સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભૂતિયો મહેલ
ઘર જાણે ઊંચું તાબૂત
પણ એમાં રહેતું‘તું ભૂત!
કોઈ રહે એ ઘરમાં રાત,
ફરી પામે ન જોવા પ્રભાત.
ગામના બહાદુર જોધ જુવાન ૫
સિપાઈ, અફસર ને કપતાન,
વાંકડી મૂછવાળા રજપૂત,
ફક્કડ બેફીકરા મજબૂત,
એવા ઘણા બીને હથિયાર
હેઠાં મેલી ભાગ્યા બહાર- ૧૦
ભૂત દેખીને તો!
ઘરનો માલિક ખૂબ મૂંઝાયો, ના ભૂતનો એકે ઉપાય:
‘વીસ હજારના બંગલાની અરે! આ જ દશા હવે થાય!
‘આવડો મહેલ સુશોભિત ઓરડા સાજ ને છત્રપલંગ,
‘આવડી સાહ્યબી! દુનિયા દેખીને થાય છે બે ઘડી દંગ! ૧૫
‘કિંતુ બધુંયે વૃથા, પછી શા સારુ વેઠવો ફોગટ ભાર!
‘વીસના ચાર હજારમાં દેવા આ બંગલો થાઉં તૈયાર!’
તોય ન કોઈ ઘરાક મળ્યો એના ચાર હજાર દેનાર.
એવે કો એક જુવાન
વેપારી, ભીનલે વાન, ૨૦
દૂબળા દેહની પાતળી કમ્મરે જાડી ખાદી તણો ઘેર,
કપડાં થકી વધે વજન એહનું જરૂર પાંચેક શેર!
ઓચિંતો ગામમાં આવી ચડ્યો તહીં વહોરવાને કંઈ માલ,
ભૂતિયા મહેલની વાત સુણી બોલી ઊઠ્યો, ‘રે વાહ કમાલ!’
એણે કહ્યું બંગલા ધણીને, ‘ભલે આપું હું ચાર હજાર,
લખી આપો મને ભૂત સાથે આખા બંગલાનો હકદાર.’
‘ભૂત સાથે?’ કહે માલિક, આંખમાં કેવળ માત્ર નવાઈ,
‘હા, હા’ હસીને વેપારી વદે, ‘જોકે મને વાંધો નથી, ભાઈ!
ભૂતને રાખીને બંગલો આપશો એકલો, તોય કબૂલ;
પરંતુ લાગશે વધુ મને એનું ચાર હજારનું મૂલ!’ ૩૦
સામાસામી થયા કોલ, વેપારીએ બંગલામાં કર્યો વાસ;
રાત પડી, ભાત ખાવાને બેઠો ત્યાં થયો એને કંઈ ભાસ.
જાણે કે એની જ થાળીમાંથી કોઈ કોળિયા ઉપાડી જાય,
બોલ્યો એ, ‘માગીને ખાને, ભિખારી
આમ ચોરી કરી શીદ ખાય?’ ૩૫
ઘુરૂર ઘુરૂર ધ્રૂજી ઊઠી હવા, સુણ્યા ક્યાંકથી બોલ:
‘ભિખારી છું હું કે માગું? કરે છે તું ચોર સાથે મારો તાલ?
રે, તું મને કહે ચોર ભિખારીડો? એવો શું હું હીન રંક?
નથી પડી તારા ભાતની રે! મારે ઘેર સોનાની છે લંક!’
પછી ખાવાનું ન ગૂમ થયું. વાળુ કરીને ઊઠ્યો જુવાન, ૪૦
ખંડ બીજે જઈ આરામખુરશીમાં પડી ચાવતો પાન.
થોડી વારે એની સામેની ખુરશીમાં થયો ધબ્બ અવાજ,
જુએ તો હાડનું પિંજર બેઠું છે માથે ધરી શિરતાજ:
જુવાન બોલ્યો: ‘રે! માંદલો કોણ તું? ક્યારનો આવે છે તાવ?’
સાંભળી ઉછળી પિંજર રોફથી બોલ્યું, ‘હું છું મહા રાવ. ૪૫
જાણે છે કેવડું જોર છે મારું? હું વીર વીરોનોય વીર,
નામ સુણી ચીસ પાડી નાસી છૂટે ભલ્લ ભલા રણધીર.’
‘ત્યારે શેણે તારાં હાડનો આવો આ સાંધેસાંધો ઢીલો, વીર?
‘કે’તો ખરો તને મેદાને એવો એ કોણ મળ્યો મહાવીર?’
કડડ કડડ હાડકાં બોલે, ને કચૂડ કચૂડ દંત : ૫૦
બોલ્યો એ ભૂત, ‘મેં મારી ભગાડ્યા કૈં મલ્લ મહા બળવંત!’
ઓહોહોહો! હસી જુવાન બોલ્યો, ‘તું જૂઠ! તારું સબ જૂઠ!’
ભૂત કહે, ‘અલ્યા જૂઠ કે’છે મને? જોઈ છે મારી આ મૂઠ?
‘બબ્બે સૈકાથી હું જીવતો ઘૂમું છું, રોફથી ચાલું છું રોજ;
‘ઊઠું છું, બેસું છું, મારું છું, ડારું છું, ખેલું છું, કરું છું મોજ. ૫૫
‘જૂઠો તું કે’, કિંતુ જોશે જ્યારે મારી શક્તિ તણા ચમકાર
‘ત્યારે તું બીકથી ફાટી પડીશ ને મરીશ દઈ ચિત્કાર.’
‘એમ? અહો!’ બોલ્યો જુવાન, ‘તો તો તું આવજે કાલ આ વાર,
હું મારા દોસ્તને લઈને આવીશ એ જોવા તારા ચમકાર.’
ભૂત ગયું; પછી જુવાને શાન્તિથી ઊંઘમાં રાત વિતાવી. ૬૦
બીજે દી જીવતો જોઈ એને વાએ ગામમાં વાત ફેલાવી.
વેપારી જુવાને–નામ હતું એનું હિંમત–તરત તાર કરી પરગામ:
તેડાવ્યો પોતાના દોસ્તને કામે, છે જમશેદ એહનું નામ.
વાળુ કરીને ત્યાં વાત કરે બેઉ બેઠેલ જોડાજોડ,
અવાજ ત્યાં થયો તબડક! તબડક! જાણે શું ઘોડાદોડ? ૬૫
વાહ! કરી બેઉ સાંભળે છે ત્યાં તો બીજે શરૂ થયો શોર;
એકી સાથે ઘણા ઘંટ વાગે જાણે રણણ! જણણ ઘોર!
અને પછી કોઈ ભીષણ નાદથી શરૂ થયો રણઢોલ.
સાંભળી બંનેય દોસ્ત નવાઈથી વદે વખાણના બોલ!
થોડી વારે થયું શાન્ત બધું, એક આવી ઊભો અસવાર, ૭૦
બખ્તર-સજ્જ શરીર બધું બેઉ હાથ ધરી તલવાર.
એને જોઈ બોલ્યો હિંમત, ‘વાહ! તું લાગે છ તો હોશિયાર,
‘આવી તારી જાદુવિદ્યા દેખી મને થાય છે એક વિચાર —
મારા આ મિત્ર જો, જમશેદજી ફરે સર્કસ લઈ બધે ગામ,
હેરત પમાડે તેવા ઘણા ખેલો બતાવે છે ઠામ ઠામ. ૭૫
હું ઇચ્છું કે એમાં તું જો જોડાશે તો શોભશે તારું આ કામ,
લોકોમાં ખેલ તારા વખણાશે તો પંકાશે તારું નામ.
અને વળી શેઠ જમશેદજી દેશે રૂપિયો રોજ પગાર,
તારે તો રાતના બે વાર આવીને ખેલ કરી જવો, યાર!’
બાજના પંજામાં પંખી પડે તેવી ઓચિંતી ઊઠી ત્યાં ચીસ, ૮૦
ધુમાડાના ઝીણા વાદળ જેવું ત્યાં જામી ગયું અંતરીક્ષ.
કાને પડ્યા ધીમા ધ્રૂજતા શબ્દ : ‘તું આજે મળ્યો મને મર્દ!
નક્કી ગયું આજ હાથમાંથી ઘર, થાય મને ઘણું દર્દ!
જે દેખીને બીજા બીને મરે ત્યાં તું હસીને છેડે મજાક,
તારી મજાકે મારી બધી શક્તિને આજે કરી દીધી ખાક!’ ૮૫
ભૂત ઊડી ગયું! બેઉ જણા પછી ખૂબ હસ્યા બધી રાત,
બોલ્યા જે આજે ‘શો’ રાખ્યો હોત તો ખૂબ યે કમાણી થાત!
બીજે દી પેલો માલિક મળ્યો, પૂછે, ‘કેમ છો હિંમત શેઠ!’
બંને જણા એવું હસ્યા એ સાંભળી, દુઃખવા આવ્યું પેટ!
હિંમત બોલ્યો, ‘હજારોની ખોટમાં આવી ગયો હું તો આજ. ૯૦
‘બંગલાનો પેલો ભૂત અભાગિયો ભાગી ગયો મૂકી કાજ.
‘હોત તો બંગલો થાત થિયેટર, ખોટ ઘણી ગઈ, યાર!
‘હવે તો કળા કારીગરીની અહીં થશે જરૂર નિશાળ!’
સ્વાધ્યાય
આમ કવિએ શબ્દો દ્વારા કેટલાંક સરસ ચિત્રો દોર્યાં છે તે તમે જોજો. એમાંનાં કોઈ કોઈ ચિત્રો તો ગમે તેવો મોટો ચિત્રકાર પણ દોરી ન શકે. એ તો માત્ર શબ્દો જ ચીતરી શકે. એવું એક ચિત્ર આ રહ્યું: ‘થોડી વારે એની સામેની ખુરશીમાં ધબ્બ અવાજ.’ આમાં ખાલી ખુરશીમાં થયેલો ‘ધબ્બ અવાજ’ ભારે મુશ્કેલીથી ચીતરી શકાય, પણ એ પછીની પંક્તિમાં આવેલું ચિત્ર ‘જુએ તો હાડનું પિંજર બેઠું છે માથે ધરી શિરતાજ,’ એ સરસ રીતે ચીતરી શકાય. એવી જ રીતે ‘કડડ કડડ હાડકાં બોલે, ને કચૂડ કચૂડ દાંત,’ પંક્તિ વાંચતાં આપણા મન સમક્ષ એક સ્પષ્ટ ચિત્ર ખડું થાય છે, પણ એને ચીતરવું મુશ્કેલ છે. તેમ ભૂત પોતાની પ્રવૃત્તિઓનું જે વર્ણન કરે છે તે પણ એક પછી એક સપાટાભેર પસાર થતાં ચિત્રો આપણા મન આગળ દોરે છે. આ રહી તે પંક્તિઓ:
બબ્બે સૈકાથી હું જીવતો ધૂમું છું, રોફથી ચાલું છું રોજ,
ઊઠું છું, બેસું છું, મારું છું, ડારું છું, ખેલું છું, કરું છું મોજ.
આમાં ક્રિયાપદોની લંગારથી રસ જામે છે. આવાં બીજાં કોઈ ચિત્રો આ કાવ્યમાં છે? હોય તો તે શોધી કાઢી વર્ણવો.