સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દેવકી અને કંસ
પ્રેમાનંદ
વિનવે દેવકી હો, વીરાને વલવલી;
માનને માગે હો, મુખે દશ આંગળી.
હૃદયા ફાટે હો, નયણે જળ ભરે;
સકુમાર કુંવરી હો, કાલું કાલું ઓચરે.
માનુષી દેહ ધરી હો, વિપત શી આવડી;
કોણ મુકાવે હો, નહીં પિતા માવડી.
ભાઈ તેં ઉછેરી હો, નમાઈ હું રાંકડી;
કેમ સહું રાતી હો વીરાજીની આંખડી.
મહિયેર મારું હો, તું મથુરાપતિ;
ઉગ્રસેન કાકા હો, આજ પાસે નથી.
કહાં ભોગવશો હો, પાપનો પોટલો;
શિર મારું દુખે હો, તાણો મા ચોટલો.
માળા મારી તૂટી હો, પડે કરમુદ્રડી;
દેખે અંગ લોકડા હો, ખસી મારી ચુંદડી.
જે પરણાવે હો, તે વધ કેમ કરે?
મીંઢળ નથી છૂટ્યાં હો, ના ગઈ સાસરે.
તંબોળ પરણ્યાનો હો, મૂક્યો નથી સાવલિયે;
મા મારો, છઉં કોડભરી હો, લાગું તારે પાવલિયે.
જેહેને ઉછેરીએ હો, તેને નવ મારીએ;
ઘણું વોળાવી હો, ઘેર પધારીએ.
ગગનવાણી હો, કો વેરણ મુજ તણી :
સાચું રખે માનો હો, જુઓ હું દુર્બળ ભણી.
એમ વલવલતી હો, રોતી ગજગામની;
દેવકી રોતાં હો, રઈ પ્રજા ગામની.
રોયાં વૃદ્ધ જોબન હો રુએ બાળક બાડુવાં;
રોયા હય હસ્તી હો, રોયાં નગર ઝાડુવાં.
રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ;
પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.
વલણ
દયા ન આવે કંસને, ક્રોધી મથુરાનાથ રે;
જેવે ધાઈ ઘાય મૂકે, વસુદેવે ઝાલ્યા હાથ રે.