સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
[‘જૂનું પિયેરઘર’ એ એક સૉનેટ છે. માનવી જીવનનો એક મહત્ત્વનો ભાવ, દંપતીભાવ, આ કાવ્યમાં બહુ જ મુલાયમ રીતે રજૂ કરવામાં આવ્યો છે. પત્નીને પતિની અનહદ ગતિ સાસરે રહેતાં ન દેખાઈ તેટલી પિયેરને ઘેર જવાથી એકાએક દેખાઈ. કેવી રીતે? પત્ની અનેક વરસે સાસરેથી પોતાને જૂને પિયેરઘેર જાય છે. જાય છે ને જુએ છે તો ઘરના રંગઢંગ ફરી ગયા છે. ક્યાં પોતાનું નાનપણનું ભર્યું ભર્યું કલ્લોલતું નાનાં નાનાં ભાઈભાંડુથી ગાજતું ઘર, ને ક્યાં આ સૂના ઓરડા ને ખાલીખમ મેડી? પણ મેડીઓ ને ઓરડા ફરી વળીને છેવટે થાક ખાવા ખાટ પર બેઠી ત્યાં સ્મરણોનાં પડ એક પછી એક ઊખળવા માંડ્યાં. પહેલી સાંભરી મા. (કેટલું સાચું છે!) પછી ભવ્ય છતાં ડર ઉપજાવે તેવા નહિ, પણ હસતા મોંને લીધે મીઠા લાગતા, પિતાજી સાંભર્યાં. ‘વારતા’ કહી કહીને નાનાં બાળકડાંને ખુશ કરતી કમ્મરથી વળી ગયેલી દાદીનું ચિત્ર, ત્યાં, નજર આગળ તરી રહ્યું. કેવુંક જાદુ થયું કે ઘરની સૂની મેડી ને સૂના ઓરડા એકદમ જીવતાં માણસોથી ઊભરાવા લાગ્યાં. જ્યાં ઘોર શાંતિ હતી ત્યાં જૂના અવાજો ગાજવા લાગ્યા. વિવિધ પ્રકારનાં વર્તનથી એકમેકને ખુશ કરતાં નાનાં ભાઈબહેન, અરે, લોહીના સંબંધનાં ભાઈ બહેન જ નહિ, પણ સરખી ભાવનાઓને લીધે જેમની સાથે સંબંધ થયેલો એવાં સોબતીઓ, બધાં આંખ આગળ રમવા લાગ્યાં. અને એ દૃશ્ય કેવું હતું? જાણે પરીઓનું દૃશ્ય. બે જણ દેખાય, ચાર જણ આ બારણેથી અંદર આવે, ચાર જણ પેલે બારણે બહાર નીકળી જાય. જાણે સંતાકૂકડીની રમત! અને બીજી નવાઈની વાત તો એ કે, હમણાં આ બહેનપણી ચાર વરસની દેખાતી હતી તે હમણાં જ પાછી સાતની દેખાઈ ને જોતજોતામાં એ સોળની પણ થઈ ગઈ, ને કાલ એનાં લગ્ન પણ લેવાયાં છે. એ બધું તો ઠીક, પણ સ્મરણોમાં તરતી આ બધી છબીઓ મનને ગમે એટલી ગમતી હોય છતાં એ સહુથીયે આગળ તરી આવતી આ નવી છબી કોની છે? પતિની જ એ મૂર્તિ! એ ક્યાંથી અહીં આવી? બાળપણના સાથીઓ, ભાઈબહેન અને બહેનપણીઓના ટોળામાં એ ક્યાંથી? એની તો ઓળખાણ પણ કેટલી મોડી થયેલી? પેલાં બાળકોના ટોળામાં એ પણ બાળક બનીને શેનો ભળી ગયો છે? એને એવડો બાળકરૂપે જોયો જ કોણે હતો? અને જુઓ તો ખરા! હમણાં ચાર વરસનો, હમણાં નવ વરસનો, હમણાં બાર વરસનો એમ બહુ બહુ રૂપે દેખાય છે! આ તે કેવી નવાઈ! આનું કારણ એને તરત સમજાઈ જાય છે. ચોરીથી - લગ્નપ્રસંગથી માંડીને આ ઘડી સુધીમાં પતિની મૂર્તિ હૃદયમાં એવી તો દૃઢપણે છપાઈ ગઈ છે કે કૌમાર - નાનપણમાં પણ બાલવેશ ધારણ કરીને તે સમયનાં બાળમિત્રોના ટોળાની વચ્ચે રમતી, ભળી જતી એ પણ દેખાય છે. આમ, પિયરઘરમાં હીંડોળાખાટે બેસીને જરી પૂંઠે નજર કરી આખી જિંદગીની યાત્રા પાછે પગલે કરતાં, પતિની ‘અનહદ ગતિ’ દેખાઈ. ૧૨ સહેજે – કુદરતી રીતે. આ શબ્દ જરી ધ્યાનમાં લેવા જેવો છે. સહ + જ (સાથે જન્મેલું) — સહજ એટલે કુદરતી. સરખાવો : અગ્રજ (મોટાભાઈ), અનુજ (નાનોભાઈ), પંકજ (કાદવમાં જન્મેલું, કમળ). આપણે ‘સહેજ’ શબ્દ ‘થોડું’ના અર્થમાં પણ વાપરીએ છીએ : ‘સહેજ કઢી આપો.’ આવા દાખલામાં ‘સહજ કઢી આપો’ એમ કહેવું બરોબર નથી. ]