સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ધણ રે બોલે ને –

૧. ઘણ રે બોલે ને-

ઝવેરચંદ મેઘાણી

ઘણ રે બોલે ને એરણ સાંભળે હોજી.
બંધુડો બોલે ને બેનડ સાંભળે હોજી.
એ જી સાંભળે વેદનાની વાત,
વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હોજી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપો ને મનવાર,
પાંચ સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહાર, હો એરણ બહેની
— ઘણ રે૦


પોકારે જમીનાં કણ કણ કારમાં હોજી,
પોકારે પાણીડાં પારાવારનાં હોજી,
જળથળ પોકારે થરથરી;
કબરોની જગ્યા રહી નવ જરી,
ભીંસોભીંસ ખાંભીઓ ખૂબ ભરી;

હાય તોય તોપો રહી નવ ચરી, હો એરણ બહેની
— ઘણ રે૦


ભઠ્ઠીઓ જલે રે બળતા પો’રની હોજી.
ધમણ્યો ધમે રે ધખતા પો’રની હોજી.
ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા,
ક્રોડ નર જીવંતા બફાણા,

તોય પૂરા રોટા નવ શેકાણા હો એરણ બેની
— ઘણ રે૦


હથોડા પડે રે આજ જેના હાથના હોજી,
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હોજી.
સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો :
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;

દેવે કોણ, દાતરડું કે તેગ? હો એરણ બહેની
— ઘણ રે૦


આજુથી નવેલાં ઘડતર માંડવાં હોજી,
ખડગ ખાંડાંને કણ કણ ખાંડવાં હોજી.
ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ!
ઝીણી રૂડી દાતરડીનાં રાજ,
આજ ખંડખંડોમાં મંડાય,

એણી પેરે આપણ તેડાં થાય, હો એરણ બહેની
— ઘણ રે૦


ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હોજી.
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હોજી.
ભાઈ મારા! ગાળીને તોપગોળા
ઘડો સુઈ મોચીના સંચ બો’ળાઃ
ઘડો રાંક રેંટુડાની આરો,

ઘડો દેવ-તંબૂરાના તારો, હો એરણ બહેની
— ઘણ રે૦


ભાંગો હો ભાંગો હો રથ રણજોધના હોજી.
પાવળડાં ઘડો હો છોરુડાંનાં દૂધનાં હોજી.
ભાઈ મારા લુવારી! ભડ રે’જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે,
ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,

ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં, હો એરણ બહેની
— ઘણ રે૦


‘યુગવંદના’માંથી