સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ફૂટપાથના સૂનાર
ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’
સૂતાં છે સોડમાં લેઈ પૂંજીઓ પોટલી તણી,
ફાટેલાં ચીંથરાંની કે સૂકેલી રોટલી તણી,
વિશાળા રાજરસ્તાના વિશાળા ફૂટપાથની
પથારી પથ્થરપોચી કરી પોઢ્યાં પ્રશાન્ત સૌ.
પોઢાડવા પથ્થર-પંથ-શાયીને હોટેલમાં ગાયન છે થૈ રહ્યાં,
પિશાબખાનાં તણી વાસવંતો વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો,
ને મીટરોના થડકાટ બાજે લક્ષ્મીપરીના ઘૂઘરા સમાણા,
તાઢી સપાટી ફૂટપાથ કેરી આમંત્રતી સો મણની તળાઈ શી!
સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં,
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં.
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં,
ઊંઘમાં અંગ આકારો ધરે બેડોળ એમનાં.
પ્રશાન્ત છે. જીવનની અશાંતિને જન્માવનારી સરી છે જ જાગૃતિ.
પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં અનાદિથી જાગૃતિહીન શાંત છે.
પરિસ્થિતિચક્ર ચલંત કારમું ખેંચી અહીં આ સમુદાય લાવ્યું,
જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું ગયું હશે શું નહિ શું જ એમનું?
ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ,
કપાળે હાથ કૂટીને અહીં સૂતાં થયાં જ એ.
આત્મઅજ્ઞાનનો દોષ. સકંજો કે સમાજનો,
શાહુકાર તણી સૂડી, રાજ્યની કે ખફાદિલી :
એ કૂટ કૈં કારણમાળ ઊઠતી, સંપત્તિના સંગ્રહચક્ર કેરી,
ભીંસીપીસી માનવમાળખાં એ, લૈ લોટ, આ ફેંકી દીધાં જ ફોતરાં.
વિમૂઢ એ અંતરચિત્ત બાપડાં સંજોગ વંટોળ વિષે ફસાયેલાં,
ઊંડે પડે ચક્કરતાં, ઘવાતાં, પૃથ્વી પરે સૌ પછડાય પામરાં!
કોણને પ્રાર્થવું, કોને દોષવું ચાચવું વળી,
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી,
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં,
જાગૃતિ ઊંઘતી જાતે, ચક્ર સંયોગનું સૂતું.
એ જાગતા અંતરને ઊંઘાડવા યોજાય છે યુક્તિ પરંપરાઓ —
આચારની, ભક્તિની, રાષ્ટભાવની મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી.
ઊંઘાડવાની પણ ઔષધિ કદી જગાડવાની જ બની પડે કદી,
જંજીરને જે ઘડતી હથોડી ઘડી દિયે છે સમશેર કોક દી.
જાગશે ભૂમિ પોઢ્યાં આ, પથ્થરે પાંખ આવશે,
કાલે તો ભીખશે જોકે, અકાલે ક્રાન્તિ લાવશે.
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના
એહના ગિરિ શા હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.
દિનેદિને એ દૃઢતી દરિદ્રતા સંપત્તિને અર્પત ખાદ્ય મોંઘું.
ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી સંપત્તિ પીતી નિજ નાશનો નશો.
દારિદ્રયનો એ દવ દીન કેરાં હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત,
હર્મ્યે થતી સંચિત સંપતો એ, સંચે અરે સત્ત્વ જ ક્રાન્તિ કેરાં!
દારિદ્રયારણ્યથી રે હા દાવાનળ ભભૂકશે,
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે;
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે,
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે.
વિકાસનો જે ક્રમ તે પિછાન્યા વિના કદી માનવ અંધ ચાલશે,
વિકાસના ગર્ભ વિષે ભરાયલો સંહાર ત્યાં સર્જન અર્થ આવશે!
એ ભાવિની મંગલનાદ ઘંટા ગુંજારતી કર્ણ વિષે મધુરવું,
પ્રચ્છન્ન એના અધૂરા નિનાદના અભાન આશ્વાસનમાં સૂતાં આ.
સૂતાં છે સોડમાં લેઈ પૂંજીઓ પિષ્ટ પ્રાણની,
રૂઠેલી જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની,
વિશાળી સંપતે સર્જ્યાં વિશાળાં દુઃખધામની
પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે!
સ્વાધ્યાય