સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નામકરણ
ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે
હું મોસાળથી પિતૃગૃહે આવ્યો તે પહેલાં, જુદું પ્રકરણ માગી લે એવો મહત્ત્વનો બનાવ બની ગયો હતો. જગતમાં જે સંજ્ઞાવિશેષથી ઓળખાવાનું મારે માટે નિર્માણ થયું હતું, તે સંજ્ઞાવિશેષનું આરોપણ મારા પર મારા મોસાળવાસ દરમિયાન કરવામાં આવ્યું. અત્યાર સુધી મારું પોતાનું કોઈ નામ નહોતું. મને ફાવે તે નામે બોલાવવાનો સ્વચ્છંદ અધિકાર બધા ભોગવતા. કેટલાંક નામો, લોકગીતની પેઠે, સાર્વજનિક બની જાય છે, અને આખરે એ નામો બાળક શબ્દના પર્યાયરૂપ બને છે. જમાને અને જમાને એ નામો લોકરુચિ અનુસાર બદલાય છે. પહેલાંના વખતમાં કીકો એ નામ બહુ પ્રચલિત હતું. પછીથી બાબુ નામ પ્રચારમાં આવ્યું. એ નામની નવીનતા ઓછી થતાં બચુ નામ લોકપ્રિય થયું. હાલમાં બાબો ને બેબી તરફ લોકવૃત્તિ વળતી જણાય છે. બે છોકરા હોય તો એ નામો સાથે મોટો કીકો, નાનો કીકો; મોટો બાબુ, નાનો બાબુ; મોટો બચુ, નાનો બચુ; એ પ્રમાણે વિશેષણો વળગાડવામાં આવતાં અને કોઈક વાર વિશેષ્યનો લોપ થઈ માત્ર મોટો ને નાનો એ શબ્દો રહી જાય છે. અને મોટપણમાં પણ એ વિશેષણ પામનારાઓ મોટાભાઈ કે નાનાભાઈ એવા નામે ઓળખાય છે. સદ્ભાગ્યે જુદાં જુદાં સ્ત્રીપુરુષો મને જુદે જુદે નામે બોલાવતાં હોવાથી મને આવું કોઈ લાડનું નામ કાયમ માટે વળગી શક્યું નહિ. ફિલસૂફો ભલે નામને તુચ્છ વસ્તુ લેખે; તત્ત્વજ્ઞો ભલે નામરૂપને મિથ્યા મનાવે; પણ જગતમાં બધી કિંમત નામની જ છે. તત્ત્વજ્ઞો અને વૈજ્ઞાનિકો પણ વસ્તુમાત્રનાં પૃથક્કરણ અને વર્ગીકરણ કરીને છેવટે નામકરણ કરીને જ સંતોષ માને છે. અમુક નામ સાંભળી હૃદય પ્રેમરસથી દ્રવી જાય છે, અમુક નામ સાંભળી ક્રોધાવેશમાં સાક્ષાત્ જામદગ્ન્ય જેવા થઈ જવાય છે, એ આપણા સામાન્ય અનુભવની વાત છે. ઈશ્વરનું પણ નામસ્મરણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ નામનું માહાત્મ્ય ઘણું મોટું છે. નામ રહેતાં ઠક્કરાં નાણાં નવ રહંત : એવી લોકોક્તિમાં પ્રથમ દર્શને જણાય છે તે કરતાં ઘણો અર્થ રહેલો છે. દ્રવ્ય નાશ પામે છે. કીર્તિ નાશ પામતી નથી, એટલો જ એનો અર્થ નથી. માણસનું નાણું અર્થાત્ એની મિલકત (સ્ત્રીપુત્રાદિક સુધ્ધાં) રહેતી નથી; મનુષ્યનાં માબાપ, કાકાકાકી, માસામાશી, મામામામી, ભાઈબહેન, સ્ત્રીપુત્રો, સ્નેહીસંબંધી, પૈસોટકો, માલમિલકત ઇત્યાદિ અનેક વસ્તુઓ એનાથી વિમુખ બને છે; પરંતુ એનું નામ એનો કોઈ દિવસ ત્યાગ કરતું નથી. એનાં અંગોપાંગો, એની આકૃતિ, એની લંબાઈ પહોળાઈ, એની ઉંમર, એની તબિયત, એના રોગ, એનો સંભાવ ઇત્યાદિ સર્વ બદલાયા કરે છે. પરંતુ આ સર્વે ચંચળ વસ્તુમાં એક એનું નામ અચળ રહે છે. વસ્તુત : ક્ષણે ક્ષણે બદલાતા જતા આ જગતમાં એના વ્યક્તિત્વને એક ને અખંડ રૂપે જાળવનાર તે એનું નામ જ છે. ખરું પૂછો તો મનુષ્યને વ્યક્તિત્વ આપનાર જ નામ છે. વ્યાસ, કાલિદાસ, નેપોલિયન વગેરે કેટલાક દાખલામાં મનુષ્યોએ પોતાનું વ્યક્તિત્વ નામોને આપ્યું હોય છે, પરંતુ સામાન્ય રીતે તો મનુષ્યના નામ પરથી જ તેનું વ્યક્તિત્વ બંધાય છે. અમુક પ્રકારનાં નામવાળાં મનુષ્યો અમુક જાતનું કાર્ય કદી કરી શકતાં નથી. મહેન્દ્રલાલ નામનો ઘાટી, રામમોહનરાય નામનો મજૂર, જગા લલ્લુ નામનો ઘનપાઠી બ્રાહ્મણ કે તીભો નામનો કલેકટર આપણે કલ્પી શકતા પણ નથી. સૌદામિની નામની વાસણ માંજનારી, ચંદ્રરેખા નામની કોબો કરનારી, ઇચ્છી નામની લેખિકા કે ઝમકુ નામની પંડિતા થઈ શકે એમ માની શકાતું નથી. આવી અપૂર્વ મહત્ત્વની વસ્તુ જે નામ તેની પસંદગીના સંબંધમાં મનુષ્ય પોતે કાંઈ કરી શકતો નથી તે ખરેખર બહુ જ વિચિત્ર છે. માણસ પોતે પોતાનું નામ પાડી શકતો નથી એ સ્થિતિ લગભગ અસહ્ય હોવી જોઈએ. પરંતુ કોણ જાણે કેમ સર્વત્ર (અહીં તો શું, પશ્ચિમમાં પણ) મનુષ્યો એ અસહ્ય સ્થિતિને સહન કરી લે છે. પશ્ચિમના સુધરેલા દેશમાં સ્ત્રીપુરુષ પોતાની મેળે વરકન્યાની પસંદગી કરી લે છે. અહીં પણ હવે ધીરે ધીરે પુરુષો પોતાની પત્નીની પસંદગી કરવાનો હક પોતાને હોવો જોઈએ એમ કોઈક કોઈક વાર બોલે છે ખરા. પરંતુ પત્ની કરતાંયે જેની પ્રાપ્તિ પહેલી ને અંત મોડો થાય છે, તેમ જ પત્ની કરતાંયે જે વધારે નિકટનું થઈ પડે તે નામની પસંદગી કરવામાં પોતાને હક હોવો જોઈએ, એ વિષે કોઈ મનુષ્ય કંઈ પણ બોલતું નથી! જે જગતમાં નામની પસંદગી કરવા જેવી વસ્તુમાં પણ મનુષ્યના હક છીનવી લેવામાં આવે છે તેમાં સ્વરાજ્ય, સમાનતા, આત્મનિર્ણય ઇત્યાદિ હકોની વાત જ શી કરવી? કદાચ કોઈ એવો વાંધો કાઢે કે છેક નાનપણમાં નામ પાડવામાં આવતાં હોવાથી બાળક પોતાના નામની પસંદગી કરવાને શક્તિમાન થાય જ નહિ. પરંતુ એ વાંધો ખરો નથી. પત્નીની પસંદગી બાબતમાં પણ એવી જ દલીલ કરવામાં આવતી. અસલ નાનપણમાં છોકરાછોકરીનાં લગ્ન થતાં હોવાથી વર ને કન્યાની પસંદગી માબાપને જ કરવી પડતી. પરંતુ એનો સાચો ઉપાય બાળલગ્નને રદ કરવાં એ જ છે એમ બધાને લાગ્યું, અને આથી ઉચ્ચ જ્ઞાતિમાં બાળલગ્નનો રિવાજ નષ્ટપ્રાય થઈ ગયો. આ જ પ્રમાણે છેક બાલ્યકાળમાં નામ પાડવાનો રિવાજ હોવાથી બાળકો પોતાના નામની પસંદગી નથી કરી શક્તાં, એટલા માટે વડીલો તેના નામની પસંદગી કરે એવી દલીલ કરવા કરતાં, બાલ્યકાળમાં નામ પાડવા કરતાં બાળક મોટું થયા પછી જ પોતાની મેળે પોતાના નામની પસંદગી કરી લે એવો સુધારો સમાજમાં દાખલ કરાવવા કટિબદ્ધ થવું એ વધારે ન્યાયી છે. નાનપણમાં બાળકને પોતાના કુટુંબમાં એ જેટલામું હોય તેટલામી સંખ્યા સૂચક નામ આપવું. એ જો કુટુંબમાં બારમો હોય તો નાનપણમાં એ બારમા તરીકે ઓળખાય. પછી મોટો ને સમજણો થતાં તેની આગળ રામાયણ, મહાભારત, પુરાણ, દેશદેશના ઇતિહાસ કે બેચારેક કોશના ગ્રંથો મૂકવા ને તેમાંથી એને જે નામ ઇષ્ટ લાગે તે એ પસંદ કરી લે. આ વસ્તુ દેખાય છે એવી વિષમ કે હાસ્યાસ્પદ નથી. શરૂઆતના બધા જ સુધારા લોકોને વિષમ ને હાસ્યજનક લાગે છે. પરંતુ એક વાર એવા સુધારા દાખલ થઈ ગયા પછી એ ઘણા જ ડહાપણભર્યા, સુગમ ને સરલ લાગે છે. નામની પસંદગીમાં શાં ધોરણો હોવાં જોઈએ તે હજી બરાબર નક્કી થયું નથી. પરંતુ સામાન્ય રીતે નામ કાનને સારું લાગે એવું હોવું જોઈએ, બોલવામાં અઘરું ન પડે એવું હોવું જોઈએ, નવીનતાવાળું હોવું જોઈએ, છતાં છેક અટપટું કે અજાણ્યું લાગે એવું હોવું ન જોઈએ; તેમ જ અર્થભર્યું એ નામ ધારણ કરનાર વ્યક્તિ મહત્ત્વ પામશે એવી વ્યંજનાવાળું હોવું જોઈએ. મને એક સાંભળેલી કે વાંચેલી વાત યાદ આવે છે. એક માણસને છત્રી જોઈતી હતી. છત્રી વેચનારને ત્યાં જઈ એણે કહ્યું : ‘મારે એક સારી છત્રી જોઈએ છે.’ દુકાનદારે સારી છત્રીઓ કાઢી એને બતાવી. ‘એવી નહિ,’ એણે કહ્યું, ‘ચાંપવાળી. ચાંપ દાબીએ એટલે ઊઘડે ને ફરી દાબીએ એટલે બંધ થાય એવી છત્રી મારે તો જોઈએ છે.’ દુકાનદારે ચાંપવાળી છત્રી બતાવી. ‘છે તો બરાબર,’ ઘરાકે કહ્યું, ‘પણ મારે તો એવી છત્રી જોઈએ કે વરસાદની ઋતુ ન હોય ત્યારે પણ એ કામ લાગી શકે. એના ઉપરનું કપડું ને અંદરના તાર કાઢી શકાય ને એનો દાંડો સુંદર લાકડી તરીકે ચાલી શકે; સમજ્યા?’ ‘હા સમજ્યો. તમારે એવી છત્રી જોઈએ છે કે જે સારી હોય, જે ચાંપ દબાવવાથી ઊઘડે ને ફરી દબાવવાથી બંધ થઈ શકે, જેની ઉપરનું કપડું ને અંદરના તાર કાઢી શકાય ને જે ઉનાળા ને શિયાળામાં સુંદર વૉકિંગ-સ્ટીક તરીકે કામ લાગી શકે.’ ‘બરાબર. એવી છત્રી હોય તો મને બતાવો.’ ‘એવી છત્રી તો મારે ત્યાં નથી. અને હું ધારું છું કે બીજે કોઈ સ્થળેથી પણ તમને મળે એવો સંભવ નથી,’ દુકાનદારે જવાબ દીધો. નામની બાબતમાં પણ આવું જ બને છે. કાનને સારું લાગે એવું નામ હોય તો તે સહેલાઈથી ઉચ્ચારી શકાય એવું હોતું નથી; સુંદર અને સરળ એવું કદાચ નામ જડે તો તેમાં કાંઈ નવીનતા હોતી નથી. સૌંદર્ય, સરળતા ને નવીનતા એ ત્રણે ગુણોવાળું નામ જડે તો તે છેક અપરિચિત લાગે એવું હોય છે. કદાચ બધા ગુણો હોય તો એ નામ ધારણ કરનારી વ્યક્તિ મહાન થશે, એવી વ્યંજનાશક્તિ એ નામમાં હોતી નથી. વહુની પેઠે નામ પણ સર્વાંગસુંદર અને સર્વગુણસંપન્ન મળવું અશક્યવત્ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી વહુ ને નામ બંનેની પસંદગીમાં લોકો પહેલેથી જ પ્રયત્નશીલ રહે છે. મારાં ચીમુમાશી, છબુમાશી, મારાં નાની વેણીગવરી, મારાં દાદી શોભા, ડાહીકાકી વગેરેએ તો મારા જન્મ પહેલાં જ નામો નક્કી કરી મૂક્યાં. પરંતુ મારો જન્મ થયા પછી એ બધાં નામો નકામાં પડ્યાં. કેટલાંક નામો છોકરીનાં હોવાથી, કેટલાંક નામો જુદી રાશિનાં હોવાથી ને બાકીનાં નામો શોધનાર સિવાય બીજા સૌને નાપસંદ હોવાથી છોડી દેવાં પડ્યાં. મારી જન્મરાશિ વૃષભની હોવાથી બ, વ ને ઉ એ ત્રણ અક્ષરથી શરૂ થતાં નામોમાંથી જ મારા નામની પસંદગી કરવાની આવી. મારાં ફોઈ ચંદનગવરીએ વિજયાશંકર નામ સૂચવ્યું. ‘શું છોકરાને કુંવારો રાખવો છે?’ તરત જ ડાહીકાકી ગાજી ઊઠ્યાં. ‘કેમ?’ ચંદનફોઈએ પૂછ્યું. ‘કેમ શું? આ વડનગરા નાગર બ્રાહ્મણની નાત જો.’ ‘એમાં શું જોવાનું છે?’ ‘જરા સાંભળ તો ખરી! એ નાતમાં જેનાં નામ વિજયાશંકર પાડ્યાં હતાં તે તે બધા જ કુંવારા મરી ગયા છે! કોઈ વિજયાશંકર પરણ્યો મેં જોયો નથી!’ વલ્લભરામ નામની સૂચના મારા દાદા દલસુખરામે કરી. પણ અમારા મહોલ્લામાં રહેતો દરજી વલ્લભરામ લકવાનો ઘણાં વર્ષોથી ભોગ થઈ પડેલો હોવાથી એ નામને અમંગલસૂચક ગણી કાઢી નાખવામાં આવ્યું. ઉમેશ નામ મારા મામાએ સૂચવ્યું તે છેલબટાઉ જેવું લાગશે એમ મારાં નાની વેણીગવરીને લાગ્યું. ઉમેશનો અર્થ તો મહાદેવ થાય છે એમ જ્યારે એમને સમજાવવામાં આવ્યું, ત્યારે મહાદેવ માટેનો એમનો અભિપ્રાય ઊતરી ગયો. મારા પિતાએ પોતાના એક મિત્ર મારફત તેના એક બંગાળી મિત્રને નવાં ને સરસ નામો પુછાવ્યાં હતાં. એ બંગાળી ગૃહસ્થે લગભગ સિત્તેરેક નામો પસંદ કરીને મોકલ્યાં. મારા પિતાના ઘરમાં દરરોજ રાતના આઠથી બાર સુધી એ નામોની ચર્ચા ચાલવા માંડી. મારાં મામીએ એક શાસ્ત્રી પાસે થોડાંક સારાં નામોની માગણી કરી હતી. શાસ્ત્રીએ લગભગ પચાસ નામો શોધી આપ્યાં હતાં. મારે મોસાળ એ નામો પર આખો દિવસ ને અડધી રાત ચર્ચા ચાલવા માંડી. અંતે મારા પિતાને ત્યાં એવો સર્વાનુમતે નિર્ણય થયો કે કોઈ મોટા દેશભક્તનું નામ પાડવું. મારે મોસાળ કોઈ મોટા દેવનું નામ પાડવું એવો ઠરાવ લગભગ સર્વાનુમતે થયો. તે અરસામાં લાલ, બાલ ને પાલની ત્રિપુટી હિન્દુસ્તાનનું હૃદય ડોલાવી રહી હતી. લાલનું નામ જુદી જ રાશિનું હોવાથી ને બાલ એ નામ તોછડું લાગવાથી પિતાને ત્યાંથી બિપિનચન્દ્ર એ નામ પસંદ કરવામાં આવ્યું. મારે મોસાળ શાસ્ત્રીએ આપેલાં નામોમાંથી વંશીધર એ નામમાં ફેરફાર કરી બંસીલાલ નામ પાડવાનું નક્કી થયું. આખરે શુભ દિવસે શુભ મુહૂર્ત જોઈને મારા નામકરણનો વિધિ થયો. સગાંવહાલાં ભેગાં થયાં, એક કકડાની ઝોળી બનાવી મને એમાં સારી પેઠે હલાવવામાં આવ્યો ને પિતૃપક્ષનાં સગાંઓએ ગાયું : ‘ઝોળી, પોળી, પીપળ પાન, ફોઈએ પાડ્યાં બિપિનચન્દ્ર નામ.’ એ જ વિધિ પ્રમાણે મોસાળપક્ષનાં સગાંઓએ ઝોળા પોળી કરીને મારું નામ બંસીલાલ પાડ્યું. અને આ બધા કોલાહલ, કકળાણ, તોફાન ને ઘોંઘાટથી કંટાળેલા નવીન નામ પામેલા બંસીલાલ ઉર્ફે બિપિનચન્દ્ર રડ્યા.
સ્વાધ્યાય