સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સ્વર્ગ અને પૃથ્વી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્વર્ગ અને પૃથ્વી

ઝીણાભાઈ દેસાઈ — ‘સ્નેહરશ્મિ’

ઇંદ્રનો તે માનીતો ગંધર્વ હતો. જ્યાં જ્યાં તે જતો ત્યાં સર્વત્ર લતાઓની જેમ અપ્સરાવૃન્દ તેને વીંટળાઈ જ વળ્યું હોય. સ્વર્ગમાં સહુ કોઈનો તે માનીતો હતો. તેના સંગીતથી સ્વર્ગનો પ્રકાશ વધુ તેજસ્વી બનતો, નંદનવન નવપલ્લવિત બનતું, સ્વર્ગમાં શાશ્વત વસંત ખીલતી. પણ એક દિવસ તેણે સ્વર્ગની પરંપરા તોડી. અપ્સરાઓ સાથે વ્યોમવિહાર કરતો કરતો એક વખત તે ધરતી તરફ આવી ચડ્યો. સ્વર્ગમાં કદી ન જોયેલું એવું તેણે ત્યાં જોયું. દિવસાન્તે લતા પર કરમાઈ ઢળી પડતા કોઈ એક નાજુક કુસુમના જેવી કોઈ યુવતીને એક એકાકી શિલા પર બેઠેલી તેણે જોઈ. તે યુવતીની આંખમાં આંસુ હતાં. સ્વર્ગનું સુંદરમાં સુંદર મોતી પણ તે અશ્રુબિન્દુની સ્પર્ધામાં પાણી વિનાનું લાગે એવી તેને પ્રતીતિ થઈ જીવનમાં પહેલી જ વાર તેણે આંસુ જોયાં — સ્વર્ગમાં આંસુ હોતાં જ નથી. ગંધર્વ એ દૃશ્ય જોતાં ચકિત થયો. એ આંસુ જોતાં અગાઉ કદી નહિ અનુભવેલી લાગણી તેના ઉરમાં જન્મી. સાથે સાથે તેણે તેના નિ:શ્વાસ પણ સાંભળ્યા. એ પણ તેને નવું જ હતું—સ્વર્ગમાં નિઃશ્વાસ હોતા જ નથી. ગંધર્વે તે યુવતીને પૂછ્યું : ‘હે કમલાક્ષિ, તારી આંખમાંથી આ મોતી શે ઝરે છે? ’ તે યુવતી બોલી : ‘ભાઈ, એ મોતી નથી. અહીં ધરતી પર અમે એને વિરહનાં આંસુ કહીએ છીએ.’ ‘પણ એ વિરહનાં આંસુ એટલે શું?’ ‘એ શબ્દો દ્વારા નહિ વર્ણવાય, એ તો અનુભવથી જ સમજી શકાય.’ ગંધર્વને એ બધું રહસ્યપૂર્ણ લાગ્યું. તે સુંદરીને અવલોકતો તે પોતાના પથમાં સ્થંભી રહ્યો. અપ્સરાઓ હસવા મંડી. તેમને તેનું એ કુતૂહળ અર્થ વિનાનું લાગ્યું. પણ ગંધર્વના હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા હતા. તેણે અપ્સરાઓને કહ્યું : ‘તમે જતાં થાઓ, હું ઘડીકમાં તમને પકડી પાડીશ.’ હસતી હસતી અપ્સરાઓ ચાલી ગઈ. ગંધર્વ જ્યારે સ્વર્ગે પાછો સિધાવ્યો ત્યારે પોતાના ઉરમાં તે કોઈ નવું જ, તદ્દન અપૂર્વ સંગીત લઈ આવ્યો હતો. તે હતું આંસુનું સંગીત. પોતાની પ્રાણપ્રિય વીણા ઉપર ગંધર્વે નવા જ સૂર જગાડ્યા. તેની મીંડમાંથી અનેક ડૂસકાંઓ જાગી જાગી સ્વર્ગની ઊંચી ઊંચી અટારીઓમાં પ્રતિધ્વનિત થવા માંડ્યાં. સ્વર્ગે કદી નહિ સાંભળેલું, નહિ અનુભવેલું એવું આંસુનું સંગીત તેણે જગાડ્યું. આ તેનો અક્ષમ્ય ગુનો. સ્વર્ગમાં કોઈથી આંસુની વાત જ ન થઈ શકે. ત્યાં નિઃશ્વાસનું નામ જ ન લેવાય. જેમ દેવોની આંખ પલકે જ નહિ તેમ સ્વર્ગમાં આનંદ અને વિલાસ સિવાય અન્ય લહરો કદી ઊઠે જ નહિ. પણ આ ગંધર્વે સ્વર્ગની એ પરંપરા તોડી. એ નિયમભંગને અંગે તેને સ્વર્ગમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો. ગંધર્વ એ સાંભળતાં ધ્રુજી ઊઠ્યો, ઇન્દ્રને તે પગે પડ્યો, વિનતિ વિનવણી કરી. અંતે તેને જણાવવામાં આવ્યું કે, ધરતી પર છ વરસ વસ્યા પછી તેને પાછો સ્વર્ગમાં તેડવામાં આવશે. ગંધર્વ સ્વર્ગમાંથી ધરતી પર આવ્યો. કોઈ એક ગાઢ અરણ્યમાં તે આવી પડ્યો હતો. જ્યારે તેની મૂર્છા ઊતરી ત્યારે પોતે કોણ હતો તેના કંઈક ઝાંખા ઝાંખા સંસ્કાર તેના મનમાં રહ્યા હતા. કોઈ અસહ્ય વ્યથાથી તેનાં અંગો કળતાં હતાં. તેના હૃદયમાં ગમગીની હતી. ધરતી ઉપરનું બધું તેને નવું નવું લાગ્યું. તેને અસહ્ય એકાન્ત લાગવા માંડ્યું. પોતાનું સ્વર્ગ વારંવાર તેના મન સમક્ષ તરવા માંડ્યું. ક્યાં સ્વર્ગને તે હાસ્યના ફુવારા, આનંદની છોળો, સંગીતનો પ્રકાશ અને ક્યાં આ અરણ્યનું શુષ્ક એકાન્ત! એવામાં તેને કાને કોઈના રુદનનો ધ્વનિ પડ્યો. તેણે ચમકીને તે દિશામાં જોયું. કોઈ એક શબને કેટલાંક માણસો સ્મશાને લઈ જતાં હતાં. તેમાંનાં કેટલાંક રડી રહ્યાં હતાં. શબની નજીક કોઈ એક યુવતી ચાલી રહી હતી. તેના મુખ ઉપર કોઈ અલૌકિક તેજ હતું. તેના લલાટ ઉપર કુંકુમની અર્ચા શોભી રહી હતી. કેટલાક લોક તેને કહેતા હતા : ‘બહેન પાછી જા — પાછી જા.’ તેમ તેમ તે શબની વધુ ને વધુ નિકટ જતી હતી. ગંધર્વને એ બધું તદ્દન નવું જ લાગ્યું. તેણે સ્વર્ગમાં સાંભળ્યું હતું કે ધરતી પર માણસોને એક દિવસ મરવું પડે છે. પણ તે વખતે તેને ખ્યાલ ન હતો કે ચેતનહીન દેહ ઉપર પણ આવું અપાર હેત વર્ષાવાતું હશે. તેનું કુતૂહળ વધ્યું. તે તે શબની પાછળ પાછળ ગયો. સ્મશાનમાં ગયા પછી લોકોએ શબને ચિતામાં પધરાવ્યું. પેલી યુવતીના મુખ ઉપર અપૂર્વ તેજ ઝળક્યું. આનંદભર્યા વદને તે અગનફૂલોની શય્યા ઉપર ચડી. પોતાના મૃત પતિનું શિર તેણે પોતાના ખોળામાં લીધું. વિરહનું એક અસહ્ય, મૃદુતાભયું, વેદનાભર્યું ગીત તેણે ગાયું. ગંધર્વનો પ્રાણ વ્યાકુળ થઈ ઊઠ્યો. શું ધરતી ઉપર માણસો આવા પ્રેમથી ચાહી શકે છે - મૃત્યુથીયે પર! એ અપૂર્વ દૃશ્યની સ્મૃતિ મનમાં વારંવાર જગાડતો તે અરણ્યમાં ચાલવા મંડ્યો. ચાલતાં ચાલતાં તેને થાક લાગ્યો. હવે તો ક્ષુધા પણ પાર વિનાની લાગી. થાકીને લોથપોથ થઈ તે એક ઝાડ હેઠળ પડ્યો. જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો ત્યારે ઝાડ ઉપર પંખીઓ મધુર કૂજન કરી રહ્યાં હતાં. તાજાં ફૂલોની મૃદુ સોડમ વાતાવરણમાં પ્રસરી રહી હતી. તેણે જોયું તો પોતાની આસપાસ કુસુમો વેરાયેલાં હતાં. સામે એક કેળનાં પાંદડાંમાં થોડાંક ફળો અને એક પડિયામાં દૂધ હતું. તે ચકિત બન્યો. કોણે પોતાને માટે આ અહીં મૂક્યું હશે? સ્વર્ગના એ ગંધર્વને આ પ્રકાર તદ્દન નવો જ લાગ્યો. એવામાં તેણે સામે નજર કરી. જાણે કોઈ કળી હાલ જ ખીલી હોય એવી કોઈ પંદર સોળ વર્ષની કિશોરીને તેણે સામે બેઠેલી જોઈ તેની આંખમાંથી અપાર સ્નેહ અને સહાનુભૂતિ વર્ષનાં હતાં. ગંધર્વે તેને પૂછ્યું : ‘હે શુચિસ્મિતે, તું કોણ છે? તારું નામ શું?’ ‘મારું નામ છાયા, મારા પિતાનું ઘર અહીંથી થોડેક દૂર છે.’ એમ કહી તે કિશોરી હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ. ગંધર્વ આતુર નયને દૂર અદૃશ્ય થઈ જતી છાયાને જોઈ રહ્યો. તેને પોતાનું સ્વર્ગ યાદ આવ્યું. તે અપ્સરાઓ યાદ આવી. તેણે એક ઊંડો નિશ્વાસ નાંખ્યો. ગંધર્વના દિવસો આમ એક પછી એક પસાર થવા લાગ્યા. રોજ ઊંચે આકાશ પ્રતિ દૃષ્ટિ નાખી તે નિ:શ્વાસ નાખે, અને સ્વર્ગનું ચિન્તન કરે. આકાશમાં કંઈક ફડફડાટ થાય તો તરત જ ચમકીને આશાભરી દૃષ્ટિ તે પ્રતિ માંડે ને પાછો નિરાશ બની જાય. છાયા રોજ બે વખત તેની પાસે ખાવાનું મૂકી જતી. કેટકેટલી વાર તે સામે નીરવ બેસી રહી ગંધર્વને વિલોક્યા કરતી. ગંધર્વનાં વલ્કલોને તે રોજ સારી રીતે ગોઠવતી. તેનું રહેવાનું સ્થળ નિયમિત રીતે સાફ કરતી અને ગંધર્વ તેની સાથે કંઈ વાત કરવી શરૂ કરે કે તરત જ શરમથી પોતાની આંખ ઢાળી સોડિયું વાળી તે નાસી જતી. ધીમે ધીમે તે ગંધર્વ સાથે વધુ ને વધુ હળતી ગઈ. એક વખત ગંધર્વને તેણે ગાતાં સાંભળ્યો. તેણે એક સારંગી બનાવી ગંધર્વને ચરણે ધરી. ગંધર્વનાં નેણ પોતાના એ પ્રિય વાદ્યને જોતાં ચમક્યાં. છાયાને પોતાની નિકટ બેસાડી, તેણે એ સારંગીને રડાવી, હસાવી, નચાવી. જાતજાતના તેણે તેમાંથી સૂર કાઢ્યા. એ સૂરોમાં બદલાતા ભવનું પ્રતિબિમ્બ છાયાના મુખ પર પડતું જોતાં તેને ખૂબ આનંદ થયો. દિવસરાત છાયા હવે ગંધર્વની નિકટ જ રહેવા લાગી. તેની ઝૂંપડીની આસપાસ રોજ પ્રભાતે તે પુષ્પોનાં તોરણ ગૂંથે, ગંધર્વને માટે રોજ અનેક જાતનાં નવાં નવાં ભોજન બનાવે, અને ભાવભર્યાં નેત્રો તેના પ્રતિ માંડી મૂંગી મૂંગી તેનું સંગીત સાંભળ્યા કરે. ગંધર્વને કેટલીક વખત આશ્ચર્ય થતું. છાયા દેખાવડી ન હતી એમ તે ન હતું, પણ તેની સ્વર્ગની અપ્સરા તો અપ્સરા જ ને! તે રૂપ, તે મોહકતા ક્યાંથી? પણ ગંધર્વને કંઈક ઝાંખુંઝાંખું લાગતું કે છાયામાં એવું કંઈક હતું જે તેની અપ્સરાઓમાં ન હતું. છાયાએ કદી તેની પાસે કંઈ માગ્યું જ ન હતું. ગંધર્વ માટે આ અનુભવ તદ્દન નવો જ હતો. ધીરે ધીરે ગંધર્વના ધરતીનિવાસના દિવસો પૂરા થવા આવ્યા. એક દિવસ છાયાને પોતાની નિકટ બેસાડી તેણે એ વાત કહી. છાયા સાંભળી રહી. તેણે કંઈ જવાબ ન આપ્યો. તેની આંખમાંથી બોર બોર જેવાં આંસુ ટપકવા લાગ્યાં. ગંધર્વ તે જોઈ રહ્યો. છાયા માટે તેના હૃદયમાં કરુણા જાગી. પણ તેણે જોયું કે પોતાની અને છાયાની વચ્ચે એક મોટું અંતર હતું. પોતે સ્વર્ગનો રહેનારો હતો; છાયા ધરતીની કન્યા હતી. એ સ્થિતિભેદ દુર્નિવાર હતો. એમ કરતાં છ વર્ષ પૂરાં થવા આવ્યાં. હવે તો એક જ દિવસ બાકી રહ્યો. બીજે દિવસે તો સ્વર્ગમાંથી પોતાને તેડવા વિમાન આવવાનું છે એમ ગંધર્વને ખાતરી થઈ. પહેલાં તો તેને થયું કે છાયાને એ વાત નહિ કહેવી એ ઠીક છે. પણ છ છ વર્ષ સુધી પોતાના અંગની છાયાની જેમ જ જે પોતાની સાથે રહી હતી તેને ‘હું જાઉં છું, છાયા!’ એટલું કહેવા જેટલો વિવેક પણ ન કરાય એ તેને જરા અજુગતું લાગ્યું. એથી સાંજે આથમતી સંધ્યા સામે બેસી તેણે છાયાને કહ્યું : ‘છાયા, કાલે મને તેડવા વિમાન આવશે. એટલે હું હવે સ્વર્ગે પાછો જઈશ.’ છાયા નિરુત્તર રહી, માત્ર તેની આંખે જવાબ આપ્યો – આંસુથી. ગંધર્વનું હૃદય દ્રવ્યું. પણ શા માટે એ નથી સમજતી કે પોતે આ લોકનો નથી? બેચાર દિવસ તેને જરા સાલશે, પણ પછી તે તેને ભૂલી જશે એમ તેણે તેનું મન વાળ્યું. ગંધર્વને આખી રાત સ્વર્ગનાં ને સ્વર્ગનાં જ સ્વપ્નમાં આવ્યાં. છ છ વર્ષ પછી પાછો તે શાશ્વત વિલાસની દુનિયામાં જનાર હતો. તે અપ્સરાઓ અને ત્યાંના તે અનંત રજનીવિહારો એ બધું વારંવાર તેના મનમાં ને મનમાં લહેરાવા લાગ્યું. છાયા તે રાતે ઊંઘી નહિ. ત્રણ ચાર વખત તે ગંધર્વની નિકટ આવી ભાવભર્યાં નયને તેનાં બિડાયેલાં નેત્રો પ્રતિ નિ:શ્વાસ સહ જોઈ ગઈ. આખી રાત તેણે ગંધર્વ માટે નવાં વલ્કલ તૈયાર કર્યાં. તેના ઉપર ફૂલોના શણગાર ગૂંથ્યા. તે ઊઠે એ પહેલાં તો તેણે અનેક પકવાન્ન પણ તૈયાર કરી દીધાં. ઝુંપડીમાં ચારે બાજુએ તેણે મૃદુ સૌરભ ફેલાવી દીધી. ગંધર્વનું હૃદય તો આનંદથી ભર્યું હતું. એ આનંદના ઘેનમાં ઝૂંપડીમાં થયેલા ફેરફાર પણ એના ધ્યાનમાં આવ્યો નહિ. પોતાનાં નવાં સુંદર વલ્કલોનો પણ તેને ખ્યાલ રહ્યો નહિ. ઉતાવળું ઉતાવળું ભોજન આટોપી તેણે છાયાને કહ્યું : ‘છાયા, હું હવે જઈશ. મારાથી અહીં વધુ ન રહેવાય. શ્વેતગિરિ પર મને તેડવા આજ વિમાન આવશે.’ છાયાએ કંઈ જવાબ ન આપ્યો. તેના ચરણમાં તે નમી. તેની પદરજ શિરે લઈ, પોતાના નયનનીરથી તેના પગ ધોઈ તેના પર કુંકુમઅક્ષત ચડાવ્યાં. ગંધર્વ પાસેથી એક પણ શબ્દની અપેક્ષા વિના તે ઝુંપડીમાં તરત જ અદૃશ્ય થઈ ગઈ. ગંધર્વને સહેજ દુ:ખ થયું. પણ શા માટે તેણે આવો મોહ રાખવો જોઈએ? શા માટે તે સમજતી નથી કે પોતે દેવલોકનો છે અને તે મૃત્યુલોકની છે? શ્વેતગિરિ પ્રતિ ગંધર્વે ડગ માંડ્યાં. રસ્તામાં તેને કોઈ અપૂર્વ સુરભિનો ખ્યાલ આવ્યો. તેણે તે ક્યાંથી આવે છે તે જોવા નેણ ફેરવ્યાં તો પોતાનાં વલ્કલ પ્રતિ તેની નજર પડી. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે આખી રાત જાગી છાયાએ તેના સ્વર્ગગમન માટે આ સુંદર કુસુમસજ્જ વલ્કલ તૈયાર કર્યાં હતાં. તેને આજનું એ અમૃતમીઠું ભોજન પણ યાદ આવ્યું. કેવો પ્રેમ! કેવો સ્વાર્થત્યાગ! છાયાને પોતે કૃતજ્ઞતાનો એક મીઠો શબ્દ પણ ન કહ્યો! સ્વર્ગમાંથી પોતે ધરતી પર જે દિવસે આવ્યો તે પ્રસંગ તેને યાદ આવ્યો. જે સ્વર્ગના લોકોને દિવસરાત તે પોતાના અદ્ભુત સંગીતથી ગાંડા કરતો હતો, તેમણે જ્યારે તે સ્વર્ગમાંથી પડ્યો ત્યારે સહાનુભૂતિનું એક આંસુ તો શું પણ એક શબ્દ પણ કહ્યો હતો? અને તે બધી અપ્સરાઓ! તે બધી તો તેના સંગીતની મિત્ર હતી—તેનું પોતાનું સ્વર્ગમાં કોણ હતું? ત્યાં ક્યાંય પણ સ્નેહ, ત્યાગ, આંસુ હતાં? છાયા પ્રતિ ઉપકારથી, સ્નેહથી ગંધર્વનું હૃદય ભરાઈ આવ્યું. એક વાર તેને મળી, તેને ખૂબ ધીરજ આપી, ખૂબ સ્નેહ કરી, તેની રજા લઈ આવવાનું તેને મન થયું. ઝૂંપડી પ્રતિ તે પાછો આવ્યો. ઝૂંપડી અન્ય નીરવ હતી. તેણે બૂમ પાડી. ‘છાયા!’ પણ અંદરથી કોઈએ જવાબ નહિ આપ્યો. ધડકતે હૃદયે તે અંદર પેંઠો. અંદરનું દૃશ્ય જોતાં તે થંભી ગયો. પોતાનું હૃદય બંધ પડી જશે એમ તેને લાગ્યું. ગંધર્વનાં જૂનાં વલ્કલો ઉર સરસાં ધરી છાયા જાણે મૃત્યુની એક મીઠી નીંદમાં સૂતી હતી. અસહાય બની ગંધર્વ ધરતી પર ઢળી પડ્યો. છાયાનું શિર પોતાના ખોળા પર લઈ તેના પર આંસુનો તેણે અભિષેક કર્યો. સ્વર્ગનું વિમાન આવી ગંધર્વ વિના પાછું ગયું. છાયાની સ્મૃતિનું પ્રાણાધિક જતન કરતો, ધરતીના અણુઅણુમાં પોતાના દર્દભર્યા સંગીતથી વેદનાની એક મીઠી લહરી જગાડતો ગંધર્વ ધરતી ઉપર જ રહ્યો.

‘સ્વર્ગ અને પૃથ્વી’માંથી

સ્વાધ્યાય

૧. આ વાર્તામાં સ્વર્ગજીવનની જે કલ્પના છે તે સંબંધી તમારો અભિપ્રાય જણાવો.
૨. ગંધર્વ શાથી પદભ્રષ્ટ થયો?
૩. છાયા અને ગંધર્વ-બેમાંથી તમને કોણ વધુ ગમ્યું? શાથી?
૪. ટૂંકી વાર્તાનું મંડાણ કોઈ એક મહત્ત્વની ઘટના ઉપર હોય છે. આ વાર્તામાં એવી ઘટના કઈ?
૫. આ વાર્તાનું શીર્ષક ‘આંસુ’ રાખ્યું હોત તો? ‘સ્વર્ગ અને પૃથ્વી’ અને ‘આંસુ’ વચ્ચે તમે કયું પસંદ કરો તે એ બન્ને શીર્ષકોના તુલનાત્મક રીતે ગુણદોષ બતાવી જણાવો.
૬. આ વાર્તામાં વપરાયેલા કેટલાક અલંકારો બતાવો અને તેની વાર્તાની ભાષા ઉપર શી અસર થઈ છે તે જણાવો.