સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
[આપણી ભાષાના એક સર્વોત્તમ ગ્રંથ ‘સરસ્વતીચંદ્ર’માંથી આ પ્રસંગ લીધો છે. મણિરાજ બાળકરૂપે પણ એટલો બધો વિચારશીલ અને લાગણીવાળો લાગે છે કે આગળ ઉપર એ મહાન થશે એની આગાહી આપણને એના આ વર્તનથી મળી રહે છે. નાને મોઢે મોટી વાતો બોલતો હોય એવું ન લાગે, અને મોટા મોટા વિચારો આવડો બાળક તે કદી બોલી શકે એવો અસંભવદોષ આપણા મનમાં ન જાગે, એ માટે લેખકે ચીવટ રાખી છે. કેટલાક ગંભીરતાવાળા વિચારો તેણે પોતાની માતા પાસેથી સાંભળેલા છે અને ‘માતાજીએ કહ્યું છે કે...’એવી પ્રસ્તાવના કરીને મણિરાજ તે તે વિચાર રજૂ કરે છે. આ ઉપરથી બીજી એક અગત્યની વાત ધ્યાન ખેંચે છે તે એ છે કે બાળકની ખરી કેળવણી તેને મા પાસેથી જ મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાવિ મહાન લોકનેતા થવાની લાયકાત જે સંસ્કારોને લીધે મણિરાજમાં આપણને દેખાય છે તે બધા જ એને માતા તરફથી મળ્યા છે. લેખકે બાળલીલાનો આછકલો પ્રસંગ લઈને પણ, આ રીતે ઘણી મહત્ત્વની વાતો છેડી છે. બાળકની ધીરતા, મધુરતા, બાળકમાં જે ન હોય તો ખામીરૂપ ગણાય તે રમતિયાળપણું અને મધુમક્ષિકાના છોકરા પ્રત્યે એણે દર્શાવેલી દયા નહિ પણ મમતા, – એ બધાને લીધે આ નાનકડો પ્રસંગ જીવનથી ભર્યો ભર્યો લાગે છે; – જે એના લેખકની આગવી શક્તિ છે.]