સાહિત્ય પલ્લવ – ભાગ ૩/લોપામુદ્રામાંથી

લોપામુદ્રામાંથી

કનૈયાલાલ મુનશી

વસિષ્ઠ – [હસીને] વિશ્વરથ છે કે? વિશ્વરથ – મુનિવર્ય! વંદું છું. [પગે પડે છે.] જમદગ્નિ – મહર્ષિ! મારા પણ - [પગે પડે છે પ્રતર્દન ને કદંમ પણ પગે પડે છે ] વસિષ્ઠ – વત્સો! શત શરદ જીવજો. બેસો. [બધા બેસે છે.] વિશ્વરથ - [મહામહેનતે ચિત્ત ઠેકાણે રાખી] મુનિવર્ય! આવ્યા તે કૃપા કરી. બોલો, આજ્ઞા કરો! વસિષ્ઠ - વિશ્વરથ! મારે તારી જોડે વાત કરવી છે – ખુલ્લે દિલે. અત્યાર સુધી મેં તારું મન જાણ્યું નથી. મને જણાવશે? વિશ્વરથ – [ખેદથી] ખુશીથી. આ બધા અંગના માણસો છે. પૂછો – જે પૂછવું હોય તે. [નીચું જુએ છે.] વસિષ્ઠ – [ભાવવિહીનતાથી] તું શું કરવા બેઠો છે તેની તને ખબર છે? વિશ્વરથ - [ઊંચું જોઈ ધીમેથી] હા. વસિષ્ઠ -ભગવાન્ અગસ્ત્ય તને છોડી જશે - વિશ્વરથ – [દયામણી રીતે] માત્ર એ ભયે હું દેવની આજ્ઞા કેમ લોપું? વસિષ્ઠ – તૃત્સુઓ જોડે વેર થશે તો? વિશ્વરથ - [ફિકકું હસીને] એ પણ ભય જ ને - વસિષ્ઠ - તારી ઘોષામા પ્રાણ છોડશે તો? વિશ્વરથ – [અવાજમાં શ્રદ્ધા આવે છે.] એ રાગે કૈં દેવાજ્ઞા ઉથાપાય? વસિષ્ઠ – ને ભરતો — [પ્રતર્દનને જોઈ અટકે છે.] વિશ્વરથ - [આંખો ચમકે છે.] પદભ્રષ્ટ કરે તો! મારી નાંખે તો! [પ્રેરણાભર્યે અવાજે] મુનિવર્ય! મુનિવર્ય! મને રાજ્યપદનો મોહ નથી. મને જિંદગી વહાલી નથી. વસિષ્ઠ – [હસીને] પણ ત્યારે શાનો મોહ લાગ્યો છે? દૃસ્યુકન્યાનો? વિશ્વરથ – ના. [વિજયથી ઊંચું જોઈ] કહું? મને મોહ લાગ્યો છે મારા દેવની આજ્ઞાનો. વસિષ્ઠ – [દૃઢતાથી] દેવો આવી આજ્ઞા કરે નહિ! વિશ્વરથ – [કાંપતે સ્વરે] કરે છે! કરે છે! ઘડીએ ને પલે— વસિષ્ઠ - શી? વિશ્વરથ - જે સ્ત્રીને મેં સ્વીકારી – જેનો જીવનપ્રવાહ મારામાં ભળ્યો તે જ મારી, તે જ મારી પત્ની, તે જ સમભાગિની ને તે જ સહધર્મચારિણી! વસિષ્ઠ – આ દેવની આજ્ઞા નથી. [તિરસ્કારથી હસીને] આ કોની પ્રેરણા છે તે હું સમજી શકું છું. વિશ્વરથ – [અધીરાઈથી] ભગવતી લોપામુદ્રા મારે મન પૂજ્ય છે. એની એ પ્રેરણા હોય તોય તેમાં મને દેવની આજ્ઞા સંભળાય છે. વસિષ્ઠ – પણ શામ્બરી આર્યા નથી. વિશ્વરથ – [ઉત્સાહથી] નથી? નથી? શા માટે નથી? વેદજ્ઞ મુનિવર્ય! દૃસ્યુકન્યા દાસી બને—અવરુદ્ધા બનાવી શકાય - તો - તો ભાર્યા કેમ નહિ? એનામાં આર્યાઓને દુષ્પ્રાપ્ય એવાં શુદ્ધિ ને સ્નેહ છે. એણે મારે માટે બાપ ને જાત મરાવ્યાં. શું ઓછું છે? વસિષ્ઠ - [તટસ્થ ન્યાયવૃત્તિથી] વત્સ! આ છોકરવાદી છે – દેવાજ્ઞા નથી. એનાથી તને કાળાં, ચીબાં છોકરાં થશે, તેને અથર્વણ ને અગસ્ત્યની વિદ્યાના અધિકારી બનાવશે? તેને કુશિક ને જહ્નુને સિંહાસને બેસાડશે? [પ્રતર્દન અને કર્દમ માથા વતી અનુમતિ દર્શાવે છે.] વિશ્વરથ – [પૂજ્યભાવભર્યે અવાજે] મુનિવર્ય! હું રાત ને દિન દેવોની પ્રેરણા પ્રાર્થું છું. પણ મને આ સમજાતું નથી. હજારો ભૂંડી આર્યાઓ ગ્રામે ગ્રામે રઝળે છે, ને શામ્બરી આર્યાં શા માટે નહિ? વસિષ્ઠ – [નિશ્ચલતાથી] આર્યો બનતા નથી, જન્મે છે. વિશ્વરથ - [આક્રંદ કરીને] ના-ના-ના. મને દેવની વાણી જુદી સંભળાય છે. મારામાં જો આર્યત્વ હોય તો હું બીજાને કેમ ન અર્પી શકું? ને ન અર્પું તો મારું તપ એટલું ઓછું. વસિષ્ઠ – [સખત નાપસંદગી દર્શાવી] મને શી ખબર કે તું છેક આવો ગાંડો થઈ ગયો છે. અનાર્યના આર્ય કદી થયા છે? વિશ્વરથ – [આકળા થઈને] ન થાય તો અથર્વણ, અંગીરા ને મૈત્રાવરુણની વિદ્યા નકામી. મુનિ! આપનાં તપ ને શુદ્ધિ નિરર્થક. [ગૂંગળાઈને] કોઈ મને સમજતું નથી. દેવ! દેવ! હું ખરો કે આ બધા? [બેધ્યાન બની અંતરીક્ષમાં જોઈ રહે છે. થોડી વાર કોઈ બોલતું નથી.] વસિષ્ઠ – [ઊઠીને] તું નહીં જ માને? તો ભલે! પણ અનંત કાલ સુધી આર્યોના વિધ્વંસક તરીકે ઓળખાશે. પિતૃઓ પણ તારો સ્વીકાર નહીં કરે. [બધા ઊભા થાય છે.] વિશ્વરથ – [નીચું માથું નાખીને] જેવી દેવોની ઈચ્છા. મુનિવર્ય! હું દેવને આધીન છું. પણ – પણ - આમાં જ, કરું છું તેમાં જ – આર્યોનો ઉદ્ધાર નહીં સમાયો હોય? [પગે લાગે છે.] વસિષ્ઠ – વારુ! દેવ વરુણ તને સબુદ્ધિ આપે. [જાય છે.] વિશ્વરથ – [બેધ્યાનપણામાંથી જાગીને] કર્દમ! પ્રતર્દન! મને ક્ષમા કરો. [નિશ્ચયથી] જોઈએ તો ભરતો જહ્નુનું સિંહાસન બીજાને આપે. શામ્બરી વિના હું એકલો એ સિંહાસને નહીં ચડું. જોઈએ તો જાઓ - [અધીરાઈથી] - મને છોડી, ચાલ્યા જાઓ. પ્રતર્દન — [ગભરાઈને] ઓ મારા દેવ! કર્દમ - ઘાણ નીકળી ગયો. [માથું ધુણાવતો બહાર જાય છે.] પ્રતર્દન – ભાર્ગવ! શું કરીશું? જમદગ્નિ – દેવની ઇચ્છાને આધીન થઈ બેસીએ, બીજું શું? [રોહિણી આવે છે.] રોહિણી – કૌશિક છે, ભાર્ગવ? પ્રતર્દન — પધારો! જમદગ્નિ – [ચિન્તાથી] તું ક્યાંથી? ગુરુદેવનો કંઈ સંદેશો છે? રોહિણી – [ખેદથી માથું ધુણાવે છે.] ના, મારે કૌશિકને મળવું છે. કેમ છે? જમદગ્નિ – [નિરાશાથી] ખોટું! ઘણું ખોટું થાય છે. રોહિણી – મારે કૌશિક જોડે વાત કરવી છે. જમદગ્નિ – એકલાં? રોહિણી – હા. જમદગ્નિ – બેસ! હું મોકલી આપું. પ્રતર્દન—ત્યારે હું રજા લઉં છું. તૈયારી ઘણી કરવાની છે. [જમદગ્નિ અંદર જાય છે. પ્રતર્દન ધીમે ડગલે અગ્નિ પાસે જઈ એક પાટ પર બેસે છે. વિશ્વરથ આવે છે ને પાસે આવીને ઊભો રહે છે.] વિશ્વરથ — [હેતથી અને ખેદભર્યા અવાજે] રોહિણી! તું! [બેસે છે. પણ અગ્નિ તરફ જોઈ બેધ્યાન બને છે.] રોહિણી – [ધીમેથી] કૌશિક - કૌશિક! [સાશ્રુ] મારી જોડે ગુસ્સે છે? [વિશ્વરથ બેધ્યાન બેસી રહે છે] મારી જોડે પણ નહિ બોલે? [એની સામું જુએ છે. એ રડે છે ને છેડા વડે આંખ લૂછે છે.] વિશ્વરથ – [ધ્યાનમાં આવીને ચમકીને] નહીં! નહીં! [કરગરીને] રડ નહીં. તું રડે છે તે મારાથી જોવાતું નથી. [ધ્રુસકું આવે છે] રોહિણી — [અજાયબ થઈને] વિશ્વરથ! તું પણ રડે છે? વિશ્વરથ - [ધ્રુસકાં ખાઈને] મને રડવા દે! રડવા દે! તારી આગળ નહીં રડું ત્યારે કોની આગળ? [દયામણી રીતે] તું આટલા દહાડા મને મળીયે નહીં. રોહિણી – [આંસુ લૂછીને] તું એટલો ગુસ્સે હતો કે તારી પાસે આવવાની મારી હિમ્મત નહિ ચાલી. વિશ્વરથ – [ચકિત બની] ગુસ્સે! કોણે કહ્યું? રોહિણી — [ફિક્કું હસીને] જગત કહે છે. વિશ્વરથ – ને તું માને છે? રોહિણી! [ધ્યાનથી જોઈને] તારી પ્રકૃતિ કેમ છે? સારી નથી લાગતી. જો...ને [કૈંક ભૂલી ગયેલી વસ્તુ સંભારતાં] તારા લગ્ન વિષે......સુદાસ જોડે.... [કંઈ યાદ આવતું નથી. નિરાશાથી] મેં શું સાંભળ્યું હતું? ચોક્કસ યાદ નથી. [નિસાસો મૂકીને દયામણી રીતે] મારું માથું ખસી ગયું છે. બધું – બધું ભૂલી જવાય છે. [રોહિણી તરફ જોઈ રહે છે.] રોહિણી – કૌશિક! કાકાએ મારા પર દયા કરી, સુદાસ જોડેનો મારો વિવાહ ફોક કરાવ્યો. વિશ્વરથ — [હર્ષના આવેશમાં] તું સુદાસ જોડે નથી પરણવાની! [ધ્યાન ઠેકાણે આવવાથી મુખ પર વેદના દેખાય છે.] ઓ દેવ! દેવ! રોહિણી — [કરગરીને] કૌશિક! વિશ્વરથ — [ત્રાસીને] શું દેવો મને જીવતો જળાવવા માગે છે? [આંસુ લૂછે છે.] રોહિણી – [દયામણી] વિશ્વરથ - વિશ્વરથ — [રડતે રાગે] એક વાર એ પ્રસંગ માટે વલખાં મારતો હતો. આજે [રડતે રાગે] તને હું શામ્બરીની સપત્ની કયે મોઢે બનાવું? [રડી દે છે.] રોહિણી – [નિરાશાભરી] એ સ્વપ્નાં છોડી દે. ગાંડા! [આંખ લૂછી ટટાર થાય છે.] સાંભળ! હું કહેવા કંઈ આવી ને કંઈ કહેવાઈ ગયું. વિશ્વરથ – કહે. [સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં] શું કહેવું છે? રોહિણી — તને ખબર છે? જો તું શામ્બરીને કાલે નહીં આપે – તો - તો - વિશ્વરથ – હું જાણું છું. રોહિણી - ના. તું નથી જાણતો – તાત પ્રાણ ત્યાગશે. વિશ્વરથ – [એકદમ ટટ્ટાર થઈ, ફાટે ડોળે] હેં! શું કહે છે? રોહિણી—હમણાં જ મને એમણે પોતાનો સંકલ્પ કહ્યો. વિશ્વરથ – [આત્મતિરસ્કારથી] અને હું અનાર્ય —કુલદ્રોહી— જાતિદ્રોહી — ગુરુહત્યારો! [અવાજ પણ તૂટે છે.] તારો પણ હત્યારો! રોહિણી – તો શા માટે આ જીદ લઈ બેઠો છે? શામ્બરી તારી સાથે રહી સુખી થવાની છે? વિશ્વરથ – ના. એ તો હતભાગિણીને કર્મે દુઃખ જ લખાયું છે; [થોડી વાર બેધ્યાન જોઈ રહે છે.] પણ - પણ દેવો - [આક્રંદ કરીને] રોહિણી! – દેવો મને જંપવા દેતા નથી. [થોભીને] મને વરુણદેવ રોજ કહે છે : તેં એને સ્વીકારી– મન, વાણી ને કર્મે પત્ની કરી — અને જીવનની ભાગિયણ કરતાં ડરે છે? મારાં વ્રત ભાંગશે? રોહિણી — પણ એ તો કાળી, અનાર્ય છે— વિશ્વરથ – રોહિણી! દેવો કંઈ જુદી આજ્ઞા કરી રહ્યા છે. મારા હૈયામાં, મારી વાણી દ્વારા એમના વેણના પડઘા પડે છે. [પ્રેરણામય અવાજે] વરુણે સ્પષ્ટ કહ્યું છે :– આર્યત્વ રૂપ ને રંગ વડે નથી. એ તો છે તપ વડે - સત્યમાં – ઋતના અનુકરણથી જે બધા [પયગંબરી ધ્વનિ એના શબ્દોમાં ગાજે છે.] શામ્બરી ત્યાગવાનું કહી રહ્યા છે તે વર્ણદ્વેષ — જન્મભેદનાં અનાર્યત્વ વાંછે છે. શામ્બરીના રંગ માટે તું બળીને ભસ્મ થશે તો જ તેમાંથી ખરું આર્યત્વ પ્રગટશે. લાખો શમ્બરો એ રાખ દિલે ચોળી, આર્યોં બનશે ને મારી પૂજા અખંડિત રાખશે. [ખંડ નિ:શબ્દ રહે છે.] શામ્બરી — [નેપથ્યે, અત્યંત નિર્બલ અવાજે] કૌશિક — વિશ્વરથ – [નશામાંથી જાગતો હોય તેમ] ઓ! એ!... [રોહિણીને, દયામણી રીતે] જો એ મને બોલાવે છે. રોહિણી! હું શું કરું? હું ગુરુનું કહ્યું માનું તો શામ્બરી દેહ છોડશે — હું મરીશ — દેવો અને પિતૃઓ મને શાપ દેશે. શામ્બરી.– [નેપથ્યે] કૌશિક! — વિશ્વરથ – આવ્યો – [ચાલી જાય છે.] રોહિણી — [ધીમે ધીમે - સાશ્રુ કંઠે] બેમાંથી એક...કાલે મરવાના... અને... સાથે હું તો ખરી જ......દેવ! [હાથમાં હપટી રાખી, અગ્નિમાં જોતી તે પૂતળા જેવી બેસી રહે છે. પાછળથી લોપામુદ્રા આવે છે. તે રોહિણીની પાસે ધીમે ધીમે આવી હેતભર્યે નયને જોયા કરે છે.] લોપામુદ્રા – [રોહિણીને ખભે હાથ મૂકી] બહેન! તું ક્યાંથી? રોહિણી – હેં! [ચમકીને] ભગવતી! વંદું છું. લોપામુદ્રા — [હસીને માથે હાથ મૂકે છે.] તું અહીંયાં ક્યાંથી? વિશ્વરથને સમજાવવા આવી છે? રોહિણી — હું કેમ સમજાવું? [માથે હાથ દઈ] મારું તો ભાગ્ય ફૂટી ગયું. લોપામુદ્રા – શું કહે છે? રોહિણી — [રડતાં] ભગવતી! મનુજોમાં બે જણની વાણી મારી જીવનની દોરી છે. કાલે સવારે બેમાંથી એક-કે બંને મરવાનાં, - ને મારી દોરી તૂટવાની. લોપામુદ્રા – [ચકિત] બે કોણ? રોહિણી – પિતાજી ને વિશ્વરથ, બેમાંથી જેનો સંકલ્પ તૂટશે તે પ્રાણ છોડશે! લોપામુદ્રા — [ફિક્કી પડી જાય છે] શું કહે છે? પિતાજી! રોહિણી – [નિરાધારીથી] હા. મૈત્રાવરુણે પ્રતિજ્ઞા કરી છે. જે કાલે વિશ્વરથ શામ્બરીને ન સોંપી દે તો એ યમલોક જશે. [કલ્પાંત કરી] હું શું કરું? મને કંઈ સૂઝતું નથી. ભગવતી.! ભગવતી! કંઈ રસ્તો બતાવો. એ બે વગર હું કેમ જીવીશ? [રડે છે.] લોપામુદ્રા — [થોડી વાર વિચાર કરે છે. એની આંખોમાં કંઈક તેજો આવે છે ને જાય છે. હેતથી] રોહિણી! હું જાણું છું - વિશ્વરથના પણ હૈયામાં તારો વાસ છે. શો રસ્તો બતાવું? [વિચારમગ્ન] હું કાલે તો જવાની – રોહિણી — [કરગરીને] ના-ના-ન જશો. તમારા સિવાય વિશ્વરથ કોઈનું સાંભળશે નહીં. મારા પર દયા કરો, હું પગે લાગું. [હાથ જોડે છે.] લોપામુદ્રા – [ધીમેથી ઊર્મિભર અવાજે] કરગરવાની જરૂર નથી. મને શી ખબર કે અગસ્ત્ય આવી પ્રતિજ્ઞા લેશે? બહેન! તારા જેવી જ હું છું. બેમાંથી એકને હું મરવા દઉં તો મારું શું થાય? રોહિણી — [ચમકીને] તમારું! લોપામુદ્રા – [હસીને વાત ઉડાવે છે.] રોહિણી! ઊઠ – આંસુ લૂછ. [કંઈ વિચાર આવે છે. હસીને, સંકલ્પથી] બેમાંથી એકે નહીં મરે – હું જીવતી હોઈશ તો. થયું? રોહિણી – [અજાયબ થઈ] ભગવતી —! લોપામુદ્રા – આંસુ લૂછ. [પડકાર કરી] જોઈએ. [વિજયથી હસે છે.] એ બે આપણને મારે છે કે આપણે એ બંનેને બચાવીએ છીએ. રોહિણી – [પ્રશંસામગ્ન] ભગવતી! આપ તો ઉષાનાં અવતાર છો. લોપામુદ્રા – તું અહીંયાં રહે! [રોહિણીને ખભે હેતથી હાથ મૂકી] કૌશિકના જીવને શાતા વળશે. [જાય છે.] રોહિણી – [અગ્નિમાં જોઈ રહી] અરે દેવ! શું થશે? [થોડી વારે વિશ્વરથ શામ્બરીની કેડે હાથ મૂકી, ચાલવામાં ટેકો દેતો આવે છે. શામ્બરી વીસ વર્ષની કાળી, ચીબી, ભારેવાઈ યુવતી છે. એની આંખો મોટી, ફિક્કી, અને મરતી હરણી જેવી છે. તે મહામુશ્કેલીએ ચાલે છે. આખો વખત એની આખો વિશ્વરથ પર ઠેરવી રાખવાની એને ટેવ છે.] વિશ્વરથ - ઉગ્રા! જો! આ રોહિણી. મેં તને વાત કરી હતી તે. ઉગ્રા - [અશક્ત અવાજે] રોહિણી! [વિશ્વરથ એને પાટ પર બેસાડે છે.] રોહિણી – કેમ બહેન? કેમ છે? ઉગ્રા – [બીકથી] પેલા – બિહામણા – તારા ભૈરવની છોકરી. [વિશ્વરથને] મારા બાપને હણાવ્યા તે? વિશ્વરથ— [થાક્યે અવાજે] ભૂલી જા બધું! એ તો મારા ગુરુ છે — બાપથી પણ વધારે પૂજ્ય. [રોહિણી તરફ જોઈ] એ તો મારી બાલપણની સખી છે. હું ને એ ગુરુના આશ્રમમાં સાથે ઊછર્યાં છીએ. રોહિણી – [દયાભીને અવાજે] બહેન! શામ્બરી! બીતી નહીં. [શામ્બરી બોલતી નથી. વિશ્વરથ ખેદથી રોહિણી તરફ જોઈ રહે છે. થોડી વાર કોઈ બોલતું નથી.] રોહિણી - વિશ્વરથ! જે થાય તે. હું તો બાલપણની સખી જ છું. [ઊઠીને] જાઉં? ફરી આવીશ. વિશ્વરથ - વારુ! [રોહિણી ઊઠીને જવા જાય છે. સામે પ્રતર્દન હાંફલો ફાંફલો આવે છે એટલે રોહિણી પાછી આવે છે. ] કેમ પ્રતર્દન શું છે? પ્રતર્દન — [ગભરાયેલે અવાજે] રાજન! ખબર પડી? ગુરુએ પ્રાણ ત્યાગવાની પ્રતિજ્ઞા કરી છે. વિશ્વરથ – [ખેદથી] હું જાણું છું. પ્રતર્દન — રાજા દિવોદાસ સૈન્ય તૈયાર કરે છે— વિશ્વરથ – [બેદરકારીથી] શા માટે? પ્રતર્દન—આપને જતા અટકાવવા માટે - વિશ્વરથ - ઠીક! આપણું સૈન્ય સજ્જ કરો. પ્રતર્દન — [ગૂંચવાઈને ઊભો રહે છે.] રાજન - વિશ્વરથ – [બેદરકારીથી] શું છે? ખંચા નહિ! કહી નાંખ. પ્રતર્દન-ભરતશ્રેષ્ઠ! [ક્ષોભથી] ગુરુની...પ્રતિજ્ઞાની બધાને ખબર પડી ગઈ છે. એટલે – એટલે [વધારે બોલાતું નથી એટલે અટકે છે.] વિશ્વરથ – [વિજયથી] એટલે ભરતો મારે માટે નહિ લડે, એમ જ ને? પ્રતર્દન — [જીભ સુકાય છે.] ઘણાખરાના મનમાં એવું છે ખરું. હું — [અટકે છે.] વિશ્વરથ – [સંકલ્પથી] પ્રતર્દન! જા - ઉગ્રા — [વિશ્વરથનું મુખ જોઈ ગભરાય છે. તેનો હાથ પકડતાં] વિશ્વરથ! મને છોડતો નહિ. વિશ્વરથ - ગભરા નહિ! [પ્રતર્દનને, નિશ્ચયથી] જા. ભરતોને કહે – બધાને મારી સેવામાંથી મુક્ત કરું છું. ......રોહિણી! તું પણ જા, ને ગુરુને કહે : [ગાંભીર્યથી આકાશ સામું જોઈ] વરુણદેવ એના બાલકને પાછો બોલાવે છે. [બારણામાંથી આવતો તડકો જોઈ રહે છે. એકદમ ઊભા થઈ જતાં] જાઓ! હું ખાતરી કરું છું - હમણાં જ - રોહિણી – શી? વિશ્વરથ — [ઉત્સાહથી] કે શામ્બરી આર્યા થઈ છે કે નહિ. રોહિણી — [ચમકીને] કોની પાસે? વિશ્વરથ — [તડકા તરફ જોતાં] સૂર્યદેવ પાસે – આ રહ્યા - હાજર છે. [ભયંકર રીતે] ખાતરી કરી, પછી એની સાથે હું મૃત્યુલોક છોડીશ. રોહિણી – [ગભરાઈને માથે હાથ દે છે.] ઓ — પ્રતર્દન — [પાછળ હઠીને] રાજન — ઉગ્રા – [હાથ લંબાવીને] વિશ્વરથ! મને છોડતો નહિ. . . હું એકલી છું. [બેસીને વિશ્વરથનો હાથ પકડે છે. વિશ્વરથ સૂર્યબિંબ તરફ જોઈ રહે છે.] વિશ્વરથ – [પ્રાર્થના કરતે અવાજે] દેવ! કહો – મને — ગાધિના પુત્રને – મૈત્રાવરુણના શિષ્યને — ઉગ્રા આર્ય છે કે અનાર્ય? દેવ! [પાણી લઈ શામ્બરી પર છાંટે છે.] મેં એને પરિસિંચી છે – સત્યે ને ઋતે. [આથમતું સૂર્યબિંબ બારણામાં મઢાઈ રહે છે.] ઉગ્રા! આ આવ્યા સવિતા. હાથ જોડ! એમની કૃપા યાચ - તારી બુદ્ધિને પ્રેરે. બોલ! ૐ — તત્સવિતુર્વરેણ્યમ્ – ઉગ્રા – [બીકથી] તત્સવિતુર્વરેણ્યમ્ – વિશ્વરથ - ભર્ગો દેવસ્ય ઉગ્રા—ભર્ગો દેવસ્ય — વિશ્વરથ – ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ઉગ્રા – ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ વિશ્વરથ – [બેભાન થાય છે.] દેવ! સવિતા! બોલો! [પ્રાણ જતો હોય તેમ કરગરીને] ઉગ્રા આર્યા છે કે નહિ? – બોલો [સાશ્રુ અવાજે] એ આર્યા છે કે નહિ? [સૂર્યબિમ્બ મોટું, રાતું થાય છે. તેનાથી બારણું ભરાઈ જાય છે. તે સોને મઢ્યા રથનું સ્વરૂપ લે છે. સૂર્ય પ્રગટે છે. તપ્ત સુવર્ણથી રસેલાં એવાં તેજોમય શરીરે અને ઝળહળતા મુકુટને કવચે બધાંને આંધળાં કરતા દેવ પલવાર જોઈ રહે છે. પ્રતર્દન ગભરાઈ ભોંય પર ઊંધો પડે છે. રોહિણી આંખે હાથ દઈ પ્રણિપાત કરે છે. ઉગ્રા બેભાન થઈ જાય છે. વિશ્વરથ ઘૂંટણીએ પડી, બે હાથ લંબાવી, ફાટી કરગરતી આંખે ગાંડા જેવો પ્રાર્થી રહે છે.] સૂર્યદેવ -હા- [ચારે દિશામાં અવાજ ગાજે છે.] [ધીમેથી સૂર્યનારાયણ અદૃષ્ટ થાય છે. તડકો ચાલી જાય છે. વિશ્વરથ મૂર્છા પામે છે] [પડદો પડે છે.]

સ્વાધ્યાય

૧. વિશ્વરથની મુશ્કેલીઓનો ખ્યાલ આપો.
૨. આર્યત્વ શેમાં સમાયું છે?
૩. વસિષ્ઠના અભિપ્રાયની ચર્ચા કરો.
૪. પહેલા ભાગમાં ‘આત્મકથામાંથી’ પાઠ છે તેમાંના રંગદ્વેષ વિષેના વિચારો સાથે આ દૃશ્યના વિચારો સરખાવો.