સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

[ચાર પાનાંમાં કવિએ અહીં એક અનોખી સૃષ્ટિ ખડી કરી દીધી છે. અને ઘડીકમાં એ વિખેરાઈ પણ જાય છે. એમાં પાત્રો છે બુઢ્ઢો મદારી, હોઠકટ્ટો ઝંડૂરિયો, આંધળી બદલી, રીંછ (‘બુઢ્ઢી બીબી હેડમ્બા’), ગધેડો (‘દુનિયાનો ડાહ્યો ખાનદાન’), ચક પાછળથી ખેલ જોતી રાજરાણી, વગેરે. મદારીને ઝંડૂર બાર વરસ પહેલાં ચાર વરસનો મળેલો. અનાથાશ્રમમાંથી એ ભાગી છૂટેલો. ઇન્દ્રનગર રાજ્યના પ્રતાપ શેઠનો એ અનૌરસ પુત્ર હતો. હવે રાજ્યની વિધવા રાણીને પોતાને કદરૂપો દીકરો હતો એટલે એને દુનિયામાં રૂપને બદલે કદરૂપાપણા પર બહુ વહાલ હતું. પોતે દુઃખી હોઈ બીજાનું સુખ પણ એનાથી સહ્યું ન જતું. એવી બિમાર એની મનોદશા હતી. એક વાર પોતે બોલાવેલા મેળાવડામાં, પોતાની આંગળી પર હીરો ચમકતો હતો તેના જોટાનો જ હીરો પ્રતાપશેઠની વહુની આંગળીએ ઝગમગતો જોઈ રાજરાણી જળી ઊઠી અને શેઠાણીનું સુખ છિન્નભિન્ન કરવા એણે મનસૂબો કર્યો. અનાથાલયના સંચાલકનો ઊપડી ગયેલ હોઠકટો છોકરો પ્રતાપશેઠનો ગેરકાયદે પુત્ર છે એવો ગુપ્ત કાગળ પોતાની પાસે હતો જ. એ છોકરાની એ ચારે કોર તપાસ કરાવે છે. આજ આ મદારીખેલમાં એ હાથ લાગી ગયો! કોઈ અજાણી, કદાચ એનું કદરૂપું મોં જોઈ ન શકવાથી વહાલ કરતી, સ્નેહ વર્ષાવતી, આંધળી છોકરીથી બેહદ સુખ પામતા, હસતા ને મેદનીને હસાવતા ઝંડૂરિયાને રાજરાણી જુએ છે! એકીસાથે પેલી શેઠાણીનું જ નહિ, આ અણજાણ આંધળી છોકરીનું પણ સુખસ્વપ્ન છિન્નભિન્ન કરી નાંખવાની તક રાજરાણી ઝડપી લે છે. આવું અત્યંત કદરૂપી મનોદશાનું ઘેરું અંધકારભર્યું વાતાવરણ કથા પર છાયું છે. ત્યાં વચ્ચે લેખકે આ મદારીખેલના પ્રસંગનો ખુશનુમા તડકો વરસાવી, દુનિયાનાં અનરાધાર અનિષ્ટો વચ્ચે પણ જીવન, આશા, હૃદયની સ્નેહાળતા કેમ ટકી રહેવા મથે છે એ જાણે કે બતાવ્યું છે. જુઓને, પલકવારમાં તે મદારી, ઝંડૂર, બદલી, રીંછ, ગધેડો, વાંદરો, આખી મંડળી વેરણછેરણ થઈ જવાની છે, પણ એ દુર્ભવિષ્ય સામે આંખ મીંચતી બદલી તો અત્યંત સુખથી ગાયે જ જાય છે : ‘બાદલીની છાંયે મારી આંખ તો મળી.’ જમાનાઓથી માનવીહૃદયમાં સંચિત થતું આવતું ધરતીનું તળપદું (racy) તત્ત્વજ્ઞાન આપણને મદારીની વાણીમાં મળે છે. એવી વાણી તો કાનોકાન સાંભળવી જોઈએ. હસવા વિષે મદારી સાચું જ કહે છે. માણસ જ એક એવું પ્રાણી છે જે હસી શકે છે. આવા અમૂલ્ય અધિકારનો લાભ માણસ ન ઉઠાવે તો દોષ કોનો? મદારી ‘બુઢ્ઢી હેડમ્બા’ (રીંછ)ને પોતાની બીબી કહી પોતાને ભોગે પણ કેવો હસે છે.]