સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મારા નાનપણના સાથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મારા નાનપણના સાથી

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

મુંબઈ યુનિવર્સિટીની એમ. એ. ની ‘ભાષા અને સાહિત્ય’ની પરીક્ષામાં એક અંગ્રેજી નિબન્ધ લખવાનો હોય છે. ઘણા જૂના — યુનિવર્સિટીના લગભગ આરંભના – કાળમાં વિદ્યાર્થીઓ પાસે નિબન્ધને ઠેકાણે એક અંગ્રેજી કવિતા રચાવવાનો રિવાજ હતો. આમ પરીક્ષા માટે કવિતા રચાવવાથી કાંઈ કવિઓ ઉત્પન્ન કરી શકાતા નથી, પણ પદ્યરચનાના મહાવરાથી કાન કેળવાઈ કાવ્યનો આનંદ લેવાનું એક મુખ્ય સાધન પ્રાપ્ત થતું હશે એમ તો લાગે જ છે. જતે દહાડે કવિતાને ઠેકાણે ગદ્ય નિબન્ધ દાખલ થયો. હાલ આ નિબન્ધ, પરીક્ષા માટે નીમેલાં પુસ્તોકોમાંના, અગર તેને લગતા, કોઈક વિષય ઉપર લખાવવામાં આવે છે : પણ અમારા વખતમાં એમ મનાતું કે - પરીક્ષક ગમે તે વિષય ઉપર નિબંધ લખાવી શકે : દાખલા તરીકે, સાહિત્યના વિદ્યાર્થીને ‘સાઈકલોન’ વિષે નિબન્ધ લખવાનું પણ કહે! અંગ્રેજી ભાષાના કાબૂ ઉપરાંત નિબન્ધની વસ્તુમાં સત્ત્વ પણ આવવું જોઈએ તે માટે અમારા પ્રોફેસરે અમને જુદાં જુદાં શાસ્ત્રોની માર્ગોપદેશિકા (‘Science Primers,) વાંચવાની ભલામણ કરી હતી. આથી કાંઈ અમે તે તે શાસ્ત્રોમાં નિષ્ણાત થઈ જતા એમ નહિ; પણ જુદાં જુદાં શાસ્ત્રો પ્રત્યે અમને રુચિ ઉત્પન્ન થતી, તથા સર્વ શાસ્ત્રનું થોડું થોડું જ્ઞાન એકઠું થઈ અમારી કેળવણી વધારે સંસ્કારી બનતી. પણ અમારા પ્રોફેસરે આ ઉપરાંત અમને એક બીજી કીમતી સલાહ આપી હતી તે એ કે, અંગ્રેજી પહેલી ચોપડીથી માંડી બી. એ. સુધીના અભ્યાસક્રમમાં જે જે ચોપડીઓ અમારે આવી હોય તે ક્રમવાર ફરી વાંચી જવી. આ જાતનું પુનરાવર્તન કેટલું લાભકારી છે એ કહેવાની જરૂર નથી. એ સલાહ મારા હૃદયમાં એવી ઊતરી ગઈ કે ત્યાર પછી ઘણી વાર મારાં નાનપણમાં સ્કૂલ અને કૉલેજમાં વાંચેલાં પુસ્તકો હું ફરી વાંચું છું, અને કેટલાંકની તો જૂની એ ની એ નકલ હજુ મારી પાસે હોવાથી તે વાંચતાં ‘अहो जानामि तस्मिन्नेव स्थाने तस्मिन्नेव काले वर्ते ‘ - એવો આહ્લાદભર્યો અનુભવ અનુભવું છું. ખરેખર! જાણે એ જ સ્થાન અને એ જ કાળ! છતાં પણ કેટલો બધો ભેદ! પૂર્વે સરળ હૃદય જ્યાં માત્ર કાવ્યના સંસ્કાર જ ઝીલતું. ત્યાં અત્યારે વિચારપરાયણ બુદ્ધિ એ સંસ્કારને દુનિયાના અનુભવ અને પુસ્તકના જ્ઞાન સાથે મેળવે છે, ભેળવે છે. એમાંથી સાર ખેંચે છે, કેટલીક વાર બગાડી નીરસ પણ કરી નાંખે છે. હમણાં જ મેં ગોલ્ડસ્મિથનાં ‘ડિઝર્ટેડ વિલેજ’ અને ‘વિકાર ઑફ વેઈકફીલ્ડ’ ફરી વાંચ્યાં. એ કવિનાં પુસ્તકો અમારા છેક બાળપણનાં સાથી હતાં. (‘ડિઝર્ટેડ વિલેજ’ ચોથા ધેારણમાં, ‘વિકાર’ છઠ્ઠામાં અને ‘ગુડનેચર્ડ મૅન અને ‘શી સ્ટૂપ્સ ટુ કૉન્કર’ પ્રિવિયસમાં અમારા વાંચવામાં આવ્યાં હતાં.), એ કારણ હો અથવા તો એ કવિમાં જે મોહક નિર્દોષતા અને સરળતા છે એ કારણ હો, ગમે તેમ હો, પણ એના સમાગમમાં ઘડીક બેસીએ છીએ ત્યાં એમ જ થાય છે કે જેમને મિલ્ટન, વર્ડ્ઝવર્થ અને બ્રાઉનિંગ જોઈતા હોય તે ભલે લો, અમને તો અમારો બાળકવિ ગોલ્ડસ્મિથ જ આપો! આ વાંચી કેટલાકને એમ થશે કે — એક સાર્વજનિક ગુજરાતી માસિકમાં, આ આત્મવૃત્તાન્તનું, અંગ્રેજી કવિની કૃતિના અવલોકનનું શું પ્રયોજન? હું અત્રે આત્મવૃત્તાન્ત લખવા નથી બેઠો, અને ગોલ્ડસ્મિથના ગ્રંથો ઉપર વિવેચન ચલાવવા પણ નથી માગતો-જો-કે મને એમ તો લાગે છે કે આપણા વિદ્વાનો, દી. બ. અંબાલાલભાઈથી માંડી તાજામાં તાજા ગ્રૅજ્યુએટ પર્યંત, પોતપોતાના સમયની કેળવણીનું વર્ણન આપે તો એમાંથી આપણાં છેલ્લાં સાઠ વર્ષની કેળવણીનો બહુ રસિક અને બોધકારક ઇતિહાસ ઊભો થાય; તેમ જ અંગ્રેજી કવિઓ વિષે કોઈ કોઈવાર ગુજરાતી માસિકોમાં અવલોકન આવે તો તે પણ નિરર્થક નથી; કારણ કે એથી જે વર્ગને અંગ્રેજીનો લાભ મળેલો નથી, તેને એ ભાષાના કવિઓના વિચારો સાથે પરિચય થાય અને તેઓની સાહિત્યવિષયક દૃષ્ટિમર્યાદા વિસ્તરે, તથા જેઓ અંગ્રેજી જાણે છે તેમને પણ માતૃભાષામાં એ સંબંધી પોતાના વિચારોનો પરસ્પર વિનિમય કરવાથી એ વિચારો પરાયા મટી પોતાના થઈ જાય. પરંતુ અત્યારે આ બેમાંથી એકે હેતુથી મેં આ નોંધ લખવા માંડી નથી. મારો ઉદ્દેશ માત્ર ગોલ્ડસ્મિથની પૂર્વોક્ત કૃતિઓ આજ વાંચતાં, આપણા દેશની વર્તમાન જરૂરિયાતો વિષે જે વિચારો સૂઝ્યા છે તે જ ટૂંકામાં નોંધવાનો છે. ‘ડિઝર્ટેડ વિલેજ’માં એક સુખી ગામડું કેવું હોય, અને તેની વસ્તી જતી રહેતાં એ કેવું થાય, તેનું બહુ અસરકારક વર્ણન છે. કવિ એના વહાલા ગામને સંબોધી એના સુખના દિવસો સંભારે છે, અને અત્યારે એ ઊજડ થઈ ગયું છે તે માટે શોક કરે છે. ગામડાંના મેળાવડાઓ, જેમાં આખો દિવસ કામ કરી પરવારીને ગામડાંનાં તરુણ અને વૃદ્ધ સ્ત્રીપુરુષો એકઠાં મળે છે, જેમાં બહાદુર જુવાનિયાઓ અંગકસરતની રમતો રમે છે, અને વાતોડિયા ઘરડાઓ પાસે બેસીને વાહવાહ કહી ઉત્તેજન આપે છે, એનું મનોહર વર્ણન કરે છે; અને તે પછી ગામના પાદરી અને મહેતાજીનાં બહુ મજાનાં ચિત્રો દોરે છે. આ વાંચી પ્રશ્ન થયા વિના રહેતો નથી કે - હિંદુસ્તાનની અત્યારે ખરામાં ખરી અને મોટામાં મોટી જરૂર તે એનાં ગામડાંની સ્થિતિમાં સુધારો કરવો એ જ નથી? હિંદુસ્તાનની વસ્તીનો ઘણો મોટો ભાગ ગામડાંમાં જ વસે છે. અને તેથી આ દેશનું ખરું કલ્યાણ ગામડાંની સ્થિતિ સુધારવા ઉપર આધાર રાખે છે. ગામડાંનાં ખેડૂત અને મજૂર વર્ગનાં માણસો પાસેના મોટા શહેરનાં કારખાનાંમાં મજૂરી કરવા જાય અને એને પરિણામે ગામડાંની ખેતી પડી ભાંગે એથી એકંદરે લાભ નથી. કારખાનાનો નફો શહેરના ધનિક વર્ગમાં જ વહેંચાય છે, અને મજૂર ગામડિયાને એમાંથી મજૂરીના ચાર પૈસા ગામડા કરતાં વધારે મળે છે, પરંતુ એને બદલે શહેરનાં દુર્વ્યસનો વળગી તનથી અને ધનથી એ મજૂરવર્ગ વધારે ખરાબ થાય છે. ગામડાં ભાંગી વસ્તી શહેર તરફ વળે એ વધતા સુધારાનું સ્વાભાવિક ચિહ્ન છે, અને તે અનિવાર્ય છે એટલું જ નહિ પણ ઇષ્ટ છે, એમ મિ. જસ્ટિસ રાનડેના એક લેખને અનુસરી ઘણા માને છે. એ લેખ બહુ વર્ષો ઉપર, હું ધારું છું કે, લોકમાં હુન્નરકારીગરીનાં નવાં કારખાનાંઓ કાઢવાનો ઉત્સાહ પ્રેરવાના ખાસ ઉદ્દેશથી જ લખાયેલો હતો. અને જો ખેતીને પણ જમીન ઉપર હળ વતી દશવીસ લીટા ખેંચી એ ઉપર દાણા વેરી આકાશ સામું જોઈને બેસી રહેવા કરતાં વધારે બુદ્ધિ અને પુરુષાર્થવાળો હુન્નર બનાવવામાં આવે તો, હું ધારું છું કે, આજ મિ. જસ્ટિસ રાનડે એ પ્રવૃત્તિને બહુ ઉમંગથી વધાવી લે એટલું જ નહિ, પણ એ તરફ લોકનો ઉત્સાહ પ્રેરે. ૧. ખેતીને બુદ્ધિ અને પુરુષાર્થવાળો હુન્નર શી રીતે બનાવવો? આ પ્રશ્નનો ઉત્તર ટૂંકામાં ટૂંકા શબ્દોમાં આપું, તો ગયા ઑક્ટોબર માસના ‘રિવ્યુ ઑફ રિવ્યુઝ’ના ‘Give us this day our daily bread’ (હે અન્નદાતા, આજ અમને અમારો રોજનો કોળિયો દે!) એ મથાળાના એક સમર્થ લેખમાંની નીચેની પંક્તિઓ ઉતારું : ‘ખેતીવાડી વિભાગનાં ચાર ખાતાં હોય. પહેલું તે કારોબાર, મંડળીઓ, ખેતરોની વાડીઓની પુનર્વ્યવસ્થા અને સંમેલનોનું કામ કરે. બીજું ખેતીની પેદાશ સુધારવી, નુકસાનકારક જીવજંતુનો નાશ કરો, ખેડાઉ જમીનમાં વધારો કરવો અને ઉદ્યોગો સુધારવાનું કામ સંભાળે. ત્રીજું તે ઢોરઉછેરમાં સુધારો, આખલાઓની પસંદગી અને તપાસ, ઢોરોના રોગો અને લુહારી કામને લગતી બાબતો, એ સંભાળે. ચોથું ખાતું ઘોડાઓના ઉછેર અને સુધારાને લગતી તથા તબેલાઓને અંગેની બાબતો સાચવે. જે દેશોમાં ખેતીવાડી ઉપર ગંભીરપણે ધ્યાન આપવામાં આવે છે ત્યાં ખેતીવાડીના મંત્રી (પ્રધાન)નું ખાતું તે સૌથી વધારે કુશળતાથી યોજાયું હોય છે.’ ઉપરની સૂચનાઓ ઇંગ્લંડની ખેતી સુધારવા માટે ઘડાયેલી છે, પણ એમાંની છેલ્લી સૂચનાઓ ઘોડાને બદલે બળદ મૂકી લઈએ તો જાણે હિંદુસ્તાનની જરૂરિયાતને માટે જ એ ઘડવામાં આવી હોય એમ લાગે. એ સૂચનાઓ આપણી લોકોક્તિના ‘ખેડ, ખાતર અને પાણી અને તે માટે જોઈતી નાણાંની સગવડ – એટલા શબ્દોમાં સાદે રૂપ સમાવી શકાય. અને તે આપણા ખેડૂતોને, તથા એમનું કલ્યાણ કરવાનું જેમના હાથમાં છે તેમને, સારી રીતે જાણીતી છે, પણ એને ક્રિયામાં મૂકવા માટે આપણા પ્રાન્તમાં સર્વતોમુખ અને સર્વાંશી યત્ન થતો જણાતો નથી. મારા સાંભળ્યા પ્રમાણે દખ્ખણના જેવું ગુજરાતનું પણ એક ‘એગ્રિકલ્ચરલ ઍસોસિયેશન’ યાને ખેતીનો ઉત્કર્ષ કરવા ઈચ્છતું મંડળ છે. પણ દિલગીરીની વાત એટલી જ છે કે દખ્ખણનું મંડળ બહુ ઉત્સાહથી, અને પૂનાની ખેતીવાડીની કૉલેજનો અને ખાસ કરીને એના ઉત્સાહી પ્રિન્સિપાલ ડૉ. મેનનો પૂર્ણ લાભ લઈને કામ કરે છે, ત્યારે આપણું ગુજરાતનું મંડળ અસ્તિત્વમાં છે કે નહિ એ પણ કોઈ ભાગ્યે જ જાણે છે. આવાં મંડળનું શું કામ હોવું જોઈએ તે એ લેખમાં નીચે પ્રમાણે બતાવ્યું છે :

૧. સભાઓ, સંમેલનો, પ્રદર્શનો, ખેતીવાડીની વેચવાલાયક વસ્તુઓનું સંગ્રહાલય અને હાથઉદ્યોગોની પરિષદો.
૨. અહેવાલો, ભાષણો, અને પૃથક્કરણો રૂપ સારોદ્ધાર.
૩. બિયાં, ખાતર, ખેતીવાડીનાં યંત્ર અને સાંઢિયાની અદલા-બદલી અને વહેંચણી.
૪. ગેરુ, તીડ, ઇત્યાદિ આપત્તિઓ સામેનાં પગલાં.
૫. નહેરો, પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને તેને અંગે જમીનોની ઘટતી ગોઠવણ
૬. પ્રોત્સાહન અને તૈયારીનું કામ.
૭. ખેતીવાડીની અને ઉદ્યોગોની નીપજ.
૮. ખેતીવાડીવિષયક આંકડાઓ.
૯. અમલદારો તરફના પ્રશ્નોનો પ્રત્યુત્તર.
૧૦. સુધારા અને વિકાસનો પ્રશ્ન.

૨. ખેતીનો સુધારો માત્ર બાહ્ય સાધનો ઉપર જ આધાર રાખતો નથી. ગોલ્ડસ્મિથ એના પૂર્વોક્ત કાવ્યમાં સુખી ગામડાની સ્થિતિ - ‘Where health and plenty cheered the labouring swain.’ — એ શબ્દોવડે બહુ સારી રીતે દર્શાવે છે: પહેલી તંદુરસ્તી (health) અને પછી સમૃદ્ધિ (plenty) એમ ક્રમશ: અને જ્યાં મહેનતુપણું (labour) છે ત્યાં જ એ બે આવે એ પણ ખરું છે. પરંતુ આપણા ખેડૂતોને જોકે અંગતોડ મહેનત કરવાની તો ટેવ છે, તોપણ દારિદ્ર અને અજ્ઞાનને લીધે તંદુરસ્તીના બીજા નિયમો પાળવાની તેઓમાં શક્તિ નથી અને આવડ પણ નથી. આ કારણથી આપણાં ગામડાંમાં હવા અને પાણીની સ્વચ્છતા રખાવવાના યત્નો હજી જોઈએ તેવા સફળ થયા નથી. છતાં સરકારના યત્નોને ગામના લોક તરફથી મદદ મળે અને કેળવાયેલા લોકો આ વિષયમાં અજ્ઞાન લોકને વ્યહવારુ ઉપદેશ કરે તો કેટલુંક કાર્ય સિદ્ધ થાય. ૩. પણ આ માટે ખરી કેળવણીની જરૂર છે. આખા દેશમાં ગામેગામ નિશાળ સ્થાપવાની અને મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરવાની સરકાર પાસે માગણી કરવામાં આવે છે. એ માગણી ગમે ત્યારે સફળ થાઓ, પણ અત્યારે તો ખરા દેશભક્તોનું એ કર્તવ્ય છે કે સરકારના ઉપર આધાર ન રાખતાં એ તરફ આપણાં ધર્માદા ફંડ વાળવાં જોઈએ. ગોલ્ડસ્મિથ પોતાના વહાલા ગામડામાં ૫ણ મહેતાજીનું મહત્ત્વ નોંધવું ચૂક્યો નથી. એમાં દોરેલું મહેતાજીનું રમૂજી ચિત્ર કદી પણ ભુલાય એવું નથી :

ને પેલી વાડ જતી જે જરી વાંકીચૂકી,
પુષ્પો પ્રફુલ્લ વળી વ્યર્થ ઉમંગી જેનાં
ફેલાય કોર સરખાં પડખેની વાટે;
ઘોંઘાટથી સભર એક મકાનમાં ત્યાં
બેસાડતા નિજની નાનકડી નિશાળ
મ્હેતાજી, જે કુશળ શિસ્ત પળાવવામાં,
દેખાવમાં કડક, કૈંક વળી કઠોર.
એ જાણતા સહુ—છતાં રખડુ, વિશેષ.
એનો પ્રભાત સમયે નીરખી ચહેરો,
સૌ કંપતા બટુક કાળ કળી જ લેતા;
ને ખોટું ખોટું હસતા, કરતાં મજાક
મ્હેતાજી; હા, બહુ જ એ કરતા મજાકો.
ને આંખ સ્હેજ ઊંચકે, ખબરો કૂંડાળે
આખે ઊંચા ગણગણાટથી પહોંચી જાતી.
માયાળુ તોય બહુ, ને અકળાય તો ત્યાં
મા શારદાનું કમ સેવન એ જ ગુનો.
ક્હે ગામ તો : ‘અધધ! આવડું શું ગનાંન!’
સાચે જ ને લખીપઢી શકતા જ પોતે.
માપે જમી, ગ્રહણકાળ ભવિષ્ય ભાખે,
કહેવાતું કે ભલમલાનુંય માપ લૈ લે.
ચર્ચા વિષેય કદી પાછી કરે ન પાની,
જિતાય તોય બસ હોય દલીલ ચાલુ.
ત્યાં પંડિતાઈભર શબ્દ પ્રચંડ ગાજે;
ચોમેર ગ્રામજન સૌ સુણતા અચંબે,
તાકી રહે, ગરક થાય વધુ અચંબે
કે, ‘આવડા મગજમાં બધું શું ગનાન!’

આ વાંચી બેશક આપણને એ સમયના મહેતાજીના સાદા જ્ઞાન ઉપર હસવું આવે છે – પણ જરા વિચાર કરીએ તો, જે જીવ નાંખીને અને પોતાના ઉમદા ધંધામાં તન્મય બનીને એ મહેતાજી કામ કરતા દેખાય છે, તેવું આપણા ટ્રેઇન્ડ કૉલેજિયન મહેતાજીઓ કરતા હશે કે કેમ એ વિષે મને ઘણો શક છે. ૪. આ ગામડાની બીજી મહત્ત્વની વ્યક્તિ તે ત્યાંનો સંતોષી, પવિત્ર, માયાળુ અને પરોપકારી ધર્મગુરુ (પાદરી) છે. ગોલ્ડસ્મિથ એનું ચિત્ર નીચે પ્રમાણે આપે છે :

ચાહે એને જનપદ બધો, ભાવ રાખે અપાર.
‘બે વીશો તો બહુ થઈ ગયા વર્ષાના!’ એવી એની
ધીંગી રિદ્ધિ; નગર થકી એ દૂર દૈવી વિસામો.
પોતે ઇચ્છે નગર વસવું ના, કદીયે વસ્યો વા.
એને ચાટુ વચન વદતાં તે ન કેમેય ફાવે,
સત્તા ચાહે નવ, સમયને વર્તી રહેવાની ટેવ.
એને હૈયે પરિચય કર્યો અન્ય આદર્શ કેરો;
પોતે ઊંચા વધવું ન ભલે, લેઉં ઊંચે પડ્યાંને.
ધારે મૂર્તિ પ્રવચન સમે નમ્ર તે સાચી શોભા,
દૃષ્ટિ તો એ પુનિત સ્થળનું મોંઘું જાણે ઘરેણું.
એને હોઠે દ્વિગુણ બળથી સત્ય ઉચ્ચાર પામે.
આવે અજ્ઞો ડખલ કરવા ને ભળે પ્રાર્થનામાં.
પૂરું થાતાં પ્રવચન, બધા ગામના લોક ભોળા
નિત્યે દોડ્યા ભરઉમળકે જાય ધર્મિષ્ઠ પૂંઠે.
બચ્ચાં તેયે તહીં અનુસરે વહાલસોયા તુફાને,
ઝાલે એનો જરી ઉપરણો, ને સ્મિતો પામી રાચે.
એને નિત્ય સ્મિત તરવરે હૂંફ માબાપ જેવી.
રાચે સૌનું કુશળ નીરખી, દુ:ખ જોઈ દુભાય,
સૌમાં એનું રચ્યુંપચ્યું રહે સ્નેહચિંતાથી હૈયું.
કિન્તુ એનાં મનન સહુ ગંભીર તો ક્યાંય રાજે
ઊંચે ઊંચે; ખડક જ્યમ કો ભવ્ય આકાર ધારી
ખીણો વચ્ચે ઊપસી, વસતો દૂર ઝંઝાથી ઊંચે.
એને હૈયે ગડગડ થતાં વાદળો વિસ્તરે છો,
શોભે દૈવી દ્યુતિ રવિ તણી નિત્ય એ મસ્તકે તો.

ખેદ થયા વિના રહેતો નથી કે જ્યાં આવા સાદા પણ ઉન્નત ધાર્મિક જીવન ગાળતા ધાર્મિક નેતાની જરૂર છે. ત્યાં આપણા દેશમાં અત્યારે નિરુદ્યમી બાવાનાં ઝુંડ ગામને ગાંદરે અડંગા નાંખી પેટ ભરવામાં કૃતાર્થતા માને છે! આપણા દેશમાં ધાર્મિક સાહિત્યની ખોટ નથી, એના પ્રચાર માટે ગામેગામ દેવસ્થાનમાં કથા કરવાનો રિવાજ પ્રાચીન કાળથી જાણીતો છે. પરંતુ એ જૂની સંસ્થા યોગ્ય મનુષ્યને અભાવે નિરર્થક અને અસ્તપ્રાય બની ગઈ છે. ગામના દેવસ્થાનમાં હજી પણ કોઈ વાર એકાદ સંતપુરુષ વસતો હોય છે તો તે ગામના લોકને જીવનથી અને ઉપદેશથી કેવો ઉપકાર કરી શકે છે, એમના જીવનમાં કેવી સાચ, પ્રામાણિક્તા, દયા, શાન્તિ, સ્વચ્છતા વગેરે અનેક ગુણો પ્રેરી શકે છે – એ તદ્દન અજ્ઞાત નથી. વળી ખરા સંતપુરુષનું જીવન ગૃહસ્થાશ્રમમાં પણ બની શકે છે, અને તે કેવું હોવું જોઈએ એ ગોલ્ડસ્મિથે ‘વિકાર ઑફ વેઈકફિલ્ડ’માં વધારે સ્પષ્ટતાથી અને વિસ્તારથી બતાવ્યું છે. ડૉ. પ્રિમરોઝ નામનો એક ગામનો પાદરી એ નવલકથાનો નાયક છે. એના ઘરનું સાદું પણ ખરા દિલનું અને નિરર્ગળ આતિથ્ય ‘ચાળીસમી પેઢી’નાં સગાંવહાલાંને માટે ખુલ્લું છે. એ પાદરી દેશદેશાવર ફરેલો માણસ નથી, અને એની સ્ત્રી પણ જમાનાના પ્રમાણમાં જ કેળવાયેલી હતી — ગોલ્ડસ્મિથ કહે છે તેમ, એ ‘રસોઈ અથાણાં અને મુરબ્બા કરી જાણતી તથા ભાગ્યાતૂટ્યા બે શબ્દ વાંચી જાણતી.’ બંને બહુ કુટુંબવત્સલ હતાં. મોટા છોકરાનાં લગ્ન પાસેના એક પાદરીની છોકરી સાથે થવાનાં હતાં એટલામાં લંડનનો એક વેપારી ભાગ્યો, અને એમાં ડૉ. પ્રિમરોઝની બધી પૂંજી ગઈ! સામા પાદરીને એણે પોતાની બદલાયેલી સ્થિતિ જણાવી અને એને પરિણામે છોકરાનો વિવાહ ભાગ્યો. ડૉ. પ્રિમરોઝે પોતાના કુટુંબને પોતાની બદલાયેલી સ્થિતિને અનુકૂળ થઈ જવા ઉપદેશ કર્યો અને સર્વ હવે ગરીબાઈથી રહેવા લાગ્યાં. મોટો છોકરો ભણી ઊતર્યો હતા અને વિદ્વાન થયો હતો— તેને લંડનમાં કમાવા મોકલ્યો. પ્રસ્થાન વખતે પિતાએ પુત્રને આપેલો ઉપદેશ અને વાત્સલ્યનો ઉદ્ગાર થોડા પણ બહુ અસરકારક શબ્દોમાં ગોલ્ડસ્મિથે મૂક્યો છે : ‘હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું; છતાં હજી સદાચારી માણસને સૌ ભૂલી ગયું હોય અને એની પ્રજાને રોટલો ભીખવો પડે એવું મેં કદી જોયું નથી. તારી જીવનયાત્રા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ આ શબ્દો તને આશ્વાસનરૂપ બની રહો. આગળ ધપ, બેટા. અને ભાગ્યની દશા ગમે તેવી હોય, તારે એક વાર તો મને મળવું જ. હ્રદયથી કાઠો રહેજે. ઈશ્વર તારું ભલું કરે! સત્પુરુષને પ્રભુ તાવે તો છે, પણ કદી ત્યજતો નથી. માથે દુ:ખ આવવાં એ સંસારી જીવની સ્વાભાવિક સ્થિતિ છે, અને એ જીવની વિશુદ્ધિની અને પરમાત્મપ્રેમની એ કસોટી છે. દુઃખ એ પ્રભુના ત્યાગની નિશાની નથી, એ ત્યાગની ખરી નિશાની સન્નિષ્ઠામાંથી ચ્યુત થવું એ જ છે.’ સત્ય ધર્મનો આ પરમ સાર વિકાર (પાદરી) – ના જીવનમાં ગોલ્ડસ્મિથે આપણને બતાવ્યો છે. ડૉ. પ્રિમરોઝને હવે જીવનનિર્વાહ માટે બીજા ગામનું પાદરીપણું લેવું પડ્યું. બધું કુટુમ્બ નવે ગામ ગયું, અને ત્યાં સાદી રીતે દિવસો નિર્ગમવા માંડ્યા. પહેલે જ રવિવારે દેવળમાં જવા માદીકરીઓ ટાપટીપ કરી મેડીએથી ઊતર્યાં — એ જોઈ ડૉ. પ્રિમરોઝને ખેદ થયો કે હજી એ બીચારાં પોતાની ખરી સ્થિતિ સમઝ્યાં નથી. ડૉ. પ્રિમરોઝ બોલ્યા : ‘ઊભાં રહો, ભાડે બગી મંગાવીએ! આ વેષે તમારાથી ચાલતાં જવાશે નહિ – ચાલતાં જશો તો ગામનાં છોકરાં મશ્કરી કરશે!’ મા અને દીકરીઓ શરમાઈ ગયાં. મા બોલી : ‘મેં જાણ્યું — સૌને સ્વચ્છ વસ્ત્ર પહેરેલાં જોઈને તમે રાજી થશો’ ડૉ. પ્રિમરોઝે કહ્યું, ‘ખરું; પણ ટાપટીપ અને સ્વચ્છતા એ એક નથી. આ લૂગડાંમાં જે નકામી ચીજો બાંધી છે અને નિરર્થક ઘેર રાખ્યા છે તે કાઢી નાંખો, તો એટલા લૂગડામાંથી બિચારાં નવસ્ત્રાં ગરીબ લોકનાં શરીર ઢંકાય.’ કુટુમ્બ ડૉ. પ્રિમરોઝની ઉમદા અસર નીચે ઊછર્યું હતું —એટલે આ ઉપદેશ માન્ય કરતાં કોઈને વાર લાગી નહિ. ગરીબ અવસ્થાના કેટલાક ગુણ છે — સાદાઈ, ઉદ્યોગ વગેરે — તેમ એક દોષ પણ છે : પૈસાદારને જોઈ ગરીબનું મન ઘણી વાર અંજાઈ જાય છે અને વિવશ બની જાય છે. ડૉ. પ્રિમરોઝના મહાન આત્માને તો પૈસાનો ચળકાટ કદી પણ મોહ ઉપજાવે એમ ન હતું, પણ એના ઘરમાં પાસેનો ‘સ્ક્વાયર’ (ગામનો જમીનદાર ધણી - નાનો લૉર્ડ) આવતો જતો થયો. એને જમાઈ કરવાની ડૉ. પ્રિમરોઝની સ્ત્રીને અને છોકરીઓને લાલસા ઉત્પન્ન થઈ. આ વખતથી ડૉ. પ્રિમરોઝને માથે સંકટની પરંપરા આવવા લાગી. ડૉ. પ્રિમરોઝ સુધ્ધાં આખું કુટુમ્બ ભોળિયું હતું — અને તેમને ધુતારાઓ ઠગી જતા; અને પેલો ‘સ્ક્વાયર’ તો વિકારની એક છોકરીને કાઢી નાસી ગયો! બિચારા વિકારનું ઘર બળી ગયું, બે નાનાં છોકરાંને બચાવવા જતાં એનો હાથ બળ્યો! ભાડા માટે એને સાધારણ ગુનેગારો ભેગો તુરંગમાં રાખવામાં આવ્યો – પણ ‘સુખડને જેમ જેમ ઘસો તેમ તેમ તેમાંથી સુગંધ જ નીકળે છે’ એ ન્યાયે આ અત્યંત સંકટની દશામાં પણ એણે પોતાના સહવાસી બંદીવાનોને ધર્મ અને નીતિનો ઉપદેશ કરી એમનું કલ્યાણ કરવામાં જ વખત કાઢ્યો. ઉદાર દિલે એ સ્ક્વાયરની દુષ્ટતાને ક્ષમા કરે છે – પણ સ્કવાયર તેની બીજી દીકરીને પણ કઢાવી જાય છે; અને મોટા છોકરા ઉપર ખૂનનો ખોટો આરોપ લાવી બંદીખાનામાં નંખાવે છે. બીચારા ડોસાનું હૃદય ભાંગી જાય છે – એ મરણતોલ થઈ પડ્યો છે, પથારીમાં પરાણે બેસી શકે છે, પણ એ અવસ્થામાં ૫ણ છોકરાને ને માને ટેકો દઈ બેઠો થઈ — સંસારના સુખદુઃખના રહસ્ય ઉપર પોતાના છોકરાને અને બંદીવાનોને ઉપદેશ દે છે. એ ઉપદેશનો સાર એવો છે કે નાસ્તિક તત્ત્વજ્ઞાન એક રહસ્યનો જે ખુલાસો કરે છે તે યથાર્થ નથી, એનો ખરો ખુલાસો ધર્મથી જ મળે છે : એ તત્વજ્ઞાન કહે છે કે આપણે સુખ ભોગવી જાણીએ તો દુનિયા પુષ્કળ સુખથી ભરેલી છે — થોડાંક અનિવાર્ય દુઃખ છે ખરાં, પણ જિંદગી ટૂંકી છે એટલે એનો જલદી છેડો આવી જાય છે. તેથી દુ:ખો માટે ફરિયાદ કરવાનું કારણ રહેતું નથી. ડૉ. પ્રિમરોઝ કહે છે કે, દુનિયામાં સુખદુ:ખના રહસ્યનો આ ખરો ખુલાસો નથી — કારણ કે એમાં વ્યાઘાતદોષ આવે છે. - જો જિંદગી સુખથી ભરેલી છે અને તે જ સાથે તમે કહો છો તેમ એ ટૂંકી છે, તો તેની ટૂંકાઈ એ જ મોટું દુ:ખ છે. અને એ લાંબી છે એમ કહો તો જે દુઃખો તમે કબૂલ કરો છો એ લાંબો વખત ચાલ્યા કરીને સુખને દાબી નાંખે છે. ધર્મ – જે પરલોકનું અસ્તિત્વ મનાવે છે – એ જ આ રહસ્યનો ખરો ખુલાસો આપે છે. તે એવી રીતે કે, જો આપણે સુખી છીએ તો પરલોકમાં પણ એ સુખ અનંત ગણું થઈ ચાલતું રહેશે; અને જો અહીં આપણે દુ:ખી છીએ તો એ દુઃખનો અંત આવી પરલોકમાં સુખ થશે. પ્રભુ ‘અનાથનો નાથ’, ‘નિર્ધનનું ધન’, ‘દીનનો દયાળ’ છે — એમ કહેવામાં આવે છે તે યોગ્ય જ છે, કારણ કે પ્રભુના ધામનું સુખ જેવું આ દુનિયાના દુ:ખી જીવને મીઠું લાગે છે તેવું સુખી જીવને લાગી શકતું નથી, ઇત્યાદિ. આખરે ડૉ. પ્રિમરોઝનો અને આખા કુટુંબનો દિવસ ફરે છે. સ્ક્વાયર સુધ્ધાંત એના દુશ્મનો પણ પસ્તાઈને ઠેકાણે આવે છે. છોકરા છોકરીઓ ઠેકાણે પડે છે. દેવાળું કાઢી નાસી ગયેલો વેપારી બેલ્જિયમમાં પકડાય છે, એની મિલકતમાંથી ડૉ. પ્રિમરોઝનું ગયું ધન પણ પાછું આવે છે અને સઘળાં સારાં વાનાં થાય છે. આજે મને આ વાર્તામાં ડૉ. પ્રિમરોઝનું અડગ ધૈર્ય, એની અદ્ભુત પ્રસન્ન વૃત્તિ, એનું ભોળું ક્ષમાળું હૃદય, અને એનો પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ - એ તત્ત્વો આકર્ષક લાગે છે. અને તેથી એના ગુણોના વર્ણનમાં ધાર્યા કરતાં મારાથી વધારે લંબાણ થઈ ગયું. પણ મારે કહેવું જોઈએ કે, નાનપણમાં મને અને — હું ધારું છું, મારી સાથેના સર્વ વિદ્યાર્થીઓને જે વધારેમાં વધારે ગમતું અને જેનો અત્યારે હું ઉપર ઉલ્લેખ કરવો પણ ભૂલી ગયો, તે ડૉ. પ્રિમરોઝના બે ટટ્ટુ — એક કાણું અને બીજું બાડું, — અને એ ઉપર દેવળ જવા ચઢેલી કુટુમ્બની સવારી - પાસેના શહેરના શુક્રવારમાં ટટ્ટુ વેચવા ગયેલો અને એને બદલે પાંચ છ આનાનાં ચશ્માં લઈ પાછો આવેલો મોઝીઝ (વિકારનો નાનો છોકરો), અને વિકારને પણ મંત્રી ગયેલો પેલો મોટો દાઢીવાળો શબ્દાડંબરી ફિલસૂફ ધુતારો - મિ. જેન્કિન્સ.

સ્વાધ્યાય

૧. આમાંથી તમને જે કોઈ એક પાત્ર ગમ્યું હોય તેની ઓળખ આપો.
૨. ગામડાંના વિકાસ વિષે નોંધ લખો.
૩. તમારા ‘નાનપણના સાથી’ વિષે નિબંધ લખો.