સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મણિશંકર ભટ્ટ-‘કાન્ત’
[સ્વ૰ કાન્તના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું ‘ઉપહાર’ એ અર્પણ કાવ્ય છે. એમાં ‘સખે’ તરીકેનું સંબોધન શ્રી બળવન્તરાય ઠાકોરને છે. શ્રી. બળવન્તરાયે આ કાવ્યના જવાબમાં ‘ભણકાર’ ધારા બીજીમાં એક કાવ્ય લખ્યું છે. તે પણ આ સાથે જોવું. ‘ઉપહાર’ની રચના સૉનેટના પ્રકારની છે. પ્રથમ દૃષ્ટિએ કાવ્ય કુદરતના એક મનોહર વર્ણન જેવું લાગે છે. એ દૃષ્ટિએ એની પહેલી આઠ પંક્તિ તપાસો. કવિ કહે છે : સૌમ્ય વયનાં સવારો, એટલે કે તાપથી પ્રખર બનેલાં નહિ પણ શાન્ત સુન્દર સવારો, જે શૈલશિખરે– પર્વતોને શિખરે વિકસી રહેલાં, તેને જોતો જોતો હે પ્રિયતમ સખે, તારી સાથે હું ફર્યો, અને આપણે ત્યારે શું શું અનુભવ્યું? કુંજ કુંજમાં મોર ટહુકતા હતા અને તેના પડઘા ગગનમાં લહેરાતા હતા તે આપણે સાંભળ્યું. નદી પણ કેવી સરસ રીતે વહી જતી હતી! તેની આછી આછી લહરીઓ જાણે કે નદી સ્વપ્નમાં સ્મિત કરી રહી ન હોય અને તે સ્મિત જ તરંગરૂપે ન દેખાતાં હોય એવી લાગતી હતી તે આપણે જોઈ. એ જોતાં આપણને કેવો આનંદ થયો, કેવા ભક્તિભાવથી આપણાં અંતર તર થયાં! એ ભાવથી પ્રેરાઈ આપણે નદીને જાણે કે ફૂલોનો અર્ધ્ય આપી ‘વિમલ કુસુમોનો ગણ તેના અંતર પર વેર્યો, અને કોઈ રસિક રમણી જેવી એ નદીના અન્તર ઉપર વહી જતાં એ ફૂલોની શોભાથી કિનારા ઉપરનાં ઝાડો પણ કેવી મુગ્ધ ઉત્સુક્તા અનુભવી રહ્યાં! અષ્ટકમાં ગૂંથાયેલું આ સુન્દર વર્ણન નવમી પંક્તિ ઉપર આવતાં ભાવમાં વળાંક ખાય છે. એ વળાંક આ સુન્દર કુદરતની, કવિ અને તેમના સખાના મન પર થયેલી અસરના વર્ણનનો છે. શી અસર થઈ કવિના મન પર? જુદી જુદી જગાએ એ સુન્દર કુદરતને અવલોકતા તે ઊભા રહ્યા, તેના અખૂટ સૌન્દર્યનું પાન કરતાં કરતાં મુખમાંથી સહેજે ‘અહો! કેવું સુન્દર!’ ‘અદ્ભુત!’ ‘અનુપમ!’ એવા જાતજાતના ઉદ્ગારો નીકળી ગયા. એ બધામાંથી ઘણા તો હવામાં ઊડી ગયા, પણ કેટલાક કોઈ કોઈ ગહન ખીણોમાં હજુય પડઘા પાડતા સચવાઈ રહ્યા છે. તે બધા વીણી વીણી ‘ભાંગ્યા તૂટ્યા આજે ફરીથી મારી વીણામાં બને તેટલી છટાથી ગજાવું છું, અને તને સંભળાવતો તારે ચરણે ધરું છું. એ સાંભળતાં હે પ્રિયતમ સખે, તને જો આપણાં એ મંગલ પરોઢે યાદ આવે અને તને ગમે તો તેની મીઠી સ્મૃતિમાં એનો આજે સ્વીકાર કરજે!’ ...ભૂતકાળની મીઠી હૃદયંગમ સ્મૃતિનું કેવું નાજુક રેખાંકન! પણ આ કાવ્યમાં કુદરતના વર્ણન ઉપરાંત કોઈ વિશેષ અર્થ રહેલો છે ખરો? કવિ એ જૂના ઉદ્ગારો ગહન ખીણોમાંથી પાછા વીણવાની વાત કરે છે એ શું? આ પ્રશ્ન ઉપર વિચાર કરતાં તરત જ કળાશે કે કવિ આ વર્ણનમાં જે કંઈ દેખાય છે તેના કરતાં ઘણું વધારે કહે છે. ‘ઉદ્ગારો’ એટલે કાવ્યો. સવારે એટલે જીવનનું સવાર. શૈલશિખરો એટલે મહત્ત્વાકાંક્ષા, ઉચ્ચ અભિલાષા, ભાવના, આદિનાં શિખરો. મયૂરો એટલે વિશ્વસાહિત્યના મહાન કવિ, તત્ત્વચિન્તકો આદિ – આમ આખા કાવ્યને એક રૂપક તરીકે લેતાં સરસ વ્યંગ્યાર્થ એમાંથી નિષ્પન્ન થશે - જે એ કવિતાને આપણી એક ઉત્તમ કવિતાને પદે સ્થાપે છે. બીજું કાવ્ય આપણા સાહિત્યમાં વર્ણસગાઈના એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે જાણીતું છે. ચંદ્રનો સાગર પર ઉદય થતો જોતાં કવિના મનમાં જે અનેક ભાવનાં પ્રતિબિમ્બ પડે છે તે કવિએ ‘લલિત કોમલ કાન્ત પદાવલિ’માં ઉતાર્યાં છે. પંક્તિ પંક્તિએ કવિએ એમાં ચિત્રો સર્જ્યાં છે. દા. ત. ‘જલધિજલદલ’ સમાસ યોજી સાગર કોઈ એક વિરાટ કમળ ન હોય એવો આપણને કવિ ભાસ કરાવે છે.]