબળ ઉછાળો આવ્યો, અને પરિણામે આપણે શોધી શોધીને એ લુપ્ત થઈ જતી સમૃદ્ધિ પાછી ભેગી કરવા મંડ્યા. આ પ્રવૃત્તિને પરિણામે જૂની કવિતાના વધુ ઊંડા અને વિશાળ અભ્યાસને અનુરૂપ નવી ભૂમિકા ફરીથી તૈયાર થઈ છે. એનો પૂરતો લાભ તો આપણને ત્યારે જ મળે જ્યારે આપણે શિક્ષકો એ જૂની કવિતાઓને એના યોગ્ય સ્વરૂપમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીએ. એ માટે અમારી અમારા સહશિક્ષક ભાઈબહેનોને એક વિનંતી છે કે, તેઓ જૂની કવિતા બને ત્યાં સુધી તેના સુગેય ઢાળોમાં જ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે. એમ થતાં એનાં કલાતત્ત્વો આપોઆપ વિદ્યાર્થીઓ પકડી લેશે, અને એના શબ્દાર્થ કે ભાવાર્થ આપવાની જરૂર નહિ રહે, તેમ જ જે સેંકડો પંક્તિઓ આ પુસ્તકમાં આવી છે તે બધી વર્ષ દરમ્યાન શીખવવી હોય તો કંઈ મુશ્કેલ પડશે નહિ. નવી કવિતાની વિશિષ્ટતાઓનો વિદ્યાર્થીઓને ઠીક ઠીક ખ્યાલ આવે અને તેનું વાચન વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી નીવડે, એ દૃષ્ટિએ નવી કવિતાની પસંદગી થઈ છે. કવિતાના શિક્ષણ સંબંધી એક અગત્યની વાત નોંધવી જરૂરી લેખીએ છીએ. કવિતાનો પ્રદેશ લાગણી અને કલ્પના છે. એની વિદ્યાર્થી ઉપર થતી અસર તેના નેત્રની ચમક ઉપરથી જોવાની છે. એ અસરને વ્યક્ત કરવા જેટલું ભાષા-પ્રભુત્વ વિદ્યાર્થી કદાચ દર્શાવી ન પણ શકે તો તે માટે આગ્રહ ન રાખવો. તેમ જ કેટલીક વાર કેટલીક પંક્તિઓનો અર્થ કરવા જતાં મુશ્કેલી પડે એવું પણ બને; અને છતાં કાવ્યમાં પોતાને સ્થાને તે પંક્તિ અર્થપૂર્ણ હોય. તેવે વખતે તેના શબ્દાર્થમાં ન ઊતરવું. ટૂંકમાં, કવિતાના રસાસ્વાદ માટે કહેવાતી સમજૂતી વગેરે ગૌણ લેખાવાં જોઈએ. કવિતા વિદ્યાર્થી માટે બોજારૂપ ન હોવી જોઈએ. તે વિદ્યાર્થીના જીવનને ઉલ્લાસ, પ્રેરણા, સ્ફૂર્તિ અને તાજગીથી ભરી દેનાર નીવડવી જોઈએ. કવિતાશિક્ષણમાં આ દૃષ્ટિ સતત આપણી નજર સમક્ષ રહેવી જોઈએ. કવિતાની જેમ ગદ્યમાં પણ જુદા જુદા ગદ્યપ્રકારોનો વિદ્યાર્થીને પરિચય કરાવવાની દૃષ્ટિ રાખી છે. જુદી જુદી જાતના નિબંધો, નવલકથા, નવલિકા વગેરેના સૂક્ષ્મ પ્રકારો, સંવાદ, નાટકો આદિ વીણી વીણીને નમૂનાઓ ભેગા કર્યા છે. કલા-દર્શનને પણ અમે આ પુસ્તકનું એક મહત્ત્વનું અંગ લેખ્યું છે. એમાં આપણા ઘરઆંગણે ખીલી રહેલી કલાથી માંડી સદીઓ પહેલાંની આપણી ભવ્ય સંસિદ્ધિઓ અને મહાન આંતરરાષ્ટ્રીય કલાકૃતિઓ અમે રજૂ કરી છે. આ બધી કૃતિઓના સંપાદનમાં અમે જાણે કે વિદ્યાર્થીઓ સમક્ષ જ એ રજૂ કરતા હોઈએ એવી દૃષ્ટિ રાખી છે, અને તેથી એ દરેક કૃતિનો પ્રવેશક તે કૃતિને — અને નહિ કે તેના કર્તાને — અનુલક્ષીને લખાયો છે. કર્તાનો પરિચય તો કૃતિમાં રસ પડતાં વિદ્યાર્થીઓ આપોઆપ શોધી લેશે, પણ કૃતિમાં રસ પડે એ મુખ્ય કાર્ય છે, અને એથી અમે કોઈ કોઈ જગ્યાએ તો લંબાણનું જોખમ વહોરીને પણ વિગતે રસાસ્વાદ આપવા પ્રયત્ન કર્યો છે. એ રસાસ્વાદ શાસ્ત્રીય પરિભાષા કે આંટીઘૂંટીમાં ન ઊતરી જાય તે માટે અમે ઘટતી કાળજી રાખી છે. દાખલા તરીકે, કાવ્યમાં મહત્ત્વના અલંકારો તરફ ક્યાંક ક્યાંક અંગુલિનિર્દેશ જ કરી તેની સુંદરતા શોધવાનું વિદ્યાર્થીઓ ઉપર છોડ્યું છે. તેમ બધા જ અઘરા શબ્દોના અર્થ નથી આપ્યા, પણ ખાસ અર્થમાં વપરાતા શબ્દો તેમ જ કેટલીક વાર વિદ્યાર્થીઓના કુતૂહલને જાગ્રત કરે એવી શબ્દવ્યુત્પત્તિઓ અમે આપી છે. જે વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક રીતે જ આવા વિષયોનો શોખ હોય તે વિદ્યાર્થીઓને તો આનાથી અનેક પ્રકારે પ્રેરણા મળશે એવો અમારો દૃઢ વિશ્વાસ છે, પણ સામાન્ય વિદ્યાર્થીઓની રસવૃત્તિને પણ આનાથી સારી સરખી પ્રેરણા મળશે એમ અમે માનીએ છીએ. એવી જ રીતે સ્વાધ્યાય પરીક્ષાની દૃષ્ટિથી નથી આપ્યા; પણ દરેક કૃતિના વિકાસની ક્રિયા વિદ્યાર્થીના મન સમક્ષ ચીતરાઈ રહે અને તેનું વાચન સર્જનાત્મક બને, એ દૃષ્ટિએ તે યોજ્યા છે. જે વિદ્યાર્થીઓને લેખકો સંબંધી જાણવાનું કુતૂહલ થાય તેમને માટે ‘સાહિત્ય-પલ્લવ’ના ત્રીજા ભાગને અન્તે લેખકોના જીવનનો અતિ ટૂંકો એવો પરિચય આપ્યો છે. ઉપર જણાવ્યું તેમ લેખકની કૃતિને જ આ સંગ્રહોમાં પ્રાધાન્ય આપવું અમે યોગ્ય લેખ્યું હોઈ પહેલા બે ભાગોમાં જીવનચરિતોની જરૂરિયાત અમે જોઈ નથી. આ સંગ્રહ શિક્ષકની મદદ વિના વાંચવા ઇચ્છતા વિદ્યાર્થીઓથી માંડી, એક બાજુ ઓછાં સાધનવાળી ગામડાંની શાળાઓ અને બીજી બાજુ શહેરોની અનેક સગવડ ભોગવતી સારાં પુસ્તકાલયોવાળી શાળાઓના વર્ગોમાં જ નહિ, પણ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા વાચનના શોખીનોને પણ ઉપયોગી થઈ પડશે, એવી અમારી આશા છે. જે જે લેખકોની કૃતિ વડે આ સંગ્રહ સમૃદ્ધ બન્યા છે તે સૌના, અને અમારા અનેક વિદ્યાર્થીઓ જેમણે આ સંગ્રહો માટે હાથપ્રત તૈયાર કરવામાં અમને મદદ કરી છે તેમના, અમે ઋણી છીએ. નવજીવન મુદ્રણાલયના સંચાલક શ્રી. જીવણજી દેસાઈ જેમની ઝીણવટભરી કાળજીથી અમારી હાથપ્રતો આટલું શુદ્ધ મુદ્રણ પામી શકી છે, તેમના પણ અમે ઓછા આભારી નથી.

અમદાવાદ,
૧૫-૨-‘૪૧
ઝીણાભાઈ દેસાઈ