સાહિત્ય પલ્લવ – ભાગ ૧/લુટાયા વિષે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લુટાયા વિષે

ધરમે ધોળાં નિત્યે ગાઈએ, ડાકોરવાળો ડાહ્યો વ્હાલા;
આંબા તળેથી બે જણ ઊઠયા, બ્રાહ્મણ દેખી ધાયો વ્હાલા.
‘ઊભો રહે અલ્યા બ્રાહ્મણ તું તો,’ ત્યારે લાગી બીક વ્હાલા;
જુગત કરીને જોડો લીધો, ઠાકોર રે છે ઠીક વ્હાલા.
‘ભાંજ આપને ભાંજ આપને,’ એવું આવી કહે છે વ્હાલા; ૫
અચરજ સરખું મુજને ભાસ્યું, લૂગડાં તો ઝટ લે છે વ્હાલા.
પાઘડીને પહેલી લીધી, માથું કરિયું બોડું વ્હાલા;
હીંડી હાલી ઠાકોર આવ્યા, પાસે નહોતું ઘોડું વ્હાલા.
દોટીમાં શું એવું કહીને, પછેડી પણ લીધી વ્હાલા;
જૂનાં લઈને નવાં આપશે, કૃપા હરિએ કીધી વ્હાલા. ૧૦
જે જોઈએ તે માગી લોને, ના કહ્યાનો નેમ વ્હાલા;
હાથપગને દોરી તુંબડી, રહી છે કુશળ ખેમ વ્હાલા.
ચોખાનીનો કકડો પહેર્યો, સર્વે દાન કરીને વ્હાલા;
ઉમળકો આણીને સોંપ્યું, નરભે તો હરિને વ્હાલા.
જૂનાંપૂનાં વસ્તર મારાં, લાજ રહી તે માટે વ્હાલા; ૧૫
રામકૃષ્ણ ગોવિંદ કરતા, ચાલ્યા ઊભી વાટે વ્હાલા.
લોક મળે તે એવું પૂછે, કહે બ્રાહ્મણ ક્યાં લૂંટ્યો વ્હાલા;
જીહ્વા મુખમાં સાજી છે તો, છોગાળોજી ત્રૂઠયો વ્હાલા.
નાને ભડકે દિવાળી ને, મોટે ભડકે હોળી વ્હાલા;
જન નરભાનાં વસ્તર લીધાં, લોક કહે છે કોળી વ્હાલા. ૨૦
પણસોરાને ચોરે આવ્યા, ખબર કરી છે ખાંતે વ્હાલા;
બ્રાહ્મણ પટેલ દેસાઈ કહે, ‘ભગત રહો નિરાંતે વ્હાલા.’
દ્વારકાં દેસાઈને જોરે, ભાઈએ કરિયું જોર વ્હાલા;
‘દો રણશિંગ વહાર કરોને, ઝાલી લાવો ચોર વ્હાલા.’
નરભો કહે એવું નવ કરવું, સમજાવ્યા નિરવાણ વ્હાલા; ૨૫
નિત્યે પૂનમે મારે જાવું, ખોશો મારા પ્રાણ વ્હાલા.
પછેડી તો તુર્ત મગાવી, હાથ ભરીને લીધી વ્હાલા;
જૂનાં લઈને નવાં આપ્યાં, કૃપા હરિએ કીધી વ્હાલા;
બે ચાર દિવસ જો રહો તો, બાજરી લખાય વ્હાલા;
જન નરભાને હેતે રાખ્યો, ગુણ હરિના ગાય વ્હાલા. ૩૦
પાંચે દિવસ કીરતન કરિયાં, બાજરી થે મણ બાર વ્હાલા;
વેઠિયાનાં મન દુખાયાં, નરભે મેલ્યો પાર વ્હાલા.

સ્વાધ્યાય

૧. નરભેરામ લૂંટાયાની હકીકત સવિસ્તર લખો.
૨. પોતે લૂંટાતા હતા છતાં કવિને એ બાબત મનમાં ગભરામણ નથી તેનાં કારણ શાં સમજાય છે?
૩. કોઈ લૂંટનું કે એવી કોઈ આફતનું તમારા અનુભવનું હોય તો સાચું અથવા કલ્પિત વર્ણન લખો.