ફરી જોબનિયું આપે, હરિ તું ફરી જોબનિયું આપે;
હિંદદેશને થાપે, હરિ તું નિજ કરીને થાપે.
ટેક
ભર જોબનમાં બન્યો વૃદ્ધ તે, તારે યોગ્ય શરાપે.
હરિ૦
તન મન ધન તે ગુમાવી બેઠો, મદ આળસને પાપે.
હરિ૦
વીલે મોઢે તે રઝળે ટટળે, રિબાયે ત્રણ તાપે.
હરિ૦
ભણ્યો શુર તે આજ જણાયે વ્હેમી કાયર છાપે.
હરિ૦
પુત્રપુત્રી યશ અલાપ કરતો, તે રોયે છ વિલાપે.
હરિ૦
શિક્ષા ઘટતી થઈને લાગી, તું વણ કો દુઃખ કાપે?
હરિ૦
પસ્તાતા ડાહ્યા પર કરવી કૃપા હવે માબાપે.
હરિ૦
ડૂબ્યું નામ તે ઝટ તરી આવે, કીર્તિ જગે ફરી વ્યાપે.
હરિ૦
હિંદદેશ માનીતો તારો, પ્રથમ થકી જ અમાપે.
હરિ૦
ભણી ભણી શૂર થઈ તે લે જશ, નર્મદ બ્રહ્મપ્રતાપે.
હરિ૦