સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્'
[કાવ્યનું મથાળું જ આખા કાવ્યને સમજાવી દેતું હોય એવાં આ બન્ને કાવ્યો છે. ‘ઘણ ઉઠાવ’માં છંદ અને ભાષાનો કવિએ એટલો તો સારો મેળ સાધ્યો છે કે ઘણના ફટકાના ઘણણણાટના જાણે આપણી ચારેપાસ પડઘા ગાજી રહે છે.
૩. થર - જડતાના. ચોથી પંક્તિમાં જીર્ણ (જૂના પુરાણા) યુગના જડત્વના થર તરીકે ઉલ્લેખ થયો છે. હૃદય-ચિત્ત કાર્ય—એ થર શેના પર ચડ્યા છે? તો મનુષ્યના હૃદય, ચિત્ત અને કાર્ય ઉપર-કિંકર્તવ્યમૂઢ બનેલાં માનવીઓની એ મૂઢતા તોડવા માટે ઘણના ફટકાની જરૂરિયાત સૂચવી છે. ૧૧ ધરાઉરદટાઈ -સમાસ તરીકે આખો શબ્દ લેવો. ધરાના અન્તરમાં - પૃથ્વીના પેટાળમાં દટાયેલી ‘મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી’. ૧૨ બહિર્ગત - બહાર નીકળતી. બારમી પંક્તિ સુધી તોડવા માટેનું ઉદ્બોધન છે, તેને માટે સમુદ્રનાં એક પછી એક ઊંચાં ઊંચાં ચઢી કિનારા સાથે જોરથી અફળાતાં મોજાં જેવો બે આરોહ અને એક અવરોહવાળો પૃથ્વી છંદ વાપરી જગતને નવા ઘાટ આપવાની પ્રેરણા માટે ધીરગતિથી વહેતા સ્ત્રગ્ધરામાં ખંડ પાડી તેની ધીરતામાં વેગ આણી કવિએ કાવ્યભાવને ઘણી સારી રીતે પુષ્ટ કર્યો છે. તેનો અભ્યાસ કરજો.
૨. ફૂટપાથનાં સુનાર– આપણાં શહેરની સમૃદ્ધિએ રચેલા માનવીજીવનનું એક અતિ કરુણ ચિત્ર. ફૂટપાથ - શહેરના સરિયામ રસ્તાની બંન્ને બાજુના રાહદારી માટેના પથ્થરના ‘પગ રસ્તા’. ’પથારી પથ્થરપોચી શબ્દો નોંધજો. ૫. ‘પથ્થર પંથશાયી - પથ્થરના માર્ગ પર સૂતેલા. પાંચમીથી આઠમી પંક્તિ સુધીમાં કેવો તીખો અને વેદનાભર્યો કટાક્ષ છે! ‘તાઢી સપાટી’ અને ‘સો મણની તળાઈ શી’માં કેવો વિરોધ સાધ્યો છે! આવું કરુણ જીવન છે તો બિચારાં એ જીવે છે કેમ? નવમી પંક્તિમાં કવિ એનો જવાબ આપે છે. એમને જીવવાની ભૂખ છે - જિંદગીભૂખ્યાં છે. અગિયારમી પંક્તિમાં ડબલાનું વર્ણન પણ કરુણ ભાવને કેવું પોષે છે! ૧૩. જાગૃતિ - કઈ જાગૃતિ સરી ગઈ છે? જીવનની અશાન્તિને જે જન્માવે તે, કાળજીપૂર્વક આ પંક્તિનો અભ્યાસ કરજો. ૧૫. આ બધો સમુદાય અહીં ક્યાંથી આવી ચઢ્યો? કારમા પરિસ્થિતિચક્ર – સંજોગને બલે. સોળમી પંક્તિમાં જે વેદનાભર્યું ચિત્ર છે તે નોંધજો. ૧૮. કપાળે હાથ કૂટીને - કેટલું બધું સાચું! આનું કારણ શું? ૧૯-૨૦ પંક્તિમાં કવિ એ કારણોની અટકળ કરે છે. ૨૧. સંપત્તિની જાણે બે પડવાળી ઘંટી હોય અને તેમાં માનવીઓને પીસી - તેમના સત્ત્વરૂપી લોટ લઈ જાણે આ ફોતરાં ન ફેંક્યાં હોય એવાં આ બાપડાં લાગે છે. ૨૮. જાગૃતિ પોતે જ ઊંઘે છે – એટલે કે એ બધાં એટલાં તો જીવનાઘાતથી મૂઢ થયાં છે કે અત્યારે તો ગાઢ મૂર્છામાં પડ્યાં છે એથી જાગૃત્તિ જેનો સ્વભાવ જ જાગવાનો છે તે પણ જાણે ઊંઘતી દીસે છે; અને એમની સારી સ્થિતિ થવાના યોગનું ચક્ર પણ આજે સૂતું દેખાય છે. ૩૧ થી ૩૪. રખેને એ બધાં જાગી જાય એ ડરથી તેમને સદાય ઊંઘતાં રાખવા શી શી યુક્તિઓ થાય છે અને તેને માટે કવિ કેવાં કેવાં દૃષ્ટાંત યોજે છે તે જોજો. કેટલીક વાર ધર્મ, રાષ્ટ્રપ્રેમ વગેરેને બહાને પણ ગરીબોને ચૂસવામાં આવે છે. આવા પ્રસંગો ઇતિહાસમાંથી શોધી કાઢજો. ૩૩ મી પંક્તિથી કવિતામાં આવતો પલટો ધ્યાનમાં રાખજો. ધીરે ધીરે એ પલટામાં કવિએ કેવો વેગ મૂક્યો છે તેનો અભ્યાસ કરજો. ‘પથ્થરે પાંખ આવશે’ ‘અકાલે ક્રાન્તિ લાવશે’ જેવી પંક્તિઓ હૃદયની સાચી ઊર્મિ કેવા વેગથી વ્યક્ત થઈ શકે છે તેના નમૂના જેવી છે. ૩૫. સંચિતા-ભેગી થયેલી, એવી સંપત્તિથી તો વિપત્તિનાં તોફાનો જ જાગે. ૩૬. એ મોટા મહેલો કેવા ભયંકર ભોગે ચણાયા છે! - અનેકને પાયમાલ કરી એ પહાડ જેવા ઊંચા બન્યા છે! ૩૮. એ સંપત્તિ પોતે જ પોતાના નાશનો નશો પી રહી છે. ૪૦, એ સંપત જ ક્રાન્તિની જનની છે, અને ૪૧-૪૨ એ ક્રાન્તિનું ચિત્ર! કેવું ત્રાસજનક છે! ‘હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે’ પંક્તિ વાંચતાં જાણે ત્રાસથી આપણી આંખ આપણને બીડી દેવાનું મન થઈ આવે છે — એ કારમું દૃશ્ય નથી સહેવાતું જાણે! ૪૫-૪૬. માં કવિએ એક મહાન સત્ય ગૂંથી લીધું છે. માણસે વિકાસનો ક્રમ સમજીને જ ચાલવું રહ્યું — એમ ન કરે તો સત્યાનાશ ઊભું જ છે! ૪૯. પિષ્ટ - પિસાયેલા. એમની પૂંજીનું વર્ણન પણ કેવું કરુણ છે! ‘પિષ્ટ પ્રાણની’ ‘રૂઠેલી જિન્દગીઓની’ અને ‘તપેલી ઉરઊર્મિની’ પૂંજીનું ચિત્ર કદી ભુલાશે ખરું?]